Opinion Magazine
Number of visits: 9741560
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ દેશની એકતા અને અખંડતામાં બાધક છે?

Bhaashaa Ane Gyaati Deshnee Ekataa Ane AkhaNdataamaaM Baadhak Chhe ?, ShuN Pradesh|Opinion - Opinion|30 June 2024

રમેશ ઓઝા

પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ આ ત્રણને ભારતમાં ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક માનવામાં આવે છે અને એ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે એવી એક વ્યાપક સમજ પ્રવર્તે છે. પણ સવાલ એ છે કે ભારતમાં મુખ્ય રાષ્ટ્રવાદ શેનો બનેલો છે? એનું એકમેવ ઘટક કયું? અને બીજો સવાલ એ કે શું ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને અનિવાર્યપણે નિર્બળ કરે છે?

કેન્દ્રની ડાબી બાજુએ જે લોકો છે અને હતા એમાંના કેટલાક લોકોનો અભિપ્રાય એવો છે કે ભારતીય રાષ્ટ્રવાદ એ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે. તેઓ એમ પણ માને છે કે ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે, માટે ભારતની પ્રજાને ભારતીય રાષ્ટ્રીય નાગરિક ધર્મના શિક્ષણ દ્વારા ઉપ રાષ્ટ્રવાદના મોહથી મુક્ત કરવી જોઈએ. કેન્દ્રની જમણી બાજુએ જે લોકો હતા અને છે તેમનો અભિપ્રાય એવો છે કે હિંદુ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને માટે તે મુખ્ય રાષ્ટ્રવાદને કમજોર કરે છે. બન્ને ધારાના લોકો ઉપ રાષ્ટ્રવાદના ઘટકો વિષે એક સરખો અભિપ્રાય ધરાવે છે, પરંતુ તેમનું મુખ્ય રાષ્ટ્રવાદનું એકમેવ ઘટક અલગ છે. એક માટે ભારતીય છે અને બીજા માટે હિંદુ ધર્મ છે.

જેઓ ભારતીયતાને રાષ્ટ્રવાદનું મુખ્ય અને એકમેવ ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ધર્મ સ્વયં એક પૃથકતા પેદા કરનારી અસ્મિતા છે જે વિધર્મીઓની બાદબાકી કરે છે અને જે બાદબાકી કરે એ રાષ્ટ્રને જોડનારી કડી ન બની શકે. જ્યાં બહુમતી આવી ત્યાં લઘુમતી આવવાની જ. બહુમતી પોતે જ લઘુમતીને પેદા કરે છે. આ બાજુ ભારતીય ઓળખ લઘુમતી પેદા કરતી નથી અને જે બહુમતી અને લઘુમતીમાં દેશને ન વહેંચે એ રાષ્ટ્રનું મુખ્ય અને એકમેવ ઘટક હોઈ શકે. તેમની દૃષ્ટિએ તો ધર્મ પણ ઉપ રાષ્ટ્રવાદનું ઘટક છે. જેઓ હિંદુ ધર્મને રાષ્ટ્રવાદનું મુખ્ય ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ભારતીયતા એક કલ્પના છે, વાસ્તવિકતા નથી. કલ્પના ગમે એટલી રોમાંચક હોય, તે વાસ્તવિકતાની જગ્યા ન લઈ શકે. ઓળખ આધારિત બહુમતી અને લઘુમતી એક વાસ્તવિકતા છે અને ભારતમાં હિંદુ ધર્મ એ બહુમતી પ્રજાને જોડનારી એકમેવ અને પ્રબળ કડી છે. પણ થોડા લોકોની બાદબાકી થાય છે તેનું શું? એની ચિંતા કરવાની જરૂર નથી અને જેમની બાદબાકી થાય છે તેમણે સમજવું જોઈએ કે આ દેશ હિંદુઓનો છે.

પણ આનો અર્થ એવો નથી કે ભારતની પ્રજા કેન્દ્રની જમણે અને ડાબે એમ બે ભાગમાં અડધોઅડધ એક સરખી વહેંચાયેલી છે. કેન્દ્રની ડાબે જે લોકો છે એમાં વિચારધારાના હજુ બે રંગ જોવા મળે છે. કેટલાક લોકો એમ માને છે કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ પણ એક વાસ્તવિકતા છે અને તેની ઉપેક્ષા ન થઈ શકે. જો હિંદુ રાષ્ટ્રવાદ સામે ચાલીને કોઈની બાદબાકી કરતો હોય તો પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ તો પરંપરાગત રીતે બાદબાકી થયેલાં ઘટકો છે. તેઓ ન્યાય માગે છે અને તમે તેને ઉપ રાષ્ટ્રવાદનું લેબલ ચોડીને વર્જ્ય માનો છો? કેન્દ્રની ડાબી બાજુનો એક પક્ષ કેન્દ્રની ડાબી બાજુના બીજા પક્ષ સામે પ્રતિવાદ કરે છે. પહેલાં ન્યાય આપો, પોતાનાં કરો, બાથમાં લો, સમાવો અને પછી કહો કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને ભારતીય રાષ્ટ્રવાદમાં અવરોધક છે. મુદ્દો ન્યાયનો છે. ભારતીય રાષ્ટ્રવાદની કલ્પના ગમે તેવી ભવ્ય હોય એ અન્યાય કરનારો તો ન જ હોવો જોઈએ. માટે ઉપ રાષ્ટ્રવાદથી ડરવાની જરૂર નથી. એ વાસ્તવિકતા છે અને જો તેનો સ્વીકાર કરવામાં આવશે અને તેને તેનું હકનું સ્થાન આપવામાં આવશે તો એ ભારતીય રાષ્ટ્રની રંગોળીમાં પોતાનાં રંગ પૂરશે. જરા ય ખોટનો સોદો નથી.

કેન્દ્રની ડાબી બાજુએ એક બીજો પક્ષ છે જે એમ માને છે કે રાષ્ટ્રવાદની કલ્પના જ વર્ચસ્વવાદી (hegemonic) છે. આ બીજો પક્ષ પાછો બે પક્ષમાં વહેંચાયેલો છે. સામ્યવાદીઓ એમ માને છે કે સહિત અને રહિત એ દરેક સમાજની બે નક્કર વાસ્તવિકતા અથવા વાસ્તવિક ઓળખ છે અને એ સિવાયની બીજી ઓળખો અને ઓળખ આધારિત કહેવાતી વાસ્તવિકતાઓ મુખ્ય વાસ્તવિકતાને નિર્બળ બનાવે છે. એક શોષણ કરે છે અને બીજાનું શોષણ થાય છે. માટે જેટલો રાષ્ટ્રવાદ નિર્બળ એટલી મજૂરોની ક્રાંતિની સંભાવના વધુ. આમ વિચારીને ભારતનાં સામ્યવાદીઓએ ભારતના વિભાજનનું સ્વાગત કર્યું હતું. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રીયતા વિનાના પાકિસ્તાનમાં સામ્યવાદી ક્રાંતિ ઝડપથી થશે.

અસ્મિતાઓનો ડર દલિતો પણ અનુભવે છે. જ્યાં અસ્મિતાઓ હોય ત્યાં આગ્રહો હોય અને દલિતોને તો કોઈ અસ્મિતા જ આપવામાં નથી આવી. માટે દલિત વિદ્વાનો માને છે કે કાયદાનું રાજ હોય એટલું પૂરતું છે. બધાને એક સરખો દરજ્જો આપતું બંધારણ હોય, એ દરજ્જાને સુરક્ષા આપતું કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય એટલું પૂરતું છે. આ દેશના નિર્બળ નાગરિકને રક્ષણની ગેરંટી આપી શકે છે, બાકી રાષ્ટ્રવાદ એક કે બીજી રીતે અનુકૂળ થવાનો આગ્રહ રાખે છે અને એમાં હંમેશાં નિર્બળે જ સબળના પક્ષે અનુકૂળ થવાનું રહે છે. આ વખતની ચૂંટણીમાં દલિતોએ અને બીજી અત્યંત પછાત જાતિઓએ બંધારણને બચાવવા બી.જે.પી.ની વિરુદ્ધમાં મત આપ્યો એનું આ કારણ છે. આ વખતની ચૂંટણીમાં પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એક પ્રભાવી પરીબળ સાબિત થયાં એનું પણ એ જ કારણ છે. જો બંધારણ બદલાય અને ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર આવે તો આ ત્રણેયને હાંસિયામાં ધકેલી દેવામાં આવે. જ્યાં સુધી હિંદુ રાષ્ટ્રવાદને નામે મુસલમાનોને અન્યાય થતો હતો કે હાંસિયામાં ધકેલવામાં આવતા હતા ત્યાં સુધી આ કોઈને ખાસ કોઈ વાંધો નહોતો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2024

Loading

વરસાદ આવતા પહેલાં જ 

ગુલઝાર [હિન્દી પરથી ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|30 June 2024

વરસાદ આવતા પહેલાં જ

વરસાદથી બચવાની તૈયારી ચાલી રહી છે

બધી તિરાડો પૂરી દીધી છે

અને છત લીપીને, હવે છત્રી પણ સંધાવી લીધી છે

બહારની બાજુ ખુલતી જે બારી છે

એની ઊપર પણ છજ્જું મઢાવી દીધું છે

મુખ્ય રસ્તા પરથી ગલીમાં થઈ દરવાજા સુધી આવતો માર્ગ

કપચી-માટી નાંખી એને ટીપી રહ્યાં છીએ!

અહીં જ ક્યાંક ખાડાઓમાં

વરસાદ આવતા જ પાણી ભરાઈ જાય છે

જૂતા, પગ અને પાયચા બધું પલળી જાય છે

ગળે ના પડી જાય મેઘધનુષ

ભીંજાઈ ના જવાય વાદળથી

મેઘથી બચીને જીવીએ છે

વરસાદ આવતા પહેલાં જ

વરસાદથી બચવાની તૈયારી ચાલી રહી છે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓ નૈતિકતાની એરણ પર નાપાસ થાય ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 June 2024

સ્માર્ટ સિસ્ટમને નામે બધું જ ‘આઉટસોર્સ’ કરવામાં કેન્દ્ર સરકારના હાથમાંથી જ મામલો ‘આઉટ’ થઇ ગયો છે

ચિરંતના ભટ્ટ

NEET, JEE, NET, આ બધી જ પરીક્ષાઓ જાણે સફળતાના પગથિયાં ગણાય છે. આ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને હોંશિયાર ગણવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાનાં પરિણામ કોઇની પણ કાબેલિયત પર લાયકાત અને બિનલાયકાતનો સિક્કો મારનારી સાબિત થાય છે. પણ છેલ્લા કેટલાક વખતથી લાખો જુવાન ભારતીયોની કારકિર્દીને બનાવનાર કે બગાડનારી આ પરીક્ષાઓ નીતિમય કટોકટી સાબિત થઇ રહી છે. NEETની પરીક્ષાના પેપર લીકનો વિવાદ શમવાનું નામ નથી લેતો, આ એક બીજો ગોધરાકાંડ સાબિત થઇને રહેશે એવું લાગી રહ્યુ છે. વિરોધો અને પિટિશન્સની વચ્ચે સરકારે એ જ કર્યું છે જે કાયમ થતું આવ્યું છે – એક નવી સમિતિ ખડી કરાશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, પરીક્ષાની કામગીરી અને સલામતીના ધારાધોરણો અંગે સુધારા સૂચવશે.

ભારતમાં કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓનું તંત્ર કેટલું રેઢિયાળ છે એ પ્રશ્નની ચર્ચા કરવાનો અર્થ નથી, કારણ કે એના આપણી પાસે પૂરતા પુરાવા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે 2017માં સ્થપાઇ અને ત્યારથી માંડીને આજ સુધી તેની વિશ્વસનીયતા દિવસે દિવસે જમીનમાં, પાતાળલોકમાં ધસતી જાય છે. કેન્દ્ર સરકારે અત્યારે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વડાને બરતરફ કરી દીધા છે પણ શું એમ કરવાથી આ પ્રશ્ન ઉકેલાઇ જાય છે? વિશ્વસનીયતાને ઠેકાણે પાડવી, ફરીથી પરીક્ષાઓ લેવી એ બધું તો ઠીક છે પણ શું એટલું કરવાથી મહિનાઓ સુધી પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપીને હાશ અનુભવીને પછી ફરીથી અધ્ધર જીવે આગળ શું થશેની ચિંતા કરનારા વિદ્યાર્થીઓની જે માનસિક હાલત થઇ હશે એ ઠીક થઇ જશે?

શિક્ષણ જગતમાં આગળ વધવા માટે યુ.જી.સી.ની NETની પરીક્ષા આપવી પડતી અને ફેબ્રુઆરીમાં સરકારે એન્ટિ પેપર લીક કાયદો પસાર કર્યો એ પછી સૌથી પહેલાં તો યુ.જી.સી. નેટની પરીક્ષા બંધ કરવામાં આવી. NETની પરીક્ષાઓમાં એવી તે શું ગરડબ હતી કે તે સદંતર રદ્દ કરી દેવાઇ અને પરીક્ષાઓ કેન્સલ કરવા પાછળનું કારણ શોધવા માટે CBIને કામ લગાડવામાં આવી. વળી અખબારના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં આ પરીક્ષાઓમાં પંદર જેટલા રાજ્યોમાં ગોટાળા અને પેપર લીકના મામલા ઝડપાયા હતા.

આટલું બહોળું અને પેચીદું તંત્ર ધરાવતા આપણા દેશમાં રાષ્ટ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓમાં ક્યાંક એક નાનકડો ગોટાળો થાય તો તેની અસર બહુ દૂર સુધી પડતી હોય છે. રાજકારણીઓ જે કાં તો બહુ ભણેલા નથી હોતા અથવા તો વિદેશમાં ભણેલા હોય છે તેમને સામ્રાજ્યવાદી માનસિકતાના આધારે બનેલી પરીક્ષા પ્રથાઓનું ભારતીયકરણ કેવી રીતે કરવું જોઇએ તેના કોઇ નક્કર રસ્તા નથી મળી રહ્યા. સરકાર પાસે એક ન્યાયી પરીક્ષા તંત્રની અપેક્ષા રાખી શકાય ખરી?

આ વિવાદોની વચ્ચે નવા શબ્દો ચર્ચાતા થયા છે – એક્ઝામ માફિયા અને કોચિંગ-ક્લાસ ઇન્ડસ્ટ્રી. કોટા ફેક્ટ્રી જેવી ઓ.ટી.ટી. સિરીઝ આ શહેરોની વાસ્તવિકતા પર બનેલી વાર્તાઓ છે તો કોટા, સિકર અને હૈદરાબાદ કોચિંગ હબ્ઝ બનેલાં શહેરો આવી વાર્તાઓનાં મૂળ છે.  આ શહેરોમાં શિક્ષણને નામે ચાલી રહેલા ધંધા પર બહુ પહેલા જ લોકોને સવાલ થવા જોઇતા હતા પણ આત્મહત્યાઓ, હતાશ વિદ્યાર્થીઓ અને પાણીની જેમ વહેતા પૈસામાં એ પહેલાં ન થયું. ભારતમાં લેવાતી પ્રવેશ પરીક્ષાઓ એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ એવી કેવી છે કે કુમળાં છોકરાંઓનો જીવતે જીવ પણ જીવ કાઢી લે છે. અહીં છોકરાંઓ ભણવા સિવાય બીજું કંઇ જ ન કરે એ માટે બારીઓ ક્યારે ય ખૂલે નહીં એવી સજ્જડ બંધ કરી દેવાય છે, આત્મહત્યા ન કરી બેસે એટલે ઓરડામાંથી પંખા કાઢી લેવાય છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓને વિચારતા નથી કરતી પણ ગોખણપટ્ટી કરતાં કરે છે. વિદ્યાર્થીઓની આવડતનું સ્તર નાણી શકે એવી વૈચારિક પરીક્ષાઓ તૈયાર કરાવાનું કામ આપણા શિક્ષણ તંત્રએ કરવાની જરૂર છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગ્રેસ માર્કને મામલે પણ જે પ્રતિભાવ આપ્યો એ પાયા વગરનો અને તર્કહીન લાગ્યો. જે છોકરાંઓ કોર્ટ પહોંચ્યા તેમને જ ટાઇમ લોસને કારણે ગ્રેસ માર્ક મળ્યા, બાકી બધાં રહી ગયા. વળી નીટના કૌભાંડની તપાસ કરનારી સમિતિમાં કોને સભ્ય બનાવ્યા તો પ્રો. પ્રદીપ કુમાર જોશીને જે પોતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરપર્સન છે. આ તો પોતે કાપલી લઇને જે પેપર જાતે લખ્યું છે એની સામે સવાલ કરવાવાળો ઘાટ થયો.

2021માં JEE Mainમાં પણ પરીક્ષાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇને તે જે સિસ્ટમ પરથી પરીક્ષા આપી રહ્યાં હોય તેનું બહાર એક્સેસ અપાવીને કોઇ બીજું જવાબ આપે એ રીતે સારામાં સારા સ્કોર સાથે પરીક્ષા પાસ કરાવવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આવો જ ખેલ GMATની પરીક્ષામાં પણ તે જ વખતે કરાયો હતો. આ તો વળી આંતરરાષ્ટ્રીય ગુનો ગણાય કારણકે JEE મેઇન્સના સોફ્ટવેરને હૅક કરવા માટેનો કોડ એક રશિયને બનાવ્યો હતો. વળી આ કોડ વાપરીને નેવી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાઓ પણ હૅક કરાઇ હતી.

કમનસીબે ભારતમાં આ પરીક્ષા તંત્રની આ જ સચ્ચાઇ છે. જો રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં આ ધાંધિયા થતા હશે તો નાના સ્તરની પરીક્ષામાં તો કોઇ કશું જ બાકી નહીં રાખતું હોય. મેરિટ હોવા છતાં પેપર સેટર કે પેપર લીક કરનારા સુધી પહોંચી ન શકનારા, તેમને પૈસા ન ખવડાવી શકનારા, કોર્ટનાં બારણા ન ખખડાવી શકનારા કેટલા વિદ્યાર્થીઓને નકરી લાચારી અને નિરાશા સાંપડતી હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. પૈસા ખર્ચીને ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ પાસ કરીને કોન્સેટબલ કે ડૉક્ટર બની બેઠેલાઓ તંત્રની શી વલે કરતા હશે એવો વિચાર સુધ્ધા રૂંવાટા ખડા કરી દે તેવો છે.

પરીક્ષાના કેન્દ્રો, આઇ.ટી. કંપનીઝ, મધ્યમ સ્તરના કમ્પ્યુટર ઑપરેટર્સ આ કેન્દ્રીય પરીક્ષાઓ યોજવા માટે મશરૂમની માફક ફૂટી નીકળ્યાં છે. સાઇબર સિક્યોરિટીની કોઇ ગેરંટી નેશનલ ટેસ્ટિંગ એજન્સી આપી શકે તેમ નથી કારણ કે તંત્રનો વિસ્તાર બહુ મોટો છે. પેપર લીક થવા, કોઇને બદલે કોઇ બીજાએ પરીક્ષા આપવી, સિસ્ટમનો એક્સેસ મેળવીને પરીક્ષા ખંડથી દૂર ક્યાંકથી લખાતા જવાબો, લાખો રૂપિયા લઇને ઉત્તરવહી પર સીલ મરાય એ પહેલાં એમાં સાચા જવાબો લખી નાખનારા શિક્ષકો એ આ કેન્દ્રિય સ્તરે લેવાતી પરીક્ષાને પોકળ બનાવતા એવા પરિબળો છે જે બેફામ ફેલાયેલા છે અને તેની પર કાબૂ કરવાનું કોઇપણ તંત્ર આપણી પાસે હજી વિકસ્યું નથી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કર્તાહર્તા છે કોણ? શું એ કોઈ શૈક્ષણિક તંત્ર છે? ત્યાં થતા ગોટાળા વિશે સવાલ પૂછવો તો ય કોને પૂછવો? ભૂતકાળમાં શિક્ષણ ક્ષેત્રની બદીઓ દૂર કરવાની લડત ચલાવનારાઓને આ સવાલોને જવાબ RTI કરીને પણ નથી મળ્યો.

આપણે જાત-ભાતની પ્રવેશ પરીક્ષાઓ રોકવાની જરૂર છે. જેનું તેનું કેન્દ્રીયકરણ કરવાની હોંશ અટકાવવી જોઇએ. સ્વાસ્થ્ય અને શિક્ષણ બે બાબતો એવી છે કે તે અંગે જે-તે રાજ્ય પોતે તંત્ર ખડું કરી શકે પણ આ જ બન્ને ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારને પકડ યથાવત્ રાખવી છે. ભણવામાં ઠોઠ હોય પણ ગજવામાં પૈસા હોય તો એ વિદ્યાર્થી મેરિટ યોગ્ય થઇ જતા હોય ત્યારે આંતરિયાળ વિસ્તારોના પાંગળી સવલતો ધરાવતા વિદ્યાર્થીઓને આવડત અને લાયકાતની એરણ પર નાણવામાં તંત્રએ લાળા ન ચાવવા જોઇએ. સ્માર્ટ સિસ્ટમને નામે બધું જ ‘આઉટસોર્સ’ કરવામાં કેન્દ્ર સરકારના હાથમાંથી જ મામલો ‘આઉટ’ થઇ ગયો છે.

બાય ધી વેઃ 

આપણા દેશમાં કેન્દ્ર સરકાર ચીનની ઘણી બાબતોને અનુસરવા માગે છે તો પછી કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાને મામલે પણ ચીનને અનુસરવાની એષણા રાખવી જોઇએ. ચીનનાં છોકરાંઓ સ્કૂલ પત્યા પછી યુનિવર્સિટી માટેની પ્રવેશ પરીક્ષા ‘ગાઉકાઉ’ આપે છે અને એ પરીક્ષા લેવા માટે શિક્ષકોને રીતસરની તાલીમ અપાય છે. પરીક્ષાના પેપર સેટ થાય ત્યારથી માંડીને પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી આ શિક્ષકોને એક ચોક્કસ સુરક્ષિત સ્થળે જ રાખવામાં આવે છે જેની પર પણ ચાંપતી નજર રાખવામાં આવે છે. મિલિટરી અને બેંક સ્તરેની સલામતીમાં જેની આખી પ્રક્રિયા થાય છે તેવી આ પરીક્ષામાં મજાલ છે કોઇ પેપર લીક જેવો મામલો ખડો થાય? પેપર લીક્સ અટકાવવો બહુ અનિવાર્ય છે. આપણે ત્યાં તો ‘વાડ જ ચીભડાં ગળે’ વાળો ઘાટ છે. જે પરીક્ષકોએ કડકાઇ રાખવાની જરૂર છે તે પોતે જિંદગીની અને નૈતિકતાની પરીક્ષામાં નાપાસ થાય છે. નેશનલ ટેસ્ટિંગ સમિતિના સભ્યો પોતે ખડું કરેલું તંત્ર કેટલું ખોખલું છે સાબિત કરવા મંડ્યા હોય એ સ્તરે ભ્રષ્ટાચાર કરવામાં સંડોવાય છે અને પછી તો ‘ઉપર સે ચલી આતી હૈ’ વાળા નિયમાનુસાર જ્યાં નાણાંની કોથળી ખૂલે ત્યાં બધા ભ્રષ્ટ ભાગીદારો ભેગા થઇ જાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એક એવું તંત્ર હોવું જોઇએ જેમાં કોઇ છીંડા ન પાડી શકે. આપણા દેશમાં ભ્રષ્ટાચાર નૈતિક રીતે પેસી ગયેલો સડો છે. શું તેનું મૂળ આપણી ઉત્ક્રાંતિમાં હોઇ શકે? એવી સંસ્કૃતિ જ્યાં કુદરતની મહેર હતી અને જીવન જીવવા માટેના બધા સ્રોત આસાનીથી મળી રહેતા. શું આ કારણે આપણામાં ક્યાંક એદીપણું છે? કંઇક મેળવવા માટે લડી લેવા કરતા તે મેળવી લેવાનો ટૂંકો રસ્તો શોધી લેવાની આપણને આદત પડી ગઇ છે ખરી? વળી વસ્તી વધારો પણ તો સ્પર્ધાના ભાવને વધુ તેજ બનાવનારું પરિબળ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2024

Loading

...102030...683684685686...690700710...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved