Opinion Magazine
Number of visits: 9741364
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસામયિક સમ્પાદનો વિશે – 2 (પૂરું) 

સુમન શાહ|Opinion - Literature|4 July 2024

સુમન શાહ

આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ પ્રકાશિત થવા માંડ્યાં છે. એ પદ્ધતિનો ઉપયોગ સાવ નવી વાત નથી, પરન્તુ હવે એ પદ્ધતિનાં પ્રકાશનો વધી રહ્યાં છે; પરમ્પરાગત પદ્ધતિએ પ્રકાશનો કરનારા પ્રકાશકો પણ હવે એમાં જોડાયા છે.

A 

આપણે વિચારવું જોઈએ કે આ પરિવર્તન શેને કારણે થયું છે .. 

પ્રકાશકો બે કારણો આપે છે : 

૧ : 

પુસ્તકો હવે વેચાતાં નથી, કેમ કે કૉલેજો અને યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ મળતી નથી અથવા ઘટી ગઈ છે : આ કારણ વાજબી લાગે છે તેમછતાં જાણવું બાકી રહે છે કે કઈ કૉલેજોને / યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ મળતી નથી અથવા ઘટી ગઈ છે. જે મિત્રો પાસે આ કારણ અંગે માહિતી હોય એમણે એ જાહેર કરવી, જેથી ચર્ચામાં સહાય થાય. 

૨ :

પ્રકાશકો બીજું કારણ એ આપે છે કે પુસ્તકો સંઘરી રાખવા માટેના એમની પાસેના ભંડારો ભરાઈ ગયા છે. આ જો કે વ્યવહારુ કારણ છે, અને તેનો વિચાર તો વેપારીમાત્રને કરવો પડતો હોય છે, એટલે એની ચર્ચા ન કરીએ. 

૩ :

પ્રકાશકો ત્રીજું કારણ એ આપે છે હવે સાહિત્યવિવેચનનાં પુસ્તકો વેચાતાં નથી, બલકે ગમ્ભીર પુસ્તકોનું બજાર રહ્યું નથી. આ કારણ વાજબી લાગે છે. પરન્તુ એમ ખરેખર છે કે કેમ તે જાણવા માટે ય નક્કર માહિતી જોઈએ. પણ ક્યાંથી લાવીએ? પણ જો એમ જ છે તો સાહિત્યકારોએ એ વિચારવું પડશે કે ગમ્ભીર સાહિત્યનાં પુસ્તકો કરશે કોણ. 

(મને એનો એક ઇલાજ સૂઝ્યો છે, એ વિશે આ લેખમાં છેલ્લે જણાવું છું.)

પરન્તુ મારી પાસે અમુક પ્રકાશકોનાં નામ છે જેઓ ગમ્ભીર સાહિત્યનાં પુસ્તકો કે સાહિત્યનાં ગમ્ભીર પુસ્તકો કરવા રાજી છે, તેઓ સાહિત્યકારને રૉયલ્ટી આપવામાં ય માને છે, કેમ કે એ પ્રકાશનોથી તેઓને નફો નથી કરવો – એ મુદ્દે પણ તેઓ રાજી છે. તાત્પર્ય, વિદ્યાનું અને સાહિત્યવિદ્યાનું મૂલ્ય સમજનારા પ્રકાશકો હજી છે આપણે ત્યાં, એમની પાસે અનેક વિતરણકેન્દ્રો પણ છે, અને તેથી નિરાશ થવાને કારણ નથી. 

B 

આપણે એ વિચારવું જોઈશે કે ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ થતાં પ્રકાશનો મુખ્યત્વે કેવા સ્વરૂપે હોય છે.

— પ્રકાશક કરારથી બંધાયેલો હોય તો ચૉક્કસ સમયે એ પદ્ધતિનાં પુસ્તક પ્રકાશિત થતાં હોય છે

— પરન્તુ મુખ્યત્વે ડિઝિટાઇઝ્ડ પદ્ધતિનાં એ પ્રકાશનોની નકલો મર્યાદિત સંખ્યામાં હોય છે. કેમ કે ડિઝિટાઇજ્ઝ્ડ કરવાનો મતલબ જ એ છે. દાખલા તરીકે, ૨૦ કે ૨૫ નકલો કરતા હોય. પ્રકાશકો એમ કહેતા હોય છે કે જેમ જેમ માંગ વધશે તેમ તેમ ડિઝિટાઇઝ્ડ નકલો વધારીશું. વાત આટલે લગી બરાબર લાગે છે.

પણ પ્રશ્ન એ છે કે માંગ વધે શી રીતે? ૨૦ કે ૨૫ પુસ્તકો કોના સુધી પ્હૉંચી જવાનાં? ક્યારે? અને સદનસીબે પ્હૉંચી પણ ગયાં હોય, પરન્તુ એટલી નાની સંખ્યાથી માંગ વધે તો શી રીતે વધે? મારો ઉત્તર એ છે કે જો પ્રકાશકો એ ડિઝિટાઇઝ્ડ પદ્ધતિનાં પ્રકાશનોની સરસ જાહેરાત કરે, તો માંગ વધે. 

સરસ જાહેરાત એટલે, પુસ્તક શેને વિશે છે, એમાં શું છે તેની ઑડિયો અને વિડિયો સ્વરૂપે જાહેરાત કરે, છાપાંઓમાં સાહિત્યની કૉલમો લખતા મિત્રોને એ વિશે લખવા નકલ મોકલે. એટલું જ નહીં, એ પુસ્તકનું સંયમપૂર્વકનું ગુણાનુરાગી અવલોકન પ્રકાશિત કરે. પશ્ચિમમાં અને ભારતમાં પણ કેટલીક પ્રકાશન-સંસ્થાઓ એ માટે પોતાની સંસ્થામાં એવા અવલોકનકારની નિમણૂક કરતી હોય છે.  

C 

પણ શું ચાલી રહ્યું છે, એ જાણવું જરૂરી છે. 

ડિઝિટાઇઝ્ડ પદ્ધતિએ વ્યવસાય કરતા પ્રકાશકો અને લેખકો વચ્ચે પણ ઘણી વાર કશા કરાર થયા હોતા નથી. કારણ એ કે કેટલાક લેખકોએ બજાર નથી એ વાત માની લીધી હોય છે, અને વળી એમ કહે છે કે – કરારની શી જરૂર છે. એમાંના કેટલાક તો પોતાના ખરચે છપાવતા હોય છે. કોઈ કોઈ તો પ્રસિદ્ધિ માટે તરસતા હોય છે; એઓ તો FB પર પુસ્તકની છબિ જોઈને તેમ જ એને મળેલા લાઇક્સ જોઈને જ ખુશ થઈ જાય છે; એઓ પૂછતા પણ નથી કે નકલો ડિઝિટાઇઝ્ડ છે કે પરમ્પરાગત પદ્ધતિની. બીજા શબ્દોમાં એમ કહેવાય કે જીવદયામંડળીની રીતે બધું ચાલતું હોય છે. 

કરાર નથી થયો હોતો એટલે નકલો કેટલી, રૉયલ્ટી કેટલી, ક્યારે, વગેરેની લેખકને કશી જ જાણ હોતી નથી, એણે એની પરવા પણ રાખી નથી હોતી. એ જાણકારી નહીં હોવાને કારણે પુસ્તક જ્યારે કોઈ પર ભાષાના લેખકની કૃતિનો અનુવાદ હોય, અને એ મૂળ લેખક પૃચ્છા કરે, ત્યારે ગૂંચવાડો ઊભો થાય છે.

અને, પુસ્તક અનેક લેખકોની કૃતિઓનું સમ્પાદન હોય ત્યારે તો ગૂંચવાડો વધી જાય છે. દાખલા તરીકે, અમુક લેખકોની “ટૂંકીવાર્તાઓમાં ‘એકમેવ અસર’-ની કલાત્મકતા” – એ સમ્પાદકીય આશયથી એ સમ્પાદનમાં ધારો કે ૨૦ વાર્તાકારોની કૃતિઓ છે, તો એ ૨૦-ને દરેકને એ સમ્પાદનની નકલ મળવી જોઈએ, અને પુરસ્કાર મળવો જોઈએ, એ તો પાયાની વાત છે. કેમ કે હકીકત એ કે સમ્પાદક તો પછી, પહેલાં તો એ વાર્તાકારો જ એ કૃતિસામગ્રીના ધણી હોય છે. 

એ ગૂંચવાડા વખતે સમ્પાદક શું કહેશે એ પ્રશ્ન છે. સમ્પાદક ભલો હોય તો એમ કહે કે – હું ૨૦ નકલો ખરીદી લઈશ, અને સૌને પુરસ્કાર પણ ચૂકવીશ. પ્રૅક્ટિકલિ, સમ્પાદક માટે નકલો એકોએકને પ્હૉંચાડવાનું પણ ખરચાળ છે, મુશ્કેલ પણ છે. પણ એ ભલાભાઈ પોતાના પ્રકાશક સાથેની ‘ભલાઈ’ છોડી નથી શકતા, અને આ પ્રકારે તેને મદદ કરે છે. 

વાતનો સર્વસાર એ છે કે સાહિત્યપ્રકાશનોને હવે બજારવાદને શરણે છે, એથી નથી પ્રકાશકો મુક્ત કે નથી સાહિત્યકારો. એનો સીધો ભોગ બની રહ્યા છે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ. સાહિત્યપદાર્થને બજારવાદ આભડી ગયો છે, એ આજનું મહા સત્ય છે, સંકટ છે. સરવાળે, સાહિત્યમૂલ્ય ધોવાઈ રહ્યું છે, એ તો મોટી હાણ છે. 

મને સૂઝેલો ઇલાજ આ પ્રમાણે છે : આખા પ્રશ્ન વિશે જેને ખરી દાઝ હોય તેવા સાહિત્યકારોએ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ, ભેગા થવું અને કો-ઑપરેટિવ સ્વરૂપનું સંગઠન રચવું, તેમાં, વિદ્યાનું અને સાહિત્યવિદ્યાનું મૂલ્ય સમજનારા પેલા પ્રકાશકોને જોડવા, અને કૉલેજે કૉલેજો વિતરણ-કેન્દ્રો રચવાં, વિદ્યાર્થી સામાન્ય કિમ્મતે ખરીદી શકે એવું ધોરણ પણ ઊભું કરવું. કેમ કે માંગ પુરવઠાથી નહીં પણ માંગથી પુરવઠો વધશે. ટૂંકમાં, સાદુંસીધું એવું તન્ત્ર ઊભું કરવું કે પ્રકાશનો સુપેરે થાય અને સરળતાથી ગ્રાહક / વાચક લગી પ્હૉંચે. 

= = =

(04/07/24 : A’bad)

Loading

હવે તક અને તાકીદનો તબક્કો શરૂ થઇ રહ્યો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 July 2024

સંસદના આરંભે 

બાળકબુદ્ધિ દાખલો જો 543માંથી 99નો છે તો વડીલબુદ્ધિને નહિ સમજાતું વાસ્તવ 303માંથી 272 ઉપર નહિ અટકતાં  છેક 240 ઉપર પહોંચી ગયાનું છે : દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું નવું રાજકારણ ખીલવી જાણશો તો ટકશો.

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં ચોથી જૂન પછીની પરિસ્થિતિનું વાસ્તવચિત્ર કદાચ ઝિલાયું છે, કદાચ નથી ઝિલાયું. વસ્તુતઃ અઢારમી લોકસભા એક નવસંકેતનો સંદેશ લઈને આવી છે. સત્તાપક્ષ પરત્વે અપેક્ષિત ઉત્તરદાયિત્વની જે સોઈ કહો તો સોઈ અને દબાણ કહો તો દબાણ હમણેનાં દસ વરસ દરમિયાન લુપ્તપ્રાય હતાં. તે હવે પ્રત્યક્ષપણે સામે આવ્યાં છે. સંસદીય લોકશાહી સંદર્ભે તે અવશ્ય સુચિહ્ન છે, પણ એકતરફી સત્તાની આસાએશ પછી આ નવી પરિસ્થિતિ જોડે ધોરણસર ગોઠવાવું અસુખકર, અકારું ને અઘરું હોઈ શકે છે તે ચર્ચામાં સત્તાપક્ષે અને એના નેતૃત્વે જે ભૂમિકા લીધી એથી સમજાઈ રહે છે. 

મુદ્દે, જો 543માંથી 99ને ધોરણે બાળકબુદ્ધિની રીતે દાખલો ગણી શકાતો હોય તો સુવાંગ 303માંથી 272 ઉપર નહીં પણ સીધા 240 પર જઈ પડવાની રીતે પણ દાખલો ગણી તો શકાય. કહેવું હોય તો કહી શકાય કે જેની હાજરી વરતાતી નહોતી તે સહસા વરતાવા લાગી છે અને જેની હાજરી જ હાજરી મહાલતી હતી તે સહસા સંકોચાઈ ગઈ છે. 2014થી શરૂ થયેલી કાઁગ્રેસમુક્ત ભારતની રણભેરી હાલ બસૂરી બજી રહી છે અને ભા.જ.પ. જ ભા.જ.પ.નું સપનું હાલ નંદવાયેલું માલૂમ પડે છેઃ  એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ એમ દ્વિપક્ષવત્ ચિત્ર ઉભર્યું છે. 

ચર્ચાના મુદ્દાઓ વિશે વિગતે ચર્ચા કરી શકાય, પણ આ ક્ષણ એવી તપસીલમાં નહીં જતા નવા તકાજા અને તાકીદને સમજવાની છે. રાહુલ ગાંધીએ નેતા પ્રતિપક્ષ તરીકે અધ્યક્ષીય ચૂંટણી પછી જે ગરવાઈથી વિચારો મૂક્યા એ ધોરણે રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં આગળ વધી શક્યા હોત તો એ રૂડં થાત. તેમ છતાં એમણે નેવું મિનિટની રજૂઆતમાં ઉપસ્થિત કરેલા મુદ્દાઓ સબબ સત્તાપક્ષ અને એના નેતાનો પ્રતિભાવ હજુ ચૂંટણીપ્રચારના મિજાજમાં હોય એવું કેમ લાગે છે, તે વિચારવું સાર્વત્રિક હિતમાં હશે. 

“બાલકબુદ્ધિ’ નેતા પ્રતિપક્ષે ખરું જોતાં એક પાયાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. એમણે ધર્મચિંતન અને ઇશ્વરચિંતનને અભયમુદ્રા રૂપે ઘટાવીને નફરત અને ડરની રાજનીતિ સામે ભારતીય પરંપરામાં રહીને વળતા વિમર્શની એક શક્યતા સરજી હતી. “હિંદુ’ હોવું તે નફરત અને ડરની રાજનીતિથી વિપરીત છે એ ધોરણે નેતા પ્રતિપક્ષે વાત મૂકી કથિત હિંદુત્વ રાજનીતિની ટીકા કરી હતી. આ ટીકા, ન સમજવું હોય તો જ ન સમજાય એ રીતે સમગ્ર હિંદુસમાજની કે હિંદુધર્મની નહોતી – ચોક્કસ પક્ષપરિવારે જે “હિંદુ” ઉપસાવ્યો છે એની સામે હતી. નેતા સત્તાપક્ષે અને એમની પૂંઠે બીજા ભા.જ.પ. સાંસદોએ તમે સમગ્ર હિંદુસમાજનું અપમાન કર્યું છે એવી હોહલ્લા મચાવી, ક્યાંક તો આ તરજ પર ફરિયાદ નોંધાવવાની ચેષ્ટા સુધ્ધા થઈ, તે બેશક મૂળ મુદ્દા પરત્વે મરોડમાસ્તરીનું રાજકારણ હતું. સ્પિનોડી તે સ્પિનોડી, બીજું શું.

નહીં કે વિશેષ ચર્ચાને અવકાશ નથી. એકએક મુદ્દાને ખોલીને તપાસી શકાય. નેતા પ્રતિપક્ષે હવે પોતાની નવી ભૂમિકા અને ગૃહ બહારની સક્રિયતા વચ્ચે કેવી રીતે લોકશાહીને અનુરૂપ મેળ બેસાડવાનો છે, કથિત ફતેહ પછી કેટલો લાંબો વિપક્ષે ધોરણસર કાપવાનો છે તેને અંગે હિતવચનો અવશ્ય અપેક્ષતિ બલકે આવશ્યક પણ છે. શાસનને પક્ષે નવા સંજોગોમાં વચલાં વરસોમાં રેઢું મુકાયેલું પોતાના પરનું અનુશાસન કેવું ને કેટલું જરૂરી છે તે વિશે પણ હિતવચનો સારુ અવકાશ જ અવકાશ છે. યથાપ્રસંગ, યથા અવસર, યથા અવકાશ આ બંને બાબતે કહેવું જેવું કહીશું, કહેતાં રહીશું.

હમણાં આરંભને તબક્કે એટલી જ એક આશા અપેક્ષા બસ રહેશે કે આવડ્યાં એવાં વૉર્મિંગ અપ પછી બંને બાજુઓ નવસંદર્ભમાં નવેસર પોતાને ધોરણભેર ગોઠવે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 જુલાઈ 2024

Loading

નરેન્દ્ર મોદી હવે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2024

રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. આ કડવી ગોળી છે, પણ ખાવી પડે એમ છે. જ્યારે પોતાનું રાજપાટ ૩૦૩માંથી નીચે આવીને ૨૪૦ પર વેતરાઈ ગયું ત્યારે તેમની પાસે વડા પ્રધાન નહીં બનવાનો અને કોઈની ય સામે નહીં ઝૂકવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે ઝોળી ઉઠાવીને જતા રહેવાની જગ્યાએ પદને વ્હાલું ગણ્યું તો સાંભળવું તો પડશે અને મનમાની પણ નહીં કરી શકાય. સ્વમાનપૂર્વક જતા રહેવાનો વિકલ્પ નહીં સ્વીકારીને પોતાનાં સ્વમાન સાથે તેમણે પોતે સમાધાન કર્યું છે.

રાજકારણમાં બધું જ શક્ય છે અને જો એ લોકશાહી દેશ હોય અને એમાં પણ ભારત જેવો સંસદીય લોકશાહી દેશ હોય તો બધું જ શક્ય છે. ૨૦૦૦ની સાલમાં કોઈએ કલ્પના પણ કરેલી કે નરેન્દ્ર મોદી ભારતના અત્યંત લોકપ્રિય નેતા અને વડા પ્રધાન બનશે? ત્યારે તેઓ પક્ષની અંદર હાંસિયામાં પણ માંડમાંડ જગ્યા મેળવતા હતા. ૨૦૧૦ પહેલાં કોઈએ કલ્પના પણ કરી હતી કે અણ્ણા હજારે ભારતની પ્રજાના અંતરાત્માનો અવાજ અને રખેવાળ બનશે? ગાંધીજી અને જયપ્રકાશ નારાયણની પંક્તિમાં લોકોએ તેમને બેસાડી દીધા હતા. કોણ જાણે કેમ, પણ અચાનક અણ્ણાનાં મોઢામાં પતાસું આવી ગયું અને એ પણ એટલું મોટું કે તે ખાવું મુશ્કેલ બની ગયું. એટલે જ્યાં પ્રજાકીય સ્પન્દનો માટે મોકળાશ હોય એવા લોકશાહી દેશમાં આવું બને. લોકો કોઈના પણ ગળામાં વરમાળા પહેરાવી દે અને છીનવી પણ લે. વરસ પહેલા શ્રીલંકામાં ત્યાંના એક સમયના લોકપ્રિય નેતા સાથે જે બન્યું એ યાદ હશે.

માટે નરેન્દ્ર મોદીએ પહેલી વાત તો એ ગાંઠે બાંધી લેવી જોઈએ કે તેઓ હવે રાજા નથી. હા, શાસક જરૂર છે, પણ લોકતાંત્રિક માનમર્યાદાઓના બંધનો સાથે.

રાહુલ ગાંધી પપ્પુ નથી એ બીજી તેમને માટે અવશ્ય કડવી પણ રોકડી વાસ્તવિકતા સ્વીકારવી પડે એમ છે. રાહુલ ગાંધીએ પ્રચંડ વિપરીત સંજોગોમાં પોતાને સ્થાપિત કર્યા છે. સંઘર્ષ કરીને અને હકથી. સંજોગો એટલા વિપરીત હતા કે આજે કલ્પના કરો તો ધ્રુજી ઉઠીએ. તેમની વિરુદ્ધ અપપ્રચાર કરવામાં અને ઠેકડી ઉડાડવામાં કાંઈ બાકી નહોતું રાખવામાં આવ્યું. હજારો લોકો અબજો રૂપિયાના બજેટ સાથે આ કામ કરતા હતા. તમે ક્ષણભર પોતાને રાહુલની જગ્યાએ કલ્પો. કોઈ કાચોપાચો માણસ ગાંડો થઈ જાય કે આત્મહત્યા કરી લે કે પછી ભાગી જાય. પ્રચાર એવો પ્રબળ અને વ્યૂહાત્મક હતો કે નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ રાહુલના નામનું નાહી નાખ્યું હતું. દેશને નરેન્દ્ર મોદીના વિકલ્પની જરૂર છે, પણ રાહુલ વિકલ્પ બની શકે એમ નથી એમ તેઓ કહેતા હતા. આવા પ્રચંડ વિપરીત સંજોગોની વચ્ચે એ માણસ સ્થિર ઊભો રહ્યો, એ માણસે સ્વસ્થતા જાળવી રાખી, એ માણસે માણસાઈ જાળવી રાખી, ક્યારે ય કોઈના વિષે એલફેલ બોલ્યો નથી, ગુસ્સામાં ભડાસ કાઢી નથી, કાઁગ્રેસનું ડૂબતું વહાણ છોડીને ઉંદર નાસવા લાગ્યા, કેટલાકને ખરીદી લેવામાં આવ્યા; પણ એ માણસ ટસનો મન ન થયો. રણભૂમિમાં એકલો ઊભો રહ્યો.

રાહુલ ગાંધીનું નહીં તૂટવું અને ટકી રહેવું એ કેટલાક લોકો માટે આશાનું કારણ છે અને કેટલાક લોકો માટે હતાશાનું કે નિરાશાનું કારણ છે. તોડવા માટે આખા બ્રહ્માંડની તાકાત લગાવી અને ઇચ્છનીય પરિણામ ન મળ્યું. હવે તેમને કોઈ પપ્પુ કહેતું નથી અને જો કોઈ કહે છે તો કહેનારાને લોકો હસી કાઢે છે. જે લોકો ઊઘાડી આંખે દુનિયા જોતા નથી કે જોતા ડરે છે તેમને ખબર નથી કે દુનિયા હવે નરેન્દ્ર મોદીને અને રાહુલ ગાંધીને કઈ રીતે જુએ છે.

તો બે કડવી હકીકત ગાંઠે બાંધી લેવી પડે એમ છે. એક એ કે નરેન્દ્ર મોદી હવે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. અને આ જો વાસ્તવિકતા છે તો નરેન્દ્ર મોદી પાસે શો વિકલ્પ બચે છે? જવાબ સ્પષ્ટ છે; રાજામાંથી લોકશાહી દેશનો શાસક બનવાનો. માનમર્યાદા પાળનારો અને સવાલોનો જવાબ આપનારો. આ પરિવર્તન આસાન નથી. કેમેરા સામે અલગ અલગ પોઝ આપવા સહેલા છે, માંહ્યલો બદલવો એ અઘરું કામ છે. મંગળવારે લોકસભામાં આની પ્રતીતિ થઈ ગઈ અને એ અપેક્ષિત હતી. વડા પ્રધાને તેમનાં ભાષણમાં રાહુલ ગાંધીએ અને વિરોધ પક્ષના અન્ય સભ્યોએ ઉઠાવેલા મુદ્દાઓનો એક એક કરીને જવાબ આપવાની જગ્યાએ એ જ જૂનો ઠેકડી ઉડાડવાનો માર્ગ અપનાવ્યો. હવે એ દિવસો ગયા જ્યારે ઠેકડીને પ્રતિસાદ મળતો હતો. લોકસભાની ગઈ ચૂંટણીમાં ઠેરઠેર સર્વત્ર એકધારી રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડી અને પરિણામ સામે છે.

નરેન્દ્ર મોદીએ હજુ એક વાત સમજી લેવી જોઈએ. જો તેમની સરકારે પહેલી અને બીજી મુદ્દત દરમ્યાન કોઈ મહાન કામ કર્યાં હોત અને સામાન્ય લોકો જો બેપાંદડે થયાં હોત તો લોકો તેમની રાજાશાહી અને વિરોધીઓની ઐસીતૈસી કરનારી અને ઠેકડી ઉડાડનારી રાજકીય શૈલીને સ્વીકારી પણ લેત. ગમે તેવી રાજકીય શૈલી હોય, મને લાભ થઈ રહ્યો છે ને! એટલે આ ત્રીજી મુદ્દતમાં બદલાયેલા કદમાં શાસનના મોરચે કામ કરવું પડે એમ છે. પણ તેમનાં ભાષણમાં લોકોના પ્રશ્નો અને તેના ઈલાજ વિષે ખાસ કોઈ વાત તેમણે નહોતી કરી. ૧૩૫ મિનિટના ભાષણમાં વિકાસની આખી એક રૂપરેખા રજૂ કરી શકાય અને વાહવાહ રળી શકાય. ભારતના ભવિષ્યનું નવું પ્રકરણ રજૂ કરી શકાય. પણ એની જગ્યાએ ઠેકડી અને નિંદા!

હજુ પણ કાંઈ બગડી નથી ગયું. હજુ તો ત્રીજી મુદ્દતના શાસનની શરૂઆત થઈ છે. આખાં પાંચ વરસ હાથમાં છે. બસ, મનોમન માત્ર બે સંકલ્પ કરી લે : હવે હું રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 જુલાઈ 2024

Loading

...102030...679680681682...690700710...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved