Opinion Magazine
Number of visits: 9457395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી 2024: મતદારોને છેતરી શકે છે AIના ડીપફેક્સની માયાજાળ; લોકશાહી પર નવું જોખમ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 January 2024

છેતરપીંડીથી જીતવું એ ચૂંટણીના યુદ્ધમાં રાજધર્મ નેવે મુકવા જેવી વાત છે. રાજકારણમાં સફેદ વસ્ત્રોધારી લોકોમાં ધર્મ શોધવો અઘરો હોય છે પણ તેની શક્યતા પણ જતી કરવાની ચૂક એક લોકશાહી રાષ્ટ્રને પોસાય તેમ નથી

ચિરંતના ભટ્ટ

એક સમયે જે બાબતો કલ્પના બહારની હતી તે આજે વાસ્તવિક્તા બની છે. જે હોય છે એ દેખાતું નથી અને જે દેખાય છે એ હોતું નથી – આ વાક્ય તર્ક વગરનું લાગતું હોય તો પણ સાવ નકારી કાઢવા જેવું તો નથી જ. ધારો કે તમને કોઇ એવો વીડિયો મોકલે જેમાં રાહુલ ગાંધી એમ કહેતા હોય કે તેમને રાજકારણમાં રસ છે જ નહીં અને તેમણે આ વાત નરેન્દ્ર મોદીને કરી છે, અથવા તો એમ વીડિયો આવે જેમાં નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે, ખરેખર કાઁગ્રેસ પાર્ટી, ભા.જ.પા. કરતાં કંઇક ગણી સારી પાર્ટી છે  – તો તમે ચોંકી જવાના અને બીજા પાંચસો-પચાસ જણાને એ વીડિયો મોકલી જ આપવાના, બરાબરને! આ બન્ને ઉદાહરણો અંતિમવાદી છે, એમાં કોઇ જ તર્ક નથી પણ જો એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – AI-થી બનેલો ડીપફેક વીડિયો હશે તો જ્યાં સુધી તેની ચોખવટ ન થાય ત્યાં સુધી તો એ લોકોના ફોનમાં પહોંચવાનો જ છે. આ વાત કોઇને વેતાં વગરની લાગી શકે છે, પણ વિશ્વના સૌથી મોટાં લોકશાહી રાષ્ટ્રોની યાદીમાં જ્યારે આપણું નામ હોય, આપણે ત્યાં જોર-શોરથી ચૂંટણી થવાની હોય ત્યારે મતદાતાઓને માથે ખોટા, નકલી ચૂંટણી પ્રચારનો મારો થવાની શક્યતાઓ કોઇ કાળે નકારી શકાય એમ નથી.

યુદ્ધ અને રાજકારણમાં બીજી બધી ચીજોની સાથે જો નિકંદન નીકળતું હોય તો એ છે સત્યનું અને હવે તો રાજકીય હકીકતોનું સ્વરૂપ પૂરી રીતે બદલી નાખી એને પોતાને ગમતું સત્ય બનાવી નાખવાનું શસ્ત્ર સાવ હાથવગું છે. જનરેટિવ AIની મદદથી કોઇપણ ઉમેદવારનો અવાજ, ચહેરો બનાવવા તો સહેલા છે જ પણ ફાવે એવુ ‘નેરેટિવ’ – ‘ગમે’ એવી અને ‘ગમે’ તેવી વાર્તાઓ રચીને વિરોધ પક્ષને નીચા બતાડવાના કાવતરાં થઇ જ શકે છે. આવું યુ.એસ.એ.માં તો રાજકારણીઓના ચહેરા-અવાજનો ઉપયોગ કરીને થવા પણ માંડ્યું છે. ડીપફેક વીડિયો એક શસ્ત્ર છે તો બીજી બાબત જે તેના કરતાં વધુ જોખમી છે એ છે ડીપફેક ઑડિયો. કોઇપણ રાજકીય નેતાના અવાજની અદ્દલ નકલ થઇ શકે છે એને જે પણ વીડિયો વિઝ્યુઅલ હોય તેની પર એ ફેક ઓડિયો લગાડી દઇ શકાય છે. સોશ્યલ મીડિયા પર તો વડા પ્રધાનના અને અન્ય રાજકારણીઓના અવાજ જનરેટ કરીને મીમ્સ ક્યારનાં ય ફરે છે. તેને બનાવનારા એમ ચોખવટ પણ કરે છે કે આ ફેક વીડિયોઝ છે, તેમાં ફૂટેજ પર વપરાયેલો અવાજ મૂળ વ્યક્તિનો નથી અને માત્ર મનોરંજન માટે બનાવાયેલો છે. પરંતુ ખેપાનીઓ આમાં તક શોધીને પોતાનું ધાર્યું કરતાં એક ક્ષણનો પણ વિચાર નથી કરવાના.

ચૂંટણીની લોકશાહી પ્રક્રિયામાં AI જનરેટેડ મટિરિયલની માયાજાળમાં ફસાઇને ગેરમાર્ગે દોરાઇ જનારા લોકોની સંખ્ય નાનીસૂની નહીં હોય – આ એક ન ગમતી હકીકત છે. જાણીતા, વિશ્વાસુ નામોના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરવો કોઇ નવી બાબત નથી, પણ આ પ્રખ્યાત વ્યક્તિ, નામી પ્રતિભાએ પોતાનો અભિપ્રાય ન આપ્યો હોય છતાં પણ જો તેમના અવાજ કે ચહેરાનો ઉપયોગ કરીને કોઇ સંદેશ આમ જનતા સુધી પહોંચાડી દેવામાં આવે તો આ મામલે આગળ કંઇ ન થઇ શકે. હા, એ વ્યક્તિ આગળ આવે, આ બાબતને પડકારે, હકીકત બહાર આવે ત્યાં સુધીમાં તો જે નુકસાન થવાનું હતું તે થઇ ગયું હોય. આપણે ત્યાં ચૂંટણી માથે છે ત્યારે આ સદંતર બોગસ બાબતો ખાસ કરીને વિરોધી પ્રચાર માટે વપરાઇ જ શકે છે. ડીપફેકના જોખમને હળવાશથી લેવા જેવું નથી. રાજકારણીઓ અને રાજકીય પક્ષો જે જનરેટિવ AIનો ઉપયોગ કરે છે તેમને ખબર છે કે વિરોધીઓને હડફેટે લેવાના હોય તે ચાલાકીથી બનાવાયેલી બોગસ સામગ્રીને ઓનલાઇન વાઇરલ કરવામાં જરા ય વાર નથી લાગતી. સ્વાભાવિક છે કે ચૂંટણી પંચ પાસે અત્યારે તો ડીપફેક અથવા AI વાપરીને બનાવાઇ હોય એવી સામગ્રીનો ઉપયોગ થાય ત્યારે તેની સામે પગલાં લેવાની કોઇ જોગવાઇ નથી, તેને લગતા કોઇ નક્કર નિયમો નથી. ડીપફેકનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરવો એમ કહેતા કોઇ કાયદા પણ નથી. સદ્દનસીબે તાજેતરમાં અમુક ફિલ્મી ચહેરાઓના ડીપફેક માર્કેટમાં ફરતા થયા અને ફરિયાદો થઇ એટલે સરકારે AI ટેક્નોલોજી માટેની નીતિઓ પર તપાસ કરવાનું શરૂ કરી દીધું છે.

વળી અહીં માત્ર રાજકારણીઓ કે અભિનેતાઓની વાત નથી. ધારો કે જેના હજારો લાખો અનુયાયીઓ હોય એવા કોઇ ધર્મગુરુ કે આધ્યાત્મિક વક્તાનો વીડિયો ફરતો થાય જેમાં તે કોઇ ચોક્કસ રાજકારણીને સમર્થન આપતા હોવાની વાત હોય એટલે તેમના ભક્તો તો ચોક્કસ તેમની વાતને ગંભીરતાથી લેવાના છે. આવું કોન્ટેન્ડ એકવાર ફરતું થાય એટલે તેને રોકવાનું, તે ખોટું છે તે બહાર લાવવાનું એ બધું જ અઘરું છે. હકીકત બહાર આવે ત્યાં સુધીમાં તો પ્રચાર થઇ ગયો હોય અને વાતનું ફીંડલું વળી ગયું હોય. આધ્યાત્મિક કોન્ટેન્ટ સોશ્યલ મીડિયા પર બહુ ઝડપથી શૅર થતું હોય છે અને આવા ડીપફેક્સની અસરનો સામનો કરવો સહેલો નથી. રાજકારણમાં પ્રચાર હવે એજન્સીઝના હાથમાં હોય છે. આવી એજન્સીઝ AIનો ઉપોયગ ટાળવાની જ સલાહ આપે છે પણ ઓનલાઇન ટ્રોલર્સ કે બહારના લોકો જે પોતાના હિત માટે આ બધા સંસાધનોનો ઉપયોગ કરવા માગતા હોય તેમને કોઇ નથી રોકી શકવાનું. અધિકૃત માહિતી અને AI-જનરેટેડે બોગસ સામગ્રી વચ્ચેની પરખ અને ઓળખ કરવાનું મતદારો માટે મુશ્કેલ હશે. AIના જોખમોને હળવાશે લેવાય એવા નથી. અફવાઓનું બજાર ગરમ કરવાથી માંડીને, ચારિત્ર હનન, સતત ખોટા નેરેટિવનો મારો, ચોક્કસ મત વિસ્તારોને ધ્યાનમાં લઇને ત્યાં જે પ્રચારની અનિવાર્યતા છે તેને લગતી સાચી-ખોટી માહિતી પ્રસરાવાથી માંડીને બીજું ઘણું બધું AIથી જનરેટ કરી શકાશે. આપણે ત્યાં ગામડાંઓમાં ઇન્ટરનેટ છે પણ શું ત્યાંના લોકોને ડીપફેક અને અધિકૃત માહિતીનો ફેર ખબર હશે, તેઓ એ જાણવાની તસ્દી પણ લેશે? જેનો ભોગ લેવાતો હોય, જેમની પર આવી ડીપફેક માહિતીનો મારો થતો હોય તેમને તો કદાચ એ કલ્પના પણ નહીં હોય કે તે જે જુએ છે એ સાચું નથી. AIની મદદથી છેડાયેલી એક જ ચર્ચાના હજારો સ્વરૂપ અને વર્ઝન હોય એમ બની જ શકે છે અને આખી કામગીરી બૉટ્સથી થતી હોય અને યૂઝર્સને એટલે કે તેના દર્શકો કે શ્રોતાઓને તેને વિશે ખબર પણ ન પડે એમ થાય ત્યારે મતદારોના ઝૂકાવ પર પણ તેની સીધી અસર થઇ જ શકે છે. બૉટ્સનું તો ડોન જેવું હોય છે, તેમને પકડવા મુશ્કેલ નહીં પણ અશક્ય હોય છે.

AIની મદદથી સોશ્યલ મીડિયા અને ઓનલાઇન ડેટાનું વિશ્લેષણ ચપટી વગાડતાં થઇ શકે છે એટલે રાજકારણીઓ અને વિવિધ પક્ષોને મતદારોની પસંદગીઓથી માંડીને તેમના વિરોધીઓ વિશે જરૂર કરતાં વધુ માહિતી મળી શકશે અને પછી તેના ચાલાકીથી ઉપયોગ કરવા અથવા સામે વાળાને ચૂપ કરી દેવાની બધી તરકીબો અજમાવામાં આપણા રાજકારણીઓ પાછું વળીને નહીં જુએ. વળી AIના વિશ્લેષણને પગલે રાજકારણીઓ પોતાના કેમ્પેઇન્સ પણ એ રીતે પ્લાન કરી શકશે જેનાથી તેઓ મતદારોના ઝૂકાવનું વહેણ બદલી શકે, પોતાના એજન્ડાને અનુરૂપ મહત્તમ સમર્થન મેળવી શકે.

ડીપફેકના જોખમ ઘટાડવા માટે ચૂંટણી દરમિયાન તેના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરવો, મતદારોને જાગૃત કરવા, AI-જનરેટેડ સામગ્રી ન વપરાય તેવી નીતિઓનું અમલીકરણ કરવું, સાયબર સુરક્ષા અને ફેક્ટ ચેકિંગની કડક જોગવાઇઓ લાગુ કરવી, રાજકીય પ્રચારની પારદર્શિતા ફરજિયાત બનાવવી વગેરે ચૂંટણીમાં અનિવાર્ય એવી ડિજીટલ સાક્ષરતા છે. આપણે ત્યાં થનારી ચૂંટણીમાં આ ડીપફેકના પડકારને કેટલી ગંભીરતાથી સંબોધિત કરાય છે તે જ આપણી ચૂંટણીના પરિણામો અને તેના ભવિષ્યને આકાર આપશે એમ કહેવામાં કંઇ ખોટું નથી. આમ જનતાની સમજનું સશક્તિકરણ થશે તો જ ચેડાં કરાયેલી માહિતી ઉઘાડી પડશે.

વાત માત્ર ભારતની નથી પણ ન્યુઝીલેન્ડ, ટર્કી, આર્જેન્ટીનામાં ડીપફેક તસવીરો અને વીડિયોએ ચૂંટણી પ્રચારમાં દેકારો મચાવ્યો જ હતો. બાંગ્લાદેશમાં પણ વિરોધ પક્ષની મહિલા નેતાઓના બિકીની ડીપફેક વીડિયોઝ વાઇરલ થઇ ચૂક્યા છે. પાકિસ્તાનમાં પણ ચૂંટણીની રેલીમાં AI જનરેટેડ તસવીરો અને ઓનલાઇન ચૂંટણીના ફેક વીડિયોએ ચકચાર મચાવી હતી. 2023માં 5 લાખ જેટલા AI જનરેટેડ વીડિયોઝ અને વોઇસ ડીપફેક સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. બાંગ્લાદેશ, ભારત અને ઇન્ડોનેશિયામાં આ છેતરામણી રોકવાના કાયદા પસાર કરાયા છે પણ સોશ્યલ મીડિયાના ટેકજાયન્ટ્સને પૈસા કમાવામાં રસ છે એટલે ત્યાં સતર્કતાને નામે કેટલી તકેદારી રખાશે તે કહેવું અઘરું છે. 

બાય ધી વેઃ 

લોકશાહી રાષ્ટ્ર તરીકે AIના લાભ ગુમાવવાની નહીં પણ તેના નુકસાનની સંભાવના ઓછી કરવાની વાત છે. ડીફ ફેક્સ ચૂંટણીની અખંડિતતાને નબળી પાડે એવું જોખમ હોય ત્યારે તકેદારીમાં જ સમજદારી છે એ યાદ રાખવી જરૂરી છે. AI યુગમાં લોકશાહીને નબળી પાડવામાં AI જો મેદાન મારી જશે તે પછી લોકશાહી શાસન પર લોકોને વિશ્વાસ કેવી રીતે ટકશે? આ સવાલનો જવાબ એ દરેક વ્યક્તિએ શોધવો રહ્યો જે મતાધિકાર, લોકશાહી, સ્વતંત્રતાનું મૂલ્ય સમજતી હોય. છેતરપીંડીથી જીતવું એ ચૂંટણીના યુદ્ધમાં રાજધર્મ નેવે મુકવા જેવી વાત છે. રાજકારણમાં સફેદ વસ્ત્રોધારી લોકોમાં ધર્મ શોધવો અઘરો હોય છે પણ તેની શક્યતા પણ જતી કરવાની ચૂક એક લોકશાહી રાષ્ટ્રને પોસાય તેમ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2024

Loading

શા માટે મહારાષ્ટૃના દલિતો ભીમા કોરેગાંવ દિવસ ઉજવે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2024

રમેશ ઓઝા

પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં દલિતોને (હકીકતમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના મહારોએ) ભીમા કોરેગાંવ વિજય દિવસ ઉજવ્યો હતો. ૧૯૨૭ની સાલથી પહેલી જાન્યુઆરીના રોજ પૂના નજીક ભીમા કોરેગાંવ નામનાં સ્થળે મોટી સંખ્યામાં મહાર દલિતો જમા થાય છે અને વિજય દિવસ ઉજવે છે. આ વખતે લગભગ બે લાખ જેટલા દલિતો ભીમા કોરેગાંવમાં ઉપસ્થિત રહ્યા હતા એમ મરાઠી અખબારોનાં અહેવાલો કહે છે.

શા માટે મહારાષ્ટ્રના દલિતો ભીમા કોરેગાંવ દિવસ ઉજવે છે? ક્યાં છે આ ભીમા કોરેગાંવ? કોનો વિજય થયો હતો અને કોની સામે વિજય થયો હતો? ગુજરાતનાં વાચકોને કદાચ આની જાણ નહીં હોય એટલે પહેલાં એ ઘટનાની પૃષ્ઠભૂમિ સમજી લઈએ.

૧૭૫૭નાં પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો એ પછીથી કંપનીએ ધીરે ધીરે ભારત પર કબજો જમાવવા માંડ્યો હતો. આમાં કંપની સામે મોટો અવરોધ મહારાષ્ટ્રના મરાઠાઓ અને પેશાવાઓ હતા. એક અભિપ્રાય એવો છે કે જો મરાઠાઓને અને પેશાવાઓને રાજ કરતાં આવડ્યું હોત તો કદાચ અંગ્રેજોને ભારત પર કબજો જમાવવામાં સફળતા ન મળી હોત. બન્યું એવું કે મરાઠાઓ ભારતમાં જે તે પ્રદેશ જીતતા હતા અને જે તે સરદારને એક ચોથાઈ મહેસૂલ આપવાની શરતે એ જીતેલો પ્રદેશ રાજ કરવા આપી દેતા હતા. હોલકર, પવાર, શિંદે (સિંધિયા), ગાયવાડ, ભોંસલે વગેરે આવા મરાઠા સરદારો પેશ્વાઓ વતી પણ લગભગ સંપૂર્ણ સ્વાયત્તા સાથે રાજ કરનારા સરંજામો હતા. એ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે.

લાંબા ઇતિહાસને ટુંકાવી દઈએ. છત્રપતિ શિવાજી મહારાજના વંશજો તેમનાં વતી શાસન કરનારા પેશ્વાઓ દ્વારા મળતાં સાલિયાણાં પર નભતા થયા અને પુરુષાર્થનો અંત આવ્યો. તેઓ નામના રાજા હતા. કોંકણસ્થ બ્રાહ્મણ પેશ્વાઓ (પેશ્વા એટલે પ્રધાનમંત્રી, અમાત્ય, દિવાન) અક્ષરસ: શાસક બની ગયા અને પેશ્વાઈ વંશપરંપરાગત બની ગઈ. સત્તા માટે પરિવારમાં કાવતરાં, દગાખોરી અને હત્યાઓ થવા લાગી. મહેસૂલનો એક ચોથાઇ હિસ્સો મળતો હતો એટલે પેશ્વાઓ અને તેમના બ્રાહ્મણ પ્રધાનો એશો આરામ કરવા લાગ્યા અને ધીરે ધીરે લંપટ જિંદગી જીવવા લાગ્યા. પછાત જાતિઓ અને તેમની સ્ત્રીઓ બ્રાહ્મણ શાસકોનાં અત્યાચારનો શિકાર બનવા લાગ્યા હતા. આ બાજુ જે તે પ્રદેશના સૂબાઓ આપસમાં લડતા હતા અને ઉત્તર પેશ્વાઈ યુગમાં (પાણીપતના યુદ્ધમાં મરાઠાઓના થયેલા પરાજય પછી) તેઓ પૂનાના પેશ્વાઓથી સ્વતંત્ર થવા લાગ્યા હતા અથવા તેમને ગણકારતા નહોતા. ટૂંકમાં પેશ્વાઇ અંદરથી ક્ષીણ થવા લાગી હતી. જો મરાઠાઓએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજને અનુસરીને અથવા મુઘલોને અનુસરીને એક કેન્દ્ર પરથી શાસન કરતું કેન્દ્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યું હોત તો કદાચ ભારતનો ઇતિહાસ જુદો હોત અને અંગ્રેજોને વિજય ન મળ્યો હોત અથવા વિજય આસાનીથી ન મળ્યો હોત.

પૂનાના બ્રાહ્મણોને એટલું પણ ધ્યાનમાં નહોતું આવ્યું કે પાંચ હજાર માઈલ્સ દૂરથી ભારતમાં ધંધો કરવા આવેલી કંપની તેના મુઠ્ઠીભર અંગ્રેજ અમલદારો દ્વારા ભારત પર કબજો જમાવી રહી છે અને સૂબાઓ નિયુક્ત કર્યા વિના હાથ કરેલા પ્રદેશો પર સીધું શાસન કરે છે. હકીકતમાં કંપની અમલદારો દ્વારા લંડનથી ભારત પર શાસન કરતી હતી. આ બધું પેશ્વાઓની સામે થઈ રહ્યું હતું, પરંતુ તેમના ધ્યાનમાં આ નહોતું આવ્યું. ભરતની સર્વશ્રેષ્ઠ પ્રજાને (બ્રાહ્મણોને) ભારત પર રાજ કરવાની તક મળી ત્યારે રાજ કરતાં આવડ્યું નહીં અને મૂઠીભર અંગ્રેજોએ પરાજીત કરી જીતેલા પ્રદેશો હાથમાંથી છીનવી લીધા એનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો આજે પણ અનુભવે છે અને હિન્દુત્વના રાજકારણને આ નિષ્ફળતા, પરાજય અને તેના ચચરાટ સાથે સીધો સંબંધ છે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત પર કેવી રીતે કબજો કર્યો હતો? ભારતીય સૈનિકો દ્વારા અને એ પણ એવા સૈનિકો જેને આપણા મહાન ભારતમાં તલવાર તો ઠીક, હાથમાં દંડુકો લઈને ગામમાં પ્રવેશવાની પણ મનાઈ હતી. નીચું જોઇને, કોઈની સાથે આંખ મેળવ્યા વિના અને કોઈના પર પડછાયો પણ ન પડે એ રીતે તેઓ ગામમાં પ્રવેશી શકતા હતા. ટૂંકમાં જે પ્રજાનો કોઈ ખપ નહોતો અને જેને હડધૂત કરવામાં આવતી હતી એ પ્રજાની એટલે કે દલિતોની કંપની સરકારે સૈન્યમાં ભરતી કરી હતી. કંપનીએ લશ્કર બાંધવાનું શરૂ કર્યું અને તેમાં મહારાષ્ટ્રના દલિતોની (મહારોની) મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી. ડૉ આંબેડકરનો જન્મ ઇન્દોર નજીક મઉ ખાતે આવેલી લશ્કરી છાવણીમાં થયો હતો. તેમના પિતા અંગ્રેજોના લશ્કરમાં હતા. અંગ્રેજ લશ્કરમાં મહાર રેજીમેન્ટ હતી.

અંગ્રેજોએ જ્યારે જોયું કે પેશ્વાઓ વધુ વખત સુધી રાજ કરી શકે એમ નથી ત્યારે તેમણે ૧૮૧૮ના જાન્યુઆરીમાં પેશ્વાઓ પર આક્રમણ કર્યું હતું. પેશ્વાઓનું સૈન્ય વીસેક હજારનું હતું અને કંપનીનું ૮૩૪નું. કંપનીના સૈન્યમાં મહારો ઉપરાંત મરાઠાઓ, મુસલમાનો અને યહૂદીઓ પણ હતા. યુદ્ધમાં ૨૦ હજાર સૈનિકો ધરાવતા પેશ્વાઓનો કંપનીના ૮૩૪ સૈનિકો સામે ઘરઆંગણે પરાજય થયો હતો. વિજય પછી કંપનીએ યુદ્ધભૂમિની જગ્યાએ ૧૮૨૨ની સાલમાં ૬૨ ફૂટ ઊંચો વિજયસ્થંભ ઊભો કર્યો હતો અને તેના ઉપર કંપનીના માર્યા ગયેલા સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે અને તેમની બહાદુરીની કીર્તિગાથા વર્ણવાઈ છે.

તો વિજય કોનો થયો હતો? દેખીતી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો? પરાજય કોનો થયો હતો? દેખીતી રીતે પેશ્વાઓનો. એ યુદ્ધ પછી ભારતમાં જલદી પરાજીત ન કરી શકાય એવા સ્થિર અંગ્રેજ રાજની સ્થાપના થઈ હતી. પણ અંગ્રેજો તો અંગ્રેજો હતા. તેમણે વિજય સ્થંભમાં પણ બાજી મારી હતી અને બ્રાહ્મણ પેશ્વાઓને સદૈવ પરાજીત કર્યા હતા. એ કઈ રીતે એની વાત આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2024

Loading

આધુનિક મૂડીવાદની પેદાશો : અમાનવીયતા, અસમાનતા અને એકહથ્થુ શાસન

રોહિત શુકલ|Opinion - Opinion|6 January 2024

રોહિત શુક્લ

નવા મૂડીવાદનો દેખાવ અતિ રમ્ય અને આકર્ષક છે. ૧૯૧૭થી શરૂ થયેલા સામ્યવાદી શાસન હેઠળ સ્તાલિન દ્વારા કરાયેલા અત્યાચારોની કથા ગુલંગ આર્કિપિલગો – The Gulang Archipelagoમાં સોલ્ઝેનિત્શિને બહાર પાડી ત્યારે આ ત્રાસદીથી આંખે અંધારાં છવાયાં અને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. માઓ તો તેથી ય વસમા નીકળ્યા. કાર્લ માર્કસે બતાવેલા સ્વપ્ન : From each according to his capacity and to each according to his necessityનું સામ્યવાદી સ્વર્ગ એક દોજખ બનીને ઊભર્યું.

બીજી તરફ મૂડીવાદ મેઘધનુષ્યના ઊડતા ઘોડા જેવો જણાતો થયો. જગત આખું વિસરી ગયું કે પશ્ચિમના આ મૂડીવાદના પાયામાં ગુલામી પ્રથા, સામંતશાહી અને ઉપનિવેશવાદ સમાયેલો હતો. શિકાગો યુનિવર્સિટીના નોબલ ઇનામ મેળવનારા મિલ્ટન ફ્રીડમેન જેવાએ એવો ઉપાડો લીધો કે હજુ આજે પણ મૂડીવાદની વિરુદ્ધ બોલવું તે એક હાસ્યાસ્પદ કે બાલિશ – અણસમજની પ્રવૃત્તિ ગણાય છે.

આ મૂડીવાદના પ્રવાહમાં ચીન એવું તણાયું કે સામ્યવાદી શાસન વ્યવસ્થા રાખીને પણ આર્થિક મોરચે મૂડીવાદ ચલાવી રહ્યું છે. રશિયા હજુ આ નવી દિશા પકડી શક્યું નથી. પરંતુ સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક રીતે આર્થિક અસમાનતા તો નજરે પડે જ છે. મૂડીવાદ પોતાના સ્તુતિગાનમાં અસમાનતા ઘટતી જશે એવી ગુલબાંગ હાંકે રાખે છે. આ મૂડીવાદ એમ પણ કહેવા કે ઠસાવવા માંગે છે કે :

*          બધા જ લોકો સુખી થવા માંગે છે અને સ્વાર્થથી પ્રેરાય છે તેથી બધા માફકસરનું શિક્ષણ મેળવશે.

*          ખાન-પાન રહેઠાણની સમસ્યા નહીં રહે અને ગરીબી પણ દૂર થશે.

આવા અન્ય અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ ગણાવી વધારામાં લોકશાહી શાસક-વ્યવસ્થા લટકામાં ભેટ સ્વરૂપે આપી લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટરનિટી અને ધર્મનિરપેક્ષતા સઘળું આવી મળશે ! ૧૯૪૪થી આજ સુધીના જાગતિક આર્થિક, રાજકીય, સામાજિક પ્રવાહો જોતાં મૂડીવાદનાં આ તમામ જૂઠાણાં સ્પષ્ટ થઈ જાય છે.

ઑક્ટોબરના પ્રારંભથી છેડાયેલા ઇઝરાએલ – હમાસ યુદ્ધના વિવિધ આયામો મૂડીવાદનાં આ જૂઠાણાંને સ્પષ્ટ કરે છે.

ઇઝરાએલ નામના દેશને આરબ મુલકોની વચ્ચે સ્થાપવાની કોઈ જરૂર ન હતી. યહૂદીઓ આજે પણ અનેક દેશોમાં ફેલાયેલા છે જ, છતાં જો તેમને સાગમટે ક્યાંક વસાવવા જ હોત તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં (અલાસ્કા), વસાવી શકાયા હોત. પણ અમેરિકાને યુદ્ધના આર્થિક લાભ દેખાઈ ચૂક્યા હતા. સાથોસાથ ઇઝરાએલની શસ્ત્ર-અસ્ત્ર અને જાસૂસી વિદ્યાના ક્ષેત્રે અપાર ‘પ્રગતિ’ થઈ છે. નમૂના ખાતર ‘પેગાસસ’ને યાદ કરી શકાય. શસ્ત્ર-અસ્ત્ર વેચવા માગનારા દેશો પોતાનાં જ શસ્ત્રો વધુ ઘાતક છે તે દર્શાવવા વારંવાર યુદ્ધો કરતા – કરાવતા રહે છે.

સદ્દામ હુસેન આમાનવીય શાસક હતો તે કબૂલ પણ તે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે તેવું જૂઠું આળ મૂકી બુશે ઇરાકને ધમરોળી નાંખ્યું.

યુદ્ધાસ્ત્રોના વૈશ્વિક વેપારમાં અમેરિકા પ્રથમ ક્રમે આવે છે. દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. શસ્ત્રોના વેપારની વિગતો તપાસીએ તો એક નોંધપાત્ર બાબત આંખે ચડે છે, તે ઇઝરાએલ સાથે શસ્ત્રોની સોદાગીરીમાં મુસ્લિમ દેશ તૈમૂર લંગનો દેશ, તુર્કસ્તાન મોખરે છે. તુર્કસ્તાન જાણે જ છે કે ઇઝરાએલ પાસેનાં શસ્ત્રો અન્ય મુસલમાનો ઉપર જ વપરાવાનાં છે; ઇઝરાએલને આરબો સિવાય કોઈની પણ સાથે યુદ્ધ થયું નથી. આમ છતાં એક મુસલમાન દેશ અન્ય સંખ્યાબંધ મુસલમાન દેશો સામે લડવા તેમની સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવા શસ્ત્રો આપે છે.

Every thing is fair in love and war ! આ પ્રકારની વિગતો આધુનિક મૂડીવાદની નફાખોરીની લત વિશે છાપરે ચઢીને પોકારે છે !

આ મૂડીવાદની લોકશાહી સાથેની સગાઈ કે લગ્ન પણ અતૂટ નથી. નવો મૂડીવાદ આવ્યા પછી કેટલા જ્યોર્જ ફરનાન્ડિઝોએ હડતાળો પડાવી ? ગરીબ, બેકાર, શોષિત વર્ગની જાણે કે જબાન જ હવે ઓસરી ગઈ છે !

વર્ષો પહેલાં ફેઝ અહમદ ફેઝે કહેલું :

બોલ કે લબ આઝાદ હૈં તેરે, 

બોલ કે જૂબાં અબતક તેરી હૈ 

જેવા વિચારો હવે અદૃશ્ય થઈ ગયા છે. અલબત્ત કોઈ કહી શકે કે આમાં મૂડીવાદ શું કરે ? ખરેખર તો અવાજની ગૂંગળામણ અને નવા મૂડીવાદ વચ્ચેના કાર્યકારણ સંબંધોને વિગતે તપાસવા જેવાં છે. અહીં માત્ર પ્રસંગોપાત્ત એટલો ઉલ્લેખ કરીએ કે મૂડીવાદની આવશ્યકતા માટે રાજ્યનું મેળાપીપણું અનિવાર્ય છે. અને મજૂર મંડળોની સામે જો રાજ્ય મેદાનમાં ઊતરે તો મજૂર હોય કે ખેડૂત, વિદ્યાર્થી હોય કે શિક્ષક કોઈની ખેર નથી !

ભારતના મીડિયાને ‘ગોદી’ મીડિયા કહેવાનું ચલણ ચાલ્યું છે, પરંતુ અમેરિકા, યુરોપ કે અન્યત્ર પણ મીડિયા માત્ર મૂડીવાદની તરફદારીનું જ સાધન બની ચૂક્યું છે. સમાચારોની પસંદગી, ફેક ન્યૂઝ, પ્રચારાત્મકતા, વગેરેનો એક ઘટાટોપ મંડાયો છે. આ મુદ્દે અનેક દાખલા આપી શકાય પરંતુ એક ક્રિકેટ મેચનો જ દાખલો લઈએ.

કરોડો લીટર પાણી, કરોડો કિલોવોટ વીજળી, કરોડો રૂ.ના ખર્ચે મુસાફરી અને અન્ય ખર્ચા પછી શું ? માત્ર થોડોક ખોટો આત્મસંતોષ કે ઉત્તેજના ! આ રકમ અને સાધનો ખેડૂતો, વિદ્યાર્થીઓ, મજૂરો કે અન્ય ગરીબોને અપાય તો ? અર્થશાસ્ત્રની પોકળતા સિદ્ધ કરવા માટે આ દાખલામાંથી જ ઉપાયો જડી આવે છે.

*          ક્રિકેટની મેચમાં થતા ખર્ચને તે પરકોલેશન – ઝમણ ગણાવશે. ધનવાનો ખર્ચ કરે તેથી ઝમતો – ઝમતો પૈસો ગરીબોના હાથમાં આવશે. કેટલાક લોકોને નાનીમોટી આવકો થશે. અને તેથી મૂડીવાદ હેઠળના આવા બેરોકટોક બે-લગામ ખર્ચા અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

*          આ વ્યવસ્થા ઊભી કરવામાં, કરવેરા ચૂકવનારાઓના કરોડો રૂપિયા રાજ્યે વાપર્યા હોય તેને વાજબી ગણાવનારા આ શાસ્ત્રીઓ ગરીબોને અપાતી રાહતોને – મફત વહેંચાતી રેવડીઓ સામે નફરતભરી નજરથી જુએ છે. ગરીબોના ખાતામાં ટ્રાન્સફર થઈને અપાતા પાંચ-દસ હજાર વડે ઝમણ નહીં થાય ?

મૂડીવાદના આ નાટકના સ્વાંગમાં હમાસ અને હિઝબોલ્લા સામે, ક્યારેક સમગ્ર મુસલમાન સમાજની સામે પ્રગટ કે અપ્રગટ તિરસ્કાર કે વિરોધનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. ગાંધી વિચારમાં દૃઢ આસ્થા જરૂરી બને છે. આ વિચારને જુદી જુબાનમાં પ્રસ્તુત કરતા સાહિર લુધિયાનવી કહે છે :

જંગ તો ખુદ હી એક મસલા હૈ

જંગ ક્યા મસલોં કા હલ દેગી

ખૂન અપના હો યા પરાયા હો

નસ્લ એ આદમ કા ખૂન હૈ આખિર

જંગ મશરિક મેં હો યા મગરિબ મેં

અમ્ન એ આલમ કા ખૂન હૈ આખિર

સાહિર સાહેબ કહે છે – લોહી તો શાંતિચાહક માણસનું જ વહે છે ને ?

આ જંગમાં પ્રચ્છન્ન રહી જતી એક બાબત એ છે કે પશ્ચિમનું સ્વતંત્ર ગણાતું પણ ખરેખર તો ગોદી મીડિયા – આ યુદ્ધમાં મુસલમાનોને ધર્માંધ અને આતંકી ગણાવે છે. ખરેખર તો યૂહદીઓનો દેશ ઇઝરાએલ પોતે ધર્મના આધારે જ તો રચાયો છે. અને તે પણ મુસલમાનોની જમીન ઉપર ! ઇઝરાએલ સેક્યુલર – ધર્મનિરપેક્ષ નથી જ અને તો પછી તેને શસ્ત્રો આપીને પીઠ થાબડનારા કયા દેશને ધર્મનિરપેક્ષ ગણી શકાશે ?

૧૯૪૫માં જાપાન ઉપર અણુબોંબ ઝીંકનાર અમેરિકનોના હાથ ઉપરનું લોહી ક્યારે ય સૂકાયું નથી. કોલંબસે આ ખંડ શોધ્યા પછી અગિયાર કરોડ સ્થાનિકોએ જીવ ગુમાવ્યા છે. આફ્રિકાના દેશોમાંથી અશ્વેતોને ગુલામ બનાવી લાવી તેનો વેપાર કર્યો. પૃથ્વી ઉપર યુદ્ધોને સતત ધમધમતાં રાખવા કેટલા ય નિર્દોર્ષોએ વિના કારણ જાન ગુમાવ્યા અને છતાં તેને મહાસત્તા ગણીને તેને પાયલાગણ થતું રહે છે !

ચર્ચાનો મુખ્ય મુદ્દો નવા મૂડીવાદની માનસિકતા અને તેમાંથી નીપજતા વિવિધ ક્રિયાકલાપોને ઓળખીને ગાંધીવિચારની જરૂરિયાતને પ્રમાણવાનો છે. આ દૃષ્ટિએ ઇઝરાએલ-હમાસ વચ્ચેનો સંઘર્ષ વધુ અને વધુ વ્યાપક અને પડકારરૂપ બનતો જાય છે. ગઝાને પટ્ટી કહેવામાં આવે છે તે ઉત્તર-દક્ષિણ પિસ્તાલીસ કિલોમીટર તથા પૂર્વ-પશ્ચિમ છ થી બાર કિલોમીટર છે.  ૩૬૫ વર્ગ કિલોમીટરના આ ભૂમિવિસ્તારમાં તેવીસ લાખ લોકો વસે છે. યહૂદીઓ ઉપર હિટલરે જેવો અમાનુષી ત્રાસ વર્તાવ્યો હતો તેવો કે તેથી અનેક ગણો ભયંકર ત્રાસ હાલ ઇઝરાએલ આ વસ્તી ઉપર વરસાવી રહ્યો છે (તે વિગતે સૌ જાણે છે). પણ હજારો બાળકો, સ્ત્રીઓ અને દવાખાનાંઓના દરદીઓને બેમોત મારીને ઇઝરાએલ તેમ જ પોતાના પશ્ચિમી સાથીઓ આ યુદ્ધમાં ભાગીદાર બનવાના પેંતરા રચી રહ્યા છે.

ઇરાન હવે લગભગ અણુસત્તા બનવામાં છે. પાકિસ્તાન તો અણુશસ્ત્રો ધરાવે જ છે. હવે જો અમેરિકા યુદ્ધમાં ખેંચાય તો ઈરાન, હિજબુલ્લાહનું લેબેનોન, સીરિયા અને એકંદરે ઓ.આઈ.સી. – Oraganisation of Islamic Cooperationએ પોતપોતાનાં પડખાં અને ભેરૂબંધોને તપાસી લેવાં પડે. કેટલીક સંભવિત વૈશ્વિક અસરો નોંધીએ :

*          ખનિજ તેલના ભાવ વધે અને તેથી ભારત જેવા તેલ આયાતી દેશોનાં અર્થતંત્રો ખોરવાય. ચીન તો રશિયાના તેલ ઉપર નભી જશે પણ ભારતે અમેરિકા સાથે સારપ વધારવા જતાં (અબકી બાર ટ્રમ્પ સરકાર, નમસ્તે ટ્રમ્પ) રશિયા તરફથી મળતો તેલનો આધાર ગુમાવ્યો.

*          યુક્રેન-રશિયા યુદ્ધને કારણે યુરોપના દેશો ઈંધણની તાણ વેઠી જ રહ્યા છે.

*          હમાસને ‘આતંકી’ કહેવામાં આવે છે. હિંસા વર્જ્ય જ હોવી ઘટે. પણ ધારો કે આપણી આઝાદી વખતે જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાન પાસે અને ગોવા પોર્ટુગલ પાસે રહ્યાં હોત તો ભારત શું કરત ?

*          અમેરિકાના પ્રમુખ ‘વોશિંગ્ટન પોસ્ટ’માં લેખ લખીને એક તરફ શાંતિની વાત કરે છે અને બીજી તરફ ઇઝરાએલને તમામ જરૂરી અને આધુનિક શસ્ત્રો વિના વિલંબે પૂરાં પાડે છે. અમેરિકામાં હવેના આઠ-દસ મહિનામાં પ્રમુખપદની ચૂંટણી છે અને જો-બાયડન શાંતિચાહકો તેમજ યુદ્ધવાંચ્છુઓ, એમ બંનેના મત મેળવવા માંગે છે.

*          તાજેતરના અમેરિકન અર્થતંત્રના રોજગારી અંગેના આંકડા લક્ષમાં લેવા જેવા છે. ત્યાં કુલ માનવ જરૂરિયાતના પચાસ ટકા જ માણસો ઉપલબ્ધ છે. અચાનક નોકરીઓની તકો વધી કેમ ગઈ ? ત્યાં ચીન સાથેના અણબનાવ અને મોંઘવારી જેવા પ્રશ્નો હોવા છતાં રોજગારીની તકો ઝડપથી અને અચાનક ઊછળી છે.

જો વિશ્વના વિવિધ દેશો જેવા કે યુક્રેન, ઇઝરાએલ, તાઈવાન (સંભવિત), ભારત, ચીન વગેરેને લક્ષમાં લઈએ તો જણાય છે કે તે બધા વધુ ને વધુ ધનવાન તેમ જ તાકાતવાન બનવાની હોડમાં છે. તે માટે ટેકનોલોજીનો સહારો લઈને ક્ષમતાઓ વધારી રહ્યા છે. કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. સત્તા અને ધનલાલસા આકસ્મિક કે છૂટાછૂટા ટુકડા જેવા નથી. તેની પાછળ ખૂબ લાંબી વિચારણા હોય છે. મુસલમાનો સામે નફરત ફેલાવવી તે પણ આ જ આર્કિટેક્ચરનો એક હિસ્સો છે.

આ યુદ્ધખોરી, ધનલાલસા, સામાજિક મૂલ્યોનો કચ્ચરઘાણ, પર્યાવરણીય વિનાશ વગરે હવે વધતાં જવાનાં છે. નિરાશાના સૂર વહેવડાવવાનો કોઈ જ ઈરાદો નથી પણ આશાના દીવા પ્રગટાવવામાં ગાંધી કે વિનોબા કંઈ ખપમાં આવે ખરા ? વિચારી જુઓ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 04-05

Loading

...102030...700701702703...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved