Opinion Magazine
Number of visits: 9665734
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણ જીવવા માટેનો ગ્રન્થ છે, પૂજવા માટેનો નથી.

રમેશ ઓઝા|Opinion - Opinion|21 June 2024

રમેશ ઓઝા

પડ્યા લખણ જલદી છૂટતા નથી. લોકસભાના નવા ચૂંટાયેલા એન.ડી.એ.ના સભ્યોએ નરેન્દ્ર મોદીની વડા પ્રધાનના પદ માટે પસંદગી કરી એ પછી તેમણે ભારતનાં બંધારણની મોટામાં મોટી ઉપલબ્ધ પ્રત માથે ચડાવી હતી. રાહુલ ગાંધી બંધારણની પોકેટ સાઈઝ પ્રત લઈને પ્રચાર કરતા હતા અને તેણે નરેન્દ્ર મોદીને બહુ નુકસાન પહોંચાડ્યું હતું. કેમેરામાં મોટી પ્રત વધારે નજરે પડે એવો વિચાર રાહુલ ગાંધીને નહોતો આવ્યો, કારણ કે રાહુલ કેમેરાજીવી નથી. આ સિવાય નરેન્દ્ર મોદી રાજઘાટ ગાંધીજીની સમાધી પર ગયા હતા અને બાપુને પગે લાગીને આશીર્વાદ માગ્યા હતા. અને એન.ડી.એ. સરકારની પહેલી કેબિનેટ મિટિંગની તસ્વીર જોઈ? એમાં પણ વડા પ્રધાનની પાછળ ગાંધીજીનું મોટું ચિત્ર નજરે પડતું હતું અથવા નજરે પડે એમ રાખવામાં આવ્યું હતું.

પહેલી વાત તો એ કે બંધારણ કોઈ પવિત્ર ધાર્મિક ગ્રન્થ નથી કે તેને પગે લાગવાથી કે માથે ચડાવવાથી જિંદગીનો ઉદ્ધાર થઈ જાય. બંધારણ ભારતની પ્રજાએ બસો વરસ દરમ્યાન વિકસાવેલા અને સ્વીકારેલા જીવનદર્શનનો દસ્તાવેજ છે. ભારતની નિયતિ સાથેનો એક પવિત્ર કરાર છે. અમે આમ જીવીશું અને આમ નહીં જીવીએ. અમે આ અપનાવશું અને આ છોડશું, પછી ભલે એ અમારા ધર્મનો કે પરંપરાનો હિસ્સો હોય. આખું બંધારણ વાંચવાની જરૂર નથી, બંધારણના પ્રારંભમાં જ જે આમુખ (વી ધ પીપલ ઓફ ઇન્ડિયા…) આપવામાં આવ્યું છે એ વાંચી જાઓ. પાંચ પંક્તિના અમુખ ઘડવા માટે બંધારણ ઘડનારાઓએ અંદાજે પાંચ દિવસ ચર્ચા કરી હતી અને આમુખ ઉપર જ અનેક પુસ્તકો લખાયાં છે. મારી દૃષ્ટિએ બંધારણનું મૂલ્ય પવિત્ર ધાર્મિક ગ્રન્થ કરતાં પણ વધુ છે, કારણ કે એ જીવવા માટેનો, અનુસરવા માટેનો ગ્રન્થ છે. પણ આપણા લાડલા વડા પ્રધાન માટે દરેક ચીજ ફોટા માટેની પ્રોપર્ટીઝ છે.

બંધારણ માટે ચડાવતી વખતે યાદ નહોતું કે આગલી લોકસભાના ૧૪૧ સભ્યોને એક કે બીજા બહાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા? બોલનારા અને પ્રશ્નો પૂછનારાઓને એક એક કરીને દૂર કરવામાં આવ્યા હતા કે જેથી કોઈ વિરોધ કરનાર ન બચે. ૧૪૧ કોઈ નાની સંખ્યા છે? બંધારણ માથે ચડાવતી વખતે એ યાદ નહોતું આવ્યું કે તેમના કાર્યકાળની લોકસભા સંસદના ઇતિહાસમાં સૌથી ઓછો વખત મળી છે અને તેમાં સૌથી ઓછી ચર્ચા થઈ છે? બંધારણ માથે ચડાવતી વખતે એ યાદ ન આવ્યું કે પાછલે બારણેથી ઈલેક્ટોરલ બોન્ડ્ઝ દાખલ કર્યા હતા એ ભારતનાં લોકતંત્રનાં પ્રાણ હરનાર હતા? એટલે તો સર્વોચ્ચ અદાલતે તેને ગેરબંધારણીય જાહેર કરીને રદ્દ કર્યા છે. બંધારણને માથે ચડાવતી વખતે એ યાદ ન આવ્યું કે ચૂંટણીપંચની નિયુક્તિમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિનો પણ મત લેવો જોઈએ? આવા તો બીજા ઓછામાં ઓછા સો પ્રસંગ હું એક શ્વાસે ટાંકી શકું એમ છું. બંધારણને માથે ચડાવવાથી બંધારણનિષ્ઠ નથી થવાતું, બંધારણના નિર્દેશ મુજબ અને તેણે બતાવેલી મર્યાદામાં જીવવાથી બંધારણનિષ્ઠ બની શકાય. માટે આ જીવવા માટેનો ગ્રન્થ છે, પૂજવા માટેનો નથી.

એવું જ ગાંધીજીનું. ચૂંટણીનાં પરિણામ આવ્યાં એના અઠવાડિયા પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૯૮૨માં રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ નહોતી આવી ત્યાં સુધી ગાંધીજીને દુનિયામાં કોઈ જાણતું નહોતું અને એની મને પીડા થાય છે. વિન્સ્ટન ચર્ચીલે ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યના સૌથી મોટા દુ:શ્મન તરીકે ઓળખાવ્યા હતા, કોઈ “વીર” માટે આવું નહોતું કહ્યું. આનું કારણ એ હતું કે ગાંધીજીએ જગતના ઇતિહાસમાં પહેલી વાર શક્તિની નવી વ્યાખ્યા કરી અને એ સાબિત પણ કરી આપી. સામ્રાજ્યની તમામ તાકાત અદના માનવીની આંતરિક તાકાત સામે ઓછી પડે, જો તેની પાસે સત્ય આધારિત માગણી હોય, અહિંસા હોય અને લડવાનું ધૈર્ય હોય. ભારતના ખેડૂતોએ ભૂ પીવડાવ્યું એ કોણે આપેલી તાકાત હતી? વધારે પ્રમાણ આપવાની જરૂર નથી, ગોળમેજ પરિષદ વખતે લંડનમાં ગાંધીજી જે મકાનમાં રહેતા હતા ત્યાં નીચે આખો દિવસ કેટલા લોકો તેમના દર્શન માટે જમા થતા હતા એની તસ્વીરો જોઈ જાવ. લોકો સામ્રાજ્યના દુ:શ્મનના દર્શન કરવા અથવા કુતૂહલથી પ્રેરાઈને જોવા આવતા હતા.

જી-૨૦ નો જે તાયફો યોજવામાં આવ્યો હતો એ યાદ હશે. એ તાયફો જગતના તમામ નેતાઓના ખભા પર ચડીને આસમાન આંબવા માટેનો અવસર હતો એટલે વિદેશી નેતાઓના કાર્યક્રમમાં ગાંધીજીની સમાધી પર લઈ જવાની વ્યવસ્થા નહોતી રાખવામાં આવી. પણ તેમને ગાંધીજીની સમાધી પર લઈ જવા પડ્યા કારણ કે મહેમાનોને જવું હતું. શું થાય! સાથે જવું પડ્યું અને બાપુની મહાનતા વિષે બોલવું પણ પડ્યું. આવરણોથી જે ન ઢંકાય એ મહામાનવ કારણ કે તે સ્વયંપ્રકાશિત હોય છે અને સ્વયંપ્રકાશિત માણસને કોઈની પેટ્રોમેક્સની જરૂર પડતી નથી. ગાંધીજી મહાન હતા એટલે એટનબરોએ ફિલ્મ બનાવી, મહાન બનાવવા માટે ફિલ્મ નહોતી બનાવી જે રીતે આજે બનાવવામાં આવી રહી છે. અને એ પછી પણ બિચારા બે પગે ઊભા નથી રહી શકતા.

નરેન્દ્ર મોદીએ બંધારણનિષ્ઠા અને ગાંધીનિષ્ઠા બતાવવાની (શબ્દ પર ધ્યાન આપવામાં આવે, બતાવવાની) જરૂર નથી એનું હજુ એક કારણ છે અને એ વધારે મોટું છે. હિંદુ કોમવાદીઓ અને જેમની બુદ્ધિ પગની પાણીએ છે એવા ભક્તો માટે નરેન્દ્ર મોદી હીરો છે અને રહેશે. તેમની સંખ્યામાં હવે કોઈ વધારોઘટાડો થવાનો નથી. બીજી બાજુ જેઓ વિરોધ કરે છે એ આવી તસ્વીરો જોઇને પાછા આવે અને ટેકો આપતા થાય એ પણ શક્ય નથી. એમાં પણ કોઈ મોટો વધારોઘટાડો થાય એ શક્ય નથી. દેશમાં તેમણે પોતે ઊભી તિરાડ પાડી છે અને દેશની પ્રજાને ટેકો આપનારી અને વિરોધ કરનારી એમ બે ભાગમાં વહેંચી દીધી છે.

હા, આમ છતાં ય નાગરિકોનો એવો એક વર્ગ છે જે હિન્દુત્વ કે સેકયુલરિઝમના નામે વહેંચાયેલો નથી, પણ તો પછી તેને જોઈએ છે શું? તેને કઈ રીતે જીતી શકાય? જવાબ છે, પ્રામાણિક શાસન દ્વારા. લોકોની વેદના સાંભળવા જેટલા કાન સંવેદનશીલ કરીને. બાદશાહે હિન્દ બનીને નહીં, લોકોની વચ્ચે રહીને. મર્યાદાઓનું પાલન કરીને. માણસાઈ અને સંસ્કાર જાળવી રાખીને. લોકોને ખાતરી કરાવવી જોઈએ કે સરકાર શ્રીમંતો માટેની સરકાર નથી લોકો માટેની સરકાર છે. સત્યનો સામી છાતીએ સામનો કરીને, પ્રશ્નોથી ભાગીને નહીં. આ જ તો છે શાસનધર્મ. આટલું કરશો તો જે જતા રહ્યા છે એ પાછા આવશે. જે વિરોધી છે એ કદાચ પુનર્વિચાર પણ કરે.

બીજું આવા કેમેરા સામેના ખેલ હવે ઉઘાડા પડી ગયા છે. અબખે પડી ગયા છે. અર્થશાસ્ત્રમાં આને ડિમીનિશીંગ માર્જીન કહે છે. એક સર્વોચ્ચ બિંદુએ પહોંચ્યા પછી એ પરિણામ આપતું અટકી જાય અને પછી તેમાં ઘટાડો થવા લાગે. પહેલો પેંડો મીઠો લાગે, પાંચમો પેંડો પરાણે ખાવો પડે અને દસમો ઝેર જેવો થઈ જાય. મર્યાદામાં જીવતા, પ્રજાવત્સલ પ્રામાણિક શાસક તરીકે પોતાને સાબિત કરવાનો અવસર મળ્યો છે તો તેનો તેમણે લાભ લેવો જોઈએ. નહીં તો પેંડાએ સ્વાદ તો ગુમાવી જ દીધો છે, તેને ઝેર બનતા વાર નહીં લાગે.

Loading

સ્વથી સર્વસ્વ તરફ – 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2024

રવીન્દ્ર પારેખ

જન્મ આપવાનું કામ પ્રાણીઓમાં માદાને અને મનુષ્યોમાં નારીને ભાગે આવ્યું, એટલે સંતાન સાથે સીધું અને પહેલું જોડાવાનું પ્રાણીઓમાં માદાને અને મનુષ્યોમાં સ્ત્રીને આવ્યું. ઉછેરની જવાબદારી પણ મનુષ્યોમાં સ્ત્રીને ભાગે આવી, એટલે બાળકનાં ઘડતરનું શ્રેય પણ સ્ત્રીને જ આપવાનું થાય. મા જન્મ પહેલાંથી બાળક સાથે જોડાય છે ને પિતા તે પછી જોડાય છે, પણ બાળક પર પ્રભાવ પિતાનો વધુ પડે છે. પિતાનું જોઈને બાળક શીખે છે. તે જુએ છે કે આર્થિક પાસું પિતા પાસે ને અન્ય જવાબદારીઓ માતા પાસે છે. તે એ પણ જુએ છે કે માતા પણ પિતાના પ્રભાવ હેઠળ છે, એટલે પિતાની અસરો તે વધુ ઝીલે છે. માતા બાળકીને પોતાનાં જેવી ઘડવા મથે છે, તો પિતા પુત્રને પોતાના જેવો બનાવવા મથે છે, એને લીધે સમય જતાં દીકરીમાં સ્ત્રીત્વ અને દીકરામાં પુરુષત્વનાં લક્ષણો પ્રગટ થવાં લાગે છે. દીકરીમાં કે દીકરામાં રહેલો ફરક શરૂઆતમાં પ્રગટતો નથી, પણ જેમ જેમ ઉછેર થાય છે તેમ તેમ એ ભેદ આંખે ઊડીને વળગે એમ સ્પષ્ટ થતો આવે છે.

સંતાન જેમ જેમ મોટું થાય છે, તેમ તેમ તે માબાપની ટેવ-કુટેવ પણ જાણે છે, સમજે છે ને તેની નકલ કરવા પણ મથે છે. માતા સાડી પહેરે છે, તો દીકરી પણ સાડી પહેરવા મથે છે. મા રસોઈ કરે છે તો તેનું જોઈને દીકરી પણ રસોઈ શીખે છે. માતાને અન્ય કોઈ આવડત હોય કે કોઈ કળા હસ્તગત હોય તો દીકરી પણ તેવું કરવા મથે છે ને જેમ જ્ઞાન કે શિક્ષણ વધે છે, તેમ તે તેની રીતે આગળ વધે છે.

એવું જ દીકરો પિતા પાસેથી શીખીને તેના જેવું કરવા મથે છે, પણ દીકરાને માટે મૂંઝવણ એ છે કે તે જાણી શકતો નથી કે પિતા ખરેખર કરે છે, શું? પિતા નોકરીએ કે ધંધે જાય છે, ત્યારે તે ઘરે હોતા નથી ને દીકરો ઘણા બધા કલાક ઘરમાં હોય કે સ્કૂલ-કોલેજમાં હોય તો તેનું પિતાને ઘરમાં મળવાનું ઓછું જ બને છે. વારુ, જેટલો સમય પિતા બહાર હોય તેટલો સમય પિતાની નોકરી કે ધંધાની કામગીરીની જાણ પુત્રને લગભગ હોતી નથી. માતા પણ નોકરી કે વ્યવસાય કરતી હોય તો દીકરી કે દીકરો, બંને તેની કામગીરીથી લગભગ અજાણ હોય છે. એ સિવાય માતા ઘરમાં હોય તો દીકરી તેની ઘરકામની જવાબદારીઓથી પણ પરિચિત થાય છે, એવો પરિચય પિતાની, ઘરની કે બહારની જવાબદારીઓનો સંતાનોને ખાસ થતો નથી. ઘરમાં સંતાનો જે જુએ છે તે માતા કે પિતાની ટેવો-કુટેવો. પિતા ચાની કે દારૂની ટેવ ધરાવતા હોય, માતા જોડે ઝઘડતા હોય, માતા પર હાથ ઉપાડતા હોય, તો સંતાનો તે જુએ છે, સમજે છે ને શીખે છે. એની સારી-ખરાબ અસરોથી સંતાનો મુક્ત રહી શકતાં નથી. પિતાનું જોઈને દીકરો વ્યસની થઈ શકે છે કે પિતાને માતા પર હાથ ઉપાડતા જોઇને દીકરી એ સ્વીકારતી થાય છે કે પતિ હોય તે પત્ની પર હાથ પણ ઉપાડે ને એ રીતે તેની માનસિકતા ઘડાતી હોય છે.

પોતાનું સંતાન પોતાની નબળાઈઓનો ભોગ બને એવું તો કોઈ માબાપ ન ઈચ્છે, પણ એને માટે પૂરતી કાળજી માબાપે લેવાની રહે. આમ તો એનો એક ઉપાય એ છે કે માબાપે સંતાનોની હાજરીમાં પોતાની નબળાઈઓ પ્રગટ ન થાય તેની કાળજી રાખવી. પિતા દીકરાની હાજરીમાં શરાબ પીતો હોય તો, તે પિતાની ગેરહાજરીમાં શરાબ પીવાની કોશિશ કર્યા વગર ભાગ્યે જ રહેશે. એવું જ માતાની કોઈ કુટેવ દીકરી ન જ અપનાવે એવું માની શકાય નહીં. એટલે એ કાળજી માબાપે લેવાની રહે કે પોતાની કુટેવનો ભોગ સંતાનો ન બને. એ ઉપરાંત પણ માબાપે એ કાળજી લેવાની રહે કે પોતાનું સંતાન લાગણીહીન કે સંવેદનહીન ન બને. એ તો જ શક્ય છે કે માબાપ સંવેદન સભર હોય, લાગણીશીલ હોય. માબાપ નિષ્ઠુર હશે તો સંતાન પણ નિર્દય કે નિષ્ઠુર થયા વગર ભાગ્યે જ રહેશે. બાળક સંવેદનહીન હશે ને સ્માર્ટ પણ હશે, તો તેની પ્રવૃત્તિઓ ગુનાહિત થવાની તકો વધે છે. વધારે સારું તો એ છે કે માબાપ, બાળક સંવેદનશીલ બને એ દિશામાં ગંભીર પ્રયત્નો કરે. બાળકને ગુનાહિત બનતું માબાપ જુએ તો મનોવૈજ્ઞાનિકને ત્યાં લઈ જતાં પહેલાં એક વાર પોતાની વર્તણૂક જરૂર ચેક કરે, બને કે કારણ અને ઉપાય ઘરમાંથી જ મળી રહે.

માબાપ જો સંવેદનશીલ ન હોય તો સંતાનો સંવેદનશીલ બને એવી આશા રાખી ન શકાય. માબાપ કોઈ સાથે ભળતાં ન હોય, ઘરમાં પણ એકલાં રહેવાનું પસંદ કરતાં હોય, તો બાળક પણ અતડું ને અંતર્મુખ બનશે. તે ભાગ્યે જ કોઈમાં ભળશે કે કોઈ સાથે કમ્યુનિકેટ કરશે. તે સમૂહમાં નહીં ભળે, બલકે તેને એકલાં રહેવું વધુ ફાવશે. તે કોઇની તકલીફમાં પણ મદદ નહીં કરી શકે, કારણ આજુબાજુનાં વાતાવરણમાં તેને ભાગ્યે જ રસ પડશે. આવું એટલે બને છે કે માબાપે સંતાનો સંવેદનશીલ બને એ દિશામાં લગભગ વિચાર્યું જ નથી હોતું. માબાપ સંવેદનશીલ નથી એટલે બાળક સંવેદનહીન બનતું હોય છે. બને છે એવું કે બાળક અન્યોની લાગણી તો નથી જ સમજી શકતું, પણ તે પોતાને પણ સમજી નથી શકતું. પરિવારમાં હોવા છતાં, પરિવાર વિષે કે તેની લાગણી વિષે, સંતાનોમાં, તેવી સમજ વિકસે એવું બન્યું જ ઓછું હોય છે.

બાળક ખીલતું, ખિલખિલાતું રહે એ દરેક માબાપે જોવાનું રહે છે. માબાપ જેટલું વર્ચસ્વ ઊભું કરશે, ધાક જમાવશે, તો સંતાન એટલું કરમાશે. તેનો અર્થ એવો પણ નથી કે બાળકને છૂટો દોર આપી દેવો. મુદ્દો એટલો જ છે કે બાળક મૂંઝાય નહીં તેનું ધ્યાન માબાપ રાખે. કોઈ પણ વાત સંતાન અચકાયા વગર માબાપને કરી શકે એટલી મોકળાશ સંતાન પાસે હોવી જોઈએ. બાળક એવું ત્યારે કરી શકે, જો માબાપ સંતાનને આવકારતાં હોય. માબાપ વચ્ચે મનમેળ છે, મોકળાશ છે, એવું સંતાનને લાગશે, તો બાળક પણ નિર્ભય થઈને માબાપ પાસે પોતાની વાત મૂકશે. માબાપે બાળકને ચીજ વસ્તુઓ આપીને જ રહી જવાનું નથી, તેમણે બને એટલાં ‘પોતાને’, બાળકોને આપવાના છે, મતલબ કે બને એટલો સમય માબાપે સંતાનો સાથે ગાળવાનો છે. બાળક માટે માબાપ કોઈ પણ પળે તત્પર હોય એ જરૂરી છે, તે ત્યાં સુધી કે બાળક કૈં ખોટું કરીને આવે તો પણ તેની વાત ખુલ્લાં મને કરી શકે તેવી મોકળાશ પરિવારે તેને આપી હોય.

કમભાગ્યે એવું ઓછું જ બને છે. કોઈ ભૂલ થતાં પિતા મોટે ભાગે તો બાળકને ઠપકારે કે ફટકારે જ છે. ક્યારેક ગાળો દે છે. કોઈનો કાળ કોઈના પર નીકળતો હોય એવું પણ બને છે. ખીજ પત્ની પર કાઢવી હોય કે ચીડ પતિ પર હોય, ત્યારે બાળક હાથમાં આવી જતું હોય છે ને વગર વાંકે ટીપાઈ જતું હોય છે. એનું પરિણામ એ આવે છે કે સંતાન સંકોચાઈને રહે છે. વાત કહેતાં અટકે છે. એકલું મૂંઝાતું હોય છે ને વ્યક્ત થવાના ખરા ખોટા માર્ગ અપનાવતું રહે છે. પરિણામે, તે કદીક અંતર્મુખ કે સંવેદનહીન પણ બને છે. આગળ જતાં આ સંવેદનહીનતા, નિષ્ઠુરતા કે નિર્દયતામાં પરિણમે છે. સંતાન વ્યક્ત થતાં અટકે છે અથવા અભિવ્યક્તિના અમાનવીય માર્ગો અપનાવે છે.

માનવીમાં અભિવ્યક્તિની ઊણપ, એ પોતાને કે અન્ય માટે ક્યારેક વધુ હિંસક કે ઘાતક પરિણામો આપે છે. મંદિરોમાં કે કોઈ કળા પ્રદર્શનીમાં મૂર્તિઓ જોઈએ છીએ, તો તેની મુદ્રાઓ અને ભાવોને જોઈને આપણે અભિભૂત થઈએ છીએ, આનંદિત થઈએ છીએ ને શિલ્પકારની પ્રશંસા કરીએ છીએ, સાથે એ પણ જાણીએ છીએ કે શિલ્પ કે મૂર્તિ, એ ધાતુ, આરસ કે માટી કે રેતી જ છે. આવી નિર્જીવ ધાતુ કે માટી જો આટલા ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ કરી શકતી હોય, તો આપણે તો મનુષ્યો છીએ, આપણે કેવી રીતે ભાવ કે સંવેદનહીન થઈ શકીએ? આપણે સ્વ છીએ, સ્વ. નથી. જે કેવળ સ્વમાં કેન્દ્રિત છે, તે સ્વર્ગસ્થ જ છે. જે સ્વમાં છે તેણે સર્વસ્વ થવાનું છે ને સર્વના થવાનું છે. સ્વથી સર્વ સુધી જે વિસ્તરે છે તે જ સર્વસ્વનો અનુભવ કરી શકે છે ને કરાવી શકે છે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 16 જૂન 2024

Loading

પહેલા દલિત ક્રિકેટરનું જીવન અને સંઘર્ષ ફિલ્મી પડદે અવતરશે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 June 2024

ચંદુ મહેરિયા

રમત અને રમતવીરો વિશે ડઝનબંધ ફિલ્મો બની છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક બની છે. પરંતુ લગભગ દોઢસો વરસ પહેલાં, ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જન્મેલા અને  સિત્તેરેક વરસો પૂર્વે અવસાન પામેલા દેશના પહેલા દલિત ક્રિકેટરની બાયોપિક બની રહ્યાનું જાણીએ તો કેવા ભાવ જન્મે? જાણીતા દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા ૨૦૧૭થી ભારતના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ વિશે ફિલ્મ બનાવવા પ્રયત્નશીલ છે. આખરે તેમને અજય દેવગણ અને પ્રીતિ સિંહાનો નિર્માણ સહયોગ પ્રાપ્ત થયો છે. એટલે આ વરસના અંત સુધીમાં ફિલ્માંકન શરૂ થશે.

બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. ક્રિકેટ જ્યારે રાજા-મહારાજાઓ, અમીરો અને કુલીન વર્ગની રમત હતી, નાતજાતના ભેદ બહુ તીવ્ર હતા ત્યારે એક ગરીબ – દલિતનો તેમાં પ્રવેશ જ અસંભવ જેવો હતો. એ સંજોગોમાં તેનું ક્રિકેટ-સ્ટાર બનવું, દેશ-વિદેશમાં છવાઈ જવું અને આભડછેટ પાળતા લોકોને તેમની ગરજે પોતાને ટીમમાં સામેલ કરવા મજબૂર કરવા – આ સઘળી હકીકતો ભારે રોમાંચક છે. પી. બાલુની બાયોપિક જેના પર આધારિત છે તે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની કિતાબ A Corner of foreign field : The Indian history of a British sportમાં બાલુનું ક્રિકેટર કેરિયર અને તે માટેનો સંઘર્ષ આલેખાયો છે.

ઓગણીસમી માર્ચ ૧૮૭૬ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીના ધારવાડમાં બાલુનો જન્મ. જો કે મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું પલવાની. ગામના નામ પરથી તેમની અટક પલવંકર કે પાલવણકર. મહારાષ્ટ્રના ઘણા દલિતોની જેમ બાલુના પિતા પણ બ્રિટિશ સેનામાં હતા. પુણેની આર્મ્ડ ફેકટરીમાં તે કામદાર હતા. એટલે બાલુ ત્યાંની સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તેમને ત્રણ ભાઈઓ હતા : શિવરામ, ગણપત અને વિઠ્ઠલ. પિતાએ ઘરની નબળી આર્થિક સ્થિતિને લીધે મોટા દીકરા બાલુને સત્તરમા વરસે ભણવાનું છોડાવી કામે વળગાળ્યા.

બાલુ બાબાજી પાલવણકર

માસિક ચાર રૂપિયાના પગારે પૂણેની ઇંગ્લિશ ક્રિકેટ કલબ પૂના જિમખાનામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમનું કામ મેદાનની દેખભાળ, પિચ રોલ કરવી અને નેટ્સ લગાવવાનું હતું. છેક કિશોરાવસ્થાથી બાલુને બેટ-બોલની રમતનું ઘેલું હતું. મેદાનની બહાર બેઠાબેઠા સૈન્ય અફસરોને તેઓ ક્રિકેટ રમતા જોયા કરતા. ક્યારેક તેમનો બોલ લાવી આપતા. તે જે નકામા બેટ-બોલ ફેંકી દેતા તે લઈ લેતા અને ઘરે ભાઈઓ સાથે રમતા. એટલે ગ્રાઉન્ડમેન તરીકે તેમનો પ્રવેશ મેદાન પર થયો ત્યારે તો તે દોડીને બોલ લઈ આવતા. એક દિવસ નેટ પ્રેકટિસ કરતા એક જાણીતા પ્લેયરે બાલુને બોલિંગ કરવા કીધું. તેમણે પેલાના છક્કા છોડાવી નાંખતી બોલિંગ કરી અને એ જ દિવસથી તે મેદાન પર અને મેદાનની બહાર છવાઈ ગયા.

હિંદુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન એમ ચાર ધર્મ આધારિત ટીમો (એ જમાનામાં આ સહજ હતું) વચ્ચે મુંબઈમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી. ડેક્કન જિમખાના નામક હિંદુ ટીમમાં બધા કથિત ઉચ્ચ વર્ણના ખેલાડીઓ હતા. પરંતુ પૂનાની ધોળિયાઓની ટીમને હરાવવા તેમને બાલુ જેવા બોલરની જરૂર હતી. એટલે કેટલાક વિરોધ છતાં કથિત અસ્પૃશ્ય બાલુને ટીમમાં સામેલ કર્યા. ૧૯૦૫થી દોઢેક દાયકો તેઓ ઘરેલુ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યા હતા.

પતિયાળા નરેશની આગેવાનીમાં ભારતના ચાર ધર્મોની મિશ્ર ટીમ ૧૯૧૧માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીમ તો ખાસ કંઈ ઉકાળી ના શકી, પરંતુ બાલુની કેરિયરમાં તે બહુ યાદગાર રહ્યો. ચૌદમાંથી બે જ મેચ ઓલ ઇન્ડિયન ટીમ જીતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર બાલુએ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ૧૮.૮૬ રનની સરેરાશથી ૧૧૪ વિકેટો લીધી હતી. ઇંગ્લિશ બેટસ્મેનોને બાલુની બોલિંગ બહુ ભારે પડી હતી. એટલે વિદેશી ક્રિકેટ સમીક્ષકોએ તેમના ભરપૂર વખાણ કર્યાં હતા.

જે બાલુ ક્રિકેટના મેદાનમાં હીરો હતા તે જન્મે દલિત અને એટલે અછૂત હોવાથી ટીમના સાથીઓની ઉપેક્ષા અને ભેદભાવનો સતત વેઠતા હતા. એમને જુદા ટેબલ પર જમવા બેસાડવામાં આવતા. ચા પણ ડિસ્પોઝેબલ કપમાં બધાથી અલગ પીવી પડતી. કોઈ સાથી ખેલાડી તેમની સાથે વાતચીત કરતો નહીં પછી ઉઠકબેઠક કે આત્મીયતાની વાત જ શાની ? પોતાનાં વાસણ એમણે જાતે સાફ કરવાં પડતા. મેદાન પર બાલુએ સ્પર્શ કરેલા દડાને બધા અડતા પણ મેદાનમાં કે અન્યત્ર તેમને માટે પાણી લાવનાર તેમનો જ્ઞાતિભાઈ હોય તેની કાળજી લેવાતી હતી. અનેક સિદ્ધિઓ અને લાયકાત છતાં એકમાત્ર દલિત હોવાના કારણે બાલુને કદી કેપ્ટન બનાવવામાં આવ્યા નહીં.

જેમ ક્રિકેટમાં તેમ રાજનીતિમાં પણ બાલુએ પોતાનું સ્થાન બનાવ્યું હતુ. હોમરુલ જેવી આઝાદીની ચળવળમાં તે જોડાયા હતા. કાઁગ્રેસના તેઓ સમર્થક જ નહીં સભ્ય પણ હતા. મુંબઈની મહાનગરપાલિકાના તે સભ્ય બન્યા હતા. બાલુ કરતાં ઉંમરમાં પંદરેક વરસ નાના ડો. આંબેડકર બાલુને દલિત સમાજનો હીરો માનતા હતા. ઇંગ્લેન્ડમાં સફળ બોલર તરીકેની સિદ્ધિ મેળવી પરત આવેલા બાલુનું દલિતોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું. રોહિદાસ વિદ્યાવર્ધક સમાજ તરફથી બાલુના સન્માનનો જે કાર્યક્રમ થયો તેમાં બાલુનું સન્માનપત્ર યુવાન આંબેડકરે લખ્યું હતું. કદાચ તે તેમના જાહેરજીવનનો આરંભ હતો.

ડો. આંબેડકરના આ હીરો જાહેરપ્રવૃતિઓમાં તેમનાથી અલગ રહ્યા. ૧૯૩૨ના પૂના કરાર વખતે તેઓ ગાંધીજી અને કાઁગ્રેસની તરફેણમાં અને ડો. આંબેડકરની વિરુદ્ધમાં હતા. તેઓ બાબાસાહેબની અલગ મતાધિકારની માંગણીને બદલે અનામતની તરફેણમાં હતા. પૂના કરાર પર તેમની સહી પણ છે. એટલું જ નહીં ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં આંબેડકર સામે મધ્ય મુંબઈ મત વિસ્તારમાંથી કાઁગ્રેસના ઉમેદવાર પી. બાલુ હતા. જો કે આ ચૂંટણીમાં બાબાસાહેબ સામે બાલુ હારી ગયા હતા. ડો. આંબેડકર અને પી. બાલુની પેટાજ્ઞાતિઓ અલગ હોવાથી દલિતોના પેટા જ્ઞાતિવાદને વટાવવા અને વકરાવવા કાઁગ્રેસે બાલુને ઉમેદવાર બનાવ્યા હતા. તત્કાલીન રાજકીય વિશ્લેષકોએ તેનું શ્રેય સરદાર પટેલને આપ્યું હતું.

૭૯ વરસની વયે ચોથી જુલાઈ ૧૯૫૫ના રોજ મુંબઈમાં બાલુનું અવસાન થયું ત્યારે તેઓ ઠીકઠીક ભૂલાઈ ગયા હતા. પોતાની પ્રતિભા અને લાયકાતના જોરે આઝાદી પહેલાંની હિંદુ ક્રિકેટ ટીમમાં બાલુ અને તેમના ચાર ભાઈઓ સામેલ થયેલ હતા. પણ આજની વાસ્તવિકતા જુદી છે. ભારતના આશરે ૫૦૦ ક્રિકેટરોમાં ગણીને પાંચ જ દલિતો છે. ૨૦ કરોડની વસ્તીનું માંડ એક ટકો જ પ્રતિનિધિત્વ છે. ક્રિકેટ અને તેના વહીવટમાંથી દલિતોની બાદબાકી કડવું સત્ય છે. આવતા વરસના માર્ચથી પી. બાલુની સાર્ધ શતાબ્દી આરંભાશે. ગુમનામી અને ઉપેક્ષાના શિકાર દલિત નાયક બાલુને દોઢસોમા જન્મ વરસે તેમની બાયોપિક્થી વધુ સારી અંજલિ કઈ હોઈ શકે?

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...664665666667...670680690...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved