Opinion Magazine
Number of visits: 9741656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાના રાજમાં જ સામાન્ય માણસની સુરક્ષા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 April 2024

રમેશ ઓઝા

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ હશે જેની સામે હવે જ્યુરી સમક્ષ ખટલો ચાલશે અને કદાચ સજા થશે. આવતા એક મહિનામાં ખટલાનો નિકાલ થઈ જશે. તેમની સામે કુલ મળીને ૩૪ આરોપ છે. આ સિવાય બીજા ત્રણ ખટલા છે જેનો કદાચ આવતા વર્ષે નિકાલ થશે. જો ટ્રમ્પને સજા થશે તો ઘણું કરીને તેઓ પ્રમુખપદની ચૂંટણીમાંથી હટી જશે, હટી જવું પડશે. ૨૦૧૬માં ટ્રમ્પે પ્રમુખપદ માટે ઉમેદવારી કરી ત્યારે અમેરિકામાં અનેક લોકો જાણતા હતા કે આ માણસ શિથીલ ચારિત્ર્ય ધરાવે છે. તેમની વેનિટી વેનમાં સ્ત્રીઓ સાથે અને સ્ત્રીઓ વિષે અશ્લીલ વાતો કરતો વીડિયો પણ બહાર આવ્યો હતો.

૨૦૦૬-૭ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ સાથે સંબંધ હતો. તેમણે જ્યારે પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવ્યું ત્યારે તેમને ડર હતો કે કદાચ સ્ટોર્મી મોઢું ખોલી શકે છે અને તેમના અમેરિકાના પ્રમુખ બનવાનાં સપનાને રોળી શકે છે. તેમણે તેમના એ સમયના વકીલ માઈકલ કોહેનને આદેશ આપ્યો કે તે સ્ટોર્મી સાથે મોઢું બંધ રાખવાનો કરાર કરે અને તે માટે જે આપવું પડે તે આપવામાં આવે. કોહેને સ્ટોર્મી સાથે મોઢું બંધ રાખવાનો સોદો ૧,૩૦,૦૦૦ ડોલર્સમાં કર્યો અને પોતાનાં ખાતામાંથી પૈસા ચૂકવી દીધા. પાછળથી એટલે કે પ્રમુખ બન્યા પછી ટ્રમ્પે તેમના વકીલને એ પૈસા ચૂકવી દીધા, પણ એકાઉન્ટ બુકમાં એ પૈસા કાનૂની સલાહ તરીકે બતાવ્યા. આ સિવાય ટ્રમ્પનો ‘પ્લેબોય’ નામનાં સામયિકની મોડેલ કેરેન મેકડોનાલ્ડ સાથે પણ સંબંધ હતો અને તેની સાથે પણ મોઢું બંધ રાખવાનો દોઢ લાખ ડોલર્સનો કરાર કરવામાં આવ્યો હતો. એક ૩૦ હજાર ડોલર્સનો કરાર તેમની કંપનીમાં કામ કરતી યુવતી સાથે કરવામાં આવ્યો હતો જે એ વાત જાણતી હતી કે ટ્રમ્પનો એક અનૌરસ પુત્ર છે.

અમેરિકામાં મોઢું બંધ રાખવાનો કરાર એ ગેરકાનૂની કૃત્ય નથી. તેને એ બે વ્યક્તિ વચ્ચેની અંગત સમજૂતી માનવામાં આવે છે. ટ્રમ્પ સપડાયા છે આવકવેરા ખાતાને ખોટી માહિતી આપવા માટે. સમજૂતીનો કરાર થયો છે એ હકીકત છે. એ કરાર કોહેન નહીં, પણ ટ્રમ્પ સાથે થયો છે. ટ્રમ્પ વતી પૈસા ચૂકવાયા છે અને સ્ટોર્મીએ તેનાં રીટર્નમાં આવક બતાવી છે અને ટ્રમ્પ કહે છે કે તેમણે કોહેનને લીગલ ફીઝ ચૂકવી છે. ટ્રમ્પ પાસે આનો કોઈ જવાબ નથી. વધુમાં વધુ જૂન મહિના સુધીમાં ટ્રમ્પનું નસીબ નક્કી થઈ જશે.

પણ જવાબ તો આપણે ત્યાં પણ આપણા સાહેબ પાસે નથી. ઈલેક્ટોરલ બોન્ડ્સની લેતીદેતી હવે જાહેર થઈ ગઈ છે. કોઈને ઈલેક્ટોરલ બોન્ડ્સ સામે લાભ કરી આપવામાં આવ્યા છે. કોઈને સતાવીને અર્થાત્‌ જેલમાં પૂરીને કે રેડ પાડીને ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદવા અને બી.જે.પી.ને આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આખી દુનિયા જોઈ શકે એમ ઊઘાડી રીતે. આપો અને લાભ લઈ જાઓ અથવા આપો અને ગાળિયામાંથી પોતાની જાતને છોડાવો. અને આવા પાછા એક બે કેસ નથી, અનેક. આ દેશપ્રેમીઓએ કોવીડની બીમારીમાં મરતા લોકોની પણ દયા ખાધી નહોતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ રેમ્ડીસીવર નામની દવા કોવીડ માટે ઉપયોગી નથી એવી સલાહ (એડવાઇઝરી) બહાર પાડી હોવા છતાં ભારતમાં આ દવા આપવામાં આવતી હતી. પાછી એ દવા ખામીયુક્ત હતી, તેની ખામી ધ્યાનમાં આવી હતી અને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું છે અને તે છતાં ય ધરાર એ દવા બજારમાં અને હોસ્પિટલોમાં વેચવામાં આવતી હતી. ૨૦૨૧માં ઉત્તર ભારતમાં નદીઓમાં મૃતદેહો તરતાં હતાં એ અરેરાટભર્યા દૃશ્ય યાદ હશે. એ આ અને આના જેવી બીજી દવાનું પરિણામ હતું. જાણીતા શાસ્ત્રીય સંગીતકાર પંડિત છન્નુલાલ મિશ્રનાં પત્ની અને પુત્રી આનો ભોગ બની ગયાં. પંડિત છન્નુલાલ મિશ્ર ૨૦૧૪ની સાલમાં વારાણસીમાં વડા પ્રધાનની ઉમેદવારીનું ફોર્મ ભરવા અને તેનું અનુમોદન કરવા તેમની સાથે ચૂંટણીપંચના કાર્યાલયમાં ગયા હતા. પંડિતજીએ પોતાનાં સ્વજને મોતથી બચાવવા વડા પ્રધાનને ફોન પણ કર્યો હતો પણ કાંઈ ન થયું. આવા તો અનેક લોકોએ પોતાનાં લાડકવાયા ગુમાવી દીધા પણ એ દવા ખરીદવાનું બંધ કરવામાં આવ્યું નહીં તે ન જ આવ્યું.

જે દવા કોવીડ માટે કામની નહોતી એ દવા પસંદગીની ફાર્મા કંપનીઓ પાસેથી લેવામાં આવી. ગુજરાતની ઝાયડસ અને ટોરેન્ટ આમાં મુખ્ય હતી. દવા ખામીયુક્ત હોવા છતાં લેવામાં આવી. પરાણે હોસ્પિટલોને આપવામાં આવી. ટપોટપ લોકો મરતાં હોવા છતાં આપવામાં આવી. નદીઓમાં મૃતદેહો તરતાં હોવા છતાં આપવામાં આવી. ડોકટરો અને બીજી મેડીકલ સંસ્થાઓની ચેતવણી અને વિરોધ છતાં ય આપવામાં આવી. પંડિત છન્નુલાલ મિશ્ર જેવા લોકોની અમારાં સ્વજનોને બચાવી લો એવી ગુહાર છતાં ય આપવામાં આવી. શા માટે? કારણ કે આ કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા અને બી.જે.પી.ને આપ્યા હતા. પરસ્પર લાભાલાભની એટલે કે બોન્ડ્સ સામે લાભની જેમને ખાતરી કરવી હોય એ કરી લે. હવે તો વિગતો ખુલ્લી થઈ ગઈ છે, તમે પોતે ચકાસણી કરી શકો છો. આ પાપ છતું ન થાય એ માટે કેન્દ્ર સરકાર આકાશપાતાળ એક કરતી હતી.

જે મર્યા એ હિંદુ નહોતા? ૯૫ ટકા મૃતકો હિંદુ હતા. હિંદુ રાષ્ટ્રવાદનો આ ચહેરો છે. વિકૃત, ગોબરો, પિશાચી. પણ શો ફરક પડે છે.

ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુનો અને આ આપણા શાસકોના ગુના વચ્ચે સરખામણી કરી જુઓ. કયો ગુનો ગંભીર છે? ઇન્કમટેક્ષના રીટર્નમાં ખોટી માહિતી આપવી એ ગુનો ગંભીર ગણાય કે પછી આરોગ્યના સંકટનો લાભ લઈને લોકો મરતા હોવા છતાં ખામીયુક્ત દવાઓ આપવી એ મોટો ગંભીર ગુનો ગણાય? ટ્રમ્પ કોઈના મોતમાં ભાગીદાર નહોતા બન્યા. અહીં તો મોતમાં ભાગીદારી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ના પતિ પારાકાલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ્સને વિશ્વના સૌથી કૌભાંડ તરીકે ઓળખાવ્યું છે.

અને છતાં ય આપણા સાહેબોને કશું જ થવાનું નથી, કારણ કે ન્યાયતંત્ર પાંગળું છે. ખુલાસો કરવા જેટલી પણ જરૂરત તેમને નથી લાગતી. અને હા, બાબા રામદેવની બેશરમી તો તમે જાણો જ છો. તેમણે પણ ૨૦૨૧ના આરોગ્ય સંકટનો લાભ લેવા કોવીડના ઈલાજ તરીકે કોરોનીલ નામની દવા બજારમાં મૂકી હતી અને તે પણ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. કમાવાનો અવસર છે કમાઈ લો. સત્તા ભોગવવાનો અવસર મળ્યો છે, હાથમાંથી સત્તા ન જવી જોઈએ. દેશપ્રેમી ઘેલાઓ છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. માટે હું હંમેશાં કહું છું કે કાયદાના રાજમાં જ સામાન્ય માણસની સુરક્ષા છે. પંડિત છન્નુલાલ મિશ્રને એટલો આઘાત લાગ્યો છે કે તેમણે હવે ગાવાનું જ બંધ કરી દીધું છે. હિંદુ હોવા માટે ગર્વ લેનાર અને નરેન્દ્ર મોદીની ઉમેદવારીનું અનુમોદન કરનાર અત્યારે ખામોશ થઈ ગયા છે. આમાંથી કોઈ ધડો લેવો કે ન લેવો એ તમારે વિચારવાનું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2024

Loading

એક સવાલ

વસુધા ઇનામદાર|Opinion - Opinion, Opinion - Short Stories|17 April 2024

આજ સવારથી જ અંબા ખુશ મિજાજમાં હતી. આજે નવરાત્રીની છેલ્લી રાત હતી. અંબાજી આવીને પોતાના નામને સાર્થક કરતી હોય તેમ અંબા ગરબે ઘૂમતી હતી. એને શોધતી એની મા આવી, પણ અંબાના નામે બૂમો પાડવાનો કોઈ અર્થ ન હતો ! ઝબકારા મારતી લાઈટો અને કાનના પડદા ફાડી નાંખે એવા નવરાત્રીના ગરબે ઘૂમનારાની વચ્ચે અંબાને શોધવા માટે, ગરબા પૂરા થવાની રાહ જોવા સિવાય બીજો ઉપાય જ નહોતો !

જ્યારે અંબા એની માને મળી, ત્યારે રાતના બે વાગ્યા હતા. બંને જણાં એકબીજાના હાથ પકડીને મંદિરના પરિસરમાંથી બહાર નીકળ્યાં. અંબાના પિતા એમની રાહ જોતા જાગતા હતા. પત્નીને અને દીકરીને જોતાં જ થોડી નારાજગીથી બોલ્યા, ‘અરે તમે લોકો આટલા મોડા કેમ આવ્યા? હું પણ ભજન મંડળીમાં ભજનો ગાઈને સત્સંગ કરીને વહેલો આવી ગયો, કાલે સવારે તો આપણે પાંચ વાગ્યાની ટ્રેન પકડીને માલપુર જવાનું છે ને તમે ……. ત્યાં પણ 12:00 વાગ્યાથી મેળો ભરાશે અને જો આ બધો સામાન ભજિયાં તળવાની કડાઈથી માંડીને આ ગોટા બનાવવાનો બધો સામાન મેં અહીંયા તૈયાર કરી રાખ્યો છે .ચાલો હવે જલદી સૂઈ જાવ !’

આમ અંબાનો પરિવાર જ્યાં જાય ત્યાં થોડા સમય માટે વસવાટ ઊભો કરી દેતો. મેળામાં થોડું ફરસાણ વેચી પેટિયું રળી ખાતાં ! એ જ એમનું હરતું ફરતું ઘર !

આસપાસનાં ગામોમાં થતા દરેક મેળામાં તેઓ જતાં, ક્યારેક ફરસાણ તો ક્યારેક રમકડાં કે ફુગ્ગા વેચી ગુજરાન ચલાવતાં. આઠદસ વર્ષની દીકરી ક્યારેક પૂછતી, ’બાપા આપણું ઘર ક્યાં ? ‘તે બળપૂર્વક હસીને કહેતા, ‘તું જ્યાં કહે ત્યાં; ‘પત્ની સજળ નેત્રે એ બંને સામે જોઈ રહેતી !

આજે અહીંથી જવાનું હતું. અંબા બાપાને પૂછતી હતી, ‘બાપા, આપણે ક્યાં જવાના અને કેમ ત્યાં જવાના? ત્યાં તમે શું કરશો ? એવા અનેક પ્રશ્નોના જવાબ આપતા થાકેલા પિતાએ કહ્યું, “અંબા, સવારે વહેલા ઊઠવાનું છે, હવે સૂઈ જા.” પણ અંબાએ કહ્યું  , ‘કે બાપા, મને ઊંઘ નથી આવતી, મને એક સવાલ સૂવા નથી દેતો. આપણે રોજે મજૂરી કરીએ તો પણ તો ખાવા અનાજ નથી, ને રહેવા માટે ઘર નથી ! મારી પાસે રમકડાં તો ક્યાંથી હોય !”

“આપણે મેળામાં કેટલું બધું કામ કરીએ છીએ, જેમતેમ કરીને પેટ ભરીએ છીએ, પણ આ મેળામાં ગાડી લઈને આવનારા પાસે તો બધું જ હશે ને? પોતાનું ઘર હશે, એ બધાં સરસ કપડાં પહેરીને આવે છે. એમની પાસે સરસ મજાનું ખાવાનું હશે, ઘણાં બધાં રમકડાં હશે, તેઓ સરસ મજાની મોટી મોટર ગાડીમાં બેસીને આવે છે, તો પછી બાપા, આ લોકો માતાજી પાસે શું માંગતા હશે?”

પિતા નિરુત્તર હતા. પિતાને સંજોગવસાત્‌ પોતાનું શિક્ષણ અધવચ્યે છોડવું પડ્યું, એનું દુ:ખ આટલાં વર્ષ પછી પણ ભૂલાયું નહોતું .પિતાને કહેવાનું મન થતું કે, બેટા આ લોકો બધા સુખની શોધમાં નીકળ્યા છે, આમ જોવા જઈએ તો સુખ સાપેક્ષ છે તેમ જ એ માનવ સ્વભાવની ઝંખના છે. પૈસાવાળાં બધા સુખી જ હોય એમ નથી, પણ ખરું સુખ શામાં છે તેની તેમને કદાચ ખબર નથી હોતી. એમની સુખની ટ્રેનમાં અપેક્ષાની સાંકળ ખૂબ લાંબી હોય છે, એટલે તેઓ સંતોષના સ્ટેશન સુધી પહોંચતા જ નથી ! એમના જીવનની ટ્રેનમાં સંતોષ નામનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તેઓ કદાચ સાચા સુખને પામે એવું મને લાગે છે!

અંબા પોતાના સવાલનો જવાબ સાંભળતાં પહેલાં જ મનમાં ચાલતા સવાલને ઓઢીને સૂઇ ગઇ !

૪-૪-૨૦૨૪, સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com

Loading

રામાયણનાં પાત્રોની લીલાભૂમિ : વાયનાડ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 April 2024

વાયનાડ પાસે આદિ–પરંપરામાં એકાધિક રામકથા છે!

રામાયણના પ્રસંગો જ્યાં બન્યા એવાં અનેક સ્થળો વાયનાડ પાસે છે. આદિયા રામાયણ  રામાયણનાં દરેક પાત્રને વનવાસી રૂપે જુએ છે

એક લટાર, રામકથાઓની વૈવિધ્યભરી અપરૂપ સૃષ્ટિમાં. મળો આદિવાસી સમુદાયે, સીતાની સગર્ભાવસ્થામાં દાયિત્વ નક્કી કરવા સારુ જનસંસદમાં વૃક્ષે બંધાયેલ રામ–લક્ષ્મણને

પ્રકાશ ન. શાહ

અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં આજથી એક નવી શરૂઆત થશે : રામ લલ્લાના ભાલે સૂર્યતિલક થશે. ગુજરાતને ગાંધીનગર પડખે કોબાના જૈન તીર્થને પ્રતાપે આવા દેખંત કરિશ્માતી સૂર્યતિલકની નવાઈ નથી. પણ આજકાલ ઈનથિંગ સ્વાભાવિક જ અયોધ્યાનું રામ મંદિર છે. 

આ ક્ષણે જો કે અયોધ્યામાં નહીં અટવાતે હું સૂર્યતિલકના ઉજાસમાં દક્ષિણ દેશના ટેકરિયાળ ને વળી વનોએ આચ્છાદિત વાયનાડ પંથકની મુલાકાતના મિજાજમાં છું. પણ આ ક્ષણે મારું જે વાયનાડ તે તો રામાયણનાં પાત્રોની લીલાભૂમિ છે.

આપણા એટલે કે દેશના પરંપરાગત સામાજિક અગ્રવર્ગના એક નોંધપાત્ર હિસ્સાને સારુ રામાયણ કહેતાં સામે આવતા ગ્રંથ સ્વાભાવિક જ વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામચરિત માનસ છે.

જે બધાં સંશોધન થયાં છે એમાં સામે આવેલી એક વિગત એ પણ છે કે વાલ્મીકિ થકી જે એક શ્લોકબંધ ને સુશ્લિષ્ટ સ્વરૂપમાં આપણો રામાયણ સાથે મોંમેળો થયો તે પૂર્વે એકાધિક રામકથાઓ મૌખિક પરંપરામાં રમતી થઈ ચૂકેલી હતી – અને તે કંઈ તંતોતંત વાલ્મીકિય રામકથા મુજબ નયે હોય.

પણ રહો, તમે યાદ આપો એ પહેલાં મારે વાયનાડ પુગી જવું જોઈએ! આદિવાસી વસ્તીએ ઉભરાતા વાયનાડ પાસે આદિ-પરંપરામાં એકાધિક રામકથા છે, અને રામાયણના પ્રસંગો જ્યાં બન્યા કહેવાય છે એવાં એકાધિક સ્થળો પણ આ પંથક કને છે. ત્યાં વાલ્મીકિનું સ્થાનક પણ છે, અને ત્યાં સીતાએ આશ્રય લીધાની સાહેદી પણ મૌખિક પરંપરાએ મજબૂત છે.

સીતા રામને કોફી આપે કે હનુમાન લંકાદહન વાસ્તે કેરોસીનનો બંદોબસ્ત કરે એની આ આદિ-કથાનકોના હાલના રૂપમાં નવાઈ નથી. આ તો માનો કે ચાલુ સમય મુજબના ઈમ્પ્રોવાઈઝેશનની લહાણ હોય, પણ વાયનાડમાં એ નદી પણ છે જેની નજીક લંકા હતી. આદિ-પરંપરા માંહેલા ચેટ્ટી રામાયણ મુજબ વાયનાડ એ જ પંચવટીનો વિસ્તાર છે, નહીં કે નાશિક પાસે.

હમણાં લંકા સંદર્ભે નદીનો ઉલ્લેખ કર્યો એ આપણી ચાલુ સમજ પ્રમાણેના દરિયાનો અવેજ તો ક્યાંથી હોય? પણ સુપ્રતિષ્ઠ પુરાતત્ત્વવિદ્ હસમુખ સાંકળિયાના અધીન મતે લંકા મધ્ય પ્રદેશમાં હતી, જ્યાં દરિયો નથી. ભાઈકાકાને પણ ઇતિહાસ-સંશોધનમાં ઊંડો રસ હતો અને એમણે પણ પોતાના અભ્યાસ મુજબ લંકાને મધ્ય પ્રદેશમાં દર્શાવેલ છે. 

સંસ્કૃત ભાષાની રીતે જો કે આની એક સાદી સમજૂત એ હોઈ શકે કે સમુદ્રના અર્થોમાં સરોવર ને નદીનો પણ સમાવેશ થાય છે. (આ લખતાં સાંભર્યું કે ફારસીમાંથી ઉર્દૂમાં આવેલ ‘દર્યા’નો અર્થ નદી પણ થાય છે, અને દરિયો પણ.)

ફરી પાછા વાયનાડ જઈએ તો આ આદિવાસી વિસ્તારમાં (જેમ કર્ણાટકના ‘કોડાગુ’માં) રામાયણના કથાનકમાં સીતા વનવાસી છે, અને બીજાં પણ કેટલાંક પાત્ર : આ બધાં હાંસિયાજીવી, કહો કે છેવાડાનાં લોકોનાં સુખ-દુ:ખ ને રીતરિવાજને વાચા આપે છે. એક તબક્કે તો સગર્ભા સીતા પરત્વે જવાબદારી નક્કી કરવા સારુ સ્થાનિકો રામ-લક્ષ્મણને વૃક્ષે બાંધી સવાલજવાબ ને તપાસનો દોર ચલાવે છે. વાયનાડમાં લોકપરંપરા પ્રમાણે એ પાપનાશિની નદી પણ છે જ્યાં દશરથના અંતિમ સંસ્કાર થયા હતા. 

આપણે ત્યાં ગુજરાતમાં એમ તો ભીલી રામાયણ છે જ ને. આ ક્ષેત્રે સંશોધન એ ભગવાનદાસનું જીવનકાર્ય રહ્યું છે. એ વિગતવિશદ ફોડ પાડે તો, બને કે, વાલ્મીકિ ને તુલસીદાસ કરતાં કંઈક જુદું જ ઊપસી આવે – કમ સે કમ, ડ્રામાનંદ ઉર્ફે રામાનંદ સાગરના તો ફુરચેફુરચા ઊડી જાય!

ગમે તેમ પણ ફાધર બુલ્કેના અભ્યાસ પ્રમાણે ખરું જોતાં ઘણાં વધારે છતાં કમ સે કમ ત્રણસો રામાયણ તો છે જ. બેલ્જિયમથી ભારત આવી સ્થાયી થયેલા જેસુઈટ પાદરી કામિલ બુલ્કેનો અંગ્રેજી-હિંદી કોશ આખા હિંદીભાષી વિસ્તારમાં સર્વાધિક સ્વીકૃત ને પ્રચિલત છે, પણ એથીયે નમૂનેદાર તો એમનું તુલસી રામાયણ પરનું કામ છે. 

દૂર દેશથી મિશનવશ અહીં આવ્યા અને અહીંના જ થઈને રહી ગયા. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમણે સંસ્કૃતમાં એમ.એ. કર્યું અને અલાહાબાદથી હિંદીમાં ડોક્ટરેટ મેળવી. વિષય હતો ‘રામકથા કા વિકાસ.’ એમના પટ્ટશિષ્યવત્ રાજ સાહે સુદૂર શિકાગો યુનિવર્સિટીમાં હિંદીનો ઈલાકો સાહ્યો અને ગુરુ બુલ્કે વિશે માનસભાષામાં કહ્યું : 

घोर बिदेस से मुनि एक आवा, सीया-राम का तत्त्व पढावा। 

तुलसी देह से, तुलसी आंगन, बैठ़े वहाँ प्रभु पान करावा।। 

કેટલાં બધાં રામાયણ છે, એની આપણે વાત કરતા હતા. મધ્ય પ્રદેશના કથિત અસ્પૃશ્ય સમુદાયનુંયે એક આગવું રામાયણ છે. કેરળના મુસ્લિમ સમુદાયનું વળી કાપિલા રામાયણ છે. ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરેનાં પોતપોતાનાં રામાયણ છે. 

આપણે ત્યાં બૌદ્ધ પરંપરામાં જે દસરથ જાતક છે, પાલીમાં, તે મુજબ રાજધાની અયોધ્યા નહીં પણ વારાણસી છે. એ.કે. રામાનુજનના અભ્યાસનિબંધમાં આ બધી વિગતો આવી. સ્નાતક કક્ષાએ એક વ્યાપક અભિગમપૂર્વક સમજની કેળવણીની એ ઉત્તમ તક હતી. પણ ચોક્કસ પરિબળના ઉદય સાથે ‘અમારી આસ્થા’ના નામે દિલ્હી યુનિવર્સિટીને એ અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાની ફરજ પડી.

ખરું જોતાં જો રામ મંદિરના નિર્માણ પછી નવી શરૂઆતની વાત હોય તો એમાં હર મુદ્દે સ્ટીમ રોલરી બુલડોઝરી વલણથી પરહેજ કરવી રહે છે. વિવિધ રામકથામાં થયેલ નિરૂપણા, સમાજના વિવિધ સ્તરે અને તિહાસના અલગ અલગ તબક્કે એમાં થતું રહેલ શોધન-વર્ધન આપણા વિકાસનું સંબલ છે … કાશ, સૂર્યકિરણના ઉજાસમાં આ બધું દેખાતું રહે!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ઍપ્રિલ 2024

Loading

...102030...758759760761...770780790...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved