Opinion Magazine
Number of visits: 9457375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

6 ડિસેમ્બર, 1992ના દિવસનો અયોધ્યાનો આંખો દેખ્યો અહેવાલ …

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

કિરણ કાપુરે

“ન્યાયાધીશ મુજબ હું મુખ્ય સાક્ષી છું, કારણ કે મેં રિહર્સલ જોયું હતું. જેનાથી સાબિત થાય છે કે આ કાવતરું હતું. પ્રિ-પ્લાન હતું બધું. સામે એક મોટી ટેકરી હતી. ટેકરી ઉપર તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમની પાસે લોખંડના ગ્રિલ જેવું કોઈ સાધન હતું. જે ટેકરી પર ચારે બાજુ લગાવ્યું હતું. અને તેઓ તે ટેકરી પર ચઢવાનો પ્રયાસ કરતા હતા. ત્યાંથી મારી તસવીર દાખવવાનો મતલબ હતો કે કેવી રીતે તેમણે પકડ બનાવી છે. આ રીત જ તેમણે બાબરી મસ્જિદનો ગુંબજ તોડવામાં ઉપયોગમાં લીધી.” આ શબ્દો છે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એસોસિએટ એડિટર પ્રવીણ જૈનના. બાબરી મસ્જિદ તોડી પાડવાની તેમણે તસવીરો લીધી છે અને આગલા દિવસે પણ તેઓ અયોધ્યામાં હતા અને તેથી આ કેસમાં તેઓ મુખ્ય સાક્ષી રહ્યા છે.

5 ડિસેમ્બરના રોજ પ્રવીણ જૈને પોતાના કેમેરામાં બાબરી તોડી પાડવાની રિહર્સલ કેદ કરી હતી. ‘ક્વિંટ હિંદી’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં 4 ડિસેમ્બરના રાતની વાત કરતાં પ્રવીણ કહે છે કે, “એક સાંસદ જે વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા હતા. તેમણે મને સંકેત આપ્યો કે 5 તારીખે તેઓ રિહર્સલ કરશે. મેં એમને પૂછ્યું કે, ‘રિહર્સલ હું શૂટ કરી શકું છું?’ એમણે ‘હા’ કહ્યું; સાથે એમ પણ કહ્યું કે તમારે વિશ્વ હિંદુ પરિષદના સભ્ય બનીને ત્યાં જવું પડશે. 5મીએ હું ભગવો દુપટ્ટો નાંખીને અને તેમણે આપેલું એક આઇ-કાર્ડ લઈને પહોંચ્યો. ત્યાં મેં જોયું કે મેદાનમાં રિહર્સલ ચાલતું હતું. અહીં મને રસપ્રદ વાત એ લાગી કે કોઈ પોતાનો ચહેરો છુપાવી રહ્યા નહોતા. પરંતુ એક વ્યક્તિએ પોતાનો ચહેરો કપડાંથી ઢાંક્યો હતો. તે પોતાની ઓળખ છુપાવી રાખવા માંગતો હતો. અને તે જ માસ્ટર માઇન્ડ હતો.” પછી પ્રવીણ 6 ડિસેમ્બરની વાત કરે છે, “અમે સવારે ત્યાં પહોંચી ગયા. અમને બિલ્લા વગેરે આપવામાં આવ્યા હતા. બે મંચ ત્યાં બન્યા હતા. એક મંચ વી.આઈ.પી. માટે હતો. અડવાણી, જોશી, ઉમા ભારતી, અને બીજા અન્ય વી.આઈ.પી. ત્યાં હતાં. એક બીજો મંચ હતો જ્યાંથી બાબરી મસ્જિદ દેખાતી હતી, ત્યાં અમે પ્રેસવાળા હતા. અચાનક અમે જોયું કે લોકોએ અમને મારવાનું શરૂ કરી દીધું. અને અમારા કેમેરાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો. તેઓ અમારું કામ નષ્ટ કરવા માંગતા હતા. અમે ત્યાંથી ભાગ્યા જ્યાં અડવાણી વગેરે નેતાઓ હતા. મેં અડવાણીને ખુદ કહ્યું કે લોકો મીડિયાવાળાઓને મારે છે, અમને બચાવો. પરંતુ કોઈને અમારી પડી નહોતી. બસ, ‘જયશ્રીરામ’ના નારા લાગી રહ્યા હતા. અને સામે ગુંબજ તૂટી રહ્યું હતું. તેઓને સુપ્રિમ કોર્ટના આદેશની પડી નહોતી.”

અયોધ્યામાં આખરે રામમંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે; અને 22 જાન્યુઆરીના રોજ મંદિર ધૂમધામથી ખુલ્લું મૂકવામાં આવશે. અયોધ્યાની બાબરી મસ્જિદ દોઢ સદી સુધી વિવાદનું કેન્દ્ર રહી અને હિંદુ-મુસ્લિમ પક્ષો પોતપોતાના આસ્થાના પ્રતિક તરીકે આ જગ્યાને પવિત્ર માનતા હતા. હિંદુ પક્ષ બાબરી મસ્જિદને રામજન્મભૂમિ તરીકે ઓળખવાતો. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી અને એ દિવસે ભારતનો રાજકીય ઇતિહાસ કાયમ માટે બદલાઈ ગયો. આ દિવસે અનેક પત્રકારો અને તસવીરકારો અયોધ્યામાં હતા. પ્રવીણ જૈનની જેમ અયોધ્યાથી પ્રકાશિત થતાં ‘જનમોરચા’ નામનું અખબાર વર્ષોથી આ વિવાદ કવર કરતું હતું. સુમન ગુપ્તા એ દિવસે ફૈદાબાદથી અયોધ્યા જતા હતા ત્યારે જોયું કે, “રસ્તામાં અનેક જગ્યાએ કેમ્પ લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ચાલીને અયોધ્યા જઈ રહ્યા હતા. ગાડીઓને રોકીને લોકો તેમાં સવાર થઈને પણ જતા હતા. કારસેવકો લોકોને અટકાવીને સિંદૂર લગાવીને, લાડૂ ખવડાવીને જયશ્રીરામ બોલાવતા.”

એ દિવસે ‘રાષ્ટ્રિય સહારા’ માટે રિપોર્ટીંગ કરનારા રાજેન્દ્ર કુમાર એક મુલાકાતમાં જણાવે છે : “હું સવારે સાત વાગ્યે રામજન્મભૂમિ પરિસરમાં પહોંચ્યો. ત્યાં પરિસરમાં ‘આર.એસ.એસ.’ના લોકોએ પૂજા માટે બેરિકેડિંગ કરીને રાખી હતી. એક બાજુ મહિલાઓને બેસાડવાની હતી. પોલીસ કન્ટ્રોલ રૂમ ત્યાં બનાવવામાં આવ્યો હતો. કેમેરા પણ ત્યાં લાગ્યા હતા, જેના દ્વારા સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. મેં ત્યારે ઉમા ભારતી, લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્ર, મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, વિનય કટિયાર આ તમામની તસવીર લીધી. આ આગેવાનો પૂજા ક્યાં થવાની છે એ જોવા માટે પરિસરમાં આવ્યા હતાં. લલ્લૂ મહારાજ જે પછીથી સાંસદ બન્યા તે પણ માનસ ભવનમાં પત્રકારોને ચા પિવડાવી રહ્યા હતા. સવારે 9 વાગ્યાથી જ મિટિંગ શરૂ થઈ ગઈ. એક બાજુ ભાષણ ચાલી રહ્યા હતા અને બીજી તરફ મોટી સંખ્યામાં કારસેવકો આવી રહ્યા હતા. 11 વાગતા સુધીમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ.”

એ દિવસે ‘મરકજ’ અખબાર ચલાવતા પત્રકાર હિસામ સિદ્દીકી પણ અયોધ્યામાં હતા. તેમણે જોયું કે મસ્જિદના પાછળના મેદાનમાંથી કેટલાંક લોકો દોરડાંઓ અને પાવડા લઈને બેઠા હતા. હિસામ મુજબ : “તેઓ મરાઠી બોલી રહ્યા હતા. અમારી સાથે ‘સકાળ’ના પત્રકાર રાજીવ સાબલે હતા. તેમણે એ લોકોને પૂછ્યું કે ‘આ બધું શું છે?’ ત્યારે તે લોકોએ જવાબ આપ્યો કે, ‘તમને થોડી જ વારમાં ખબર પડી જશે!’ જો કે જ્યારે હું લખનઉમાં કારસેવકોને મળ્યો ત્યારે બધું જ સામાન્ય લાગતું હતું. મજાક ચાલી રહી હતી અને તેમણે કહ્યું હતું કે માત્ર સાંકેતિક પૂજા થવાની છે.”

એ દિવસોમાં ‘બી.બી.સી.’ વતી રામદત્ત ત્રિપાઠી નામના પત્રકાર અયોધ્યામાં હતા. તેઓ એક મુલાકાતમાં કહે છે : “30 નવેમ્બરથી માહોલ બગડવા લાગ્યો હતો. કારસેવકોએ ત્યાંની મઝારોને નુકસાન પહોંચાડ્યું હતું. હું અને ‘બી.બી.સી.’ના સાથી પત્રકાર માર્ક ટુલી જ્યારે 6 ડિસેમ્બરના રોજ કારસેવકપુરમ્‌ પહોંચ્યા ત્યારે વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલ સાથે કેટલાંક કારસેવકોએ દુર્વ્યવહાર કર્યો. તેમની સાથે ગાળાગાળી પણ કરી અને કારસેવકોએ કહ્યું કે તમે નેતાગીરી કરીને આ આંદોલનને રાજકીય રીતે ચલાવી રહ્યા છો. અમે તો મસ્જિદ તોડી પાડીશું.”

તે વખતે અયોધ્યાની સ્થિતિ જોતાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ પોલીસ ફોર્સની 200 કંપનીઓ મોકલી હતી. પરંતુ તે કંપનીઓ અયોધ્યાની બહાર ફૈજાબાદમાં હતી. તે કંપનીઓ રાજ્ય સરકારના આદેશની રાહ જોતી રહી. ‘બી.બી.સી.’ના પત્રકાર રામદત્ત ત્રિપાઠી આ સ્થિતિ વિશેની નોંધ આ રીતે કરે છે : “સેન્ટ્રલ ફોર્સને જ્યારે વાયરલેસથી માહિતી મળી તો તેમણે મેજિસ્ટ્રેટથી કહ્યું કે તમે આદેશ આપો, કારણ કે ફોર્સ જાતે ન જઈ શકે. રાજ્ય સરકાર કે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ તરફથી તેમને કોઈ આદેશ ન આપવામાં આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે લાકડી-ગોળીઓ નહીં ચાલે. કોઈ અન્ય રીતે તમે કારસેવકોને અટકાવી શકો તો અટકાવો. આ વાત ‘રેપિડ એક્શન ફોર્સ’ના કમાન્ડર બી.એમ. સારસ્વતે મને જણાવી હતી.”

રામદત્ત અયોધ્યાના એ દિવસની સ્થિતિ વિશે ‘બી.બી.સી.’ સાથેની એક મુલાકાતમાં કહ્યું છે કે, શાંતિ વ્યવસ્થાની જવાબદારી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસની હોય છે. તેમણે કોઈને ય પૂછવાની જરૂર નહોતી. પરંતુ તેઓ વાટ જોઈને બેસી રહ્યા કે મુખ્ય મંત્રી શું કહે છે, બી.જે.પી.ના નેતા શું કહે છે. એ વાત સ્પષ્ટ દેખાતી હતી કે પ્રશાસન નિર્ણય લેવામાં સક્ષમ નહોતું અને તેમની અંદર ઇચ્છાશક્તિ નહોતી. જિલ્લા ન્યાયાધીશ પ્રેમ શંકર ડ્યૂટી પર હતા અને 6 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેમણે રિપોર્ટમાં સ્થિતિ સામાન્ય છે તેમ દાખવ્યું છે. કેન્દ્ર સરકારે મોકલેલી ટુકડીઓ ત્યાં પહોંચી જ ન શકી અને ચાર-પાંચ સુધી બાબરી મસ્જિદના ગુંબજને તોડી પાડવામાં આવ્યો. ઉમા ભારતીની એક તસવીર તે દિવસોમાં અખબારોમાં પ્રકાશિત થઈ હતી. તે ખુશીનો એકરાર કરતા મુરલી મનોહર જોશીના પીઠ પર ચઢી ગયાં હતાં. જો કે તે દિવસે અયોધ્યામાં રિપોર્ટીંગ કરનારા પત્રકારો એ નોંધે છે કે, જ્યારે ગુંબજ તોડી પડાયા ત્યારે સાંજ સુધી કોઈ પણ નેતાને તેની આસપાસ જોવામાં નહોતા આવ્યા.

અયોધ્યાના વિવાદ વિશેના અઢળક પુસ્તકો અને અખબારી અહેવાલો મોજૂદ છે. આ ઘટનાને ત્રીસ વર્ષ થઈ ચૂક્યા છે અને તે જગ્યાએ જ્યારે નવો અધ્યાય લખવા જઈ રહ્યો છે ત્યારે માત્ર એટલું જોવું રહ્યું કે તે દિવસે અયોધ્યામાં રહેનારા આગેવાનોનો રાજકીય ક્ષેત્રમાંથી અસ્ત થઈ ચૂક્યો છે; અને તેમનાં નામ વિના નવા મંદિરનો કાર્યક્રમ થાય તો નવાઈ નહીં.

e.mail : kirankapure@gmail.com

Loading

‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ અને અયોધ્યા :

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

બી.બી. લાલ અને કે.કે. મોહમ્મદની ભૂમિકા અને મંતવ્ય

બી.બી. લાલ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ના પૂર્વ ડિરેક્ટર જનરલ બ્રજબસી લાલને યાદ કરવા જોઈએ. બ્રજબસી લાલ ‘બી.બી. લાલ’થી ઓળખાતા હતા; અને તેમણે જ પહેલીવાર બાબરી મસ્જિદની સાઇટ પર ઉત્ખનન કર્યું હતું, જેમનું અવસાન ગત વર્ષે થયું હતું. યુનેસ્કોની વિવિધ સમિતિમાં સ્થાન પામનારા બી.બી. લાલનું આર્કિયોલોજિસ્ટ તરીકેની કારકિર્દી આરંભાઈ ત્યારે તેમનું લેખનમાં તટસ્થતા ઝળકતી હતી અને તેમણે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ મેગેઝિન ‘એન્સિઅન્ટ ઇન્ડિયા’માં લખેલાં લખાણો તેની સાબિતી છે. પરંતુ 1990 આવતાં સુધીમાં તેઓ ‘ભગવા પુરાતત્વવિદ્’ તરીકે ઓળખાવા લાગ્યા, જેનું એક કારણ અયોધ્યામાં તેમણે કરેલું ઉત્ખનન હતું. 1944ના અરસામાં યુવાન વયે લાલ સ્કૂલ ઑફ આર્કિયોલોજી ખાતે ટ્રેઇન થયા; ત્યારે આ વિભાગ સંભાળનારા ઇંગ્લેન્ડના જાણીતા પુરાતત્વવિદ્ મોર્ટીમર વ્હીલર હતા. મોર્ટીમર વ્હીલરની હાથ નીચે પંજાબ, તક્ષશીલા અને હડપ્પા સાઇટ પર તૈયાર થનારા અનેક વિદ્યાર્થીઓ તે પછી ‘આર્કિયોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’માં ઉચ્ચ પદે બિરાજ્યા, તેમાંના એક બી.બી. લાલ પણ હતા.

બી.બી. લાલે 1990માં ભા.જ.પ. સાથે સંકળાયેલા ‘મંથન’ નામના મેગેઝિનમાં ‘ઓરિજનલ લાઇ’ એટલે ‘અસલ જુઠ્ઠાણું’ એ નામે એક લેખ લખ્યો હતો અને તે લેખથી ખાસ્સો વિવાદ જન્મ્યો હતો. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પરના આ સંબંધિત લેખમાં હુમરા લઇક લખે છે કે, ‘1977 દરમિયાન બાબરી મસ્જિદમાં કરેલા ઉત્ખનનમાં બી.બી. લાલને કોઈ મંદિરના પુરાવા નહોતા મળ્યા, પરંતુ તે પછીના દસ વર્ષ પછી તેઓ તે સ્થળે મંદિરના પિલ્લર હોવાની વાત લઈ આવે છે. ઘણાંનું કહેવું છે કે બી.બી. લાલને 1977 દરમિયાન ‘એ.એસ.આઈ.’ના રિપોર્ટમાં અયોધ્યામાં ઉત્ખનન રસ વિનાનું લાગતું હતું. પરંતુ 1989માં તેમને આ જ સાઇટ પર પિલ્લર દેખાયા અને એક વર્ષમાં જ તેમણે મંદિરના પાયા હોવાનું નિવેદન આપ્યું. અને 2008માં તો તેમણે મંદિરના બાર પિલ્લરની અને સાથે સાથે હિંદુ દેવતાની મૂર્તિની વાત પણ કહી. બી.બી. લાલનું આ કાર્ય કોઈ પણ એકેડેમિક જર્નલે પ્રકાશિત કર્યું નથી. સામાન્ય રીતે આ પ્રકારના જર્નલમાં પુરાવા સાથે વાત રજૂ થાય છે.

બી.બી. લાલની અંતર્ગત કે.કે. મોહમ્મદ આર્કિયોજિસ્ટ તરીકેની ટ્રેનિંગ મેળવી અને તે પછી કે.કે. મોહમ્મદ અયોધ્યામાં ઉત્ખનન કરવા માટેના મહત્ત્વના પદાધિકારી બન્યા. કે.કે. મોહમ્મદનું નામ આજે ભારતીય પુરાતત્વવિદમાં જાણીતું છે અને તેઓ પણ અયોધ્યા સંદર્ભે અનેકવાર ખુલીને બોલ્યા છે. હાલમાં તેમણે ‘લલ્લનટોપ’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાત અયોધ્યા વિશે કહ્યું હતું કે, “અમે 1976-77માં જ્યારે અયોધ્યામાં ઉત્ખનન માટે ગયા ત્યારે અમે ઉત્ખનન કરવા અગાઉ આસપાસ બધું જ તપાસી લઈએ છીએ. અમે પહેલાં આસપાસ જોઈને એવું નક્કી કરીએ છીએ કે આની નીચે કશુંક હોઈ શકે કે નહીં? એ સમયે ટેકનોલોજી વિકસિત નહોતી. અમે એ વખતે મસ્જિદ ગયા તો તે વખતે મસ્જિદ પર તાળું હતું. એક પોલીસ જવાન ત્યાં હતો. ત્યારે આ વિવાદ મોટો નહોતો. અમે સુરક્ષા કરનારા પોલીસને કહ્યું કે અમે વિદ્યાર્થીઓ સંશોધન કરવા આવ્યા છે, તો તેમણે કહ્યું કે તમે અંદર જઈ શકો છો. અમે અંદર જઈને જોયું તો મસ્જિદ પિલ્લર્સ છે, તે જ મંદિરના હતા. તો કોઈને પ્રશ્ન થશે કે આ કેવી રીતે કહી શકો છો કે આ મંદિરના પિલ્લર્સ છે. અમે એના માટે જ ટ્રેઇન થયેલા છીએ. અમે આ પ્રકારના કિસ્સામાં કોઈ વૈજ્ઞાનિક તપાસ વિના બતાવી શકીએ કે સ્થાપત્ય બારમી સદીનું છે કે પંદરમી સદીનું છે, તે અકબર કાળનું છે કે જહાંગીર કાળનું. નિર્માણની શૈલી, ડિઝાઈન અને મટિરિયલના આધારે અમે તે દર્શાવી શકીએ છીએ. અંદર જઈને અમે જોયું તો મંદિરના જે પિલ્લર હતા તેને જ મસ્જિદમાં ફરી ઉપયોગમાં લેવાયા છે.”

કે.કે. મોહમ્મદ આગળ કુતુબમિનાર અને તેની પાસે આવેલી કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનો ઉલ્લેખ કરીને ત્યાંના લખાણની વાત કરતાં કહે છે કે, “અગિયારમી સદીમાં અહીં 27 મંદિરોને તોડી પાડીને આ મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી. અને તે દરમિયાન દેવતાઓની મૂર્તિ પણ તોડી પાડવામાં આવી હતી. તેમાં આજે પણ ગણેશ અને શિવની મૂર્તિ જોઈ શકાય છે. ઇતિહાસમાં એક વાત આપણે સમજવી જોઈએ કે કેટલીક ભૂલો થઈ ચૂકી છે. મુસ્લિમોએ આ ભૂલને સ્વીકારવી જોઈએ. જો કે હું એમ પણ કહીશ કે વર્તમાન સમયના મુસ્લિમો આ ભૂલ માટે જવાબદાર નથી. પરંતુ આ બાબતને તેઓ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે ત્યારે હું તેમને જવાબદાર ગણીશ. તેઓ બે રીતે આ વાતને યોગ્ય ઠેરવે છે કે, તે વખતના બધા જ હિંદુ મુસ્લિમ થઈ ગયા તો તેમણે પોતાનું જ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી. આ પ્રથમ તર્ક છે. અને કોમ્યુનિસ્ટ પક્ષકારો બીજો તર્ક એ રીતે મૂકે છે કે, સોના અને ચાંદીનો ભંડાર મંદિરના નીચે હતા અને એટલે જ મંદિરને ટારગેટ બનાવવામાં આવ્યા.”

બી.બી. લાલના આગેવાનીમાં ઉત્ખનન કરનારા કે.કે. મોહમ્મદ આ વાત ખોંખારીને કહે છે અને તેમણે તે સંબંધિત પુસ્તક પણ લખ્યું છે. પરંતુ ‘ધ વાયર’ ન્યૂઝ પોર્ટલ પર બી.બી. લાલની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ખડા કરે છે. 1950-52માં તેમણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેનું નામ હતું ‘આર્કિયોલોજી ઓફ ધ મહાભારત સાઇટ્સ’. આ પ્રોજેક્ટમાં તેમણે બનાવા, પાણીપત, કુરુક્ષેત્ર અને મથુરાના કેટલાંક સ્થળોને મહાભારતના કાળ સાથે જોડી. અને બુદ્ધ પહેલાના સમયના માટીકામ જે મહાભારત સાથે જોડી દીધું હતું. જો કે આ બધું જ લખાણ જ્યારે બી.બી. લાલે કર્યું ત્યારે તેમાં ઠોસ પુરાવાની કમી હતી. એ પ્રમાણે જ તેમણે શિમલા સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓ એડવાન્સ સ્ટડીઝ’ અને ‘એ.એસ.આઈ.’ સાથે મળીને આર્કિયોલોજીકલ ઓફ ધ રામાયણ સાઇટ્સનું સંશોધન શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કામ પણ શરૂ થયું, જો કે તે વિશેનો અહેવાલ ક્યારે ય પ્રકાશિત ન થયો.

બી.બી. લાલનું જે મહત્ત્વનું કાર્ય છે તેમાં ચોથી સદીના જૈન સ્થાપત્યો છે અને પહેલી-બીજી સદીના રોમન ઘરેણા છે. તેમના આ કાર્યોમાં અયોધ્યાનો ઉલ્લેખ વેપારી માર્ગ તરીકે થયો છે અને તદ્ઉપરાંત બહુસાંસ્કૃતિક સ્થળ તરીકે. તેમાં ક્યાં ય હિંદુ મંદિરનો ઉલ્લેખ નથી. આ રીતે તેમણે પછી પણ આર્કિયોલોજિલ ક્ષેત્રમાં ભેળસેળ કરી છે અને અંગ્રેજી અખબારોમાં તેમના આ પ્રકારના કાર્ય વિશે ખૂલીને લખાયું પણ છે. તેના બધા જ ઉદાહરણ અહીંયા ટાંકવા સંભવ નથી, પણ બી.બી. લાલે જે કાર્ય કર્યાં છે તેના પર પ્રશ્નો ખડા થયા છે.

બી.બી. લાલના અયોધ્યા સંબંધિત કામ અંગે કે.કે. મોહમ્મદ જણાવે છે કે “1990ના અરસામાં જ્યારે અયોધ્યાનો મુદ્દો વિવાદિત બન્યો ત્યારે તે વખતના સામ્યવાદી વિચારધારા ધરાવનારા ઇરફાન હબીબ સહિતના ઇતિહાસના પ્રોફેસરોએ એ વાત મૂકી કે બી.બી. લાલ અને તેમની ટીમને બાબરી મસ્જિદથી કોઈ પણ મંદિરના પુરાવા મળ્યા નથી. તે વખતે લાલસાહેબને પોતાને ડિફેન્ડ કરવા પડ્યા. અમે ત્યાં ઉત્ખનન કર્યું છે અને ત્યાં મંદિર સંબંધિત ઘણી ચીજવસ્તુઓ મળી છે. અને અમને મંદિરના પિલ્લર્સ પણ મળ્યા છે. તેમનો સપોર્ટ કરનારા કોઈ નહોતા. તે વખતે હું મદ્રાસમાં કામ કરતો હતો. હું એ.એસ.આઈ.માં ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ હતો અને ત્યારે મેં એક નિવેદન આપ્યું હતું, જે તે વખતે નહોતું આપવું જોઈએ – બી.બી. લાલને મંદિરના અવશેષ ત્યાં મળ્યા છે. અને તે પૂરા ઉત્ખનનમાં હું માત્ર એક મુસ્લિમ હતો. આ સ્થળ જેમ મુસ્લિમો માટે મક્કા-મદિના છે તેમ હિંદુ માટે છે. તેથી મુસ્લિમોએ આ સ્થળ હિંદુઓને આપી દેવું જોઈએ.

‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ જેવાં વિભાગોએ ખરેખર તો આવા વિવાદીત મુદ્દામાં લોકોની સમજ સ્પષ્ટ થાય તે રીતે કાર્ય કરવું જોઈએ, પણ અયોધ્યાના કિસ્સામાં તેમ થયું હોય તેવું દેખાતું નથી.

e.mail : kirankapure@gmail.com 

Loading

રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી લાલદાસના અયોધ્યા વિવાદ સંબંધે અનુભવો…

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

અયોધ્યા સંબંધે અત્યારે સર્વત્ર ઊજવણીની સ્ટોરીઝ આવી રહી છે, પણ કેટલીક અગત્યની બાબતો મીડિયામાં દૃશ્યમાન થઈ રહી નથી. અયોધ્યા વિવાદને લઈને જેમની હત્યા થઈ હતી; તે બાબા લાલદાસ પણ ભૂલાઈ ચૂક્યા છે. આમ આ વિવાદમાં અનેક લોકો મૃત્યુ પામ્યા; અને પરિવારો પણ ખુંવાર થયા. પરંતુ આજે તે બધા વતી કોઈ બોલનારું નથી; જ્યારે બાબા લાલદાસે તે વખતે કહેલી કેટલીક દસ્તાવેજિત થઈ છે, જે આજે પણ જોઈ-વાંચી શકાય છે. બાબા લાલદાસ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેમણે આનંદ પટવર્ધન દિગ્દર્શિત ‘રામ કે નામ’ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને અયોઘ્યા વિવાદ સંદર્ભે રાજકીય પક્ષોને ન ગમે તેવી વાત કરી. 1969થી 1992માં તેમની હત્યા થઈ ત્યાં સુધી તેઓ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા રહ્યા; અને આ વિવાદને રાજકીય રંગ ન આપવા અંગે તેઓ મક્કમ હતા. તેમની હત્યાના થોડા દિવસો પૂર્વે બાબા લાલદાસે ‘માનુષી’ નામના મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂઝની કેટલીક વાતો આંખ ઉઘાડનારી છે.

આ ઇન્ટરવ્યૂ તે પછી ‘રાષ્ટ્રવાદી કી ચકરી મેં ધર્મ એવમ્ અન્ય’ નામના પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તેમાં શરૂઆતમાં બાબા લાલદાસ કહે છે કે, “મારું નામ લાલદાસ છે. 1983માં ન્યાયાલયે મારી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિમણૂક કરી હતી. મેં આ પદ પર 1 માર્ચ, 1992 સુધી કામ કર્યું. તે અગાઉ હું રામ જન્મભૂમિ સેવા સમિતિનું કાર્ય જોતો હતો. 1969થી 1983 સુધી હું ન્યાયાલયમાં ચાલી રહેલા અયોધ્યાના વિવાદિત કેસમાં સતત હાજર રહેતો. તે પછી મંદિરના મુખ્ય પૂજારી તરીકે મારી નિમણૂંક કરવામાં આવી. કાગળ પર તો આજે પણ હું જ પૂજારી છું. આ નિમણૂંક રિસીવરના પદ પર રહેનારા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હતી. 1992માં ભા.જ.પ. સરકારે મને હટાવીને પોતાના સમર્થકને રામજન્મભૂમિના પૂજારી બનાવી દીધા.”

‘ભા.જ.પે. આવું કેમ કર્યું? તેમને એવું લાગતું હતું કે તમે તેમના હિતમાં કામ નહીં કરો?’ એવું જ્યારે લાલદાસને પૂછવામાં આવ્યું તો તેમણે ઉત્તરમાં કહ્યું : “કોઈના હિતમાં કામ કરવાનો પ્રશ્ન જ નહોતો. હું તેમના આધિન આવતો નહોતો. મારી નિમણૂંક કોર્ટે કરી હતી અને કોર્ટ સામાન્ય રીતે નિષ્પક્ષ વ્યક્તિની જ નિમણૂંક કરે છે. તેઓ મારી પાસેથી જે પણ ઇચ્છતા હતા, તેનું હું પાલન કરી શકું એમ નહોતો – તેમને મારી પાસેથી બે ઉદ્દેશ્ય પાર પાડવાના હતા – પ્રથમ હું મીડિયામાં તેમના પક્ષમાં બોલું; ને બીજું એવું જાહેર કરી દઉં કે રામ જન્મભૂમિના પૂજારીને મળનારી ભેટ પર વિશ્વ હિંદુ પરિષદનો હક છે. તેમનો મુખ્ય રસ પોતાના રાજકીય પ્રચારમાં હતો. તેઓ ઇચ્છતા હતા કે મંદિરમાં આવનારા તમામને અમે કહીએ કે મંદિર વિશ્વ હિંદુ પરિષદનું છે.” અયોઘ્યામાં ખરેખર દખલ ક્યારથી શરૂ થઈ? લાલદાસનો જવાબ : “મંદિરને લઈને રમખાણો 1984માં શરૂ થયા. તે અગાઉ ત્યાં કોઈ વિવાદ કે ગંભીર સંકટ નહોતું. 1959માં એક નાનકડો વિવાદ હતો, જેને લઈને બંને પક્ષ કોર્ટમાં ગયા હતા. તે સમયે ન તો રસ્તા પર નારા લાગ્યા, ન તો કોઈ હિંસા થઈ હતી. આ બધું જ બિહારના સીતમઢીથી શરૂ થયું. ત્યાંથી ‘વી.એચ.પી.’એ રામજન્મભૂમિનું તાળું ખોલવા માટે એક રથયાત્રા કાઢી હતી. આ રથયાત્રામાં તેમને ખૂબ નાણાં મળ્યા અને સમર્થન મળ્યું. પરિણામે જેમ જેમ પૈસા મળતા ગયા તેમ આંદોલન પણ આગળ વધતું ગયું.”

‘રામ કે નામ’ ફિલ્મમાં પણ લાલદાસ ખોંખારીને કહે છે કે, “આજ દિન સુધી પૂરા હિંદુસ્તાનમાં રમખાણો થયા તે માત્ર ખુરશી અને પૈસા માટે હતા. ન કે રામજન્મભૂમિ માટે. બલકે હું તો એમ કહેવા ઇચ્છું છું કે આજ સુધી ‘વિશ્વ હિંદુ પરિષદ’ના લોકોએ મંદિરમાં કોઈ પૂજા નથી કરાવી. અહીંયાના લોકોએ આ વાતનો ક્યારે ય સ્વીકાર કર્યો નથી. પરંતુ અહીંયા ભાડૂતી કેટલાંક સાધુઓ જેમને પૈસા જોઈએ; તેઓ પૈસાથી ખરીદાયા. રામની શિલાઓ સર્વત્ર લઈ જવામાં આવી. તે પછી તેમણે શિલાઓ દ્વારા પોતાના મકાન બનાવ્યા. અને આ રીતે લોકોના પૈસે તેમણે મોટી મોટી ઇમારતો નિર્માણ કરી દીધી. કરોડો રૂપિયા તેમણે એકઠા કર્યા, પોતાના વ્યક્તિગત એકાઉન્ટમાં પણ તે પૈસા નાંખ્યા. લોકોની હત્યા થાય, લોકોને નુકસાન થાય, તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમનો મતલબ માત્ર પૈસા અને ખુરશીથી છે.”

આજે  એકે ય એવો સાધુ નહીં મળે જે આ બાબા લાલદાસની જેમ પોતાની વાત રજૂ કરતા હોય. પણ 1990ના અરસામાં રામમંદિરનું આંદોલન જોરશોરથી ચાલતું હતું અને દેશભરમાં ‘મંદિર વહી બનેગા …’ એવાં નારા લાગી રહ્યા હતા, ત્યારે રાજકીય પક્ષોને કટુ લાગે તેવા નિવેદનો લાલદાસે કર્યા હતા. લાલદાસની આ વાતોમાં સત્ય હતું અને એટલાં માટે જ 16 નવેમ્બર 1993ના રોજ તેમની હત્યા કરવામાં આવી. બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં તેઓ મુખ્ય સાક્ષી હતા અને તેમણે ‘વિશ્વ હિંદુ પરિષદ’ના કેટલાંક આગેવાનો વિરુદ્ધ જુબાની આપી હતી. ‘રામ કે નામ’માં લાલદાસ આગળ કહે છે કે, “અહીંયા જે લોકો હિંદુ રાષ્ટ્રની વાત કરે છે, રામના નામે તનાવ ફેલાવે છે, હિંસા કરે છે, તે બધા જ ઊંચી જ્ઞાતિના ને સુવિધાભોગી છે. તેમનામાં ત્યાગ, તપશ્ચર્યા અને જનમાનસનું હિત જેવી બાબત લેશમાત્ર નથી. તેઓ માત્ર ધાર્મિક ભાવનાઓને ભડકાવીને પોતે સુખસુવિધામાં વિહરે છે. તેઓ જનહિતની કોઈ વાત કરી જ ન શકે. પરંતુ આજે મોટાં મોટાં મઠ છે. તેમાં કરોડો-અરબોની સંપત્તિ છે. અને તેઓ પગપાળા ન જઈને હવાઈ મુસાફરી કરે છે. ફર્સ્ટક્લાસની ટિકિટ પર જાય છે. આજના ધર્માચાર્યોને તમે શું કહેશો? હું તો તેમને ભૌતિકવાદી વ્યવસ્થાનો પોષક ગણું છું. જેમની પાસે સંપત્તિ છે તેઓ એમ કહે છે કે અમે હિંદુ ધર્મની રક્ષા કરીએ છીએ. અને એ વિષય પર હું કહેવા માંગું છું – શું રામનો આ જ આદર્શ છે? કે નેવું ટકા લોકો ભૂખ્યા મરે. આ આપણા દેશની વિષમતા છે, તે આ ધર્માચાર્યોને દેખાવી ન જોઈએ? તમારું કહેલું જો મૂડીપતિઓ કરે છે તો તેમના પૈસો લઈને ગરીબોનું ભલું કરો. જેમ મધર ટેરેસા કરે છે કે અન્ય અનેક ધર્માચાર્યોએ કર્યું છે.”

‘માનુષી’ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓ અંતે કહે છે કે, “પહેલાં વિચાર કરનારા લોકો સાધુઓ પાસે આવતા હતા. આ ભૌતિક દુનિયાથી કંટાળેલા સજ્જન લોકો પોતાના વિચારો સાથે સંતો પાસે આવતાં. ત્યારે સાધુઓ ઇર્ષ્યા અને ઘૃણાથી અંતર રાખતા. આજે એ સ્થિતિ આવી ચૂકી છે કે તેઓ રાજકીય પક્ષ ભા.જ.પ.ના સમર્થક થઈ ચૂક્યા છે અને લોહિયાળ સંઘર્ષથી ‘રામરાજ્ય’ લાવવા ઇચ્છે છે. અને બીજી તરફ સાધુ સમાજ છે તે ગુનેગારોનો અખાડો બની રહ્યો છે. જ્યાં સુધી તેમાં યોગ્ય લોકો નહીં આવે ત્યાં સુધી રાજકીય પક્ષો અને મંદિરોની દશા સુધરે તેવી કોઈ આશા નથી. સમાજમાં પરિવર્તન આવે છે ત્યારે જ સંપૂર્ણ ક્રાંતિ થાય છે અને વ્યવસ્થા બદલાય છે ત્યારે લોકોમાં પણ પરિવર્તન આવે છે.”

ધર્મ, સમાજ, એકતા અને સમાધાનની મુદ્દાસર વાત કરનારાં લાલદાસ આજે આપણી વચ્ચે નથી. તેમની હત્યા થઈ તે પછી તેમનો કેસ ક્યારે ય ઉકેલાયો નહીં. તેમની હત્યા જમીન વિવાદમાં થઈ હતી તેવી નોંધ છે, પણ તે ય પુરવાર થયું નથી. લાલદાસને કેટલાંક ‘સામ્યવાદી સાધુ’ કહેતા તો વળી કેટલાંકે તેમને સમાજવાદી પાર્ટીના સમર્થક કહ્યા છે. જો કે તેમણે જે વાતો ઓન કેમેરા કહી છે કે મીડિયામાં તેમણે જે મુદ્દા રજૂ કર્યા છે, તેમાં સામાન્ય લોકોનું હિત અને સત્ય છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...688689690691...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved