Opinion Magazine
Number of visits: 9457597
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત !’

રમેશ સવાણી|Opinion - Opinion|14 November 2023

[ભાગ-3]

રમેશ સવાણી

જે કામ ગાંધીજી કરી શકે, સરદાર કરી શકે, મોરારજી દેસાઈ કરી શકે, ઉછરંગરાય નવલશંકર ઢેબર કરી શકે તે કામ કથની અને કરણી સાવ ભિન્ન હોય તે નેતા ન કરી શકે ! ભલે હજારો પ્રયત્ન કરે; મીડિયાને ખરીદી લે; કોર્પોરેટ કથાકારો, મોટિવેશનલ સ્પીકર્સ, સંપ્રદાયના સ્વામીઓ, બાબાઓ વગેરે ગમે તેટલા વખાણ કરે તો પણ નેતાનું ચરિત્ર ઊંચું થઈ શકતું નથી. હા, ખાલી ચણો વાગે ઘણો ! વખાણ કરવાથી ચરિત્ર બનતું નથી, કાર્યથી ચરિત્ર નિર્માણ થાય છે. પ્રામાણિક માણસ સત્યપ્રિય હોય છે, સ્પષ્ટવક્તા હોય છે. પ્રામાણિક માણસ અપ્રામાણિકતા સહન ન કરે અને અપ્રામાણિકતા આચરે પણ નહીં. અન્યાય સહન ન કરે અને કોઈને અન્યાય પણ ન કરે. મૂલ્યનિષ્ઠ ખેડૂત અને મૂલ્યનિષ્ઠ રાજપુરુષ કેવા હોય તે જોવા માટે ધારાસભ્ય છગનભાઈ પટેલનું વ્યક્તિત્વ જોવું પડે.

આઝાદી પહેલા ભાવનગરના મહારાજાએ પ્રજાને જવાબદાર લોકતંત્રની વ્યવસ્થા આપેલી. જેમાં રાજ્ય તરફથી પ્રતિનિધિઓની ધારાસભ્ય નિમણૂક થતી, તેને બદલે ચૂંટણીઓ દ્વારા ધારાસભાની રચના થઈ. જેમાં ‘ભાવનગર પ્રજા પરિષદ’ નામની સંસ્થા કોાઁગ્રેસના નેજા તળે બળવંતભાઈ મહેતાની રાબરી નીચે ચાલતી. પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે છગનભાઈએ ચૂંટણી લડવાની થઈ ત્યારે તે વખતના દિવાન અનંતરાય પટ્ટણીએ નિલમબાગ પેલેસમાં છગનભાઈને બોલાવીને રાજ સામે ચૂંટણી નહીં લડવા સામ-દામ દંડ અને ભેદની નીતિ અપનાવી. અડગ રહેલા છગનભાઈને ધનની લાલચ આપી અને કહ્યું કે “ભાવનગર રાજને તમારા જેવા સારા ખેડૂતની ખૂબ જરૂર છે માટે રાજ સામેનું આંદોલન મૂકીને રાજની સાથે આવી જાવ !” છગનભાઈએ નમ્રતાપૂર્વક દિવાનને કહ્યું : “મેં આજીવન અણહકની પાઈ પણ ન લેવાનું વ્રત લીધું છે !”

છગનભાઈની આગેવાની હેઠળ કાશ્મીર પ્રવાસે ગયેલ સૌરાષ્ટ્રના ધારાસભ્યો

છગનભાઈ ચોગઠ ગામના સરપંચ હતા ત્યારે પંચાયત ઓફિસમાં અંગત કાગળ અને પોસ્ટકાર્ડ રાખતા, અલગ શાહીનો ખડિયો રાખતા. કોઈ કહેતું કે નાની વાતમાં આવું ન કરાય. ત્યારે છગનભાઈ કહેતા : “લપસણી તો નાની હોય છે. ત્યાંથી શરૂઆત થયા પછી પાછું ફરવું મુશ્કેલ હોય છે. પારકું લેવું, મફતનું લેવું, બીજાને છેતરવા, આરામનું ખાવું આ વૃત્તિ થઈ જાય છે. સારી અને નરસી વૃત્તિ બંને ચેપી છે. એક હશે તો બીજું નહીં આવે. હકનું ખાવું કે હરામનું ખાવું. એક વખત નક્કી થઈ જાય પછી તેમાં બહુ ઓછો ફેર પડે છે. એક દાખલો આપું. સંત્રી પહેરો ભરનારા બે જણ ભરી બંદૂકે 10 ફૂટના દરવાજામાં સામસામા આવ-જા કર્યા જ કરે છે, કોઈએ અટકવાનું નહીં. આવું શા માટે? બંને સામસામે ફક્ત ઊભા રહે તો પણ ચાલે. ખુરશી ઉપર બંને બેસી રહે તો પણ ચાલે, છતાં આવું ગોઠવ્યું કેમ? તેનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે ચાલવું બંધ કરી ઊભા રહ્યા તેમાંથી બાંધછોડ કરીને એક બેઠો પછી એક ઊભો રહ્યો, પછી બાંધછોડ થઈ અને બંને બેસી રહ્યા. પછી બાંધછોડ થઈ, એક જાગે અને એક ઊંઘ લઈ લ્યે, પછી બાંધછોડ થઈ બંને ઊંઘી ગયા. પરિણામ, ખજાનો લૂંટાઈ ગયો. આમ નીતિ અને સત્યમાં માણસ ઊણો ઉતરે ત્યારે અનર્થ સર્જાય. માટે બાંધછોડ કરવાની જરૂર લાગે ત્યાં જરૂર કરો, પણ જીવન વ્યવહારની નીતિ વિષયક વાત આવે ત્યારે નીતિને વળગી રહે તે જ જીવન જીવી શકે.”

છગનભાઈ ઘરખેડ પ્રવર સમિતિના સભ્ય હતા. એક વખત એક ખેડૂત તેમની પાસે પોતાનો પ્રશ્ન લઈને ચોગઠ આવ્યા. છગનભાઈ ઘરે ન હતા, વાડીએ ગયા હતા. પેલો ખેડૂત વાડીએ પહોંચ્યો. જોયું તો છગનભાઈ કૂવામાં હતા અને કૂવો ગાળતા હતા. છગનભાઈ કૂવા બહાર આવ્યા અને ખેડૂતનો પ્રશ્ન સાંભળ્યો. ખેડૂત કહે : “છગનભાઈ, મારો પ્રશ્ન પતાવી આપો. તમારું સમજી દઈશ.” છગનભાઈએ કહ્યું : “જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત ! આવો તડકો ખમીને ખેતી કરતો ન હોત. મારે ઘેર મોટર સહિત બધું જ હોત. હવે તમે બીજે ગમે ત્યાં જઈ શકો છો. ફરી વખત આવું કરતા નહીં.”

ભાવનગર રાજ્યના સમયમાં રાજ્યના કામે આવતા ગ્રામજનો માટે રાતવાસો કરવા ‘પટેલ ભુવન’ નામનું વિશાળ મકાન ઊભું થયું. આઝાદી બાદ છગનભાઈએ દરેક કોમના ગ્રામજનોના વિસામા માટે આ મકાન વાર્ષિક 12 રૂપિયાના ટોકન ભાડાથી મેળવ્યું. તેના નિભાવ અને વહિવટ માટે કમિટી રચી, ટ્રસ્ટ કરાવ્યું. 25 વરસ સુધી પટેલ ભુવન ટ્રસ્ટના પ્રમુખ રહ્યા. તેઓ પટેલ ભુવનની મીટિંગ માટે આવે ત્યારે પ્રવાસ ભથ્થું લેતા નહીં. એટલું જ નહીં, રૂમ ભાડું પણ પોતાના ખિસ્સામાંથી ચૂકવતા ! ધારાસભાની કામગીરી કરી રાતે ઉમરાળા ઉતરે. ચાલતા ચોગઠ જાય. જીવનભર પોતાનું વાહન ખરીદ્યું નહીં. ઘરનું નળિયું બદલ્યું નહીં. ક્યાં તે સમયના નિષ્ઠાવાન ધારાસભ્યો અને ક્યાં આજના ખર્ચાળ અને મૂલ્યહીન ધારાસભ્યો !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાંચ ગઝલ 

સાહિલ|Poetry|14 November 2023

1

મન ન માને એમને નમતો નથી

એટલે તો કોઈને ગમતો નથી 

ભૂખ જીવતરનું ગળું ટુંપે ભલે

જૂઠનો વેપાર હું ખમતો નથી 

મારી કેડી મેં જ કંડારી સદા

ભોમિયા સંગાથ હું ભમતો નથી 

એ નથી પૂરી થવાની જાણું છું હું

તોય ઈચ્છાઓને હું દમતો નથી 

મન દુભાયે કોઈનું જેના થકી

જાણીબૂઝી એ રમત રમતો નથી 

આશનો બંદો છું સાહિલ એટલે

હું નિરાશાની ધમણ ધમતો નથી 

2

ખુલ્લો છું તોય અર્થ હું પર્દોનો થઈ ગયો

દુનિયાનો ન મારી થઈ તો હું દુનિયાનો થઈ ગયો

ઊંડાણ  અંધકારનુ માપી શક્યા પછી

હું હણહણાટ સૂર્યના ઘોડાનો થઈ ગયો 

લોકો સમજ પ્રમાણે રહ્યા છે ઉકેલતા

લોકોના માટે પ્રશ્ન હું પાયાનો થઈ ગયો 

ગરકી ગયો હું મૌન સરોવરમાં જે ક્ષણે

અવતાર એ જ ક્ષણથી હું વાચાનો થઈ ગયો 

કંઈ કેટલા પ્રયોગ કર્યા સત્યના સતત

પર્યાય તોય આખરે અથવાનો થઈ ગયો 

તરતો રહ્યો તો ચોતરફ સામે મળ્યાં વમળ

ડૂબી ગયા પછી જ  કિનારાનો થઈ ગયો 

ક્યારેય મારી જાતથી ના થઈ શક્યો અલગ

સાહિલ હું અંશ આખરે ટોળાંનો થઈ ગયો

3 

બોલો નમો શિવાય હવે હૉઈ નહીં મળું

છે આખરી વિદાય હવે હું નહીં મળું      

જ્યાં જાઉં છું હું ત્યાંથી પ્રભુ ઈચ્છે તોય પણ

પાછું નહીં ફરાય હવે હું નહીં મળું 

આંખો મીચો તો તત્ક્ષણે હું હાજરાહજૂર

શોધો તો જગમાં ક્યાંય હવે હું નહીં મળું 

યત્નો પ્રયત્નો એળે તમારા જશે બધા

કોટિ કરો ઉપાય હવે હું નહીં મળું 

આકાશકુસુમવત્ છે હવે મળવું રુબરુ

સપનાં સ્મરણ સિવાય હવે હું નહીં મળું 

આઠે  પહોર હું તમારી આસપાસમાં

હાજર હઈશ છતાંય હવે હું નહીં મળું 

4

આયખું આખું વીતાવ્યું બાગમાં

તોય લાગે જીવ્યાં છીએ આગમાં

જિંદગી પૂરી ગીતો ગાતાં રહ્યાં

ગીત ના એકે ગવાયું રાગમાં 

કામનો શું એ વસંતી વાયરો

પાંપણો ભીની કરે જે ફાગમાં 

સાતે સ્વર્ગો એ મજા ના દઈ શક્યા

જે મદજા મનને મળી છે ત્યાગમાં 

એમનાથી ના કશુંયે થઈ શકે

જે જીવે છે જોઈને પંચાગમાં 

વિશ્વ સઘળાં મારા હિસ્સામાં મળ્યાં

હું જ ના આવ્યો છું મારા ભાગમાં

મારા ઘરમાં હું જ સાહિલ ના મળ્યો

માત્ર ખાલીપો મળ્યો અસબાબમાં 

5 

જ્ઞાનમાં મીંડું છતાં જી. એ. – છીએ

અટપટા પ્રશ્નો તણાં ઈ.એ. – છીએ 

પાઠશાળા ના ગયાં તો શું થયું

કોઠા વિધ્યાપીઠના બી.એ. – છીએ 

શબ્દથી સંબંધ બંધાયા પછી

આપણે ભગવાનના પી.એ. – છીએ 

ઘરના ખૂણે બેસી કીધી નોકરી

તોય ગામેગામના ટી.એ. – છીએ 

ક્યાં હિસાબો લાગણીના જાળવ્યા

આમ સાહિલ જાણીતા સી.એ. – છીએ

જી.એ. – ગુડ આર્કિટેક્ટ
ઈ.એ.  –  એક્સપર્ટ એડવાઈઝર
બી.એ. –  બેચલર ઓફ આર્ટસ
પી.એ. –  પર્સનલ આસીસ્ટન્ટ
ટી.એ. –  ટ્રાવેલિંગ એલાઉન્સ
સી.એ. – ચાર્ટર્ડ એકાઉટન્ટ 
14-11-2023
નીસા 3/15, દયાનંદ નગર, રાજકોટ 360 002 
e.mail : sahilrjt1946@gmail.com

Loading

મળે ન મળે! 

ચીમન પટેલ ‘ચમન’|Opinion - Opinion|14 November 2023

જમી લો પકવાન પેટ ભરી, ફરી મળે ન મળે!

લખીલો ગઝલ ઝટ શબ્દ ફરી, મળે ન મળે!

ફરવાનું વિદેશે થઇ ગયું છે હવે એવું તો સહેલું,

ફરીલો તમે મન ભરી તક આવી, મળે ન મળે!

ઘન ભેગું કરી રાખ્યું છે આજ સુધી તો ઘણું જ,

દઈ દો થોડું દાનમાં લેનારા વળી, મળે ન મળે!

કરી છે વાતો ખોટી બીજાઓની તમે આજ સુધી

કહી દો હવે તો સાચું સાંભળનાર કદી, મળે ન મળે!

નવા વર્ષે જાય તું મંદિરે દોડતો દર્શન કરવા કાયમ!

કરી લે દર્શન માબાપના દિલ ભરી પછી, મળે ન મળે!

નથી જાણતું કોઈ, દિલ આ બંધ પડી જશે ક્યારે?

કરી લે વંદન તું વડીલોના દિલ ભરી, મળે ન મળે!

નવું તે શું જાણ્યું કથાઓમાં જઈ જઈને ‘ચમન’

અંદરના અવાજને તો સાંભળ વળી, મળે ન મળે!

(૨૫ માર્ચ’- ૧૨/૩ ડિસેમ્બર ૨૦૧૮)
e.mail chiman_patel@hotmail.com

Loading

...102030...766767768769...780790800...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved