Opinion Magazine
Number of visits: 9457454
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધ્ય સાથે શાસકોને સંબંધ છે અને સાધન સાથે ન્યાયતંત્રને

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2023

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે સર્વાનુમતે જમ્મુ અને ક્સ્શ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારનાં પગલાંને માન્યતા આપી છે. પાંચ જજોની બેન્ચમાં ત્રણ જજો માટેનો ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે મૂળમાં આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરના વિલિનીકરણ પૂરતો વચગાળાની જરૂરિયાતના ભાગરૂપે ઘડવામાં આવ્યો હતો અને તેનું સ્વરૂપ તાત્કાલિક જરૂરિયાતનું હતું. માટે જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલને આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો બંધારણીય અધિકાર છે.

અહીં એક સાદો સવાલ ઉપસ્થિત થાય છે. આટલાં વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન શું ૨૦૧૯માં પહેલીવાર નહોતું આવ્યું હતું? રાષ્ટ્રપતિ શાસન અનેકવાર લાદવામાં આવ્યું છે. હકીકત તો એ છે કે જમ્મુ અને કાશ્મીરે ચૂંટાયેલી સરકાર ઓછી જોઈ છે, રાષ્ટ્રપતિ શાસન જ વધારે જોયું છે. એવું તે બને કે આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો આવો સાવ સરળ ઉપાય અત્યાર સુધી કોઈ કેન્દ્ર સરકારને, કોઈ કાયદા પ્રધાનને, કોઈ સોલિસિટર જનરલને, કોઈ એટર્ની જનરલને, કોઈ બંધારણવિદ્દને, કોઈ રાજકીય પક્ષને ન સૂઝ્યો? ખૂદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને જન સંઘ તેમ જ ભારતીય જનતા પક્ષે આ સાવ સરળ ઉપાય હાથવગો છે એમ કહ્યું નથી. અટલ બિહારી વાજપેયીની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે તે આ ઉપાય વાપરી શકી હોત. ત્યારે પણ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું. આજથી ઊલટું જે જમાનમાં મેધાવી લોકો દરેક જગ્યાએ બિરાજમાન હતા ત્યારે કોઈને ય વિચાર ન આવ્યો કે આર્ટીકલ ૩૭૦ રદ્દ કરવાનો ઉપાય તો બસ ખિસ્સામાં છે. કહો રાજ્યપાલને અને કરો રદ્દ!

૭૫ વરસથી ભારત સરકાર ઈચ્છે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનાં અન્ય રાજ્યોની માફક ભારતીય સંઘરાજ્યનો સંપૂર્ણ હિસ્સો બની જાય. જો જમ્મુ અને કાશ્મીરના મહારાજ હરિ સિંહે તેમનાં રાજ્યનાં ભારતમાં જોડાણ કરવામાં વિલંબ ન કર્યો હોત તો આર્ટીકલ ૩૭૦ની જરૂર પણ ન પડત. દુર્ભાગ્યે જોડાણ સંપૂર્ણ ન થઈ શક્યું એટલે આર્ટીકલ ૩૭૦નો આશરો લેવો પડ્યો. એ વચગાળાનો ખરો, પણ એમાં એક પક્ષકાર જમ્મુ અને કાશ્મીરની પ્રજા પણ છે. આપણે કોઈ સાથે લેવડદેવદ કરવા માટે જેમ પાકો કરાર કરતાં પહેલાં કાચી સમજૂતીનો મુસદ્દો (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) બનાવીએ છીએ એમ. એ તો દેખીતું છે કે જ્યાં સુધી બીજો પક્ષકાર સંમતિ ન આપે ત્યાં સુધી એમ.ઓ.યુ. એગ્રીમેન્ટમાં ન ફેરવાઈ શકે.

આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો ઉપાય આટલો સરળ હોત તો અત્યાર સુધીના શાસકો શું ગાંડા હતા? અને એમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ થાય છે. કોઈને ન સુઝ્યો એ તોટકો અત્યારની સરકારને સુઝ્યો?

આને કહેવાય શીર્ષાસન. ભારત રાષ્ટ્રનું અને બંધારણ ઘડનારાઓનું અંતિમ લક્ષ આર્ટીકલ ૩૭૦નો એક દિવસ અંત લાવવાનું હતું? જવાબ છે હા. અંતિમ લક્ષ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલિનીકરણનું હતું? જવાબ છે હા. તેમનું અંતિમ લક્ષ જમ્મુ અને કાશ્મીર ભારતનાં બીજાં રાજ્યોની માફક સમાન સ્તરે ભારતીય સંઘનો હિસ્સો બને એ હતું? જવાબ છે હા. તો પછી જમ્મુ અને કાશ્મીર માટે આર્ટીકલ ૩૭૦ વચગાળાનો અને તાત્કાલિક જરૂરિયાતના ભાગરૂપે હતો? જવાબ છે હા. બસ આટલું પૂરતું છે. આર્ટીકલ ૩૭૦ વચગાળાની વ્યવસ્થા હતી અને અંતિમ લક્ષ તેનો અંત લાવવાનો હતો તો પછી એ ગમે તે માર્ગે લાવવામાં આવ્યો હોય એનાથી શું ફરક પડે છે?

આ માર્ગ આગલા શાસકોએ નહોતો અપનાવ્યો કારણ કે તેમને જયપ્રકાશ નારાયણ જેવા અંતરાત્માના રખેવાળોનો ડર લાગતો હતો. તેમને નાગરિક સમાજનો ડર લાગતો હતો. તેમને સ્વતંત્ર મીડિયાનો ડર લાગતો હતો અને સૌથી વધુ તેમને સ્વતંત્ર ન્યાયતંત્રનો ડર લાગતો હતો. આપણું કર્યું ઊંધું વાળે તો? સાદી સમજ કહે છે કે સાધ્ય સાથે શાસકોને સંબંધ છે અને સાધન સાથે ન્યાયતંત્રને. ન્યાયતંત્રનું કામ જ સાધન પર નજર રાખવાનું છે. શાસકો તો ઘણું બધું સાધ્ય કરવા ઈચ્છે છે અને એમાં તેમને શોર્ટકટ પણ જોઈએ છે, પરંતુ ન્યાયતંત્ર તેમને તેમ કરવા દેતું નથી. કોઈ માર્ગ ગેરકાનૂની અને ગેરબંધારણીય ન હોવો જોઈએ એ એક વાત અને કાનૂની તેમ જ બંધારણીય હોય તો પણ કોઈને અન્યાય કરનાર ન હોવો જોઈએ એ બીજી વાત. આ જોવાનું કામ અદાલતનું છે. ટૂંકમાં સાધન પર નજર રાખવાનું કામ ન્યાયતંત્રનું છે, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતનું છે. આગલા શાસકો બેવકૂફ નહોતા કે તેમને આવો નાનકડો તોટકો ન સૂઝે.

તો વાતનો સાર એ છે કે સર્વોચ્ચ અદાલતે સાધ્યનો આશરો લઈને સાધનને ચકાસવાની તેની જે ફરજ છે એ તરફ આંખ આડા કાન કર્યાં છે. આ ફરક છે વીતેલાં વર્ષોનાં સમાજકારણમાં અને આજનાં સમાજકારણમાં. આજે પારકી છઠ્ઠીનાં જાગતલો નથી. આજે નાગરિક સમાજ દુર્બળ છે. આજે મીડિયા ગોદમાં છે અને ન્યાયતંત્રની કરોડરજ્જુ મેરુદંડનું સ્વરૂપ ધરાવતી નથી. અને સર્વોચ્ચ અદાલતે આવું પહેલીવાર નથી કર્યું. અયોધ્યાના મામલામાં અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને તોડવામાં આવી ત્યારે પણ આવું જ શીર્ષાસન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ગેરબંધારણીય રીતે તોડી હતી, રાજ્યપાલ અને સ્પીકરે પક્ષપાત કર્યો હતો એ બધી વાત સાચી પણ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું એટલે અમે શું કરીએ? જો રાજીનામું ન આપ્યું હોત તો અમે તેમને પાછા ગાદીએ બેસાડી શકત. અરે સાહેબ, તમારા કહેવા મુજબ જે ગેરબંધારણીય માર્ગે અને પક્ષપાત દ્વારા સત્તા છીનવીને બેઠા છે તેમને હટાવવાના ખરા કે નહીં? બીજું મહિનાઓથી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના આદેશને ગણકારતા નથી એ બાબતે સર્વોચ્ચ અદાલતે શું કર્યું? સાધનની બાબતમાં આંખ આડા કાન કરવામાં આવ્યા. આવું જ અયોધ્યાની બાબતે. કોઈ મુસ્લિમ શાસકે અયોધ્યામાં રામમદિર તોડ્યું હોવાનાં પૂરાવા નથી એમ સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું છે, પણ મસ્જીદ અન્યત્ર બંધાશે. ફરી સાધનની બાબતે આંખ આડા કાન. વળી આ ત્રણેય ખટલામાં ચુકાદાઓ અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યા હતા. અદાલતની બહાર મહાન વાતો કરો અને અદાલતમાં શીર્ષાસન કરો!

દરમ્યાન આર્ટીકલ ૩૭૦ આ પહેલાં જ આગલા શાસકોએ ક્રમશઃ અને સિફતપૂર્વક નિસ્તેજ કરી નાખ્યો હતો એટલે એ બંધારણમાં લગભગ નિષ્પ્રાણ અવસ્થામાં જ પડ્યો હતો. માત્ર હવે તેનાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—227

દીપક મહેતા|Opinion - Opinion|16 December 2023

મુંબઈના ગવર્નરના ઘરના બાગમાં હરણ, વાંદરા અને ગધેડા

રોજે રોજ ભરતીનાં પાણીમાં ડૂબી જતો મુંબઈનો એક રસ્તો            

કલકત્તાના લોર્ડ બિશપ રેવરન્ડ રેગિનાલ્ડ હેબરની સાથે મુંબઈના પ્રવાસમાં આગળ વધીએ. હેબર પતિ-પત્ની ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની સાથે પ્રવાસમાં જોડાયાં તે પછી તેમની વચ્ચેનો ઘરોબો વધ્યો. પણ એ અંગે હેબરના શબ્દોમાં જ વાત સાંભળીએ. ચોથી જૂને નોતરું આપીને ગવર્નરે અમને ઘરે બોલાવ્યાં. એટલે અમે પરળ ખાતે આવેલા ગવર્નર્સ હાઉસ ગયાં. હકીકતમાં, મુંબઈમાં ગવર્નરનાં ત્રણ રહેઠાણ છે. પહેલું કોટ કહેતાં ફોર્ટની અંદર આવેલું વિશાળ, પણ હવે ત્યજી દેવાયેલું રહેઠાણ. આ ઘર છે મોટું, સગવડ ભરેલું પણ ખરું, પણ હવે તેનો ઉપયોગ ફક્ત જાહેર સમારંભો કે જાહેર દરબાર ભરવા પૂરતો જ થાય છે. મોટું છે તો ય આ મકાન આજે ગરીબડું દેખાય છે. જો કે આવી દશા ફોર્ટમાં આવેલાં બીજાં મોટાં મકાનોની પણ જોવા મળે છે. 

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન – યુવાન વયે 

શહેરથી આઠેક માઈલ દૂર આવેલા મલબાર પોઈન્ટ ખાતે એક નાનકડું પણ રૂપકડું કોટેજ આવેલું છે. તે દરિયાથી એટલું નજીક છે કે ભરતી વખતે દરિયાની વાછંટ એ કોટેજને ભીંજવી દે છે. ઉનાળાના દિવસોમાં ગવર્નર એલ્ફિન્સ્ટન મોટે ભાગે અહીં રહેવા આવે છે. આખા શહેરનો અને તેના સમુદ્ર કાંઠાનો અદ્ભુત કહી શકાય એવો નજારો અહીંથી જોવા મળે છે. મલબાર પોઈન્ટ પરથી નીચે ઉતરીએ તો રસ્તાની જમણી બાજુએ યુરોપિયનોના બંગલા દેખાય છે. અહીંનાં હવા-પાણી આખા મુંબઈમાં સૌથી સારાં હોવાનું મનાય છે. તેનાથી આગળ વધીએ તો એક નાનું ગામડું આવે છે, જ્યાં મુખ્ય વસ્તી બ્રાહ્મણોની છે. એ વસ્તીની વચમાં બાણગંગા તરીકે ઓળખાતું સુંદર તળાવ આવેલું છે. જેને માટે ‘ભવ્ય’ સિવાય બીજો શબ્દ વાપરી ન શકાય એવાં પગથિયાં ઊતરીને એ તળાવ સુધી પહોંચાય છે. 

મલબાર હિલ – ૧૮૫૦થી ૧૮૭૦ના અરસામાં

પણ ગવર્નરનું સત્તાવાર રહેઠાણ તો મુંબઈથી લગભગ છ માઈલ દૂર, પરળ ખાતે આવેલું છે. આ મકાન અંદરથી બહુ રૂપકડું છે. કોતરણીવાળા લાકડાનાં પગથિયાં અને સુશોભિત છત. અહીં એકની ઉપર બીજો, એમ બે વિશાળ ખંડ આવેલા છે, જે લગભગ ૭૫થી ૮૦ ફીટ લાંબા છે. તેમાંનું રાચરચીલું પણ ખૂબ સરસ છે. નીચેનો ઓરડો ડાઈનિંગ-રૂમ તરીકે વપરાય છે. આશરે ૬૦ વરસ પહેલાં આગલા માલિક પાસેથી સરકારે આ મકાન ખરીદી લીધું હતું. મકાનની પાછળ આવેલા બાગમાં જાતજાતનાં હરણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં છે ખાસ કચ્છથી લાવવામાં આવેલ ગધેડા, સુમાત્રાથી લાવેલા ખાસ જાતના વાંદરા. 

અહીંથી લગભગ અડધા માઈલ પછી દરિયા કાંઠાને અડીને નાળિયેરીનું વન આવેલું છે. તેની વચ્ચેથી પસાર થતા રસ્તા પર લગભગ ત્રણ માઈલ ચાલીએ એટલે માહિમ નામના ગામના બંદરે પહોંચીએ. આ ગામમાં બધા ધરમના લોકો વસે છે, પણ સૌથી વધુ વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની છે. પણ તેમના દેખાવ અને પહેરવેશ એવા છે કે એ ‘દેશી’ઓ સાથે પૂરેપૂરા ભળી જાય છે. વળી અહીં ખ્રિસ્તી કોલેજના અવશેષો જોવા મળે છે, અને પોર્તુગાલીઓએ બાંધેલું એક ચર્ચ આજે પણ અહીં ઊભું છે એના પરથી કહી શકાય કે એક જમાનામાં અહીં સૌથી મોટી વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની હશે. અલબત્ત, માહિમમાં હિંદુ મંદિર અને મુસ્લિમ મસ્જિદ પણ આવેલાં છે. માહિમ ગામ આડેધડ વિકસેલું છે, પણ અહીં કિલ્લો પણ બંધાયેલો છે એ જોઈને કહી શકાય કે એક જમાનામાં માહિમ સારું એવું માલદાર હશે. 

સાલસેટથી પાછા ફરતાં થયેલો એક અનુભવ તો લાંબા વખત સુધી યાદ રહેશે. સાલસેટ બાજુએથી એક કોઝ-વે બંધાયો છે, પણ તે માહિમના ટાપુ સુધી જતો નથી, અડધે સુધી જ જાય છે. એટલે પછીની મુસાફરી હોડીમાં કરીને માહિમ બંદર પહોંચવું પડે છે. વળી જેટલો બંધાયો છે તેટલા કોઝ-વેનો ઘણોખરો ભાગ નીચાણવાળો છે. એટલે ભરતીને વખતે તે દરિયાનાં પાણીમાં ગરક થઈ જાય છે. સાલસેટ છેડે પાંચ ઘોડા ગાડી ઊભી હોય છે જે તમને કોઝ-વેના છેડા સુધી લઈ જાય છે. એ છેડે ઊભેલી હોડીઓમાં બેસીને માહિમ બંદરે પહોંચાય છે. 

માહિમ – ૧૯મી સદીના પૂર્વાર્ધમાં 

હવે થયું એવું કે ભરતી વખતે કોઝ-વે દરિયાના પાણીમાં ડૂબી જાય છે એ વાતની અમને ખબર નહોતી. એટલે અમે તો અમારી ગાડીઓને કોઝ-વેના સૌથી દૂરના છેડા સુધી લઈ ગયા હતા. અમારી પહેલાં જે લોકો ગયા તે તો મછવામાં બેસીને સામે પાર પહોંચી ગયા. અમારા ગાડીવાનોએ તો ઘોડાને છોડીને છુટ્ટા મૂકી દીધા અને પોતે ટોળું વળીને ગામગપાટા મારવા લાગ્યા. અમે બધા કોઝ-વે પર આમથી તેમ લટાર મારવા લાગ્યા. થોડા વખત પછી અમને લાગ્યું કે અમે ચાલતા હતા તે રસ્તો નાનો ને નાનો થતો જતો હતો. આમ કેવી રીતે બને? જરા ધ્યાનથી જોયું તો જણાયું કે રસ્તાનો ઘણો ભાગ ભરતીના પાણી નીચે ગરક થઈ ગયો હતો! હવે અમે જરા ગભરાયા. ત્યાંના રહેવાસીઓને પૂછ્યું કે ભરતીનાં પાણી કેટલાં ઊંચાં ચડે છે, અને રસ્તાનો કેટલો ભાગ ડૂબી જાય છે? પણ જવાબ મળ્યો : ‘અમને ખબર નથી.’ એ લોકો અને અમારા ગાડીવાળા તો સાવ નચિંત હતા, પણ અમારી ચિંતા વધતી જતી હતી. અમે બરાબરના ફસાયા હતા. 

ભરતીનાં પાણી ઓસરે અને ઘોડા ગાડીઓને લેવા માટે તરાપો આવે ત્યાં સુધી રાહ જોવાય નહિ. એટલે અમે તાબડતોબ ઘોડા જોડવા કહ્યું. પણ એ કાંઈ સહેલું તો નહોતું જ. વળી રસ્તો એટલો સાંકડો હતો કે ઘોડા જોડતાં પહેલાં ગાડીવાને જાતે ગાડીને ઊંધી દિશામાં ફેરવવી પડતી અને પછી ઘોડો જોડાતો. આ બધામાં તો ઘણી વાર લાગી. આ બધું પત્યું ત્યાં સુધીમાં તો પાણી માથોડાભર થઈ ગયું હતું. જો કે આસપાસનું દૃષ્ય તો મજેનું હતું. રાત પડી ચૂકી હતી. માથા પર ચંદ્ર ખીલ્યો હતો. તારા ટમટમતા હતા. અને દરિયાનાં પાણી તેમનું પ્રતિબિંબ ઝીલતાં હતાં. પણ અત્યારે એ દૃષ્ય માણવાનું કોઈને સૂઝે તેમ નહોતું. કારણ દરિયાનાં પાણીથી ઘેરાયેલા રસ્તા પરથી છૂટવાનો કોઈ ઉપાય જણાતો નહોતો.

બરાબર એ જ વખતે એક નાની નાવડી આવતી દેખાણી. અમે બધાં તેમાં ચડી ગયાં. ખલાસીઓએ બને તેટલી ઝડપથી નાવ હંકારી અને અમને સામે કાંઠે હેમખેમ પહોચાડી દીધાં. હા, અમારી ગાડીઓ, તેને જોડેલા ઘોડા, ગાડીવાનો, તો હજી પેલે છેડે જ હતા. દરિયામાં ઓટ આવી ત્યારે એ બધા માહિમ બંદરે આવી પહોંચ્યાં. પરમ કૃપાળુ પરમાત્માનો પાડ માનવો રહ્યો કે એ રાતે ભરતી હતી, પણ દરિયો શાંત હતો. જો પવન ફૂંકાયો હોત અને દરિયો ગાંડો થયો હોત તો? તો કદાચ આ શબ્દો લખવા માટે હું હયાત ન હોત!

ચોમાસું મોડું બેસે તો અહીંના લોકો રીતસર ગભરાવા લાગે છે અને જાત જાતની વાતો વહેતી થાય છે. અમે મુંબઈ હતા તેના આગલા બે વરસ વરસાદ નજીવો થયેલો અને દુકાળ જેવી દશા થઈ હતી. આથી ઘણા લોકો કહેતા કે દુકાળ પડે ત્યારે લાગલાગટ ત્રણ વરસ પડે. એટલે આ વરસે પણ દુકાળના દહાડા જોવા પડવાના. તો આરબ વેપારીઓ કહેવા લાગ્યા કે આગલાં બે વરસ રાતા સમુદ્રમાં જેવા વાયરા વાઈ રહ્યા હતા, તેવા જ આ વરસે પણ વાઈ રહ્યા છે. એટલે આ વરસે પણ દુકાળ પડવાનો. 

પણ મુંબઈનાં નસીબ પાધરાં, કે થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. ખેડૂતો ખુશ ખુશ અને તરત વાવણી શરૂ કરી દીધી (પ્રિય વાચક : આ વાત મુંબઈની છે હોં – દી.મ.) જો કે કલકત્તાના વરસાદ કરતાં મુંબઈનો વરસાદ ડાહ્યો હતો. ત્યાંના કડાકાભડાકા કે વીજળીના ચમકારા અહીં નહોતા. અહીં તો એકધારો વરસાદ મૂંગો મૂંગો વરસતો હતો. ઠેર ઠેર ખાબોચિયામાં દેડકાઓ કૂદાકૂદ અને ડ્રાંઉ ડ્રાંઉ કરતા હતા. મને કહેવામાં આવેલું કે ચોમાસામાં મુંબઈની હવામાં ભેજ પુષ્કળ વધી જાય છે. પણ મને એવું ન લાગ્યું. કલકત્તા જેટલી ઝડપથી અહીં કાગળો અને ચોપડીઓને ફૂગ લાગતી નહોતી, અને લોઢાની વસ્તુઓને કાટ લાગતો નહોતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મુંબઈ મને ગમવા લાગ્યું.

૧૫મી ઓગસ્ટની સવારે અમે મુંબઈ છોડ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેપ્ટન બ્રૂક્સના નેજા નીચે અમે ડિસ્કવરી નામના વહાણમાં મુસાફરી શરૂ કરી. અમે નીકળવાના હતા તે દિવસે સવારે ગવર્નર એલ્ફિન્સ્ટને ફોર્ટમાં આવેલા ગવર્નર્સ હાઉસમાં અમારા માનમાં ખાસ બ્રેકફાસ્ટનું આયોજન કર્યું હતું. સરકારના તેમ જ લશ્કરના બધા મોટા અધિકારીઓને તે માટે આમંત્ર્યા હતા. બ્રેકફાસ્ટ પછી તેમાંના ઘણા અફસરો દરિયા કાંઠા સુધી અમને વળાવવા આવ્યા હતા. તો કેટલાક તો અમારી સાથે વહાણ પર ચડ્યા હતા. હા, ફરી કલકત્તા જઈને મારું કામ શરૂ કરી શકીશ એ વાતનો આનંદ મને જરૂર હતો. પણ સાથે સાથે મુંબઈ છોડતાં જીવ થોડો ચચરતો હતો. અમે ધાર્યા કરતાં ઘણો વધારે ઉષ્માભર્યો આવકાર અમને મુંબઈમાં મળ્યો. 

જલભૂષણ બંગલો 

એક ખુલાસો: 

લેખકે અહીં ગવર્નરનાં ત્રણ રહેઠાણની વાત કરી છે તેમાં મલબાર હિલ ખાતેનું બીજું રહેઠાણ તે હાલનું રાજભવન નહિ. એ તો સત્તાવાર નિવાસસ્થાન બન્યું છેક ૧૮૮૩માં. પણ ગવર્નર એલ્ફિન્સ્ટને મલબાર પોઈન્ટ પર ‘પ્રેટી કોટેજ’ નામનો એક બંગલો બંધાવ્યો હતો અને ૧૮૨૦થી ૧૮૨૫ સુધી તેઓ ઘણી વાર ત્યાં રહેવા જતા. આજના રાજભવનમાં આવેલા જલભૂષણ બંગલાની જગ્યાએ આ બંગલો આવ્યો હતો. અસલી જલભૂષણ બંગલો પણ આજે રહ્યો નથી. તેને તોડીને નવેસરથી બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૨૨ના જૂનમાં થયું હતું. આજે ગવર્નર રહેઠાણ માટે જ્લભૂષણ બંગલો વાપરે છે. પોતાના બંગલા માટે એલ્ફિન્સ્ટને ફ્રાન્સથી ફર્નિચર મંગાવેલું તેમાંનું કેટલુંક આજે ગવર્નરની ઓફિસના ખંડમાં જોવા મળે છે. – દી.મ.) 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ડિસેમ્બર 2023)

Loading

નીતિ અને અર્થશાસ્ત્ર

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|16 December 2023

ભાગ – ૧

રોબર્ટ સ્કિદેલસ્કી

જ્હોન મેનાર્ડ કેઇન્સ કહે છે કે “મૂળભૂત સમસ્યા…..એક એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે જે આર્થિક રીતે અને નૈતિક રીતે કાર્યક્ષમ હોય.”

લાયોનેલ રોબિન્સ દ્વારા આ શબ્દો સાથે અર્થશાસ્ત્રમાંથી નીતિને બહાર ફેંકી દેવાઈ : “કોઈ આર્થિક ધ્યેયો નથી, માત્ર આપેલાં ધ્યેયો સિદ્ધ કરવા માટેનાં આર્થિક અને બિન-આર્થિક સાધનો છે ….. અર્થશાસ્ત્ર નિશ્ચિતતાથી કહી શકાય તેવી હકીકતો સાથે સંબંધ ધરાવે છે, નીતિને મૂલ્યો અને ફરજો સાથે સંબંધ છે. એમને સાંકળવાનો માર્ગ એમને નિકટ લાવવાનો છે.” એ બંને “સંવાદમાં એક જ જગ્યાએ નથી.” નોબેલ ઈનામ વિજેતા જ્યોર્જ જોસેફ સ્ટિગ્લર (૧૯૧૧-૯૧) પણ એવા જ વિચારો ધરાવતા હતા. તેમણે લખેલું કે “સામાજિક ભૂલો” સુધારવા માટે અર્થશાસ્ત્રને ગણિતની જરૂર છે, નીતિની નહિ.

અર્થશાસ્ત્રીઓની જૂની પેઢી ધ્યેયની તાર્કિકતા, સ્વાર્થમાં નીતિ અને સાધનોમાં નૈતિકતા જેવા મુદ્દા વિશે મૂંઝવણ અનુભવતી હતી. જો કે, આવા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવે તો તે યોગ્ય વિશ્લેષણ કરવામાં અવરોધ બને છે એમ ધીમે ધીમે વધુ ને વધુ સમજવામાં આવતું ગયું. કેમ્બ્રિજ ખાતેના રાજકીય અર્થતંત્ર (political economy) વિષયના પ્રાધ્યાપક આલ્ફ્રેડ માર્શલ દ્વારા ૧૯૦૩માં નૈતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી અર્થશાસ્ત્રની બાદબાકી કરી નાખવામાં આવી. તેમને એવી પ્રતીતિ થઈ હતી કે અધ્યાત્મશાસ્ત્ર (metaphysics) સારા લોકોને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતાં રોકે છે. રોબિન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ અર્થશાસ્ત્ર માત્ર સાધનોની કાર્યક્ષમતા સાથે જ સંબંધિત બનતું ગયું. 

દા. ત. યુદ્ધ લડવા માટે ઓછા અને વધુ કાર્યક્ષમ રસ્તા છે. યુદ્ધ થવું જોઇએ કે નહીં અને તે જે રીતે લડવામાં આવે છે તેની નૈતિકતા એ એવી બાબત છે કે જેના વિશે અર્થશાસ્ત્રીઓ અંગત મંતવ્યો ધરાવી શકે છે. પરંતુ કોઈ અર્થશાસ્ત્રી જો ‘વૈજ્ઞાનિક’ સલાહ આપે તો તેને વિશે અર્થશાસ્ત્રીઓએ કશી માથાકૂટ કરવી જોઇએ નહિ. જો એ વ્યક્તિગત રીતે યુદ્ધ સાથે કે તે લડવાની પદ્ધતિઓ સાથે સંબંધિત ન રહેવાનું પસંદ કરે તો પણ, એ નૈતિક મુદ્દો છે અને અર્થશાસ્ત્રની બહારનો મુદ્દો છે. અર્થશાસ્ત્ર વિષયમાં મનુષ્યના નૈતિક કે અનૈતિક વર્તન જેવું કશું છે જ નહિ, માત્ર કાર્યક્ષમ અને બિન-કાર્યક્ષમ વર્તન હોય છે. બહુ બહુ તો, નૈતિક સૂત્રો કાર્યક્ષમતાના સાધન તરીકે કામ લાગે. જેમ કે, ‘પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે.’

સ્પષ્ટ છે કે આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ સ્વહિતના સ્વાર્થી મતલબથી વિક્ષુબ્ધ હતા. તેમણે ‘સહાનુભૂતિ’ના અલગ હેતુ વિશે વાત કરી હતી પણ તેમના અનુગામીઓએ એ મુદ્દો જ પડતો મૂક્યો હતો. તેમને એ મુદ્દો આનુમાનિક વ્યવસ્થા(deductive system)ના તર્કને ગૂંચવી નાખનારો લાગ્યો હતો. કાર્લ માર્ક્સને વિતરણના ન્યાય સાથે સંબંધ હતો. જ્હોન સ્ટુઅર્ટ મિલ દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો કે સારી જિંદગી માટે “કેટલું હોવું પૂરતું છે?” પરંતુ લાયોનેલ રોબિન્સના ખ્યાલમાં આવી બાહ્ય નૈતિક બાબતો કાઢી નાખવામાં આવી. તેમના અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓ સ્વાર્થથી ભરપૂર છે, તેમને સામાજિક સંબંધો છે જ નહિ. પરંતુ એ વ્યક્તિઓ વિવિધ અનંત ઈચ્છાઓ ધરાવે છે અને તેમનું બજેટ ઓછું છે અને તેથી તેઓ એકસાથે બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકતા નથી. તેથી તેમણે પસંદગીઓ કરવી પડે છે. અર્થશાસ્ત્ર આ રીતે આવી પસંદગીઓ વિશેના તર્કનો અભ્યાસ કરે છે.

લોકો ખરેખર કેવી રીતે વર્તે છે અથવા તેમણે કેવી રીતે વર્તવું જોઈએ તે વર્ણવવાનો આ મોડેલનો ઈરાદો છે કે નહિ તે મુદ્દો અહીં છે જ નહિ. બેમાંથી એકેયમાં નીતિ સામેલ છે જ નહિ, માત્ર ગણિત (artithmatic) સામેલ છે. જો લોકોને સારી વસ્તુઓને બદલે ખરાબ વસ્તુઓ વાપરવાની ઈચ્છા થાય તો અર્થશાસ્ત્રમાં તેને માત્ર માંગમાં ફેરફાર થયો એમ જ ગણવામાં આવે છે. અને એમાં અર્થશાસ્ત્ર માત્ર એટલું જ પૂછે છે કે ખરાબ વસ્તુઓ પ્રાપ્ત કરવાનો હેતુ સિદ્ધ કરવા કયાં સાધનો યોગ્ય છે. સાધનો કે હેતુઓનું નૈતિક મૂલ્ય અર્થશાસ્ત્રમાં અપ્રસ્તુત છે. 

આવા બધા વિચારો અર્થતંત્ર વિશેના અગાઉના વિચારોથી ખાસ્સા ઊંધા હતા. મધ્ય યુગીન વ્યવસ્થાનું પતન થતું ગયું તેમ તેમ મૂડીવાદની સાથે સાથે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર વિકસતું ગયું. મધ્ય યુગીન વિચારધારાના કેન્દ્રમાં મૂલ્યનો પ્રશ્ન હતો, પ્રશંસા કે ગૌરવ માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે મહત્ત્વનું હતું, સીધીસાદી ભાષામાં કહીએ તો શું સારું છે અને શું ખરાબ છે તે મહત્ત્વનું હતું. અર્થશાસ્ત્ર એની ખોજનો એક ભાગ હતું. પરંતુ સારી બાબતો અને ખરાબ બાબતો વિશેની ચર્ચા થાય એમાં એક લાભ હતો અને તે એ હતો કે ભૌતિક વસ્તુઓનું મૂલ્ય (value) સમતોલ કરી શકાય છે – એટલે કે તેના ખર્ચ અને લાભને નાણાંના એક જ માપદંડ દ્વારા નિર્ધારિત રીતે દર્શાવી શકાય છે. એટલે ભૌતિક ચીજોના મૂલ્યનો પ્રશ્ન આરંભથી જ નાણાંકીય ભાવના સંદર્ભમાં દર્શાવી શકાય છે. એટલે આર્થિક વસ્તુઓના ભાવ પણ નૈતિક વ્યવસ્થામાં આ વસ્તુઓનું શું સ્થાન છે તે વ્યક્ત કરે તેમ બને, અને તેના સંદર્ભ સાથે તેની સમજૂતી પણ મળે. 

આજે આપણે જોઈએ છીએ કે અર્થશાસ્ત્ર જેમ જેમ પુખ્ત થતું ગયું તેમ તેમ તેમાંથી નૈતિક બાબતો પડતી મૂકાતી ગઈ. મૂલ્ય (value) અને કિંમત (price) વચ્ચેના સંબંધની ચર્ચા મૂલ્યમુક્ત ગણિતમાં સરી પડી. વ્યવહાર માટે મિલકત છે એવો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો, સાધનોની નૈતિકતા કાર્યક્ષમતામાં સામેલ થઈ ગઈ; અને ધ્યેયની નૈતિકતા ધર્મ અને નીતિશાસ્ત્રની બાબત છે એમ કહેવામાં આવ્યું. આજે સવાલ એ છે કે અર્થશાસ્ત્રીઓની સામાજિક ભૂલોના ઉપાય માટે પર્યાપ્ત શક્તિશાળી એવો નૈતિક સંવાદ આપણી પાસે છે કે નહિ. 

(ક્રમશ:)

સ્રોત: અમેરિકાની યેલ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા ૨૦૨૦માં લખવામાં આવેલા પુસ્તક ‘What is Wrong with Economics?’નું પ્રકરણ-૧૨ ‘Ethics and Economics’.

સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...727728729730...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved