Opinion Magazine
Number of visits: 9665789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદર્શ વ્યવસ્થા એક કલ્પના, ખામીભરી વ્યવસ્થા એક હકીકત

રમેશ ઓઝા|Opinion - Opinion|20 June 2024

રમેશ ઓઝા

ત્રણ પ્રકારના શાસકો હોય છે. પહેલો પ્રકાર એવા શાસકોનો છે જે પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલી શકે છે અને બદલે છે. પોતાનાં કાર્યકાળ દરમ્યાન બદલી ન શકે તો બદલવાનો રસ્તો ખોલી આપે છે અને પછી અનુગામી શાસકોએ ધરાર એ માર્ગે ચાલવું પડે છે. એવો કોઈ યુગ નથી હોતો જેમાં વ્યવસ્થાને લગતા કોઈ પ્રશ્ન ન હોય. વ્યવસ્થામાં ખામી હોય, હોય અને હોય. રામરાજ્ય જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો આદર્શ વ્યવસ્થા એક કલ્પના માત્ર છે, ખામીભરી વ્યવસ્થા એક હકીકત છે. માટે વ્યવસ્થા પર નજર રાખવી જોઈએ, ખામી તરફ ધ્યાન દોરવું જોઈએ, ઊહાપોહ કરવો જોઈએ, નાગરિક સમાજે રસ્તા પર ઉતરવું જોઈએ, શાસકો પ્રતિસાદ આપે એ માટે પ્રયાસ કરવો જોઈએ, વગેરે, વગેરે.

પણ વ્યવસ્થા એવા જ શાસકો બદલી શકે કે સુધારી શકે જેમનામાં દૂરનું વિચારી જોવાની આવડત હોય, ઈરાદામાં પ્રામાણિકતા હોય, વ્યવસ્થાએ પેદા કરેલા સ્થાપિત હિતોને હાથ લગાડવાની હિંમત હોય, વિરોધીઓને વિશ્વાસમાં લઈને ચાલવાની આવડત હોય. ટૂંકમાં એવા શાસકો કરી શકે જે સાચી નિસ્બત ધરાવતા હોય. ૧૯૯૧માં લોકસભામાં બહુમતી ન હોવા છતાં પી.વી. નરસિંહ રાવે આ કરી બતાવ્યું હતું. તેમના કાર્યકાળ દરમ્યાન વ્યવસ્થામાં પૂરતા સુધારા નહોતા થયા, પણ રસ્તો ખોલી આપ્યો હતો એટલે આગલી સરકારોએ સુધારાની પ્રક્રિયા  આગળ ચલાવી હતી. ત્યારે જે સુધારાઓ કરવામાં આવ્યા એ ખામીરહિત હતા એવું નથી અને માટે સતત સાબદા રહેવું પડતું હોય છે. નવી વ્યવસ્થા નવા પ્રશ્નો પેદા કરે છે.

બીજા પ્રકારના શાસકો ચાલાવી લેનારા અને કાઠિયાવાડી શબ્દ વાપરું તો રોડવી લેનારા હોય છે. તેમનામાં આવડત અને ઈરાદો એમ બન્ને ચીજનો અભાવ હોય છે. ગાડું ગબડાવો અને મુદ્દત પૂરી કરો. તેમને વ્યવસ્થાની અને વ્યવસ્થાએ પેદા કરેલા સ્થાપિત હિતોની તાકાતની જાણ હોય છે અને તેને હાથ લગાડવાની હિંમત હોતી નથી. આવા શાસકોની સંખ્યા મોટી હોય છે અને તે આવતા જ રહેતા હોય છે. જેમનું કર્તુત્વ ન હોય એની કીર્તિ પણ ન હોય, એટલે એવા શાસકો વિષે લખવાનું વિશેષ બનતું નથી.

અને એક ત્રીજા પ્રકારના શાસકો પણ હોય છે જે પ્રસ્થાપિત વ્યવસ્થાએ પેદા કરેલી ગંદકી અને વ્યવસ્થાએ પેદા કરેલા અણિયાળા ખીલા જેવા પ્રશ્નો કાર્પેટ હેઠળ ધકેલે છે અને કાર્પેટની ઉપર આંખ અંજાઈ જાય એવું ભવ્ય રાચરચીલું ગોઠવે છે. આવા શાસકો પણ વચ્ચે વચ્ચે આવતા રહેતા હોય છે જેનો અનુભવ આજે આપણે કરી રહ્યા છીએ. ચારે બાજુ ભવ્યતાના અંબાર રચો અને ઉકરડાને ભૂલી જાવ. ભવ્યતાનો એવો ગોકીરો કરો કે કોઈ ઉકરડા તરફ ધ્યાન દોરે તો તેનો અવાજ જ લોકો સુધી ન પહોંચે. પણ તેઓ એ વાત ભૂલી જાય છે કે કાર્પેટની નીચે જે ગંદકી છે એ હજુ વધુ કોહવાઈને સડવાની છે, હજુ વધુ એકઠી થવાની છે, હજુ વધુ ગંધાવાની છે અને એક દિવસ બહાર આવવાની છે. એવું જ અણિયાળા ખીલા જેવા વણઉકલ્યા પ્રશ્નોનું. જ્યાં સુધી તેનો નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી તેનાથી મુક્તિ મળવાની નથી, પછી ભલે ગમે એટલા તમાશા કરવામાં આવે.

બંગાળમાં થયેલો રેલવે અકસ્માત આનું પ્રમાણ છે. રેલવે સ્ટેશનોએ દસ ફૂટ લાંબો ધ્વજ લહેરાવો, રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવા સુશોભિત કરો, મોટી બ્રેન્ડના સ્ટોર્સ અને કેફેટેરિયા બનાવો, એરપોર્ટમાં લાઉન્જ હોય એવાં પ્રતીક્ષાલય બનાવો, વડા પ્રધાન સાથે સેલ્ફી લઈ શકાય એવા સેલ્ફી પોઈન્ટ બનાવો, મોંધા ભાવની ટિકિટવાળી અને અંદર ખાનેથી ખાનગી એવી વન્દે ભારત અને તેજસ જેવી ટ્રેન ચલાવો, ટ્રેનના ડબ્બામાં ફાઈવસ્ટાર જેવી સુવિધા આપો એટલે લોકોને એમ લાગવા માંડશે કે જૂની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે અને નવું ભારત અસ્તિત્વમાં આવી ગયું છે. પણ એવા લોકો એટલે કોણ? બોલકા લોકો જે ઉધારી કરીને પણ ઘી પીવામાં માને છે અને બીજા માટેના વૈભવને પોતાના માટેનો માનીને મનોમન સુખનો  અનુભવ કરે છે. મધ્યમવર્ગનો આ સ્વભાવ છે. એ ખંખેરાતો હોય અને છતાં ગેલમાં હોય. એ જેની સાથે હોવો જોઈએ તેની સાથે ક્યારે ય ઊભો નહીં રહે, જે ખંખેરે છે તેને સાથ આપશે. તે નર્યા દેખાવને વાસ્તવિકતા માનશે અને બેગાની શાદી મેં અબ્દુલા દીવાનાની જેમ નાચવામાં અગ્રેસર હશે.

અત્યારના આપણા ત્રીજા પ્રકારના શાસકોએ વિકાસ અને પરિવર્તનનાં નામે સોંદર્યપ્રસાધન કર્યું છે, પણ સોંદર્યપ્રસાધન સાચા ચહેરાને સદૈવ ઢાંકી નથી શકતું. ભારતનું રેલવે નેટવર્ક કેવડું મોટું છે અને તેમાં ગેંગમેન, સિગ્નલમેનથી લઈને ઉપર સુધી કેટલી કડીઓ જોડાયેલી હોય છે એનો કોઈ અંદાજ છે? ફાઈવસ્ટાર સ્ટેશનોએથી પસાર થતી અને પશ્ચિમના દેશોમાં જોવા મળે છે એવી હાઈફાઈ વન્દે ભારત કે તેજસ ટ્રેન સ્વયંસુરક્ષિત નથી. રેલવે તંત્રની જે વ્યવસ્થા છે, જે કડીઓ છે એ તેને સુરક્ષા આપે છે અને એમાં કેટલીક ખામીઓ છે. કોઈ પણ તંત્રમાં કામ કરતા માનવીની આવડત, માનવીની દક્ષતા અને ટેકનોલોજી એમ ત્રણેયનું મિલન થાય ત્યારે એ તંત્ર વ્યવસ્થિત કામ કરે છે. પણ એ માટે જે તે તંત્ર પર નજર રાખવી પડે અને તેમાં સમયે સમયે સુધારા કરવા પડે. આ બધાં નજરે ન પડે એવાં અને વાહવાહી ન મળે એવાં ઝીણાં કામ છે અને ત્રીજા પ્રકારના શાસકોને એવાં કામમાં રસ હોતો નથી.

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં બે મોટા રેલવે અકસ્માત થઈ ચૂક્યા છે અને ત્રીજી મુદ્દતની શરૂઆત જ અકસ્માતથી થઈ છે. દરેક વખતે જાણકારોએ કહ્યું છે કે નીચેથી તંત્રમાં સુધારા કરવાની જરૂર છે. માણસોની ભરતી કરવાની જરૂર છે અને ટેકનોલોજી તેમ જ ટ્રેનીંગની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું છે કે વન્દે ભારત જેવી ઝડપથી દોડનારી ટ્રેન માટે ઝડપને સહન કરી શકે એવા સ્પીડ ટ્રેકની જરૂર છે. સ્પીડ કોરીડોરની જરૂર છે કે જેથી સામાન્ય ટ્રેનોને ચલાવનાર તંત્ર પર વજન ન આવે.

પણ તંત્ર ખમી શકે કે ન ખમી શકે, દેખાવ જરૂરી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જૂન 2024

Loading

શંકર બની જા

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|19 June 2024

ઝેર કોઠે પાડવા શંકર બની જા,

દર્દની જડ જાણવા સાકર બની જા.

આભલું વરવો ચહેરો ઓળખે છે,

રૂપને નિખારવા ચંદર બની જા.

આગલા જન્મે નવો અવતાર લેજે

આ જનમ સુધારવા બંજર બની જા.

ના સમજ કિસ્મતને તું દોષ ના દે,

કર્મને પડકારવા ખંજર બની જા.

અકડું જગ સામે બહુરુપી બની જા,

મિષ્ટ વાણી બોલવા જંતર બની જા.

e.mail : addave68@gmail.com

Loading

જે ‘પક્ષ’ કટોકટી સાથે હતો અને જે ‘ઘટક’ કટોકટી સામે હતો એ બંનેની ભૂમિકા કેવી રીતે બદલાઈ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 June 2024

પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી સિદ્ધાર્થ શંકર રેએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઇન્દિરાજીને આપ્યો હતો

પ્રકાશ ન. શાહ

1975ની 12મી જૂને અમે જ્યારે જનતા મોરચાનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા (મોરચાનો પ્રયોગ સ્વરાજની કાઁગ્રેસની એક નવી આવૃત્તિની દિશામાં હતો) અને 1974ની 5મી જૂને જે.પી. ઘોષિત સંપૂર્ણ ક્રાંતિ દિવસ લગીનું અંતર કાપવું રહે છે એમ મનોમન ઘોડા દોડાવતા હતા ત્યારે અમદાવાદ-અલાહાબાદના બેવડા ફટકે સ્તબ્ધ નવી દિલ્હી, અલબત્ત ઇન્દિરાઈસ્તો, શું વિચારતી હશે?

દેખીતો તો જવાબ સરળ છે કે એ 25-26 જૂનના કટોકટી રાજની દિશામાં વિચારતી હશે. દેવકાન્ત બરુઆ ત્યારે કાઁગ્રેસ પ્રમુખ હતા અને આજે જેમ સત્તા પક્ષે એક વ્યક્તિના સર્વસમીકૃત સ્તુતિ ગાનનો ચાલ છે તે બરુઆ ત્યારે ‘ઇન્દિરા ઈઝ ઇન્ડિયા’ના આરતી ગાનમાં આકાશે ચઢ્યા હતા. સહકલાકારોની ખોટ જેમ આજે નથી, ત્યારે પણ નહોતી.

જનતા મોરચાએ કિમલોપ સાથે સમાધાનની રાહે સત્તાનાં સૂત્રો સ્વીકારવાનું ગોઠવ્યું ત્યારે જેમ સાથીઓ પૈકી કેટલાકને સત્તાનું સીધું આકર્ષણ હશે તેમ કેટલાકને ચોક્કસ સંજોગોમાં આ ઉતાવળની તાકીદ પણ વસેલી હશે. કારણ વાતાવરણમાં કશુંક વરવું સોડાતું ચોક્કસ જ હતું, જો કે પકડાતું નહોતું.

એ શું હશે, એવા સવાલનો જાથુકી જવાબ મારી કને નથી એમ નથી. કાઁગ્રેસના ભાગલા વખતે ભોગીલાલ ગાંધીએ ‘ઇન્દિરા કયે રસ્તે’ એ લેખમાળા વાટે ભાખ્યું જ હતું કે આ રસ્તે એકાધિકાર ઉર્ફે સરમુખત્યારશાહી આવે છે. જે વખતે, 1969-70માં ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર ઇન્દિરા ગાંધી કાઁગ્રેસ વાટે કશોક બ્રેક થ્રૂ કરી શકશે એવો સદ્દભાવી આશાવાદ સેવતા હતા ત્યારે ભોગીભાઈનું આ તારણ પર પહોંચવું અવશ્ય એક અસામાન્ય બીના હતી.

હમણાં ભોગીભાઈએ નિર્દેશેલ સંભાવનાની જિકર કરી. પણ નવનિર્માણોત્તર દિવસોમાં વાસ્તવમાં દિલ્હી છેડે શું બની રહ્યું હશે એનો અંદાજે હિસાબ 1977ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરાઈ પરાસ્ત થઈ અને જનતા રાજ્યારોહણ સંભવ્યું તે પછી કટોકટી બાબતે રચાયેલ શાહ તપાસ પંચના હેવાલ પરથી મળી રહે છે. આ હેવાલ બોલે છે કે 1975ની 12મી જૂને (જનતા મોરચાના જશન દિવસે) દિલ્હીના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર ઇન્દિરાજીના સીધા સંપર્કમાં રહી પકડવા લાયક આસામીઓની યાદી તૈયાર કરવામાં રોકાયેલા હતા.

આનો અર્થ એ થયો કે 25મી જૂને જયપ્રકાશના સંભવિત એલાનને પરિણામે વડા પ્રધાનને જાહેર શાંતિ પર ભય ઝળુંબતો દેખાયો અને એમણે કટોકટી ઝીંકી એ એક બહાનું હતું. વસ્તુત: એનાયે પહેલાંથી એટલે કે 12મી જૂને પણ તૈયારી ચાલતી હતી. પણ વાત માત્ર આટલી જ નથી. જે બધી વિગતો બહાર આવી છે તે પ્રમાણે 1975ની 8મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી સિદ્ધાર્થ શંકર રેએ બાંગ્લાદેશ વખતથી જારી બાહ્ય કટોકટી ઉપરાંત કલમ 352ની રૂએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઇન્દિરાજીને આપ્યો હતો. આગળ ચાલતાં 25મી જૂને કેબિનેટને બાજુએ રાખીને સિદ્ધાર્થ શંકર રેને લઈને વડા પ્રધાન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અહમદને મળવા ગયા ત્યારે પણ જરૂરી મુસદ્દો રેનો જ હતો. બે મોટા સ્વરાજ લડવૈયાઓ, મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ, એકનાં પૌત્રીએ ને બીજાના દૌહિત્રે આમ પ્રજાસત્તાકને રાણીસત્તાકમાં ફેરવવાની યોજના ઘડી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એમનાં સંસ્મરણોમાં આ ઘટનાક્રમનું વર્ણન કરતાં સચોટ કહ્યું છે કે બંધારણની પરિઘિમાં રહીને સઘળાં લોકશાહી સ્વાતંત્ર્યોને કેવી રીતે પડતાં મેલાય એનો આ નમૂનો હતો.

હમણાં જ આપણે રાષ્ટ્રીય ચૂંટણીના દોરમાંથી પસાર થયા. પરિણામની પ્રક્રિયા કંઈક આંચકામાંથી પસાર થઈ અને દસ વરસના કાર્યકાળમાં લોકશાહી સ્વાતંત્ર્યોની અનવસ્થા વિશે પણ ઘણી વિગતો સામે આવી. જે પક્ષ કટોકટીની સાથે હતો અને જનતા આંદોલનનો જે ઘટક કટોકટીની સામે હતો, એ બેઉની ભૂમિકા આજે કેમ જાણે બદલાઈ ગઈ ન હોય! વસ્તુત: ક્યારેક બિનકાઁગ્રેસવાદનું લોજિક હોઈ શકતું હતું તેમ આજે બિનભા.જ.પ.વાદનુંયે લોજિક હોઈ શકે છે તે સૌને સમું પકડાતું નથી.

ગમે તેમ પણ, વાતનો બંધ વાળવામાં છું ત્યારે આલ્બર્ટો મોરાવિયાની એક મર્મવેધી વાર્તા સાંભરે છે – એના પરથી ફિલ્મ પણ ઉતરેલી, ‘ટુ વીમેન.’ વિશ્વયુદ્ધનો માહોલ છે. જર્મન લશ્કર ઘમરોળી રહ્યું છે. મા-દીકરી ચર્ચમાં આશરો લે છે. પણ ‘લશ્કરી’ તરેહ ને તાસીર જેનું નામ, એનાથી એ બચી શકે શાનાં. વળતી સવારે મા જ્યારે દીકરીને બાથમાં લઈ ડુમાતે ડૂસકે હૂંફે છે ને એના વાળ સંવારે છે ત્યારે દીકરી નાની નથી રહી, રાતોરાત મોટી થઈ ગઈ છે. કહ્યું ને, મા-દીકરી નહીં પણ ‘ટુ વીમેન.’

એક પછી એક દોર, એક પછી એક ચૂંટણી નાગરિકને જાણે ‘પુખ્ત’ બનાવે છે. આવો અકેકો અવસર જેમ અતીતને તેમ વર્તમાનને પણ મૂલવવાની અને ભાવિમાં ઝાંખવાની હામ ને સૂઝ સંપડાવે છે … હાસ્તો, આખરે તો, ‘તેઓ’ આવે ને જાય, પણ આપણી નોકરી ચાલુ રહે એ કંઈ જેવી તેવી વાત તો નથી, ભાઈ!

વિધાતાનું વરદાન – નિ:સંશય વરદાન.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 જૂન 2024

Loading

...102030...666667668669...680690700...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved