Opinion Magazine
Number of visits: 9741388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 July 2024

ચંદુ મહેરિયા

પ્રવાસ, પર્યટન અને યાત્રા માનવજીવનનું અભિન્ન અંગ છે. કદાચ એટલે જ જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે કહીએ છીએ. ભારત દેશી-વિદેશી પ્રવાસીઓને ભરપૂર આકર્ષી શકે એટલી વિવિધતા ધરાવે છે. હિમાલયનો મોટો હિસ્સો ભારતમાં છે. ઘણી વિશાળ નદીઓ છે તો વિશાળ સમુદ્ર તટ છે. વિવિધતાથી ભરેલો રણ પ્રદેશ છે. પ્રાચીન સભ્યતા ધરાવતા આપણા દેશમાં કેટકેટલાં ઐતિહાસિક સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહરના ઘણાં બધાં સ્થાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે. નહેરુ જેને આઝાદ ભારતના નવાં તીર્થ સ્થળો કહેતા એવા વિશાળકાય બંધો અને ઉત્પાદન કેન્દ્રો છે. રંગબેરંગી વિવિધતાઓમાં કંઈક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થાનો, નદીઓ, ઝરણાં, પર્વતો, સંગીત, સંસ્કૃતિ, ખાનપાન, હસ્તકળા અને એવું કંઈક છે. વન્ય જીવન છે તો પહાડી અને મેદાની પ્રદેશો છે. તાજમહેલ અને કશ્મીર પછી હવે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમાનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર, ભગતસિંઘનાં જન્મ અને સ્મારક સ્થળો છે, તો ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન અને જૂની-નવી નાલંદા વિશ્વ વિદ્યાલય છે. અનેક બૌદ્ધ તથા જૈન સ્મારકો છે. બિનસાંપ્રદાયિક દેશમાં તમામ ધર્મોના મહત્ત્વનાં અને કેટલાંક વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે. ટૂંકમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ સમૃદ્ધિ ધરાવે છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઘોષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં વિશ્વના ધનવાન દેશો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવાસનમાં શીર્ષ સ્થાન ધરાવતા દુનિયાના દેશો જાપાન, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપુર છે. અનોખાં પ્રવાસન સ્થળો અને પ્રવાસીઓ માટે બહેતર સુવિધાઓનાં કારણે આ અમીર દેશો સૂચકાંકમાં મોખરે છે. ૨૦૨૪ના યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકની ૧૧૯ દેશોની સૂચિમાં ભારત ૩૯મા ક્રમે છે. કોરોના મહામારી પૂર્વે ૨૦૧૯માં તેનું સ્થાન ૫૪મું હતું. કોરોના પછી ટુરિઝમ ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરી પ્રથમ ચાળીસમાં સ્થાન મેળવ્યું છે, તે નોંધનીય છે.

પ્રવાસન પ્રત્યેનું એકંદર સરકારી વલણ કમાઉ પણ ઓરમાન દીકરાનું છે. જો કે હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. એ દૃષ્ટિએ ભારતમાં ટુરિઝમના વિકાસની યાત્રા જોવા જેવી છે. સ્વતંત્રતા પહેલા ૧૯૪૫માં પ્રવાસનના વિકાસ માટેનો પહેલો સંગઠિત અને સચેત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓમાં પણ તેને સ્થાન મળ્યું. ૧૯૬૬માં ઇન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી અને તેને પ્રવાસન સ્થળોએ પાયાની સગવડો ઊભી કરવાનું કામ સોંપાયું. રોજગારીનું સર્જન, આવકનો સ્રોત, વિદેશી મુદ્રા આવકની રીતે વિચારીને ૧૯૮૦ના દસકમાં પ્રવાસનને એક ઉદ્યોગના રૂપમાં ગતિ મળી. પ્રવાસન બંધારણની સમવર્તી સૂચિનો વિષય હોઈ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને સ્પર્શે છે, પરંતુ કેન્દ્રીય ધોરણે પહેલી પ્રવાસન નીતિ ૧૯૮૨માં ધડવામાં આવી હતી. વિદેશોમાં ભારતને ગૌરવશાળી અને સમૃદ્ધ અતીત ધરાવતા દેશ તરીકે સ્થાપિત કરી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૨થી ૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં પ્રવાસનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અંગેની યોજના ઘડાઈ હતી. ૨૦૦૨ની નેશનલ ટુરિઝમ પોલિસીમાં પ્રવાસનને આર્થિક વિકાસના ચાલક બળ તરીકે જોવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ જ વરસે અતુલ્ય ભારત અભિયાન હેઠળ વિશ્વમાં ભારતના પ્રવાસનનો પ્રચાર કરવામાં આવ્યો.

જો વીસમી સદીમાં પ્રવાસન વૈશ્વિક ઉદ્યોગ તરીકે સ્થાપિત થયું હતું તો એકવીસમી સદીમાં તેમાં ગતિ આવી છે. વિદેશી પર્યટકોને આકર્ષવા માટે દુનિયાના દેશોમાં રીતસરની હરીફાઈ ચાલે છે. વન્ય જીવન માટે પ્રખ્યાત કેન્યાએ આ વરસથી આખી દુનિયાના પ્રવાસીઓને વીસામાંથી મુક્તિ આપી છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકાએ ભારતીય પ્રવાસીઓને વીસા લેવામાંથી મુક્તિ આપી છે. જાપાને પણ પ્રવાસીઓ માટે વીસાની પ્રક્રિયા સરળ બનાવી છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે અપાર શક્યતાઓ રહેલી છે. હવે છેલ્લા એક દાયકાથી સરકારે પ્રવાસનના વિકાસને પ્રાથમિકતા આપી છે.

દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટું યોગદાન છે. ભારતના જી.ડી.પી.માં તેનો હિસ્સો ૬.૨૩ ટકા છે. તો કુલ રોજગારમાંથી ૬.૭૮ ટકા રોજગાર પ્રવાસનથી ઊભા થાય છે. ૨૦૨૧માં ટુરિઝમથી ૩૨ મિલિયન રોજગાર પેદા થયા હતા. ભારતના પ્રવાસન ઉદ્યોગથી આઠ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજી મળે છે. ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક પ્રવાસો મોટા પાયે થાય છે. એટલે ધાર્મિક સ્થળોને પ્રવાસ ધામ તરીકે વિકસાવવાને પ્રાથમિકતા મળી છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. જો કે સરકારનું લક્ષ્ય શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ પ્રવાસનનો વિકાસ કરવાનો છે.

ભારતના લોકો વિદેશ પ્રવાસ કરીને અન્ય દેશોને જે આવક રળી આપે છે તેટલી આવક ભારતને  વિદેશીઓના ભારત પ્રવાસથી થતી નથી. દુનિયાના કુલ વિદેશી પ્રવાસીઓના માંડ બે ટકા જ ભારતમાં આવે છે. ૨૦૨૨માં ૨ કરોડ ભારતીયોએ વિદેશોના પ્રવાસો કર્યા હતા તેની તુલનાએ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પંચાસી લાખ જ હતા. ૨૦૨૨-૨૩માં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે આશરે ૧૩ અબજ ડોલર અને ૨૦૨૩-૨૪માં ૧૭ અબજ ડોલર ખર્ચ્યા હતા. ભારતને વિદેશી પ્રવાસીઓથી થયેલી આવક કરતાં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે ખર્ચેલાં નાણાં અનેક ગણાં વધારે છે.

ગરીબી નાબૂદી અને વંચિતોના વિકાસની દૃષ્ટિએ પણ પ્રવાસનના વિકાસનો વિચાર થવો જોઈએ. ઓછા ખર્ચનું રોકાણ અને વધુ નાણાં રળી આપતા પ્રવાસન તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ખેંચાયું છે અને તેના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. એક ગીતમાં કહેવાયું છે તેમ પાવલી લઈને પાવાગઢ જનારા ધાર્મિક યાત્રીઓ આપણે ત્યાં ઓછા નથી. રણુંજા, ચોટીલા, અંબાજી, ડાકોર નિયમિત જનારા પ્રવાસીઓ આપણી હાલની ટુરિઝમ પોલીસીમાં ક્યાં છે તેવો સવાલ રહે છે.

પ્રવાસન ક્ષેત્રે સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. પરંતુ હજુ ઘણું કરવાનું શેષ છે. પૈસાવાળાઓની સાથે જ સાધારણ પ્રવાસીઓને પણ પોસાય તેવી સગવડો પ્રવાસન સ્થળોએ ઊભી થવી જોઈએ. પ્રવાસન સ્થળો ગંદા-ગોબરા ના હોય તેમ તે અતિ ભીડભાડથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પ્રવાસન સ્થળોએ મ્યુઝિયમ્સ અને સંગ્રહાલયોને યોગ્ય રીતે અને વ્યવસાયી ધોરણે સ્થાપવાની જરૂર જરા ય ઓછી નથી. નિવાસ અને ભોજનની સગવડના અભાવે પ્રવાસીઓ આવતા બંધ ના થાય એટલે પ્રવાસીઓની રસરુચિનું ભોજન તથા આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત નિવાસની પૂરતી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. ગુણવતાપૂર્ણ ભોજન અને નિવાસને પ્રવાસીઓને આકર્ષવાની ગુરુ ચાવી ગણવી જોઈએ. ખાનગી અને જાહેર પરિવહન પ્રવાસનના વિકાસની પ્રાથમિક શરત હોઈ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે પ્રવાસન સ્થળને જોડવા પડશે. એ જ રીતે ઘણાં પ્રવાસન સ્થળો પર ઋતુઓની અસર થાય છે અને વિપરિત ઋતુમાં પ્રવાસીઓ ઘટે છે તે  અડચણ દૂર કરવાની જરૂર છે.

વર્તમાન દાયકાના અંતે ભારત ટુરિઝમ ઈકોનોમીને દૃઢ કરી વિદેશી પ્રવાસીઓ પાસેથી ૫૬ અબજ ડોલર અને આઝાદીના શતાબ્દી વરસે ૨૦૪૭માં ૧ લાખ કરોડ ડોલર મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેને સાકાર કરવા અનેક દિશાએથી પ્રયાસો કરવા પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’

ગૌરાંગ જાની|Gandhiana|18 July 2024

પુસ્તક :  ‘અ’ અહિંસાનો ‘અ’—જીવનશિક્ષણની આનંદપોથી

પ્રકાશક : સાબરમતી ગાંધી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (SAPMT) તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) • પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદન : કેતન રૂપેરા • પ્રકલ્પ-નિયામક અને પરામર્શન : અતુલ પંડ્યા • સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ (સચિત્ર) : 2024, સાઇઝ : 6.7” x 9.4” • ISBN : 978-93-84233-93-8 •  પૃષ્ઠ 72 • ₹ 250

-.-.-.-

અખબારનાં પાનાં ખોલો કે ટી.વી.ના ફટાફટ સમાચાર જુઓ, હિંસાના અનેક બનાવો આપણી નજર પાસેથી પસાર થઈ જાય છે. ઉત્તરોતર એમાં વધારો થતો જ રહે છે. વળી, છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વ યુદ્ધોથી ઘેરાયેલું છે. તેમાં હજારો બાળકોએ જીવ ગુમાવ્યાં છે. હિંસા આપણને જાણે કોઠે પડી ગઈ છે. ધર્મો વચ્ચેનું વૈમનસ્ય પણ એક હિંસા છે. આપણા પરિવારો તેમાંથી મુક્ત નથી. ભારતમાં ઘરેલુ હિંસાને નિયંત્રિત કરવા પણ કાનૂન બનાવવો પડ્યો. નૅશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પ્રતિવર્ષ આંકડા જોઈ જુઓ તો સમજાશે કે શું આપણે એ જ દેશમાં રહીએ છીએ જ્યાંથી વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ્‌’નું સૂત્ર મળ્યું! હિંસાથી ઘેરાયેલો સમાજ તેનાં બાળકોનું બાળપણ છીનવી લે છે. બાળકો પણ આ બધું જુએ છે, અનુભવે છે.

આવતીકાલના નાગરિકોનો ઉછેર જો હિંસાની વચ્ચે થાય તો ભવિષ્ય કેવું હશે?! આ સમસ્યા અને પીડાનો ઉત્તર વિશ્વના તમામ ધર્મોએ આપ્યો છે. ‘અહિંસા પરમો ધર્મ’નું સદીઓ પુરાણું વૈશ્વિક મૂલ્ય વીસમી સદીમાં મહાત્મા ગાંધીએ તેમના વિચાર અને આચાર દ્વારા સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો અને વિશ્વએ તેને અપનાવ્યો પણ ખરો.

ગાંધીજી ‘કેળવણી’નો એક અર્થ ‘ખીલવણી’ પણ કરતા. હિંસા અને યુદ્ધગ્રસ્ત કુટુંબથી લઈને સમાજના ધૂંધળા દેખાતા ભવિષ્યના આ સંજોગોમાં હિંસામુક્ત સમાજની રચના અર્થે બાળકોની ખીલવણીના ગાળામાં જ કક્કાવારીનો પ્રથમ અક્ષર ‘અ’ અહિંસાનો હોય તો? આ વિચારનું બીજ ગાંધી આશ્રમ-અમદાવાદમાં રોપાયું અને પછી તેમાંથી સર્જાઈ‌ ‘અ અહિંસાનો અ— જીવન શિક્ષણની આનંદપોથી’. ધોરણ ૬થી ૮માં ભણતાં બાળકોમાં રમતાં રમતાં અહિંસાનાં ગુણો કેળવાય એ માટેની પ્રવૃત્તિ પુસ્તિકા. રમતના આનંદ સાથે અહિંસાની તાલીમ આપતી ૭૨ પૃષ્ઠની આ આનંદપોથી તૈયાર કરી છે ગુજરાતની બે અગ્રગણ્ય સંસ્થાઓએ—સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT) અને સેન્ટર ફોર ઍન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE).

બાળકોને  જીવનશિક્ષણ આપતી પોથી કેવી રીતે તૈયાર થઈ તેની પૃષ્ઠભૂમિ સમજીએ. ‘બા-બાપુ ૧૫૦’નાં વર્ષ, ૨૦૧૯માં સાબરમતી આશ્રમ અને સી.ઈ.ઈ. દ્વારા અહિંસાની કેળવણી /Learning Non- Violence કાર્યક્રમ શરૂ થયો. તેનું વિચારબીજ રોપ્યું હતું ગુજરાતના ત્રણ અગ્રણીઓ પીયૂષ દેસાઈ, કાર્તિકેય સારાભાઈ અને ત્રિદીપ સુહૃદે. પુસ્તિકા-નિર્માણ અને કાર્યક્રમ-અમલીકરણમાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાતની અનેક સંસ્થાઓનો સહયોગ મળતો રહ્યો. ગુજરાતની વિવિધ 16 શૈક્ષણિક સંસ્થાઓ અને એના થકી કુલ 300 શાળાના વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ અમલી રહ્યો. કાર્યક્રમ સંસ્થાઓ અને તેનાં શિક્ષકો તરફથી એટલો આવકાર ને પ્રશંસા પામ્યો કે પ્રવૃત્તિ-પુસ્તિકાની બીજી આવૃત્તિ પણ તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પહેલી આવૃત્તિ(2021)માં પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદનની જવાબદારી સંભાળનાર ગાંધીવિચાર-આચારના અભ્યાસી કેતન રૂપેરાનો બીજી આવૃત્તિ(2024)ની સજાવટમાં પણ કસબ રહ્યો છે. સમગ્ર પ્રકલ્પના નિયામક અને પરામર્શક અતુલ પંડ્યા પ્રસ્તાવનામાં જણાવે છે, “પરિવર્તનની પહેલ પોતાના થકી કરવાની શ્રદ્ધા સાથે આ પુસ્તિકાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે હિંસા – અહિંસાના પ્રત્યક્ષ – પરોક્ષ પ્રકારની સમજણ સાથે રમતાં રમતાં જ બાળકોમાં અહિંસાનું આચરણ દૃઢ થાય એ આનંદપોથીનો ઉદ્દેશ છે.”

પુસ્તિકામાં કુલ 24 પ્રવૃત્તિઓ છે. દરેક પ્રવૃતિના આરંભે તેનો ઉદ્દેશ, પ્રવૃત્તિ ક્યાં કરવી એ સ્થળ, પ્રવૃત્તિમાં જોડી શકાય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે જૂથનું કદ, પ્રવૃત્તિનો સમયગાળો, જરૂરી સામગ્રી અને આ પ્રવૃત્તિ દ્વારા કયું કૌશલ્ય કેળવાય છે, તે વિશે શરૂઆતમાં સમજ આપવામાં આવી છે. ઉદાહરણ રૂપે જોઈએ તો ‘હિંસાને ઓળખીએ’ પ્રવૃત્તિ શા માટે કરાવવામાં આવી છે તેની સમજ, હિંસાના સ્વરૂપ અને પ્રકારો, પ્રવૃત્તિ અને અંતે ચર્ચા એમ તબક્કાવાર રજૂઆત કરવામાં આવી છે.

હિંસા અનેક રીતે અને અનેક પ્રકારે બાળકો સામે આવે છે. પોતાના ધર્મ કે જ્ઞાતિ કે પ્રદેશ ને કેન્દ્રમાં રાખી મોટેરાઓ માન્યતાઓ અને જડ વલણ ધરાવે અને તેમાંથી શાબ્દિક હિંસાથી શરૂ કરી હુલ્લડો સુધી હિંસા ફેલાય છે. આ વાતાવરણમાં બાળકોને સમજ આપવા ‘તમે પણ સાચા હોઇ શકો’ એવી પ્રવૃત્તિમાં હાથી અને અંધ વ્યક્તિઓનું જાણીતું ઉદાહરણ બાળકો સમક્ષ રજૂ કરી સદ્દભાવના વિકસાવવાનો હેતુ આ પુસ્તિકામાં છે. પૂર્વગ્રહ પણ હિંસા તરફ લઈ જાય છે. આ સ્થિતિમાં પૂર્વગ્રહો કેવી રીતે જન્મે અને તેના શા પરિણામ આવે તેની સમજણ કેળવવા બાળકોને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. વર્ગખંડ અને તેની બહાર પણ વિવિધ પ્રવૃતિઓ થઈ શકે અને તે માટે પેન્સિલ, કાગળ, છાપાં, કાતર જેવી શાળામાં હાથવગી વસ્તુઓ જ જરૂરી છે તે તમામ પ્રવૃત્તિમાં દર્શાવાયું છે.

આ પુસ્તકની બે મહત્ત્વની વિશેષતા છે: પ્રથમ છે તમામ પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એમનામાં અહિંસાના ગુણો કેળવવાના છે એવી કોઈ જ આગોતરી વાતો કર્યા વગર કરવાની છે.  બીજી વિશેષતા એ છે કે તેમાં બાળકો સાથે જ પ્રશ્નો અને વાર્તાલાપ કરીને એમની પાસેથી જ તેના ઉત્તર મેળવવામાં આવ્યા છે, આમ સમસ્યાના ઉકેલ માટે સામૂહિક ડહાપણ તેનું માધ્યમ બને, સમૂહભાવના આપ મેળે કેળવાય એવી રીત અપનાવવામાં આવી છે.

સમજણની રીતે આ 24 પ્રવૃત્તિઓને આઠ આઠના ત્રણ વિભાગ—જાત વિશે, સમાજ અને પર્યાવરણ વિશે તથા જાતને યોગ્ય દિશામાં દોરી જવા વિશે—માં વહેંચવામાં આવી છે. પ્રવૃતિઓમાંની કેટલીક આ પ્રમાણે છે.

·       મારી કલ્પનાનું વિશ્વ

·       માન્યતા કે મૂલ્ય?

·       હકીકત કે મંતવ્ય?

·       પૂર્વગ્રહ 

·       હિંસા શું છે 

·       વિવિધતામાં એકતા 

·       તમે પણ સાચા હોઈ શકો

·       ટાઇમ પ્લીઝ 

·       ઝઘડાનો ઉકેલ

·       મારી કલ્પનાનું વિશ્વ – મારી જવાબદારી, મારી પહેલ

સી.ઈ.ઈ.ના કાર્યકરો દ્વારા જમીની સ્તરે અમલી આ કાર્યક્રમના પ્રારંભે એફ.ડી. હાઇસ્કૂલ-અમદાવાદ, કુમકુમ વિદ્યાલય-અમદાવાદ, સી એન વિદ્યાલય-અમદાવાદ, સંત કબીર સ્કૂલ-અમદાવાદ, અરવિંદ ફાઉન્ડેશન-અમદાવાદ, ગ્રામશિલ્પી (શંખેશ્વર અને જંબુસર), દીનબંધુ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, પેઢામલી (વિજાપુર), નિયો રાજકોટ ફાઉન્ડેશન-રાજકોટ, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ-સણોસરા, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ખોબા (ધરમપુર), શારદા ટ્રસ્ટ-અમદાવાદ, શૈશવ-ભાવનગર, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ-સાયલા, શ્રી વિવેકાનંદ રિસર્ચ અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ-માંડવી (કચ્છ), સર્વાંગી વિકાસ ટ્રસ્ટ-કરૂઠા અને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, અમદાવાદ વગરે 16 સંસ્થાઓ જોડાઈ હતી, એ પણ આવા નવીન પ્રયોગમાં આ સંસ્થાઓનો વિશ્વાસ સૂચવે છે.

ભારતની નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં “સારા વ્યક્તિત્વને વિકસાવવાનો છે કે જેઓ તર્કસંગત વિચાર અને કાર્ય કરવામાં સક્ષમ હોય, તેમનામાં કરુણા અને સહાનૂભુતિ હોય, સાહસિક અને અડગ હોય, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક કલ્પનાશક્તિ હોય, નૈતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠા હોય અને આ સર્વે મૂલ્યો તેમના વ્યક્તિત્વના પાયામાં હોય. આનો ઉદ્દેશ્ય એવા કર્મઠ લોકોને તૈયાર કરવાનો છે કે જેઓ આપણા બંધારણ દ્વારા સૂચિત સમાવેશી અને વૈવિધ્યસભર સમાજના નિર્માણમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી શકે.” આ બાબતનો પણ પ્રકાશકીયમાં નિર્દેશ છે. ગાંધીમાર્ગના જીવનશિક્ષણની આ આનંદપોથી તે ઉદ્દેશ પરિપૂર્ણ કરશે એવું તત્ત્વ એમાં અનુભવાઈ રહ્યું છે.

Email : gaurang_jani@hotmail.com

-.-.-.-

(સાભાર સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જુલાઈ 2024)

Loading

એક દુજે કે લિયે : કેવી રીતે સુપરફ્લોપમાંથી બચીને સુપરહિટ થઇ ગઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2024

રાજ ગોસ્વામી

તમિલ સુપરસ્ટાર કમલ હાસનની સિનેમાઈ કારકિર્દી પર ‘કમલ હાસન : અ સિનેમેટિક જર્ની’ નામનું એક નવું અને રસપ્રદ પુસ્તક પ્રકટ થયું છે. કે. હરિહરન નામના લેખકે તેમાં કમલ હાસનની બાળપણની ભૂમિકાઓથી લઈને બ્લોકબસ્ટર ફિલ્મો સુધીની તેમની અભિનય યાત્રાએ કેવી રીતે તમિલ અને અન્ય ભાષી સિનેમાની પ્રગતિમાં યોગદાન આપ્યું છે તેનું ગહન વિવરણ આપ્યું છે.

હિન્દી સિનેમાના દર્શકો કમલને તેમની પહેલી ફિલ્મ ‘એક દુજે કે લિયે’થી ઓળખે છે. આ ફિલ્મ 1981ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તેણે તે વર્ષે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી રાતોરાત હિન્દી ફિલ્મ ચાહકોમાં લોકપ્રિય થઇ ગયાં હતાં. ફિલ્મને શ્રેષ્ઠ ગીતકાર (આનંદ બક્ષી), શ્રેષ્ઠ પટકથા (કે. બાલાચંદર) અને શ્રેષ્ઠ એડિટિંગ(એન.આર. કીત્તુ)નો ફિલ્મફેર અને એસ.પી. બાલાસુબ્રમણ્યમ્‌ને (તેરે મેરે બીચ મેં માટે) શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરષ્કાર મળ્યો હતો.

‘એક દુજે કે લિયે’ આજે પણ હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મ આમ તો એક સાદી પ્રેમ કહાની હતી, પરંતુ નિર્દેશક કે. બાલાચંદરે તેમાં શેક્સપિયરીય નાટક રોમિયો એન્ડ જુલિયેટની ટ્રેજેડી અને ઉત્તર ભારત – દક્ષિણ ભારતના ભાષાકીય વિભાજન અને વિવાદને ઉમેરીને ફિલ્મને તમામ લોકો જુવે તેવું સ્વરૂપ પ્રદાન કર્યું હતું.

ફિલ્મની ટ્રેજેડી એટલી અસરકારક હતી કે 80ના દાયકામાં ઘણાં પ્રેમી યુગલોએ આ ફિલ્મ જોઇને આત્મહત્યાઓ કરી હતી. આપણે તેના વિશે આ સ્થાનથી “વી આર મેડ ફોર ઈચ અધર સમજે?” નામના લેખમાં લખી ગયા છીએ. એટલે આ લેખ ફિલ્મની વાર્તા વિશે નથી, પરંતુ તેની રિલીઝ પાછળની વાર્તા વિશે છે.

લેખક કે. હરિહરને આ પુસ્તકમાં રસપ્રદ વાત લખી છે કે ‘એક દુજે કે લિયે’ હિન્દીમાં તૈયાર થઇ ગઈ પછી કોઈ વિતરક હાથ અડાડવા નહોતા. તેમને લાગતું હતું કે આ ફિલ્મ તમિલ અને હિન્દી ભાષાના સ્ફોટક ઝઘડા પર છે અને હિન્દી દર્શકો તેને જોવા માટે નહીં આવે. પછી કેવી રીતે ફિલ્મના નિર્માતા એલ.વી. પ્રસાદે ધક્કા ખાઈને, વિનંતીઓ કરીને ફિલ્મ રિલીઝ કરાવી અને કેવી રીતે તે માલામાલ થઇ ગયા તે જાણવું મજા પડે તેવું છે. તમે પણ વાંચો.

‘એક દુજે કી લિયે’ 1978માં આવેલી કે. બાલાચંદરની જ તેલુગુ ફિલ્મ ‘મારો ચારિત્ર્ય’ની હિન્દી રીમેક હતી. મૂળ ફિલ્મમાં કમલ હાસન, સરિતા અને માધવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં તમિલ છોકરા અને તેલુગુ છોકરીને રોમાન્સની વાર્તા હતી. ફિલ્મ દક્ષિણમાં જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.

તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મ નિર્માણમાં જેમનું નામ બહુ મોટું છે તેવા એલ.વી. પ્રસાદે આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માટે પૈસા રોક્યા હતા. પ્રસાદજીને વિશ્વાસ હતો કે હિન્દી દર્શકો આ ફિલ્મ પસંદ કરશે, તેમણે ચાર મહિનામાં ફિલ્મ તૈયાર કરાવી હતી.

ફિલ્મનું ટેકનિકલ કામ મદ્રાસમાં થયું હતું અને તેની તૈયાર પ્રિન્ટ મુંબઈ આવી એટલે પ્રસાદજી તેમના ઓળખીતા વિતરકો માટે એક શો યોજ્યો. વિતરકોનું કામ નિર્માતા પાસેથી ફિલ્મ ખરીદીને તેને અલગ અલગ શહેરોમાં રિલીઝ કરવાનું હોય છે. એટલે વિતરકોની અનુભવી આંખને સૌથી પહેલાં ખબર પડે કે કોઈ ફિલ્મ ચાલશે કે નહીં ચાલે.

પ્રસાદજીના ભાઈબંધ વિતરકોએ ‘એક દુજે કે લિયે’ જોઇને કહ્યું કે આનો તો ધબડકો થશે. આ ફિલ્મને કોઈ હાથ નહીં અડાડે. એક તો તમિલ ભાષી – હિન્દી ભાષી છોકરા-છોકરીના રોમાન્સનો વિષય જોખમી હતો અને ન તો કમલ હાસનને હિન્દી દર્શકો જાણતા હતા કે ન તો પંજાબી છોકરી રતિ અગ્નિહોત્રી જાણીતી હતી. પ્રસાદને એવું લાગતું નહોતું. તેમણે કમલ હાસનને મુંબઈ બોલાવ્યો અને કહ્યું કે ફિલ્મને પ્રમોટ કરવા માટે તારે મુંબઈના ફિલ્મ જગત સાથે પરિચય કેળવવો પડશે.

કમલને એક નાનકડી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તે સાંજે તે પ્રસાદજીની એક સીધી સાદી ઓફિસમાં ગયો. તેમની ઓફિસમાં નોકર પણ ન હતો. ચા-પાણી પીધા પછી, પ્રસાદજીએ એક ખૂણામાં ‘એક દુજે કે લિયે’નાં 14 રીલ્સનું બોક્સ બતાવીને કમલને કહ્યું કે તારે મને મદદ કરવી પડશે, મને તું આ ઊંચકીને લિફ્ટ સુધી મૂકી આપ. બુઝુર્ગ અને ગુરુ સમાન પ્રસાદજીને મદદ કરવા માટે કમલે 30 કિલોનું બોક્સ ત્રીજા માળેથી લિફ્ટ મારફતે નીચે લાવીને એમ્બેસેડર કારમાં મૂકી આપ્યું.

પ્રસાદજીએ દિલ્હીના એક વિતરક માટે ફિલ્મનો શો યોજ્યો હતો. તે અને કમલ પ્રિવ્યુ થિયેટર પર આવ્યા. પ્રસાદજીએ વિતરકે કમલનો પરિચય કરાવ્યો અને ફિલ્મ ચાલુ થઇ પછી તે ઊઠીને બહાર ગયા અને કમલને કહેતા ગયા કે ઇન્ટરવલમાં ‘શેઠ’ સેન્ડવિચ – ચા લાવી આપજે. કમલના આશ્ચર્ય વચ્ચે ફિલ્મની પાંચમી રીલ પછી શેઠ ઊંઘી ગયા!

આવી રીતે ચાર-પાંચ વિતરકોને મનાવાના નિષ્ફળ પ્રયાસ પછી નિરાશ કમલ મદ્રાસ ચાલ્યો ગયો. બીજી બાજુ, પ્રસાદજીએ હિન્દી ફિલ્મોના દિગ્ગજ વિતરક ગુલશન રાયની મદદ માંગી અને કહ્યું કે તમારી કંપની એકવાર ફિલ્મ રિલીઝ કરે તો સારું. 

એવું કહેવાય છે કે ફિલ્મમાં પ્રેમી યુગલ આત્મહત્યા કરે છે તે જોઇને વિતરકો ઘા ખાઈ ગયા હતા. હિન્દી ફિલ્મોનો અંત હંમેશાં ખાધું-પીધું ને મોજ કરવાનો હોય છે. નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે પણ પ્રસાદજીને ફિલ્મનો અંત બદલવા સલાહ આપી હતી. પ્રસાદજી એ માનવા તૈયાર નહોતા.

ગુલશન રાયને પણ એ જ વાંધો હતો. તેમણે કોઈ જ પબ્લિસિટી વગર ફિલ્મને એક જ થિયેટર, રોક્સીમાં રિલીઝ કરવા તૈયારી બતાવી. પ્રસાદજી પ્રતિભાવ જોવા માટે શનિ-રવિના દરેક શોમાં દર્શકો વચ્ચે બેઠા હતા. તેમણે જોયું કે દર્શકો રડતા રડતા બહાર આવતા હતા. 

પ્રસાદજીની એક શંકા દૂર થઇ ગઈ : ફીલિંગની કોઈ ભાષા નથી, હિન્દી ભાષી દર્શકોને પણ આ ટ્રેજેડી એટલી જ સ્પર્શી હતી જેટલી તમિલ દર્શકોને સ્પર્શી હતી. તેમનામાં હિમ્મત આવી. તેમણે તેમના મદ્રાસમાં તેમના દીકરા રમેશ પ્રસાદને તાબડતોબ ફોન કર્યો અને કહ્યું કે હવે પછીના શુક્રવાર સુધીમાં બીજી 40 પ્રિન્ટ આખા દેશમાં મોકલે. એલ.વી. પ્રસાદ હવે જાતે જ ફિલ્મનું વિતરણ કરવાના હતા.

તહેલકો મચી ગયો. જેણે આ ફિલ્મ જોઈ તેણે બીજા પાસે તેનાં મ્હોં ફાટ વખાણ કર્યા. વખાણ તો બનતાં જ હતાં. એક તો તેની વાર્તા જકડી રાખે તેવી હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષીએ જબરદસ્ત ગીતો રચ્યાં હતાં. કમલ હાસનનો નિર્દોષ અભિનય અને તેની અનોખી ડાન્સ સ્ટાઈલ અને રતિ અગ્નિહોત્રીની તાજગી દર્શકો માટે નવો જ અનુભવ હતો. 

ફિલ્મ સળંગ 50 સપ્તાહ સુધી ચાલી. મુંબઈના નોવેલ્ટી સિનેમામાં તેનું સેલિબ્રેશન હતું. કમલ તેમાં ભાગ લેવા ફરી મુંબઈ આવ્યો હતો. તે હવે સુપરસ્ટાર હતો. પ્રસાદજી સહજ રીતે જ કમલને નોવેલ્ટી સિનેમાની લોબીમાં કહ્યું હતું, “ફર્શ ચોખ્ખી અને ચમચમાટ છે, નહીં?” 

કમલને આશ્ચર્ય થયું, “હા, છે ને, પણ એમાં ખાસ શું છે?” 

પ્રસાદજીએ કહ્યું, “હું તારી જેમ 26 વર્ષનો હતો, ત્યારે અહીં નોકરી કરતો હતો અને રોજ ફર્શ વાળતો હતો. મને આનંદ છે કે હજુ પણ એ જ પરંપરા ચાલુ છે.”

થોડાં વર્ષો પછી, કમલ ચેન્નાઈમાં પ્રસાદ સ્ટુડિયોમાં એલ.વી. પ્રસાદને મળવા ગયો હતો. ત્યાં તેમણે 70 એમ.એમ.નો રેકોર્ડિગ અને મિક્ષિંગ તોતિંગ સ્ટુડિયો બાંધ્યો હતો. એશિયામાં એ પ્રકારનો તે પહેલો સ્ટુડીઓ હતો.

પ્રસાદજી સ્ટુડીઓ બતાવતાં કમલને કહ્યું હતું, “તું આ મોટો સ્ટુડિયો જુવે છે એ તારા અને બીજા લોકોના પ્રતાપે છે જેમણે એક દુજે કે લિયેમાં કામ કર્યું હતું. ફિલ્મ જગતને તો સફળ ફિલ્મ આપવાની મારી ક્ષમતામાં વિશ્વાસ નહોતો, પણ એ ફિલ્મની તમામ કમાણી મેં આ સ્ટુડિયો પાછળ ખર્ચી નાખીને તેમના માટે જ એક નવી સુવિધા ઊભી કરી છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 17 જુલાઈ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...660661662663...670680690...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved