Opinion Magazine
Number of visits: 9665799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ – શશી થરુરનું પુસ્તક : ‘Ambedkar : A Life’

નટુભાઈ પરમાર|Opinion - Opinion|10 April 2024

પુસ્તક પરિચય

નટુભાઈ પરમાર

શશી થરુર, અજાણ્યું નહિ, પણ ચર્ચિત નામ છે. UN – યુનાઈટેડ નેશન્સના પૂર્વ અન્ડર સેક્રેટરી જનરલ, ભારત સરકારના માનવ સંશાધન અને વિદેશી બાબતોના પૂર્વ મંત્રી, પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ અધ્યક્ષ, થિરૂઅનંતપુરમ્‌(કેરાલા)થી ચૂંટાતા રહીને લોકસભામાં લાંબા સમય સુધી સંસદ સભ્ય રહેલા શશી થરૂર, દેશ-વિદેશમાં સૌથી વધુ વંચાતા લેખક પણ છે – ‘The Great Indian Novel’, ‘An Era of Darkness – The British Empire in India’ ‘Why I am Hindu’, ‘What It Means to Be Indian’ કે પછી ‘The Paradoxical Prime Minister : Narendra Modi and his India’ જેવા બેસ્ટસેલર ૨૪ પુસ્તકોના આ પ્રતિભાવંત લેખક એમના વધુ એક પુસ્તક ‘Ambedkar : A Life’ સાથે આપણી વચ્ચે છે.

અનોખા પાર્લામેન્ટેરિયન એવા શશી થરૂર, એમના ઈન્દ્રધનૂષી લેખનને કારણે ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, રામનાથ ગોએન્કા પત્રકારત્વ ઍવોર્ડ, ક્રોસવર્ડ લાઈફટાઈમ એચીવમેન્ટ ઍવોર્ડ, પ્રવાસી ભારતીય સન્માન અને ન્યુ એજ પોલીટીશિયન્સના અનેકવિધ બહુમાન મેળવી ચૂક્યા છે. 

સુજ્ઞ વાચકો સુવિદિત છે એમ ક્યારેક એમના પુસ્તકો સિવાયના કારણોસર પણ શશી થરૂર ચર્ચાના કેન્દ્રમાં હોય છે ! કિન્તુ તેઓ જ્યારે કોઈ વિષય પર કલમ ઉપાડે છે ત્યારે પ્રાપ્ય તે તમામ સંદર્ભોના અભ્યાસ અને પાકી તપસીલ પછી, જે તે વિષય પર તેઓ લખતા હોય છે. ‘Ambedkar : A Life’માંથી પસાર થનારા હરકોઈ વાચકને એની પ્રતીતિ થશે.

એક મહાકાવ્ય જેવું જીવન જીવી ગયેલા અને જેમણે લખેલું – કહેલું ૧૭,૫૦૦ (આંબેડકરના લખાણો અને વક્તવ્યોના આટલાં પૃષ્ઠોનો આંકડો થરૂરે પૃષ્ઠ ૧૪૧ પર આપેલો છે !) પૃષ્ઠોમાં જગતચોકમાં વિસ્તરેલું પડેલું છે, એ મહામાનવ – ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે. આજે તો એમના પરના આંતરરાષ્ટ્રીય પ્રકાશનોની પણ ભરમાર છે. મારા મતે ‘Ambedkar : A Life’ દ્વારા થરૂરે આપણા ઇતિહાસપુરુષને આ પહેલાં નહિ ચર્ચાયેલા અનેક દૃષ્ટિબિંદુઓથી આલેખવાનો પ્રયાસ કર્યો છે.

Aleph Book Company (રૂપા પબ્લિકેશન્સ) દ્વારા પ્રકાશિત ૨૨૫ પાનાંના, રૂપિયા ૫૯૯ની કિંમતના આ પુસ્તકની Bibliography (ગ્રંથસૂચિ) જ દર્શાવે છે કે ‘Ambedkar : A Life’ લખતા શશી થરૂરે કેટલો ઊંડો અભ્યાસ કર્યો છે અને કેટલી જહેમત ઊઠાવી છે.

પુસ્તકને સાકાર કરતા સ્વાભાવિકપણે જ થરૂરને ડૉ. આંબેડકર લિખિત દળદાર ગ્રંથોની સાથે, એવા જ દળદાર ગાંધી સાહિત્યમાંથી પણ પસાર થવું પડ્યું છે !

જીવનમાં કદાચ પહેલવહેલી વાર ડૉ. આંબેડકર પર આમ લખવાનો નિર્ધાર કરનાર શશી થરૂરે, ડૉ. આંબેડકરના અભ્યાસમાં કોઈ કસર છોડી નથી, એમ આ પુસ્તક વાંચનારને જરૂર લાગશે.

બંધારણીય સભાની દિવસો સુધી ચાલેલી લંબાણ ડિબેટ (ચર્ચા), ધનંજય કીર – વસંત મૂન, હરિ નારકે, ચાંગદેવ ખૈરમોડે, એમ.એલ. શહારે જેવા પ્રખર આંબેડકરી વિદ્વાનોના, અનેક ભાગોમાં વહેંચાયેલા ગ્રંથો, એલિનોર ઝેલિયટ, ગેલ ઓમવેટ – ક્રિસ્ટોફર જેફરનોટ જેવા વિદેશી અભ્યાસીઓના ડૉ. આંબેડકરનાં પુસ્તકો / લખાણો, તળ ભારતના ભીખુ પારેખ, અરુંધતિ રોય, કાંચા ઈલૈયા જેવા આંબેડકરવાદીઓ, ભાલચન્દ્ર મુનગેકર – આનંદ તેલતુંબડે – યાશિકા દત્ત – દિલીપ મંડલ – કે. રાજુ – સૂરજ યેંગડે – યોગેશ મૈત્રેય – જેવા વિદ્યમાન આંબેડકરવાદી લેખકો, જ્યોતિરાવ ફૂલે(ગુલામગીરી)થી લઈ મૂલ્કરાજ આનંદ (ધ અનટચેબલ) અને દેશમાં દલિત સાહિત્યના ઉદ્દગાતા સમા દયા પવાર, નામદેવ ઢસાળ, રાજા ઢાલે, ઓમપ્રકાશ વાલ્મીકિ, ઉત્તમ ખોબ્રાગડે, ઉર્મિલા પવાર જેવાં અનેક ખ્યાતિપ્રાપ્ત મરાઠી દલિત સાહિત્યકારોનાં સાહિત્યના પૂરા અભ્યાસે, થરૂરને ડૉ. આંબેડકર પર લખવાની હિંમત અને પ્રેરણા આપ્યાં હશે, એમ મને લાગે છે.

આ સિવાય આ પુસ્તક લખતા થરૂરે ધ હિન્દુ, ધ ટેલીગ્રાફ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટ્રિબ્યુન જેવા અનેક પ્રમુખ રાષ્ટ્રીય દૈનિકોમાં તેમ જ ધ વાયર, ધ પ્રિન્ટ, એ.એન.આઈ., CNBC સહિતની અનેક વેબ / ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત / પ્રસારિત થયેલા, ન માત્ર દલિત અત્યાચાર પરના કે દેશના દલિતોની હાલત પરના સમાચારો / લખાણો / ટિપ્પણીઓને ખપમાં લીધા છે, દલિતો સંબંધિત ન્યાયિક ચૂકાદાઓને પણ વંચાણે લીધા છે. દેશ અને વિદેશની યુનિવર્સિટીઓમાં ડૉ. આંબેડકર યા દલિતો પર રજૂ થયેલા શોધનિબંધો, થયેલ ચર્ચાઓ, નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓએ ડૉ. આંબેડકર કે દલિતો વિષયે આપેલાં વક્તવ્યો તેમ જ દલિતોનાં રાજકારણ, અર્થકારણ, સમાજકારણ અને આંબેડકરવિચારની વિસ્તૃત ચર્ચા કરતા લેખો / આલેખો અને દેશ-વિદેશના અગ્રીમ સામયિકોમાં વિદ્વાનોએ દલિતોના પ્રશ્ને રજૂ કરેલા વિચારોને પણ ખપમાં લીધા છે.

ઈરફાન હબીબ સરીખા ઇતિહાસકારોના અવલોકનો, પ્રમુખ દલિત આત્મકથાઓ, સંવિધાન ઘડ્યાનાં વર્ષો બાદ BBC ચેનલને ડૉ. આંબેડકરે આપેલ લંબાણ મુલાકાત (ઈન્ટરવ્યૂ), ડૉ. આંબેડકરે પોતાના જીવનકાળ દરમિયાન ચલાવેલા પાંચ જેટલા સામયિકોમાં વ્યક્ત કરેલા વિચારો, મહાત્મા ગાંધી સાથેના આંબેડકરના મતભેદો, ગોળમેજી પરિષદોમાં અને બંધારણીય સમિતિની બેઠકોમાં આંબેડકરે કરેલી રજૂઆતો, પ્રવર્તમાન સમયમાં દલિતો અને દલિતવિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયામાં થતી ચર્ચાઓ વગેરેને ધ્યાને લઈને, જે સમયમાં આપણે શ્વસી રહ્યા છીએ, તે સાંપ્રતમાં ડૉ. બાબાસાહેબની પ્રસ્તૂતતા અને મૂલ્ય શું છે, એની બહુ જ તલસ્પર્શી હકીકતો થરૂરે તાદૃશ કરી છે.

આ પુસ્તક વાંચનાર એ જોઈ શકશે કે ૨૦૨૨ સુધીના આવા ઘણાબધા સંદર્ભોને થરૂરે એમાં ટાંક્યા છે. પુસ્તકના બે-પાંચ પૃષ્ઠ જ એવા હશે, જેમાં જે તે પૃષ્ઠના લખાણની નીચે પાંચથી છ સંદર્ભો નહીં હોય. યાને પરફેક્ટ ફેક્ટ-ચેક પછી જ થરૂર પોતાના લખાણમાં આગળ વધ્યા છે. (ગુજરાતમાંથી ઘનશ્યામ શાહ અને ઉર્વીશ કોઠારી, એ બે જ નામો થરૂરના સંદર્ભોમાં જોવા મળે છે.)

બેમત નથી કે, ઊંડા અભ્યાસ, થકવી નાખતા સંશોધન અને (પૂર્વગ્રહ વિનાની) સમજદારી સાથે લખાયેલા ‘Ambedkar : A Life’ પુસ્તક દ્વારા થરૂરનો પ્રયાસ તો ડૉ. બાબાસાહેબની ‘Larger than life’ પ્રતિભાને જ ઉજાગર કરવાનો છે. અને એથી – ત્યારે અને આજે ય – ડૉ. આંબેડકરને અંગ્રેજોના પીઠ્ઠુ, ગાંધીના, હિન્દુઓના અને સ્વતંત્રતાના વિરોધી, આદિવાસીજનોના હિતો પ્રતિ ઉદાસીન એવા રાષ્ટ્રવિરોધી ચિતરવાની, અરુણ શૌરી (Workshipping False Godsના લેખક) સહિતના આંબેડકરવિરોધીઓએ કરેલી ટીકાઓના પણ બહુ સચોટ અને સટીક જવાબો આપણને આ પુસ્તકમાંથી સાંપડે છે.

પ્રબુદ્ધજનો ડૉ. આંબેડકરના જીવનસંઘર્ષ વિશેની ઘણીબધી હકીકતોથી પરિચિત હોઈ શકે છે. આમ છતાં આ પુસ્તક મારા મતે તેમને કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ કરાવવાને સક્ષમ જણાય છે.

સાવ નવી જ અને વણકહી – વણસાંભળી હકીકતો જેવી કે પ્રસિદ્ધ અદાકાર દિલીપકુમાર ડૉ. આંબેડકરને આર્થિક મદદ કરવા ચાહતા હતા, કિન્તુ ડૉ. આંબેડકરે અનિચ્છા વ્યક્ત કરી હતી, તે તથા અમેરિકાની રંગભેદ ચળવળના પ્રણેતા માર્ટિન લ્યૂથર કિંગ પત્ની સાથે (૧૯૫૯માં) ભારત (કેરાલા) આવ્યા અને તેમનો ‘અમેરિકાના અસ્પૃશ્ય’ તરીકે જાહેર પરિચય કરાવાયો ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા, તે તથા મહાત્મા ગાંધીના અમેરિકન બાયોગ્રાફર (આત્મકથાકાર) લુઈ ફિશરના ડૉ. આંબેડકર માટેના એ ઉદ્‌ગારો કે, ‘ગાંધી વિરોધી અને પાકિસ્તાન તરફી, એમના જેવો કડવો ઝેર માણસ મેં જોયો નથી.’ એટલીસ્ટ હું તો પહેલીવાર વાંચી રહ્યો છું.

‘આજે ડૉ. આંબેડકર હયાત હોત તો આર.એસ.એસ., ભા.જ.પ., આપ, કાઁગ્રેસ, સહિતના પક્ષો, એમના નામને આગળ કરીને, કેવી તીવ્ર ગતિએ એમના વિચારોને ખતમ કરવાનો ખેલ પાડી રહ્યા છે, તે જોઈને આશ્ચર્યમાં ગરકાવ હોત !’ એવું માર્મિક નિરીક્ષણ રજૂ કરતાં થરૂરના પુસ્તકનું સમાપન આ શબ્દોમાં થાય છે : ‘Ambedkar today is larger than life, and nearly seven decades after his death, he keeps on growing.’

‘ડૉ. આંબેડકરે જેમને ઘણું આપ્યું છે ને જેઓ હજી તેમની પૂરી કદર કરી શક્યા નથી, એ ભારતીય પ્રજાને અર્પણ’ એ શબ્દોથી (એક અર્થમાં આંબેડકરના પ્રદાનને નહીં સ્વીકારનારી) ભારતીય પ્રજાને અર્પણ થયેલું આ પુસ્તક (૧) ડૉ. આંબેડકરનું જીવન અને (૨) તેમનો વિચારવારસો, એમ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું છે. આ બે વિભાગો હેઠળ પ્રથમ વિભાગમાં (૧) ડૉ. આંબેડકરના જન્મ વર્ષ ૧૮૯૧થી ૧૯૨૩, (૨) ૧૯૨૩ થી ૧૯૩૦, (૩) ૧૯૩૦ થી ૧૯૩૫, (૪) ૧૯૩૫ થી ૧૯૪૬ અને (૫) ૧૯૪૬ થી ૧૯૫૬ – ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ વર્ષ, એમ વર્ષવાર – આ પાંચ તબક્કાના વર્ષોમાં જન્મથી માંડી મૃત્યુપર્યંતના સમયખંડમાં – ડૉ. આંબેડકરના જીવનમાં ઘટેલી ઘટનાઓને પોતાના વિશાળ વાંચનના સંદર્ભે ચકાસતાં – મૂલવતાં, મહામાનવ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જે છબિ તેમને પ્રાપ્ત થઈ, તેને જ થરૂરે વાચકો સમક્ષ આ પુસ્તક દ્વારા ધરી છે.

‘Ambedkar : A Life’ના મહત્ત્વના અને શશી થરૂરની વિદ્વતા, અભ્યાસનિષ્ઠા, પ્રામાણિકતા અને મૂલ્યાંકનશક્તિના દર્શન કરાવતા બીજા વિભાગમાં ‘A Life Well Lived – જીવન જેમણે જીવી જાણ્યું’ શિર્ષક હેઠળના (૧) બંધારણવિદ ડૉ. આંબેડકર (૨) ડૉ. આંબેડકરનો લોકતાંત્રિક રાષ્ટ્રવાદ (૩) વિદેશોમાં ડૉ. આંબેડકરનો વ્યાપ (૪) ડૉ. આંબેડકરના આલોચકો (૫) આજના સંદર્ભે ડૉ. આંબેડકર અને (૬) ડૉ. આંબેડકર : એક મૂલ્યાંકન, જેવા છ પ્રકરણોમાં થરૂરે રજૂ કરેલાં નિરીક્ષણો નિષ્પક્ષ હોવાની સાથે વિચારોત્તેજક પણ જણાય છે.

જોઈ શકાશે કે અરુણ શૌરીએ નર્યા દ્વેષભાવથી આંબેડકરની કરેલી આલોચના અને શશી થરૂરે – આપણે ગ્રાહ્ય ગણીએ એવી કરેલી નુકતેચીનીમાં કેટલું અંતર છે.

અહીં, આ પુસ્તકમાંના આવા કેટલાક મહત્ત્વના બિન્દુઓથી સુજ્ઞ વાચકોને અવગત કરાવવાનો મારો પ્રયાસ છે.

પુસ્તકના સ્વકથનમાં થરૂર લખે છે : ‘ડૉ. આંબેડકર જેવી મહાન પ્રતિભા પર પ્રમાણમાં સંક્ષિપ્ત છતાં લોકભોગ્ય બને એવું જીવનચરિત્ર આપતાં મારે ન માત્ર વિપુલ માત્રામાં વિસ્તરેલા ડૉ. આંબેડકરના ખુદના લખાણોમાંથી કિન્તુ એટલી જ વિપુલ માત્રામાં રહેલા તેમના (ડૉ. આંબેડકર) પરના વિવિધ લેખકો-વિદ્વાનોએ લખેલા સાહિત્યમાંથી પણ પસાર થવું પડ્યું છે.’

પોતે દલિત નથી અને જાતિવાદનો પોતાને સીધો કોઈ પરિચય નથી છતાં અપ્રતિમ સિદ્ધિઓને વરેલા, ઇતિહાસના પ્રખર વિદ્વાન અને અત્યંત પ્રતિભાવંત વ્યક્તિત્વ નામે ડૉ. આંબેડકર પ્રતિના મારા આદર અને અહોભાવને કારણે જ હું આ જીવનચરિત્ર લખવાને પ્રેરાયો છું, એમ આમુખમાં કહેતા થરૂર એવો નિખાલસ એકરાર પણ કરે છે કે, ડૉ. આંબેડકરે સદેહે વેઠેલી યાતનાઓ – અપમાનોને તો કદાપિ નજરઅંદાજ કરી શકાય એમ નથી જ, છતાં આ પુસ્તક પાછળથી મારી ખરી પ્રેરણા તો ડૉ. આંબેડકરે જીવનભર કહેલા ને લખેલા વિદ્વતાપૂર્ણ શબ્દો જ છે.

આમુખમાં થરૂર એમ કહેવાનું પણ ચૂકતા નથી કે, દલિતો વિશે બીનદલિતો લખે એ કરતાં દલિતો ખુદ લખે એ વધારે અસરકારક હોય છે, એ હકીકતથી પોતે ભલીપેરે વાકેફ છે.

શશી થરૂર

આગળ ઉલ્લેખ કર્યો તેમ ડૉ. આંબેડકરની જીવનયાત્રાની તલસ્પર્શી હકીકતોથી સુમાહિતગાર થવાને, થરૂર આ પુસ્તક લખતાં પહેલાં દળદાર આંબેડકરીય ગ્રંથોમાંથી પસાર થયા છે. આથી ડૉ. આંબેડકરના જન્મ વર્ષ ૧૮૯૧થી નિર્વાણવર્ષ ૧૯૫૬ સુધીનાં વર્ષોને આવરી લેતાં આ પુસ્તકના વિભાગ-૧ હેઠળના તમામ પ્રકરણોમાં ડૉ. આંબેડકરના પૂરા જીવનકાળમાં ઘટેલી એ તમામ ઘટનાઓ કે જેનાથી સર્વસામાન્ય આંબેડકરી વાચક વાકેફ છે, તે અહીં પણ છે. જો કે અનેક દળદાર ગ્રંથોમાં વિસ્તરેલી ડૉ. આંબેડકરની જીવનયાત્રાની તુલનામાં થરૂરે કરેલું વિવરણ સ્વાભાવિકપણે જ ઘણું સંક્ષિપ્ત છે.

મારા મતે આ પુસ્તકનો જો કોઈ વિશેષ હોય તો તે છે, પોતાના વિશાળ વાંચનના બળે આ પુસ્તકના લેખન સારુ થરૂરે ખાસ જહેમત લઈ ને એકઠા કરેલા અનેક સંદર્ભો અને, ડૉ. આંબેડકરના જીવનકાળની અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓને પોતાના આગવા દૃષ્ટિકોણથી જોઈને, પુસ્તકના પાને-પાને  રજૂ કરેલું પોતાનું અર્થઘટન, અવલોકન અને આપેલો અભિપ્રાય.

ડૉ. આંબેડકરના જીવનકાળની એવી હકીકતો જે ઘટી હોય તો પણ શબ્દસ્થ નથી થઈ તે તથા પ્રવર્તમાન સમયમાં નવી નવી કલમો જે નવી નવી હકીકતો પર પ્રકાશ પાથરીને ડૉ. આંબેડકરની પ્રસ્તુતતાને અને તેમની બહુમૂલ્યતાને પુરવાર કરી રહી છે તે, આ પુસ્તકમાં એક વીજચમકારની જેમ આપણું ધ્યાન આકર્ષિક કરે છે.

હું કહીશ કે, આ પુસ્તકના વિભાગ-૨માં – ડૉ. આંબેડકરની સદેહે ઉપસ્થિતિ વિનાના આ સમયમાં – માનવસહજ મર્યાદાઓ સાથે પણ કાળની કસોટી પર ખરા ઉતરેલા ડૉ. આંબેડકરના વિચારવારસા પર અને તેમની પ્રસ્તુતતા પર થરૂરે રજૂ કરેલા મૌલિક ચિંતનમાં આ ચમકારા કંઈ વિશેષ વર્તાય છે ! નમૂના દાખલ :

(૧) જ્યારે ઉચ્ચવર્ગીય દેશવાસીઓ માત્ર ‘બી.એ. (ફેઈલ)’ લખીને જ ગૌરવ લેતા હતા ત્યારે આંબેડકર બી.એ. પાસ થઈ ગયેલા ! (પા. નં.૧૧)

(૨) ઘણાના મતે વિદેશોમાં અભ્યાસ કરેલો તેથી આંબેડકર શુટ-ટાઈ પહેરતા, કિન્તુ મારા મતે જન્મજાત થોપી દેવાયેલી પોતાની ઓળખ સામેનો એ એમનો વિદ્રોહ હતો. (પા.નં. ૨૬)

(૩) ૧૯૩૦ નવેમ્બરની ૧૨મી તારીખે લંડનમાં વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડના અધ્યક્ષપદવાળી ભવ્ય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો પંચમ જ્યોર્જે આરંભ કરાવ્યો ત્યારે, ૩૯ વર્ષીય ચશ્માધારી, મજબૂત બાંધાનો એક અસ્પૃશ્ય યુવાન બેફિકરાઈથી ત્યાં બેઠો હતો. ઊભા થઈને યુવાને કહ્યું : ‘બ્રિટિશ ઇન્ડિયા શાસન હેઠળની ૧/૫ વસ્તીના પ્રતિનિધિ તરીકે હવે હું આ સભાને સંબોધવા જઈ રહ્યો છું.’ (પા. નં. ૫૨)

(૪) અંગ્રેજોએ આ દેશની નિરક્ષરતા નિવારવા જો ઠોસ પગલાં લીધાં હોત તો આ દેશમાં અસ્પૃશ્ય કે પછાત એવો વર્ગ રહ્યો જ ન હોત, એવી મદનમોહન માલવિયાની દલીલ સામે આંબેડકરે કહ્યું : ‘મારી આટલી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છતાં મને અસ્પૃશ્ય જ ગણવામાં આવે છે.’ (પા. નં. ૫૮)

(૫) ગોળમેજી પરિષદ દરમિયાનના ગાંધીના દલિતદ્વેષની આંબેડકરે બહુ આકરી ટીકા કરી હતી. એનાથી દિગમૂઢ બની ગયેલા ગાંધી દેશભરમાં અસ્પૃશ્યતા નિવારણ માટેના લાંબા પ્રવાસ પર નીકળી પડેલા ! (પા. નં. ૬૯)

(૬) પરિવારના આગ્રહને વશ થઈ કરવી પડેલી પિતાની મરણોત્તર ક્રિયામાં આંબેડકરે બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવાને બદલે પોતાના ૪૦ વિદ્યાર્થીઓને જમાડ્યા હતા. (પા. નં. ૭૨)  

(૭) ઈ.એમ.એસ. નામ્બુદિરીપાદે આંબેડકરને સંપૂર્ણ આઝાદીના નહિ કિન્તુ અસ્પૃશ્ય વર્ગની સિમિત આઝાદીના હિમાયતી ગણાવ્યા હતા. (પા. નં. ૮૭)

(૮) અસ્પૃશ્યો માટે ગાંધીએ આપેલો ‘હરિજન’ શબ્દ આંબેડકરને સ્વીકાર્ય નહોતો તેથી તેમણે બહિષ્કૃત, દલિત અને બંધારણની રચના બાદ અનુસૂચિત જાતિ શબ્દ સ્વીકાર્યો હતો. આમ છતાં ‘હરિજન’ શબ્દ સામેનો તેમનો વિરોધ આજીવન રહ્યો. (પા. નં. ૯૧)

(૯) ૧૯૪૬માં કેબિનેટ મિશન સાથે ક્રિપ્સ ભારત આવ્યા તેમણે અસ્પૃશ્યોના પ્રશ્ને આંબેડકરે આપેલા મેમોરેન્ડમનો અસ્વીકાર કરી, દેશમાં વચગાળાની સરકાર અને બંધારણ રચવા સમિતિની દરખાસ્ત કરી. જ્યાં સુધી બ્રિટિશરોને સંબંધ છે, એ તેમના અંતની શરૂઆત હતી, તો આંબેડકર માટે વધુ મોટા પડકારોની એ શરૂઆત હતી. (પા. નં. ૯૯)

(૧૦) પોતાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાના કારણોસર આંબેડકર ઔરંગાબાદ આવેલા અને ત્યાં એ હોટલમાં રોકાયેલા, જેમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા દિલીપકુમાર પણ રોકાયેલા. દિલીપકુમારે સંવિધાન રચયિતા આંબેડકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એની ત્રણ વાયકાઓ સાંભળવામાં આવી છે. (૧) દિલીપકુમાર તો આતુર હતા મળવાને પણ આંબેડકરનો પ્રતિભાવ શુષ્ક હતો. (૨) દિલીપકુમાર ડૉ. આંબેડકરની સંસ્થાને આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હતા, કિન્તુ ફિલ્મના માણસો માટે ખાસ આદર નહિ ધરાવતા આંબેડકરે, એમનું અનુદાન સ્વીકારવા ઈન્કાર કરેલો અને (૩) આંબેડકર અને દિલીપકુમારની મુલાકાત માટે મધ્યસ્થી બનેલ વ્યક્તિને નીતિમત્તા પર લાંબુ ભાષણ આપીને આંબેડકરે ખખડાવી નાખેલો ! (પા. નં. ૧૦૦)

(૧૧) આંબેડકરના શબ્દોથી પ્રભાવિત પ્રજાને, શારદા કબીર (માઈસાહેબ) સાથે પુનઃલગ્ન કરતા પહેલા, પોતાની થનાર સાસુમાને આંબેડકરે લખેલા આ શબ્દો માનવામાં ન આવે એવા આશ્ચર્યકારી છે. ડૉ. આંબેડકરે પત્રમાં લખેલું : ‘આમ હું એક શાંત પણ અઘરી વ્યક્તિ છું. મારા પર એવો આરોપ છે કે હું સ્ત્રીઓ સાથે બહુ વાત કરતો નથી, પણ એમ તો અંગત કે પરિચિત ન હોય તો હું પુરુષો સાથે પણ વાત કરતો નથી. આમ હું ગંભીર પણ ધૂની વ્યક્તિ છું. દુન્વયી સુખો મને બહુ આકર્ષી શકતા નથી. મારા બનનાર સાથીએ મને સહન કરવો પડશે. મારા ખરા સાથી તો મારા પુસ્તકો જ છે.’ (પા. નં. ૧૦૯)

(૧૨)  ડૉ. આંબેડકર વિવિધતા ધરાવતા રાજ્યોની એકતા સાથેના એક રાષ્ટ્રના હિમાયતી હતા અને તેમણે ઉતર અને દક્ષિણના રાજ્યો અને તેમની ખાસિયતો વિશે સચોટ અવલોકનો કરીને કેટલીક ચેતવણીઓ પણ ઉચ્ચારી હતી. ક્યાં ખબર હતી કે એમની વિદાયનાં ૬૦ વર્ષો પછી એમણે કરેલી આગાહીઓ સપાટી પર આવવાની છે. (પા. નં. ૧૨૫)

(૧૩) વિભાજન બાદ પોતે કાયદા મંત્રી હતા ત્યારે, ‘પાકિસ્તાનના મુસ્લિમો તમારા મિત્રો નથી’ એમ કહી ત્યાંના દલિતોને ભારત આવી જવા આંબેડકરે એક નિવેદન જારી કર્યું હતું અને તેમને સલામત ભારત પરત લઈ આવવા વડા પ્રધાન નહેરુને અપીલ પણ કરી હતી. (ધર્મપરિવર્તન કરતા મુસ્લિમ ધર્મ ન સ્વીકારવાનું કદાચ આ પણ એક કારણ હશે.) (પા. નં. ૧૨૫)

(૧૪) અન્યાય સામે ઝઝૂમતા અમેરિકન નિગ્રો (અશ્વેતો)ને દમનમાંથી બહાર લાવવા ત્યારના ક્રિશ્ચિયનોએ કંઈ મદદ કરી નહોતી તથા અશ્વેતોના કારણે ત્યાં ગૃહયુદ્ધ ફાટી નિકળવાની અણી પર હતું ત્યારે, તે ક્રિશ્ચિયનોએ જ તેને નિષ્ફળ બનાવેલું. (ધર્મ પરિવર્તન કરતાં ક્રિશ્ચિયન ધર્મ ન સ્વીકારવાનું કદાચ આ પણ એક કારણ હશે.) (પા. નં. ૧૨૬)

(૧૫) આંબેડકરને ભય હતો કે જો તેઓ મુસ્લિમ ધર્મ સ્વીકારશે તો દેશમાં મુસ્લિમ જનસંખ્યા વધી જવાનું જોખમ ઊભું થશે અને શીખ ધર્મ સ્વીકારશે તો ત્યાં દલિતો બીજા દરજ્જાના શીખ બની રહેશે. (પા. નં. ૧૨૬)

(૧૬) નજરે જોનારા કહે છે કે, ધર્મ પરિવર્તનની ક્ષણે લાખોની મેદનીને સંબોધતા આંબેડકર બહુ લાગણીશીલ બની ગયેલા અને તેમનો અવાજ રૂંધાઈ ગયેલો. (પા. નં. ૧૨૮)

(૧૭) વધુ પડતા વાંચન, લેખન, પ્રવાસ અને પ્રવચનોનાં કારણે આંબેડકરનું સ્વાસ્થ્ય કથળી ગયેલું. સંધિવા, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, પીંડીઓના દુખાવા સાથે એમનું જમવાનું પણ બહુ ઓછું થઈ ગયેલું. આબેડકર દંપતીએ દિલ્હીથી મુંબઈ આવવા તા. ૧૪ ડિસેમ્બર ૧૯૫૬ના રોજની એરટિકિટ પણ બુક કરાવેલી … અને ૬ ડિસેમ્બર ૧૯૫૬ એ તો આંબેડકર સદાય માટે ચાલ્યા ગયા. (પા. નં. ૧૩૧)

(૧૮) લખાણની ઝડપ, એની પ્રવાહિતા, ગુણવત્તા તથા તીવ્ર બુદ્ધિમતાયુક્ત પરિશ્રમી સ્વભાવના સાયુજ્યથી આંબેડકરે આપણા માટે એટલો મોટો વિચારવારસો છોડ્યો છે કે, એમણે લખવા સિવાય બીજું કંઈ ન કર્યું હોત તો ય સદીઓ સુધી તેઓ યાદ રહેવાના છે. (પા. નં. ૧૩૩)

(૧૯) પોતાની કોઈ ભૂલ વિના ડગલે ને પગલે જેણે અન્યાય સહ્યો છે તેને અધિકાર છે કે તે અન્યોથી અલગ પુરવાર થઈને રહે. લાગણીવેડા તેમને ગમતા નહિ. આ કારણે એમને ચાહનારા તો ઘણા હતા પણ મિત્રો બહુ ઓછા હતા. એક અર્થમાં રાજકારણ તેમને ફાવ્યું નહિ અને એ જ કારણે એમણે શરૂ કરેલા રાજકીય પક્ષો લાંબુ ચાલ્યા નહિ. (પા. નં. ૧૩૪)

(૨૦) ભારત આવીને માર્ટિન લ્યૂથર કિંગને પણ અહેસાસ થયો હતો કે નિગ્રો અને દલિતોની સ્થિતિમાં ઘણી બધી સામ્યતા છે. એ જ દર્શાવે છે કે આંબેડકરના વિચારોનો વ્યાપ ક્યાં સુધી પહોંચ્યો હતો. (પા. નં. ૧૪૦)

(૨૧) આ દેશે પહેલા એમને અપમાનિત કર્યા અને પછી ગૌરવાન્વિત કર્યા. એમને દલિતોના ઉદ્ધારક કહ્યા પણ એમના તેજાબી વિચારોને તો છૂપાવ્યા જ કર્યા. (પા. નં. ૧૪૧)

(૨૨) દેશે તેમને અસ્પૃશ્યોના ઉદ્ધારક તરીકે અને બંધારણના ઘડવૈયા તરીકે તો સ્વીકાર્યા પણ તેમના રાજકીય અને આર્થિક વિચારોને ક્યાં સ્વીકાર્યા છે ? (પા. નં. ૧૪૧)

(૨૩) એમના જીવનનો એકમાત્ર મકસદ હતો, એમનો અસ્પૃશ્ય સમાજ સ્વમાનની જિંદગી જીવે. (પા. નં. ૧૪૩)

(૨૪) આઝાદી માટેનો સંઘર્ષ બ્રિટિશ શાસનથી મુક્તિ માત્રનો ન હતો, બ્રિટિશરોના તુમાખીભર્યા – એકહથ્થુ કાયદો – વ્યવસ્થાના શાસનથી મુક્તિનો પણ હતો અને એમાંથી જ ‘Constitutional Morality – બંધારણીય નૈતિકતા’ના આદર્શનો જન્મ થયો. આંબેડકરે બંધારણીય સભાની ચર્ચાઓમાં એનો અવારનવાર ઉલ્લેખ પણ કર્યો. એ શબ્દોનો ઉપયોગ આજે અદાલતોમાં ફેશનની જેમ થઈ રહ્યો છે ! (જો કે બંધારણીય નૈતિકતાનો સૌ પ્રથમ વિચાર અંગ્રેજ ઇતિહાસકાર જ્યોર્જ ગ્રોટેએ રજૂ કર્યો હતો) (પા. નં. ૧૪૭)

(૨૫) એ આંબેડકર જ હતા જેઓ ૧૯૧૯ની સાઉથબરો  કમિટિથી લઈ ૧૯૪૬ના કેબિનેટ મિશન સુધી ચાલેલી બંધારણીય રચવા માટેની કવાયતોમાં સામેલ હતા. (પા. નં. ૧૪૯)

(૨૬) માત્ર અનુસૂચિત જાતિ / જનજાતિ માટેની જ અનામત બાદ ૧૯૯૦માં મંડલ કમિશન દ્વારા અન્ય પછાતવર્ગો માટે અનામતની જોગવાઈ આવી, કિન્તુ કહેવું જોઈએ કે આંબેડકરનો ઉદ્દેશ તો અનામત દ્વારા જાતિઉચ્છેદનો હતો, જ્યારે હવે તો જાતિઓ જાણે મજબૂત થાય છે. (પા. નં. ૧૫૧)

(૨૭)  ૨૦૧૯માં બ્રિટિશ ટેલીવિઝન પર પ્રસારિત થયેલ દસ્તાવેજી ચિત્રમાં કહેવાયું કે બ્રિટનમાં વસતા ભારતીયોમાં પણ જાતિવાદનું તત્ત્વ મોજૂદ છે. (પા.નં. ૧૬૭)

(૨૮) આધુનિક પર્યાવરણ નિષ્ણાતો દેશના શોષિતો – દલિતો માટે ‘Environmental Justice – પર્યાવરણીય ન્યાય’ની પણ માંગ કરે છે. જેમાં તેમને શોષિતોના સારાં સ્વાસ્થ્ય, કુદરતી સંશાધનોનો સમાન ઉપયોગ, ગટર સફાઈ ને માનવમળ ઉલેચવા જેવાં ગંદા કામોથી મુક્તિ જેવા મુદ્દાઓ તથા વિકાસને નામે એમની વસાહતોને તંત્ર દ્વારા તહસનહસ કરવાના મુદ્દાઓ અભિપ્રેત છે. (પા. નં. ૧૬૯)

(૨૯) રાજકીય પક્ષો દ્વારા એમના નામને પોતાના પક્ષ સાથે જોડવાની અને વોટ મેળવવાના હેતુ સર (રાજકીય લાભ લેવાને) તેમના વિચારોને અનુકૂળતા અનુસાર તપાસવાની અને બદલવાની આજે હોડ મચી છે. (પા. નં. ૧૮૦)

(૩૦) રાજકીય વ્યૂહાત્મકતા માટે જાણીતા ભા.જ.પા.ને ખબર છે કે, આંબેડકરને આગળ કર્યા વિના દલિતોના વોટ તેને મળી શકે તેમ નથી. સાથે જ તે ઉચ્ચ હિન્દુ વર્ગની તેની મજબૂત વોટબેન્કને પણ નારાજ કરી શકે તેમ નથી. (પા. નં. ૧૮૧)

(૩૧)  આજે આંબેડકરના નામે સંસ્થાઓ, એરપોર્ટ્‌સ, સ્મારક સ્થળો, સ્મારકો, યુનિવર્સિટીઓ બને છે અને આખેઆખા જિલ્લાઓના નામ તેમને મળે છે, પણ આ બધું ૫૦ વર્ષ પહેલાં થવું જોઈતું હતું. ખેર, આ જ એનું પ્રમાણ છે કે આંબેડકરનુ કદ કેટલું વિસ્તરેલું છે. (પા. નં. ૧૮૩)

(૩૨) એક સમયનો તેમનો વિરોધી RSS પણ હવે તો આંબેડકરને હિન્દુ ધર્મની ત્રૂટિઓ સુધારનાર તરીકે જોઈને, હિન્દુ એકતાના પ્રતીક ગણે છે. RSSના આગેવાનો આંબેડકર પર પુસ્તકો પણ લખી રહ્યા છે ! (પા. નં. ૧૮૩)

(૩૩) આંબેડકરના સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને ભારતના લોકતંત્ર પરના વિચારોને વાંચવા જેટલા મહત્ત્વના છે, તે કરતાં ય આ સંદર્ભે તેમણે લીધેલા એક્શનને સમજવા વધારે મહત્ત્વના છે, અને આ પુસ્તક દ્વારા મારો એ પ્રયાસ છે. (પા. નં. ૧૯૧)

અહીં પૂર્વ કેન્દ્રિય મંત્રી, તંત્રી-પત્રકાર-લેખક અરુણ શૌરીએ ‘Worshing False Gods’ પુસ્તક દ્વારા કરેલી આંબેડકરની આકરી ટીકાઓ અને થરૂરે વાળેલા તેના પ્રત્યુત્તરો પર પણ એક નજર કરીએ. 

શૌરીએ આરોપ મૂકતા કહ્યું છે : ‘હકીકતોને તોડીમરોડીને આંબેડકરને ખોટી રીતે મહાન ચિતરવામાં આવ્યા છે …. તેમની ખોટી પૂજા થાય છે …. તેઓ અંગ્રેજો તરફી અને સ્વતંત્રતા વિરોધી હતા …. આઝાદી આંદોલનના તબક્કે જ્યારે જ્યારે નિષ્ફળતા મળી, તાળીઓ પાડનારાઓમાં આંબેડકર સામેલ હતા …. સ્વતંત્રતા ચળવળને ખાળવા અને કાઁગ્રેસીઓના વિરોધ માટે અંગ્રેજોને આંબેડકરનું વલણ અનુકૂળ આવતું હતું ….’ વગેરે વગેરે.

આ સામે શશી થરૂરે વાળેલા પ્રત્યુત્તરો પણ જોઈએ. થરૂર લખે છે : ‘શૌરીના આરોપો સામે આંબેડકરના શબ્દો જ પૂરતા છે અને શૌરીને ખબર હોવી જોઈએ કે આંબેડકરની પહેલા પણ મહાત્મા ફુલે એ કહી ગયા છે કે, જ્યાં શૂદ્ર, આદિવાસી, ભીલ, માછીમાર સાચા અર્થમાં શિક્ષિત અને સ્વતંત્ર ન હોય તેને ‘રાષ્ટ્ર’ કહી શકાય નહીં …. બ્રિટિશ શાશકો ભલે ઉત્તમ પ્રશાસકો – વહીવટકર્તા ન હોય તો પણ ઉચ્ચવર્ગીય હિન્દુઓ દ્વારા અસ્પૃશ્યોની થતી સતામણી અને અત્યાચારની સરખામણીમાં તો આંબેડકરના મતે એ સારા જ હતા … આંબેડકરનું વલણ હંમેશાં તર્કસંગત રહ્યું છે. જે વિદેશી શાસન પોતાના સમાજની તકલીફો ઓછી કરતું હોય અને તકો આપતું હોય, તો શા માટે એવા શાસનનો ઉપયોગ કોઈ ન કરે ? …. આંબેડકર તો માનતા જ હતા કે તેમના માટે રાજકીય કરતાં સામાજિક સ્વતંત્રતા વધારે મહત્ત્વની છે. સ્વરાજની લડત શરૂ થઈ ત્યારે અસ્પૃશ્યોના મૂળભૂત અધિકારોની રક્ષા માટે કોઈ ચિંતા જ ન કરવામાં આવી, તો પછી એવું સ્વરાજ પણ અસ્પૃશ્યોને અને આંબેડકરને શા ખપનું હોય ? …. કાઁગ્રેસની સ્વતંત્રતાની લડાઈ, અસ્પૃશ્યોની મુક્તિ માટેની પણ લડાઈ છે, એમાં આંબેડકરને શંકા હતી અને તેથી જ ત્યારે એમણે કાઁગ્રેસ પાસે સ્પષ્ટતા માંગેલી કે પહેલા એ કહો કે કોની આઝાદી ?! ….. આંબેડકર ટીકાકારોથી વાકેફ હતા ને તો ય અડગ રહ્યા, કેમ કે એમને ખબર હતી કે તેઓ સાચા છે …. આંબેડકર કહેતા કે અંગ્રેજોનું શાસન જશે એટલે ઉચ્ચ હિન્દુઓનું શાસન આવશે તો ત્યાં પણ અસ્પૃશ્યોની સ્થિતિ સુધરશે નહીં. તેઓ કહેતા કે ઉચ્ચવર્ગીય હિન્દુઓ જો અસ્પૃશ્યો પર અત્યાચાર કરશે, તો ફરિયાદ લઈને જનારા એ અસ્પૃશ્યો સામે શાસનમાં બેઠેલા હિન્દુઓ ન્યાય તો આપશે નહિ પણ એમના જ ભાઈઓને બચાવવાનું કામ કરશે … ડૉ. આંબેડકરની જેમ રાજા રામમોહન રોયે પણ બ્રિટિશ શાસનકાળમાં જ સમાજ – સુધારાની ચળવળ ચલાવી હતી. શું એમના પ્રદાનને પણ અવગણવાનું ?!….’ વગેરે વગેરે.

થરૂર જેવા અભ્યાસી કંઈ લખે અને એમાં એમનો તુલનાત્મક અભિગમ ન આવે, એ તો વળી બને જ કેમ?! આ પુસ્તકમાં પણ તેમને આવા ચારેક મુદ્દા જડ્યા છે ! (૧) તેમના મતે અનુસૂચિત જાતિ(દલિતો)ની તુલનામાં આંબેડકરે અનુસૂચિત જનજાતિ(આદિવાસીઓ)ની કંઈક ઓછી ચિંતા કરી છે. (૨) અસ્પૃશ્યોના ઉદ્ધારના મુદ્દે ઉચ્ચવર્ગીય હિન્દુઓનો સાથ લેવો કે છેડો ફાડી નાખવો ? એ મુદ્દે આંબેડકર અવઢવમાં રહ્યા છે ! (૩) મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કર્યું હોવા છતાં અને તેમણે ખુદ એવી કબૂલાત કરી હોવા છતાં કે ‘એ મારી નિષ્ફળતા છે કે, હું તમારી (આંબેડકરની) નજીક આવી ન શક્યો. તમે કહો ત્યાં અને ત્યારે મળવા આવું’ – આંબેડકર હંમેશાં ગાંધી સામે કડવાશ જ રાખતા ગયા. એમનો ગાંધી વિરોધ વધારે પડતો હતો. (૪) દલિતોના ઉત્થાન માટે કાયદો-વ્યવસ્થાનું સચોટ પાલન કરી શકે તેવા કેન્દ્રિય શાસનના હિમાયતી આંબેડકર એ ભૂલી ગયા હતા કે મન-હૃદયથી પણ લોકોને જોડી શકાય છે. સંત ચોખામેલા, કબીર અને વિવેકાનંદ જેવાઓના પ્રદાનની શું કોઈ ગણતરી નહીં ?

આમ છતાં, પુસ્તકના અંતે થરૂર કહે છે તેમ આ ટીકાઓ તેથી આ પુસ્તકમાં વર્ણવેલી આંબેડકરની સિદ્ધિઓને જરા ય ઓછી નથી કરતી. પ્રશંસા અને આલોચના તો માનવજીવન સાથે સહજ વણાઈ ગયેલ છે. સફળતા-નિષ્ફળતા વચ્ચે જ માનવી આગળ વધતો હોય છે. આંબેડકરને જ જુઓને. જ્યારે જ્યારે તેમને લાગ્યું કે તેમની અવગણના થઈ છે, ને ત્યારે તરત એક બીજી તક એમની પાસે આવીને ઊભી રહી છે. ૧૯૪૬ની ચૂંટણીઓમાં પોતે સાઈડલાઈન થયાનું અનુભવી  રહ્યા હતા તેના પછીના જ વર્ષે તેઓ ભારતના કેબીનેટ મંત્રી બન્યા ! પોતે જેનો વિરોધ કરતા રહ્યા એ કાઁગ્રેસ આખરે સ્વતંત્રતા મેળવવામાં સફળ રહી, તો તરત આંબેડકર ભારતીય બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા ! તેમણે રજૂ કરેલા હિન્દુ કોડ બીલનો વિરોધ થયો, તો પછી તરત પોતાના લાખો અનુયાયીઓને તેઓ બૌદ્ધ ધર્મ તરફ દોરી જવામાં સફળ રહ્યા ! અરે ! મૃત્યુ પણ તેમના વિચારોના ધસમસતા પ્રવાહને ખાળી ન શક્યું, આંબેડકર સતત અને સતત વિરાટ થતા જ ગયા … થતા જ ગયા !

•

‘Ambedkar : A Life’  (લેખક :  શશી થરૂર), પ્રકાશક : અલેફ બુક કંપની (રૂપા પબ્લિકેશન્સ), ૭/૧૬, અન્સારી રોડ, દરિયાગંજ, નવી દિલ્હી – ૧૧૦ ૦૦૨; પૃષ્ઠ – ૨૨૬; કિંમત  – રૂા. ૫૯૯.

e.mail : natubhaip56@gmail.com

Loading

ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે

તેજલ પ્રજાપતિ|Opinion - Opinion|10 April 2024

પ્રસ્તાવના :

તેજલ પ્રજાપતિ

આજના સંદર્ભે કમળાબહેન પટેલ અને તેમના પુસ્તકની નારીસંવેદના સંદર્ભેની ચર્ચા પ્રસ્તુત જણાય છે, કારણ કે ગયા વર્ષે જ મણિપુરમાં થયેલી હિંસા અને એમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના કિસ્સા મને યાદ આવે છે. રશિયા-યુક્રેન કે ઇઝરાયલ-પેલેસ્તાઇન સંઘર્ષ વચ્ચે પણ મહિલાઓ પર જાતીય અત્યાચારના અહેવાલ સતત આવી રહ્યા છે.

1947 હોય, એના પહેલાંની વાત હોય કે એ પછીનાં વર્ષોની વાત હોય; નારી પર સામૂહિક ધોરણે અત્યાચારો થતા જ રહ્યાં છે અને સમયાંતરે નારીસંવેદના અંગે આ પ્રકારના વિચારવિમર્શ કરવાની જરૂરિયાત અનુભવાઈ છે. મહિલાઓ પર અત્યાચારની વાત નવી નથી, યુગોનો ઇતિહાસ જોઈએ તો સમજાય કે સમયાંતરે સ્વતંત્રતા માટે, મુક્તિ માટે, સમાનતા માટે, સમાનવેતન માટે, કામ કરવાના અધિકાર માટે મહિલાઓએ લડવું પડ્યું છે. વિશ્વયુદ્ધ વખતે પુરુષો જ્યારે યુદ્ધના મોરચે લડવા જતા રહ્યા, ત્યારે સ્ત્રીઓએ તેમની પાછળ ખેતરોમાં ખેતી કરી, મિલોમાં કામ કર્યાં, ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ ભજવ્યો હતો, એ આપણે જાણીએ જ છે. જેવી યુદ્ધની સ્થિતિ શાંત થઈ, જે પુરુષો જીવતા પાછા આવ્યા, એમણે સ્ત્રીઓને પાછા ઘરમાં જવાની અને ઘરનું કામ કરવાની ફરજ પાડી. યુરોપમાં ઠેકઠેકાણે સ્ત્રીઓએ આની સામે બળવો કર્યો અને કામ કરવાનો અધિકાર માગ્યો. આ ઇતિહાસ આપણે યાદ રાખવા જેવો છે. આજે આપણે એ સ્ત્રીઓની વેદના વિશે વાત કરવાની છે. જેને ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે વ્યક્તિ નહિ પણ વસ્તુની માફક ઉપાડી જવાઈ અને તેમની પર બળાત્કારો થયા, અને એ વિશે વાત કરવા માટે આપણે કમળાબહેન પટેલ અને તેમના પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’નો સહારો લેવાનો છે.

કમળાબહેન પટેલનો ટૂંકો પરિચય :

કમળાબહેન પટેલ

આમ તો લેખિકા કમળાબહેન પટેલ વિશે ઝાઝું લખાયું નથી. એકાદ પુસ્તક અને કેટલાક લેખોમાંથી તેમના જીવન અંગેની કેટલીક માહિતી મળી આવે છે. ‘મૂળ સોતાં ઊખડેલાં’ની પ્રસ્તાવનામાં ચી.ના. પટેલ કમળાબહેન પટેલનો જીવન પરિચય આ પ્રમાણે આપે છે :

“ચરોતરનાં જાણીતા છ ગામનાં કુલીન ગણાતા પાટીદાર કુંટુંબોમાંના એકમાં સોજિત્રાના એમનો 1912માં નડિયાદમાં જન્મ થયો હતો. પુત્રીઓ વિશે હિનભાવના વાતાવરણમાં કમળાબહેનનાં માતા-પિતાને ચાર પુત્રીઓ જન્મી, અને પુત્ર એકેય નહિ. ચારમાં કમળાબહેન સૌથી મોટાં. તેમની બાર-તેર વર્ષની ઉંમરે માતા મૃત્યુ પામ્યાં અને ત્રણ નાની બહેનોની દેખરેખ રાખવાની જવાબદારી કમળાબહેન પર આવી. પિતા શંકરભાઇને ગાંધીજીની સેવા ભાવનાનું આકર્ષણ થયું હતું અને બીજુ લગ્ન ન કરતાં તેઓ પુત્રીઓ સાથે સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ગાંધીજીના પ્રેમાળ હૃદય છતાં સત્યાગ્રહ આશ્રમનું વાતાવરણ બાળકોને ભારે લાગે એવું હતું. એ વાતાવરણમાં નાની બહેનોને સાચવતાં કમળાબહેને કેટલી અને કેવી મૂંઝવણો અનુભવી હશે, તે આપણે કલ્પી શકીએ છીએ. અઢારેક વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું પણ લગ્ન પછી એક જ વર્ષમાં તેઓ બે ઓરમાન બાળક પુત્રીઓને ઉછેરવાની જવાબદારી સાથે વિધવા થયાં. કમળાબહેન આ ભાર ઊંચકી શક્યાં એટલું જ નહિ પણ તક મળતાં પોતાની શક્તિઓને સેવા કાર્યમાં આપી શક્યાં. આ કમળાબહેન સામાન્ય સ્ત્રી-પુરુષ જેને સંસારસુખ માને છે, તેવા કોઇ સુખની આશા વિના જીવનનો સદ્દુપયોગ કરતાં જીવ્યાં અને ઉત્તરાવસ્થામાં પણ મુક્ત મને હસી શકે એટલી સ્વસ્થતાં જાળવી શક્યાં.”

આ સિવાય કેટલાંક પ્રસંગો કમળાબહેને પોતે લખેલાં સાબરમતી આશ્રમનાં સંભારણામાંથી મળે છે. તેમણે જીવનનો મહત્ત્વનો સમય ગાંધીજીના આશ્રમમાં વિતાવ્યો હતો. કમળાબહેન પટેલના પિતાને ગાંધીજીએ સરદાર પટેલની સહાય કરવા માટે બારડોલી મોકલ્યા હતા. તેમનાં માતા એ સમયે ગુજરી ગયાં હતાં. તેથી માતા-પિતાની ગેરહાજરીમાં કમળાબહેન સાબરમતી આશ્રમમાં રહેવા ગયાં હતાં. એ વખતે તેઓ આશ્રમ જીવનથી પ્રભાવી થયા હતા અને તેમણે કેટલાક પ્રસંગો ‘સાબરમતી આશ્રમનાં મારા સંભારણાં’ના નામે લખ્યા છે. જેના આધારે અંદાજ આવે છે કે, તેઓ 1925થી 1931 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં હશે.

રફીક સુલતાના તેમના પુસ્તક ‘રાષ્ટ્રીય આંદોલનમાં મહિલાઓનું યોગદાન’માં લખે છે કે, કમળાબહેને અસહકારના આંદોલન વખતે ગાંધીજીની હાંકલ પર શાળાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમના પિતાજી પણ સ્વતંત્રતાની લડતમાં જોડાયેલા હતાં અને એ દૃષ્ટિએ તેમનો ગાંધીજી અને અન્ય નેતાઓની વિચારછાયામાં ઉછેર થયો હતો.

કમળાબહેન વર્ષ 1947થી 50 દરમિયાન ભારત-પાકિસ્તાન વિભાજન વખતે ભોગ બનેલી સ્ત્રીઓની પુન:પ્રાપ્તિના કાર્યમાં મૃદુલાબહેન સારાભાઇ સાથે જોડાયેલાં હતાં. આ સાથે તેમણે વર્ષ 1950થી 1968 સુધી ખાદી ગ્રામઉદ્યોગ કમિશનમાં સેવા આપી હતી.

વિભાજનમાં નારીની પરિસ્થિતિ અને કમળાબહેન પટેલની કામગીરી :

1947માં ભારત દેશ અંગ્રેજીરાજમાંથી આઝાદ થયો પણ એ સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ થયા અને આ દરમિયાન પંજાબ, કાશ્મીર, બંગાળ અને એ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ તણાવભરી પરિસ્થિતિમાં અનેક મહિલાઓના બળાત્કાર થયા અને કેટલી ય મહિલાઓને ઉપાડી જવાઈ, આ અપહ્યતાઓને પાછી લાવવાનું અને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું કામ કમળાબહેન પટેલના ભાગે આવ્યું. સાથે જ તેમણે નિરાશ્રિતો માટે રાહતછાવણીઓ પણ ઊભી કરી. બોર્ડર એન્ડ બાઉન્ડ્રીઝ Women in India’s partition પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે હિંદુ અને શીખ પુરુષોએ 50,000 મુસ્લિમ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં. બીજી બાજુ 33,000 હિંદુ અને શીખ સ્ત્રીઓનાં અપહરણ કરાયાં હતાં. એ જ રીતે ઉર્વશી બુટાલિયા તેમના પુસ્તક ‘ધ અધર સાઇડ ઓફ સાયન્સ’માં લખે છે સરહદની બંને બાજુએથી 75 હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં. પુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાંથી જે આંકડા મળે છે એ તો અંદાજિત આંકડો છે હકીકતમાં તો આ સંખ્યા વધારે મોટી હતી.

ઉર્વશી બુટાલિયા તેમના અભ્યાસલેખ ‘કૉમ્યુનિટી, સ્ટેટ ઍન્ડ જેન્ડર : સમ રિફ્લેક્શન ઓન ધ પાર્ટિશન ઑફ ઇન્ડિયા’માં એક પત્રિકાને ટાંકે છે, જે પત્રિકા ‘વુમન અગેન્સ્ટ ફન્ડામેન્ટલિઝ્મ’ નામના ઍક્ટિવિસ્ટ જૂથ દ્વારા પ્રકાશિત કરાઈ હતી. તેમાં કેટલીક પંક્તિઓ લખેલી છે, જે આ પ્રમાણે છે :

I am a women  

I want to raise my voice

because communalism affects me

in every communal riot

my sisters are raped.

My children are killed …

my world is destroyed

and then

I am left to pick up the pieces…

it matters little if I am a Muslim, Hindu, or Sikh

and yet I cannot help my sister. 

Violence is almost always initiated by men, but its greatest impact is felt by women. In violent conflict, it is women who are raped, women who are widowed … in the name of national integrity and unity.”

અમાનુષી યાતનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓને બચાવવા માટે જે બહેનોએ સેવા આપી હતી તેમાં કમળાબહેનની સાથે મૃદુલાબહેન સારાભાઈ, સુચેતા કૃપાલાણી, રામેશ્વરી નહેરુ, બેગમ અનિસ કિદવઈ સિવાય બીજાં ઘણાં લોકો પણ હતાં. શરીફા વીજળીવાળા આ સંદર્ભે એક લેખમાં નોંધે છે કે, ”આ પુસ્તકનાં લેખિકા કમળાબહેન પટેલના ભાગે સામા પૂરે તરવાનું આવ્યું. 35 વર્ષની ઉંમરે, નાજુક તબિયતે એમને ભડકે બળતા લાહોરમાં કામ કરવાનું થયું.”

આશરે બે વર્ષ અને બે-ત્રણ મહિનાના સમયમાં કમળાબહેને અપહ્યતા સ્ત્રીઓને પ્રાપ્ત કરીને તેમના પરિવારો પાસે મોકલવાની કામગીરી કરી હતી. વધુ સારી રીતે સમજવા કમળાહેનની કામગીરીનું વર્ણન તેમના જ શબ્દોમાં જોઈએ.

“1. લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં છાવણી ખોલવા માટેની જે જગ્યા પાકિસ્તાન સરકાર તરફથી મળી હતી ત્યાં પુનઃપ્રાપ્ત થયેલી બહેનોને ટૂંક સમયમાં રહેવાની આવશ્યક સગવડો ઊભી કરવાની હતી, આ સાથે જ ભારતમાંથી આવતી કાર્યકર્તા બહેનોને રહેવા માટેની સગવડ કરવાની હતી.

2. ભારતમાંથી કાર્યકર્તા બહેનો આવે એમને પાકિસ્તાનના કયા જિલ્લામાં મોકલવી તેનો નિર્ણય કરી કાર્યકર્તા બહેનોને સાથે લઈ જે-તે જિલ્લામાં જવું અને જિલ્લાના કલેક્ટરને મળીને જિલ્લા છાવણી ટ્રાન્ઝિટ માટે સ્થાન મેળવવું. કાર્યકર્તા બહેનોને ત્યાં ગોઠવી રાશન ઇત્યાદિની ગોઠવણ કરવી, લાગતાં વળગતા અધિકારીઓની ઓળખાણ કરાવવી, કાર્યકર્તા બહેનોને તેમના કામની વિગત સમજાવવી અને કામ કરતાં જે મુશ્કેલીઓ ઊભી થાય તેનો શક્ય ઉકેલ શોધી આપવો.

3. ભારત અને પાકિસ્તાન સરકારો વચ્ચે થયેલા કરાર મુજબ પાકિસ્તાનમાંથી પુનઃપ્રાપ્ત થયેલી હિંદુ સ્ત્રીઓને ભારતીય પ્રદેશના પંજાબના જલંધર ખાતે શરૂ કરવામાં આવેલ ગાંધી વનિતા આશ્રમમાં મોકલવાની ગોઠવણ કરવી. ગાંધી વનિતા આશ્રમ પુનઃપ્રાપ્ત થયેલી બહેનો માટે શરૂ કરાયો હતો.

4. ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ અંગે થયેલા કરારોનો પાકિસ્તાન સત્તાવાળાઓ અમલ કરે તે માટે પાકિસ્તાનના લાગતા-વળગતા ખાતાના અધિકારીઓના સંપર્કમાં રહેવું અને કામની સરળતા અર્થે તેમની સાથે જરૂરી વાતચીત અને મંત્રણા કરવી.

5. લાહોર ખાતેના ભારતના ડેપ્યુટી હાઈકમિશનની કચેરીના અધિકારીઓ પાસે સલાહ-સૂચન મેળવવા.”

આ કામગીરીના અંત સુધીમાં કમળાબહેન પટેલ જાતે જ નોંધે છે એ પ્રમાણે પાકિસ્તાનમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં હિંદુ અને શીખ મહિલાઓ અને બાળકોની સંખ્યા નવ હજાર હતી, જ્યારે ભારતમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલાં મુસ્લિમ મહિલાઓ અને બાળકોની સંખ્યા 20,728 હતી.

મહિલાઓનાં સ્તન અને જનનાંગો કાપી નાંખવાનાં, જનનાંગો પર ધાર્મિંક ચિહ્વોનાં છૂંદણાં કરવાના કિસ્સા કમળાબહેન પટેલ, બેગમ અનિસ કિદવઈ, અને ઉર્વશી બુટાલિયાએ નોંધ્યાં છે.

એ વખતે બ્રિટિશ મહિલાઓ પર પણ ઓછું જોખમ નહોતું, ઘણી જગ્યાએ એવા કિસ્સા મળે છે કે એ સમયે બ્રિટિશ મહિલાઓને બચાવવા માટે પોટેશિયમ પરમેન્ગેનેટથી આખી નવડાવવામાં આવતી, જેથી તેમનો વાન ગોરો ન દેખાય અને એ મહિલાઓને લાજ પણ કઢાવવામાં આવતી, જેથી કોઈ ઓળખી ન શકે. કેટલીક યુવતીઓનાં અપહરણ પણ કરવામાં આવ્યાં હતાં. સ્ત્રીઓ પર માત્ર રમખાણો કરનારા જ અત્યાચાર કરતા હતા, એવું નથી. મહિલાઓ પોલીસ અને સૈનિકોના અત્યાચારોનો ભોગ બની હતી, રાહત કૅમ્પોમાં પણ તેમની સાથે દુર્વ્યવહાર થતા હતા. આના કિસ્સા કમળાબહેનના આ પુસ્તકમાં જ આપણને મળી રહે છે. ભાગલા વખતે અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીઓની પીડાને જો વર્ણવવા બેસીએ તો કદાચ કરુણ મહાકાવ્ય રચાય અને એ સ્વરૂપ પણ ઊણું ઊતરે.

મૂળ સોતાં ઊખડેલાંમાં અપહ્યતાની પીડા

દરેક અપહ્યતાની પોતાની કહાણી છે અને એની પીડા સમજવા માટે એ કહાણીમાંથી પસાર થવું જ રહ્યું. પાકિસ્તાનના સ્કોલર ફારુખ ખાને અલ્લાહ રાખી નામનાં મહિલાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેઓ પાકિસ્તાનના ઉરાહમાં રહેતાં હતાં. તેઓ પોતાની વ્યથાની કથા વર્ણવતાં કહે છે કે કે, “મારો પતિ અને જેઠ પહેલાં જ પાકિસ્તાન જવા નીકળી ગયા હતા. અમારી પર હુમલો થયો ત્યારે અમને બચાવવા અમારા ઘરમાં કોઈ પુરુષ નહોતા. અમારું અપહરણ કરાયું. અમને સ્કૂલ જેવી જગ્યાએ બેથી ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવ્યાં હતાં. અમારી છેડતી થતી, અમારી સાથે બહુ જ ખરાબ વ્યવહાર થતો એ પછી મને એક ઘરમાં લઈ જવામાં આવી અને ત્યાં રહેવાની મને ફરજ પાડવામાં આવી, મારી સાથે બહુ ખરાબ વર્તન થતું હતું. હું 6 વર્ષ આવી રીતે રહી. આ વચ્ચે મને બે બાળકો પણ થયાં. મારા પરિવારનું શું થયું હશે તેની મને ખબર પણ નહોતી. અમારા ગામમાં સેના આવતી અને અપહ્યતા મહિલાઓ વિશે પૂછતી, પણ ગામના લોકો ખોટું બોલતા અને કહેતા કે અહીં એવી કોઈ મહિલા નથી.” એક દિવસે આ અપહ્યતાને પણ મદદ મળી. તેઓ આગળ વાત કરે છે, “હું તેમની ગાડીમાં 10 મહિનાના દીકરા સાથે બેસી ગઈ. હું મારા બીજા દીકરાને લેવા ગઈ હોત તો કદાચ પાછી આવી શકી ન હોત. મારો દીકરો 2 વર્ષનો હતો. મારે એને છોડીને આવવું પડ્યું. એ બધું હું હજું પણ ભૂલી શકતી નથી. પાછળ છોડી દીધેલો મારો દીકરો મને બહુ યાદ આવે છે.”

આવી જ અનેક અસહાય અપહ્યતાને પાછી લાવી, તેમને પરિવાર સાથે મળાવાનું કામ કમળાબહેન, મૃદુલાબહેન, બેગમ કિદવઈ જેવી મહિલાઓએ કર્યું.

બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની વાત

મૃદુલાબહેન સારાભાઈ

કેટલીક મહિલાઓ એવી હતી કે જેમના અપહરણ થયા હોય અને જ્યારે તેમને પુનઃપ્રાપ્ત કરવાની તજવીજ હાથ ધરાય, ત્યારે તે મહિલા પોતે જ આવવાની ના પાડે અને અપહરણકર્તા સાથે રહેવાનું પસંદ કરે. આવા કેટલાક કિસ્સા કમળાબહેન પટેલે નોંધ્યા જ છે, પણ અન્ય ભાષાના લેખકોનાં લખાણમાં પણ આવા કિસ્સાનો ઉલ્લેખ મળે છે. આવો જ એક કિસ્સો મૃદુલાબહેન સારાભાઈની જીવનકથામાં લખેલો છે. મૃદુલાબહેન સારાભાઈ જ્યારે કુર્જમાં સ્થિત કેમ્પમાં પહોંચ્યા ત્યારે કેટલીક મહિલાઓ ભારત પરત જવા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતી હતી, જ્યારે કેટલીક મહિલાઓમાં ભારત પરત જવા અંગે ખચકાટ જોવા મળતો હતો. એ વખતે તેઓ સમજી નહોતાં શકતાં કે આ મહિલાઓ ભારત જવા તૈયાર કેમ નહોતી. તેઓ પોતે જ જવા નહોતી માગતી કે તેમની પર કોઈ દબાણ હતું, એ વિશે પણ શરૂઆતમાં મૃદુલાબહેન સ્પષ્ટ નહોતાં. એક મહિલાએ આવીને રડતાં-રડતાં મૃદુલાબહેનને કહ્યું હતું કે, ‘અમને ખબર છે કે અમારા પરિવારજનો માર્યા ગયા છે. અમારી સામે જ તેમની હત્યા થઈ હતી. અમારો ધર્મ ત્રણ વર્ષ પહેલાં જ બદલી કાઢવામાં આવ્યો હતો અને તમે અમને હવે પરત જવા કહો છો.’ મૃદુલાબહેન લખે છે કે, ‘મને એવું લાગ્યું કે મારી ઉપર ખટલો ચાલી રહ્યો છે. તેમના પ્રશ્નોના જવાબ આપવાની મારી ક્ષમતા, તેમને સમજાવાની મારી ક્ષમતા પર જાણે પ્રશ્નો ઊભા કરી દેવાયા હોય એવું મને લાગ્યું … એવામાં જ એક યુવતી ઊભી થઈ અને એણે દલીલ કરવી શરૂ કરી. તેણે કહ્યું, ‘તમે માનો છો કે અપહરણ એ અયોગ્ય છે અને એટલે અમને બચાવવા આવ્યાં છો, પણ હવે મોડું થઈ ગયું છે. એક વ્યકિત એક જ વખત લગ્ન કરે છે, પછી એ લગ્ન એના મનથી થયાં હોય કે જોરજબરદસ્તીથી. અમારાં લગ્ન થઈ ગયાં છે તો હવે તમે શું કરશો, અમને ફરીથી પરણાવશો? શું તે અયોગ્ય નહિ હોય. અમારા અપહરણ થયા ત્યારે અમારા પરિવારજનો ક્યા હતા, હવે તેઓ કહે છે કે તેઓ અમારી ઉતાવળે રાહ જોવે છે. માફ કરજો, પણ તમે આપણા સમાજને નથી સમજતા, અમારા માટે જીવન નર્ક બની જશે.’

મૃદુલાબહેન સારાભાઈ જવાહરલાલ નેહરુ જોડે

મૃદુલા સારાભાઈ સાથેના આ યુવતીઓના સંવાદ દર્શાવે છે કે, તેમના પાછા ન જવા પાછળનું મુખ્ય કારણ સામાજિક હતું. તેઓ પાછા જવા નહોતાં માગતાં કેમ કે તેમને ડર હતો કે તેમનો પરિવાર તેમને નહિ સ્વીકારે. કેટલીક મહિલાઓ એવી હતી કે જેઓ ભાગલા વખતે કુવારી હતી, હવે તેમના અપહરણ બાદ તેમને બાળકો હતાં અને તેઓ તેને પાછળ છોડવા તૈયાર નહોતી અને જો સાથે રાખે તો પોતાના પરિવારને શું કહે તેની પણ શરમ અનુભવતી હતી.

વૉરબેબીની વાત

વિભાજન વખતે મહિલાઓ પર થયેલા અત્યાચારોના પરિણામે અનેક ‘વૉર બેબીઝ’ જન્મ્યા હતાં. વૉર બેબીઝ એટલે કે યુદ્ધનું સંતાન, આ પરિભાષા ઘણી જૂની છે. માનવસભ્યતાના ઇતિહાસમાં યુદ્ધની પરિભાષા જેટલી જૂની-પુરાણી છે, એટલી જ જૂની પરિભાષા વૉર બેબીની છે. યુદ્ધમાં જીત બાદ જીતેલો પક્ષ હારેલા પક્ષની સ્ત્રીઓ પર શારીરિક અત્યાચારો કરે અને અત્યાચાર કરનારા પુરુષો ત્યાંથી ચાલ્યા જાય. આ અત્યાચારોના કારણે કેટલી ય સ્ત્રીઓને ગર્ભ રહી જતો અને બાળકોનાં જન્મ થતાં હતાં. આ બાળકો એટલે વૉર બેબીઝ.

કમળાબહેન પટેલ આ સંજ્ઞાની વિભાવના આપતા લખે છે કે, “દેશ-દેશ વચ્ચેની લડાઈઓ દરમિયાન હજારોની સંખ્યામાં લગ્નનાં બંધન વિનાના બાળકો પેદા થાય છે. આ બાળકોને સૌ યુદ્ધની પેદાશ (વોર બેબી) તરીકે જાણે છે અને તેમના ઉછેર માટે જે-તે દેશની સરકારો જવાબદાર હોય છે. મોટાભાગે આવાં બાળકો તેમની માતા પાસે હોય છે. તેમના જન્મ માટે જવાબદાર હોય તેવા તેમના પિતા વિશે સામાન્ય રીતે કોઈને ખબર હોતી નથી.”

કમળાબહેનની રાહતછાવણીઓમાં પણ કેટલીક મહિલાઓ આવાં વૉર બૅબી સાથે આવી હતી. પ્રશ્ન એવો પણ ઊભો થતો કે પુનઃપ્રાપ્તિ બાદ આવાં વોર બેબીનું શું કરવું. કમળાબહેન પટેલનાં લખાણમાં પણ આ અંગેની કબૂલાત મળે છે, તેઓ લખે છે “અપહ્રત બનેલી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે ગોઠવણીનો અમલ 1947નાં નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયો. શરૂઆતમાં આ કાર્યની ગતિ ગોકળગાય જેવી ધીમી હતી. આ સમય દરમિયાન જન્મેલા કે જન્મનાર બાળકનું શું કરવું તે સવાલ સૌને મૂંઝવતો હતો. આ મૂંઝવણના ઉકેલ રૂપે એવું નક્કી કરાયું હતું કે, અપહ્યતા માતાઓની પુનઃપ્રાપ્તિનાં પ્રસંગે સ્ત્રીઓએ તેમનાં બાળકોને તેમના જનક પિતાની પાસે મૂકીને બાળકને પોતાની સાથે લાવે કે પાછળ મૂકી આવે તેનું પાકિસ્તાનના સત્તાવાળાઓને મન કંઈ મહત્ત્વ ન હતું. જો કે ભારત માટે આ જટિલ પ્રશ્ન હતો. મુસ્લિમ પિતાથી હિન્દુ સ્ત્રીને થયેલા બાળકનો સ્વીકાર કુંટુંબમાં થાય તે લગભગ અશક્ય હતું. સ્ત્રીઓનાં સંબંધીઓ બાળકોની સાથે સ્ત્રીઓનો સ્વીકાર ન કરે તો આવી મોટી સંખ્યાની સ્ત્રીઓનો પુનર્વસવાટ કેમ કરવો એ એક મોટો પ્રશ્ન ભારતની સરકાર પાસે ઊભો થયો.”

કમળાબહેન નોંધે છે એ પ્રમાણે આ મામલે થયેલી એક બેઠકમાં અધિકારીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આવા બાળકોને યુદ્ધની પેદાશ ગણીને તેમના પ્રશ્નોનો ઉકેલ કરવો. જોકે કમળાબહેન પટેલ આવી વાત સ્વીકારવાનાં નહોતાં. તેઓ લખે છે કે,” ચર્ચા દરમિયાન જરા ઊંચા સાદે મેં કહ્યું કે વોરબેબીનાં જન્મ માટે જવાબદાર તેમના પિતાઓ તેમના વતન ઊપડી જતા હોય છે અને બાળકો તેમની જનેતાની પાસે જ ઊછરતા હોય છે. આવાં બાળકોને તેમની માતાઓ પાસેથી કોઈ જૂટવી જતું નથી.”

આમ છતાં આ મુદ્દો આવી એકાદ દલીલ કે એકાદ બેઠકથી ઉકેલાય એવો નહોતો અને અહીં વ્યવહારુ નિર્ણયની સામે લાગણની વાત હતી. બે-ત્રણ બેઠકો સુધી આ અંગે ચર્ચા ચાલી હતી. છેવટે એવું નક્કી થયું કે બાળકોને સાથે લાવવા કે પાછા પાકિસ્તાનમાં મૂકીને આવવું તે માતાની મરજી ઉપર છોડવું જોઇએ. પુનઃપ્રાપ્તિ બાદ લવાયેલી સ્ત્રીઓ પૈકી અનેક એવી હતી કે જે નવજન્મેલાં બાળકો લઈને આવી હોય. આવાં બાળકોના ઉછેર માટે યોગ્ય બંદોબસ્ત કરવાની ગોઠવણ કરવામાં આવતી સાથે જ છાવણીમાં કમળાબહેન અને અન્ય કાર્યકર્તા બહેનો આવી સ્ત્રીઓને સમજાવવા પ્રયત્ન કરતાં કે તેઓ બાળકને તેના પિતા પાસે જ છોડી દે એ હિતાવહ છે. આમ છતાં અનેક માતાઓના મનમાં આ વાત ન ગોઠવાતી અને તેમને બાળકની સાથે જ ભારત મોકલવામાં આવતી.

કમળાબહેન નોંધે છે કે, કેટકેટલી ય કુંવારી બહેનો આવા દમનનો ભોગ બની હતી અને કુંવારી હોવા છતાં માતા બની હતી, આવી સ્ત્રીઓ પણ પોતાનાં બાળકોને પાછળ છોડવા તૈયાર ન હતી. આવી કુંવારી માતાઓ માટે સ્થિતિ વધારે કપરી બની જતી હતી. કમળાબહેન લખે છે કે,” ભારતમાં જલંધરની છાવણીમાં પહોંચતાં જ કોઈને કોઈ મળી આવતું ત્યારે પોતે કુંવારી છે અને આમ છતાં સાથે બાળક છે, એથી એના મનમાં ઝાંખપ લાગવા માંડે. કુંવારી માતાને તેમનો પોતાનો બાપ કે ભાઈ મળવા આવે ત્યારે તેની સામે બાળક લઈને જવાની હિંમત ન કરે. એટલું જ નહિ પણ છાવણીના કાર્યકર્તાને પોતાને બાળક છે, તેવી વાત ન કરવાની વિનંતી કરે. બિચારી કુંવારી માનું મન તેના પહેલા બાળકને અલગ કરવા માને નહીં અને પોતાને બાળક છે તેવું સંબંધીઓને કહી પણ ન શકે. રડીરડીને આંખો સુજાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરા ય અડગું ન કરે. પોતાના બાળકની બરાબર સંભાળ રાખવાની તે કાર્યકર્તાઓને કાકલૂદી કરે અને બાળક તેને ફરી જોવા મળશે કે કેમ, બાળકને ક્યાં રાખવામાં આવશે, કોણ ઉછેરશે, તેના ભણતરની વ્યવસ્થા થશે? તે મોટું થશે ત્યારે તેને તેના મા-બાપની માહિતી આપવામાં આવશે કે કેમ એવા માતાઓના અનેક પ્રશ્નોનાં ઉત્તર અમારી પાસે ન હતા.

જે માતા પોતાનાં બાળકોને પાછળ છાવણીમાં છોડીને જતી તે બાળકોની જિંદગી કેવી થતી હશે? એવાં બાળકો માટે શી વ્યવસ્થા કરાતી હતી એનો જવાબ પણ કમળાબહેન આપે છે. આવાં બાળકો માટે અમૃતસરમાં વ્યવસ્થા કરાઈ હતી. આ બાળકોને અમૃતસરમાં રાખવામાં આવતાં હતાં. જ્યાં તેમનું ધ્યાન રાખવા માટે ગૃહમાતા અને બે-ત્રણ બાળકદીઠ એક આયાની જોગવાઈ કરાઈ હતી. સાથે જ માતાપિતા વિનાના આ બાળકો માટે પારણાં, કપડાં, દૂધ અને બેબીફૂડની પણ વ્યવસ્થા કરાતી હતી. બાળકોની તમામ વ્યવસ્થા માટે મૃદુલાબહેન સારાભાઈ જાતે કાળજી રાખતાં હતાં. કમળાબહેન લખે છે કે મૃદુલાબહેન જ્યારે-જ્યારે અમૃતસર આવતાં ત્યારે-ત્યારે બાળગૃહની મુલાકાત લેતાં અને જો કોઈ ખામી તેમના ધ્યાને આવે તો તાત્કાલિક તેને દૂર કરાવતા. કમળાબહેન નોંધે છે કે, “આ પ્રકારની બધી સગવડ હતી તેમ છતાં તંદુરસ્ત બાળકો ધીમે ધીમે મૂરઝાવા લાગતાં હતાં, ટોનિક અને દવાઓ અને વિશેષ પ્રકારના ખોરાકની ગોઠવણ કરવા છતાં ગયેલી તંદુરસ્તી પાછી આવતી નહોતી. ત્યારે માની વ્હાલભરી હૂંફ બાળકની તંદૂરસ્તીમાં કેવો ભાગ ભજવે છે તે મને સમજાયું.”

આટઆટલી સગવડો છતાં જો આ વૉરબેબીઝની સ્થિતિની કલ્પના કરીએ તો સમજાય કે એ વર્ષો બાદનું પણ જીવન કેવું મુશ્કેલીભર્યું રહ્યું હશે. માતાપિતા જીવતાં હોવા છતાં અનાથ તરીકે રહેવું, એ બાળકોનાં મનમાં સ્વઓળખના પ્રશ્નો કેવા ઊભા થયા હશે, શું કદી આપણે એ દૃષ્ટિએ વિભાજનના ઇતિહાસને મૂલવ્યો છે ખરો? આ સાથે જ કેટલું પીડાભર્યુ રહ્યું હશે બાળક છોડીને આવેલી માતાનું જીવન, એનો તો અંદાજ પણ લગાવી શકાતો નથી.

આવી જ એક અત્યંત પીડાદાયક ઘટના વિશે મારે વાત કરવી છે. ભાગલા વખતે ફાટી નીકળેલાં રમખાણો વચ્ચે કેટકેટલી ય મહિલાઓએ અત્યાચારથી બચવા, પુરુષોની ક્રૂરતાથી બચવા માટે આત્મહત્યા કરવી પડી હોય એવા કિસ્સા પણ સાહિત્યમાં અને ઇતિહાસનાં પૃષ્ઠોમાં લખાયેલાં છે. ગામમાં બચી ગયેલી બધી સ્ત્રીઓ એકસાથે ગામના કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દે, એટલે કઈ હદની પરિસ્થિતિ હશે. આવો કિસ્સો ભીષ્મ સાહનીની ‘તમસ’માં પણ છે. કમળાબહેને પણ આવો કિસ્સો લખ્યો છે, તેઓ એ અરસામાં ઘણી બધી છાવણીઓમાં ગોઠવણ કરવા જતાં હતાં. જેમાં પંજાબને અડીને આવેલા મિયાવલી જિલ્લાનો આ કિસ્સો છે. કમળાબહેન નોંધે છે કે, “છાવણી માટે ગોઠવણ કરવા હું ગઈ ત્યારે મને એક કૂવો દેખાડવામાં આવ્યો હતો, જે શિયળની રક્ષા કરવા તેમાં કૂદી પડેલી સ્ત્રીઓના શબથી ભરાઈ ગયો હતો. આ કૂવામાંથી આવતી દુર્ગંધના કારણે આજુબાજુના લોકો પોતાનાં ઘરબાર છોડી ચાલ્યાં ગયાં હતાં. આ કૂવાનાં પાણીનો ઉપયોગ ઘણાં લાંબા સમય સુધી કરવામાં આવતો ન હતો.”

કમળાબહેનને એક મુસ્લિમ અધિકારી આ કૂવાવાળી જગ્યાએ લઈ જાય છે. કમળાબહેન લખે છે કે, “અધિકારીએ ગાડી ઊભી રખાવી એક કૂવો દેખાડી કહ્યું, “આ લત્તાની સંખ્યાબંધ હિંદુ સ્ત્રીઓ પોતાના શિયળની રક્ષા કરવા આ ‘ગોઝારા કૂવા’માં કૂદી પડી હતી. આખો કૂવો આવી સ્ત્રીઓની લાશોથી ભરાઈ ગયો હતો. મુંબઈ જેવા દૂરના સ્થાનેથી અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી મેળવવાના કામ માટે તમે ઠેઠ અહીં સુધી આવીને કેટકેટલાં જોખમો વહોરો છો, જ્યારે અમે પોતે જ અમારી બહેન-દીકરીનું રક્ષણ કરી શક્યાં નથી. કદાપિ સાફ ન થઈ શકે તેવી મેશ અમે અમારા મોં પર ચોપડી છે. ઇતિહાસમાં અમે કેવા ભૂંડા દેખાઈશું? વાત કરતા અધિકારીના અવાજમાં ભારે દુઃખ વર્તાતુ હતું અને આંખો ભીની થતી હતી. પોલીસના ગણવેશ નીચે દબાયેલા એક સંવેદનશીલ હૃદયની મને ઝાંખી થઈ.”

કમળાબહેનને લાગ્યું કે આ અધિકારી ઉત્તર પ્રદેશ કે બિહારથી આવેલા નિર્વાસિત હશે, એટલે તેમને હિંદુઓ પ્રત્યે આટલી સહાનુભૂતિ હશે. વાતચીતમાં સમજાયું કે તેઓ પંજાબના જ હતા. વિભાજનથી અંગત રીતે તેમને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ જે ગામમાં તેઓ ઊછર્યા હતા તે ગામના મોટાભાગના હિંદુ સમવયસ્કો તેમના બાળપણના મિત્રો હતા. જેમાંના ઘણાંને તેમણે સરહદપારની હિંદુ છાવણીઓમાં જીવના જોખમે પહોંચાડેલા. આ અધિકારીએ તેમના હિંદુ મિત્રોની કિંમતી સામગ્રી પાછી આપવા સાચવી રાખી હતી. તેમણે કહ્યું: “લગભગ બધા જ મિત્રો ચાલી ગયા પછી મારા પોતાના જ લોકોની સાથે રહેવા છતાં મને એકલવાયું લાગે છે.”

કુરુક્ષેત્રની કૉલેજના ઍસોસિયટ પ્રોફેસર ડૉ. કુસુમલતા મિયાવલી જેવો જ કિસ્સો લખે છે, રાવલપિંડીના થોહા ખાલસામાં 90 મહિલાઓએ કૂવામાં કૂદીને જીવ આપ્યો હતો અને આ સમાચાર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આની પાછળ પણ ડૉ. કુસુમલતાના મતે પિતૃસત્તાક સમાજનાં મૂલ્યો જવાબદાર હતાં. ભાગલા વખતે મહિલાઓ રમખાણોનો ભોગ બની. જે રમખાણોમાં પુરુષો માત્ર માલમિલકત અને જીવ ગુમાવતા હતા. એ રમખાણોમાં મહિલાઓ જીવ, માલમિલકતની સાથે-સાથે સમાજની નજરમાં ગરિમા અને ઇજ્જત પણ ગુમાવતી હતી. મહિલાઓ પર એ રીતે અત્યાચારો થયા, જાણે એ સામેના ધર્મની વ્યક્તિની જાગીર હોય, તેને લૂંટી રહ્યા હોય અથવા તો તે બદલો લેવાનું સાધન હોય. ડૉ. કુસુમલતા સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે “એ વખતે મહિલાઓ તેમના સમુદાયમાં સંસ્કૃતિની આડમાં બંધાયેલી હતી અને એ મૂલ્યો પિતૃસત્તાક વ્યવસ્થાનાં હતાં.”

કેટલીક મહિલાઓએ આ પિતૃસત્તાક મૂલ્યોનાં કારણે પોતાનો જીવ આપ્યો, તો કેટલીક મહિલાઓને પુરુષોએ પોતાનો જીવ આપી દેવા ફરજ પાડી હતી. થોહાની ઘટનાનાં પ્રત્યક્ષદર્શી સરદાર પ્રીતપાલસિંહે વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મહિલાઓ પોતાનાં બાળકોને હાથમાં લઈને કૂવામાં કૂદી રહી હતી, તેમની ચીસો અમને સંભળાતી હતી. અડધા કલાકમાં કૂવો મૃતદેહોથી ભરાઈ ગયો. મને હજુ પણ યાદ છે કે ભનસાસિંહે રડતાં-રડતાં પોતાની પત્નીને મારી નાખી હતી. થોડા જ કલાકની અંદર 25 મહિલાઓને મરતી મેં મારી નજરે જોઈ.”

કમળાબહેનની અનુભવકથા કેટલી બધી જગ્યાએ કંપાવી દે છે, આંખો ભીની કરી દે છે, ક્યાંક-ક્યાંક હેબતાવી દે છે. માણસે આચરેલી પાશવી લીલાઓ સ્તબ્ધ કરી દે છે તો સ્ત્રીઓએ ભોગવેલી યાતનાઓ વ્યથિત કરી દે છે. માણસ આવું કઈ રીતે કરી શકે? એવો પ્રશ્ન વારંવાર થાય. છેલ્લે મારે એ જ કહેવું છે કે આવી અનુભવકથા, આવા સેમિનાર, આવા પ્રશ્નો પરની ચર્ચા જરૂરી છે, કેમ કે સમાજમાં જ્યારે-જ્યારે ઊચાટનું વાતાવરણ ઊભું થાય, રમખાણો થાય, યુદ્ધોસમી પરિસ્થિતિ સર્જાય ત્યારે-ત્યારે સૌથી પહેલા સ્ત્રીઓને ભોગવવાનું આવે છે. આપણે નારીની વેદના કે સંવેદનાની પરવા કરી જ નથી, નારીઓએ પોતે પણ કરી નથી. આપણે સૌએ મિયાવલીના પેલા મુસ્લિમ અધિકારી જેટલી સંવેદના કેળવવાની જરૂર છે, કે જેનું કાળજું હિંદુ સ્ત્રીઓનાં મોત જોઈને પણ કંપી ઊઠ્યું હતું. એમના અંતરમાં છેક સુધી એ સ્ત્રીઓને ન બચાવી શકવાનો વસવસો ક્યાંક પડેલો હતો. આપણે આપણા સંવેદનોને જીવતા રાખીએ, એ વાત આપણે હંમેશાં યાદ રાખવી પડશે.

e.mail : tejal91prajapati@gmail.com
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ હેઠળ, 03 ફેબ્રુઆરી 2024ના રોજ, તેજલબહેન પ્રજાપતિની રજૂઆત] 
સૌજન્ય : http://glauk.org/programmes/kalabahen-patel-mool-sota-ukhdela-feb-24/

Loading

ચહેરા વિનાનો

સુરેશ જાની|Opinion - Opinion|10 April 2024

કાલે એક ફેશનેબલ સ્ટોરમાં આ બે જણ મળ્યા! આવા તો એ સ્ટોરમાં આવા ઘણા ઠેકઠેકાણે ઊભેલા હતા. કપડાંને નિખાર આપવાનું એમને સોંપાયેલું કામ એ બધા દિવસ રાત બહુ નિષ્ઠાથી નિભાવે છે! –  ‘mannequin’

લેક્સિકોન પર એનો અનુવાદ – ‘કપડાં પહેરીને તેનું પ્રદર્શન કરવા રાખેલો માણસ, દુકાનમાં રખાતું કપડાં પહેરાવેલું બાવલું.’

આ બે બાવલાં ઘરમાં વપરાતા હેન્ગરના મોંઘાદાટ અવતાર. એમનું કામ માત્ર કપડાં લટકાવવાનું નહીં, પણ કપડાંના છેવટના વપરાશકારને પ્રદર્શિત કરવાનું – એક વ્યાપારી આયોજન આમ તો છે. પણ અજાણતાં જ છેવટના એ વપરાશકારની એક આબેહૂબ પ્રતિકૃતિ કેમ લાગી?

એમની પાછળની દિવાલ પર જેમના માટે એ આ કામ કરે છે – એમની એક તસવીર પણ લટકી રહી છે. પણ એ તો બે જ પરિમાણ વાળી – ખાલી તસ્વીર જ. એને કોઈ ત્રિમરિમાણીય અસ્તિત્વ જ નથી! ચહેરા વિનાના એ બે જણને જોઈ, એ ખોફનાક ખવીસ યાદ આવી ગયો. એ જણની  એક જૂની કલ્પના મોજૂદ છે –

અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે. પણ સઘળું નકર્યા અંધકારમાં. માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તૂટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર? આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકિયું પણ કરી શકતા નથી. આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના? લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં. એ છે – આપણું શરીર!

પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. (અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે!) અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા. જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

અને આ અવલોકનકારનું માનસ ખળભળી ઊઠ્યું. આ જ આપણી મૂળ જાત, માણસ. એ મરી ગયો છે. ખાલી બાવલાં જ રહી ગયાં.

The Sapien is DEAD!

હજારો વર્ષની યાત્રા અને ‘કહેવાતા વિકાસ’ પછી એ મરી ગયો છે. હવે એનું કશું ખાસ  અસ્તિત્વ નથી જ. એ આ બાવલાંની જેમ નિર્જીવ નથી; પણ ખાસ ફરક પણ નથી જ! એ યંત્રવત હાલે છે, ચાલે છે, કહેવાતું જીવન જીવે છે. પણ એનો મ્હાંયલો મરી પરવાર્યો છે. ઓલ્યા બાવલાંના પહેરણ પહેરી એ પોતાની જાતનું પ્રદશન કરતો રહે છે – નગ્નતાને ઢાંકવાનો અસફળ પ્રયત્ન સતત કરતો રહે છે. પણ માનવતાના પાયાનાં પૂર્જાઓને ઊકાળી, પીગાળી, બીબામાં ઢાળી નાંખેલું એક બાવલું જ એ બની ગયો છે. સાવ લાગણીશૂન્ય, કેવળ સ્વલક્ષી અને માત્ર પોતાની જ દુનિયામાં જીવતો આજનો માણસ.

હર ક્ષણે સતત મરતો રહેતો ‘Sapien’

એને હજુ ઘણી વધારે પ્રગતિ, વિકાસ કરવો છે. મહામાનવ બનવાના એના ઓરતા છે – કદાચ વિજ્ઞાનના સહારે અમર બનવાની અભિલાષા એને છે. પણ એની ભવિષ્યનું રૂપ / દેખાવ કદાચ આવાં  હશે –

એ અમર હશે. એ માંદો પડે તો એને હોસ્પિટલમાં દાખલ નહીં કરવો પડે – મરી જશે તો એની સ્મશાનયાત્રા નહીં નીકળે. એને ફેક્ટરીમાં લઈ જશે. મોટર, બેટરી, કોમ્પ્યુટર જેવાં રમકડાં વાપરી એ ફરીથી જીવતો બની જશે. કદાચ નવો સોફ્ટવેર આપી એનો એકદમ આધુનિક નવો અવતાર હાલતો ચાલતો થઈ જશે!

આપણે સૌ ચહેરા વિનાના?

કેમ રડવું આવી ગયું ?

કારણ કે, હજુ એ સેપિયનના થોડાક કોશ જીવે છે? !

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...735736737738...750760770...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved