Opinion Magazine
Number of visits: 9741741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊગતા સૂરજના દેશમાં નહીં આથમતો સામાજિક ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 March 2024

ચંદુ મહેરિયા

ભારતની જેમ જાપાનમાં પણ ઊંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ ? દુનિયાના આ વિકસિત અને સમૃદ્ધ દેશનો સમાજ સમાનતાપૂર્ણ, સંવાદી અને સામંજસ્યપૂર્ણ હોવાની વૈશ્વિક છાપ છે. જાપાનના નાગરિકોનું કર્તવ્ય, સમય અને  શિસ્તનું પાલન વખણાય છે. એ સ્થિતિમાં જાપાનીઝ નાગરિકો દેશના એક પ્રજાસમૂહને હેય દૃષ્ટિએ જોતા હોય તે ઝટ ગળે ન ઉતરે એવી હકીકત છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી વલ્ડ કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમમાં, જાપાનના કથિત અસ્પૃશ્ય એવા બુરાકુમિન સમાજના નેતાઓને પ્રત્યક્ષ જોવા-મળવાનું થયું હતું. ભારતની જેમ જાપાનની સરકાર અને સમાજ પણ એમ કહે છે કે હવે ક્યાં કશા ભેદ રહ્યા જ છે ? પરંતુ શું ભારતમાં કે શું જાપાનમાં આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે, તેની પ્રતિતી તાજેતરના જાપાનની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી થઈ. બંધારણ અને કાયદાપોથીમાં તો જાપાનના તમામ નાગરિકો સમાન છે, પરંતુ લોકોનો સમાજિક દૃષ્ટિકોણ બદલાયો નથી. એટલે બુરાકુમિન આજે પણ ભેદભાવ વેઠે છે. જાપાની પ્રકાશકો  બુરાકુમિન વસ્તીના  નકશા, વસાહતોની તસવીરો અને તેમના વિશેની માહિતી પ્રકાશિત કરતા હોય છે. આવા જ એક પ્રકાશક સામેના દીર્ઘ કાનૂની સંઘર્ષને કારણે અદાલતે તે આચરણ ભેદભાવપૂર્ણ હોવાનું સ્વીકારીને ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. એટલે જાપાનમાં હજુ આભડછેટ અને ભેદભાવ મોજુદ છે અને તે સામેનો અવિરામ સંઘર્ષ પણ ચાલે છે તે પુરવાર થયું છે.

જાપાનમાં યોદ્ધા, ખેડૂતો, કામદારો અને વેપારીઓની ચારસ્તરીય સમાજરચના સત્તરમી સદીના ઈદોકાળમાં જન્મી હતી. તોકુગાવા શોગુનેટ (૧૬૦૩-૧૮૬૭) વંશ દ્વારા સમાજમાં સ્થિરતા આણવા અને રાજ્યસત્તા ટકાવવા માટે ચડતી-ઉતરતી ભાંજણીની સમાજવ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સામંતી શાસનમાં ચાર જ્ઞાતિ, સ્તર કે વર્ણ સિવાયના લોકોને બુરાકુમિન કે બુરાકુ કહેવામાં આવે છે. પૂર્વે તેમના માટે વધુ અપમાનજનક શબ્દો (દા.ત.એટા) વપરાતા હતા. જાપાની શબ્દ બુરાકુમિનનો સાદો અર્થ તો ગામડાંના લોકો થાય. પણ જ્યારે આ શબ્દ વર્ણ, જ્ઞાતિ કે ચારસ્તરીય સમાજવ્યવસ્થા બહારના લોકો માટે વપરાતો થયો ત્યારે તેનો અર્થ બદલાઈને ગામડિયો, ગમાર, ઉપેક્ષિત અને બહિષ્કૃત એવો થવા લાગ્યો છે.

સામંતી સમાજવ્યવસ્થાની પેદાશસમા બુરાકુમિનો બહારનો પ્રજાસમૂહ એટલે પણ છે કે તેઓના માથે જે વ્યવસાય કે કામો મારવામાં આવ્યા હતા તેને ગંદા, અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મરેલાં ઢોર ખેંચવાં, સફાઈ, કબ્રસ્તાનની રખેવાળી, શબ માટેની કબર ખોદવી, જેલરથી જલ્લાદ અને કસાઈથી દેહવ્યાપારના કામો, ભીખ માંગવી અને સામંતી જમીનદારોના વેઠિયા હોવું, ચામડા કમાવા – જેવાં ગંદાં અને હલકાં ગણાતાં કામો તેઓને કરવા પડતા હતા. તેમની વસ્તી ભારતના દલિતોની જેમ ગામના છેડે, ટેકરીઓ પર કે જમીનના ઢોળાવ પર હતી. ઘેટો(GHETO)માં રહેવું, હલકાં ગણાતાં કામો કરવાં તેને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી અને સામાજિક દરજ્જો ઉતરતો હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજી નાગરિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવતા હતા.

ભારતના દલિતોની જેમ જાપાનના બુરાકુમિન પર પણ જાતભાતના પ્રતિબંધો લદાયેલા છે. અન્ય ચાર સમૂહો સાથે કે નજીક તેઓ રહી શકે નહીં. તેઓ જુદા કે નીચા છે તે દર્શાવવા અન્ય જાપાનીઓ જેવા કપડાં પહેરી શકે નહીં. માથું ખૂલ્લું અને વાળ ટૂંકા રાખવા પડતા. મહિલાઓ આઈબ્રો કરી શકતી નહીં કે દાંત રંગી શકતી નહીં. ધાર્મિક સ્થળો અને શાળાઓમાં પ્રવેશી શકતા નહીં. બુરાકુ સિવાયના લોકો સાથે લગ્ન કરી શકે નહીં. ૧૮૬૮માં મીજી સમ્રાટે આ ભેદભાવ કરતા સામાજિક પદાનુક્રમને સમતલ કરવા પ્રયાસ કર્યો. ૧૮૬૯માં સામંતશાહીના અંત સાથે ૧૮૭૧માં ચારસ્તરીય સમાજરચના નાબૂદ થઈ અને બુરાકુમિનોને નવા નાગરિક બનાવ્યા હતા.

સ્વમાન અને સમાનતા માટેની જાપાનના કહેવાતા અસ્પૃશ્યોની લડતે પણ તેમને બરાબરીનો હક અપાવ્યો છે. ત્રીજી મે ૧૯૪૭થી અમલી જાપાનના બંધારણના પ્રકરણ-૩ના અનુચ્છેદ ૧૪માં કાયદા સમક્ષ તમામ જાપાનીઓને એક સમાન ગણવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પંથ, લિંગ, સામાજિક સ્થિતિ કે પારિવારિક મૂળનાં કારણે કોઈપણ નાગરિક સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવ કરવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે. બંધારણીય સમાનતા મળી તેનું કારણ ૧૯૨૨થી શરૂ થયેલું બુરાકુમુક્તિ આંદોલન છે. લેવલર્સ સંગઠન (૧૯૨૨), બુરાકુ લિબરેશન રાષ્ટ્રીય સમિતિ (૧૯૪૬) અને બુરાકુ લીબરેશન લીગ(૧૯૫૫), સોસાયટી ફોર ઈન્ટીગ્રેશન (૧૯૬૦) તથા ઓલ જાપાન બુરાકુ લિબરેશન મૂવમેન્ટ (૧૯૭૬) જેવા સંગઠનો દ્વારા તેમણે આંદોલનો કર્યા છે. અન્યાય અને અત્યાચારો સામે પ્રતિકાર અને વાજબી હકો તેમણે સંઘર્ષ કરી મેળવ્યા છે. બુરાકુ લિબરેશન લીગના લડાકૂ નેતા જિઈચિરો માત્સુમેતો (૧૮૮૭-૧૯૬૬) બુરાકુઓના મુક્તિદાતા ગણાય છે.

બંધારણના સમાનતાના અધિકારને જમીન પર ઉતારવા સરકારે પ્રયાસો કર્યા છે. ગાંધી જન્મ શતાબ્દી વરસ ૧૯૬૯માં આરંભાયેલી બુરાકુ માટેની ખાસ સવલતો – રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારે તેમની સ્થિતિમાં સુધારો આણ્યો છે. લગ્ન અને રોજગારમાં ભેદભાવ ઘટ્યો છે. ૧૯૩૦માં માંડ ૧૦ ટકા બુરાકુમિન અન્ય સાથે લગ્ન કરી શકતા હતા તે હવે વધીને ૬૦ ટકે પહોંચ્યા છે. પરંતુ હજુ સરેરાશ જાપાનીના માનસમાં બુરાકુમિન પ્રત્યેનો ભેદભાવ કે દુર્ભાવ ઓછો થયો નથી. ૨૦૦૩નો ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સર્વેમાં ૭૬ ટકા ટોક્યોવાસીઓએ બુરાકુમિન વિશેનો તેમનો ભેદભાવભર્યો મત બદલ્યો ન હોવાનું કે પાંચ ટકાએ તેમને કદી પોતાના પાડોશી તરીકે નહીં સ્વીકારવાનો મત વ્યક્ત કર્યો હતો. બુરાકુમિન નેતાઓએ ખાનગી કંપનીઓમાં બુરાકુમિનને નોકરી ના આપવા માટે બિનબુરાકુઓએ તૈયાર કરેલી તેમના નામ-સરનામા સાથેની ૩૩૦ પાનાંની હસ્તલિખિત યાદીની નકલ સરકારને આપી છે. બુરાકુઓની વસ્તીના અધિકૃત આંકડાઓ તો ઉપલબ્ધ નથી, પરંતુ તેમના નેતાઓ દેશની આશરે ૧૨ કરોડની વસ્તીમાં તેમની વસ્તી ૧૦થી ૩૦ લાખ હોવાનું જણાવે છે. બુરાકુઓના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ પણ છે જ. બુરાકુઓના વંશજો માટે પણ કેવો ભેદ રખાય છે તેનું એક આંખ ઉઘાડનારું ઉદાહરણ જાણવા જેવું છે. ૨૦૦૧માં તત્કાલીન જાપાની સરકારમાં નંબર ૨નું સ્થાન ધરાવતા હિરોમુ નોનકાનું નામ વડા પ્રધાનના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું. પરંતુ તેઓ બુરાકુમિન હોવાથી વડા પ્રધાન પદના અન્ય ઉમેદવાર તારો એસોએ ‘અમે કોઈ બુરાકુને વડા પ્રધાન બનવા દઈશું નહીં’ તેવો જાહેર હુંકાર કર્યો હતો અને બહુમતી જાપાની મતદારોએ તેમનું સમર્થન કર્યું હતું.

જાપાની સમાજ તેમના અસ્પૃશ્યોને સ્વીકારવા તૈયાર નથી તો સરકાર બુરાકુમિનને બંધારણીય સમાનતા આપે છે, પરંતુ તેનો કાયદેસર ભંગ કરી ભેદભાવ આચરનારને સજા કે દંડની જોગવાઈ કરતી નથી. એટલે એકરસ કે સમરસ થવાનો માર્ગ બુરાકુઓ માટે ભારે કઠિન છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘અદુલી’ એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ 

દીપક મહેતા|Opinion - Literature|27 March 2024

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ખાસ

“અદુલી, ટું આંય સું કરે ચ!” આ શબ્દો સાંભળ્યા છે, દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારે ગુજરાતમાં એક પણ રેડિયો સ્ટેશન નહોતું, એટલે મુંબઈ સ્ટેશનના કાર્યક્રમો ગુજરાતમાં, અરે, ઠેઠ કરાચી સુધી લોકો રોજ સાંભળતા. તેમાં આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે તેમનો જન્મ. એટલે કે આ સત્તરમીએ તેમના જન્મને એક સો દસ વર્ષ પૂરાં થશે. 

અદીનો પહેલો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. ગુજરાતી રંગભૂમિનો પાયો જ પારસીઓએ નાખ્યો અને કેટલાક દાયકા સુધી એ ક્ષેત્રે અગ્રણી રહ્યા. પણ અદીએ આવીને પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું. બોલચાલની ભાષા પર ગજબનું પ્રભુત્ત્વ. જન્મ, લગ્ન અને મૃત્યુની વાત કહેતા નાટકનું નામ ‘ધસિયો, ફસિયો, ખસિયો’ રાખવાનું એ વગર એમને સૂઝ્યું હશે?

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતાપૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪મા કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું. આજે આ વાત મોટી ન લાગે, પણ એ વખતે અવેતન રંગભૂમિ પર કોઈ નાટકના દસ શો થાય તો ‘ભયો ભયો’ થઈ જતું.  તેવી જ રીતે પછીથી અંગ્રેજી રંગભૂમિ પર કાઠું કાઢનારા ઘણા એકટર-ડિરેક્ટર અદીનાં અંગ્રેજી નાટકોમાં કામ કરતાં કરતાં ઘડાયા.

૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં રેડિયોની જે પહોંચ હતી અને જે ગ્લેમર હતી તે આજના ટી.વી.ને પણ ટપી જાય એવી હતી. ચંદ્રવદન મહેતા ‘રેડિયો ગઠરિયા’માં અદીએ રેડિયો પરથી છ હજાર કરતાં વધુ કાર્યક્રમો રજૂ કર્યા હોવાનું કહે છે. શરૂઆતનાં વર્ષોમાં રેકોર્ડીંગ તો હતું નહિ એટલે એ કાર્યક્રમો ક્યાંથી સચવાયા હોય? પણ ચંદ્રવદનભાઈ લખે છે કે આમાંના એકેએક કાર્યક્રમની સ્ક્રિપ્ટ પ્રેસમાં કમ્પોઝ કરાવી, છપાવીને અદીએ ફાઈલ બંધ સાચવી રાખેલી. અદીને ઘરના છાપાની અને તેના પ્રેસની સગવડ હતી એટલે તેઓ સહેલાઈથી આમ કરી શક્યા હોય. અદીના અવસાન પછી એ ફાઈલોનો ઢગલો અને બીજું પણ ઘણું બધું મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસને સોપાયું અને ત્યાં સચવાયું છે. પણ છ હજાર કાર્યક્રમોમાંથી સો કાર્યક્રમની સ્ક્રિપ્ટ પણ છપાવવાનું કોઈને ક્યાંથી સૂઝે?

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! આજે કેટલીક વાર ટી.વી.ની સિરિયલમાં એકાદ પાત્રને મારી નાખ્યા પછી થોડા એપિસોડ પછી પાછું જીવતું કરવું પડે છે. એવું જ આ ગોવિંદજીના પાત્ર અંગે પણ થયેલું. ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર મહિને આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું. 

પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઇ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો. 

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ 

પણ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. પહેલ વહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં, સુરતમાં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી દાદાભાઈ નવરોજીએ ‘રાસ્તગોફતાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ફરદુનજીના બે પુત્રો બહેરામજી અને મહેરવાનજી આ રાસ્ત-ગોફ્તારના જોડિયા માલિકો હતા. ૧૮૨૨માં શરૂ થયેલા ‘મુંબઈ સમાચાર’ પછી દસ વર્ષે, ૧૮૩૨માં શરૂ થયેલું ‘જામે જમશેદ’ વર્ષો સુધી ‘સમાચાર’નું કટ્ટર વિરોધી રહ્યું હતું. પણ ૧૮૮૭માં જહાંગીર એન્ડ સરાફ નામની કંપનીએ ‘જામે’ ખરીદી લીધું. આ કંપનીના બે માલિકોમાંના એક હતા જહાંગીરજી, ફરદુનજીના પૌત્ર. થોડા વખત પછી કાવસજી સરાફ ધંધા માટે ચીન જઈ વસ્યા એટલે જહાંગીરજી ‘જામે’ના એકમાત્ર માલિક બન્યા. ૧૯૦૨માં તેમના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ ‘જામે’ના તંત્રી બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ ‘જામે’ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ મોટા ગજાના પત્રકાર ઉપરાંત અચ્છા નાટકકાર પણ હતા. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે. 

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલનાં મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય પોતે મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : “શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.” પણ અદી બાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું. 

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

બારીમાંથી બે અવલોકન

સુરેશ જાની|Opinion - Literature|27 March 2024

અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું; અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનિયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફૂટ દૂર એક ઠીક ઠીક મોટો છોડ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે એક મોટું વૃક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સૂકું સટ પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.

આ બધી સતત ચાલતી રહેલી ગતિ, પવનની હયાતિની સાક્ષી પૂરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે. પવન છે જ નહીં. બધું સ્થિર હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.

સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતિ, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?

અરે! આ સ્થિર હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી તો તેમાં તરતાં, ઊડતાં બેક્ટેરિયા કે વાઈરસ તો ક્યાંથી જ દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી આપણા નાકમાં પેંસી જાય છે?

આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભૂતિ થતી હોય છે. પણ, કોક ચીજની કશી ય અનુભૂતિ ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, તેનુ હોવાપણું છે જ નહીં?

એવા કયા કાલ્પનિક અસ્તિત્વના હોવાપણા વિશે આમ વિચારતાં થઈ ગયાં ખરું ને ? !  

અને આમ જ બીજા એક દિવસે …..

સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ. આ નવરાશની પળે આદતવશ અવલોકન શરૂ થયું છે.

સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એ ય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું. કશું જ બદલાયું નથી. બધું જેમનું તેમ છે. કે ખરેખર એમ છે?

મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે – જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.

એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઊંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લીસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે.

પસાર થઈ ગયેલી કાર કાલવાળી કાર ન હતી. બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાં ય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં.

અરે! આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી.

એણે અવલોકન, અનાવલોકન, હાલોકન, પ્રતિભાવ, અપ્રતિભાવના ભાવો વચ્ચે કેટકેટલાં ઝોલાં ખાધાં છે ; અને હજુ ન જાણે કેટલાં ખાશે?

પરિવર્તન … પરિવર્તન … પરિવર્તન … ન દેખાય તેવું પણ અચૂક પરિવર્તન … હર ઘડી, હર સ્થળ.

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...778779780781...790800810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved