Opinion Magazine
Number of visits: 9457546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારમું નાપાસ વ્યક્તિનું સફળ જીવન : એક અનોખું ભણતર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 October 2023

રાજ ગોસ્વામી

આઈસ સ્કેટિંગની ટ્રેનિંગમાં સૌથી પહેલો પાઠ એ ભણાવામાં આવે છે કે પડવું કેવી રીતે! સ્કેટિંગમાં લપસી પડવાનું અનિવાર્ય છે. બરફ પર પગ સ્થિર નથી રહેતા એટલા માટે જ તેમાંથી કસોટીયુક્ત રમત પેદા થઇ છે. ધુરંધર સ્કેટર્સ એ નથી બનતા જે ક્યારે ય પડતા નથી, પણ જે પડીને તરત ઊભા થઇ જવામાં કુશળ હોય છે તે શ્રેષ્ઠ ખેલાડી બને છે. એટલા માટે નિષ્ફળતા અથવા ભૂલને “ઠોકર” તરીકે ઓળખવામાં આવે છે. ચાલવામાં ધ્યાન ન રાખો તો ઠોકર વાગી જાય. એમાંથી બીજી વાર પડી કેમ ન જવાય તેનું શીખવા મળે.

નિષ્ફળતાનો એક માત્ર માપદંડ એ હોવો જોઈએ કે હું તેમાંથી એવું તે શું શીખ્યો, જેનો ભવિષ્યમાં અમલ કરી શકાય. જો મને કશું શીખવા ના મળ્યું હોય, તો તેને નિષ્ફળતા ગણવી જોઈએ. પ્રગતિ એટલે શું? એક વ્યક્તિ તરીકે મારો સતત વિકાસ થતો રહે અને હું જે કરું છું તેમાં સતત સુધારો થતો રહે એનું નામ પ્રગતિ. નિષ્ફળતા અને સફળતા બંને જીવનનો હિસ્સો છે, પણ એમાં બે મહત્ત્વની વાત છે; એક, બીજી વારની નિષ્ફળતા પહેલીવારની નિષ્ફળતા જેવી ના હોવી જોઈએ, અને બે, દરેક નિષ્ફળતા બીજા લોકોની નિષ્ફળતા કરતાં મૌલિક હોવી જોઈએ.

ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની હમણાં એક નવી ફિલ્મ “ટ્વેલ્થ ફેઈલ” (બારમું નાપાસ) આવી છે. એક સાચી વાર્તા પર આધારિત આ ફિલ્મ છે, જે યુ.પી.એસ.સી. પ્રવેશ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષને દર્શાવે છે. જો કે, ફિલ્મ માત્ર પરીક્ષામાં પાસ થવા સુધી સીમિત નથી, તે લોકોને નિષ્ફળતામાં હાર ન માનવા અને ફરીથી પ્રયાસ કરવા પ્રેરણા આપે છે.

“પરિંદા,” “મિશન કાશ્મીર,” “એકલવ્ય,” અને “શિકારા” જેવી ફિલ્મો બનાવારા ચોપરાએ આ વખતે નોખો જ વિષય પકડ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે “આ ફિલ્મ માત્ર શિક્ષણ અથવા નાના શહેરો વિશે નથી – તે ક્યારે ય હાર ન માનવા વિશે છે. તે સંબંધો વિશે પણ છે. આમ તો ફિલ્મ એક અસલી વાર્તા પર આધારિત છે, પરંતુ તેમાં વાસ્તવિક જીવનની અન્ય ઘણી બધી બાબતો પણ છે. તેમાં મારું જીવનનું પણ ઘણું છે. આ ફિલ્મ કાશ્મીરથી અહીં સુધીની મારી સફર વિશે છે. મેં મારો આત્મા વેચ્યા વિના આ બધું હાંસલ કર્યું છે. ફિલ્મનો સંદેશો એ જ છે – તમારે તમારો આત્મા વેચવાની જરૂર નથી.”

ચોપરાએ આઈ.એ.એસ. અધિકારી મોહન કુમાર શર્માના જીવન સંઘર્ષ આધારિત નવલકથા “ટ્વેલ્થ ફેઈલ” પરથી આ ફિલ્મનો પ્લોટ બનાવ્યો છે. મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના રહેવાસી મનોજે બાળપણથી જ આઇ.એ.એસ. અધિકારી બનવાનું સપનું જોયું હતું, પરંતુ 12માં ધોરણ સુધી તો આ સપનું પૂરું થવાની શક્યતા દૂર દૂર સુધી નહોતી.

9મા અને 10મા ધોરણને ત્રીજા ડિવીઝનમાં પાસ કરનાર મનોજ 12માં આવીને નાપાસ થઇ ગયો હતો. આવા નબળા છોકરાને યુ.પી.એસ.સી. જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવાનો આત્મવિશ્વાસ ક્યાંથી હોય? મનોજની વાર્તા એ આત્મવિશ્વાસ કેળવવાની અને નિષ્ફળતામાંથી ઊભા થવાની છે. 

મનોજે આ પુસ્તકમાં તેની આ વાર્તા વર્ણવી છે અને કહ્યું છે કે તેના અભ્યાસ દરમિયાન, તેને જીવનના ઘણા ચાલુ સંઘર્ષો સામે લડવું પડ્યું હતું. એમાં સૌથી મોટો પડકાર આર્થિક સંકટનો હતો. તેના માથા પર ઘરનું છત્ર પણ નહોતું અને ભિખારીઓ સાથે સૂવું પડ્યું હતું. આ સમય દરમિયાન, તેણે ગ્વાલિયરમાં ટેમ્પો ચલાવવાથી માંડીને દિલ્હીમાં પુસ્તકાલયના ચપરાસી સુધીનું કામ કર્યું હતું. પુસ્તકાલયની એ નોકરી વખતે જ તેને ઘણા પ્રખ્યાત લેખકોના પુસ્તકો વાંચ્યા મળ્યાં હતાં અને તેમની ઘણી વાતો પર અમલ કર્યો હતો.

એમાં પ્રેમની પરેશાની પણ આવી હતી. મનોજ 12મા ધોરણમાં ભણતો હતો, ત્યારે ક્લાસની એક છોકરી પર દિલ આવી ગયું હતું. મનોજ પહેલેથી જ 12માં નાપાસ હતો અને તેને ડર હતો કે તેની નિષ્ફળતા જોઈને છોકરી તેના પ્રેમને નકારી દેશે. આ ડરને કારણે તે છોકરી પ્રેમ વ્યક્ત કરી શક્યો ન હતો.

જો કે મનોજને પ્રેમમાં અને યુ.પી.એસ.સી. બંનેમાં પાસ થવું હતું. તમને રાહુલ રોય અને અનુ અગ્રવાલની ફિલ્મ “આશિકી”નું લોકપ્રિય ગીત યાદ હશે; મૈં દુનિયા ભૂલા દુંગા, તેરી ચાહત મેં. કંઇક અંશે મનોજે પણ પેલી છોકરીને એવું કહ્યું હતું; તું જો સાથ આપે તો દુનિયા બદલી નાખું. દુનિયાની તો ખબર નથી, પણ છોકરીનું દિલ અને મનોજનું નસીબ તો બદલાઈ ગયું. આજે એ છોકરી, શ્રદ્ધા, મનોજની પત્ની છે અને મનોજ આઈ.પી.એ.એસ. અધિકારી. શ્રદ્ધાની મદદથી જ મનોજે યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી હતી.

તમને જો એવું લાગતું હોય કે તમે દુનિયાના સૌથી કમનસીબ ઇન્સાન છો, તમને લાગતું હોય કે તમે પરીક્ષામાં નાપાસ થઈને નાસીપાસ થઇ ગયા છો, તમને લાગતું હોય કે તમારામ જીવનની ઠોકરો ખાવાની તાકાત નથી, તો તમારે આ પુસ્તક વાંચવા જેવું છે.

મનોજની સફર નિષ્ફળતા, ઠોકર અને કમનસીબીથી ભરેલી હતી, પરંતુ સમગ્ર સફર દરમિયાન, તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું; આઈ.એ.એસ. અધિકારી બનવું છે, અને તેના માટે તેણે મહેનત કરવામાંથી પાછું વળીને જોયું નહોતું. મનોજ નિષ્ફળ ગયો હતો અને ઊભો થયો હતો, ફરી નિષ્ફળ ગયો હતો અને ફરી ઊભો થયો. દરેક વખતે જ્યારે તે નિષ્ફળ થતો, ત્યારે તે તેની નિષ્ફળતાની પેટર્ન જોતો અને એમાંથી શીખતો હતો કે નિષ્ફળ કેમ ન જવાય.

જીવનને બહેતર બનાવવું હોય, તો ઘણા બધા ઉપાયોમાંથી એક છે, પીડિત માનસિકતામાંથી બહાર આવી જવાનું. તમારી સાથે જે કંઇ થઈ રહ્યું છે, તેમાં બીજા કોઈનો નહીં, માત્ર તમારો જ દોષ છે એવું તમે માનવા લાગો, અને તેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો, તો જીવન તત્કાળ બદલાઈ જાય. પોતાની સ્થિતિ માટે બીજા લોકોને દોષિત માનવા એ જવાબદારીઓથી ભાગવા માટેની ચાલાકી છે. મોટાભાગની વિફળતાઓમાં આ માનસિકતા કારણભૂત હોય છે.

પોતાના જીવનની કમાન હાથમાં લેવાથી તમે જીવનને પાછી એ તાકાત બક્ષો છો, જે અત્યાર સુધી બીજા લોકો કે સંજોગોને આધિન હતી. પીડિત માનસિકતાને પંપાળ્યા કરવાથી લોકોની સહાનુભૂતિઓ તો મળતી રહેશે, પણ તેનાંથી જીવન બહેતર નહીં થાય, અને એક સીમા પર આવીને અંતત: આપણે જાતને એ પ્રશ્ન તો પૂછવો પડશે : “જીવનમાં સહાનુભૂતિઓ મેળવતા રહેવું એ મારું ધ્યેય છે?”

જીવનમાં બહુ બધી વખત નાસીપાસ થતા રહેવું પડે છે. નાસીપાસ થવું એ નિષ્ફળતા નથી, પણ અવરોધ છે. એ નિષ્ફળતા ત્યારે બની જાય, જ્યારે આપણે અવરોધની જવાબદારી સ્વીકારવાને બદલે, બીજા લોકોને તેના માટે દોષિત ઠેરવીએ. કોઇપણ પરિસ્થિતિમાં વ્યક્તિગત જવાબદારી લેવાનો અર્થ જ એ થાય છે કે આપણે આપણાં દુઃખ માટે બીજી વ્યક્તિને દોષ આપતા નથી.

એકવાર આપણે બીજાઓને દોષિત તરીકે જોવાનું શરૂ કરી દઈએ પછી તે ઉંદરના દરમાં ઊંડા ઉતરવા જેવું થાય. આપણે ખુશ રહેવા માટે થઈને બીજા લોકોને કંટ્રોલ કરવા લાગી જઈએ અને એમાં ઊંધા માથે પટકાતા જઈએ, કારણ કે લોકો આપણા સુખ કે સફળતા માટે ઉત્તરદાયી નથી. નિયમિત દુઃખી રહેવાનો આ શોર્ટકટ છે. જવાબદારી હંમેશાં ખુદથી જ શરૂ થાય છે. બહારના સંજોગો ગમે તેવા હોય, અંદર લાગણીઓનું વાતાવરણ સર્જવાની સંપૂર્ણ જવાબદારી આપણી પાસે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 29 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આતંકવાદીઓ

યોગેશ પટેલ|Poetry|31 October 2023

અંધકારની કોખમાંથી એક તારો લપસીને

વાદળનાં રેખાંકનની ચમત્કૃત વિદ્યુતમાં પરોવાઇ ગયો છે.

મોતિયાની ઝાંખપમાંથી હું જોઉં છું:

ઝાંખી એક આશા, હલેસા મારી એને

પર્વતની ટોચ પર રઝડતો છોડી દે છે.

ધ્યાનથી જુઓ તો

શહેરનાં દરમાં લપકતાં ઉંદરો

એની તરફ બંદૂક તાણીને

ગોઠવાઈ ગયા છે.

રખેને એ તારો કદાચ

પાછો લપસી પડે!

વળી એને હું મારી

ખુંટી પર ટીંગાળી ના દવ!

e.mail : skylarkpublications@gmail.com

Loading

આધુનિક લોકશાહીનો નાભિશ્વાસ : અભિવ્યક્તિની આઝાદી

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|31 October 2023

“If liberty means anything at all, it means the right to tell people what they do not want to hear.”

— George Orwell

આજે આપણે એવા વિશ્વમાં રહીએ છીએ જે લોકોના વધતા જતા સ્થાનાન્તરણ થકી વધુ ને વધુ બહુસાંસ્કૃતિક બની રહ્યું છે, જ્યાં ખૂબ જ ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ ટેક્નૉલૉજિકલ અને સામાજિક પરિવર્તનો થઈ રહ્યાં છે, જ્યાં માહિતીના વિસ્ફોટને કારણે માહિતીના વિશ્વસનીય સ્રોતોને પારખવાનું અઘરું બન્યું છે – સત્યની શોધ મુશ્કેલ બની રહી છે, જ્યાં નવ-ઉદારવાદને લીધે ઉદ્ભવેલ ક્રોની કૅપિટાલિઝ્મ(crony capitalism)થી શાસકો અને કૉર્પોરેટ્સ વચ્ચેનો નાતો ઘનિષ્ઠ બની રહ્યો છે, જેથી વિરોધી અવાજો સત્તાના કૉરિડૉર આગળ નબળા પડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આશાનું એક જ કિરણ બચે છે : અભિવ્યક્તિની આઝાદી.

અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે શું ?

અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એક એવી પાયાની સ્વતંત્રતા છે જે તમામ નાગરિક સ્વતંત્રતાઓના ઉપભોગ અને રક્ષણ માટે અનિવાર્ય છે. લોકશાહીમાં લોકોનો અવાજ મહત્ત્વપૂર્ણ છે. જે શાસનમાં નાગરિકોને તેમના જીવનને અસર કરતા મુદ્દાઓ વિષે તેમનાં મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર ન હોય તેને લોકશાહી કેવી રીતે કહી શકાય ? આ અધિકારને લીધે લોકશાહીમાં લોકો તેમને સ્પર્શતી પાણી, ખોરાક, આવાસ, આરોગ્ય-સંભાળ, શિક્ષણ, યોગ્ય કામ, વાજબી વેતન, કાનૂન વ્યવસ્થા અને સ્વચ્છ આબોહવા જેવી અનેક મૂળભૂત બાબતો અંગે અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, પ્રશ્નો પૂછી શકે છે અને સરકારી નીતિઓના ઘડતરમાં ફાળો પણ આપી શકે છે.

અભિવ્યક્તિની આઝાદી એટલે લોકોને તેઓ જે વિચારે છે તે કહેવાનો, માહિતીની આપ-લે કરવાનો, વધુ સારા સમાજનું નિર્માણ કરવાનો, પીડિતો-શોષિતોનાં દુ:ખ-દર્દમાં ભાગીદાર થવાનો, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો તથા કાયદા સમક્ષ પુરુષ-સ્ત્રી, બહુમતી-લઘુમતી, અમીર-ગરીબ કે શાસક-શાસિત સૌ સાથે સમાન વ્યવહાર થાય તેવો આગ્રહ કરવાનો અબાધિત અધિકાર. આ અધિકાર કોઈ પણ પ્રકારનાં દબાણ, ભય અથવા ગેરકાનૂની દખલ વિના જીવવા માટે તથા ન્યાય મેળવવા માટે સૌને ઉપયોગી છે. અભિવ્યક્તિની આઝાદી આધુનિક લોકશાહીનો નાભિશ્વાસ છે.

કેટલીક મહત્ત્વની અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ

અભિવ્યક્તિની આઝાદીમાં મુખ્યત્વે વિચારવાની, બોલવાની, સમૂહમાં એકઠા થવાની, સંગઠનો બનાવવાની અને જાહેર પ્રસારણ માધ્યમોની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.

૧. વિચારની સ્વતંત્રતા

સરકારો દ્વારા નાગરિકોને બંધનકર્તા કાયદા ઘડવામાં આવે છે. પરંતુ, દરેક વ્યક્તિને સામાજિક-આર્થિક-રાજકીય-ધાર્મિક બાબતો વિષે પોતાનાં દૃષ્ટિકોણ, માન્યતાઓ, અભિપ્રાય અને આદર્શો હોય છે. તે પ્રમાણે વર્તવાની કે ન વર્તવાની અથવા તેમને બદલવાની સ્વતંત્રતા હોય છે. વિચારની સ્વતંત્રતાને કારણે કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના દૃષ્ટિકોણથી અલગ અને મૌલિક રીતે વિચારી શકે છે. માટે લોકશાહીમાં નાગરિકો માનસિક રીતે સ્વાયત્ત હોય તે અત્યંત આવશ્યક છે. વિચારની સ્વતંત્રતા એ અંતરાત્માની સ્વતંત્રતા છે. કોઈ વ્યક્તિના અભિપ્રાયો અન્ય વ્યક્તિના અંતરાત્મા પર પ્રભુત્વ મેળવી શકે નહીં. વિચારની સ્વતંત્રતા ગુમાવવી એટલે આપણું આત્મગૌરવ ખોવું. તેથી વિચારની સ્વતંત્રતાને માનવીય ગૌરવ અને કારકતા(એજન્સી)નો પાયો માનવામાં આવે છે. તેનું ઉલ્લંઘન ન થઈ શકે એમ આધુનિક યુગમાં માનવામાં આવે છે.

૨. બોલવાની આઝાદી

વાણીની સ્વતંત્રતા વિના વિચારની સ્વતંત્રતા નિરર્થક છે. લોકશાહીને અસરકારક બનાવવા માટે વાણીની સ્વતંત્રતા આવશ્યક છે. તેથી નાગરિકો નિર્ભયતાથી તેમનાં મંતવ્યો વ્યક્ત કરી શકે છે અને તેમના નેતાઓને જવાબદાર ઠેરવી શકે છે. કોઈ પણ લોકશાહીમાં વિરોધનું અસ્તિત્વ તેની જીવંતતાની નિશાની છે. પરંતુ, વાણીનો અધિકાર અમર્યાદિત નથી. તેનો ઉપયોગ નફરત, નિંદા, બદનક્ષી, હિંસા, તોડફોડ અથવા અશ્લીલતાને ફેલાવવા માટે કરી શકાતો નથી. તેવી જ રીતે, રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર સલામતી માટે સીધો ખતરો હોય તેવી વાણીને પ્રતિબંધિત કરી શકાય છે.

૩. સમૂહમાં એકઠા થવાની અને સંગઠનો બનાવવાની સ્વતંત્રતા

લોકશાહીમાં લોકોને શાંતિથી એકઠા થવાનો કે સંગઠનો રચવાનો બંધારણીય અધિકાર હોય છે. તેથી લોકોને સામૂહિક રીતે તેમના વિચારો વ્યક્ત કરવાની છૂટ મળે છે. સંગઠિત થઈને નિર્ભયતાપૂર્વક પોતાનાં હિતોની રક્ષા માટે ચળવળ કે આંદોલન ચલાવી શકે છે. ક્યારેક આવી પ્રવૃત્તિ સરકારો માટે અસુવિધાજનક હોય છે. પરંતુ તેથી સરકારને લોકોનાં મંતવ્યો જાણવા મળે છે માટે તે અનિવાર્ય છે. અહિંસક અભિવ્યક્તિને દબાવવાથી કોઈ સરકાર કદાચ ટૂંકા ગાળા માટે શાંતિ સ્થાપી શકે છે. પરંતુ, તેથી આવી સમસ્યાઓનો હિંસક વિસ્ફોટ થવાની શક્યતા વધે છે. જો કે, જાહેરમાં એકઠા થવાની કે સંગઠિત થવાની સ્વતંત્રતા પણ અમર્યાદિત નથી. જો તેથી જાહેર સલામતી અથવા કાનૂની વ્યવસ્થા માટે જોખમ હોય, બીજા લોકોના અધિકારોનું ઉલ્લંઘન થતું હોય અથવા જાહેર જગ્યાઓની કામગીરીમાં દખલ થતી હોય તો આ અધિકાર પર નિયંત્રણો લાદવામાં આવી શકે છે. તે જ રીતે અન્ય વ્યક્તિઓ કે સમૂહો કે રાષ્ટ્રનાં હિતો વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા માટે બનતાં સંગઠનો પ્રતિબંધિત થઈ શકે છે.

૪. જાહેર પ્રસારણ માધ્યમોની આઝાદી

અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણમાં જાહેર પ્રસારણ માધ્યમો મુખ્ય ભૂમિકા ભજવે છે. નાગરિકોના અવાજને વાચા મળે, નાગરિકોને વિશ્વસનીય માહિતી મળી રહે, વિવિધ દૃષ્ટિકોણ જાણવા મળે અને ખુલ્લી ચર્ચા માટે પ્લેટફૉર્મ મળે તે માટે મીડિયાની સ્વતંત્રતા ખાસ જરૂરી છે. સ્વતંત્ર મીડિયા લોકોને સરકારી પ્રવૃત્તિઓ, નીતિઓ અને સામાજિક-રાજકીય ઘટનાઓ પર અહેવાલ આપે છે. તેથી નાગરિકોને સચોટ માહિતી મળી શકે છે. નાગરિકો મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ વિષે માહિતગાર થઈ અને વિવિધ પરિપ્રેક્ષ્યોને સમજીને સરકારની નીતિઓનું મૂલ્યાંકન કરી શકે છે. લોકશાહીમાં યોગ્ય નિર્ણયો લેવા માટે નાગરિકો સારી રીતે માહિતગાર ન હોય તો તેઓ કેવી રીતે અસરકારક ભૂમિકા ભજવી શકે ?

કોઈ પણ જાતના પ્રભાવ કે દબાણથી મુક્ત એવાં સમાચાર માધ્યમો સરકાર ઉપર અંકુશ તરીકે કામ કરે છે અને સરકારને વધુ પારદર્શક તથા જવાબદાર બનવા મજબૂર કરે છે. પત્રકારો તપાસ કરીને ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને સરકારનાં ખોટાં કામો અંગે અહેવાલ આપે છે. તેથી સત્તાધીશો લોકો પ્રતિ વધુ જવાબદાર બને છે, લોકોના હિતમાં કામ કરવા મજબૂર બને છે. તદુપરાંત, મુક્ત મીડિયા માનવ અધિકારોના હનન, સામાજિક અન્યાય, અને ભેદભાવને ઉજાગર કરીને નાગરિક સ્વતંત્રતાઓને સુરક્ષિત રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અવાજને વાચા આપે છે. ચૂંટણી દરમિયાન પણ સ્વતંત્ર મીડિયા નિષ્પક્ષ કવરેજ આપીને, ઉમેદવારો અને પક્ષોના દાવાઓની ચકાસણી કરીને ચૂંટણી-પ્રક્રિયાઓને નિષ્પક્ષ અને પારદર્શક બનાવી શકે છે. વળી, મીડિયા દ્વારા સરકારને પણ લોકમત વિષે જાણકારી મળે છે. આમ સ્વતંત્ર મીડિયા સરકાર અને જનતા વચ્ચેનો સેતુ છે.

યુ-ટ્યૂબ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ, વેબસાઈટ્સ અને આર્ટિફિશિયલ ઇંટેલિજંસ અલ્ગોરિધમ્સ જેવાં પ્લેટફોર્મ્સના આગમન સાથે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ક્ષેત્ર ઘણું વિસ્તર્યું છે. આવાં પ્લેટફોર્મ્સ લોકોને માહિતી મેળવવા અને તેમના વિચારો વ્યક્ત કરવાની અભૂતપૂર્વ તકો પ્રદાન કરે છે. પરંતુ, જે કારણોસર વાણીની સ્વતંત્રતા કે સમૂહમાં એકઠા થવા ઉપર કાપ મૂકી શકાય છે તે કારણોને લીધે મીડિયા ઉપર પણ સેન્સરશિપ લાદી શકાય છે.

લોકશાહી સમાજમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની આવશ્યકતા

સરકાર લોકોનાં હિતો અને પ્રશ્નો અંગે પગલાં લેતી હોય છે, કાનૂન બનાવતી હોય છે. તેથી અભિવ્યક્તિની સ્વતંત્રતા નાગરિકોને તેમના વિચારો વ્યક્ત કરવા, સરકારને પારદર્શક બનાવવા અને નાગરિકો પ્રતિ વધુ જવાબદાર બનાવવા માટે અત્યંત આવશ્યક છે. નાગરિકો તેમનાં મંતવ્યો વ્યક્ત કરીને સરકારને લોકોની જરૂરિયાતો પ્રતિ સંવેદનશીલ બનાવી શકે છે. સરકાર અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જૂથ દ્વારા થતા દુર્વ્યવહારથી નાગરિકો પોતાને બચાવી શકે છે.

બહુસાંસ્કૃતિક સમાજમાં વિવિધ માન્યતાઓ, મૂલ્યો અને પરંપરાઓ અસ્તિત્વ ધરાવતી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકોને તેમના અનન્ય દૃષ્ટિકોણને વ્યક્ત કરવાની તક આપે છે, જે સમૃદ્ધ અને ભાતીગળ સાંસ્કૃતિક વાતાવરણ માટે જરૂરી છે. આથી લોકોમાં વિવિધતા પ્રત્યે સમજણ, આદર અને સહિષ્ણુતા વધે છે તથા લઘુમતીઓનો અવાજ સાંભળવામાં આવે છે, તેમના અધિકારોનું રક્ષણ કરી શકાય છે અને સમાજને વધુ સમાવિષ્ટક્ષમ બનાવી શકાય છે.

સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને સ્વઅભિવ્યક્તિ દ્વારા લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે પણ આવી સ્વતંત્રતા આવશ્યક છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ માનવીય ગૌરવનું આવશ્યક ઘટક છે. તેથી તેમનામાં કારકત્વની ભાવના ઉત્પન્ન થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા નવીનતા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ જરૂરી છે. જ્યારે લોકો તેમના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર હોય છે ત્યારે તેઓ નવી શોધો કરી શકે છે, નવી તકનીકો વિકસાવી શકે છે, કલા અને વિવિધ ક્ષેત્રોમાં નવીનતા લાવી શકે છે. તેથી સમાજની સમસ્યાઓને વિવિધ દૃષ્ટિકોણથી તપાસીને તેનાં સમાધાન શોધવામાં મોકળાશ મળે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા દ્વારા લોકો યથાસ્થિતિને પડકારી શકે છે, સુધારા કે પરિવર્તનનો માર્ગ મોકળો કરી શકે છે. જ્યારે લોકો વિચારો અને માહિતીની મુક્ત આપ-લે કરી શકે છે ત્યારે તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, જેથી સરવાળે સમાજને જ લાભ થાય છે. નાગરિકો વધુ માહિતગાર અને સમર્પિત બની શકે છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહીનું સશક્તિકરણ

અભિવ્યક્તિની સ્વતંત્રતાએ લોકશાહીના વિકાસમાં અને તેને સુદૃઢ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને લીધે વિશ્વમાં સ્ત્રીઓ, કામદારો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલી લઘુમતીઓને મતાધિકાર મળ્યો છે. ભારતની અને અન્ય દેશોની આઝાદીની ચળવળોમાં પણ અભિવ્યક્તિની આઝાદીએ પ્રમુખ ભૂમિકા ભજવી હતી, જેને કારણે લોકશાહી વિશ્વવ્યાપી બની હતી. વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ યુનાઈટેડ સ્ટેટ્સની નાગરિક અધિકાર ચળવળ અને દક્ષિણ આફ્રિકાની રંગભેદવિરોધી ચળવળમાં પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની ભૂમિકા મહત્ત્વની હતી.

અભિવ્યક્તિની સ્વતંત્રતાએ વિશ્વની અનેક સરકારોને જવાબદાર ઠેરવવામાં, ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં અને અન્યાય પ્રત્યે અવાજ ઉઠાવવામાં મદદ કરી છે. જેમ કે, ઈ.સ. ૨૦૧૦માં ભારતીય મીડિયા દ્વારા પ્રકાશમાં આવેલા ‘રાડિયા ટેપ્સ’ કૌભાંડથી એક કોર્પોરેટ લૉબિસ્ટ અને કેટલાક પત્રકારો, રાજકારણીઓ તથા કેટલીક અગ્રણી વ્યક્તિઓ વચ્ચેની રેકોર્ડ કરેલી ફોન વાતચીતથી કોર્પોરેટ હિતો, રાજકારણીઓ અને મીડિયા વચ્ચેની સાંઠગાંઠ છતી થઈ હતી. ઈ.સ. ૨૦૧૨માં દિલ્હી ગૅંગ રેપ તરીકે ઓળખાતા ‘નિર્ભયા’કાંડને વ્યાપક મીડિયા કવરેજ મળતાં સમગ્ર ભારતમાં જબરદસ્ત જન-આક્રોશ ફેલાયો હતો અને દેશમાં વધુ મજબૂત અને જવાબદાર કાનૂની અને ન્યાયિક પ્રણાલીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

જનતાના ઉગ્ર વિરોધ અને જાહેર દબાણના પરિણામે ભારત સરકારને જાતીય ગુનાઓ સંબંધિત દેશના કાયદામાં નોંધપાત્ર ફેરફારો કરવાની ફરજ પડી હતી. ઈ.સ. ૨૦૧૬માં ‘ધ પનામા પેપર્સ’ નામના દસ્તાવેજો મીડિયા દ્વારા પ્રકાશમાં આવવાથી અસંખ્ય અગ્રણી ભારતીયો સાથે સંકળાયેલી ઑફ શોર નાણાંકીય પ્રવૃત્તિઓનો ખુલાસો થયો હતો. ઈ.સ. ૨૦૨૦-૨૧ દરમ્યાન થયેલા કિસાન આંદોલનને કારણે ભારતની સંસદમાં પસાર થયેલ ત્રણ કૃષિ કાનૂનને રદ્દબાતલ કરવા ભારત સરકારને ફરજ પડી હતી. ઈ.સ. ૨૦૨૩માં કથિત યૌન-શોષણ અંગેના ભારતની મહિલા પહેલવાનોના આંદોલનને કારણે ભારતીય કુસ્તી સંઘના વડા સામે કોર્ટ કેસ થયો હતો, ન્યાય અને કાનૂની પ્રક્રિયા બહાલ થઈ હતી. છેલ્લે ઈ.સ. ૨૦૨૩ના જુલાઈ મહિનામાં મણિપુરની મહિલાઓ સાથે થયેલ સમગ્ર માનવસમાજને શરમાવે તેવા અત્યાચાર અંગેનો વીડિયો વાઈરલ થવાથી ભારતની સર્વોચ્ચ અદાલતને તેનું સ્વત: સંજ્ઞાન લઈ કેન્દ્ર અને રાજ્યની સરકારોને દેશના બંધારણની અને કાનૂન-વ્યવસ્થાની રક્ષા માટે જરૂરી પગલાં લેવા આદેશ આપવાની ફરજ પડી હતી. આમ, લોકશાહીના વિસ્તાર, તેની રક્ષા અને સશક્તિકરણ વાસ્તે અભિવ્યક્તિની આઝાદી અનેક રીતે અત્યંત ઉપયોગી થઈ છે.

અભિવ્યક્તિની આઝાદી સામે પડકારો

જો કે, આજના વિશ્વમાં, અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે અનેક પડકારો ઊભા થયા છે. વિશ્વની ઘણી સરકારો મીડિયા પર સેન્સરશિપ લાદીને, વેબસાઈટ્સ, ટ્વિટર કે ઇંટરનેટ ઉપર પ્રતિબંધ મૂકીને, અને પત્રકારો કે વિરોધીઓને કેદ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને રૂંધવાનો પ્રયત્ન કરે છે. આવું ઘણી વાર આતંકવાદ, રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રવાદ અથવા ધર્મના નામે કરવામાં આવે છે. ક્યારેક સત્તાધીશો ઉપરોક્ત કારણોની આડમાં અતિરેકી નિયંત્રણો મૂકવા લલચાતા હોય છે. પરિણામે વિશ્વના અનેક દેશોમાં લોકશાહીની પીછેહઠ થઈ રહી છે. ભારતમાં ઈ.સ. ૧૯૭૫-૭૭ દરમ્યાનની આંતરિક કટોકટી વખતે આમ થયું હતું. વર્તમાન સમયમાં પણ આમ થઈ રહ્યું છે તેવી ફરિયાદો દેશ-વિદેશમાં વધી રહી છે. અમેરિકાની ‘ફ્રીડમ-હાઉસ’ નામની સંસ્થાનો ઈ.સ. ૨૦૨૩નો ‘ફીડમ ઈન ધ વર્લ્ડ’ રિપોર્ટ નોંધે છે કે ઈ.સ. ૨૦૨૨ના વર્ષ દરમિયાન કુલ ૧૯૫ દેશોમાંથી ભારત સહિત ઓછામાં ઓછા ૧૬૬ (૮૫ ટકા) દેશોમાં અભિવ્યક્તિ અને મીડિયા સ્વતંત્રતામાં ઘટાડો થયો છે.

તદુપરાંત, તાજેતરનાં વર્ષોમાં મોટાં કોર્પોરેટ ગૃહો પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા ખરીદીને તેમના તરફી કે તેમને અનુકૂળ સરકારો તરફી સમાચારો ફેલાવીને કે પ્રતિકૂળ હકીકતોને દબાવીને, લોકમતને પ્રભાવિત કરી રહ્યાં છે તેવી ફરિયાદો ભારત સહિત અનેક દેશોમાં થતી હોય છે. ‘રિપોર્ટસ વિધાઉટ બોર્ડર્સ’ દ્વારા જાહેર કરાયેલા એક ‘મીડિયા ઓનરશિપ મૉનિટર’ નામનો ઈ.સ. ૨૦૧૯નો અહેવાલ જણાવે છે કે ભારતમાં લગભગ ૭૫ ટકા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા મુઠ્ઠીભર કોર્પોરેટ ગૃહો દ્વારા નિયંત્રિત છે.

વળી, એવા પણ આક્ષેપો થાય છે કે ફેસબુક, યુ-ટ્યૂબ, અને ટ્વિટર જેવી કંપનીઓ પ્રતિકૂળ સામગ્રીને દૂર કરે છે અથવા વિવિધ દેશોની સરકારો તેમના વિરોધીઓ દ્વારા મુકાયેલી માહિતી રદ્‌ કરવા તેમના ઉપર દબાણ કરે છે. વધુમાં, સોશિયલ મીડિયા દ્વારા વિરોધીઓનું ટ્રોલિંગ કરીને તેમને ઑનલાઈન હેરાન કરવામાં આવે છે. તાજેતરમાં જ એક અમેરિકન મહિલા પત્રકારને ભારતની લોકશાહી અંગે પ્રશ્ન પૂછવા માટે ભારતના કેટલાક લોકો દ્વારા ટ્રોલ કરીને પરેશાન કરવામાં આવી હતી તેવી જાહેર ફરિયાદ ખુદ યુ.એસ.એ.ની સરકાર દ્વારા થઈ હતી. એટલું જ નહીં, પણ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશને પણ તેમના કેટલાક ચુકાદા પોતાને અનુકૂળ ન હોવાથી કેટલાક લોકો ઘૃણાસ્પદ રીતે સતત અને વારંવાર ટ્રોલ કરે છે. આવું ધાક-ધમકીનું વાતાવરણ ઊભું કરીને પત્રકારો, નેતાઓ, ન્યાયાધીશો અને વિરોધનો અવાજ ઉઠાવનારા નાગરિકોને ડરાવવાના અને ચૂપ કરવાના પ્રયત્નો થાય છે. તેથી વિશ્વની અનેક સરકારો સામે સૌથી મોટો પડકાર હાનિકારક સામગ્રી સામે લડવાના પ્રયાસો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવાનો છે.

સમાપન

જ્યારે વિશ્વમાં અભિવ્યક્તિની આઝાદી સમક્ષ અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે ત્યારે પ્રશ્ન થાય કે વર્તમાન માનવસમાજ જે અનેક જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેનો ઉકેલ મુક્ત અભિવ્યક્તિને કુંઠિત કરવાથી કેવી રીતે લાવી શકાશે ? જો લોકોને તેમના અભિપ્રાય વ્યક્ત કરવાથી રોકવામાં આવે તો તેમને માટે શાસનમાં ‘ભાગ’ લેવાનું કેવી રીતે શક્ય થઈ શકે ? જો લોકોને ભ્રષ્ટાચાર અને અન્યાય સામે બોલતાં અટકાવવામાં આવે તો ન્યાયી સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે ? જો પત્રકારો, ન્યાયાધીશો કે વિરોધીઓને ડરાવીને ચૂપ કરવામાં આવે તો લોકશાહી કેવી રીતે ટકી શકે ?

આવા પ્રશ્નો પ્રસ્તુત પણ છે અને ચિંતાજનક પણ. કારણ કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા વિના આપણે કોર્પોરેટ્સ અને શાસકોની દયા પર નિર્ભર થઈ જઈશું, જેઓ માહિતીના પ્રસારને કાબૂમાં કરવા અને વિરોધને દબાવી દેવા સક્ષમ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિના આપણે એવી દુનિયામાં જીવીશું, જ્યાં શક્તિશાળી શક્તિહીનને ચૂપ કરી શકશે, જ્યાં સત્યને દબાવવામાં આવશે, જ્યાં વિરોધ સહન કરવામાં આવશે નહીં અને જ્યાં અન્યાય અને અત્યાચાર વ્યાપક હશે. આપણે એવી દુનિયામાં જીવીશું, જ્યાં લોકશાહી પોતે જ ખતરામાં આવી પડશે, સદીઓના સંઘર્ષ પછી મેળવેલું માનવીય ગૌરવ આપણે ગુમાવી દઈશું. તેથી નાગરિક-સમાજથી લઈને પત્રકારો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે. કારણ કે, અભિવ્યક્તિની આઝાદી આધુનિક લોકશાહીનો નાભિશ્વાસ છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ઑક્ટોબર 2023; પૃ. 04 – 07

Loading

...102030...782783784785...790800810...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved