Opinion Magazine
Number of visits: 9741467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …

સોનલ પરીખ|Opinion - Opinion|9 June 2024

રંગો અને ઝળહળાટનો ઉત્સવ બહુ દૂર નથી ત્યારે યાદ આવે છે સર્જકતા અને પ્રેમની અંદર-બહારનાં વિશ્વોની સફર કરાવતું એક કથાનક, એક ફિલ્મ અને એક કલાકાર. ટૂંકમાં ૧૯મી સદીમાં થઈ ગયેલા ચિત્રકારના જીવન ઉપર પ્રકાશ પાડતી રણજીત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ને આધારે બનેલી કેતન મહેતા દિગ્દર્શિત ‘રંગરસિયા’ ફિલ્મ. વાત કરવી છે ફિલ્મમાં નિરુપાયેલા સનાતન દ્વંદ્વોની, શાશ્વત યુગ્મોની અને એના વડે બનેલી જિંદગીની.

શરૂઆત રાજા રવિ વર્મા પર અદાલતમાં ચાલતા કેસથી થાય છે. જજ પૂછે છે, ‘તમારા પર મુકાયેલા અશ્લીલતા, અનૈતિકતા અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપનો તમે સ્વીકાર કરો છો?’ ‘નહીં.’ તે શાંત સ્વરે કહે છે. ‘કાયદો જાણો છો?’ ‘આપ જેટલી કલાને જાણો છો તેટલો જાણું છું.’

અદાલતનાં દૃશ્યો અને ફ્લેશબેકનું સમાંતરે ચાલવું આપણને બતાવે છે કે બાળક રવિની કલા જોઈ રાજા તેને આશ્રય આપે છે, રંગો અને રેખાઓ વચ્ચે તે યુવાન થાય છે ને રાજકુટુંબની કન્યાને પરણે છે. અછૂત દાસીની ભંગિમા જોઈ બનાવેલા એક ચિત્રને આંતરરાષ્ટ્રીય ઈનામ મળે છે. ‘રાજા’નું બિરુદ અને આશ્રય આપનાર રાજાનું અવસાન થતાં દીવાન તેને મુંબઈ લઈ આવે છે, ‘આ સ્વપ્નનગરી છે. અહીં પ્રતિભાની કદર છે. તું બસ કામે લાગી જા.’ એક મંદિરમાં તેને એક સુંદર, નિષ્પાપ યુવતી દેખાય છે. રાતભર જાગીને બનાવેલા સ્કેચ લઈ બીજે દિવસે રવિ એ યુવતી સુગંધાને આપે છે. બીજે દિવસે એ સ્કેચ લઈ સુગંધા રવિ પાસે જાય છે. જાણે મુલાકાત નક્કી હોય તેમ રવિ ચિત્ર બનાવવા તૈયાર છે, એને બેસાડીને કહે છે, ‘સરસ્વતીથી શરૂ કરીશું. જ્ઞાન અને કલાની દેવી.’ ‘મને શું ખબર દેવી કેવી હોય?’ ‘હું બતાવું.’ કહી એ દીવો કરે છે, સુગંધાની આરતી ઉતારે છે, એના ચરણે ફૂલો ધરે છે, વંદન કરે છે, તેના પગનો પંજો કોમળતાથી-આદરથી પોતાની હથેળી પર લઈ બીજા પગ પર ગોઠવી આપે છે અને સર્જાય છે વર્ષોથી આપણે મા સરસ્વતી તરીકે જેની પૂજા કરીએ છીએ એ સરસ્વતી દેવીનું ચિત્ર : લાલ ચોળી, સફેદ સાડી, છૂટા વાળ, માથે મુકુટ, હાથમાં વીણા. સુગંધા વેશ્યા છે, એક શ્રીમંતની રખાત છે. કહે છે, ‘તું મારા વિશે કશું જાણતો નથી,’ રવિ ચિત્ર પરથી આંખ હટાવ્યા વિના કહે છે, ‘જેટલું જાણું છું, મારા માટે પૂરતું છે.’

અને સફર શરૂ થાય છે – કલાકાર અને પ્રેરણામૂર્તિ વચ્ચેના અનુબંધની. સુગંધાને ખબર છે કે પોતે કલાકારની પ્રેરણા હોઈ શકે, પ્રિયતમા કદાચ નથી, પણ તેનું મન એ સ્વીકારવા તૈયાર નથી. આ બાજુ વડોદરાના મહારાજાનું તેડું આવે છે ને રવિની જિંદગીનો નવો અધ્યાય શરૂ થાય છે. ભારતનું સંસ્કૃતિધન આલેખવા આતુર રવિને મહારાજા દેશાટન પર મોકલે છે અને રવિ ચિત્રોનો ફાલ ઉતારે છે – રામાયણ-મહાભારતની વાર્તાઓ, દેવીદેવતાઓ. વિશાળ ચિત્રખંડની દીવાલો ઢંકાતી આવે છે.

કલાપ્રદર્શન આમજનતા માટે ખુલ્લું મુકાય છે. લોકો ઊમટે છે, મંદિરમાં પ્રવેશી ન શકતા દલિતો ભાવવિભોર થઈ રવિનાં ચિત્રોમાં સાક્ષાત ભગવાન જોઈ આળોટી પડે છે. રવિને એક પ્રતિભાશાળી સાથી પણ મળ્યો છે, ધુંડીરામ ફાળકે. લોકપ્રિયતા, ધન, પ્રતિષ્ઠા ને સફળતાની ટોચે પહોંચેલો રવિ જર્મન પ્રિન્ટર ફિશ લાઈઝર સાથે પ્રેસ શરૂ કરે છે અને તેનાં ચિત્રોનાં હજારો લિથોગ્રાફ ભારતના ઘરેઘરમાં ને વિદેશમાં પણ પહોંચવા લાગે છે.

પણ ક્યારેક તે ઉદાસીમાં ડૂબી જાય છે. સુગંધા કારણ પૂછે છે ત્યારે તે કહે છે, ‘આકાશમાં ઊડી જતી ઉર્વશી અને તેનું સરી જતું વસ્ત્ર પકડતો પુરુરવા – સુગંધા, આ પળનું ચિત્ર મારે બનાવવું છે. આવાં ઘણાં ચિત્રો મનમાં છે, પણ કદી નહીં બનાવી શકું. મોડેલ કોણ બનશે? આપણે, પોતાના સત્યને ઓળખતાં ડરીએ છીએ. ખરેખર તો આઝાદ થતાં ડરીએ છીએ. આપણી કલ્પના પણ ડરના કિલ્લામાં કેદ છે …’ વાક્ય પૂરું થાય એ પહેલા સુગંધા ખુલ્લા ખભા પરથી સાડી સરકાવી દઈ જવાની મુદ્રામાં ઊભી રહે છે. અત્યંત આતુરતા અને અધીરાઈથી કલાકાર ઈઝલ પર કાગળ મૂકે છે અને અર્ધ-અનાવૃત્ત ઉર્વશીનાં ત્રણ ચિત્ર તૈયાર થાય છે. ચિત્રો પૂરાં થતાં પ્રસન્નતૃપ્ત કલાકારમાં રહેલો પુરુષ હણહણે છે અને અદમ્ય તલસાટભરી સુગંધાને પોતાનામાં સમાવી લે છે.

પછીના દૃશ્યમાં સુગંધાનું વાસ્તવ છે. શરીર પર અને સાડી પર રંગરંગના ધાબાં લઈ સુગંધા ઘરમાં પ્રવેશે છે. એનો શેઠ ધમકીભરી આંખો બતાવતો ચાલ્યો જાય છે. અર્થાત, ગરીબીની શરૂઆત. વાસ્તવ રવિનું પણ છે. એના પ્રેસમાં આગ લાગે છે. એ જીવના જોખમે થોડાં ચિત્રો બચાવી લે છે, પણ ખૂબ નુકસાન થયું છે. વાસ્તવ દેશનું પણ છે. પ્લેગની મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. બ્રિટિશ શાસકો સ્વાતંત્ર્યવીરોને કચડી રહ્યા છે. ધર્માચાર્ય ગણાતા શાસ્ત્રીજી પ્લેગને રવિ વર્માના વેશ્યાને દેવી વનાવી તેનાં નગ્ન ચિત્રો બનાવવાના પાપનું પરિણામ સાબિત કરવા કટિબદ્ધ છે. ઉશ્કેરાયેલા લોકો રવિને માર મારે છે. રવિની આંખોમાં સ્વપ્નનો ધુમાડો ઊડે છે પણ તેની છાતી સાબૂત છે.

આ બાજુ ઉર્વશીનાં ચિત્રોની પ્રિન્ટ્સ ખૂબ ઊપડે છે. હજામો ગ્રાહકોને આકર્ષવા દુકાનોમાં ઉર્વશીનાં ચિત્રો રાખવા લાગ્યા છે. સુગંધાની અશ્લીલ મશ્કરીઓ થવા લાગી છે. કલાની, પ્રેમની, સર્જનની દિવ્ય પળોનું આવું અવમૂલ્યન? આહત સુગંધા રવિ પાસે જાય છે અને કહે છે, ‘મને કૉર્ટમાં બોલાવી છે, આબરુનાં ચીંથરાં ઊડી ગયાં છે. તેં કદી વિચાર્યું છે કે મારું શું થશે?’

રવિનું પ્રેસ વેચાઈ ગયું છે, ઉંમર અકાળે વધી ગઈ છે, અદાલતમાં કેસ ચાલે છે. બધી બાજુથી ઘેરાયેલો એ સુગંધાને કહી દે છે, ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …’

‘હું છું જ નહીં?’ કલાકાર કલ્પનાના વાસ્તવમાં જેને સર્વસ્વ સમજતો હોય તેને એ વાસ્તવની બહાર ઓળખવાનો ઈનકાર કરી શકે – પણ પોતાને દેવીના આસને બેસાડનારા અને ઉત્કટ ક્ષણોમાં એકાકાર થઈ જનારા કલાકારના સર્જકઆવેગ અને પુરુષઆવેગને રોમેરોમે અનુભવી ચૂકેલી સુગંધા પોતાના કશું ન હોવાને કેવી રીતે સ્વીકારી શકે?

તે ભાંગી પડે છે, પણ અદાલતમાં કહે છે, ‘રાજા રવિ વર્મા સાચો કલાકાર છે. તમે, હું કોઈ નહીં રહીએ, પણ તેની કલા હંમેશાં જીવશે અને તેના માધ્યમથી હું પણ.’ અને ઘેર જઈ પથારીમાં તૂટી પડે છે. આ બાજુ રાજા રવિ વર્મા અદાલતમાં કહે છે, ‘કલાનું સત્ય નક્કી કરનારા તમે બધા છો કોણ? કામસૂત્ર અને ખજૂરાહોનાં શિલ્પોનો આદર કરનારી ભારતની સંસ્કૃતિ એક અર્ધખુલ્લા શરીરને જોઈ ભાંગી જાય એટલી નબળી નથી. પણ મને દેખાય છે એક છેતરાયેલી સ્ત્રી. પોતા દ્વારા, પુરુષ દ્વારા, સમાજ દ્વારા, સંસ્કૃતિ દ્વારા,  સ્વયં દેવતાઓ દ્વારા સતત છેતરાતી રહેલી સ્ત્રીના આપણે બધા અપરાધી છીએ.’

રવિ વર્માને મુક્ત કરવામાં આવે છે. સુગંધા ગળે ફાંસો ખાઈ જીવન-મુક્ત થઈ ચૂકી છે. કલા અને પ્રેરણા, સર્જકતા અને પ્રેમ, વાસ્તવ અને સત્ય, પુરુષ અને સ્ત્રીનાં દ્વંદ્વોએ ઊઠાવેલા પ્રશ્નો અંતે અનુત્તર રહી ગયા છે.

એક પ્રશ્ન મનમાં ઊઠે છે;  જેનો ઉત્તર છે પણ, નથી પણ. જો સ્ત્રી કલાકાર હોય, જો પુરુષ તેની પ્રેરણા હોય અને જો કોઈ તબક્કે એ તેને એમ કહે કે ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં…’ તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 નવેમ્બર  2023

Loading

ચૂંટણી 2024: બહુમતની સરકારની આદત નેવે મૂકી ગઠબંધનનો સંપ કેળવવાનું ફાવશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 June 2024

અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું

ચિરંતના ભટ્ટ

આપણી ચૂંટણીનાં પરિણામો મોટા ભાગનાં લોકોએ ધાર્યા હતા એના કરતાં તદ્દન જુદાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જીત્યા ખરા, એટલે કે ભા.જ.પા.ની ત્રીજી વાર જીત થઇ પણ એવી રીતે નહીં જેવી રીતે તેમણે ધારી હતી. સરળતાથી જીત મળી જશે એમ ધારનારી ભા.જ.પા. માટે આ જંગ રસાકસી વાળી હતી એવું પરિણામ જાહેર થયા પછી ખબર પડી. ચારસો પારના દાવાના શોરબકોર વચ્ચે હવે ભા.જ.પા.એ બહુમત વિનાની ગઠબંધન સરકાર બનાવવાનો વારો આવ્યો છે.  ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અને પછી 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવાની આદત પડી ગઇ હોય પછી હમણાં જે પરિણામ આવ્યું છે તે વડા પ્રધાન માટે એક અંગત ઝટકો છે.

રેસમાં દોડવાનું શરૂ કરીએ ત્યારે જે જોર હોય એ દર વખતની રેસમાં રહે એવું ન બને. વળી બહુમતીનો નશો હોય ત્યારે વધુ પડતો આત્મવિશ્વાસ ઘણી બધી વાસ્તવિકતાઓ ધુંધળી બનાવી દે એવું ય થઇ શકે છે.

લોકશાહી દેશના નાગરિકોએ નેરન્દ્ર મોદીના હાથમાં પૂરેપૂરી સત્તા સોંપી અને એ પણ એક-બે વર્ષ નહીં પણ પૂરાં દસ વર્ષ માટે. આ દસકામાં નાગરિકોએ પોતાની રીતે નાણી લીધું, આકલન કરી લીધું કે જ્યારે કોઇ એક જ વ્યક્તિના હાથમાં બધું જ સોંપી દેવાય ત્યારે શું થઇ શકે છે. બહુમતીની સરકારે રામ મંદિર બનાવ્યું તેની સાથે એક પક્ષની એક જ વ્યક્તિનું કદ સતત વધારવાનું કામ પણ કર્યું. દરેક સિદ્ધિ સાથે એક માણસનું નામ જોડવામાં આવ્યું તે કોઇ માળખાકીય કામગીરી હોય કે પછી કોઇ બીજું લક્ષ્ય પાર કર્યું હોય. આ વ્યક્તિ-પૂજા એ હદે ચાલી કે લોકોએ એવી પણ રમૂજ કરી કે ઑલિમ્પિક્સમાં જીતનારાઓની તસવીર સામે વડા પ્રધાનની તસવીર મોટી મુકવામાં આવશે. અહીં વાત માત્ર માર્કેટિંગની નથી પણ કેન્દ્રનું નિયંત્રણ વધે એવા કાયદા પસાર કરવામાં આવ્યા, 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો ચૂંટણી પંચના મુખ્ય અધિકારી કોણ હોઇ શકે એ નક્કી કરવામાં પણ કેન્દ્ર સરકારે ભાગ ભજવ્યો. આ પહેલાંની ટર્મમાં જી.એસ.ટી., નોટબંધી, 370ની કલમ ખસેડી લેવી જેવાં બીજા ફેરફારો પણ લાદવામાં આવ્યા. જી.એસ.ટી.ને મામલે લાંબુ વિચાર્યા વિના કાચું કપાયું તો નોટબંધીનો એક તસુભાર જેટલો લાભ નથી થયો એ તો ચૂંટણી ટાણે ઠેર ઠેરથી જે રીતે રોકડા પકડાયા એની પરથી જ સાબિત થઇ જાય છે. બહુમત સરકારમાં એક જ જણનો મત ચાલ્યો અને અર્થતંત્ર હખળડખળ થઇ ગયું. એટલું ઓછું હોય એમ ઇલેક્ટોરલ બોન્ડ્ઝનું તૂત ખડું કરાયું – એ ઇલેક્ટોરલ બોન્ડ્ઝ આખરે તો ખંડણી વસૂલીનો જ એક રસ્તો હતો. નૈતિકતાની વાત કરનારા ભા.જ.પા.એ જ્યારે જ્યારે બીજા પક્ષમાંથી નેતાઓ તોડ્યા ત્યારે એ બધાં જ અમાસના અંધારા જેટલો ભ્રષ્ટાચાર કરીને બેઠેલાઓની જ પસંદગી કરી. તમે સત્તા પર હો, ચૂંટણી લડવાના હો ત્યારે વગર વિચાર્યે લોકોને શેર માર્કેટમાં રોકાણ કરવાની બિંધાસ્ત સલાહ આપવાની હિંમત કરવી કોઇ કૌભાંડથી કમ નથી. કારણ કે તમારી ‘ભક્તિ’માં લીન લોકો પૈસા રોકવાના જ છે અને પછી હેરાન પણ થવાના છે. કૃત્રિમ રીતે સ્ટોક માર્કેટ કેટલી ઝડપથી ઉપર ગયું અને પછી સડસડાટ નીચે આવ્યું એ તો આપણે બધાંએ જોયું જ છે.

વળી ધ્રુવીકરણ અને હિંદુત્વનું કાર્ડ તો આ સરકારની મનગમતી ચાલ રહી છે. મુસલમાનોને છેટાં રાખવાનો અભિગમ સપાટી નીચે સતત રખાયો અને અણીને વખતે સપાટી પર પણ આવી ગયો. મુસલમાનોએ કાઁગ્રેસ તરફી વલણ રાખ્યું તેની પાછળ બીજા બધાં કારણો પછી પણ ડર અને અસલામતી સૌથી પહેલાં હતા. બિનસાંપ્રદાયિક લોકશાહીમાં આ વૈમનસ્યની તાણ નાગરિકો ન સંભાળી શકે. ટૂંકમાં શક્ય હોય ત્યાં બધે જ બધું જ કાબૂમાં કરવાનો અને એ પણ સમાંતર – પેલી ઑસ્કાર જીતેલી ફિલ્મ ‘એવ્રીથિંગ એવ્રીવ્હેર ઑલ એટ વન્સ’ના ટાઇટલની માફક – બધા જ પ્રયાસ-પ્રહાર એક સાથે કરવામાં આવ્યા.

વડા પ્રધાન એકમેવ ભા.જ.પા.નો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હોય એ રીતે ‘નેરેટિવ’ ચલાવાયું, નવા લોકો લવાયા, જૂનાઓને બેકસ્ટેજમાં મુકાયા, વગેરે. ભા.જ.પા.ના પ્રચારના કેન્દ્રમાં હંમેશાં નરેન્દ્ર મોદીને જ રખાયા પણ કમનસીબે ધાર્યું ન થયું. હિંદુ મતદાતાઓને પણ ભા.જ.પા.ના હિંદુ બહુમતવાળી વાત એક હદ પછી ગળે ઊતરતી બંધ થઇ ગઇ.  બહુમતીની સરકારને મામલે અગાઉ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ નિષ્ફળ ગયાં છે. ટૂંકમાં બહુમતીની સરકાર કોઇની પણ હોય પણ તે લોકશાહી રાષ્ટ્રના નાગરિકોને એક હદ પછી ગુંગળાવે છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભલભલાં મોટાં માથાઓને યાદ કરાવે છે કે લોકશાહીની શક્તિ શું હોય છે.

લોકશાહીનું અમૃત જેણે ચાખ્યું હોય એવા રાષ્ટ્રમાં બહુમતીની સરકાર એકચક્રી શાસન બનવા માંડે એટલે તેનો અંત દેખાવા માંડે. બહુમતની સરકારને બંધારણ બદલવામાં રસ હોય ત્યારે એમ કરવામાં કોઇ અવરોધો આવે તો એમને જરા ય ચાલતું નથી. લોકશાહી દેશમાં એવી સરકાર હોય જેને ચર્ચા-વિચારણામાં રસ ન હોય, વળી એમ માનતી હોય કે કોઇના પણ ટેકા વગર બંધારણમાં ફેરબદલ કરી શકે છે ત્યારે એ સરકારના સુકાનીઓએ પોરો ખાવાની અને આત્મવિશ્લેષણ કરવાની જરૂર હોય છે. બહુમતની સરકારમાં એક પ્રભાવી નેતા, સંસાધનો અને કોમ્યુનિકેશન પર કાબૂ, નબળો વિરોધ પક્ષ અને સંગઠનવાળી વ્યવસ્થા જેવા લક્ષણો હોય છે પણ આ તમામની સાથે ઓછી થતી સ્વતંત્રતા પણ બહુમતની સરકારની જ એક દેન છે. ભૂતકાળમાં જ્યારે કાઁગ્રેસનું શાસન હતું ત્યારે પણ બહુમત સરકારના પ્રભુત્વનું જોર મતદારોએ ઘટાડ્યું જ છે.

બહુમતની સરકારે સરમુખત્યારશાહીની સીમા ઓળંગવાની ભૂલ ન કરવી જોઇએ પણ મોટે ભાગે કરી જ બેસે છે. હવે ભા.જ.પા.એ ગઠબંધનની સરકાર બનાવવાના દિવસો આવ્યા છે ત્યારે એકમેવ શાસકની માફક અત્યાર સુધી સત્તા સંભાળનારા નરેન્દ્ર મોદી માટે એમ કરવું સરળ હશે ખરું? આ સવાલ માત્ર નરેન્દ્ર મોદી નહીં પણ અમિત શાહ માટે પણ થાય. ગઠબંધનની સરકારમાં અહમ્‌ને સૌથી પહેલાં બાજુએ મુકવો પડે અને બીજાઓને, તમને ટેકો આપનારાઓને સાંભળવા પડે, એમના અભિપ્રાયોને ગણતરીમાં લેવા પડે.

ભલે ભા.જ.પા.એ બહુમતી માટે પૂરતી બેઠકો પર જીત નથી મેળવી છતાં પણ NDAએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને જ વડા પ્રધાન બનાવવા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સત્તામાં રહેવા માટે નરેન્દ્ર મોદીને તેલુગુ દેસમ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડમાંથી 28 સાંસદોનો ટેકો જોઇએ છે. આ પક્ષના નેતાઓ છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર. આ બંન્ને નેતાઓ વાટાઘાટ કરવામાં અવ્વલ છે અને અનેકવાર ગઠબંધનો બદલી ચૂક્યા છે.

બહુમતની આદતવાળા વડા પ્રધાન મોદીએ આ પહેલાં ગઠબંધનની સરકાર રચી નથી અને ટેકેદાર પક્ષો સાથેના તેમના સંબંધો હંમેશાં અનુકૂળ નથી રહ્યા. જ્યારે બહુમતીની સરકાર રચાઇ હતી ત્યારે આ પક્ષો સાથે સારાસારી રાખવામાં મોદીએ બહુ મહેનત નહોતી કરી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બન્ને વિશે એલફેલ બોલવામાં પણ એમણે કંઇ બાકી નહોતું રાખ્યું. અકાલી દળે ખેડૂતોના મુદ્દે અને શિવ સેનાએ પણ સત્તાને મામલે ભેદભાવ થતા ભા.જ.પા. સાથે છેડો ફાડ્યો છે કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બધી વાતે સંમત થવાનું તેમને માટે શક્ય નહોતું.  કેન્દ્રમાં બેઠેલા નરેન્દ્ર મોદી કેન્દ્રની માફક જ વર્ત્યા છે અને ઘણીવાર પોતાના મંત્રીઓને બાજુમાં રાખીને સીધા સરકારી અધિકારીઓ સાથે વહેવાર કરી ચૂક્યા છે. તેમણે અનેકવાર બીજાઓને સાંકળ્યા વિના અથવા જાણ કર્યા વિના સીધેસીધા નિર્ણયો લઇ લીધા હોવાના પણ બનાવો છે.

હવે વડા પ્રધાન રહેવું હશે તો નરેન્દ્ર મોદીએ તેલુગુ દેસમ અને જનતા દળ યુનાઈટેડ જેવા ટેકેદાર પક્ષોની માગણીઓને પણ સમાવવી પડશે. અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું. જો એમ નહીં કરે તો આગલા પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર રાખવી સહેલું નહીં હોય.

ત્રીજી ટર્મ ઘણા નેતાઓ માટે પડકાર જનક સાબિત થઇ છે. નહીં ધારેલા સંજોગોમાં સરકારો પડી ભાંગી છે અને ભલભલી યોજનાઓ રફેદફે થઇ ગઇ છે. મનસ્વી અભિગમને બાજુમાં મૂકીને ખરા અર્થમાં અન્યોના ટેકાથી સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદી કેટલા સફળ થશે એ જોવું રહ્યું.

બાય ધી વેઃ 

ભા.જ.પા.ની ટિકિટ લઇને મંડીથી ચૂંટણી જીતેલી અભિનેત્રી કંગના રણૌતને ચંદીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી કર્મચારીએ લાફો ચોડી આપ્યો, મુદ્દો હતો કંગનાએ કિસાન આંદોલન વખતે કરેલી ટિપ્પણી. નવીસવી સાંસદ બનેલી અભિનેત્રીએ ચોખવટ કરતો વીડિયો પણ મુક્યો. જોવાનું એ છે કે તમે સાહેબની નજીક હો એ તમારી લાયકાત નથી બનતી એવું કંગના રણૌતને સાંસદ બન્યાના અડતાળીસ કલાકમાં સમજાઇ ગયું. આ ઘટનામાંથી એટલું સમજી લેવું કે વાહવાહી કરનારાઓનો અવાજ સાંભળીને બેરોજગારી, અરાજકતા, ધ્રુવીકરણને લીધે થતી સમસ્યાઓ જેવા પ્રશ્નોના ઘોંઘાટની અવગણના કરવા જશું તો ગાલે તમાચો જ પડશે. લોકોની યાદશક્તિ ટૂંકી નથી હોતી. જે લોકો પીડાય છે તેમને પોતાની પીડા યાદ રહે છે. હિંદુવાદનું પાનું ઊતરવાથી હંમેશાં લોકોને જીતી નથી શકાતા. વળી, અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું એ વાત યાદ રાખીને શાલીનતા, સજ્જનતા, નમ્રતા સાથે ગઠબંધનનું માન જળવાય એ રીતે સત્તાધીશ વહેવાર કરશે તો એક લોકશાહી રાષ્ટ્રની ગરિમા જળવાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024

Loading

ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડા થોડા જીતાડ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2024

રમેશ ઓઝા

કમાલનાં પરિણામો આવ્યાં છે. માત્ર એક વ્યક્તિના અહંકારને ચકનાચૂર કરવા માટે જાણે કે ઈશ્વરની કોઈ યોજના ન હોય! બી.જે.પી. જે મોરચાનો ઘટક છે એ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સહેજે સરકાર રચી શકે એમ છે. સાદી બહુમતી તેને મળી છે. બી.જે.પી.ને ૨૪૦ બેઠકો મળી છે અને લોકસભામાં સૌથી મોટો પક્ષ છે. ૧૯૯૮ અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં બી.જે.પી.ને લોકસભામાં માત્ર ૧૮૦ બેઠકો મળી હતી. ૧૮૦ની તુલનામાં ૨૪૦ તો ઘણી મોટી સંખ્યા કહેવાય, પણ એ છતાં ય ત્યારે વાજપેયી વિજેતા હતા અને અત્યારે ૨૪૦ બેઠકો જીત્યા પછી પણ નરેન્દ્ર મોદી પરાજીત નેતા છે. વિજય કાઁગ્રેસનો થયો છે. તેની સંખ્યા લગભગ બેવડાઈ છે. કાઁગ્રેસ એક વાસ્તવિકતા તરીકે અને રાહુલ ગાંધી એક વિકલ્પ તરીકે સ્થાપિત થયાં છે. વિજય અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સ્તાલીનનો થયો છે. આ ચૂંટણીમાં શરમજનક પરાજય થયો છે નરેન્દ્ર મોદીનો, અમિત શાહનો અને યોગી આદિત્યનાથનો. તેમની આખલાઉધમ મચાવનારી રાજકીય શૈલીનો.

એક વાત નક્કી છે કે હવે પછી એ માણસ એ માણસ નહીં હોય જે ૩જી જૂન ૨૦૨૪ સુધી જોવા મળતો હતો. ચોથી જૂને પરિણામ આવ્યાં એ પછી પક્ષના કાર્યાલયમાં તેમને બોલતા સાંભળ્યા? તેમનો ચહેરો જોયો? ચહેરા પર ગર્વખંડનની વેદના સ્પષ્ટ નજરે પડતી હતી. ચહેરો વગર આંસુએ રડતો હતો. તેમણે કહેવું પડ્યું હતું કે બિહારમાં નીતીશબાબુના નેતૃત્વમાં એન.ડી.એ.ને વિજય પ્રાપ્ત થયો હતો. બીજાનો યશ આંચકી જનાર મોદીસાહેબને એ માણસને વિજયનો યશ આપવો પડ્યો હતો જે તેમને દીઠ્યો ગમતો નથી. તેમણે તેમનાં ભાષણમાં આંધ્ર પ્રદેશના તેલગુ દેશમ પાર્ટીના નેતા ચન્દ્રાબાબુ નાયડુને વિજયનો શ્રેય આપવો પડ્યો હતો. આનું કારણ એ છે કે આ બે માણસના હાથમાં ટ્રમ્પકાર્ડ છે. જો ત્રીજી વખત વડા પ્રધાન બનવું હોય તો આ બે જણને રાજી કરવા જરૂરી છે. મને આજે રમેશ પારેખની આલા ખાચર સીરીઝની કવિતાઓની યાદ આવે છે. જેમણે ન વાંચી હોય એ વાંચી જાય.

અભિમાન રાજા રાવણનું પણ ટક્યું નહોતું, પણ આ ત્રણ લોકોને એમ લાગતું હતું કે મૃત્યુપર્યંત કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. કોઈ બહુ પ્રભાવ ધરાવે છે? સતાવો અને નાખો જેલમાં. કોઈ નીડરતાપૂર્વક બોલે છે? કરો સંસદમાંથી બહાર. (રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રા) કોઈ પક્ષ રાજકીય શક્તિ ધરાવે છે? કરો તેના પક્ષમાં વિભાજન અને ખરીદો વિધાનસભ્યો અને તોડો સરકાર. અમે કાંઈ પણ કરીએ તમે બોલનાર કોણ? જો બોલ્યા તો ચલાવો બુલડોઝર. ઉત્તર પ્રદેશમાં તો યોગી આદિત્યનાથે બુલડોઝરનો આતંક મચાવ્યો હતો અને તેમનાં માથાભારે શાસનને નો નોનસેન્સ શાસન તરીકે ઓળખાવીને ગોદી મીડિયા આરતી ઉતારતા હતા. માટે કહેવાનું મન થાય છે કે ઈશ્વરે કંઈક એવી રચના કરી કે બધાને થોડાથોડા જીતાડ્યા, માત્ર આ ત્રણને પસંદ કરીને પરાજિત કર્યા અને તેમને તેમની જગ્યા બતાવી દીધી.

સત્ય, સંયમ, વિવેક, સભ્યતા, સંસ્કાર, નમ્રતા, મર્યાદા, સાદગી જેવા માનવીય ગુણો નબળાઈનાં લક્ષણો નથી, એકંદરે માનવીમાં હોવી જોઈતી માણસાઈનાં લક્ષણ છે. આટલી પાયાની વાત શાખાઓમાં કોઈએ શીખવી નહીં હોય? ના, નથી શીખવવામાં આવતી. શાખાઓમાં શીખવવામાં આવે છે કે સદ્દગુણ એ નબળાઈ છે. એટલે તો એ લોકો ગાંધીજી માટે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કહે છે. જે નિર્બળ હોય, મજબૂર હોય એ માણસાઈ બતાવે. આજે આટલા આટલા પ્રયત્નો પછી પણ “મજબૂર” ગાંધી મરતો નથી અને માત્ર દસ વરસમાં “બહાદુરો”ની કહેવાતી બહાદુરીનો પારો ઉતરી ગયો. કારણ કે એ બહાદુરી નહોતી, નાગાઈ હતી. માણસાઈનો અભાવ હતો. અમાનવીયતા હતી. બહાદુર હોત તો ચીનનો ચ ઉચાર્યો હોત. ખુલ્લી પત્રકાર પરિષદમાં પ્રેસનો સામનો કર્યો હોત.

આજે દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને  જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? બહુમતી નથી એટલે બીજાઓને પૂછવું પડશે, સાંભળવું પડશે, મર્યાદામાં રહેવું પડશે, મર્યાદા પાળવી પડશે, બોલવામાં સંયમ જાળવવો પડશે, આગળ શું બોલ્યા હતા એનું ધ્યાન રાખવું પડશે, રાતોરાત નોટબંધી અને લોકડાઉન જેવા નિર્ણયો નહીં લઈ શકાય, “મોદી મોદી”ની આરતી ઉતારીને નશો કરાવનારાઓ એકએક કરીને ભાગી જશે, ટ્રોલિંગ નહીં કરાવી શકાય, ભાઈબંધ ઉદ્યોગપતિઓની મદદ નહીં કરી શકાય, પ્રજાના પૈસે મોટા તાયફાઓ નહીં યોજી શકાય. ગુમાન ધરાશયી થઈ ગયું છે અને ત્યારે દરેક જણ રોજેરોજ ચોવીસે કલાક એ “સુવર્ણ દિવસો” અને અત્યારના “માઠા દિવસો”ની યાદ અપાવતા રહેશે. મનમાં થાય છે કે આનાથી વધારે મોટી સજા બીજી કઈ હોઈ શકે! શું પરિણામ આવ્યાં છે! નાસ્તિકને પણ ઈશ્વરમાં માનવાનું મન થઈ આવે!

તો દરેકના મનમાં એક સવાલ છે કે પહેલી અને બીજી મુદ્દતમાં આપણે જે નરેન્દ્ર મોદીને  જોયા છે એ ત્રીજી મુદ્દતમાં કેવી રીતે નિભાવશે? એવી તે કેવી સત્તાની લાલચ કે ભલે નીચી મુંડી કરવી પડે, ભલે સિંહમાંથી શિયાળ બનવું પડે, પણ વડા પ્રધાન તો બનવું જ છે. સત્તાની લાલચ તો છે જ. ઐશ્વર્ય માટે એ માણસ ઝૂરે છે. જવાહરલાલ નેહરુ તેમને બહુ સતાવે છે. નેહરુ ત્રણ મુદ્દત માટે વડા પ્રધાન બન્યા હતા એટલે મોદીસાહેબ પણ ત્રણ વખત વડા પ્રધાન બનીને તેમની પંક્તિમાં બેસવા માગે છે. તેઓ એક વાત ભૂલી જાય છે કે ૧૯૬૨માં નેહરુના નેતૃત્વમાં કાઁગ્રેસનો પરાજય નહોતો થયો. હા, બેઠકો ઘટી હતી. કાઁગ્રેસને લોકસભાની એ સમયની કુલ ૫૦૮ બેઠકોમાંથી ૩૬૧ બેઠકો મળી હતી. ક્યાં ૫૦૮માંથી ૩૬૧ અને ક્યાં ૫૪૩માંથી ૨૪૦! બીજું, કદાચ તેમને એમ લાગતું હશે કે સત્તા નામનું કવચ જતું રહેશે તો કદાચ દુ:શ્મનો સતાવશે. દરેક પાસે કારણ પણ છે, કારણ કે દરેકને સતાવવામાં આવ્યા છે. આ સિવાય રાફેલ, ઇલેક્ટરોલ બોન્ડ્સ, વેક્સીન જેવાં પ્રકરણો પણ છે. અને ત્રીજું કારણ માનસિક છે. નરેન્દ્ર મોદી અને એક સામાન્ય માણસ! લોકસભમાં સામેની બાજુએ બેસે! વળી એ કોઈ ડૉ. મનમોહન સિંહ તો છે નહીં કે સત્તા સિવાય પણ જીવવા માટે બીજાં કારણો હોય અને કરવા માટે બીજી પ્રવૃત્તિ હોય. માટે ભલે સિંહમાંથી શિયાળ થવું પડે, પણ સત્તા તો જોઈએ.

ઘણાં વર્ષો પહેલા ચક્રવર્તી રાજગોપાલાચારીએ મુંબઈમાં સંસ્કાર અથવા સંસ્કૃતિ વિષે ત્રણ વ્યાખ્યાન આપ્યાં હતાં. ત્રીજા દિવસે એ ત્રણ દિવસના વ્યાખ્યાનનો નીચોડ તેમણે માત્ર એક વાક્યમાં આપ્યો હતો. શું કહ્યું હતું તેમણે માત્ર એક વાક્યમાં? Culture is concern for others. જે પોતા સિવાય બીજાનો પણ વિચાર કરે, બીજાની પણ ચિંતા કરે એ સંસ્કાર.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024

Loading

...102030...709710711712...720730740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved