Opinion Magazine
Number of visits: 9741947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂઢિવાદિતા અને લૈંગિક અસમાનતામાંથી મુક્તિની દિશામાં ..

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 March 2024

ચંદુ મહેરિયા

આમ તો એ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કરેલી નાનકડી પુસ્તિકા છે. પરંતુ નારી મુક્તિની દિશામાં આ નાનકડું પગલું અનેક સકારાત્મક અસરો જન્માવે તેવું છે. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટસને યૌન હિંસાના કેસોની સુનાવણી દરમિયાન પિતૃસત્તાત્મક ધારણાઓ અને લૈંગિક રૂઢિવાદથી મુક્ત રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા. માર્ચ ૨૦૨૩માં LGBTQ હેન્ડબુક પ્રગટ કરી હતી. એ વખતે જ વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે મહિલા સંબંધી ભેદભાવ અંગે હેન્ડબુક પ્રગટ કરવા આશા વ્યક્ત કરી હતી. અદાલતોમાં કેસની કાર્યવાહી દરમિયાન વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકો રૂઢિવાદથી દૃઢ થયેલા શબ્દો અને માન્યતાઓ વ્યક્ત કરે છે. તેની અસર ચુકાદા પર  પણ પડે છે. એટલે માંડ ત્રીસ પાનાંની HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES મહિલા સંબંધી પરંપરાગત માન્યતાઓમાંથી છૂટકારો અપાવવામાં અગત્યની છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ આ હેન્ડબુક કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ તૈયાર કરી છે. સમિતિના સભ્યો રિટાયર્ડ જસ્ટિસ પ્રભા શ્રીદેવન, જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સેન હતાં. હેન્ડબુકમાં સ્ટિરીઓટાઈપ્સ એટલે શું તે જણાવ્યું છે. મહિલાઓ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓ ઉદાહરણો સાથે જણાવી છે તો અસમાનતાસૂચક શબ્દોના વિકલ્પો દર્શાવ્યા છે. મહિલાઓ અને કન્યાઓ માટે લિંગ-તટસ્થ શબ્દોની સૂચિ સાથે તેમની મર્યાદા અને ગરિમાને અનુરૂપ વૈકલ્પિક શબ્દો આપીને મુક્તિની ભાષા કેવી હોવી જોઈએ તે જણાવવા પ્રયાસ કર્યો છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડે પ્રસ્તાવનામાં કાયદાના મૂલ્યો શબ્દના માધ્યમથી સંચરિત થાય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી છે કે લૈંગિક દૃષ્ટિકોણથી ન્યાયપૂર્ણ શબ્દાવલીનો ન્યાયાધીશો ઉપયોગ કરશે તો આખા સમાજ પર તેની સારી અસર પડશે અને સમાજ પણ તે શબ્દોનો ઉપયોગ કરતો થશે. એ સાચું કે અદાલતી ચુકાદામાં ન્યાયાધીશો ભેદભાવકર્તા શબ્દોનો ઉપયોગ ન કરવા સભાન હોય છે પરંતુ જ્યારે મોટાભાગનો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હોય ત્યારે જજીસ અને એડવોકેટ્સ તેનાથી મુક્ત હોતા નથી. એટલે ઊલટતપાસમાં કે કેટલાક ચુકાદાઓ સુધ્ધાંમાં આવા શબ્દો કે માન્યતાઓ જોવા મળે  છે. આ પુસ્તિકામાં એ શબ્દો, વાક્યાંશો અને માન્યતાઓની ઓળખ કરવામાં આવી છે અને તેના વિકલ્પો  જણાવ્યા છે.

કેટલાક અદાલતી ચુકાદાઓ મહિલા સંબંધી રૂઢિવાદી માન્યતાઓથી ગ્રસ્ત જોવા મળે છે. નૈના સહાની તંદૂરકાંડના આરોપી સુશીલ શર્માને ફાંસીને બદલે  આજીવન કારાવાસની સજા કરી હતી. કેમ કે ન્યાયાધીશો એવી પરંપરાગત માન્યતા ધરાવતા હતા કે નૈના સહાની ભણેલી-ગણેલી અને મહત્ત્વાકાંક્ષી સ્ત્રી હતી.તે એક ગરીબ અને અસહાય મહિલા નહોતી ! પરંતુ પિતાના ખૂન કેસની આરોપી શબનમને ફાંસીની સજા એટલે આપી કે જજોની માન્યતા હતી કે પિતાનું આજીવન માન-સન્માન જાળવવાની જેની પાસે આશા હોય તે પુત્રી જ પિતાનું મર્ડર કરે તો તેને ફાંસીથી ઓછી સજા ના થઈ શકે. રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૫ના ભંવરીદેવી સામૂહિક બળાત્કારકાંડના તમામ અરોપીઓને મુક્ત કરતાં ચુકાદામાં કહેલું કે બળાત્કારનો ભોગ બનેલાં ભંવરીદેવી સુંદર નથી, કથિત નિમ્ન જ્ઞાતિનાં છે તેથી તેમના પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો બળાત્કાર કરી શકે નહીં. ન્યાય તોલનારા ન્યાયાધીશો કેવી લૈંગિક અસંવેદનશીલતા ધરાવી શકે છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. લૈંગિક ન્યાયને હાનિકર્તા ચુકાદા અને ટિપ્પણીઓ સુપ્રીમની હેન્ડબુકથી અટકશે તેવી આશા રાખવી રહી.

સ્ટીરિયોટાઈપ્સ અર્થાત્‌ ઘસાઈ ગયેલી કે પરંપરાગત માન્યતા, પરંપરાથી ઘર કરી ગયેલી, રૂઢ થઈ ગયેલી ધારણા કેવી હોય છે તે પણ સુપ્રીમે ઉદાહરણોથી જણાવ્યું છે. ૧. મહિલાઓ અતિભાવુક અને તર્કહીન હોય છે તથા નિર્ણયો લઈ શકતી નથી. ૨. મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે નબળી હોય છે. ૩. દરેક મહિલા બાળક પેદા કરવા માગે છે. ૪. મહિલાઓ બીજાની દેખભાળ કરવા માટે વધુ યોગ્ય હોય છે. જેવા ઉદાહરણોને રૂઢિગત માન્યતા ગણાવીને હેન્ડબુકમાં તે માન્યતા કે ધારણાનો છેદ ઉડાડતી તાર્કિક દલીલો કરવામાં આવી છે.

મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે અસમાનતા દર્શાવતા લગભગ ચાળીસ શબ્દો તેના વિકલ્પ સહિત જણાવ્યા છે. અદાલતી કાર્યવાહીમાં હવે ઇન્ડિયન વુમન કે વેસ્ટર્ન વુમનને બદલે માત્ર વુમન, પ્રોવોક્ટિવ ક્લોથિંગ (ભડકાઉ કે ઉત્તેજક કપડાં) ને બદલે માત્ર ડ્રેસ કે કપડાં, બાસ્ટર્ડ કે નાજાયજ ઓલાદ ને બદલે એવું બાળક જેના માબાપે લગ્ન કર્યા નથી., હાઉસવાઈફ ને બદલે હોમમેકર, અવિવાહિત મા ને બદલે મા, વેશ્યાના વિક્લ્પે યૌનકર્મી કે સેક્સવર્કર, સેક્સ ચેન્જ ને બદલે જેન્ડર ટ્રાન્ઝિશન કે સેક્સરિએસાઈનમેન્ટ, પીડિતાને બદલે યૌન હિસાથી પ્રભાવિત, ઈવ ટીજિંગ કે છેડછાડ ને બદલે ગલી કે સડક પર યૌન ઉત્પીડન, બાળવેશ્યાને બદલે જેમનું ટ્રેફિકિંગ થયું છે તેવા બાળકો, પતિવ્રતા, આજ્ઞાકારી અને વિશ્વાસપાત્ર પત્નીને બદલે પત્ની, અફેર ને બદલે લગ્ન બાહ્ય સંબંધ –  શબ્દોનો ઉપયોગ કરવા સૂચવ્યું છે.

આ હેન્ડબુક કોઈ અદાલતી હુકમ નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં બાળકીઓ અને મહિલાઓ માટેના નકારાત્મક તથા ઘૃણિત માનસિકતાના ધ્યોતક શબ્દોના સ્થાને તટસ્થ શબ્દોના ઉપયોગથી એ સિદ્ધ થશે કે અદાલતોને મહિલાઓ અંગેની પરંપરાગત માન્યતાઓ, ધારણાઓ અને શબ્દો સ્વીકાર્ય નથી. કમ સે કમ ન્યાયતંત્ર તો લૈંગિક સમાનતાની તલાશ અને અમલ માટે પ્રતિબધ્ધ છે. બંધારણે સમાજ પરિવર્તનની જે શક્તિ  અદાલતોને આપી છે તેનો તે અમલ કરી રહી છે તેવું આ હેન્ડબુકના પ્રકાશનથી જણાશે..

જ્યારે ન્યાયાલયો સમક્ષ વેશ્યા કે પ્રોસ્ટિટ્યૂટ્ને બદલે સેક્સવર્કર શબ્દ વપરાય અને તેને કારણે વર્કરની કામની જગ્યા, કામની સ્થિતિ, આવક, આરોગ્ય જેવી બાબતો ચર્ચાય તો આ હેન્ડબુકનું હોવું સાર્થક બની શકે છે. કાયદા કે ન્યાયાલયની બહાર, ભાષા અને વ્યવહારમાં સુપ્રીમની આ હેન્ડબુકનો અને તે થકી મહિલા સમાનતા તેમ જ મહિલા ગરિમાનો તેનો સંદેશ આત્મસાત થાય તો બંધારણનિર્માતાઓનો બરાબરીનો હક વાસ્તવમાં સૌને મળી શકે.

સમાજ અને તેના ભાગરૂપ પોલીસ અને શિક્ષણ રૂઢિવાદિતાને સવિશેષ પોસે છે. એટલે જો  આ માર્ગદર્શિકા પ્રમાણે તેમના વ્યવહાર, વિચારો અને પદ્ધતિમાં ફેરફાર આવી શકે તો સુપ્રીમનો મોટા પરિવર્તનનો નાનો પ્રયાસ દીપી ઊઠે તથા આગળ ધપી શકે. લૈંગિક રૂઢિવાદિતાની મસમોટી ખાઈ ભરવાના આવા નાનકડા પ્રયાસો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખરી ઉજવણી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

લોકસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે 15મી માર્ચ એક નિર્ણાયક તારીખ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2024

સવાલ ચૂંટણી પંચના વજૂદનો

આપણી લોકશાહીની મુખ્ય વહીવટી સંસ્થાઓ જો પોતાનો વ્યવહાર સ્વાયત્તપણે ન કરી શકવાની હોય તો એટલા પ્રમાણમાં લોકશાહી બેમતલબ અને રસકસ વિનાની બની રહે તે દેખીતું છે. એ.ડી.આર. સરખી સ્વતંત્ર નાગરિક મંડળી આ દિશામાં તકેદારીની દૃષ્ટિએ મહત્ત્વનું કામ કરી રહી છે.

પ્રકાશ ન. શાહ

લાગે છે, આવતી કાલનો દિવસ, 15મી માર્ચને શુક્રવાર આવું આવું લોકસભા ચૂંટણી પરત્વે નોંધપાત્ર બની રહેશે. બને કે નવાજૂનીની અપેક્ષા નકરું છમકલું બનીને ય રહી જાય. પણ આપણા લોકશાસનની વહીવટી સંસ્થાઓનું વજૂદ જે રીતે ઉત્તરોત્તર ઘટતું હોવાનો વાસ્તવિક ભય તોળાય છે એની વચ્ચે ભલે એક નાનકડી પણ ‘રુક જાવ’ સંભાવના આવતીકાલ સાથે ટૂંકા ને લાંબા ગાળાની રીતે સંકળાયેલી છે.

રહો, વાતમાં ઝાઝું મોણ નાખ્યા વગર સીધો વિગતમુદ્દા પર આવું. સર્વોચ્ચ અદાલતની આદેશાત્મક સૂચનાને પગલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાસી આનાકાની અને આંબે આવશે મહોર શૈલીએ છેક ત્રીસમી જૂનની મુદ્દત માગી હતી. ઇલેકટોરલ બોન્ડને લગતી આ વિગતો, ભલે સરકાર ને સત્તાપક્ષ 2019ની ચૂંટણીમાં ચુકાવી ગયા, હમણાં તો બહાર આવવી જ જોઈએ તે મુજબ સર્વોચ્ચ અદાલતે 12મી માર્ચની તારીખ આપી હતી. તેને બદલે જૂનના વાયદાનો ઉઘાડો અર્થ એ જ થાય કે તમે એક ઓર ચૂંટણીમાં તમારો નાણાંસ્રોત રાજકીય સાર્વભૌમ કહેતાં જનતાથી ઓઝલ રાખવા ઇચ્છો છો. હવે, જ્યારે સર્વોચ્ચ અદાલતે એસ.બી.આઈ.ની (અલબત્ત, સરકાર પ્રેરિત) મુદ્દતમાંગમાં અદાલતી તિરસ્કારની કારવાઈ રૂપે ત્રીજી આંખની ભાષામાં વાત કરી એટલે એસ.બી.આઈ. પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આદેશ પ્રમાણે આ વિગતો ઇલેક્શન કમિશન પાસે પહોંચી ગઈ છે અને પંચના સ્રોત પ્રમાણે ‘એ ડિજિટલ ફોર્મમાં છે એટલે તરત 15મી માર્ચે આપવામાં વાંધો ન આવવો જોઈએ.’

સરકાર અને કહ્યાગરી એસ.બી.આઈ.નો એક કોઠો તો માનો કે ભેદી શકાવામાં છે, પણ ઇલેક્શન કમિશનની સ્વતંત્ર કાર્યભૂમિકાને બેરોકટોક ગ્રહણ લાગી શકે એવો ય ભય તોળાઈ રહ્યો છે. હાલ એક માત્ર વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ કાર્યરત છે. એમના બે સાથી કમિશનરોની જગ્યા ખાલી છે. ફેબ્રુઆરીમાં અનુપચંદ્ર પાંડેય નિવૃત્ત થયા, અને ગયે અઠવાડિયે અરુણ ગોયલનું ઓચિંતું રાજીનામું આવી પડ્યું. હવે ડિસેમ્બર 2023ના કાયદા પ્રમાણે વડા પ્રધાન, માન્ય વિપક્ષના (અગર તો એના અભાવમાં ગૃહમાંના સૌથી મોટા પક્ષના) નેતા તેમ જ વડા પ્રધાન સૂચવે તે એક કેબિનેટ સાથીએ બાકી બે કમિશનરો માટે નિર્ણય લેવાનો રહે. દેખીતી રીતે જ, આ જોગવાઈમાં કોઈ સ્વતંત્ર અભિગમની ગુંજાશ નથી રહેતી, કેમ કે ત્રણ સભ્યો પૈકી બેની સરકારી બહુમતી ચોખ્ખી છે.

સદ્દભાગ્યે, જેની રજૂઆતથી ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો બહાર આવ્યો તે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ – એ.ડી.આર. આ મોરચે પણ સક્રિય છે. જેવો ડિસેમ્બર 2023નો કાયદો આવ્યો કે એણે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી, અને અદાલતે એને એપ્રિલની તારીખ પણ આપી હતી. પણ ઇલેક્શન કમિશનમાં ત્યારે નહીં એવા જે સંજોગો આજે છે એ જોતાં એપ્રિલની જૂની મુદ્દત એસ.બી.આઈ.એ તીસમી જૂનની જે માંગ કરી હતી એના જેવી જ બની રહે ને !

એ.ડી.આરે. આ મુદ્દો ઉઠાવ્યો અને એની તાકીદ ગ્રાહ્ય રાખી સર્વોચ્ચ અદાલતે એપ્રિલને બદલે ચાલુ અઠવાડિયે જ, આવતીકાલે 15મી માર્ચે આ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. વસ્તુતઃ એ.ડી.આર.ની વિગત રજૂઆત ધીરજથી સમજવા જેવી છે. ડિસેમ્બર 2023માં જે કાયદો આવ્યો તે સર્વોચ્ચ અદાલતે માર્ચમાં એક સંદર્ભમાં આપેલા ચુકાદાને અન્વયે હતો. ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે ચોક્કસ કાનૂની જોગવાઈ જરૂરી છે અને એમના કાર્યમાં સ્વતંત્રતા જળવાઈ રહે એવી તટસ્થ નિયુક્તિ પદ્ધતિની એમાં કાળજી લેવી જોઈએ. મતલબ, નિમણૂકનો અધિકાર સુવાંગ સરકાર હસ્તક ન જોઈએ – જેમ કે, વડા પ્રધાન, વિપક્ષ નેતા ઉપરાંત ત્રીજા સભ્ય દેશના વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ. એટલે પરબારી સરકારી નિયુક્તિની સંભાવના ટાળી શકાય. સ્વાભાવિક જ, સર્વોચ્ચ અદાલતની ભૂમિકા તટસ્થ ને સ્વતંત્ર ચૂંટણી કમિશનને અનુલક્ષીને હતી. આ સાફ વાત પછી પણ સરકારે ડિસેમ્બરમાં કરેલો કાયદો કેવળ ને કેવળ એક તરફી છે. જાન્યુઆરીમાં જ એ.ડી.આરે. એને પડકાર્યો હતો, અને હવે હાથ ધરાઈ રહેલ છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 માર્ચ 2024

Loading

દોડતાં રહેવું પડે

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|14 March 2024

સ્થાન જાળવી રાખવા સતત દોડતા રહેવું પડે.

ના હો વાંકગુનો તો પણ હાથ જોડતા રહેવું પડે.

ખબર હોય કે છે ખટપટનું ધામને ઈર્ષાળુ કેટલાક,

સંબંધ જાળવી રાખવા હસતાં મળતાં રહેવું પડે.

હોય સત્તા કે સંપદા જેની પાસે અઢળક ઈશદત્ત,

સમયના તકાજે એને મનમારી નમતાં રહેવું પડે.

હોય ઘર બિમારીનુંને ના હોય રુચિ ભોજન તણી,

તો ય શરીરને ટકાવવા રોજરોજ જમતાં રહેવું પડે.

હોય ખાતરી કે ઈશ્વર નહીં આવે મામેરું પૂરવાને,

તેમ છતાં સર્વોપરી જાણી વંદન કરતાં રહેવું પડે.

‘દીપક’ કેટલી છે કરુણતા આ માનવજીવન તણી,

સામે હોય ખડી મુસીબતને ડગ ભરતાં રહેવું પડે.

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

...102030...794795796797...800810820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved