Opinion Magazine
Number of visits: 9665845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે 15મી માર્ચ એક નિર્ણાયક તારીખ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2024

સવાલ ચૂંટણી પંચના વજૂદનો

આપણી લોકશાહીની મુખ્ય વહીવટી સંસ્થાઓ જો પોતાનો વ્યવહાર સ્વાયત્તપણે ન કરી શકવાની હોય તો એટલા પ્રમાણમાં લોકશાહી બેમતલબ અને રસકસ વિનાની બની રહે તે દેખીતું છે. એ.ડી.આર. સરખી સ્વતંત્ર નાગરિક મંડળી આ દિશામાં તકેદારીની દૃષ્ટિએ મહત્ત્વનું કામ કરી રહી છે.

પ્રકાશ ન. શાહ

લાગે છે, આવતી કાલનો દિવસ, 15મી માર્ચને શુક્રવાર આવું આવું લોકસભા ચૂંટણી પરત્વે નોંધપાત્ર બની રહેશે. બને કે નવાજૂનીની અપેક્ષા નકરું છમકલું બનીને ય રહી જાય. પણ આપણા લોકશાસનની વહીવટી સંસ્થાઓનું વજૂદ જે રીતે ઉત્તરોત્તર ઘટતું હોવાનો વાસ્તવિક ભય તોળાય છે એની વચ્ચે ભલે એક નાનકડી પણ ‘રુક જાવ’ સંભાવના આવતીકાલ સાથે ટૂંકા ને લાંબા ગાળાની રીતે સંકળાયેલી છે.

રહો, વાતમાં ઝાઝું મોણ નાખ્યા વગર સીધો વિગતમુદ્દા પર આવું. સર્વોચ્ચ અદાલતની આદેશાત્મક સૂચનાને પગલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાસી આનાકાની અને આંબે આવશે મહોર શૈલીએ છેક ત્રીસમી જૂનની મુદ્દત માગી હતી. ઇલેકટોરલ બોન્ડને લગતી આ વિગતો, ભલે સરકાર ને સત્તાપક્ષ 2019ની ચૂંટણીમાં ચુકાવી ગયા, હમણાં તો બહાર આવવી જ જોઈએ તે મુજબ સર્વોચ્ચ અદાલતે 12મી માર્ચની તારીખ આપી હતી. તેને બદલે જૂનના વાયદાનો ઉઘાડો અર્થ એ જ થાય કે તમે એક ઓર ચૂંટણીમાં તમારો નાણાંસ્રોત રાજકીય સાર્વભૌમ કહેતાં જનતાથી ઓઝલ રાખવા ઇચ્છો છો. હવે, જ્યારે સર્વોચ્ચ અદાલતે એસ.બી.આઈ.ની (અલબત્ત, સરકાર પ્રેરિત) મુદ્દતમાંગમાં અદાલતી તિરસ્કારની કારવાઈ રૂપે ત્રીજી આંખની ભાષામાં વાત કરી એટલે એસ.બી.આઈ. પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આદેશ પ્રમાણે આ વિગતો ઇલેક્શન કમિશન પાસે પહોંચી ગઈ છે અને પંચના સ્રોત પ્રમાણે ‘એ ડિજિટલ ફોર્મમાં છે એટલે તરત 15મી માર્ચે આપવામાં વાંધો ન આવવો જોઈએ.’

સરકાર અને કહ્યાગરી એસ.બી.આઈ.નો એક કોઠો તો માનો કે ભેદી શકાવામાં છે, પણ ઇલેક્શન કમિશનની સ્વતંત્ર કાર્યભૂમિકાને બેરોકટોક ગ્રહણ લાગી શકે એવો ય ભય તોળાઈ રહ્યો છે. હાલ એક માત્ર વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ કાર્યરત છે. એમના બે સાથી કમિશનરોની જગ્યા ખાલી છે. ફેબ્રુઆરીમાં અનુપચંદ્ર પાંડેય નિવૃત્ત થયા, અને ગયે અઠવાડિયે અરુણ ગોયલનું ઓચિંતું રાજીનામું આવી પડ્યું. હવે ડિસેમ્બર 2023ના કાયદા પ્રમાણે વડા પ્રધાન, માન્ય વિપક્ષના (અગર તો એના અભાવમાં ગૃહમાંના સૌથી મોટા પક્ષના) નેતા તેમ જ વડા પ્રધાન સૂચવે તે એક કેબિનેટ સાથીએ બાકી બે કમિશનરો માટે નિર્ણય લેવાનો રહે. દેખીતી રીતે જ, આ જોગવાઈમાં કોઈ સ્વતંત્ર અભિગમની ગુંજાશ નથી રહેતી, કેમ કે ત્રણ સભ્યો પૈકી બેની સરકારી બહુમતી ચોખ્ખી છે.

સદ્દભાગ્યે, જેની રજૂઆતથી ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો બહાર આવ્યો તે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ – એ.ડી.આર. આ મોરચે પણ સક્રિય છે. જેવો ડિસેમ્બર 2023નો કાયદો આવ્યો કે એણે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી, અને અદાલતે એને એપ્રિલની તારીખ પણ આપી હતી. પણ ઇલેક્શન કમિશનમાં ત્યારે નહીં એવા જે સંજોગો આજે છે એ જોતાં એપ્રિલની જૂની મુદ્દત એસ.બી.આઈ.એ તીસમી જૂનની જે માંગ કરી હતી એના જેવી જ બની રહે ને !

એ.ડી.આરે. આ મુદ્દો ઉઠાવ્યો અને એની તાકીદ ગ્રાહ્ય રાખી સર્વોચ્ચ અદાલતે એપ્રિલને બદલે ચાલુ અઠવાડિયે જ, આવતીકાલે 15મી માર્ચે આ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. વસ્તુતઃ એ.ડી.આર.ની વિગત રજૂઆત ધીરજથી સમજવા જેવી છે. ડિસેમ્બર 2023માં જે કાયદો આવ્યો તે સર્વોચ્ચ અદાલતે માર્ચમાં એક સંદર્ભમાં આપેલા ચુકાદાને અન્વયે હતો. ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે ચોક્કસ કાનૂની જોગવાઈ જરૂરી છે અને એમના કાર્યમાં સ્વતંત્રતા જળવાઈ રહે એવી તટસ્થ નિયુક્તિ પદ્ધતિની એમાં કાળજી લેવી જોઈએ. મતલબ, નિમણૂકનો અધિકાર સુવાંગ સરકાર હસ્તક ન જોઈએ – જેમ કે, વડા પ્રધાન, વિપક્ષ નેતા ઉપરાંત ત્રીજા સભ્ય દેશના વડા ન્યાયમૂર્તિ હોવા જોઈએ. એટલે પરબારી સરકારી નિયુક્તિની સંભાવના ટાળી શકાય. સ્વાભાવિક જ, સર્વોચ્ચ અદાલતની ભૂમિકા તટસ્થ ને સ્વતંત્ર ચૂંટણી કમિશનને અનુલક્ષીને હતી. આ સાફ વાત પછી પણ સરકારે ડિસેમ્બરમાં કરેલો કાયદો કેવળ ને કેવળ એક તરફી છે. જાન્યુઆરીમાં જ એ.ડી.આરે. એને પડકાર્યો હતો, અને હવે હાથ ધરાઈ રહેલ છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 માર્ચ 2024

Loading

દોડતાં રહેવું પડે

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|14 March 2024

સ્થાન જાળવી રાખવા સતત દોડતા રહેવું પડે.

ના હો વાંકગુનો તો પણ હાથ જોડતા રહેવું પડે.

ખબર હોય કે છે ખટપટનું ધામને ઈર્ષાળુ કેટલાક,

સંબંધ જાળવી રાખવા હસતાં મળતાં રહેવું પડે.

હોય સત્તા કે સંપદા જેની પાસે અઢળક ઈશદત્ત,

સમયના તકાજે એને મનમારી નમતાં રહેવું પડે.

હોય ઘર બિમારીનુંને ના હોય રુચિ ભોજન તણી,

તો ય શરીરને ટકાવવા રોજરોજ જમતાં રહેવું પડે.

હોય ખાતરી કે ઈશ્વર નહીં આવે મામેરું પૂરવાને,

તેમ છતાં સર્વોપરી જાણી વંદન કરતાં રહેવું પડે.

‘દીપક’ કેટલી છે કરુણતા આ માનવજીવન તણી,

સામે હોય ખડી મુસીબતને ડગ ભરતાં રહેવું પડે.

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

ટોળે વળીને કોઈને ટપલી મારવી એ મર્દાનગી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|14 March 2024

રમેશ ઓઝા

૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ લાગુ થયું તેની પૂર્વસંધ્યાએ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, “૨૬મી તારીખથી આપણે આંતર્વિરોધના યુગમાં પ્રવેશવાના છીએ. રાજકીય જીવનમાં સમાનતા અને આર્થિક-સામાજિક જીવનમાં વિષમતા. રાજકારણમાં આપણે એક વ્યક્તિની કિંમત એક મત દ્વારા આંકવાના છીએ, પરંતુ આર્થિક અને સામાજિક જગતમાં વિષમતામૂલક વ્યવસ્થાનાં મૂળિયાં ઊંડા હોવાને કારણે આપણે એક વ્યક્તિ એક મૂલ્યનો સિદ્ધાંત નકારવાનું જારી રાખીશું. આવા આંતર્વિરોધની કેદમાં આપણે ક્યાં સીધી રહીશું? સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં સમાનતા ક્યાં સુધી નકારતા રહીશું?” અને પછી કહે છે, “જો આપણે લાંબા સમય સુધી સમાનતાનો અસ્વીકાર કરતા રહીશું તો એક દિવસ તેનાં પરિણામ સ્વરૂપ રાજકીય લોકતંત્ર સંકટમાં પડવાનું છે.” (ડૉ. આંબેડકરનું આ પ્રવચન બંધારણસભાની ચર્ચાના દસમાં ખંડમાં જોવા મળશે.)

ડૉ. આંબેડકરે આઝાદ ભારતમાં અસ્તિત્વમાં આવનારો આંતર્વિરોધ બતાવ્યો છે અને તેનું પરિણામ પણ બતાવ્યું છે. જ્યાં સુધી અસમાનતા રહેશે ત્યાં સુધી ભારત સાચો લોકશાહી દેશ બની શકે એમ નથી અને જો અસમાનતા વધતી જાય અને તેનું નિર્મૂલન કરવાની જગ્યાએ સામાજિક-આર્થિક વાસ્તવ તરીકે જો તેનો સ્વીકાર કરવામાં આવશે તો ભારતનું લોકતંત્ર સંકટમાં પડવાનું છે. 

પણ સવાલ એ છે કે ભારતમાં બંધારણ લાગુ થઈ જાય અને ભારત પ્રજાસત્તાક બની જાય એટલા માત્રથી રાજકીય સમાનતા આવી જવાની હતી? એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત સ્વયં એક મહાન સિદ્ધાંત છે, પરંતુ એ કિતાબી આદર્શ માત્ર છે. સત્તાકીય રાજકારણમાં કેટલાક લોકોને મત આપતા રોકી પણ શકાય, મતદાન મથક સુધી પહોંચતા રોકી શકાય છે, સત્તાનો દુરુપયોગ કરીને મબલખ સંસાધનો એકઠા કરીને ચૂંટણી અસમાન (ચૂંટણીકીય વિષમતા) કરી શકાય છે, મત ખરીદી શકાય છે અને મત નહીં તો મતે ચૂંટેલા પ્રતિનિધિને ખરીદી શકાય છે. પ્રજાસત્તાક દેશમાં પ્રજા સત્તા ધરાવે છે અને આપોઆપ રાજકીય સમાનતા પ્રસ્થાપિત થાય છે એવું ડૉ. આંબેડકરનું નિરીક્ષણ ખામી ભરેલું છે. અત્યારે આપણને આનો અનુભવ થઈ જ રહ્યો છે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તમે એક જ મતનો અધિકાર ધરાવો છો એ રાજકીય સમાનતાનો નિર્ણાયક માપદંડ નથી. અને એમાં જો તમે મત આપવાની લાઈનમાં આગળ ઊભા હો અને તમારી પાછળ એક અદના નાગરિક તરીકે રાષ્ટૃપતિ ઊભા હોય તો એ દૃશ્ય જોઇને આપણે ગદગદિત થઈ જઈએ છીએ. પણ આ બાહ્ય દેખાવ માત્ર છે, તેમાં આત્મા હોય જ એ જરૂરી નથી.

જે દિવસે સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો કે ઇલેક્ટોરલ બોન્ડ્સની વિગતો જાહેર કરવામાં આવે અને એમાં કોઈ સમયમર્યાદા વધારી આપવામાં નહીં આવે તો એ જ દિવસે કેન્દ્ર સરકારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.) લાગુ કરી દીધો. એક ઝાટકે કેટલાક મુસલમાનોનો મતનો અધિકાર છીનવી લીધો. માત્ર આસામના, ઇશાન ભારતનાં અન્ય રાજ્યોનાં, બંગાળ અને બિહારના મુસલમાનોનો જ મતનો અધિકાર નહીં, દેશના કોઈ પણ મુસલમાનને મત આપતો રોકી શકાય છે. નાગરિકત્વ સિદ્ધ કરવાની જવાબદારી એની છે જેનું નાગરિકત્વ છીનવી લેવામાં આવ્યું છે, એની નથી જેણે નાગરિકત્વ છીનવી લીધું છે. ભારતના ન્યાયતંત્રમાં નાગરિકત્વ પાછું મેળવતા માણસ વૃદ્ધ થઈ જાય અને પ્રત્યેક ચૂંટણીમાંથી બહાર થઈ જાય. અને માત્ર એ જ નહીં, તેનો પરિવાર પણ.

ક્યાં છે રાજકીય સમાનતા જેની ડૉ. આંબેડકરે કલ્પના કરી હતી? ઇલેક્ટોરલ બોન્ડ્સ પ્રતિસ્પર્ધીના ચૂંટણીના મેદાનમાં સમાનતાના અધિકારને છીનવી લેવા માટે લાગુ કરવામાં આવ્યા હતા અને આ સી.એ.એ.નો કાયદો પ્રતિસ્પર્ધીના સમર્થકોને રસ્તામાંથી સમૂળગા દૂર કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે. કાં તો ચૂંટણીના મેદાનમાં ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા તને લંગડો કરું અને કાં તને મત આપીને તારું પોષણ કરનારાને જ ખતમ કરું, પણ તને મારી બરાબરી કરવા તો નહીં જ દઉં. આ સિવાય ચૂંટણી પંચના કમિશ્નરને નિયુક્ત કરવાની પ્રક્રિયા અસમાન કરવામાં આવી છે અને તે ત્યાં સુધી કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિને જ તેની બહાર રાખવામાં આવ્યા છે. શાસકોની જીહજૂરી કરનારાઓ ચૂંટણીપંચમાં બેસશે અને તેઓ સરકારને માફક આવે એ રીતે ચૂંટણીનું આયોજન કરશે. સરકારના ઇશારે રાજીનામાં પણ આપશે. અત્યારે ચૂંટણીપંચને માત્ર એક સભ્યનું કરી નાખવામાં આવ્યું છે. ચૂંટણી પહેલાં બીજા બે કમિશ્નરની નિમણૂંક કરવામાં આવશે કે નહીં એ આપણે જાણતા નથી અને જો નિયુક્ત કરવામાં આવશે તો એ ચોક્કસ માનજો જીહજૂરિયા હશે.

ટૂંકમાં બંધારણ અને બંધારણ નિર્મિત પ્રજાતંત્ર રાજકીય સમાનતાની ગેરંટી નથી આપતા. એને માટે જાગરુક તેમ જ આંદોલિત નાગરિક સમાજ અને સ્વતંત્ર તેમ જ તંદુરસ્ત ન્યાયતંત્ર જરૂરી છે. ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા મળેલા અઢળક રૂપિયા દ્વારા નાગરિકોના એક વર્ગને દેશપ્રેમનો કલોરોફોર્મ આપીને સુવડાવી દેવામાં આવ્યો છે. બીજા એક વર્ગને હિંદુઓનું માથાભારેપણું જોઇને મર્દાનગીનો આભાસી અનુભવ થઈ રહ્યો છે. ટોળે વળીને કોઈને ટપલી મારવી એ મર્દાનગી નથી, નીચતા છે એ તેમને સમજાતું નથી. એ પછી પણ મોટા પ્રમાણમાં જાગૃત નાગરિકોનો એક વર્ગ છે જે ઊહાપોહ કરી રહ્યો છે, પરંતુ મુખ્ય ધારાના મીડિયાને ખરીદી લેવામાં આવ્યા છે એટલે તેઓ મૂલ્યરક્ષણ માટે આંદોલિત નાગરિકોને કાન આપતા નથી. તેમની વાત લોકો સુધી પહોંચાડતા નથી. આમાં કોઈ જગ્યાએ રાજકીય સમાનતા નજરે પડે છે? અને વળી જ્યારે કાઁગ્રેસનું એકચક્રી શાસન હતું ત્યારે પણ રાજકીય સમાનતા તેના સંપૂર્ણ સ્વરૂપમાં હતી ખરી? છીંડાં કાઁગ્રેસે પાડ્યાં હતાં જેનો લોકશાહીમાં નિષ્ઠા નહીં ધરાવનારા ફાસીવાદીઓ લાભ લે છે. તેઓ લોકતંત્રનું બાહ્ય કલેવર જાળવી રાખીને લોકતંત્રનો પ્રાણ હરી લેવા માંગે છે એ માટે સંસદીય રાજકીય અસમાનતા જરૂરી છે.

અને છેલ્લે એક વાત કહેવી રહી. બંધારણ બચાવવાથી દેશ બચવાનો નથી. આજકાલ અનેક લોકો બંધારણ બચાવો દેશ બચાવોની વાત કરે છે જેમાં એક પ્રકારનું ભોળપણ છે. આજના શાસકોએ અક્ષરસઃ બંધારણને ફગાવ્યા વિના વ્યવહારમાં લોકતંત્રને ફગાવી દીધું છે એ આનું પ્રમાણ છે. અક્ષર અને પ્રત્યક્ષ વ્યવહાર વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, તે માટે વ્યવહાર પર નજર રાખવી જોઈએ અને જો અંતર વધતું નજરે પડે તો રસ્તા પર ઉતરવું જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 માર્ચ 2024

Loading

...102030...764765766767...770780790...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved