Opinion Magazine
Number of visits: 9741949
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરવિંદ કેજરીવાલની ધરપકડઃ રાજકીય કાવાદાવાની પેચીદી સ્ક્રીપ્ટનો નાટ્યાત્મક વળાંક

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 March 2024

ઇલેક્ટોરલ બોન્ડ્ઝ – જે મૂળે તો એક વ્યવસ્થિત પૂર્વ આયોજિત ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે, તેની પર સાવલ ઉઠ્યા અને એ મુદ્દો અચાનક જ કેજરીવાલની ધરપકડના ઘોંઘાટ વચ્ચે દબાઇ ગયો

ચિરંતના ભટ્ટ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી. દેશમાં લોકસભાની ચૂંટણી માથે હોય અને રાજધાનીના મુખ્ય મંત્રીને જેલભેગા કરવામાં આવે એ ઘટનાને એકથી વધુ દૃષ્ટિકોણથી નાણી શકાય અને નાણવી જોઇએ.

અરવિંદ કેજરીવાલે ક્યાં કાચું કાપ્યું એ મુદ્દા પર પૂરતી ચર્ચા થઇ છે, પણ જે રીતે આ આખી ઘટનાને આકાર આપવામાં આવ્યો છે એમાં લોકશાહી અચાનક ચૂંટણી લક્ષી બની ગઇ છે એવો આભાસ થાય છે. લોકશાહી ચૂંટણી અનુસાર કે ચૂંટણી માટે ઇચ્છા પ્રમાણે વાપરવામાં આવે ત્યારે તે દેશ ચલાવવાની એક તટસ્થ-સંતુલિત રીતને બદલે સરમુખત્યાર માનસિકતાનું સાધન બનીને રહી જાય છે. કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકારે કેજરીવાલની ધરપકડ કરીને લોકશાહી પર સરમુખત્યારશાહીની ચાબૂક ફટકારી છે. એમ કહેવું કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તો પોતાનું કામ પોતાની રીતે કરે છે સરિયામ જુઠ્ઠાણું છે. કેજરીવાલને નિશાને રાખીને સાટામાં લેવામાં EDની કામગીરી શાસક પક્ષના વિરોધીઓને શોધી શોધીને તેમની ભાષામાં ‘હખણા કરી દેવા’ માટે જ કરાય છે એવું વર્તાઇ આવે છે.  ધાક બેસાડવામાં ભા.જ.પા. એક્સપર્ટ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પણ આ ધરપકડને કારણે જે આમ આદમી પાર્ટી નબળી પડી જશે અને હચમચી જશે એવી અપેક્ષા હતી તેને બદલે તેનું જોર બમણું થયું છે, તો બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને પણ લડત માટે મજબૂત મુદ્દો મળ્યો છે એમ લાગે છે. હવે મોટા ભાગનાને ન ગમે એવી વાત ટાંકવી જ પડે કે જે રીતે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને નાથવા માટે મોદી સરકારે કોઇ કચાશ નથી છોડી એ જ સાબિત કરે છે કે તેમને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામેની રાજકીય ટક્કરનો સૌથી મોટો ડર છે.

 છેલ્લા કેટલાક મહિનામાં વિરોધપક્ષોએ સતત એ દલીલ આગળ ધરી છે કે મોદી સરકારે ચૂંટણીના ખેલને પોતાની તરફેણમાં કરી દેવાના બધા જ કાવાદાવા વાપર્યા છે. પ્રસાર માધ્યમો પર નિયંત્રણ કરવાથી માંડીને રાજકીય ભંડોળ પર પણ ભા.જ.પા.એ ઇજારાશાહી મેળવી છે. 

અરવિંદ કેજરીવાલ

રાજકીય સ્તરે જે ખેલ ચાલે છે તે સામાન્ય મતદાર માટે સમજવું શક્ય નથી પણ વિરોધપક્ષના નેતાની ધરપકડ સાબિત કરે છે કે ભા.જ.પા. એક માથાભારે પક્ષ તરીકે ઓળખાય તેમાં તેમને કોઈ ફેર પડતો નથી. EDએ જમાનત વગર આપના ચાર મોટા માથાઓની ધરપકડ કરી, કોઇને આપ સામે વાંધો હોય કે ન હોય પણ જે રીતે આ પક્ષ સાથે વહેવાર થયો છે તે જોતાં તો ભલભલાને આપ માટે દયાની ભાવના થઇ આવે. કોઇ પણ પ્રકારની ટ્રાયલ આ ધરપકડ પર આ લખાય છે ત્યાં સુધી નથી થઇ. મૂળે ભા.જ.પા. સતત એ જ સંદેશો આપવા માગે છે કે લોકસભાની ચૂંટણી થાય ત્યાં સુધી એ કોઇ બીજા પક્ષને ચૂંટણી પ્રચાર કરવાની સ્થિતિમાં પણ નહીં રહેવા દે. આપણે એમ માની લેવાનું કે દિલ્હીમાં શરાબના વેચાણની નીતિમાં ફેરફાર કરીને પૈસા બનાવી લેવાનો કહેવાતો ગુનો આચરવા બદલ કેજરીવાલની ધરપકડ કરાઇ છે. વળી આ કિસ્સામાં સરથ ચંદ્ર રેડ્ડી આ કહેવાતા ‘શરાબ કૌભાંડ’નો મુખ્ય ચહેરો હતા, તેમણે દિલ્હીમાં લિક્યોર લાઈસન્સ મેળવવા લાંચ આપવાનો તેમની પર આક્ષેપ હતો. પહેલાં તો તેમણે પોતે કેજરીવાલને મળ્યા છે એ વાતને રદિયો જ આપ્યો અને ધરપકડ પછી EDએ તેમની જમાનત ત્યાં સુધી માન્ય (સાત મહિના) ન કરી જ્યાં સુધી તેમણે કેજરીવાલનું નામ ન લીધું. આ બધી પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન રેડ્ડીની કંપનીઓએ ભા.જ.પા.ના પ્રચાર માટે 59.9 કરોડનું ‘દાન’ આપ્યું. અત્યાર સુધીમાં ઇ.ડી. પાસે આરોપીમાંથી સાક્ષીમાં ફેરવાયા હોય એવા જ લોકોના નિવેદનો છે, આપને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાના કોઇ નક્કર પુરાવા છે જ નહીં. 

કેજરીવાલની ધપરકડ સાથે સંકળાયેલી અનેક બાબતો છે પણ આ ધરપકડનો જે આખો ‘ડ્રામો’ થયો એમાં આપણા રાજકીય નાટકની એક અગત્યની સ્ટોરી લાઇન પડદા પાછળ ધકેલાઇ ગઇ. ઇલેક્ટોરલ બોન્ડ્ઝ – જે મૂળે તો એક વ્યવસ્થિત પૂર્વ આયોજિત ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે, તેની પર સવાલો ઉઠવાના ખડા થયા અને તે મુદ્દો અચાનક જ કેજરીવાલની ધરપકડના ઘોંઘાટ વચ્ચે દબાઇ ગયો. જ્યાં એક આખા તંત્ર પર સવાલ થઇ રહ્યા હતા ત્યાં અચાનક જ એક ચહેરો ચર્ચાનો વિષય બની ગયો. 

જ્યારે અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ચળવળ ચલાવી ત્યારે ભારતીય લોકશાહી પર તેની ઘેરી અસર પડી અને જનતા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં એક થઇ. પરિણામે યુપીએ હેઠળની કાઁગ્રેસ સરકારને નમતું જોખવું પડ્યું અને સામાન્ય નાગરિક ભારતીય લોકશાહીમાં જે પ્રશ્નો છે તેનો ભોગ બને છે એ પણ સાબિત થયું. આ ચળવળનો પ્રભાવ 2014ની ચૂંટણી માટે પાયો બન્યો અને ભા.જ.પા.એ કેન્દ્રમાં સરકાર બનાવી. દસ વર્ષના ગાળામાં દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે હિંદુત્વના થોડા-ઘણા રંગ વાપર્યા પણ ખરા. આ ધરપકડને પગલે કસોટી તો કેજરીવાલના ટેકેદારોની પણ છે જેમણે રાજ્ય સ્તરે આપને ટેકો આપ્યો અને રાષ્ટ્રીય સ્તરે ભા.જ.પા.ને ટેકો આપ્યો પણ હવે તેમણે નક્કી કરવું પડશે કે તેઓ કોની તરફેણમાં છે. આપણા દેશના રાજકારણમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં બહુ ઊંડા છે પણ એ પ્રશ્ન તો અભરાઇએ મુકાઇ ગયો અને નાટ્યાત્મક ઘટનાઓની જ ચર્ચા થઇ રહી છે. 

અહીં મામલો રાજકીય સ્તરે પણ પેચીદો છે કારણકે ભા.જ.પા.ને બતાડી દેવા કાઁગ્રેસ ભૂતકાળ ભૂલીને કેજરીવાલને ટેકો આપશે તો પણ કાઁગ્રેસની નૈતિકતા પર સવાલ ઉઠશે. આ સમય છે સિદ્ધાંત અને ચોકક્સ સામાજિક જૂથની રાજનીતિ વચ્ચેની મૂંઝવણમાંથી રસ્તો કાઢવાનો છે. કેજરીવાલના ટેકેદારોએ પોતાની માન્યતાઓ અને અગ્રિમતાઓને ફરી નાંણવી પડશે એ પણ ચોક્કસ છે.  વળી કેજરીવાલ સાથે જે થયું છે એમાં ભા.જ.પા. સામે તે ચૂંટણીમાં ટક્કર ન લઇ શકે એવી સ્થિતિ સર્જવામાં આવી છે એ સમજવા માટે કોઇએ આપના ટેકેદાર હોવાની જરૂર પણ નથી, એ હકીકત તો નાનું છોકરું પણ સ્પષ્ટતાથી જોઇ શકે એમ છે. 

ભા.જ.પા.નું વલણ સાફ છે, તમે અમારી સાથે નથી તો અમારી સામે છો. ભા.જ.પા.એ અજીત પવાર, છગન ભુજબળ અને હિમન્તા બિસ્વા સર્મા જેવા નેતાઓને કઇ રીતે પોતાની પાંખમાં લીધા એ આપણી નજર સામે છે. વળી આ તમામની સામે પડેલી તપાસ એજન્સીઓ માટે તેમની સામેના કેસિઝ સ્મૃતિ ભ્રમનો હિસ્સો બની ગયા. ભા.જ.પા.નો અભિગમ લોકશાહીને ગણતરીમાં વૈચારિક દૃષ્ટિએ નથી લેતો એ ભાવના તો હતી જ પણ આ ધરપકડને પગલે ભા.જ.પા.ની લોકશાહી પ્રત્યેની ભાવનાઓ જાણે વહેવારમાં પણ ઉતરી આવી. દાદાગીરી કોઇને ય બહુ લાંબો સમય સુધી માફક નથી આવતી એ સમજવા માટે ભા.જ.પા.એ કટોકટી પછી ઇન્દિરા ગાંધીની સરકારની જે હાલત થઇ હતી તે યાદ કરી લેવું જોઇએ.

કેજરીવાલ – એક સામાન્ય માણસ જેવો દેખાતા આ નેતાએ નરેન્દ્ર મોદીને 2014ની ચૂંટણીમાં દિલ્હી નહોતું જીતવા દીધું. વારાણસીમાં પણ કેજરીવાલે મોદીને પોતાની સાદગીનો પરચો બતાડ્યો હતો, ભલે જીતવા નહોતું મળ્યું પણ વોટશેર નોંધપાત્ર હતો. રાષ્ટ્રીય ચહેરો બની ચૂકેલા મોદી માટે કેજરીવાલ આંખમાં ખૂંચતો કણો બની ગયા. કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે રાજધાનીમાં કામ કરનારા કેજરીવાલ અને તેમના પક્ષની પાંખો કાપવામાં કંઇ બાકી ન રાખ્યું. 2020માં કેજરીવાલ ફરી તગડા બહુમતથી દિલ્હીમાં જીત્યા, 2022માં પંજાબમાં જીત્યા. કેજરીવાલનું રાષ્ટ્રીય પક્ષ તરીકે પ્રસરવું તો સાહેબને ફાવે એમ જ નહોતું અને ભા.જ.પા. માટે કેજરીવાલની છબિ, પહોંચ બધું જ ખતરાની ઘંટી બની ગયું અને પરિણામ આપણી નજર સામે છે. જો કે કેજરીવાલને ‘પાંસરો’ કરવાની લ્હાઇમાં મોદી સરકારે તેને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ફેમસ’ કરી દીધા છે અને જનતાની લાગણીનો લાભ તો તેને મળશે જ. વળી જેલ ભેગા થયેલા ક્રાંતિકારીઓની જીતનો પરચો તો આખી દુનિયાએ જોયો જ છે.

બાય ધી વેઃ

ભા.જ.પા.ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને, ભારતના બંધારણીય માળખાને નબળી પાડી રહી છે. ઝારખંડના સી.એ.મ હેમંત સોરેનની ધરપકડ બાદ, અરવિંદ કેજરીવાલની ધરપકડ, લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય હરીફોને દબાવવાના ભા.જ.પા.ના ઈરાદાને ખુલ્લો પાડનારી છે. કોર્ટના સમન્સ છતાં, કથિત ભ્રષ્ટાચારની તપાસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. AAP સભ્યો અને આનંદ તેલતુમ્બડે જેવા અન્ય લોકો સહિતની ધરપકડની પેટર્ન, પોતાની સાથે સંમત ન હોય તેવા લોકોને ચૂપ કરી દેવા માટે ઇન્વેસ્ટિગેશન એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે તે દેખીતી વાસ્તવિકતા છે. વિરોધ પક્ષ(કાઁગ્રેસ)ના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવા, દમદાટી આપી નાણાંકીય દાવપેચ કરવા, લોકશાહી સિદ્ધાંતો અને સંસ્થાઓની સ્વાયત્તતાની કોઇને પડી નથી એ છતું કરે છે. ભા.જ.પા.ની રણનીતિ છે વિરોધીઓને ચૂપ કરવા, આ ભયનો માહોલ છે જે અંતે વ્યવસાયી અને સામાન્ય નાગરિકો સુધી પણ પહોંચશે. લોકોએ ચૂપ રહેવું જોઇએ? ક્યાં સુધી ચૂપ રહી શકાશે? લોકશાહીનું પતન અટકાવી શકાશે? આ સવાલોના જવાબ નાગરિક તરીકે આપણે પહેલાં જાતને અને પછી સમાજને, રાષ્ટ્રને આપવાના છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2024

Loading

અટકવાનું નહોતું

આશિષ મકવાણા|Opinion - Opinion|31 March 2024

ન જાણે જશું ક્યાં ? અટકવાનું નહોતું,

ઉતરવાનું, ચઢવાનું, વળવાનું નહોતું,

કે જીવવાનું નહોતું ને મરવાનું નહોતું,

જીવનમાં વધુ કૈં જ કરવાનું નહોતું.

હતો ફક્ત આગળ જવાનો જ રસ્તો,

અને મારે આગળ નીકળવાનું નહોતું.

હૃદયની સ્વત: ભીંત ફાડીને ઊગશે,

કવિતામાં દિમાગ કસવાનું નહોતું.

કરો સુપરત કે સ્વીકારો, હૃદય છે,

ગમે તેમ નીચે પટકવાનું નહોતું.

જરા આંખમાં જોઈ, નીકળી ગયો છું,

કણાં જેમ મારે ખટકવાનું નહોતું.

e.mail : ashishmakwana@live.com

Loading

મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી પરંતુ પરસ્પર પૂરક છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2024

રમેશ ઓઝા

કોઈ માણસને ભડવીર, કૃતનિશ્ચયી, અડગ, લોખંડી મનોબળ ધરાવનારો બતાવવા માટે તેની અંદર રહેલી માણસાઈને પાતળી પાડવી જરૂરી છે? શું વીરતા અને માણસાઈ એ પરસ્પર વિરોધી ગુણ છે? ભારોભાર માણસાઈ ધરાવનારો માણસ શૂરવીર ન હોઈ શકે? પણ આજકાલ આવું કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આવું કરવામાં આવી રહ્યું છે. તેમને મુસલમાનોની ઐસીતૈસી કરનારા ભડવીર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. આવું કરનારાઓ આ બન્ને મહાપુરુષોને અન્યાય કરી રહ્યા છે. તેઓ બન્ને ભડવીર જરૂર હતા, માથાભારે નહોતા. માણસાઈ, વિવેક અને મર્યાદા જાણતા હતા અને પાળતા પણ હતા.

શિવાજી મહારાજની માણસાઈનું પ્રમાણ તો હિન્દુત્વવાદીઓના મહાગુરુ વિનાયક દામોદર સાવરકરે પોતે જ આપ્યું છે અને માણસાઈ ધરાવવા માટે (હા, માણસાઈ ધરાવવા માટે તેમ જ માણસાઈ બતાવવા માટે) ધોખો કર્યો છે. શિવાજી મહારાજના સૈનિકોએ કલ્યાણના મુસ્લિમ સૂબાની પુત્રવધૂ અને અન્ય સૈનિકોની પત્નીઓને પકડીને શિવાજી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરી. શિવાજી મહારાજને મરાઠા સૈનિકોનું આ પગલું ઉચિત લાગ્યું નહીં અને આદેશ આપ્યો કે હમણાં ને હમણાં આ સ્ત્રીઓને માનભેર તેમના ઘરે પાછી પહોંચડવામાં આવે અને તેમનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. સાવરકરે આ પ્રસંગને ટાંકીને લખ્યું છે કે શિવાજી મહારાજે હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેમના સૈનિકોને ભોગવવા માટે આપી દેવી જોઈતી હતી. હિંદુ સૈનિકો તેમના પર બળાત્કાર કરત અને મુસલમાનોને પાઠ ભણાવત. સાવરકર માનતા હતા કે માણસાઈ એક નબળાઈ છે, દુર્ગુણ છે. તેમણે તેમનાં મરાઠી પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે જેનું શીર્ષક જ છે : સદ્દગુણ વિકૃતિ. સદ્દગુણ એ વિકૃતિ છે.

મુસ્લિમ સ્ત્રીઓની આબરૂનું રક્ષણ કરનારા શિવાજી મહારાજ નબળા હતા? જો નબળા હોત તો તેમણે આગ્રાની જેલમાંથી છૂટવા માટે ઔરંગઝેબની માફી માગી હોત, જે રીતે સાવરકરે આંદામાનની જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોની એક વાર નહીં, ઉપરાઉપર અનેકવાર માફી માગી હતી. શિવાજી મહારાજની બહાદુરી, સંકલ્પસિદ્ધિ, કૃતનિશ્ચયતા વિષે કોણ નથી જાણતું? એ માણસે ઔરંગઝેબને હંફાવી દીધો હતો અને દક્ષિણ છોડીને દિલ્હી પાછો જવા નહોતો દીધો. લાંબો સમય સુધી દિલ્હીની બહાર રહેવાને કારણે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને છેવટે તેનું પતન થયું હતું. અને હજુ એક વાત. આગળ જતાં આ જ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યનું પતન મરાઠાઓની મર્દાનગીના અભાવને કારણે નહોતું થયું, પણ પેશ્વાઓની ઐયાશીના કારણે, તેમની જીવન મૂલ્યો સાથેની શિથિલતાને કારણે, મર્યાદાલોપને કારણે થયું હતું. ટૂંકમાં મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી, પરસ્પર પૂરક છે. બન્ને એકબીજાને વધારે સમૃદ્ધ કરે છે. દીપાવે છે. મર્યાદા પુરુષોત્તમ રામ કાયર હતા?

શિવાજી મહારાજની જેમ સરદાર વલ્લભભાઇ પટેલ પણ ખાસ એજન્ડાના શિકાર છે. આ બન્નેને મોટા બનાવવામાં નથી આવી રહ્યા, નાના બનાવવામાં આવી રહ્યા છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આપણને માફક આવે એવા અને આપણી જેવા બનાવો. આમાં આપણી જેવા એ વધારે મહત્ત્વનું છે. આપણી જેવા એટલે માનમર્યાદામાં નહીં માનનારા અને મુસલમાનોની ઐસીતૈસી કરનારા. શિવાજી મહારાજે આવું ક્યારેનય કર્યું નથી અને સરદારે પણ આવું કર્યું નથી. ૧૯૩૭-૩૯ની સાલમાં મુંબઈ રાજ્યની સરકારમાં કનૈયાલાલ મુનશી ગૃહ પ્રધાન હતા. એ સમયે સુરતમાં, મુંબઈમાં અને સોલાપુરમાં કોમી રમખાણો થયાં હતાં. સરદાર પટેલે કનૈયાલાલ મુનશીને રમખાણોનાં કારણો જાણવા પત્ર લખ્યો હતો અને તેને રોકવા માટે સૂચનો આપ્યાં હતાં. તેમણે મુનશીને ખાનગીમાં નહોતું કહ્યું કે બે દિવસ તમને આપું છું, મુસલમાનોને ધીબેડી નાખો. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે તેઓ પોતે દેશનાં ગૃહ પ્રધાન હતા અને ત્યારે તેઓ એમ કહી શક્યા હોત કે મહાત્માજી તો બોલ્યા કરે, સેક્યુલરિસ્ટો અને માનવતાવાદીઓ તો ભસ્યા કરે, હું તમને અઠવાડિયું આપું છું કરી દો મુસલમાનોને પાકિસ્તાન ભેળા. તેઓ ભડવીર હતા, કૃતનિશ્ચયી હતા, આખાબોલા હતા, કોઈની આડોડાઈને સહન નહોતા કરતા પણ એની સાથે માણસાઈ ધરાવનારા માણસ હતા.

એક પ્રસંગ ટાંકુ છું. બોરસદના સત્યાગ્રહમાં વિજય મળ્યો એ પછી ૧૨મી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. એ સભામાં વલ્લભભાઇ પટેલે કહ્યું હતું: “એક મહિનાની ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. તેમાં દરબારસાહેબની (દરબાર ગોપાળદાસ) પંડ્યાજીની (મોહનલાલ પંડ્યા) કે મારી, કોઈની બુદ્ધિચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી; પણ આજે જેલમાં બેઠેલા આપણા ગુરુ, જગતના મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. એમણે આપેલી દીક્ષાની ગુરુદક્ષિણા તો હજી આપણે આપવી બાકી જ છે, આ તો એમના ઋણનું વ્યાજ માત્ર આપણે પાછું વાળ્યું છે.” આગળ કહે છે : “ … મેં જાણ્યું કે તમે ફતેહની ઉજાણી કરવાના છો. તે ભલે ઉજવો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તિ કરવા આવનારાઓને પણ ભાગ લેવા બોલાવો. આપણી લડત આસૂરી નથી, એટલે દુ:શ્મને જ્યારે હથિયાર હેઠાં મૂકયાં ત્યારે તમારે તેમની સાથે મહોબત કરવી અને પોલીસને પણ તમારી ઉજાણીમાં ભાગ લેવા બોલાવવા.”

સરદાર કહે છે કે ગાંધીના માર્ગે વિજય મળ્યો અને એ માર્ગ માણસાઈયુક્ત શૌર્યનો હતો અને માણસાઈયુક્ત શૌર્યથી વધારે મોટું કોઈ શૌર્ય હોતું નથી. માણસાઈ વિનાનું શૌર્ય એ શૌર્ય ન કહેવાય એને માથાભારેપણું કહેવાય. અને વિજય? સરદાર કહે છે કે ઉદારતાયુક્ત વિજય એ સાચો વિજય કહેવાય અને જો વિજયમાં ઉદારતા ન હોય તો એમાં વિરોધી માટે દ્વેષ, તિરસ્કાર અને પ્રસંગે સતામણી પેદા થાય.

આવા હતા શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઇ પટેલ. તેમની મર્દાનગી માણસાઈયુક્ત હતી. તેમના વિજયમાં ઉદારતા હતી. પણ આજના યુગમાં શાસકોની ખાસ જરૂરિયાતના ભાગરૂપે આ બન્નેની માણસાઈને પાતળી પાડવામાં આવી રહી છે. તેઓ શિવાજી મહારાજ અને સરદાર પટેલને તેમના જેવા બનાવવા માગે છે. આવું કરનારાઓ તેમને અન્યાય કરે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2024

Loading

...102030...776777778779...790800810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved