Opinion Magazine
Number of visits: 9457410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધ્યમવર્ગને મૂરખ બનાવતું મોદી સરકારનું 2024નું બજેટ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 February 2024

રવીન્દ્ર પારેખ

મધ્યમવર્ગ, ઇન્કમટેક્સમાં કૈં રાહત મળશે એવી આશાએ, નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું, 2024નું વચગાળાનું છઠ્ઠું બજેટ જોવા, ટી.વી. પર આંખકાન ખોડીને બેઠો તો ખરો, પણ દર વખતની જેમ આ વખતે પણ મૂરખ બન્યો. નિરાશ થયો. એ ખરું કે આ સંપૂર્ણ બજેટ નથી. આવતા એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ને સંપૂર્ણ બજેટ નવી સરકાર આવે ને તે જુલાઈમાં રજૂ કરે ત્યારે પાકી ખબર પડે. જો કે, કોઈ ચમત્કાર જ પરિણામ બદલી શકે, બાકી મોદી સરકાર જ ફરી આવી રહેલી જણાય છે. વિપક્ષો સાથે મળીને ભા.જ.પ.ને ટક્કર આપી શકે એમ જ નથી. એમને પોતાના પક્ષને કેટલી સીટ મળે એથી વધારે બીજો કોઈ રસ જ નથી. સાચું તો એ છે કે વિપક્ષો સરકાર બનાવવાની ફિરાકમાં જ નથી. એ લવારાઓ કરે છે, પણ લવારાઓથી સત્તા મળતી નથી. નીતીશકુમારમાં નીતિ સિવાય બધું જ છે. એમની નીતિ વિપક્ષી ગઠબંધન સાથે સુમેળ સાધવાની રહી જ નથી. એમને ને એ જ્યાં જાય છે એમને કેવળ સત્તા મેળવવામાં જ રસ છે, એટલે લાકડે માંકડું વળગતું રહે છે. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે કહે છે કે મોદી સરકાર આવી તો, તાનાશાહી દેશમાં લાગુ થશે ને આ છેલ્લું ઇલેક્શન હશે. એમની વાત માની લઈએ તો પણ, એનો સામનો કરવા કાઁગ્રેસ ખરેખર શું કરે છે તે સ્પષ્ટ નથી. એવી જ રીતે અખિલેશ યાદવે પણ બજેટ સંદર્ભે કહ્યું કે આ ભા.જ.પ.ની વિદાયનું બજેટ છે. હસવું આવે છે આવી વાતોથી. ભા.જ.પ.ની વિદાય માટે એમનો પક્ષ કે વિપક્ષોનો આખો સમૂહ કૈં કરે છે કે બોલવાથી જ ભા.જ.પ. વિદાય થશે એવું એમને લાગે છે?

બજેટની શરૂઆતમાં જ નાણાં મંત્રીએ કહ્યું કે મોંઘવારી ઘટી છે, તો એ વાતે હસવું આવ્યું કે બજેટને દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે, પણ મોંઘવારી સંસદની બહાર જ હોય તે સમજી શકાય એવું છે. મોંઘવારી અનેક ગણી વધી, પણ ઇન્કમટેક્સનો 2.50 લાખનો સ્લેબ અંગદના પગની જેમ અડીખમ ખોડાયેલો જ છે. બહુ થાય તો તેની આસપાસ થોડીઘણી રાહતો ફેંકાય છે કે વિકલ્પો અપાય છે, પણ સરવાળે લાભમાં તો સરકાર જ રહે છે. સરકારનો સીધો હેતુ ઓછી આવક ધરાવનારો પણ ટેક્સ ભરતો થાય એવો છે ને એમાં સરકાર નિષ્ફળ નથી ગઈ. નાણાં મંત્રીએ જ તેમનાં બજેટ પ્રવચનમાં જાહેર કર્યું કે ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. મતલબ કે કર ભરનારાઓમાં પણ વધારો થયો છે. ટૂંકમાં, ઘણા કરદાતાઓ સુધી સરકાર પહોંચી છે. અત્યારે તો સાત લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી તે ખરું, પણ સ્લેબ નથી બદલાયો તે પણ ખરું. આમ તો ઘણી આગાહીઓ બજેટ પહેલાં ચર્ચામાં હતી, જેમ કે 80Cની લિમિટ 1.50 લાખથી વધીને 2.50 લાખ થશે, પણ કોઈ અટકળ સાચી પડી નથી.

એક વાત સ્પષ્ટ છે કે મધ્યમવર્ગ હજી સંયુક્ત કુટુંબ ધરાવે છે ને મોટે ભાગે ઘરની કમાનાર વ્યક્તિ એક જ હોય છે. એની 7-8 લાખની આવક નોકરીમાંથી થતી હોય ને આવકનો સ્લેબ 2.5 કે 3 લાખનો જ વર્ષોથી હોય ને થોડું રોકાણ કરીને તે ટેક્સ બચાવવા માંગતો પણ હોય, પણ પાંચેક જણનાં કુટુંબમાં નાનામોટા એટલા ખર્ચ પડતાં હોય છે કે પૈસા બચાવીને રોકાણ કરવું હોય તો પણ ન કરી શકે. મોટેભાગે તો એની હાલત કફોડી જ હોય છે. એને ટેક્સ ઘરની વસ્તીના પ્રમાણમાં નથી લાગતો. એ સ્થિતિમાં તેણે કુટુંબ નિર્વાહ ચલાવવાની સાથે જ ટેક્સ પણ ભરવાનો થાય છે. આ તબક્કે સરકાર સીધી જ ટેક્સ સ્લેબની રકમ 7 લાખ પર લાવે એ અપેક્ષિત છે. એવાં ઘણાં કુટુંબો છે જેની આવક મોટી દેખાય છે, પણ ઘરની વ્યક્તિઓની તુલનામાં ને તેમનો ખર્ચ જોતાં એ આવક ઓછી જ છે. એને આ કે તે રોકાણમાં બચત કરાવી રાહત આપવાનું મશ્કરી સમાન છે, કારણ તે ઈચ્છે તો પણ બચત કરીને ટેક્સ બચાવી શકે એમ જ નથી. એ સંજોગોમાં એનો ટેક્સ સ્લેબ જ વધેલો હોય તે જરૂરી છે. આ વચગાળાનું બજેટ હોવાથી મોટી જાહેરાતો કરવાથી સરકાર બચી છે, તો પણ જે સરકાર પૂર્ણ બજેટ લાવશે તેની પણ સ્લેબ વધારવાની ઈચ્છા બહુ નહીં જ હોય, કારણ, સરકારનું માનસ પાયામાંથી જ નફાખોર વેપારીનું છે. એ પણ ખરું કે આ બજેટમાં રાહતો ગણતરીપૂર્વકની જ અપાઈ છે.

જે મતદાતાઓથી સરકારને મતનો રોકડો લાભ છે એવાં ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનોને ધ્યાનમાં રાખીને કેટલીક દરખાસ્તો થઈ છે. 2017માં GST લાગુ થયો તે પછી સરકારે લાખો કરોડની કમાણી કરી છે, એટલે કસ્ટમ કે એક્સાઈઝ ડ્યૂટીને બાદ કરતાં બજેટમાં ખાસ કૈં સસ્તું કે મોંઘું થયું નથી, છતાં મોબાઈલ સસ્તા થવાની ને સોનું-ચાંદી મોંઘું થવાની વાત છે. એવું થોડું છે કે બધું બજેટમાં જ વધે? એ બજેટ પછી પણ વધે તો આપણે કોનો હાથ પકડવાના હતા !

આમ તો 80 કરોડ લોકોને સરકાર મફત અનાજ આપે છે, ને વર્ષોથી આપે છે, તે સાથે જ ગરીબ કલ્યાણ યોજના હેઠ 34 લાખ કરોડ નાખીને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનો દાવો પણ સરકારે કર્યો છે. ગરીબીને લગતા આ આંકડા છતાં, સરકાર દુનિયાની શ્રેષ્ઠ ઇકોનોમીમાં દાખલ થવા મથી રહી હોય તો, તેના આ સાહસને બિરદાવવાનું જ રહે. બજેટમાં ઉલ્લેખ થયો કે લગભગ 1 કરોડ મહિલાઓ ‘લખપતિ દીદી’ બની ને આગામી વર્ષમાં બીજી બે કરોડ મહિલાઓ ‘લખપતિ દીદી’ બનવાની છે. એક કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની વાત પણ છે. એ સારી વાત છે કે 3,000 નવી IIT ખોલવામાં આવી છે અને 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આવી વાતો દરેક બજેટમાં ચાલે છે ને બીજી તરફ શિક્ષિત બેકારીનો છેડો આવતો નથી, તો સવાલ થાય કે આટઆટલા પ્રયત્નો છતાં બેકારી ઘટતી કેમ નથી? કૈં થતું જ નથી, એવું નથી, મત્સ્ય સંપદા યોજના હેઠળ 55 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. 11.8 કરોડ લોકોને પી.એમ. કિસાન યોજનાનો લાભ મળ્યો છે ને બીજે પક્ષે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં જ હોય છે. એવું જ આવાસ યોજનાઓનું પણ છે. આ વખતે પણ 2 કરોડ નવા આવાસ બાંધવાનું લક્ષ્ય છે, ને અગાઉ ત્રણ કરોડ તો બની ચૂક્યા છે. આવાસ યોજનાઓ અને ગરીબી હટાવ દરેક સરકારનું લક્ષ્ય રહ્યું છે ને દરેક સરકારોમાં એ ચાલુ જ રહેશે એ કેવું મોટું આશ્વાસન છે !

સ્ટાર્ટઅપ્સ પર સરકારની રહેમ નજર રહી છે, એટલે આ વખતે પણ કરમુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. અત્યારે યુદ્ધને ધોરણે યુદ્ધો ચાલી રહ્યાં છે. પાકિસ્તાન અને ચીનની બેશરમી જગજાહેર છે, એ જોતાં સંરક્ષણ બજેટ 11.8 ટકા વધારવામાં આવે તે સર્વથા ઉચિત છે, એટલે બજેટમાં 6.2 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. રેલવેને લાગે વળગે છે ત્યાં સુધી તે 3 નવા રેલ કોરિડોર બનાવવા તરફ છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર 11 ટકા ખર્ચ કરવાની દરખાસ્ત થઈ છે. 40,000 જનરલ કોચ વંદે ભારત જેવા પણ કરવાની વાત છે.

એક રીતે આ બજેટ કોઈ ઉત્તેજના ધરાવતું નથી, તેનું સાદું કારણ એ છે કે તે વચગાળાનું બજેટ છે. ખાસ તો GST અને ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર વિનાનું આ બજેટ છે, એટલે બજારો પણ શરૂઆતના ઉછાળ પછી ટાઢાં જણાયાં છે. બજેટમાં, લાલબહાદુર શાસ્ત્રી દ્વારા અપાયેલાં સૂત્ર ‘જય જવાન, જય કિસાન’માં વાજપેયીએ વધારો કરી ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ કર્યું. તો વડા પ્રધાન પણ બાકાત કેમ રહે? તેમણે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’ કર્યું. શેનું ‘અનુસંધાન’ એની સ્પષ્ટતાઓ હવે પછી થાય તો થાય, પણ અન્ય વિકાસની જેમ સૂત્રોમાં પણ વિકાસ થયો, એનો હરખ પ્રગટ કરવાનો રહે જ છે. જો કે, આ વિકાસ સૂત્રો એકદમ કયાં કારણે લહેરાયાં તે અકળ છે.

એમ લાગે છે કે સરકારને એવું હશે કે જીતવાના જ છીએ તો વધુ ચોકસાઈથી બજેટ ત્યારે કરીશું, અત્યારે તો બજેટ આપવાનું જ છે, તો એક વિધિ તરીકે રજૂ કરી દેવું. આવી કોઈ ગણતરીથી બજેટ પ્રસ્તુત થયું હોવાનું લાગે છે, બાકી, સૌથી લાંબું, બે કલાકથી વધુનું બજેટ પ્રવચન નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું હોય ને સૌથી ટૂંકું 58 મિનિટનું પ્રવચન પણ એમને નામે જ ચડે તો કોઈક મુદ્દે ઉદાસીનતા સેવાઇ હોવાનો વહેમ પડે.

જોઈએ, જૂન-જુલાઈમાં નવી સરકાર કુલડીમાં કેવોક ગોળ ભાંગે છે તે –                                                                                                             

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2024

Loading

રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|1 February 2024

નીતિ અને અર્થશાસ્ત્ર: ભાગ-7 

કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’ (happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન (1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે.

આ એમ બતાવે છે કે કોઈ પણ નીતિમાં આવકના વધારાને બદલે સુખમાં વધારો થાય તેવું ધ્યેય હોવું જોઈએ. એનો અર્થ એ છે કે લોકો સુખી કે અસુખી થાય તે માટેનું કારણ માત્ર પૈસા નથી હોતા. સુખ અને અસુખનાં વ્યક્તિલક્ષી પગલાંને વસ્તુલક્ષી પરિસ્થિતિ સાથે જોડવાં પડે. અનેક સર્વે એમ બતાવે છે કે લોકો આવી બાબતોથી વધુ સુખી થાય છે : પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો, આવક ઊભી કરતા કામમાં સંતોષ મળવો, આવકની સલામતી હોવી વગેરે. કોઈ પણ નીતિમાં આ ધ્યેયોને સુખ સાથે જોડવાં જોઈએ.

સુખનો ખ્યાલ પોતે જ બહુ નબળો છે. મોટા ભાગના સંશોધકો એમ કહે છે કે તેનો અર્થ એ છે કે તે માનસિક સુખાકારી અથવા મનના આનંદ સિવાય બીજું કશું નથી. ધર્મગુરુઓ સુખ વિષે ઉપદેશો આપે છે, શાળાઓમાં સુખ વિષેના અભ્યાસક્રમો ચાલે છે; વગેરે બધું વધતું ચાલ્યું છે. 2008ની મંદી પછી સત્તા પર આવેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ મહિને દેશના નાગરિકોની સુખાકારી માપશે અને સુખાકારીમાં જે ફેરફાર થયો હશે તેને આધારે તેમની નીતિઓ સફળ થઈ કે નહિ તે જોશે અને એને માટે તેઓ પોતાની જાતને જવાબદાર ગણશે. પછી આ પ્રયાસ વિષે કશું સાંભળવા મળ્યું નહોતું. જ્યારે અર્થતંત્ર ખાડામાં પડી રહ્યું હોય ત્યારે સુખાકારી માપવાનું તદ્દન વિચિત્ર લાગે છે.

પહેલી વાર જોતાં જ એમ લાગે છે કે કોઈ પણ નીતિનું ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો એ કાચી રાષ્ટ્રીય આવકમાં સુધારો છે. તે આવકની વૃદ્ધિના ચક્રમાંથી બહાર નીકળવામાં અથવા તેને ધીમી કરવામાં સહાય કરે છે અને જે સારું (good) છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

પરંતુ સુખને મજબૂતપણે કેવી રીતે માપવું એ મુદાને બાજુ પર મૂકીએ તો પણ આમાં એક ખતરનાક ફસામણી છે. જો સુખને કાયમી રીતે સંમત થઈ શકાય તેવી મનની બાબત ગણીએ તો તે આનંદ વધારતી દવાઓ મફત વહેંચવાથી, અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન રોબોટ ઉપર છોડી દેવાથી, મોજશોખની જિંદગી જીવવાથી કે પછી નશામાં રહેવાથી સુખ મહત્તમ થઈ શકે છે. આ તો અક્ષરશ: લોકો  માટે અફીણ કહેવાય.

અલબત્ત, સુખની ચિંતા કરનારા અર્થશાસ્ત્રીઓ પણ આની હિમાયત કરતા નથી. જો કે, રિચર્ડ લેયાર્ડ (1934-) તેમના સુખ પેદા કરવાના એજન્ડામાં ઔષધીય અને મનોરંજક દવાઓનો સમાવેશ કરે છે ખરા. તેઓ એમ ઈચ્છે છે કે નીતિ એવી હોવી જોઈએ કે જે એવી સ્થિતિનું નિર્માણ કરે કે જે સ્થિતિ લોકો માટે ઓછી દુઃખદાયી હોય. તેઓ એમ પણ માને છે કે આવી સ્થિતિની શોધ થઈ શકે છે.

ઓછા દુઃખની બાબતને વચગાળાના નૈતિક ધ્યેય તરીકે ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ, એટલે કે લોકો વધુ સારી જિંદગી જીવી શકે તે શક્ય બનાવવું જોઈએ. પરંતુ સુખને જ અંતિમ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુખ તો સારી જિંદગી જીવવાનું પરિણામ છે. પ્રાચીન ગ્રીક દર્શનમાં એમ જ જણાવવામાં આવ્યું છે. સુખ એ કોઈ અલગ ધ્યેય નથી અને તે ઘણી વાર આપોઆપ બની જતી ઘટના છે.

અમર્ત્ય સેન સુખ માટે બીજાં કેટલાંક માપ બતાવે છે. આલ્ફ્રેડ માર્શલની જેમ અમર્ત્ય સેન એમ વિચારે છે કે નીતિનું ધ્યેય સુખાકારીમાં વધારો હોવું જોઈએ. પરંતુ સુખાકારીને માત્ર ભૌતિક વપરાશ જ ન સમજવી જોઈએ. તેને બદલે તે અનેક અને એકબીજાને વળગતી ક્ષમતાઓ કે સમર્થતાઓ(capabilities)થી થાય છે. તે ક્ષમતાઓ એકબીજાથી અલગ ન પણ થઈ શકે. તે ભૌતિક  કલ્યાણ તો છે જ, પણ તેમાં બિન-આર્થિક પાસાં પણ છે, જેમ કે, વ્યક્તિની પોતાને માટે પોતાની યોજના બનાવવાની સ્વતંત્રતા. પરિણામે, આર્થિક વિકાસને વિસ્તરતી ક્ષમતાઓ કે સમર્થતાઓ તરીકે સમજવો જોઈએ, અને ગરીબીને એ સમર્થતાઓના અભાવ તરીકે સમજવી જોઈએ.

સમર્થતાને નીતિનું ધ્યેય બનાવવામાં આવે તો અંતિમ ધ્યેયની વ્યાખ્યા કરવાની ફસામણીમાંથી બચી શકાય છે. પરંતુ ‘શાની સમર્થતા?’ એવા પ્રશ્નનો ઉત્તર આપવામાં તે નિષ્ફળ જાય છે. વ્યક્તિઓ તંદુરસ્ત કે શિક્ષિત થવા માટે સમર્થ બને તેની કે તેના જેવી બીજી ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? હકીકતમાં જે બાબત મહત્ત્વની છે તે તો એ છે કે તેઓ ખરેખર તંદુરસ્ત અને શિક્ષિત હોય. તંદુરસ્ત અને શિક્ષિત હોવું એટલે શું તે અંગે સરકાર વલણ નક્કી કરે તો તેને તાનાશાહી કહેવાય. એટલે કે સમર્થતા વ્યક્તિગત પસંદગીનું જતન કરે છે.

(ક્રમશ:)  
સ્રોત: 
લેખનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સુભાષબાબુના જીવનની પહેલી પચીસી કેવી હતી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 February 2024

ચંદુ મહેરિયા

એક ઓર સુભાષ જયંતી(૨૩મી જાન્યુઆરી)એ દેશભરની સુભાષ પ્રતિમાઓ ફૂલોથી લદાઈ ગઈ હતી. માંડ ૪૮ વરસની આવરદા અને ૧૯૨૧થી ૧૯૪૧માં અગિયાર જેલવાસ ભોગવનાર અજોડ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ(૧૮૯૭-૧૯૪૫)ના ચાહકો જરા ય ઘટ્યા નથી. બલકે જમણેરી બળોના ઉભાર પછી તો પ્રતિદિન વધતા રહ્યા છે. વર્તમાન રાજકારણીઓના કારણે ‘નેતાજી’ શબ્દ ઠીક ઠીક બદનામ થયેલો છે, પરંતુ સુભાષબાબુને તે બરાબર જચે છે. દેશવાસીઓનું આ પ્રેમાદરભર્યું સંબોધન તેમના સાથે જોડાઈને સાર્થક થયું લાગે છે.

રાજકારણીઓને લોકો જુઠ્ઠા માને છે અને તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી. એ સંજોગોમાં પણ આજના ભારતના રીઢા રાજકારણીઓ શરદ પવાર અને લાલુપ્રસાદ યાદવે આત્મકથા લખી છે. તો આઝાદી આંદોલનના તેજસ્વી અને વીરલા રાજનીતિજ્ઞોની આત્મકથાઓ અમૂલ્ય દસ્તાવેજ છે. એ કાળના ગાંધી, નહેરુ સહિતના ઘણા નેતાઓએ આત્મકથાઓ કે સ્મરણો લખ્યાં છે. કેટલાકની જેલડાયરી અને પત્રો પ્રગટ થયાં છે. પરંતુ સુભાષચંદ્ર બોઝની અધૂરી આત્મકથાની જાણ બહુ ઓછા લોકોને છે. નેતાજીના જીવનકાર્ય અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અમીટ છાપ પાડી છે, ત્યારે તેમની આત્મકથા તે સમયને જાણવા, સમજવા, મૂલવવા ખૂબ અગત્યનો દસ્તાવેજ  છે.

બાંગ્લા, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુલે બારખંડોમાં પ્રગટ થયેલાં સુભાષચંદ્ર બોઝના સમગ્ર સાહિત્યના પ્રથમ જ  ખંડમાં તેમની અપૂર્ણ આત્મકથા ‘એન ઇન્ડિયન પિલગ્રિમ’ (એક ભારતીય યાત્રી) છે. જન્મથી આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કર્યા પછી રાજીનામુ આપ્યું ત્યાં સુધીના એટલે કે ૧૮૯૭થી ૧૯૨૧ના સમયનું તેમાં આલેખન છે. નેતાજી ૧૯૩૮માં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તે પૂર્વે  એટલે  કે ૧૯૩૭ના અંતિમ મહિનામાં અને બેસતા ૧૯૩૮ના વરસમાં, ચાળીસ વરસની ઉંમરે,  તેમણે આત્મકથાના દસ પ્રકરણો લખ્યા હતા. યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રિયાના એક હેલ્થ રિસોર્ટમાં આત્મકથા તેમણે લખી હતી. આત્મકથા લેખનમાં જે એમીલિ શેંક્લ તેમનાં  સહાયક હતાં, તે પછી તેમનાં જીવનસંગિની બન્યાં હતાં.

આઝાદ હિંદ ફોજના સ્થાપક તરીકે ફૌજી ગણવેશ પરિધાન કરેલા નેતાજીની છબી આપણા મનમસ્તિક પર અંકાયેલી છે, પરંતુ સુભાષબાબુ જીવનની પહેલી પચીસીમાં કંઈ જૂદા જ હતા, તે આ આત્મકથા દર્શાવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીય કાયસ્થ પરિવારમાં જન્મેલા સુભાષ, કુટુંબનું નવમું સંતાન હતા અને તેમનાં માતાપિતાને કુલ ચૌદ બાળકો હતાં. જન્મભૂમિ કટક્માં આરંભિક અને કોલકાત્તામાં કોલેજ શિક્ષણ મેળવ્યું હતું. બાળપણ અને કિશોરાવસ્થામાં તેઓ ભાવનાશાળી, અતિસંવેદનશીલ, પરિશ્રમી, અંતર્મુખી અને અભ્યાસમાં તેજસ્વી હતા. અંગ્રેજી માધ્યમની મિશનરી શાળામાં અભ્યાસને કારણે અને તેમાં કોઈ પણ ભારતીય ભાષા શિખવવામાં આવતી ન હોવાથી તેઓ લાંબો સમય માતૃભાષા બંગાળીના શિક્ષણથી વંચિત રહ્યા હતા. સાહસી તરીકે નામના પામેલા સુભાષબાબુ શાળા શિક્ષણ દરમિયાન કાયમ  રમતગમતથી દૂર રહ્યા હતા. રમત પ્રત્યે ઓછા લગાવને કારણે તેઓ વયમાં નાના છતાં મોટા લાગતા હોવાનું તેમણે નોંધ્યું છે.

કિશોરાવસ્થાથી તેમણે અનુભવેલું મનોમંથન આત્મકથામાં સરસ રીતે આલેખાયું છે. પંદર વરસની વયે કિશોર સુભાષને વિવેકાનંદનો સાક્ષાત્કાર સાવ અનાયાસે તેમનાં પુસ્તકો થકી થયો અને જીવનની નવી દિશા ઉઘડી હતી. આત્માની મુક્તિ અને પીડિત માનવની સેવાનો મનુષ્ય જીવનનો હેતુ તેમને વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી મળ્યો હતો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાહિત્યના પરિચયે તેઓ કામવાસના અને સાંસારિક સુખના ત્યાગના માર્ગે વિચારવા લાગ્યા હતા. આ પ્રકારના વિચારો ધરાવતા મિત્રો સાથે મળીને સમાજસેવા પણ આરંભી હતી. ગામડાંની શાળાના બાળકોને ભણાવવા અને મહામારીગ્રસ્ત લોકોની સેવાનું કામ કર્યું હતું. મેટ્રિક સુધીની પોતાની શિક્ષણ સફરનું મૂલ્યાંકન કરતાં આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું મેટ્રિકની પરીક્ષામાં સારા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કરીશ તેમ માનતા લોકો મને ભભૂત ચોળીને સાધુસંતોની પાછળ ભાગતો જોઈને નિરાશ થયા હશે.

ઈ.સ. ૧૯૧૧ સુધી નેતાજીમાં કોઈ રાજકીય ચેતના નહોતી તેનું ઉદાહરણ તેમને સમ્રાટ જોર્જ પંચમના રાજ્યાભિષેક જેવા વિષય પરની નિબંધ સ્પર્ધામાં લીધેલ ભાગ લાગે છે. જો કે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજના વરસોમાં તેમનામાં રાજકીય ચેતના પણ જાગી હતી અને તેને પાંખો પણ મળી હતી. મારું જીવન આધ્યાત્મિક ઉન્નતિ અને માનવતાની સેવામાં લગાવીશ અને ચીલાચાલુ જીવનમાં ખર્ચીશ નહીં તેવી ધૂન પણ ત્યાં જ તેમને લાગી હતી. આ ગાળામાં એક તરફ તેઓ શક્ય એટલા વધુ ધાર્મિક ગુરુઓને મળતા હતા તો શ્રી અરવિંદનું પણ ખેંચાણ થયું હતું. અંગ્રેજોની ગુલામી, નિર્દયતા અને અસમાન વ્યવહાર તેમને ખૂંચતો હતો. કોલેજમાં એક ભારતીય વિધ્યાર્થીને અંગ્રેજ અધ્યાપકે માર્યો ત્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ સુભાષે તેના વિરોધમાં હડતાળ પાડી, કોલેજમાંથી બરતરફી વહોરી હતી. તેમનામાં રહેલા નેતૃત્વના ગુણો અને વિદ્રોહ માટે બલિદાનની તૈયારી અહીં જોવા મળી હતી.

૧૯૧૯માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટે કેમ્બ્રિજ ગયા તે જીવનમાં આવેલો એક મોટો બદલાવ હતો. આઈ.સી.એસ.ની પરીક્ષા માટેની વય મર્યાદા વટાવી જવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે પરીક્ષા આપી અને મેરિટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેઓ અંગ્રેજોની ગુલામી કરતી આ નોકરી કરવા માંગતા નહોતા. એ દિવસોનો તેમનો પત્રવ્યવહાર તેઓ કેવા માનસિક ઝંઝાવાતોમાંથી પસાર થતા હતા તેની ગવાહીરૂપ છે. “મારા સિદ્ધાંતો મને જેની ઉપયોગિતા ખતમ થઈ ગઈ છે તેવી વ્યવસ્થાનો ભાગ બનવાની અનુમતિ આપતા નથી”, તેમ મોટાભાઈ જોગ પત્રમાં તેમણે લખ્યું હતું. આ જ પત્રમાં તેમણે સિવિલ સર્વિસ માટે વાપરેલા શબ્દો કુંઠિત વિચાર, નિર્લજ્જ અને સ્વાર્થી શાસન, હ્ર્દયહીનતા તેમ જ લાલિયાવાડીનું પ્રતીક પણ આજે ખરા લાગે છે.

ધર્મનિરપેક્ષતા અને દીનદુખિયા પ્રત્યે સહાનુભૂતિના જે ગુણો સુભાષબાબુમાં હતા તેનાં મૂળિયાં તેમની આ પહેલી પચીસીમાં રહેલાં છે. હિંદુઓ પ્રાર્થના કરવા મંદિરે જાય છે અને મુસ્લિમો મસ્જિદમાં જાય છે, તે સિવાય મેં તેમને ક્યારેય મારાથી તે જુદા છે તેવું મહેસૂસ કર્યું નથી તેમ તેમણે લખ્યું છે. કોઢની જેમ વિસ્તરતી અસ્પૃશ્યતાને પણ તેમણે નિકટથી જોઈ હતી અને તેનો મુકાબલો પણ કર્યો હતો. ઘર નજીક બેસતી ભિખારણને જોઈને પોતાના ઘરની સમૃદ્ધિ એમને અકળાવે છે તો કથિત નિમ્ન વર્ણના વિદ્યાર્થી સાથીની માંદગીમાં સેવા પણ કરે છે.

સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાચકને તેમના માનસિક વિકાસ, ઘડતર, જીવન લક્ષ્ય, રાજનીતિક સમજ અને કિશોરાવસ્થાના મનોશારીરિક તણાવની રૂબરૂ કરાવે છે.

e.mail: maheriyachandu@gmail.com

Loading

...102030...675676677678...690700710...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved