Opinion Magazine
Number of visits: 9665472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 April 2024

રમેશ ઓઝા

કેન્દ્રના ડેરીવિકાસ અને પશુપાલન ખાતાના પ્રધાન તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિષે એક વાત કરી જેને કારણે વિવાદ જાગ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જ્યારે મુસલમાનોનું અને અંગ્રેજોનું રાજ હતું ત્યારે ક્ષત્રિયોએ સમાધાનો કર્યા હતા. તેમને મદદ કરી હતી અને કેટલીકવાર તો રાજ ટકાવી રાખવા સાટામાં દીકરી પણ પરણાવી હતી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે તેમણે એટલે કે પટેલોએ સમાધાનો કર્યાં નહોતાં. રૂપાલાસાહેબના આ નિવેદનથી ક્ષત્રિયો નારાજ થયા છે.

આ ભારત છે અને ભારતમાં “અમે” અને “તમે”ની ભાષામાં વાત કરવામાં ન આવે એવું તો ભાગ્યે જ બને, અને વળી રૂપાલાસાહેબ જે વૈચારિક પરિવારમાંથી આવે છે ત્યાં તો અમે અને તમે ગળથૂથીમાં શીખવાડવામાં આવે છે.

અહીં ક્ષત્રિયોનો બચાવ કરવાનો ઈરાદો નથી. કોઈ કોમ આખેઆખી શ્રેષ્ઠ હોય અને કોઈ કોમ આખેઆખી અધમ હોય એવું બનતું નથી. વ્યક્તિ સારી કે નઠારી હોય છે. જે તે સમયે અંગત સ્વાર્થ જોઇને કે પછી ડરીને જે તે લોકોએ સમાધાનો કર્યાં હતાં તો એને માટે આખી કોમ જવાબદાર નથી હોતી. બીજું, રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ હમણાંની વિચારધારા છે અને તેને ઇતિહાસમાં થયેલાં પાત્રો અને ઘટનાઓ પર માથે મારવામાં આવે એ બરોબર નથી. તેમણે જ્યારે નિર્ણયો લીધા ત્યારે નહોતું તમારું રાષ્ટ્ર અને નહોતો રાષ્ટ્રવાદ. તેમણે પોતાનો સ્વાર્થ, પોતાની શક્તિ અને પોતાની મર્યાદા જોઇને નિર્ણય લીધા હતા. ૧૮૫૭ના વિદ્રોહ વખતે અનેક હિંદુ રાજવીઓએ અંગ્રેજોને મદદ કરી હતી. ગ્વાલિયરના સિંધિયા આમાં અગ્રેસર હતા અને તેમનાં વારસ બે પેઢીથી હિંદુ રાષ્ટ્રના પુરસ્કર્તાઓ છે. રાજમાતા વિજયા રાજે સિંધિયા ભા.જ.પ.ના ઉપાધ્યક્ષ હતાં, તેમની પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતાં અને જ્યોતિરાદિત્ય સિંધિયા પરમ હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભા.જ.પ.માં છે. આવા તો બીજા અનેક દાખલાઓ આપી શકાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કંપની સરકારને કહ્યું હતું કે તેમનાં દત્તકપુત્રને વારસદાર તરીકે માન્યતા આપવામાં આવે. જો કંપની સરકારે લક્ષ્મીબાઈના દત્તકપુત્રને વારસદાર તરીકે માન્યતા આપી હોત તો કદાચ ઝાંસીની લડાઈ થઈ ન હોત. તેમનાં શૌર્યને સો સો સલામ, પણ તેમની લડાઈ અંગત હતી, તેને રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી.

બીજું, જેને ગુમાવાનું હોય અથવા લાભ મળે એમ હોય એ સમાધાનો કરે કે ડરે. જેને કાંઈ ગુમાવાનું જ ન હોય કે લાભ નજરે પડતો ન હોય એને ડરવાનો કે સમાધાનો કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ યુગમાં અમે સમાધાનો નહોતાં કર્યાં એમ જ્યારે રૂપાલાસાહેબ કહે છે તો ત્યારે કણબીઓ, પાટીદારો અને બીજી પ્રજાઓ ખેતી કરતી હતી અથવા ખેતમજૂરી કરતી હતી. તેમની પાસે ત્યારે એવું કશું જ નહોતું કે સમાધાનો કરવા પડે કે ડરવું પડે. પણ અત્યારે? અત્યારે લાભ લેવા માટે પટેલો અને બીજાઓ સમાધાનો નથી કરતા? ડરીને નથી જીવતા? પત્રકારો, કટારલેખકો, કહેવાતા બૌદ્ધિકો, ન્યાયમૂર્તિઓ, સરકારી અધિકારીઓ, કેળવણીકારો, માસ્તરો, ધર્મગુરુઓ જે પ્રમાણમાં ડરીને સમાધાનો કરી રહ્યા છે અથવા વેચાઈ રહ્યા છે એ લોકો શું ક્ષત્રીય છે અથવા વિદેશી કૂળના છે? અને બીજું, કોણ ડરાવે છે? કોણ ખરીદે છે? કોણ સમાધાનો કરવા મજબૂર કરે છે? વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ છે? પુરુષોત્તમ રુપાલાને આ પ્રશ્ન પૂછવો જોઈએ.

ઉપર કહ્યું એમ આખેઆખી કોમ સારી કે ખરાબ હોતી નથી, પણ આખેઆખી વિચારધારા સારી કે ખરાબ હોઈ શકે. એમાં માનનારાઓ લગભગ એક સરખાં લક્ષણો ધરાવતા હોય એવું બને. આપણે ડરવાની કે સમાધાનો કરવાની રૂપાલાસાહેબની જ વાત આગળ વધારીએ. દેશપ્રેમથી પ્રેરાઈને દેશને આઝાદ કરવા જ્યારે લોકો સમાધાનો કર્યા વિના નિર્ભયતાપૂર્વક જાનની બાજી લગાડતા હતા, ખપી જતા હતા, પોતાનું સર્વસ્વ હોમી દેતા હતા ત્યારે, એ ખરાખરીના યુગમાં રૂપાલાસાહેબના વૈચારિક પરિવારના લોકો એટલે કે હિન્દુત્વવાદીઓ ક્યાં હતા? કોણે ત્યાગ કર્યો? કોણે હિંમત બતાવી? કોણે જેલ વેઠી? કોણ શહીદ થયું? એક નામ તો બતાવો. ઊલટું જેલમાંથી છૂટવા ઉપરાઉપર માફીઓ માગી. આઝાદીનાં આંદોલનોમાં ભાગ  નહીં લેવાની અને ઉપરથી અંગ્રેજોને મદદ કરવાની લેખિત બાંયધરીઓ આપી. ૧૯૪૨ની લડત વખતે આંદોલનનો અમે વિરોધ કરીએ છીએ એવો પત્ર લખીને આપ્યો. ગાંધીજીનું આંદોલન કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય તેનું અંગ્રેજોને માર્ગદર્શન આપ્યું. ગાંધીજી અને કાઁગ્રેસીઓ જ્યારે જેલમાં હતા, ત્યારે હિંદુ મહાસભાએ મુસ્લિમ લીગ સાથે મળીને બંગાળ, સિંધ અને સરહદ પ્રાંતમાં સરકાર બનાવી હતી. જનસંઘ / ભા.જ.પ.ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના નાણાં પ્રધાન હતા.

આઝાદીની લડતની વાત જવા દો. ઇન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદી હતી ત્યારે ઇન્દિરા ગાંધીને તેમના ૨૦ કલમી કાર્યક્રમનું અમે સ્વાગત કરીએ છીએ અને સરકારને મદદ કરવા આતુર છીએ એવો પત્ર કોણે લખ્યો હતો? મહાન દેશભક્ત અને રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે. બસ, અમને જેલમાંથી છોડો અમે તમારી સાથે છીએ. વીતેલા યુગના ક્ષત્રિયોની ક્યાં વાત કરો છો, તમારા પોતાના વૈચારિક પરિવાર પર એક નજર કરી જુઓ. શૂરવીરતાની મોટી વાતો કરવાની અને શૌર્ય બતાવવાનો વખત આવે ત્યારે મોઢું ફેરવી લેવાનું. પીઠ બતાવવા છતાં ય જો નસીબ ખરાબ હોય અને કારસામાં આવીએ તો માફી માગી લેવાની. એક નજર પોતાના ઇતિહાસ પર કરી જુઓ.

દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરેબાહિરે’ નામની નવલકથા વાંચી જવાની મારી ભલામણ છે. એમાં ધગધગતા રાષ્ટ્રવાદીના તકલાદી શૌર્યની વાત કહેવાઈ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2024

Loading

વોર રુકવા દી, પાપા : લોકો પ્રોપેગેન્ડામાં કેમ માનતા થઇ જાય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2024

રાજ ગોસ્વામી

ચૂંટણી પ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો અને જાણકારીઓનો પ્રચાર કરતા હોય છે. મોટા ભાગે અપેક્ષા એવી હોય છે કે તેમાં સત્યનો, હકીકતોનો, તથ્યોનો અને હકારાત્મકતાનો જ પ્રચાર થાય, પરંતુ માહિતીના યુગમાં અસત્યનો, ભ્રામક જાણકારીઓનો અને અતિશયોક્તિઓનો પણ એટલો જ પ્રચાર થતો હોય છે, જેને દુષ્પ્રચાર કહે છે.

જનમત કેળવવા માટે આખી દુનિયામાં પ્રચાર – દુષ્પ્રચારનો ઉપયોગ થાય છે. એમાં ક્યારેક સફળતા મળે છે, ક્યારેક નથી મળતી. ક્યારેક એવા પ્રચાર ઊંધા પણ પડતા હોય છે – એટલે કે જનમત કેળવવાને બદલે તે જનમતને વિરુદ્ધ પણ કરી નાખે છે.

દેશમાં લોકસભાના વર્તમાન ચૂંટણી પ્રચારમાં, ભારતીય જનતા પાર્ટીના એક પ્રચાર સાથે એવું જ થયું છે. માર્ચ મહિનામાં, પાર્ટી તરફથી સોશિયલ મીડિયા અને યુટ્યૂબ પર એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. તેની થિમ હતી – વોર રુકવા દી, પાપા.

તેમાં, રશિયા-યુક્રેન યુદ્ધના શરૂઆતી દિવસો દરમિયાન યુક્રેનમાં ફસાઈ પડેલા ભારતીય વિધાર્થીઓ વતી એક યુવતી તેના પિતાને કહેતી સંભળાય છે, “મૈંને કહા થા ના, કૈસી ભી સિચ્યુએશન હો, મોદીજી હમેં લે આયેંગે. વોર રુકવા દી, પાપા ઔર ફિર હમારી બસ નિકાલી, પાપા.”

આ વીડિયોમાં તથ્યાત્મક ત્રૂટિ હોવાના કારણે વિરોધ પક્ષોએ તો તેનો જબરદસ્ત વિરોધ કર્યો, પણ સામાન્ય લોકોને પણ આ દાવો ગળે ઉતરે તેવો નહોતો એટલે લોકોએ તેની ક્લિપને વાઈરલ કરીને મજાક ઉડાવાનું શરૂ કર્યું. ત્યાં સુધી કે એ છોકરી અને તેના બયાન ‘વોર રુકવા દી, પાપા’નાં એટલાં બધાં મીમ બન્યાં ( અને હજુય બને છે) કે એવું કહેવાય છે કે તેમાં હિસ્સો લેનારી (જેનું નામ પ્રિયંકા હોવાનું કહેવામાં આવે છે) એ છોકરીનું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અલબત્ત, વીડિયોમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહોતો, પણ લોકો તાળો મેળવી લીધો હતો.

આ વીડિયો મજાકનું સાધન બની ગયો તેનાં બે કારણો હતાં : 

૧. બે દેશ વચ્ચે પુર જોશ યુદ્ધ ચાલતું હોય ત્યારે, ત્રીજો દેશ તેના વિધાર્થીઓને સહી સલામત ઘરે લાવવા માટે એ યુદ્ધને થોડા સમય સુધી રોકી રાખે તે વાત આમ જનતાની કોમન સેન્સમાં બેસે તેવી નહોતી, ખાસ કરીને અમેરિકા કે ચીન જેવી મહાશક્તિઓ પણ એ યુદ્ધ રોકવામાં વિફળ ગઈ હોય. દેખીતી રીતે જ, વીડિયોમાં અતિશયોક્તિ હતી.

૨. બીજું કારણ એ હતું કે ખુદ ભારત સરકારનું વિદેશ મંત્રાલયે આ દાવાનું ખંડન કરી ચુક્યું હતું. યુદ્ધ શરૂ થયું તેના થોડા દિવસ પછી ભા.જ.પ. તરફી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી સરકારની વિનંતીથી રશિયાએ થોડો સમય યુદ્ધ અટકાવ્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોના સવાલમાં કહ્યું હતું કે -‘અમને એક રસ્તો સલામત હોવાની માહિતી મળી હતી અને અમે તે નાગરિકોને પહોંચાડી હતી એટલું જ. કોઈકે બોમ્બમારો અટકાવી દીધો કે અમે એવું કોઓર્ડિનેશન કરી રહ્યા હતા તે વાત ખોટી છે.’

તે પછી પણ ભા.જ.પ.ના નેતાઓ દ્વારા આ દાવો ચાલુ રહ્યો અને તેનો અંત આ ‘વોર રુકવા દી, પાપા’ના વીડિયોમાં આવ્યો હતો. તેમાં એટલી બદનામી થઇ હતી કે પાર્ટીના સમર્થકોએ તેને અવગણવાનું શરૂ કરી દીધું હતું. ટૂંકમાં, આ વીડિયો બુમરેંગ સાબિત થયો.

ચૂંટણી પ્રચારમાં આવું દુનિયામાં દરેક પક્ષો સાથે, દરેક સમયમાં થતું રહેતું હોય છે, પણ એમાં સમજવા જેવું એ છે કે પ્રચાર, દુષ્પ્રચાર કે અતિશયોક્તિ કેમ એક પ્રભાવી માધ્યમ છે? ચૂંટણી જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ (જેમ કે માર્કેટિંગ) ઘણા પ્રચાર અત્યંત સફળ પુરવાર થયા હોવાના પણ દાખલા છે.

 

દાખલા તરીકે, બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી શાસકોએ બહુ સફળતાથી પ્રચાર કરીને જનમત તેમની તરફેણમાં વાળ્યો હતો. તેની પ્રેરણા તેમને 1914ના પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી મળી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં, જર્મનીનો બ્રિટનના હાથે પરાજય થયો હતો અને જર્મન મિલિટરી અધિકારીઓએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે તેમના પરાજયમાં બ્રિટિશ પ્રચાર-તંત્રનો મોટો હાથ હતો.

બ્રિટિશ સરકારે પ્રચાર માટે માહિતી મંત્રાલયની રચના કરી હતી, પરંતુ વિશ્વ યુદ્ધના અંત સાથે, મંત્રાલય નાબૂદ કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે લોકોને લાગ્યું કે સરકાર તેમની સાથે જૂઠું બોલી રહી છે.

જો કે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી, બ્રિટિશ સરકારે ફરીથી માહિતી મંત્રાલયની જરૂરિયાત જણાઈ હતી. તેનો હેતુ નાઝી પ્રચાર તંત્રનો સામનો કરવાનો, બ્રિટિશ લોકોને યુદ્ધ માટે તૈયાર કરવાનો અને બાકીના યુરોપમાં હિટલર વિરુદ્ધ પ્રચાર કરવાનો હતો.

હિટલર જ્યારે જર્મનીમાં સત્તામાં આવ્યો ત્યારે, તે પણ માનતો હતો કે 1918માં જર્મન મોરચામાં હતાશા ફેલાઈ ગઈ અને બળવો થયો તેની પાછળ બ્રિટિશ પ્રચાર કારણભૂત હતો. એટલે હિટલરે તેના શાસનમાં જર્મન નાગરિકોનો ભરોસો બરકરાર રાખવા માટે પ્રચારને એક નીતિ તરીકે સરકારનો હિસ્સો બનાવ્યો હતો.

તેની આત્મકથા ‘મેઈન કામ્ફ’માં હિટલર પ્રચારના ઘણા નિયમોની રૂપરેખા આપી હતી. બ્રિટિશ માહિતી મંત્રાલયના ઘણા અધિકારીઓ હિટલર સાથે સહમત થયા હતા. તેમણે હિટલર સામેની ઝુંબેશમાં આ જ પ્રકારની ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો.

હિટલરે લખ્યું હતું, “તમામ પ્રચાર લોકપ્રિય હોવા જોઈએ અને એને જે લોકો સુધી પહોંચાડવાના છે, એમાંથી સૌથી ઓછા બુદ્ધિશાળી વ્યક્તિને પણ એ સમજમાં આવવા જોઈએ. કુશળ અને સતત પ્રચારની મદદથી, કેટલા ય લોકોને સ્વર્ગ પણ નર્ક જેવું બતાવી શકાય અથવા સાવ જ નઠારા જીવનને સ્વર્ગ જેવું બતાવી શકાય છે.”

સવાલ એ છે કે લોકો પ્રચારમાં કેમ માનતા થઇ જાય છે? તેની પાછળ ગહન મનોવિજ્ઞાન છે. હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. સત્ય અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું હોય તે જૂઠ નજર આવે છે.

એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે. 

પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈપણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.

(પ્રગટ ; “ગુજરાત મિત્ર” /। “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 21 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી અને દલિતોના મંદિર પ્રવેશનો પ્રશ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 April 2024

ચંદુ મહેરિયા

સો વરસ પૂર્વેનો ત્રીસમી માર્ચ ૧૯૨૪નો એ દિવસ. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ત્રાવણકોર રજવાડાનું અને હાલના કેરળ રાજ્યના  કોટ્ટાયમ  જિલ્લાનું વાયકોમ ગામ. ખાદીના વસ્ત્રો પહેરેલા અને ગળામાં માળા ધારણ કરેલા ત્રણ સત્યાગ્રહી યુવાનો અને તેમની પાછળ સેંકડોની ભીડ સવારસવારમાં વાયકોમના શિવ મંદિર તરફ જઈ રહી છે. જે ત્રણ યુવાનોએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું છે, તેમાં કથિત સવર્ણ અને અવર્ણ બંને જ્ઞાતિના છે. તેમનો ઉદ્દેશ વાયકોમના શિવ મંદિર ચોફેરના રસ્તાઓ પરથી કહેવાતા શૂદ્રો અને અતિ શૂદ્રોને પસાર થવાની મનાઈ છે, તેનો વિરોધ કરવાની છે. સત્યાગ્રહીઓ જેવા પ્રતિબંધની જાહેરાત કરતા નોટિસ બોર્ડ નજીક પહોંચ્યા કે તરત તેમને અટકાવવામાં આવ્યા. સેંકડોની ભીડ શાંત અને અહિંસક રીતે ત્યાં થોભી ગઈ. ત્રણ સત્યાગ્રહીઓની પોલીસે ધરપકડ કરી. પરંતુ તેથી સત્યાગ્રહીઓ ડગ્યા નહીં. જ્યાં અટકાવ્યા હતા ત્યાં સત્યાગ્રહ છાવણી બનાવી બેઠા અને ઘણાં રેંટિયો કાંતવા લાગ્યા. આ સિલસિલો રોજેરોજ ચાલતો રહ્યો. છેક દસમી એપ્રિલ સુધી નવા ત્રણત્રણ સત્યાગ્રહીઓની પોલીસ ધરપકડ કરતી રહી. પોલીસ અટકાયત કરતી અટકી પણ નવા સત્યાગ્રહીઓ આવવાનું ન અટક્યું કે સત્યાગ્રહ ન અટક્યો. વાયકોમના શિવ મંદિરમાં પ્રવેશનો નહીં, મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો એ કદાચ પહેલો સત્યાગ્રહ હતો. જેનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીના માર્ગે શાંત અને અહિંસક રીતે અવિરત છસો દિવસ, (૩૦ માર્ચ, ૧૯૨૪ થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫) સુધી ચાલેલો વાયકોમ સત્યાગ્રહ અંશત: સફળ  થયો હતો.

શિક્ષિત, સમૃદ્ધ અને પ્રગતિશીલ કેરળમાં રુઢિવાદ, સામંતવાદ અને ભયાવહ જ્ઞાતિભેદ જોઈને ઈ.સ. ૧૮૯૨ની કેરળ મુલાકાત પછી વિવેકાનંદે તેને પાગલખાનું કીધું હતું. વાયકોમ જેવા સેંકડો મંદિરોમાં દલિતોને પ્રવેશ તો નહોતો, મંદિરો નજીકના માર્ગો પરથી અન્ય ધર્મના લોકો કે જાનવરો પસાર થઈ શકતા હતા, માત્ર દલિતો જ પસાર થઈ શકતા નહોતા. આભડછેટ સ્પર્શની જ નહીં સંસર્ગની પણ હતી. એટલે દલિતોને અડવાથી જ નહીં જોવાથી પણ અભડાઈ જવાતું હતું. જો દલિતો મંદિરો નજીકના રસ્તા પરથી પસાર થાય તો ભગવાન અભડાઈ જતા હતા.

ડો. પદ્મનાભ પલ્પૂએ મદ્રાસથી ડોકટરીનો અભ્યાસ કર્યો હતો. પછી તે વિદેશ જઈને પણ ભણ્યા. પરંતુ તે દલિત હોવાથી કદી કેરળમાં પ્રેકટિસ ન કરી શક્યા! અલુમુટી ચેન્નાર વાયકોમના એવા દલિત હતા જેમની પાસે મોટરકાર હતી અને રાજ્યના તે સૌથી મોટા કરદાતા હતા. પરંતુ જ્યારે વાયકોમના શિવ મંદિર પાસેથી પસાર થવાનું આવે ત્યારે તેમને દલિત હોવાના કારણે કારમાંથી ઉતરીને બીજા રસ્તે ચાલતા આગળ વધવું પડતું. તેમનો બિનદલિત ડ્રાઈવર મંદિર પાસેના રસ્તેથી ગાડી લઈને જતો અને આગળ તેમની રાહ જોતો. આર્થિક સમૃદ્ધિ કે ઉજળા ધંધા છતાં વાયકોમના દલિતોને ક્રૂર એવી નાતજાતની વ્યવસ્થા સહેવી પડતી હતી.

૧૯૨૪ના અભૂતપૂર્વ વાયકોમ સત્યાગ્રહ પહેલાં પણ દલિતોએ મંદિરના રસ્તેથી પસાર થવા માટે સંઘર્ષ કર્યા હતા. ૧૮૦૫માં ૨૦૦ દલિત યુવાનોએ સંગઠિત થઈ શિવ મંદિરના રસ્તે ચાલવાનો કાર્યક્રમ આપ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં બાજુના તળાવમાં તે નહાવા ગયા ત્યારે જ રાજ્યના સાથથી બિનદલિતોએ તેમના પર હિંસક હુમલો કર્યો જેમાં ઘણાં યુવાનોને મારી નાંખ્યા અને તેમની લાશો તળાવમાં ફેંકી દીધી હતી. વકીલ અને દલિત નેતા ટી.કે. માધવને ૧૯૧૭માં પોતાના અખબાર ‘દેશાભિમાની’ના તંત્રીલેખમાં વાયકોમ મંદિરના દલિતો માટે પ્રતિબંધિત રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માત્ર લખીને ના અટકતા તેઓ પ્રતિબંધિત રસ્તે ચાલ્યા પણ હતા. ૧૯૨૧માં તેમણે આ મુદ્દે લોક આંદોલન કરવા ગાંધીજીની મુલાકાત લીધી અને સમર્થન માંગ્યું હતુ. ૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કેરળ કાઁગ્રેસ સમિતિએ કાઁગ્રેસે અસ્પૃશ્યતા વિરોધી વ્યાપક અભિયાન ચલાવવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ટી.કે. માધવન., કે.પી. કેશવ મેનન, કે. કેલપ્પન અને જોર્જ જોસેફની આગેવાનીમાં ૧૯૨૪થી વાયકોમ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. 

વાયકોમ સત્યાગ્રહના મુખ્ય સત્યાગ્રહી નેતાઓની ધરપકડ થતાં તમિલનાડુ કાઁગ્રેસ કમિટીના પ્રમુખ અને દ્રવિડ આંદોલનનો શક્તિશાળી અવાજ એવા રામાસામી નાયકર”પેરિયાર’ને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનું સમર્થન અને પેરિયારની સક્રિયતાથી આંદોલનને વેગ માળ્યો. વાયકોમ સત્યાગ્રહ કોઈ સ્થાનિક મુદ્દો ન રહેતાં રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પેરિયારના મતભેદો ઉભર્યા. ગાંધીજી માટે વાયકોમ હિંદુ સુધારાવાદી આંદોલન હતું. જ્યારે પેરિયાર માટે જ્ઞાતિ આધારિત આત્યાચારો સામેનો સંઘર્ષ હતો. આ સત્યાગ્રહમાં પેરિયારની બે વાર ધરપકડ થઈ અને ૧ માસ અને પછી ૬ માસની જેલની સજા થઈ હતી. તેઓ વાયકોમ વીર કે વાયકોમ નાયક તરીકે જાણીતા થયા હતા.

સત્યાગ્રહીઓના પક્ષે છેક સુધી શાંતિ અને અહિંસા જાળવી રાખવામાં આવ્યાં. વીસ મહિના લાંબા સત્યાગ્રહ દરમિયાન જ્યારે પૂર આવ્યું તો કમરસમા પાણીમાં ઊભા રહીને સત્યાગ્રહ જારી રાખ્યો. શીતળાનો વાવર પણ વેઠ્યો. ગાંધીજી કથિત સવર્ણોના હ્રદયપલટામાં માનતા હતા. વાયકોમના ઘણા બિનદલિતો સત્યાગ્રહના સમર્થક હતા અને અન્યાયનો વિરોધ કરતા હતા. વાયકોમ સત્યાગ્રહના તરફદાર બિનદલિતોએ વાયકોમથી તિરુઅનંતપુરમ સુધી કૂચ કરી, પચીસ હજાર લોકોની સહીઓ સાથેનું આવેદના પત્ર મહારાણીને આપ્યું. મહારાણી દલિતોની વાજબી માંગ સાથે સહમત હોવા છતાં તે બિનદલિતોને નારાજ કરવા માંગતા નહોતાં એટલે તેમણે પ્રસ્તાવ વિધાન પરિષદ સમક્ષ મુક્યો હતો. જ્યાં દલિતોના પક્ષે ૨૧ અને વિરોધમાં ૨૨ મતો પડ્યા. નવાઈની વાત એ હતી કે એક દલિતે દલિતોની માંગણીના વિરોધમાં મત આપ્યો હતો અને તે ડો. પલ્પૂના ભાઈ હતા! સત્યાગ્રહીઓને રંજાડવામાં વિરોધીઓએ કંઈ બાકી રાખ્યું નહોતું તો ય તેઓ અડગ રહ્યા. જેમ પેરિયાર, નારાયણ ગુરુ, તેમ સી. રાજગોપાલાચારી પણ સત્યાગ્રહીઓના સમર્થનમાં હતા. 

માર્ચ ૧૯૨૫માં ગાંધીજી વાયકોમ આવ્યા અને તેમણે મહારાણી તથા સત્યાગ્રહીઓના વિરોધીઓની મુલાકાતો કરી. અંતે ચાર પૈકીના ત્રણ રસ્તા બધાને માટે ખૂલ્લા કરવા અને મંદિરનો પૂર્વનો માર્ગ કથિત ઉચ્ચ વર્ણ અને રાજપરિવાર માટે આરક્ષિત રાખવો તેવી સમજૂતી થઈ. તેનો અમલ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. પેરિયાર અને અન્યોને ગાંધીજીનું આ સમાધાન મંજૂર નહોતું. નવેમ્બર ૧૯૨૫માં વીસ મહિના બાદ વાયકોમના ત્રણ માર્ગો દલિતો માટે ખૂલ્યા, પરંતુ  મંદિરમાં તેમનો પ્રવેશ તો બીજા સવા દાયકે ૧૯૩૬માં શક્ય બન્યો હતો. 

દલિતોનો હિંદુ મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન આજે વાયકોમ સત્યાગ્રહની શતાબ્દીએ પણ ઊભો છે. આજે ય કેટલાક મંદિરોમાં દલિતો પ્રવેશી શકતા નથી. જાણીતા સમાજવિજ્ઞાની આઈ.પી. દેસાઈએ “અનટચેબિલીટી ઈન રુરલ ગુજરાત” સ્ટડીમાં ૧૯૭૧-૭૨માં ગુજરાતના ગામડાઓમાં મંદિર પ્રવેશમાં ૮૩ ટકા આભડછેટ પળાતી હોવાનું નોધ્યું છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના “એ સ્ટડી ઓફ અનટચેબિલીટી એન્ડ એટ્રોસિટી ઈન ગુજરાત”માં ૧૯૯૬માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરપ્રવેશમાં આભડછેટનું પ્રમાણ, પચીસ વરસે ૧૯ ટકા ઘટીને, ૬૪ ટકા થયાનું નોંધ્યું છે. જો કે ૨૦૦૫થી ૨૦૦૯ વચ્ચેનો એક અન્ય અભ્યાસ, “અન્ડરસ્ટેન્ડીંગ અનટચેબિલીટી”માં, ગુજરાતના ગામડાઓના ૯૦.૮ ટકા મંદિરોમાં દલિતો પ્રત્યે આભડછેટ રખાતી હોવાનું જણાવ્યું છે. એટલે વાયકોમ સત્યાગ્રહની  સ્મૃતિસદી દલિતોના મંદિર પ્રવેશમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તે નિવારવાના પાંખા પ્રયાસોની કટુ યાદની પણ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...720721722723...730740750...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved