Opinion Magazine
Number of visits: 9665862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમને કઈ ભારતીય મૂલ્યવ્યવસ્થા સ્વીકાર્ય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 February 2024

“My Swaraj is to keep intact the genius of our civilization. I want to write many new things, but they must all be written on the Indian slate.”

— Mahatma Gandhi

વડા પ્રધાને મોરબી નજીક ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દી નિમિત્તે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા ભારતીય મૂલ્યો આધારિત હોવી જોઈએ. દયાનંદ સરસ્વતીએ આ જ શીખ આપણને આપી હતી.

આગળ વધતા પહેલાં અહીં થોડી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જે કોઈ ભારતીય મૂલ્યો છે એ મુખ્યત્વે હિંદુ મૂલ્યો છે. ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે અને તેઓ વધારે નહીં તો પણ કમ સે કમ આ ધરતી પર પાંચેક હજાર વરસથી એકધારું અસ્તિત્વ ધરાવે છે. બીજી પ્રજા પોતપોતાનાં મૂલ્યો લઈને ભારતમાં આવી છે અને કાયમ માટે ભારતને વતન બનાવીને તેમાં સમાઈ ગઈ છે. એને પરિણામે હિંદુ મૂલ્યો ભારતીય બન્યાં છે, વધારે સમૃદ્ધ બન્યાં છે અને વધારે સ્વીકાર્ય પણ. વડા પ્રધાને પણ ભારતીય મૂલ્યોની વાત કરી છે હિંદુ મૂલ્યોની વાત નથી કરી. હિંદુ વિનાની ભારતીયતા અધૂરી છે.

પણ સવાલ એ છે કે કયાં મૂલ્યો ખાસ ભારતીય છે, ભારતમાં તે વિશેષરૂપે જોવા મળે છે જેના પર આધારિત શિક્ષણ આપવાનું વડા પ્રધાન કહે છે? સત્ય, પ્રમાણિકતા, શુદ્ધ વ્યવહાર વગેરે મૂલ્યો વૈશ્વિક છે. આખું વિશ્વ આનો સ્વીકાર કરે છે. જગતનો કોઈ ધર્મ જૂઠું બોલવાનું, છેતરપીંડી કરવાનું કે દગાખોરી કરવાનું શીખવતો નથી કે નથી કોઈ મહાપુરુષે એવી કોઈ શીખ આપી. તો પછી એવાં કયાં મૂલ્યો છે જે ખાસ ભારતીય છે. ભારતમાં વિકસ્યાં છે, ભારતીય પ્રજાએ અપનાવ્યાં છે અને એનાં થકી ભારતીય પ્રજા ઓળખાય છે? મૂલ્યોમાં જીવનદર્શન અને જીવનશેલીનો પણ સમાવેશ કરવો જોઈએ.

અહિંસા ભારતીય મૂલ્ય છે. વસુધૈવ કુટુંબકમ્‌ ભારતીય મૂલ્ય છે. પરાયાને પોતાનાં કરવા એ ભારતીય મૂલ્ય છે. સહિષ્ણુતા એ ભારતીય મૂલ્ય છે. સહઅસ્તિત્વ એ ભારતીય મૂલ્ય છે. પ્રત્યેક ધર્મ, સંપ્રદાય અને માન્યતાઓ માટે સમાદર એ ભારતીય મૂલ્ય છે. વહેંચીને ખાવું (तेन त्यक्तेन भुञ्जीथा:) એ ભારતીય મૂલ્ય છે. અપરિગ્રહ ભારતીય મૂલ્ય છે. ઓછી જરૂરિયાત, સાદગી અને સંયમ એ ભારતીય મૂલ્ય છે. સ્વાયત્ત ગ્રામવ્યવસ્થા ભારતીય મૂલ્ય છે. વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે તાલમેલ એ ભારતીય મૂલ્ય છે. હઠાગ્રહની જગ્યાએ અનેકાંત એ ભારતીય મૂલ્ય છે. સંયુક્ત કુટુંબ અને સહભાગિતા એ ભારતીય મૂલ્ય છે. એમાં કમાઈ નહીં શકનારાઓને કે પછી પતિ કે પિતા ગુમાવનાર વિધવા કે બાળકોને પરિવારમાં સંભાળી લેવામાં આવતા હતા. અને આવા હજુ બીજા ભારતીય મૂલ્યો જડી આવશે જે મુખ્યત્વે ભારતમાં વિકસ્યાં છે અને ભારતની પ્રજાએ તેને જીવનમૂલ્ય તરીકે સ્વિકાર્યાં છે.

આનો અર્થ એવો નથી કે આપણામાં કોઈ ઊણપ નથી. ઊણપ ઘણી છે અને શરમાવું પડે એવી છે. ફરી એકવાર ગાંધીજીને યાદ કરવા પડે. ગાંધીજીએ કહ્યું હતું કે વિશ્વના પ્રત્યેક ધર્મ (અને સભ્યતા પણ) સાચા અને મહાન છે, પણ દરેક અધૂરા છે. સર્વાંગસંપૂર્ણ કોઈ નથી. ભારતમાં જોવા મળતા ધર્મો અને સંપ્રદાયો તેમ જ આપણો સમાજ અને સભ્યતા પણ અધૂરા છે. જે ખામી છે તેનો સ્વીકાર કરવો જોઈએ.

હવે બીજો સવાલ. જે ભારતીય મૂલ્યો છે, જેને માટે ભારત વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે, જે ભારતની ઓળખ છે એને માટે તમે આદર ધરાવો છો ખરા? હા કે ના-નો નિર્ણય લેતા પહેલાં ફરી એકવાર વાંચી જાવ કે ભારતીય મૂલ્યોમાં કયા કયા મૂલ્યોનો સમાવેશ થાય છે. હિંસા, હિંસાનો મહિમા, લઘુમતી કોમ ઉપર દાદાગીરી, જોહુકમી, સંગ્રહવૃત્તિ, કોઈનો હક મારવો, અન્યાય, અકરાંતિયાપણું કે ખાઉધરાપણું, સૃષ્ટિ અને વ્યક્તિનું શોષણ, જૂઠાણાં, કાનાફૂસી, કોઈને નિશાન બનાવીને પાછળ પડવું કે બદનામ કરવા, અસહિષ્ણુતા, બંધિયારપણું, કહેતી અને કરણી વચ્ચે ફરક વગેરે જે આજે પ્રચૂર માત્રામાં જોવા મળે છે એ ભારતીય છે? ક્યાંથી આવી આ વિકૃતિ જેનો ભારતની પ્રજા હરખભેર સ્વીકાર કરી રહી છે? શા માટે આવી વિકૃતિ સ્વીકાર્ય બની રહી છે અને કોણ આનો પ્રચાર કરી રહ્યા છે? તમે જો આ વિકૃતિના ગ્રાહક હો તો તેનો પૂરવઠો કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે એ વિષે વિચારવું જોઈએ.

અને હવે ત્રીજો અને મહત્ત્વનો સવાલ. ભારતીય મૂલ્યો વિષે કોણે અભિમાન દાખવ્યું છે, કોણે તેને સમૃદ્ધ કર્યાં છે, કોણે તેને આધુનિક યુગમાં સ્વીકાર્ય બનાવવા માટે જહેમત ઊઠાવી છે, કોણે પાશ્ચાત્ય મૂલ્યવ્યવસ્થા અને જીવનશૈલી વિષે પ્રશ્નો કર્યા છે અને કોણે તે અંગે સાંગોપાંગ વિમર્શ કર્યો છે? માત્ર કહ્યું નથી, એ રીતે જીવન જીવી બતાવ્યું અને રાજકારણ જેવા ક્ષેત્રમાં પણ તેનો ખપ સાબિત કર્યો. દેશને આઝાદી અપાવી, સંસ્થાનવાદ સામે વૈશ્વિક સ્તરે પ્રતિપક્ષ પેદા કર્યો અને પશ્ચિમમાં વિકસેલી અને સ્વીકૃત બનેલી કહેવાતી આધુનિકતા સામે સવાલો કર્યા. કોણે તોપના બળ સામે આપબળને વધારે શક્તિશાળી સિદ્ધ કરી બતાવ્યું?

જવાબ છે મહાત્મા ગાંધી. લાખો પ્રયત્નો પછી પણ ગાંધી મરતો નથી એનાં આ કારણ છે. જે વાત વડા પ્રધાન કહે છે એનો જવાબ તો ગાંધી આપે છે. પ્રારંભમાં જે અવતરણ ટાંક્યું છે એ ફરી વાર વાંચો. મારી સભ્યતામાં જે અમૂલ્ય છે એ મારે જાળવી રાખવું છે. મારે ઘણું નવું લખવું છે, પરંતુ એ મારી પાટી પર. મારા માટે આ સ્વરાજ છે. બહુમતી કોમની જોહુકમી આધારિત રાષ્ટ્રવાદ એ ભારતીય પાટીનું લખાણ નથી, પશ્ચિમમાંથી આયાત કરવામાં આવેલી પાટીનું લખાણ છે. આ સિવાય આજે દેશમાં જે જોવા મળી રહ્યું છે એ ભારતીય પાટી પરનું લખાણ નથી, વિદેશથી આયાત કરવામાં આવેલી પાટીમાંનું લખાણ છે. ગાંધીજીની સ્વરાજની કલ્પના વિષે વધારે જાણવાની ઉત્સુકતા હોય તેમણે ગાંધીજીના અક્ષરદેહનાં ૨૪માં ખંડમાં (પૃષ્ઠ ૨૬૫) કાઁગ્રેસ મહાસમિતિના સભ્યોને ઉદ્દેશીને લખેલો પત્ર વાંચી જાય જેમાંથી ઉક્ત અવતરણ લેવામાં આવ્યું છે. આ સિવાય ‘હિન્દ સ્વરાજ’ તો છે જ.

બીજી બાજુ હિન્દુત્વવાદીઓએ ભારતીય મૂલ્યવ્યવસ્થા વિષે કોઈ વિમર્શ કર્યો છે? કોઈ પુસ્તક, કોઈ પ્રબંધ, કોઈ લખાણ, કોઈ ચર્ચા, કોઈ ઊહાપોહ, કોઈ સેમીનાર કર્યો હોય તો તેની નોંધવહી (પ્રોસિડીંગ્સ). પ્લીઝ કોઈ વિદ્વાન હોય તો મારું ધ્યાન દોરે. મારે જાણવું છે કે તેમને કઈ ભારતીય મૂલ્યવ્યવસ્થા અભિપ્રેત છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 ફેબ્રુઆરી 2024

Loading

જ્યારે ભારતે મુસ્લિમ દેશોને પાકિસ્તાનના પ્રિઝમથી જોવાનું બંધ કર્યું ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 February 2024

કતારથી આઠ અધિકારીઓનું ઘરે પાછા ફરવું અને અબુ ધાબીમાં હિંદુ મંદિરની સ્થાપના એ કેન્દ્ર સરકાર માટે મોટી રાજદ્વારી જીતના પુરાવા છે

ચિરંતના ભટ્ટ

તાજેતરમાં બે અગત્યની ઘટનાઓ ઘટી. એક તો કતારમાં ભારતીય નૌકાદળના જે પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા ફટકારી હતી તેમની સજા પાછી ખેંચાઈ અને તે સાજા-સમા ભારત પાછા ફર્યા. બીજી ઘટના કે યુ.એ.ઇ.ની રાજધાની અબુ ધાબીમાં ભવ્ય સમારોહ સાથે BAPSના હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમ તો એક બીજાથી સદંતર જુદી લાગતી ઘટનાઓ છે, પણ બન્નેનો સાર સમાંતર છે. મુસ્લિમ દેશો હોવા છતાં, આકરા ધાર્મિક અને કાયદાકીય નિયમોને અનુસરનારા દેશો હોવા છતાં આ ઘટનાઓ શક્ય બની છે અને તેની પાછળ બહુસ્તરીય કારણો છે. વૈશ્વિક રાજકારણની ફલકમાં ભારત પ્રત્યે મુસલમાન દેશોનું આ વલણ સપાટી પરથી નાણવાની ભૂલ ન કરવી જોઇએ.

છેલ્લાં દસ વર્ષમાં ખાડી દેશો સાથે ભારતના સંબંધો બહેતર થતા રહ્યા છે. આરબ દેશો અને ભારત એક બીજા સાથે જે રીતે વાટા-ઘાટો કરતા તેમાં પણ ધરમૂળથી ફેરફાર થયા છે અને આ ભારત માટે બહુ નોંધપાત્ર અને મોટી રાજદ્વારી જીત ગણી શકાય. અન્ય સરકારો દરમિયાન ખાડીના (ગલ્ફ) દેશોને ભારતીય રાજદ્વારી તંત્રમાં બહુ મહત્ત્વ નહોતું અપાતું.  દસ વર્ષના યુ.પી.એ. શાસન દરમિયાન વડા પ્રધાન મનમોહન સિંઘ મિડલ ઇસ્ટની મુલાકાતે ચાર વખત ગયા હતા, જેમાંથી બે મુલાકાત નોન-અલાઇન્ડ સમિટ માટે હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યું એ પછી તે લગભગ પંદર વખત યુ.એ.ઇ.ની મુલાકાતે જઇ આવ્યા છે. તાજેતરની તેમની મુલાકાત ગણીએ તો યુ.એ.ઇ.માં આ તેમનો સાતમો પ્રવાસ હતો અને કતારની બીજી વખતની મુલાકાત હતી. આમ તો ભારત અને કતાર વચ્ચે કૂટનૈતિક સંબંધો સિત્તેરના દાયકામાં શરૂ થયા હતા. કતારની કૂલ વસ્તીમાં ૨૭ ટકા ભારતીયો છે. વળી કતારમાં 15 હજાર ભારતીય કંપનીઓ છે. ભારત અને કતાર વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારના સંબંધો છે, આવામાં ભારત કે કતાર બેમાંથી કોઈને ય એકબીજા સાથે વૈમનસ્ય રાખવાનું પોસાય તેમ નથી. એટલે જ કદાચ ભૂતકાળમાં ભા.જ.પા.એ કતારને માઠું લાગતાં મહોમંદ પયંગબર વિશે બેજવાબદાર ટિપ્પણી કરનાર નુપૂર શર્માને સસ્પેન્ડ કર્યાં હતાં.

ભા.જ.પા.ની સરકારે ગલ્ફના નેતાઓ – રાજાઓની નાડ પારખી અને એ પ્રમાણે વહેવાર કેળવ્યો. આરબ દેશના પ્રમુખોને રાજકીય શાસક સાથે જો સારાસારી હોય તો તેઓ પરસ્પર વિશ્વાસ તથા રાજકીય લેવડ-દેવડને ગણતરીમાં રાખી પોતાના દેશની રાજકીય નીતિઓ પર પુનઃ વિચાર કરવા, બદલવા તૈયાર હોય છે.  એક સમય સુધી ભારત સરકારે આરબ દેશોના મુદ્દાઓને સમર્થન આપ્યું હતું, છતાં પણ ભારત અને આરબ દેશો વચ્ચેના સંબંધોમાં રાજકીય બાબત ભાગ્યે જ જોવા મળતી.

આપણે ત્યાં અંદરખાને દેશમાં જે પણ ચાલતું હોય પણ એક રાજકીય સાથી તરીકે આરબ દેશોને તેમની ધાર્મિક ઓળખની આગળ જોવાની પહેલ પણ કરવામાં આવી. મુસ્લિમ દેશ હોવાને નાતે પાકિસ્તાને આરબ દેશો સાથે ધર્મને આધારે સંબંધ મજબૂત કરવાની લ્હાયને કારણે ખાડી પ્રદેશના દેશો સાથે સંબંધ બનાવવામાં ભારત પાછો પડતો હતો. ધર્મને કારણે પાકિસ્તાન અને આરબ દેશોના સંબંધો તો સારા જ હોય તથા ધર્મને કારણે ભારત તથા આરબ દેશો વચ્ચે હિતવર્ધક સંબંધો ન જ બંધાઈ શકે એમ માનવાની ભૂલ ભારત સરકારે સુધારી. આજે વડા પ્રધાન ગલ્ફના દેશો સાથે ભારતના વિશેષ સંબંધોની ઉજવણી કરે છે તો બીજી તરફ પાકિસ્તાન માટે હજી પણ આરબ દેશો સાથેના સંબંધ લાભદાયી બનાવવાનો સંઘર્ષ ચાલુ છે.

મોદીને કતારના અમીર સાથે સારા સંબંધ છે અને નૌકાદળના અધિકારીઓની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાઈ તેના થોડા વખત પહેલાં જ COP 28 દુબઇ સમિટ વખતે મોદી કતારના શેખ તમીમ-બિન-હામિદ-અલ-થાનીને મળ્યા હતા. ધંધા-પાણીની દૃષ્ટિએ જોઇએ તો ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકે સૌથી વધુ ઊર્જા વાપરનારો દેશ છે અને જ્યારે ખરીદ શક્તિ વધે ત્યારે રાજકીય વાટા-ઘાટને મામલે ભારતનો હાથ ઉપર રહે સ્વાભાવિક છે. આપણે અશ્મિગત ઇંધણ તરફથી કુદરતી ગેસના વપરાશ તરફ જઇ રહ્યા છીએ અને માટે આપણે આરબ દેશોના અર્થતંત્ર માટે એક અગત્યનો દેશ છીએ. વળી હજી અઠવાડિયા પહેલાં જ ભારતે ૭૮ બિલિયન ડૉલર્સનો એલ.એન.જી. (આમાં પાછું ભારતે ડિસ્કાઉન્ટ મેળવ્યું હોવાની વાત પણ છે) આયાતનો સોદો કર્યો છે જે ૨૦ વર્ષ સુધીનો કરાર છે. યુ.કે., યુ.એસ. અને કેનેડામાં રહેતા ભારતીયોની વાત કરતી વખતે આપણે એ ચૂકી જઇએ છીએ પણ ૧.૫ કરોડ એન.આર.આઇ.માંથી લગભગ 60 ટકા જેટલા તો સાઉદી અરેબિયા, કુવેત, કતાર, ઓમાન, બહેરીન જેવા દેશોમાં રહે છે અને તેમની સલામતી માટે પણ આ દેશો સાથે આપણા સંબંધ સારા હોય એ જરૂરી છે. આ બધી ગણતરીઓ ઉપરાંત આપણી વિદેશ અને સુરક્ષા નીતિ એટલે કે એસ. જયશંકર અને અજીત દોભાલે બંધ બારણે અથવા તો બેક-એન્ડમાં આ આઠ અધિકારીઓને મુક્તિ મળે જે ચર્ચા કરી હશે એ ભલે જાહેર ન થાય પણ તેનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય.

2022માં ભારત, ઇઝરાયલ, અમેરિકા અને યુ.એ.ઇ. સાથે I2U2 જૂથની સ્થાપના, વળી ભારત-મિડલ ઇસ્ટ- યુરોપના આર્થિક કોરિડોરની જાહેરાત એ મિડલ-ઇસ્ટ સાથેની નક્કર જીઓ-પોલિટિકલ પ્રવૃત્તિના પુરાવા છે. એક સમયે જે દેશોથી ભારતે અંતર રાખ્યું હતું તે જ દેશો હવે ભારત માટે મહત્ત્વના સાથીદાર બન્યા છે.

અબુ ધાબીમાં સ્વામીનારાયણ સંપ્રદાય BAPSનું હિંદુ મંદિર બનવું એ આરબ દેશોમાં આવી રહેલા સામાજિક સુધારની નિશાની છે, તેઓ પોતાની ધાર્મિક સહિષ્ણુતાની સીમાઓ વિસ્તારી રહ્યા છે. યુ.એ.ઈ.માં વસનારા 33 લાખ ભારતીયો માટે તો આ મોટી ભેટ છે. આમ તો 27 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે અબુ ધાબીમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી અને જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, યુ.એ.ઈ.ના શાસકો દ્વારા વધુ 13.5 એકર જમીન ફાળવી – કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપવામાં આવી અને અંતે આ સપનું સાકાર થયું. એક રિપોર્ટમાં UAEના ભારતીય રાજૂદત તરીકે નિમાયેલા નવદીપ સિંઘ સૂરીએ જણાવ્યું છે કે તેમને 2016માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંદિર પ્રોજેક્ટની દિશામાં બને એટલું જલદી કામ કરવા કહ્યું હતું.

આ અંગે BAPS અબુ ધાબી મંદિરના મુખ્ય મહંતુ બ્રહ્મવિરાહીદાસ સ્વામીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ‘આ પગલાંથી અબુ ધાબીના શાસકોએ પોતાનાથી અલગ હોય થતાં પણ તેમને સન્માન આપીને સ્વીકારી શકાય છેનું દૃષ્ટાંત વૈશ્વિક સ્તરે પૂરું પાડ્યું છે. તેઓ એક ઐતિહાસિક ઘટનાના ભાગીદાર બન્યા જે આવનારી પેઢી માટે પણ હંમેશાં એક ઉજવણીનુ કારણ બની રહેશે. આધ્યાત્મિકતા પવનની લહેર જેવી હોવી જોઇએ તેમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહેતા અને આ હિંદુ મંદિરની સ્થાપના એ લહેરનો સ્રોત બની છે એમ કહેવામાં કોઇ અતિયોક્તિ નથી.’ ધર્મશાસ્ત્રના અભ્યાસુ, સ્વામી નારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા અને લેખક તથા પત્રકાર યોગી ત્રિવેદીએ જણાવ્યું કે, ‘જ્યાં કારીગરીમાં પામનાં વૃક્ષો અને કમળ સાથે જોવા મળે છે એવું આ મંદિર આરબ અને ભારતીય સંસ્કૃતિઓના મિલનનું કેન્દ્ર છે – આ અનુભવવા માટે મંદિરની મુલાકાત લેવી જરૂરી છે. આ વિશ્વભરના ભારતીયો માટે આવકાર, હાશકારો અને ગર્વની ક્ષણ છે.’

આ મંદિર સાથે હિંદુ ધર્મની વૈશ્વિક સ્તરે ફેલાવાની ક્ષમતાને જાણે વધારે ઘાટી કરીને રજૂ કરાઇ છે તો બિનસાંપ્રદાયિકતાના લોકશાહી વિચારને પણ નવી શરૂઆત આપવાનો પ્રયાસ કરાયો છે. પશ્ચિમી દેશોના વિચારો અને સંસ્કૃતિ પર આખા વિશ્વમાં રખાતા આધારને ઘટાડવાની આ બહુ નોંધપાત્ર પહેલ છે. પશ્ચિમી લોકશાહી અને ઉદારમતવાદના વિચારોથી પર જઇને ભારત અને અરબી દેશો પોતાની સંસ્કૃતિના મિશ્રણથી એક નવો વિચાર વાયરો પ્રસારી પોતાની સત્તા પણ સિદ્ધ કરે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

બાય ધી વેઃ

ટૂંકમાં દ્વિપક્ષીય વેપાર, અરબી દેશોમાં વસનારા ભારતીયોની સવલત અને સલામતી જેવું ઘણું બધું આ વૈશ્વિક રાજનૈતિક પગલાંઓની પાછળ રહેલું છે. પાકિસ્તાનના પ્રિઝમથી મિડલ-ઇસ્ટને જોવાનું કેન્દ્ર સરકારે બંધ કર્યું છે. દર વખતે બાબતોને સપાટી પરથી ન જોવી કારણ કે તેના મૂળમાં રાજકીય સ્વાર્થ, વિકાસની મહેચ્છા, વૈશ્વિક સ્તરે છબી બહેતર બનાવવાની ચાહ જેવી ઘણી બાબતો રહેલી હોય છે. જો કે હજી કુલભૂષણ યાદવ પાકિસ્તાનની જેલમાં છે, એને છોડાવવા પાકિસ્તાન સાથે હજી માથાકૂટ ચાલુ છે પણ રાજકીય તાણને પગલે જલદી નિવેડો આવે એમ લાગતું નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ફેબ્રુઆરી 2024

Loading

અજ્ઞાનમાંથી ભય, ભયમાંથી નફરત અને નફરતમાંથી હિંસા પેદા થાય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 February 2024

રાજ ગોસ્વામી

ઇન્ટરનેટ પર, એક જાણીતી વાઈરલ પોસ્ટ છે. તેમાં ઈજીપ્તના ત્રણ અદાલતી પ્રસંગોનો ઉલ્લેખ છે. તે પ્રસંગોની ઐતિહાસિક સત્યતા વિશે ખબર નથી, પરંતુ તેમાંથી જે ગહેરી અંતદૃષ્ટિ મળે છે તે આપણા માટે ઘણી પ્રાસંગિક છે.

પ્રસંગ-1

ઈજીપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ અનવર સાદતના હત્યારાને અદાલતમાં જજે પૂછ્યું, “તેં કેમ સાદતની હત્યા કરી?”

પેલાએ કહ્યું, “કારણ કે તે બિન-સાંપ્રદાયિક હતા!”

જજે વળતો સવાલ પૂછ્યો, “બિન-સાંપ્રદાયિકતા એટલે શું?”

હત્યારાએ કહ્યું, “મને ખબર નથી!”

પ્રસંગ-2 

ઈજીપ્તના લેખક નજીબ મહેફોઝની હત્યા કરવાનો પ્રયાસ કરનારા માણસને જજે પૂછ્યું, “તેં કેમ તેમને ચાકૂ માર્યું હતું?”

આરોપીએ જવાબ આપ્યો, “તેમણે ‘ગબેલાવીનાં બાળકો’ નામની નવલકથા લખી હતી એટલે.”

જજે પૂછ્યું, “તેં આ નવલકથા વાંચી છે?”

પેલાએ કહ્યું, “ના!”

પ્રસંગ-3

ઈજીપ્તના એક અન્ય લેખક ફરાજ ફરાની હત્યા કરનારા આતંકવાદીને જજે પૂછ્યું, “તેં કેમ ફરાજ ફરાની હત્યા કરી?”

પેલાએ કહ્યું, “કારણ કે તે નાસ્તિક હતા!”

જજ : “તને કેવી રીતે ખબર કે તે નાસ્તિક હતા?”

આતંકી : “તેમણે ચોપડીઓ જ એવી લખી હતી.”

જજ : “એમની કઈ ચોપડી પરથી તને લાગ્યું કે તે નાસ્તિક છે?”

આતંકી : “મેં નથી વાંચી?”

જજ : “કેમ”

આતંકી : “મને લખતાં-વાંચતા આવડતું નથી!”

•

આ ત્રણે પ્રસંગોમાં એક વાતનું સામ્ય છે; હત્યારાઓ અજ્ઞાની હતા, અને છતાં પણ તેમણે હિંસા કરી હતી. આમાં “છતાં પણ” શબ્દ અસ્થાને છે. તેનાથી એવું અભિપ્રેત થાય છે કે તેમને જો નફરતનું કારણ ખબર જ નહોતું, તો પછી તેમણે હત્યા કરવાની જરૂર નહોતી. બીજી રીતે કહીએ તો, નફરત કરવા માટે કારણ હોવું જોઈએ. જેણે પણ આ પોસ્ટ બનાવી છે (તેનું નામ નથી મળતું) તેણે આ ત્રણે પ્રસંગો વર્ણવીને એક નવી જ દૃષ્ટિ આપી : નફરત જ્ઞાનથી ફેલાતી નથી. તે ફેલાય છે અજ્ઞાનથી.

પહેલા હત્યારામાં બિન-સાંપ્રદાયિકતાને લઈને અજ્ઞાન હતું. બીજાએ નજીબ મહેફોઝની નવલકથા વાંચી નહોતી અને ત્રીજાને તો લખતાં-વાંચતાં ય આવડતું નહોતું. તેમનામાં ભારોભાર અજ્ઞાન હતું અને એના કારણ જ તેમનામાં હત્યા કરી નાખવા જેટલી તીવ્ર નફરત પેદા થઇ હતી.

નફરત અજ્ઞાનની માટીમાં મૂળિયાં નાખે છે – લોકોને જોડતાં ઐતિહાસિક તથ્યોની અજ્ઞાનતા, વિજ્ઞાનની અજ્ઞાનતા, અને માનવીય ગુણોની અજ્ઞાનતા માણસમાં નફરત માટે સરળતા કરી આપે છે. ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક તથ્યોને નકારવાથી સત્યનો શૂન્યાવકાશ પેદા થાય છે, જેનો ઉપયોગ અસહિષ્ણુતા અને નફરતના અવાજો કરવા માટે થાય છે. અજ્ઞાન ભય પેદા કરે છે, ભય નફરત તરફ દોરી જાય છે અને નફરત હિંસાના આશ્રયે લઇ જાય છે.

અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોને જોઈએ, સાંભળીએ, અનુભવીએ છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે. 

બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો – બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા રાખવાના અને તેનું સન્માન કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, દોષભાવના, પ્રતિશોધ, આત્મસંરક્ષણ, કાયરતા વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ. 

એ આંતરિક રિક્તતા(voids)થી બચવા માટે આપણે દુનિયા સામે અને અન્ય લોકો સામે લડાઈનો મોરચો માંડીએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને ‘અન્યો’માં એવો દુ:શ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. ‘અન્યો’ જ્યારે આપણને આપણી ભીતરી સચ્ચાઈથી વાકેફ કરાવે, ત્યારે આપણા માટે અસહિષ્ણુ બની જવું અનિવાર્ય બની જાય છે. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.

આજે, સોશિયલ મીડિયા નફરત માટે વૈશ્વિક લાઉડસ્પીકર જેવું કામ કરે છે. જૂઠ, ખોટી માહિતી-અને તેના નજીકના પિતરાઈ, પ્રોપેગેન્ડા એક બટનના સ્પર્શથી વિશ્વભરમાં ફેલાય છે.  અસત્યાપિત અને બિનજવાબદાર વિચાર તાત્કાલિક વિશ્વસનીયતા પ્રાપ્ત કરે છે અને સત્ય તેમ જ વિજ્ઞાનની બાજુમાં ગોઠવાઈ જાય છે. જાતિવાદી, અસહિષ્ણુ અને ઉગ્રવાદી મંતવ્યો જંગલની આગની જેમ ફેલાઈ જાય છે.

કોરોનામાં લાખો લોકો એટલા માટે મરી ગયા કારણ કે તેમને ખાતરી હતી કે રસી લેવી બરાબર નથી. ઘણા લોકો માત્ર એટલા જ કારણથી હિંસા, આતંકવાદ અને નરસંહારનાં કૃત્યો કરે છે, કારણ કે તેમણે એવું માની લીધું છે આમ કરવું સર્વથા ઉચિત છે. આપણા સમાજમાં ધાર્મિક દ્વેષભાવ, જાત-પાતનાં વિભાજન, સ્ત્રી-દ્વેષ એટલા માટે જ છે કારણ કે આપણે અજ્ઞાનતામાં જીવીએ છીએ.

આપણે જ્યારે જ્ઞાનની ભૂમિને હકીકતો, વિજ્ઞાન અને ઐતિહાસિક ચોકસાઈથી સમૃદ્ધ કરીએ તો નફરત તેમાં મૂળ નાખી ના શકે. જ્ઞાન વિચારો અને માન્યતાઓના વૈવિધ્ય માટે આપણી આંખો ખોલે છે અને સ્વાભાવિક રીતે જ માનવ અધિકારો, સામાજિક ન્યાય અને બધા માટે ગૌરવ અને  આદર પેદા કરે છે.

નાનીથી લઈને મોટી સુધી, માનવજાતની લગભગ તમામ નિષ્ફળતાઓના મૂળમાં અજ્ઞાનતા છેઃ સોશિયલ મીડિયા પર રાજકારણ વિશે દલીલોથી લઈને વ્યક્તિગત નાણાંકીય ભૂલો, નિષ્ફળ સંબંધો અને યુદ્ધ સુધીનું બધું કોઈને કોઈ રીતે અજ્ઞાનને આભારી છે. અજ્ઞાન સ્વાર્થ, ઘમંડ, ભય, લોભ અને નફરત જેવી વિનાશક વર્તણૂકો અને લાગણીઓને જન્મ આપે છે. 

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે મહાત્મા ગાંધીના શબ્દો “આંખના સાટે આંખ આખી દુનિયાને આંધળી કરશે”નો પડઘો પાડતાં કહ્યું હતું કે, હિંસાથી તમે જૂઠ બોલનારાને તો મારી શકો છો, પણ ન તો જૂઠને મારી શકો છો ન તો સત્યને સ્થાપી શકો છો. હિંસાથી તમે નફરતી વ્યક્તિની હત્યા કરી શકો છો, નફરતની નહીં. બલકે, તમે નફરતમાં ઉમેરો કરો છો. હિંસાનો જવાબ હિંસાથી આપો તો હિંસા બેવડાય છે. હિંસા તારાઓ વગરના આકાશમાં વધુ અંધારું ફેલાવે છે. અંધારું અંધારાને દૂર ના કરે, માત્ર પ્રકાશ જ અંધારું દૂર કરે. “

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...792793794795...800810820...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved