Opinion Magazine
Number of visits: 9741960
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૯૦મી વર્ષગાંઠ મુબારક રસ્કિન બૉન્ડ (જ. ૧૯ મે, ૧૯૩૪)

રૂપાલી બર્ક|Opinion - Opinion|23 May 2024

રસ્કિન બૉન્ડ

બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મારા પિતા ઍરફૉર્સમાં હતા તેથી યુદ્ધમાં લડવા ગયા. મને દહેરાદૂનમાં મારા નાનાનાની સાથે રહેવા મોકલી દીધો, હું ૬ વર્ષનો હતો. મારા માટે કઠિન હતું — મારા પિતાની યાદ ખૂબ સતાવતી હતી. એક વર્ષ બાદ મારાં માતાપિતાના ડાઈવોર્સ થઈ ગયા. યુદ્ધ સમાપ્તિના આરે હતું ત્યારે અમને પત્ર મળ્યો કે ગોળી વાગવાથી મારા પિતાનું મૃત્યુ થયું છે. હું સાવ ભાંગી પડ્યો.

હું ખૂબ એકલો થઈ ગયો. થોડાંક વર્ષો બાદ મારી માતાએ બીજાં લગ્ન કરી લીધાં. પરંતુ હું મારા પિતાના સ્થાને અન્ય પુરુષને સ્વીકારી ન શક્યો. બાળપણમાં મારા ઓરમાન પિતા પ્રત્યે નારાજગી અનુભવતો હતો. આથી મેં મારી નાનકડી દુનિયા સર્જી લીધી — શાળા પત્યા બાદ હું પુસ્તક સાથે કોકડું થઈ બેસી જતો અને બીજું બધું ભૂલી જતો. એક રીતે પુસ્તકો મારા માટે છુટકારાનો માર્ગ હતાં — ૧૨ વર્ષની ઉંમરે હું અઠવાડિયાના પાંચથી વધુ પુસ્તકો વાંચી કાઢતો. મારો એકમાત્ર ધ્યેય મારા પ્રિય લેખકોનું અનુકરણ કરવાનો હતો. એટલે મેં ટૂંકી વાર્તા લખવાની શરૂ કરી.

૧૯૫૧માં મારી પ્રથમ વાર્તા સ્થાનિક મૅગૅઝીનમાં પ્રકાશિત થઈ. ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. હું બહુ ખુશ હતો. મેં મારી માતાને કહ્યું, “મારે લેખક બનવું છે. પરંતુ એણે મારી વાત પ્રત્યે ગંભીરતા ન દાખવી — મને કૉલૅજના અભ્યાસ માટે દરિયા વાટે ઈંગ્લૅન્ડ મોકલી દીધો.

આવનાર ૪ વર્ષોએ મને શીખવ્યું કે લેખક તરીકે જીવનનિર્વાહ કરવો કેટલો અઘરો છે. કૉલૅજ સમય બાદ હું ૪ અર્ધ-સમયની નોકરીઓ અને ટાંપા કરી મારું ગુજરાન ચલાવતો. દિવસના અંતે થાકીને લોથ થઈ જતો, તેમ છતાં રાત્રે લેખન કરતો. સપ્તાહના અંતે હું એકથી બીજા પ્રકાશનગૃહના આંટા મારતો, પરંતુ મારું લેખન ક્યાં ય સ્વીકારાતું નહોતું. તેથી કૉલૅજ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. વહાણમાં બેઠો કે તરત મને પોસ્ટકાર્ડ મળ્યો કે મારી એક વાર્તા પ્રકાશન માટે પસંદ થઈ છે અને એમણે મને £૫૦નો ચૅક મોકલી આપ્યો છે.

ભારતમાં મારી માતા અને ઓરમાન પિતા દિલ્હી રહેવા જતા રહ્યાં હતાં. મારા નાનાનાની ગુજરી ગયાં હતાં. એટલે મેં મસૂરીમાં એક નાનો અપાર્ટમૅન્ટ ભાડે રાખ્યો અને એકલો રહેવા લાગ્યો. દરરોજ હું દૈનિકો પર વાર્તામારો કરતો — એક વાર્તા પ્રકાશિત થાય એના મને ૫૦ રૂ. મળતા. હું એટલાથી સંતુષ્ટ હતો. ૧૯૫૬માં મેં ‘નાઈટ ટ્રેન ઍટ દેઓલી’ લખી જે ખૂબ પ્રસિદ્ધ થઈ. હું ૨૪ વર્ષનો હતો અને રેલવે સ્ટેશન પર છોકરીઓ સાથે પ્રેમમાં પડવાની બહુ વાર્તાઓ લખતો. પરંતુ વાસ્તવમાં એમાંથી એકેય છોકરીએ મને વળતી લાગણી દર્શાવી નહીં. એટલે આ રહ્યો હું, ૮૭ વર્ષે હજુ કુંવારો છું.

લેખક હોવાના કારણે મને નાણાંની ખૂબ તંગી પડતી. એથી હું દિલ્હી જઈ પરચૂરણ નોકરી કરતો અને પૂરતા નાણાં આવી જાય એટલે પર્વતમાં જઈ લેખન કરતો. ૧૯૯૦ના દાયકામાં મને ખ્યાલ આવ્યો કે હું લોકપ્રિય છું. એક વખત હું સ્ટેશન પર હતો ત્યારે ત્રણ બાળકો મારી તરફ આંગળી ચીંધીને ઉત્સાહથી બોલ્યા, “રસ્કિન બૉન્ડ, રસ્કિન બૉન્ડ”. હાશકારા સાથે મેં મનમાં વિચાર્યું, ‘ચાલો, કોઈક તો મને ઓળખે છે.’

છેલ્લાં ૩૦ વર્ષોથી મારી દિનચર્યા બદલાઈ નથી — સવારે પર્વતના ઢાળ પર ચાલવા જવું, ટી.વી. જોવું અને લેખન કરતાં કરતાં મારા પ્રિય મટન કટલૅટ માણવા. ઉંમર વધવાને કારણે મને ઝોંકા ખાવાની મજા પડે છે. શનિ-રવિના દિવસે અહીંના એકમાત્ર બૂકસ્ટોરમાં જઈ લોકો સાથે વાર્તાલાપ કરું છું અને હવે મારા ગૉડ-સન્સે મને ઈનસ્ટાગ્રામ પર મૂકી આપ્યો છે — એને કેવી રીતે વાપરવું એ પણ શીખવાડતો ય જાય છે પરંતુ મેં પ્રયત્ન પડતો મૂકી દીધો છે. હસીને એને કહું છું, “હું મારાં પુસ્તકો સાથે ખૂબ ખુશ છું. મને આ ઑનલાઈન વિશ્વનો હિસ્સો ના બનાવશો.”

સ્રોત: republicworld.com
ફોટો: timesofindia.indiatimes.com
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

સુંદરતાઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 May 2024

ચંદુ મહેરિયા

ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવી પ્રથમ આવેલી પ્રાચી નિગમે બે ચાર દિવસ પછી જ પત્રકારોને અફસોસ સાથે કહ્યું કે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા હોત અને ટોપર ના બની હોત તો સારું. પ્રાચીને કેમ આવું કહેવું પડ્યું?  તેનાં કારણો જાણીએ તો સ્વાભાવિક જ રોષ જન્મે છે. પંદર વરસની આ કન્યા યુ.પી.ના સીતાપુર જિલ્લાના મહેમુદાબાદની સીતા ઈન્ટર કોલેજમાં ભણતી હતી. તેની તેજસ્વીતા, મહેનત અને લગનનું પરિણામ હતું કે સમગ્ર રાજ્યના પંચાવન લાખ પરીક્ષાર્થીઓમાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. તેની સફળતાના ઓવારણા તો લેવાતા હતા જ. પરંતુ સમાજનો એક વર્ગ તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતો હતો. પ્રાચીના અપરલિપ્સ પર વાળ છે તે તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. બાહ્ય સુંદરતાઘેલા કેટલાક લોકોને તેનો જ વાંધો પડ્યો. એટલે કોઈએ આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ થકી તેના ચહેરાને રૂપાળો બનાવ્યો, કોઈએ શેવ કરવાની સલાહ આપી, કોઈએ મિમ્સ બનાવ્યા, ઘણાંએ ભણવા સાથે ચહેરાની માવજત કરવા કહ્યું  અને બહુ બધાએ તેના ચહેરા પરના વાળની મજાક કરી. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલી આ કન્યા ટ્રોલિંગથી આહત ન થાય તો જ નવાઈ. આરંભિક અફસોસ પછી પ્રાચીએ જાતને સંભાળી લીધી અને ટીકાખોરોની જમાતને દમદાર જવાબ પણ આપ્યો.

કેટલીક મહિલાઓને શરીર પરનાં અનિચ્છનીય વાળનો સામનો કરવો પડે છે. ચહેરો, હાથ, પીઠ અને છાતી પર વાળ ઉગવાનું કારણ બાયોલોજિકલ, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે અસંતુલિત હોર્મોન્સ છે. પ્રાચીના ચહેરા પર મૂછ જેવા જે વાળ ઉગ્યા છે તેને પ્રાચી, તેનો પરિવાર, શાળાના શિક્ષકો અને તેના સહાધ્યાયીઓએ કશું મહત્ત્વ આપ્યું નથી. પરંતુ તે ટોપર બનતાં તેની તસવીરો અનેક માધ્યમોમાં પ્રગટ થતાં તે મજાક અને ટીકાનું પાત્ર બની છે. પ્રાચી કોઈ ગોખણશી છોકરી નથી. ઉચ્ચ મૂલ્યો અને સકારાત્મ્ક વિચારો સાથે તે ભણે છે. ટ્રોલિંગ જે હદે થયું તે હદની નહીં તો તેનાથી વધતી-ઘટતી સ્થિતિનો સામનો તેણે અગાઉ ઘણી વાર કર્યો છે. આગળ અભ્યાસ જારી રાખીને ઈજનેર બનવા માંગતી આ કિશોરી માટે તેનું ધ્યેય અગત્યનું છે નહીં કે શરીરની બનાવટ. તેણે ટ્રોલરિયાઓને રોકડું પરખાવતાં કહ્યું છે કે જ્યારે જરૂર જણાશે ત્યારે હું મારો ઈલાજ કરાવી લઈશ પણ હાલમાં તો મારું લક્ષ મન દઈને ભણવાનું છે. વિષાક્ત સાઈબર સ્પેસ સંદર્ભે પ્રાચી માને છે કે ક્ષણિક્નું મનાતું ટ્રોલિંગ પણ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે જ છે તેથી આવા તત્ત્વો પર કાર્યવાહી થવી જોઈએ.

પ્રાચી નિગમ

પ્રાચીને ટીકાકારોની જેમ સમર્થકો પણ મળ્યા છે. તેની જ સ્કૂલના બે અન્ય ટોપર્સ હેમંત વર્મા અને જ્ઞાનેન્દુ વર્માએ # ડોન્ટ ટ્રોલ પ્રાચી કેમ્પેન શરૂ કર્યું છે. તેને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રાચી વિશેની સઘળી ટિપ્પણીઓનો આ સહપાઠીઓ જ જવાબ વાળે છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત પ્રાચીના પક્ષે રહ્યા છે. સુંદરતાને સર્વોચ્ચ માનતા લોકોને સ્કૂલ પ્રિન્સિપાલ બહુ ગંદી ભાવના ધરાવનારા ગણાવે છે.

પ્રાચીના ટેકામાં બોમ્બે શેવિંગ કંપનીએ જાહેરખબર પ્રકાશિત કરી છે. જેમાં તેણે પ્રાચીનો બચાવ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ ડીયર પ્રાચીના સંબોધન સાથેની એડમાં લખ્યું છે કે જે લોકો આજે તારા ચહેરા પરના વાળને લીધે તને ટ્રોલ કરી રહ્યા છે તે કાલે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ માટે  તારી પ્રસંશા કરશે. જો કે કંપની જાહેરખબરમાં તેનું તકવાદી માનસ પ્રગટ કરતાં ના રહી શકી. તેણે માર્કેટિંગ કરતાં લખ્યું, અમે આશા રાખી છીએ કે અમારું રેઝર ઉપયોગ કરતાં જ તને કોઈ પરેશાન નહીં કરે. કંપનીની આ એડ્નો વ્યાપક વિરોધ થયો છે. એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(ASCI)એ લોકોના આક્રોશની નોંધ લઈને આ જાહેરખબરની તપાસ શરૂ કરી છે. સરકારના ઈશારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PGI), લખનૌએ પ્રાચીના મફત ઈલાજની ઓફર કરી છે.

આખરે આ સુંદરતા એટલે શું અને તેના માપદંડો ક્યા ? સુંદરતાને પરિભાષિત કરવી કઠિન છે. બાહ્ય સુંદરતા કે શરીરની સુંદરતા પિતૃસત્તાત્મક વિચારની પેદાશ છે. જેણે મહિલાઓના માથે તે થોપી છે. લગભગ તમામ વયની મહિલાઓને સુંદરતા વળગાડી છે. પણ કિશોર અને યુવાન વયમાં તે વિશેષ છે. લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી, નમણી,નાજુક, સમપ્રમાણ કદ કાઠી, કાળા લાંબા ભરાવદાર અને સીધા વાળ, નાનું નાક અને મોટી પાણીદાર આંખો ધરાવતી  મહિલાઓની માંગ સૌ કોઈ કરે છે. પુરુષોની સુંદરતાની સમજ જ નહીં સોંદર્યના બજારની પણ આ માયાજાળ છે.

સોંદર્યનું બજાર કદી મંદ પડતું નથી. સોંદર્ય પ્રસાધનોની વિશ્વની ટોપ બ્રાન્ડ ભારતમાં પુષ્કળ કમાણી કરે છે. ભારતનો કોસ્મેટિક ઉદ્યોગ સૌથી વધુ કમાણી કરતો વિશ્વનો ચોથા નંબરનો ધંધો છે. શરીર સોંદર્ય અને વ્યક્તિગત માવજતના સાધનોનું બજાર ૨૦૨૦માં એક લાખ કરોડ રૂપિયાનું હતું જે આવતા વરસે બે લાખ કરોડનું થવાનું છે. સુંદરતાના બજાર અને સમાજે બનાવેલા વિચારજડ માપદંડોમાં મહિલાઓ જકડાયેલી છે. એટલે પોતાની નાની શી બદસૂરતી પણ તે બરદાસ્ત કરતી નથી અને પોતાના આવા શરીરને તે ખુદ જ સ્વીકારતી નથી. અભાવગ્રસ્ત જિંદગી અને તેની જદ્દોજહદ વચ્ચે શરીરની બહારની સુંદરતાની તેની સમજ બજાર પર આધારિત છે. સુંદરતાના બજારની સૌથી મોટી ગ્રાહક મહિલાઓ જ હોય છે. હવે તેમાં પુરુષો પણ ફસાયા છે. ગોરા થવાની મેન્સ ફેરનેસ ક્રીમ અને સાબુ પણ ધૂમ વેચાય છે. ભારતના કુલ સોંદર્ય બજારનો ચોથો ભાગ તો નાહવાના સાબુનો છે. ગોરી ચામડી માટેના પ્રસાધનો ૨૦ ટકા અને માથામાં નાંખવાના તેલનો  હિસ્સો ૧૫ ટકા છે.

પ્રાચી નિગમના અપરલિપ્સ પરના વાળની મજાક કરતો સુંદરતાઘેલો સમાજ ખરેખર તો સુંદરતાના બજારથી ઘેરાયેલો છે. બોડી શેમિંગની નઠારી અસર બાળકોના મન પર પડે છે. તેઓ લઘુતાગ્રંથિ કે હીન ભાવ અનુભવે છે. તેની અસર તેમના અત્મવિશ્વાસ અને અભ્યાસ પર પડે છે. ફિલ્મો, સોંદર્ય પ્રસાધનના સાધનોના વિજ્ઞાપનો અને નટનટીના રૂપાળા દેખાવાના ખર્ચા અને નખરાંથી અછૂતા રહી શકતી પ્રાચી જેવી કોઈ વિરલ તેજસ્વી કન્યા પણ મજાક અને આલોચનાનો શિકાર બને છે. તો સામાન્ય દેખાવના લોકોનું તેની સામે ટકવાનું શું ગજું. સોશ્યલ મીડિયા અને દેખાવડા લોકોને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર મળતી પ્રાથમિકતા પણ બળતામાં ઘી હોમે છે. 

દરમિયાન હાલમાં તો દસમી ટોપર પ્રાચીને અભિનંદન અને સોંદર્યઘેલછાની દેશવ્યાપી ચર્ચા માટે આભાર.

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘ઇન્ડિયા’ની અણધારી અંગડાઈ સાથે મોદી ભા.જ.પ. કસોટીમાં મુકાયો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Cartoon, Opinion - Opinion|23 May 2024

મતદાનનાં પાંચ ચરણ પછી

આપણા રાજકીય કથાનકમાં ગાંધી–આંબેડકર આટલા એક સાથે કદાચ કદાપિ નહોતા. બંધારણ ને ન્યાયના મુદ્દા આ હદે કેન્દ્રમાં હોય એવું પહેલીવાર બની રહ્યું છે.

પ્રકાશ ન. શાહ

ચોથી જૂને મતપેટીઓ શું બોલશે એ વિશે સત્તાબજાર, સટ્ટાબજાર અને બહુજનબજારનાં પોતપોતાનાં આકલન હશે, પણ મતદાનનાં પાંચ ચરણ પછી ‘અબ કી બાર ચાર સો પાર’નું તો ઠીક પણ ધોરણસરના વિજયનુંયે કથાનક કંઈક વિમાસતું વિલાતું વરતાય છે. પાંચમા ચરણમાં મતદાન મથકની બહાર નીકળ્યા પછી માયાવતી જે બોલ્યાં તે નોંધ્યું તમે ? એમણે કહ્યું, સત્તા પલટાઈ રહી છે અને તે સાથે અલબત્ત સાવચેતીના અંદાજમાં અગર ટિપ્પણીના ખયાલમાં ઉમેર્યું, જો ઇ.વી.એમ. કોઈ ચમત્કાર ન બતાવે તો!

માયાવતીના ઉત્તરવિધાનને ખાસ વજન આપ્યા વગર વિચારીએ તો શું સમજાય છે? હવાની રૂખ પરિણામદાયી હો કે ન હો પણ એવો કશોક સૂસવાટો, દેખીતી ‘લહર’ વગરનો, જરૂર છે. માયાવતી આ બોલ્યાં છે પોતાના ભત્રીજાને ભા.જ.પ.ની ટીકા કરતો બંધ કર્યા પછી – અને વળી અમિત શાહની રણનીતિગત અગવડસગવડ વિચારી એમણે ત્રણેક બેઠકો પર પોતાના તરફથી અનુકૂળતા કરી આપ્યાનાયે હેવાલો છે. મતલબ, મતદાનનો દોર શરૂ થયો એના પહેલાથી તેમ ત્રણ દોર પછી એમનું જે આકલન હતું એમાં કશોક ફેરફાર વરતાઈ રહ્યો છે જે ‘સત્તા પલટ રહી હૈ’ જેવા ઉદ્દગારો વાટે પ્રગટ થાય છે. 

ચોક્કસ ઉજળિયાત કૉન્સ્ટિટ્યુઅન્સીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમના અંદાજમાં સામાજિક ઇજનેરી વાસ્તે પંકાયેલા છે. ગુજરાતમાં ભા.જ.પ.નો પહેલ પ્રથમ સુવાંગ વિજય થયો ત્યારે વ્યૂહકાર તરીકે ઉભરેલા મોદીએ પોતે કેવાં નાતજાતનાં નાનાંમોટાં જોડાણમાંથી આખો ગોફ રચ્યો એ માંડીને કહ્યાનું સાંભરે છે. તે પછી છ-સાત વરસે દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે એ ગુજરાત પાછા ફર્યા ત્યારે એમણે પોતાની ઓળખને મંડલમંદિર જે.પી. એમ વિવિધ છેડેથી તરાશવાની કોશિશ કીધી હતી. દલિત રાષ્ટ્રપતિ અને આદિવાસી રાષ્ટ્રપતિ તરેહનો સિલસિલો આ જ ‘ઇજનેરી’ પ્રક્રિયાનો એક હિસ્સો છે એમ તમે કહી શકો. 

મનોવૈજ્ઞાનિક સ્તરે છેલ્લા દસકામાં અને એમાં ય તે છેલ્લાં ત્રણચાર વરસમાં વિપક્ષે, ખાસ કરીને કોાઁગ્રેસ અને રાહુલ ગાંધીના પક્ષે, જે વૈકલ્પિક કથાનક ઊભરી રહ્યું તે નાતજાતગત સહિત વંચિત માત્રને સારુ સીધી ને સક્રિય સહભાગિતાનું. રાહુલ ગાંધીની બે ભારતવ્યાપી યાત્રાઓએ કેમ જાણે એનું એક વ્યાકરણ વિકસાવ્યું. રાષ્ટ્રપતિનું દલિત કે આદિવાસી હોવું એનું પ્રતીકમૂલ્ય જરૂર છે પણ આપણો જે બહુજન તે વાસ્તવમાં ક્યાં ને કેટલે છે, એ આપણા સરકારી બાબુલોગમાં દલિત કે ઓ.બી.સી. અગર મુસ્લિમ કેટલા છે તેવા સીધા સવાલના જવાબમાં બહાર આવ્યું અને આ સૌ તબક્કાને લાગ્યું કે કોઈ આપણી દાઝ જાણે છે. એને ‘શાહજાદો’ કહેવાયો પણ લોકમોઝાર તો મિસ્કીન મુબારક તરીકે એની પ્રતિભા ઉચકાઈ. તૃણમૂલ કાઁગ્રેસ સાથે પ્રશ્ન હશે (અધીર રંજનને પક્ષપ્રમુખ ખડગેએ તે સંદર્ભે ઠપકો પણ આપ્યો) છતાં આ જ દિવસોમાં વચ્ચે દ્વિધાવિભક્ત જણાતાં મમતાએ પોતે ‘ઇન્ડિયા’ ગઠબંધન સાથે હોવાની સ્પષ્ટતા કરી તે સૂચવે છે કે પ્રસ્તુત કથાનકમાં નાત, જાત, કોમ, પ્રદેશ સૌને સમાસની શક્યતા છે.

સામાન્યપણે મોદી-શાહ, રાહુલ-પ્રિયંકા એમ ચેનલ ચોવીસા દેકારો મચાવે છે, અને અલબત્ત કેજરીવાલ પણ. પરંતુ કાઁગ્રેસ – પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કનૈયાકુમાર સહિતના ઝુંબેશકારો પણ ચોક્કસ ભૂમિકા ભજવી રહ્યા છે. લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા બુઝુર્ગ ખડગે કાઁગ્રેસની મધ્યમમાર્ગી પરંપરામાં રહી ગાંધી-આંબેડકરને સાથે રાખીને એકંદર કથાનકને ઓર ઓપ આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાંશીરામ-માયાવતીએ ‘અમારા આંબેડકર’ તો ભા.જ.પે. ‘અમારા ગાંધી’નું રાજકારણ ક્યારેક ખેલ્યું હશે. રામ રથયાત્રા વખતે મહારાષ્ટ્ર ભા.જ.પે. ફુલે-આંબેડકર યાત્રા યોજવાપણું જોયું એ જરૂર એક સુધાર હતો. પણ આજે ગાંધી-આંબેડકર એકત્ર આવી જે કથાનક ઉપસાવી રહ્યા છે એમાં સામાજિક સમભાવ ને સંવૈધાનિક ભૂમિકાનું નવું જ રસાયણ હોઈ શકે છે. 

મતદાનનાં પાંચ ચરણને અંતે મોદી ભા.જ.પ. કંઈક વેતરાઈ રહ્યાની છાપનાં સત્યાસત્ય પરિણામ સાથે સમજાશે. પણ નવા દસકા સારુ વૈકલ્પિક સંબલ જરૂર મળી રહેશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 મે 2024

Loading

...102030...725726727728...740750760...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved