Opinion Magazine
Number of visits: 9741575
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાયસીના હિલ્સ અપેક્ષા અને અનિશ્ચિતતાના દોરમાં ગૂંથાયેલ નહિ એટલું અટવાયેલ  અનુભવાય છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 May 2024

સાતમા ચરણના ઉંબરગાળે

ભા.જ.પ.ના ‘રાષ્ટ્ર‘માં નહિ એટલો સમાસ કૉંગ્રેસના સમવાયમાં શક્ય હોઈ શકે છે. એણે  ઈન્દિરાજી કરતાં નહેરુ તરફ વધુ ઝૂકવાપણું છે …. કાશ, નાનાવિધ અસ્મિતાઓ અને મોટા પક્ષો આ લલિત કળા કેળવી શકે !

પ્રકાશ ન. શાહ

સાતમા ચરણના મતદાનનો આ ઉંબરગાળો છે. પહેલી જૂનના મતદાન અને ચોથી જૂનની મતગણતરી સાથે દેશનો રાજકીય ચહેરો કેવો હશે એને વિશે આશાઅપેક્ષા છતાં અનિશ્ચિતતાનો એક માહોલ બની રહ્યો છે.

બે-ત્રણ પૂર્વદૃષ્ટાંતો આ સંદર્ભમાં તરત જ નજર સામે આવે છે. ચૂંટણીની જાહેરાત સુધી પૂર્વનિર્ધારિત પરિણામ જેવી એક સહજ આશ્વસ્તિ સત્તાવર્તુળોમાં હતી તે વાસ્તવિક મતદાન પ્રક્રિયા શરૂ થતાં સાથે ચરણ-બ-ચરણ કરમાતી ગઈ અને આજે તો સત્તાપક્ષ 272ના જાદુઈ આંકડા વાસ્તે કોને કોને જોતરી શકાશે, એની ફિરાકમાં હોવાના હેવાલો સાથે રાયસીના હિલ્સમાં કર્ણોપકર્ણ પગેરાં દબાવાઈ રહ્યાં સંભળાય છે.

તો, પહેલું સાંભરતું પૂર્વદૃષ્ટાંત તો 1996નું છે જ્યારે, એક વાર નિમંત્રણ મળ્યું કે અમારી સાથે જોડાવા લાઈન લાગી જશે એવું બચકાના વિધાન અન્યથા પ્રતિભાવંત સુષમા સ્વરાજે કર્યું હતું. પણ વાજપેયી સરકાર તેર દિવસનું આયખું ભોગવી ઊકલી ગઈ હતી.

પરંતુ વધારે વ્યાપક સંદર્ભમાં બે પૂર્વદૃષ્ટાંત તો 2004 અને 1977નાં છે. 2004નો ઘટનાક્રમ ત્યારના નાયબ વડા પ્રધાન અડવાણીએ કહ્યું તેમ ફીલગુડના અહેસાસે ભરેલો હતો. સહજક્રમમાં પાછા આવી રહ્યા છીએ એવી ખાતરી સાથે ભા.જ.પ.શ્રેષ્ઠીઓ ચૂંટણીમાં ઊતર્યા હતા અને પરિણામો સાથે વળી કૉંગ્રેસનો પથ પ્રશસ્ત થયો હતો.

1977માં કૉંગ્રેસ પાસે જે અર્થમાં સત્તા હતી એની કોઈ તુલના નથી. ચૂંટણીજાહેરાત સાથે વિપક્ષ વંચિત જ વંચિત હોવાનું પ્રત્યક્ષ ચિત્ર સાધવસંજોગની રીતે હતું. પણ જનતા વિપક્ષ સાથે આવી અને ચિત્ર બદલાઈ ગયું. આ પૂર્વદૃષ્ટાંત સાથે 2024નું સામ્ય છે અને નથી. છેલ્લાં અઠવાડિયાઓનો અનુભવ એ રહ્યો છે કે સત્તાપક્ષ પરત્વે જનતામાં અંતરિયાળ કોઈક ઓછોવત્તો વિરોધપ્રવાહ હતો તે પ્રગટ થવા કરે છે, અને તે ઇચ્છે છે કે વિપક્ષ ગઠિત ને ઉદ્યુક્ત થાય.

1977, 1996, 2004 : આ પૂર્વદૃષ્ટાંતો, તેમ છતાં, એકંદર ચિત્રને સમજવા સારુ અપૂરતાં છે. તે વખતે જેવી હતી તેવી બે સ્પષ્ટ છાવણીઓ હતી. આ વખતે સ્પષ્ટ-અર્ધસ્પષ્ટ રેખાની કામગીરી જનતાએ ઉપાડી લીધી છે, અને વિપક્ષ ધીરેધીરે એમાં સમજીને અગર વખાના માર્યા ગોઠવાઈ રહ્યો છે. અલબત્ત, વિપક્ષ પાસે નાનામોટા વિચારટુકડા ને નાનામોટા વિચારકુંડાળાં જરૂર છે, અને તે આ જનસળવળાટને વ્યાખ્યાયિત કરી રહ્યાં છે. આ પ્રક્રિયામાં જે મુદ્દા ઊપસી અને ઊઘડી રહ્યા છે તેમાં વર્તમાન પક્ષના છેલ્લાં વર્ષોના ‘રાષ્ટ્ર’ કથાનક સામે એક ‘જન’ કથાનક આપણી સામે આવી રહ્યું છે.

જેમ બિનકૉંગ્રેસવાદનો એક રોલ હતો તેમ બિનભા.જ.પ.વાદ સારુ યે એક ભૂમિકા હોઈ તો શકે છે. પણ બિનભા.જ.પ. બળોએ એકત્ર થવું કિયે ધોરણે? કૉંગ્રેસને પણ દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોનો પ્રશ્ન રહ્યો છે, તો ભા.જ.પ.ને પણ અકાલી દળ સાથે છેડો ફાટ્યો તેમ મહારાષ્ટ્રમાં બે અલગ શિવસેનાઓ એક જુદું જ ચિત્ર પ્રગટાવી રહી છે. તૃણમૂલ કૉંગ્રેસ ક્યારેક કૉંગ્રેસનો જ હિસ્સો હોઈ શકતી હતી.

વાત એમ છે કે ભા.જ.પ. વારેવારે ‘એક રાષ્ટ્ર’ના મુદ્દા પર ગોળબંદ ને એક લઠ્ઠ થવાની જિકર કરે છે એ આપણે ત્યાંની નાનીમોટી અસ્મિતાઓને એક હદ પછી અખરે છે. આ અસ્મિતાઓ અસ્વાભાવિક નથી, અને એમને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકૃત ધોરણે ગોળબંદ કરવાની પ્રક્રિયા વિપરીતપરિણામી અનુભવાતી રહી છે.

ઉલટ પક્ષે, ભારત કહેતાં જે વૈવિધ્યસમાસનું વ્યાપક ચિત્ર આપણી સામે આવે છે એમાં નાનાવિધ અસ્મિતાઓને ગોઠવાવું ફાવે છે. સ્વદેશવત્સલ સૌ હોઈ શકે છે, પણ ખાસ પ્રકારના ‘રાષ્ટ્ર’વાદી ઢાંચામાં સૌ સમાઈ શકતા નથી.

લાંબી ચર્ચાને અહીં અવકાશ નથી અને જેઓ ચૂંટણીમાં પડ્યા છે તેમ જ ચોક્કસ રંગે રંગાયેલા છે એમને ચાલુ અઠવાડિયે આ બધી સૂક્ષ્મ ચર્ચાની તૈયારી નયે હોય. એટલું જ કહીશું અહીં માત્ર કે રાષ્ટ્રકવિ રવીન્દ્રનાથ અને રાષ્ટ્રપિતા ગાંધી ‘રાષ્ટ્રવાદી’ નહોતા તે સમજીએ તો બેડો પાર.

ઓવર ટુ રાયસીના હિલ્સ!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 મે 2024

Loading

સજુ એ રાત તનમનથી !!

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|30 May 2024

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી  હમણાં  જ  ઊતરી  છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે મમળાવવી મારે અહીં  કુમાશ  કિરણોની,
જરા થોભી, ફરી ખોલું, હતી બારી જે ઝગમગતી.

અહો કેવી મધુરી સ્‍હેલ આ સંસાર સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

°

વીડિયો પ્રસ્તુતિ લીંકઃ

સ્વરાંકનઃ ભાવના દેસાઈ
https://www.youtube.com/watch?v=NdS7rgAiqFk
e.mail : ddhruva1948@yahoo.com

Loading

ભારત રત્નની પસંદગીમાં સર્વસમાવેશન અને વિવિધતા કેટલી?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 May 2024

ચંદુ મહેરિયા

વર્તમાન કેન્દ્ર સરકારે તેના કાર્યકાળના દસ વરસોમાં ‘ભારત રત્ન’ માટે દસ મહાનુભાવોની પસંદગી કરી છે. તેમાં પણ ૨૦૧૯ અને ૨૦૨૪ના ચૂંટણી વરસોમાં અનુક્રમે ૩ અને ૫ ભારતરત્ન આપ્યા છે. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ચૂંટણીની હારજીતનું કારણ પણ બની શકે, તે હદે ભારત રત્ન અને પદ્મ એવોર્ડનું રાજનીતિકરણ થયું લાગે છે. ૧૯૫૪માં આરંભાયેલ ભારત રત્ન સન્માનને સિત્તેર વરસો થયાં. આ સિત્તેર વરસોમાં ૫૩ મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. દર વરસે ૩ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય તેવો નિયમ છે. એ હિસાબે ૭૦ વરસોમાં તો ૨૧૦ ભારત રત્ન અપાવા જોઈતા હતા. પરંતુ તેના ચોથા ભાગના (૫૩) જ અપાયા છે. એટલે પ્રશ્ન થાય કે શું આપણે ભારત રત્નની બાબતમાં દરિદ્ર છીએ?  કે કોઈ બીજાં કારણો છે? તેની સાથે જ ભારતની વિવિધતા અને સર્વસમાવેશન ભારત રત્નની પસંદગીમાં દેખાય છે કે કેમ? તે પણ વિચારણીય મુદ્દો છે.

૧૯૫૪થી ૨૦૨૪ સુધીના ૭૦ પૈકી ૨૭ વરસ જ ભારત રત્ન અપાયા છે અને ૪૩ વરસ તે અપાયા નથી. નિયમાનુસાર વરસે ત્રણ ને બદલે ઓછા ભારત રત્ન માટે પસંદગી થઈ છે એ તો ખરું પણ નિયમને તાક પર મૂકીને ૧૯૯૯માં ચાર અને ૨૦૨૪માં પાંચ વ્યક્તિઓને સાગમટા આપવામાં આવ્યા છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશથી દેશને સૌથી વધુ ભારત રત્ન મળ્યા છે, તો તમિલનાડુ અને મહારાષ્ટ્ર્ બીજા ક્રમે છે. માનવ પ્રયત્નના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ કે સર્વોચ્ચ સ્તરની કામગીરી કે સેવા માટે ભારત રત્નનું સન્માન આપવામાં આવે છે. તેની પસંદગી માટે કોઈ ઔપચારિક સમિતિ હોતી નથી, પરંતુ વડા પ્રધાન જ નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. ૫૩માંથી ૨૩ ભારત રત્ન તો રાજનેતાઓ લાભ્યા છે એટલે ભૂવો ધૂણે તો … નો ઘાટ છે.

બંધારણના અનુચ્છેદ ૧૮(૧) મુજબ ભારત રત્ન આપવામાં આવે છે. તેમાં કોઈ નાણાં આપવામાં આવતા નથી. પરંતુ કેટલીક સગવડો મળે છે. પ્રોટોકોલમાં સાતમું સ્થાન ભારત રત્ન સન્માનિતનું રાખવામાં આવ્યું છે. રેલવે અને હવાઈ મુસાફરી નિ:શુલ્ક કરી શકાય છે. તેઓ રાજ્યના મહેમાનનો દરજ્જો ધરાવતા હોઈ તેમને રહેવા-જમવા-ફરવાની મફત સગવડ મળે છે. તેમની નિયમ મુજબની સલામતીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે છે. સરકારી કાર્યક્રમોમાં તેઓને નિમંત્રણ મળે છે. કેબિનેટ મંત્રીનો વી.આઈ.પી. દરજ્જો અને આવક વેરામાંથી મુક્તિનો લાભ મળે છે. ભારત રત્નથી સન્માનિત થયેલ વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ ભારત રત્ન એવું લખી શકતી નથી. જો કે વિઝિટિંગ કાર્ડ, બાયોડેટા, લેટર હેડમાં તે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા એવું લખી શકે છે!

આરંભે ભારત રત્ન હયાત વ્યક્તિઓને આપવામાં આવતો હતો. પછી તેમાં સુધારો કરીને તે મરણોત્તર પણ આપવાનો શરૂ કર્યો છે. પહેલાં તેમાં મર્યાદિત ક્ષેત્રો નિર્ધારિત હતા. તેમાં પણ સુધારો કરીને કોઈ પણ ક્ષેત્રની  ઉચ્ચતમ કક્ષા માટે આપવાનું નક્કી કર્યું છે. દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન વિવાદોથી જરા ય પર નથી. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારે ભારત રત્ન સહિતના પદ્મ સન્માનોને બિનજરૂરી ગણાવી જુલાઈ ૧૯૭૭ થી જાન્યુઆરી ૧૯૮૦ સુધી તે આપવાના બંધ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં ભારત રત્નની બંધારણીયતા અને જરૂરિયાતને જાહેર હિતની અરજીઓથી પડકારવામાં આવતા બે ત્રણ વરસો તે સ્થગિત કરવામાં આવ્યા હતા.

પદ્મ સન્માનોને ફાલતુ ગણાવી પોતાના વડા પ્રધાનના કાળમાં તે બંધ કરી દેનાર મોરારજી દેસાઈએ ૧૯૯૧માં ભારત રત્ન સ્વીકાર્યો હતો. ભારત રત્નની અનૌપચારિક પસંદગી સમિતિના સભ્ય હોઈ અબુલ કલામ આઝાદે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ ખુદની ભલામણથી આપવામાં આવતું ભારત રત્ન સન્માન નહેરુ પિતા-પુત્રીએ તેમના પ્રધાન મંત્રીત્વના કાળમા જ મેળવી લીધું હતું. ક્રિકેટર સચિન તેંદુલકરને માત્ર ૪૦ વરસે અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને શતાયુ ટાણે આ સન્માન મળ્યું હતું. સામાન્ય રીતે ભારત રત્ન અલંકરણ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. તેમાં એક માત્ર અપવાદ ઘોંડો કેશવ કર્વે છે. ૧૯૫૮માં દિલ્હીની બહાર મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત રત્નથી સન્માનિતોની સૂચિ પર નજર કરતાં જણાય છે કે દેશમાં મહિલાઓની વસ્તી અડધોઅડધ છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાંચ મહિલાઓને જ તે વર્યો છે. ભારતની હિંદુ સમાજ્વ્યવસ્થાની ટોચે રહેલા બ્રાહ્મણોને ફાળે ૬૫ ટકા ભારત રત્ન બોલે છે. એક દલિતને તો તે મળ્યો છે, પરંતુ દેશના આદિનિવાસી ગણાતા અને દેશની કુલ વસ્તીમાં ૧૨થી ૧૫ કરોડ એવા આદિવાસીમાંથી હજુ કોઈ ભારત રત્નને પાત્ર ઠર્યો નથી. હિંદુ સિવાયના ભારત રત્નમાં ૫ મુસ્લિમ અને એક-એક જ પારસી-ખ્રિસ્તી-સિંધી છે. એટલે ભારત રત્નની પસંદગીમાં સર્વ સમાવેશન અને દેશની વિવિધતા ઓછી જણાય છે.

રાજનીતિ અને વિચારધારાના આધારે પણ ભારત રત્નની પસંદગી થાય છે. કેટલાક રાજકીય વિષ્લેષકો કાઁગ્રેસે ભારત રત્ન માટે પસંદ કરેલા બ્રાહ્મણોને ધર્મ નિરપેક્ષ અને  જમણેરી સરકારોએ પસંદ કરેલાને હિંદુત્વવાદી બ્રાહ્મણો ગણાવે છે. ૨૦૦૧માં વાજપાઈ સરકારે વિનાયક સાવરકરને ભારત રત્ન આપવા ભલામણ કરી હતી. પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે તે સ્વીકારી નહોતી. કાશી અને બનારસ વિદ્યાપીઠોના સહસ્થાપક કેળવણીકાર ભગવાન દાસને તો ૧૯૫૫માં ભારત રત્ન મળી ગયો હતો. પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવિયાને આ સન્માન છેક ૨૦૧૫માં નરેન્દ્ર  મોદીના વડા પ્રધાન બન્યા પછી મળ્યું છે. સરદાર પટેલને તેમના અવસાનના ૪૧ વરસો બાદ અને ડો. આંબેડકરને ૩૪ વરસો બાદ, તેમની રાજકીય વિચારધારાના વળની સરકારોએ ભારત રત્નથી નવાજ્યા હતા. મધર ટેરેસા અને અમર્ત્ય સેનને નોબેલ પછી અને સત્યજિત રે ને ઓસ્કાર પછી ભારત રત્નનું સન્માન મળ્યું છે. હજુ એકેય સામ્યવાદીને આ સન્માન મળ્યું નથી. કર્પૂરી ઠાકુર પૂર્વે સામાજિક ન્યાય અને પછાત વર્ગો માટે અનામતનો અમલ  કરી ચૂકેલા કરુણાનિધિ આ સન્માનથી વંચિત છે. એવું જ બંગાળના દીર્ઘ કાળ સુધી મુખ્ય મંત્રી રહેલા જ્યોતિ બસુ અંગે કહી શકાય. .

ચૂંટણીકારણ ભારત રત્નની પસંદગી બનતાં તેનું મૂલ્ય ઘટ્યું છે. બીજા અનેકની જેમ આ ક્ષેત્ર પણ રાજનીતિથી દૂષિત બન્યું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જવાબદાર છે.

e.mail: maheriyachandu@gmail.com

Loading

...102030...719720721722...730740750...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved