Opinion Magazine
Number of visits: 9741990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાનીની નિશ્રામાં 

બકુલા ઘાસવાલા|Gandhiana, Opinion - Opinion|9 July 2024

આ પુસ્તકમાં ભદ્રાયુ વછરાજાનીની કસાયેલી કલમે નાની ઉર્ફે નિરંજના, ડો. પ્રજ્ઞાબહેન, ઉત્તમચંદકાકા, સંતોકબહેન, મુકુલભાઈ, પૂ. મોટા, સ્વામીદાદા, સરદારસાહેબ, મોરારિબાપુ અને નાનીની નિશ્રામાં ઉછરેલાં ડો. રામીબહેન એમ સૌનો અરસપરસ ભાવસંબંધ અહીં ઉજાગર થાય છે. તેઓ હીંચકે ઝૂલતાં, સૌને આવકારતાં, મહેમાનગતિ કરતાં, દોહિત્રીઓ જેવી વિદ્યાર્થિનીઓને આંખોથી શિસ્ત શીખવતાં, સૌંદર્ય અને સાદાઈની જીવનદૃષ્ટિનો પરિચય કરાવતાં ‘નાનીમા’નું સચિત્ર જીવનચરિત્ર આલેખે છે, ત્યારે વાચક તરીકે આપણે ‘નાનીમય’ બની રહીએ છીએ. સાચું કહું તો હું નાનીના નામ અને કામથી પરિચિત, પરંતુ રૂબરૂ મળ્યાંનું યાદ નથી. દુરથી જોતાં માયાળુ ચહેરો પોતીકો તો લાગ્યો જ છે. વધારે પરિચિત નામ મુકુલ કલાર્થીનું, જેઓ નાનીનાં દાંપત્યજીવનના સહયાત્રી. પ્રજ્ઞાબહેન પણ નામથી પરિચિત. વધારે પરિચય ડો. કુરેશીનાં કારણે જેમણે આ પુસ્તક વાંચવાની ભલામણ અને પરત કરવાની શરતે નાનીની વધારે નજીક જવાનો મોકો આપ્યો.

ગાંધીજી, સરદારસાહેબ, માતા સંતોકબહેન અને પિતા ઉત્તમચંદભાઈ ઉપરાંત અનેક ઉમદા વ્યક્તિત્વના સંગમાં રહી જીવનને હર્યુભર્યું અને સમૃદ્ધ બનાવનારાં નાની કુટુંબમાં નાનાં એટલે નાની પરંતુ હવે સૌનાં આજી-નાની છે. સામાન્ય રીતે સંબંધોમાં ‘માનાં મા’ હોય તે નજીક લાગે એની પાસે પોતીકાપણાંની લાગણી અકબંધ રહે. ભદ્રાયુભાઈની કલમ ‘નાનીને આજી’ તરીકે પ્રસ્થાપિત કરવામાં સફળ થઈ છે કારણ કે નાની જન્મજાત માતૃતુલ્ય લક્ષણો ધરાવે છે એવી સહજ લાગણી થાય.

લોકો નાનીની નિશ્રામાં જીવે પરંતુ ઉત્તમચંદકાકા, નાની અને એની વાનરસેના સરદારસાહેબની નિશ્રામાં નિશ્ચિંતપણે જીવનલક્ષ્યને સમર્પિત. આ પુસ્તકમાં નાની નાની ક્ષુલ્લક લાગે પરંતુ જીવન ઘડતર માટે અગત્યની અને મહત્ત્વની રસપ્રચુર વિગતોનું વર્ણન ફરી ફરીને વિચારવા પ્રેરે છે કે જીવનલક્ષી શિક્ષણ કોને કહેવાય. પછી તે સફાઈની વાત હોય, સાદાઈનો પાઠ ભણવાનો હોય કે લોકશાહીથી સંસદ સુધી માહિતગાર થવાનું હોય! વળી કેળવણીકાર કોણ તો સરદારસાહેબ, ઉત્તમકાકા અને નાની પોતે! પુસ્તકમાં વર્ણવિત સંસદની ઝલક અને આજની સંસદ વચ્ચે સિત્તેર વર્ષનાં વહાણાં વાયા છે ત્યારે  સરદારસાહેબ સાથે તે સમયે બપોરનું જમણ લઈ આવેલા વાનરસેનાના તરુણો હવે વયોવૃદ્ધ આંખે ટી.વી. પર સંસદસભ્યોને જોતાં હશે ત્યારે શું અનુભવતા હશે એવો અલપઝલપ વિચાર આવી ગયો!

‘સ્વરાજ આશ્રમ’ના બાગમાં પીળાં ફૂલને યાદ કરતા સરદાર અને રજવાડાનાં વિલીનીકરણની પ્રક્રિયા સહજપણે નિભાવતા સરદારની ગતિવિધિનું સહજ વર્ણન વાંચતી વખતે આપણે એ સમયખંડને હિસ્સો છીએ એવું અનુભવીએ જ. ક્યારેક એવું લાગે કે આપણે ગાંધીની જ  સમયખંડને જ વાગોળીએ છીએ કારણ કે સરદારસાહેબ ગાંધીયુગનું જ ફરજંદ અને એમનું સાચું ઘડતર પણ ગાંધીની નિશ્રામાં જ ! સંતોકબા-ઉત્તમદાદા સિવાય સમગ્ર પરિવારને ગુરુ દયાલ મલિક, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાલા, વિનોબાજી, રંગ અવધૂત બાપજી, પૂ. મોટા, જુગતરામ દવે સમેત સૌનો સંગ માણવાની તક તો મળી સાથે રાષ્ટ્રહિત અને સમાજહિતની ખેવનાની વારસાઈ પણ મળી. ઉત્તમચંદદાદાનો મૂળ પરિવાર ગર્ભશ્રીમંત અને લગભગ બારસો એકર જમીનનો માલિક તે કુટુંબના વારસદાર તરીકે પોતાનો હક્ક જતો કરનારાં સંતોકબહેન-ઉત્તમદાદા આપણી નજરે મુઠ્ઠી ઊંચેરા તો સાબિત થાય જ સાથે એ જ સંસ્કારની વારસાઈને ઝળહળ કરતાં નાની, મુકુલભાઈ, પ્રજ્ઞાબહેન માટે પણ અહોભાવ થાય. ખાસ તો રાષ્ટ્રપ્રેમમાં પરિવારવાદની વાત વિશે ફક્ત ગેરસમજ દૃઢ થઈ રહી હોય ત્યારે પૂ. મોટાની સમજ, નાનીને માર્ગદર્શન અને પરિવારની વારસાઈની સાચી વિભાવના કેવી રીતે ઉજાગર થઈ શકે તેનું જ્વલંત ઉદાહરણ નાનીની નિર્ભય અને ક્યાંક સંતુલિત વિદ્રોહી કર્મયાત્રા દ્વારા જડે છે. ખાસ તો નાની અને મુકુલ કલાર્થીનાં લગ્નના મુદ્દે.

નિરંજનાએ સત્યની કેડીએ, પ્રેમ પદારથ પામીને, કરુણાના રાજમાર્ગનો પ્રવાસ જીવનસાથી મુકુલ કલાર્થી સંગ કર્યો એ યાત્રાએ એને ‘બા-નાની-આજી’ બનાવ્યાં. નાની પોતાનાથી વીસ વર્ષ મોટા હરિજન અધ્યાપક મુકુલ કલાર્થીથી પ્રભાવિત. તે સમયની એમની જીવનયાત્રા સંઘર્ષયાત્રા હતી પરંતુ પ્રેમયાત્રા પાવક હતી. પ્રીતમે ગાયું છે તેમ માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને! માતા અને ભાઈના વિરોધને પૂ. મોટાનાં સહયોગનાં કારણે ખાળ્યો. તે સમયે મોટાએ બે પાઠ શીખવ્યા.

(૧) સામે થવું નહીં. (૨) વેર રાખવું નહીં. મોટાએ જ લગ્ન કરાવી આપ્યાં. આ જ પ્રેરણા જીવનભર પથદર્શક રહી. નિરંજનાબહેન-મુકુલભાઈનાં પુત્રી પ્રજ્ઞા માટે પણ મોટા પ્રજ્ઞાદર્શક રહ્યા. એમણે ભાખેલું કે પ્રજ્ઞા ડોક્ટર થશે અને એમ જ બન્યું. મોટાનાં માર્ગદર્શનમાં નાની પણ ભણ્યાં અને એમ.એ. એમ.એડ. થયાં. નાનીને લાગે છે કે મોટા હંમેશાં એમની સાથે છે. નાનીની લગ્નનિધિ મોટાએ જાતે લખેલી. એમના ભાઈએ તો માનો પક્ષ લઈ રિવોલ્વર કાઢેલી, પરંતુ એ જ ભાઈએ વરસો પછી દિલગીરી પણ વ્યક્ત કરેલી. મોટાએ મુકુલભાઈને પણ લગ્નવિધિ માટે અધિકૃત પરવાનગી આપી એમને બ્રાહ્મણ બનાવેલા. (પાનું : ૫૫).

ગિજુભાઈ બધેકા, મોહન પરીખ, નારાયણ દેસાઈ, કવિવર ઉમાશંકર જોશી, પિનાકીન ત્રિવેદી, નાનાભાઈ ભટ્ટ જેવા અનેક મહાનુભાવોના સાંનિધ્યમાં નાનીનું નક્કર ઘડતર થયું જે એમની અણમોલ સંપદા બની રહ્યું. આ સંપદા કેવી જ્યાં ‘કવિ રાત્રી’, ‘આકાશ દર્શન’, ‘વાર્તાકથન’, ‘અભિનય’ હોય. પુસ્તકિયું ભણતર નહીં પરંતુ કેળવણી આત્મસાત્ કરવાની હોય! શ્રમયજ્ઞ અને વાંચનયજ્ઞનું સમાન મહત્ત્વ એ જુ.કાકાની દેણગી. વાત કૂવો ખોદવાની હોય કે રસ્તો બનાવવાની દરેકનું પ્રદાન અગત્યનું. સાહિત્ય સર્જન જીવનલક્ષી. નાની કહે છે કે નારાયણ દેસાઈ યુવાન તે અદ્દભુત નૃત્ય કરે (પાનું : ૩૭). નારાયણ દેસાઈ નાટકો લખે, ગાંધીનું જીવન ચરિત્ર લખે એ બધું ખબર, પરંતુ નૃત્ય કરે એ વાત વાંચીને હું તો ભારે અચંબિત!

ગુરુ દયાલ મલિકની પ્રેરણાથી નાની ‘સ્વરાજ આશ્રમ’માં શાંતિનિકેતનની પોતાની પરિકલ્પના સાકાર કરે છે. એમની નિશ્રામાં મહેનત કરે છે. એમના વિશે મુકુલ કલાર્થી સાથે મળીને પુસ્તક લખે છે, ‘પ્રભુ કૃપા કિરણ’ જેને ભદ્રાયુભાઈ ‘નાનીની નિશ્રા’માં પુસ્તક માટે પ્રેરકબળ માને છે. પ્રવાસ દરમિયાન સ્વામીદાદા સાથે હિમાલય દર્શન, આકાશ દર્શન, સમાજ દર્શન, પહાડી પ્રદેશમાં શિક્ષણ અને કેળવણી માટે જીવન દર્શનના પાઠ ભણવા, ગાંધી વિચાર દર્શનને સાકાર કરવા પિતા ઉત્તમચંદ શાહની મથામણ સમજવી અને સહભાગી થવામાં જીવનભર મહેનત કરવી, પુત્રી પ્રજ્ઞા સમેત અનેક તરુણી-યુવતીઓનાં શિક્ષણ અને જીવનલક્ષી કેળવણી માટે નિસ્બત અને સમર્પણ રાખવું એવી યાદગાર રહેલી ઘટનાઓને નાની વાગોળતા રહે અને આ પુસ્તકમાં સંકલિત કરાવવાની મહેનત ભદ્રાયુભાઈ કરતાં રહે એ ચિત્ર આ પુસ્તક વાંચતાં નજર સમક્ષ તરવરતું રહે છે. તરુણ-યુવાન વિદ્યાર્થિનીઓ સાથે સતત કામ પાર પાડવું અને તેઓ ધ્યેયથી વિચલિત ન થાય તે માટે સજાગ રહેવું, એમનો સામાજિક-સાંસ્કૃતિક પરિવેશ સમજતાં રહેવું, જરૂર લાગે ત્યારે એમનાં ઘરની મુલાકાત લેવી અને એ બાલિકાઓ ભણે, કેળવાઈ અને જીવનમાં ગોઠવાઈને બહેતર સમાજનું નિર્માણ કરે એ કાર્ય અવિરતપણે નાની હજી કરે છે, એની ફળશ્રુતિની વાતો પણ અહીં થઈ છે. નાની વાતો વાગોળે છે એટલે સંકલનમાં પુનરાવર્તન પણ થયું છે.

૧૨૧ પાનાંનાં ફલક પર ૨૮ પ્રકરણોમાં ભદ્રાયુભાઈની કલમે શબ્દાંકિત નાનીની જીવનકથા ગાંધી વિચારે સમાજની દશા-દિશા પર કેવી અસરકારક ભૂમિકા ભજવી છે, તેનું યથાર્થ દર્શન કરાવે છે. અલબત્ત, અહીં સરદારસાહેબ અને એમના હનુમાન ઉત્તમચંદ શાહ અને સંતોકબહેન શાહ, નાની અને મુકુલ કલાર્થી પરિવારની કર્મઠતા જે રીતે ઉજાગર થઈ છે તે મને વાચક તરીકે વધારે અસરકારક લાગી છે. પ્રજ્ઞાબહેન, રામીબહેનનાં શિક્ષણ વિશેની વાતો સંયુક્ત કુટુંબનો વિસ્તાર કઈ રીતે નવ્ય વિચારદર્શક અને પ્રેરક બને છે તેમનું દિશાસૂચન કરે છે. ડો. પ્રજ્ઞાબહેન વિશેનો જય વસાવડાનો પૂરક લેખ ખાસ્સો રોચક-મોહક છે.

મારાં પરદેશથી આવેલાં સગાંસંબંધીઓ ખાસ આગ્રહ કરે કે સરદારના વ્યક્તિત્વની ઊંચાઈને સમજવા સ્ટેચ્યુ ઑવ યુનિટીની મુલાકાત લેવી જ જોઈએ! આ પુસ્તક વાંચતાં મને થયું કે હું કદાચ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત કરવાનું ચૂકી જઈશ તો ચાલશે પરંતુ નાનીને મળવાની રહી જાઉં તે તો ન જ ચાલે! 

ફરીથી ભદ્રાયુભાઈની કલમને સલામ સાથે ભલામણ કે આ પુસ્તક દરેક પુસ્તકાલયમાં હોવું તો જોઈએ સાથે વંચાતું પણ રહેવું જોઈએ … 

મૂલ્ય : ₹: ૩૫૦/- 

પ્રાપ્તિ સ્થાન: ZCAD Foundation, 905, Pipla Pole, Near Mahakali Temple, Saraspur, Ahmedabad – 380 018. Gujarat, India.

 Mobile : +919825752437/ 6358852437. 

મુકુલ ટ્રસ્ટ, સરદાર કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ, બારડોલી – ૩૯૪ ૬૦૧, ડિસ્ટિૃક્ટ સુરત, ગુજરાત, ભારત. 

ફોન- મોબાઇલ : +૯૧૯૮૨૪૫૭૫૯૩૯, ૯૫૬૦૭૦૩૯૬૬, ૯૪૨૭૧૨૪૭૬૭

સૌજન્ય : બકુલાબહેન દેસાઈ–ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મેલ કરવત પાણીડાંનાં પાણીડાં !

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|8 July 2024

 

 

 

 

 

 

 

મેલ કરવત પાણીડાંનાં પાણીડાં ! 

આવા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?

કે આ જ અમે પાણીડે ગ્યા’તા સઈઅર મોરી ને જોયો સાયબો! 

લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં 

કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!

 કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,

કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે ! 

 ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ. 

આ પીંછાટિયાએ કોઈ’દી તેલ ભાળ્યું નથી. 

ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત! 

તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને 

માઈ કોરી રે’ય? 

અરે, મારો એ બાપ તો માઈ છાંટોપાણી કરે ને 

તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે 

ને હું વાત કરું? 

દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’ કાડે. 

એક દા’ડો નિહારે ગેઈલી, 

બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ 

ને લખતાંવાચતાં હીખી, 

નિહારમાં નિબંધ લખવા કે’યું કે 

તમારી દિનચર્યા લખો – 

ને મેં તો આ બધું લઈખું 

એટલે મે’તી તો રડવા લાગી! 

પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે? 

મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે. 

પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે 

માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે 

મને નિહાર જવાનું મલતું છે 

ને  હા……સ 

કે એટલી વાર તો છૂટી એ ઘરથી.

જોકે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે! 

અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે 

ને સંડાસ બી’ સાફ  કરાવે! 

એમ કે’ય કે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા! 

આટલા ભારી શબ્દમાં હમજ તો ની’ પડે 

પણ મે’તી કે’ય કે ૨૦૨૦ નો 

નારો છે કે આત્મનિર્ભર  બનો એટલે ……. 

બનવાનું! 

તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો 

હારું કાં ઓહે? 

૮/૭/૨૦૨૦
તસવીર સૌજન્ય : સૌમ્યા 
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘બહનોં ઔર ભાઈયોં’ – જાદુઈ અવાજ, મસ્ત અંદાઝ : અમીન સાયાની

સોનલ પરીખ|Opinion - Opinion|8 July 2024

અમીન સાયાનીની સુદીર્ઘ કારકિર્દી, તેમનો ઉષ્માભર્યો અદ્દભુત અવાજ, એમની શુદ્ધ–જીવંત–રસમય ભાષા, એમનું શાલીન સુસંસ્કૃત વ્યક્તિત્વ, એમની કારકિર્દીના પડાવો અને એમની પ્રવૃત્તિમય નિવૃત્તિ આપણને વીતેલા એક યુગ સાથે ઘણી ઘણી રીતે જોડે એમ છે …

થોડા સામે પહેલાંની વાત છે. એક સ્ટેજ કાર્યક્રમમાં એક એન્કર પ્રખ્યાત વ્યક્તિઓની મુલાકાત લઈ રહ્યા હતા. એન્કર પોતે જાણકાર અને અનુભવી માણસ હતા, પણ પોતે જ એટલું બોલતા હતાં કે પેલી પ્રખ્યાત વ્યક્તિ, જેને સાંભળવા લોકો આવ્યા હોય તેને મોં ખોલવાનો મોકો ઓછો મળે અને તેમાં પણ એન્કર મહાશય વચ્ચે વચ્ચે બોલે. મુલાકાતની મઝા મારી જવા માંડી.

કાર્યક્રમ પછી એક આયોજકે કહ્યું, ‘મુલાકાત કેમ લેવાય એ જાણવું હોય તો અમીન સાયાનીએ લીધેલા હિન્દી સિનેમાના દિગ્ગજોના ઈન્ટરવ્યૂ સાંભળવા જોઈએ.’

તેઓ સાચા હતા. આજે પણ ભારતના બ્રોડકાસ્ટિંગ વિશ્વમાં અમીન સાયાનીનું ગુરુસ્થાન અવિચળ છે. આજે  પણ તેઓ ઉદ્દઘોષકોના આદર્શ છે. એમના રેડિયો-કાર્યક્રમો અને મુલાકાતો આપણામાંના કેટલાકને યાદ હશે. અમીન સાયાનીને કારણે રેડિયો સાંભળવાનું ‘ફેશનેબલ’ બન્યું હતું. અર્ધી સદી પહેલા એમની બિનાકા ગીતમાલા સાંભળવા ત્રણ-ત્રણ પેઢી રેડિયો આસપાસ ગોઠવાઈ જતી. એમના બિનાકા-સિબાકા કાર્યક્રમોએ અનેક વિક્રમો તોડ્યા હતા. ફિલ્મો, ગીતો અને ફિલ્મી દિગ્ગજોનો ફર્સ્ટ હેન્ડ પરિચય તેઓ એવી રીતે આપતા કે શ્રોતાઓ સામે એક દુનિયા ખૂલી જતી.

આ અમીન સાયાનીએ 91 વર્ષની ઉંમરે ચિરવિદાય લીધી. ભર્યુંભર્યું અને ભરપૂર જીવી ગયા તેઓ, પણ તેમના પરિવારજનોની જેમ તેમના ચાહકોના હૃદયમાં તેમના જવાથી એક ખાલીપો જરૂર સર્જાયો છે. તેમની સુદીર્ઘ કારકિર્દી, તેમનો અદ્દભુત અવાજ, એમની શુદ્ધ-જીવંત-રસમય ભાષા, એમનું વ્યક્તિત્વ, એમની કારકિર્દીના પડાવો અને એમની પ્રવૃત્તિમય નિવૃત્તિ આપણને એક યુગ સાથે ઘણી ઘણી રીતે જોડે એમ છે. એક સરસ પુસ્તક થઈ શકે. આપણે તો અહીં એ સાગરમાંથી એક અંજલિ ભરવાની કોશિશ કરીશું.

યાદ આવે છે 1917ની નવમી ડિસેમ્બર. ફિલ્મો અને ફિલ્મસંગીતના ઇતિહાસકાર માણેક પ્રેમચંદ ભારતીય વિદ્યાભવનના સ્ટેજ પર અમીન સાયાનીને લાવ્યા, ત્યારે તેઓ પુત્ર રાજિલને ટેકે માંડ ચાલી શકતા હતા. તેઓ આવ્યા અને દર્શકો ઊભા થઈ ગયા. ક્યાં ય સુધી તાળીઓનો ગડગડાટ શમ્યો નહીં. પછી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં ટાંકણી પડે તો ય સંભળાય એવી સ્વયંભૂ ચુપકીદી ફેલાઈ. અમીનજીએ શરૂ કર્યું, ‘બહનોં ઔર ભાઈયોં …’ અદબ અને ઉષ્માથી ભરપૂર એ જ ચિરપરિચિત રણકાર – અને ફરી હૉલની દીવાલો તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠી.

આ અમીન સાયાની. ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયન રેડિયો. એવા રેડિયોસ્ટાર જેમનો આદર મોટા ફિલ્મસ્ટારો પણ કરતા. એક આખા સમયખંડની ગરવાઈ, ગહરાઈ અને સચ્ચાઈની પ્રતિમૂર્તિ. રેડિયો સિલોનના ઉદ્દઘોષક તરીકેની તેમની કારકિર્દી પૂરી થયાને ય દાયકાઓ વીત્યા છતાં તેઓ ભારતમાં, દક્ષિણ એશિયામાં અને વિદેશોમાં લોકપ્રિય હતા. વિદ્યાર્થીકાળમાં સ્કૂલ-કૉલેજનાં નાટકો કરતા. ઉદ્દઘોષક તરીકેની કારકિર્દી દરમ્યાન થોડી ફિલ્મોમાં એનાઉન્સર તરીકેની ભૂમિકા કરી, ઑલ ઇન્ડિયા રેડિયો, ઑલ ઇન્ડિયા રેડિયોની કમર્શલ સર્વિસ એન વિવિધ વિદેશી સ્ટેશનો પર કાર્યનિર્માતા અને સંચાલક તરીકે 54,000થી વધારે રેડિયોપ્રોગ્રામ અને 19,000થી વધારે સ્પૉટ-જિંગલ્સ કરી લિંક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યું. બિનાકા (પછીથી સિબાકા) ગીતમાલા, એસ. કુમાર્સકા ફિલ્મી મુકદ્દમા, સેરિડોન કે સાથ, બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ, શાલીમાર સુપરહિટ જોડી, સંગીત કે સિતારોં કી મહફિલ જેવા પ્રોગ્રામો ઉપરાંત તેમણે એઇડ્સ અવેરનેસ માટે એક રેડિયો સિરિઝનું નિર્માણ પણ કર્યું હતું. કાર્યક્રમોની કેસેટો, એલપીઝ અને સીડીઓ બનાવી, રાષ્ટ્રગીતની હિન્દી આવૃત્તિ પર કામ કર્યું અને સરકારી પત્રકોની દુર્બોધ ભાષા સામે નાનકડો જંગ છેડ્યો. પોતાની કોલાબાની ઓફિસમાં 85 વર્ષની ઉંમરે પણ તેઓ રોજ બેત્રણ કલાક સારેગમ સાથે ગીતમાળાની સી.ડી.ઓ બનાવવાનું કામ કરતા તે મેં જોયું છે. ઝેવિયર્સ કૉલેજ, જ્યાં તેઓ ભણતા અને જ્યાંથી મોટાભાઈ હમીદની રાહબરી નીચે તેમની કારકિર્દી શરૂ થઈ તેની સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂશન ઑફ કૉમ્યુનિકેશનના રેકોર્ડીંગ સ્ટુડિયોને અમીન સાયાનીનું નામ અપાયું છે. સિદ્ધિઓ નાની નથી. પણ અમીનજી જ્યાં જતા, લોકો ઝૂમી ઊઠતા, આદર અને પ્રેમની વર્ષા કરતા તેનું ખરું કારણ તેમનું સુસંસ્કૃત, શાલીનતા-સમૃદ્ધ વ્યક્તિત્વ હતું. વીસેક વર્ષથી તેમના અંગત બની ગયેલા માણેક પ્રેમચંદ કહે છે, ‘અમીનજી અત્યંત ઉમદા અને નેક ઇન્સાન છે. એમણે વર્ણવવાનું મારું ગજું નહીં.’

ઉષ્માપૂર્ણ અવાજે, આગવા અને અદ્દભુત લહેકાથી અમીન સાયાની સરળ, યોગ્ય શબ્દ-પસંદગીવાળું અને કાનને પરાણે વહાલું લાગે તેવું મીઠું અંગ્રેજી અને હિન્દી બોલતા. બ્રોડકાસ્ટિંગની દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને અમીન સાયાનીનું અનુકરણ ન કર્યું હોય. પણ સરસ હિન્દી બોલવું પડકારરૂપ હતું. એક મુલાકાતમાં અમીનજીએ કહ્યું હતું, ‘પચાસના દાયકાની શરૂઆત હતી. નવા સ્વતંત્ર થયેલા દેશનો હું નવયુવાન. મને થયું, અંગ્રેજીમાં ઘણું બ્રોડકાસ્ટિંગ કર્યું, હવે રાષ્ટ્રભાષા હિન્દીમાં કેમ ન બોલું? પણ મારી હિન્દી ભાષા એટલે ગુજરાતી-અંગ્રેજી-મરાઠી ભાષાનું બમ્બઈયા મિશ્રણ. હું રિજેક્ટ થયો. તેનું દુ:ખ વર્ષો સુધી રહ્યું. જ્યારે અમિતાભ બચ્ચન સાથેના એક ઈન્ટરવ્યૂમાં જાણ્યું કે એમને પણ દિલ્હીમાં ઑલ ઇન્ડિયા રેડિયોએ રિજેક્ટ કર્યા હતા ત્યારે મારું દુ:ખ કઈંક ઓછું થયું. રાહત પણ થઈ. અમિતાભ ઉદ્દઘોષક તરીકે આવત તો હું તો ફૂટપાથ પર જ આવી જાત. એ ય ઠીક, પણ હિન્દી સિનેમા શ્રેષ્ઠ અભિનેતાથી વંચિત રહી જાત.’

પોતાના ભાષાપ્રભુત્વનું શ્રેય અમીનજી પોતાનાં માતા કુલસુમ સાયાની ને તેમના ‘રાહબર’ સામાયિકને આપતા. ‘મારા મા પાકાં ગાંધીવાદી. મુંબઇમાં કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણનું ખૂબ કામ કરતાં. ગાંધીજીના સૂચનાથી તેમણે ચાર ભાષામાં રાહબર નામનું સામાયિક કાઢવાનું શરૂ કર્યું અને 1940થી 1960 એમ વીસ વર્ષ ચલાવ્યું. ગાંધીજી કહેતા, ‘જો બેટા કુલસુમ, સામાયિક દ્વારા લાખો લોકો સુધી પહોંચવાનું છે. તેમને સમજે અને ગમે એવી સરળ ભાષામાં વિચારો આપવાના છે તે ન ભુલાય. આ સામયિકના પ્રકાશનમાં માને મદદ કરતાં, લખતાં, લેખો સુધારતાં, ભાષાંતરો કરતાં મારી ભાષા ખૂબ ઘડાઈ. મેં મહેનત પણ કરી. એક મિનિટ નકામી જવા ન દેવાના સંસ્કાર કામ આવ્યા.’ અમીનજીને મળેલા પદ્મશ્રી સહિતના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં એક ‘હિન્દીરત્ન’ પણ છે.

આયુષ્યના છેલ્લા તબક્કે અમીનજી શું અનુભવતા હશે? એમના પુત્ર રાજિલ સાયાનીએ એ વિષે કહ્યું હતું, ‘તેઓ પ્રસન્ન છે, સંતુષ્ટ છે, તબિયત પરવાનગી આપે એ પ્રમાણે પોતાને વ્યસ્ત પણ રાખે છે. સેલિબ્રિટીના સંતાન તરીકે હું એમની અતિ વ્યસ્તતાથી ટેવાયેલો, છતાં તેમને મિસ કરતો. આજે સમજાય છે કે મારા પિતા ગમે તેટલાં રોકાણો વચ્ચે મારી અને મારાં માની શક્ય તેટલી કાળજી લેવાનું ચૂક્યા નથી. હી ઈઝ અ ફેમિલી પર્સન.’ અમીન પરિવાર વિવિધાતામાં એકતાની ભારતીય સંસ્કૃતિની જીવંત તસવીર સમો છે. અમીનજી પોતે કચ્છના ખોજા મુસ્લિમ, તેમનાં પત્ની રમા કાશ્મીરી પંડિતનું સંતાન અને પુત્રવધૂ પંજાબી. પિતા ડૉ. જાનમહમ્મદ અસહકાર વખતે બ્રિટિશ દમનથી ઘાયલ દેશપ્રેમીઓ માટે ખાસ ઊભી કરાયેલી હોસ્પિટલમાં સેવા આપતા. નાના ગાંધીજી અને મૌલાના આઝાદના ડૉક્ટર હતા. આજે પણ પરિવાર ગાંધીવિચારોનો ચાહક છે.

એક ઇન્ટરવ્યૂમાં અમીનજીએ કહેલું, ‘કાર્યક્રમો આપવા, સંચાલન કરવું કે મુલાકાત લેવી એ એક ક્રિએટિવ આર્ટ છે. મુલાકાત લેનારે મુલાકાત આપનારનું શ્રેષ્ઠ બહાર કાઢવાનું હોય છે. જરૂર કરતાં એક પણ શબ્દ વધારે કે ઓછો બોલાવો ન જોઈએ અને જે પણ બોલાય તે સત્ય, યોગ્ય, સ્પષ્ટ, સરળ અને સુંદર હોવું જોઈએ. આ કળા અમીનજીના સ્વભાવમાં વણાઈ ગઈ હતી તેવી પ્રજા તરીકે આપણા સૌની પ્રકૃતિમાં, સંસ્કૃતિમાં વણાઈ જાય અને જે પણ બોલાય તે સત્ય, યોગ્ય, સ્પષ્ટ, સરળ અને સુંદર હોય તેવો આગ્રહ હંમેશાં રહે તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 ફેબ્રુઆરી  2024

Loading

...102030...673674675676...680690700...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved