Opinion Magazine
Number of visits: 9741656
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (15)

દીપક મહેતા|Opinion - Opinion|21 July 2024

૧૫

જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના૧૮૬૭-૭૦ના અંક ૯મા ફાર્બસની બીજી એક કૃતિ પણ છપાયેલી જોવા મળે છે (પા. ૨૦થી ૧૦૦). અલબત્ત, ભૂત નિબંધની જેમ આ પણ તેમની મૌલિક કૃતિ નથી, પણ ‘રત્નમાળ’ નામની કૃતિનો અનુવાદ છે. આ કૃતિનું કર્તૃત્ત્વ કૃષ્ણાજી નામના કવિનું હોવાનું મનાય છે. અનુવાદ સાથેની પાદટીપમાં એ જર્નલના સંપાદકે નોંધ્યું છે : 

“મને જેવો મળ્યો તેવો જ આ અનુવાદ અહીં છાપ્યો છે. ૧૮૪૯માં આ અનુવાદ કર્યા પછી ફાર્બસે તેમાં કશા સુધારા-વધારા કર્યા નથી.”૩૫

રત્નમાળાનું પહેલું પાનું

એટલે કે ‘રાસમાળા’ લખી તે પહેલાં ફાર્બસે આ અનુવાદ કર્યો હતો અને એક વાર કર્યા પછી ફરી મઠાર્યો નહોતો. દલપતરામની મદદથી ફાર્બસે ગુજરાતના ઇતિહાસ અંગેની જે કૃતિઓ એકઠી કરી હતી તેમાં આ ‘રત્નમાળ’ની હસ્તપ્રતનો પણ સમાવેશ થતો હતો. વઢવાણના દેશળજી ગઢવી પાસેથી આ હસ્તપ્રત મળી હતી. એ અધૂરી હતી, છતાં તે ગુજરાતના ઇતિહાસને લગતી હતી તેથી ફાર્બસે દલપતરામ પાસે તેનો ડીંગળમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો હતો. મૂળ પદ્યમાં લખાયેલી આ કૃતિનો દલપતરામે ગદ્યમાં અનુવાદ કર્યો હતો, અને તેના પરથી ફાર્બસે અંગ્રેજી અનુવાદ કર્યો હતો. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે ફાર્બસે પોતાના અનુવાદમાં પદ્યરચનાના બંધને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. આ કૃતિ મેળવવા પાછળ અને તેનો અનુવાદ કરવા પાછળ ફાર્બસનો હેતુ ‘રાસમાળા’ના લેખનમાં મદદરૂપ થાય તેવી સામગ્રી તૈયાર કરવાનો હતો. અનુવાદ પ્રગટ કરવાનો તેમનો આશય નહિ હોય. આથી તેમણે અનુવાદ માટે પ્રસ્તાવના લખી નથી. આ કૃતિના જે આઠ રત્ન (ખંડ) બચ્યા છે તે મુખ્યત્વે સોલંકી વંશના રાજાઓને લગતા છે. આરંભ રાજા ભુવડની વાતથી થાય છે. પોતે આવાં ૧૦૮ રત્નોની રચના કરવા માગે છે અને રાજા જયસિંહ સિદ્ધરાજ સુધી વૃત્તાન્તને આવરી લેવા માગે છે એમ તેના કર્તાએ કહ્યું છે. ચાવડા વંશ વિષે સંક્ષેપમાં વાત કર્યા પછી કર્તા રાજા ભુવડ અને ચાવડા વંશના રાજા જય શિખરી વચ્ચેની લડાઈનું વર્ણન કરે છે. ભુવડને હાથે રાજા જય શિખરી મરાય છે અને તેના પુત્ર વનરાજનો જન્મ થાય છે ત્યાં આઠમું (અને અત્યારે મળતું છેલ્લું) રત્ન પૂરું થાય છે. ફાર્બસના અવસાન પછી આ અનુવાદ જસ્ટિસ ન્યુટને ૧૮૬૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે એશિયાટિક સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, અને પછીથી સોસાયટીના જર્નલમાં તે પ્રગટ થયો હતો. 

રત્નમાળની હસ્તપ્રત (ફાર્બસ ગુજરાતી સભાના સંગ્રહમાં)

ફાર્બસના અનુવાદની વિશિષ્ટતાનો ખ્યાલ આવે તે માટે તેના અનુવાદનો થોડો ભાગ જોઈએ :

Among cows, Kamadhenu is a jewel,

Among trees, the jewel is Mandar,

Among men, the learned man is a jewel,

Among women, the faithful wife is a jewel.

A tailor, an artificer, a wanio, a Bhat,

A barber, an outcast, a potter,

A physician, a man who knows the Veds,

A watchman, a land’s lord, a Josi,

The city in which these are not

Is not a city, but a jangal;

The whole of this flourish then only

When there are good poets.

The past, the future, the present,

Many men and cities we hear of;

But they who obtain a poet,

Their name alone remains famous.

The poet’s verses are pleasing,

Men and women delight to read them,

As a pearl in the world shines,

The drop of rain in the oyster’s mouth.

Therefore Raja Bhuwad, he

Poet’s skill was examining;

Krore on krore of money spending,

He kept them to his own city bringing them.

‘રાત્નામાળ’ના અનુવાદનું મુખપૃષ્ઠ

આ કૃતિ અંગે બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ફાર્બસે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ (જેટલી ઉપલબ્ધ હતી તેટલી) તો છેક ૧૯૦૩માં છપાઈ હતી. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવીને પ્રગટ કરી હતી. જો કે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે આ કૃતિ દલપતરામે લખી હોવાનો ભ્રમ ઊભો થાય તે રીતે તેમનું નામ મૂક્યું છે : “આ ગ્રંથ એલેક્ઝાન્ડર કીન્લાક ફાર્બસ સાહેબે મેળવેલો અને કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ લખેલો.’ આપણે અગાઉ જોયું તેમ દલપતરામ ‘રત્નમાળ’ના કર્તા નથી, અનુવાદક છે. છપાયેલા પુસ્તકમાં દલપતરામે એકઠી કરેલી બીજી કેટલીક સામગ્રી પણ રેવાશંકરે સમાવી લીધી છે. 

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

‘આર યા પાર’: વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ના અભિગમની આકરી કસોટી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 July 2024

એક કરતાં વધુ પરિબળો જાળવશે નહીં તો ભા.જ.પા. અને સાથીઓ માટે હવેલી લેતાં ગુજરાત ખોઇ વાળો ઘાટ થશે

ચિરંતના ભટ્ટ

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2025 પહેલાં દિલ્હી અને બિહારમાં પણ ચૂંટણી થશે. તાજેતરમાં જ ચૂંટણી પંચે મતદાતાઓની યાદી અપડેટ કરવાની જાહેરાત કરી. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી એક સાથે ઑક્ટોબરમાં જ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. અગાઉ ઝારખંડની ચૂંટણી આ બે રાજ્યોથી અલગ યોજાતી. આ રાજ્યોની ચૂંટણીનું મહત્ત્વ તો હંમેશાં રહ્યું જ છે પણ 4થી જૂને જે પરિણામ આપ્યા તેના પછી ભા.જ.પા. અને કાઁગ્રેસ બન્ને પક્ષો માટે આ ચૂંટણીની અગત્યતા વધી છે. આમ પણ 4થી જૂન પછી આમ કંઇ નથી બદલાયું પણ એક રીતે જોઇએ તો બહુ બધું બદલાઇ ગયું. 400 પારના દેકારા શાંત પડી ગયા છે કારણ કે એવું કંઇ થઇ ન શક્યું. જો કે ગઠબંધનની મદદથી સરકાર બનાવનારી ભા.જ.પા.નો આત્મવિશ્વાસ ડગ્યો નથી એવું બતાડવાની બધી જ કોશિશ કરાઇ રહી છે. વિરોધ પક્ષ પણ એ જ છે જે 4 જૂનના પરિણામ પહેલાં હતો, બસ ફેર એટલો છે કે તેમની પાસે લોકસભામાં બેઠકો પહેલાં કરતાં વધારે છે. ભા.જ.પા. હવે રાહુલ ગાંધી વિશે એલફેલ બોલતાં અચકાય છે કારણ કે ભલે દેખાડે નહીં પણ હકીકત તો એ જ છે કે 400 પારના દાવાનું સુરસુરિયું થયું હોવાથી ભા.જ.પા. જરા શાંત છે. વળી થપ્પડ મારીને ગાલ લાલ તો રાખવો પડે. આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીમાં કંઇ કાચું ન કપાય એ ભા.જ.પા. માટે જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં સંજોગો જુદાં છે પણ ત્યાં પણ લેન્ડમાઇન પર ચાલવા જેવી હાલત તો ખરી જ.

ગૃહ મંત્રી અમીત શાહે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં બેઠકો શરૂ કરી દીધી છે. હરિયાણામાં ભા.જ.પા. કોઇપણ ગઠબંધન, કોઇના ય ટેકા વગર ચૂંટણી લડશે એવી જાહેરાત પણ કરી છે.

ભા.જ.પા. માટે મહારાષ્ટ્રમાં સંતુલન જાળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ભા.જ.પા. પાસે મહારાષ્ટ્રમાં બે સાથીઓ છે – એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારવાળી NCP. આ બે પ્રાદેશિક પક્ષો સાથે મળીને ભા.જ.પા. મહારાષ્ટ્રમાં પગદંડો જમાવવાની જહેમત કરે છે. જો કે લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા. અને સાથીઓની કારી ફાવી નહીં. આમ પણ મહારાષ્ટ્ર પહેલેથી જ ભા.જ.પા. માટે અઘરું રહ્યું છે.

INDIA અલાયન્સની વાત કરીએ તો આખું સંગઠન આવનારી ચૂંટણીમાં સાથે છે પણ હરિયાણામાં કાઁગ્રેસ અને આપ એક થાય એવી કોઇ શક્યતા નથી એવું કાઁગ્રેસના જયરામ રમેશે કહ્યું છે. આ તરફ મહારાષ્ટ્રમાં NCP (SP)ના શરદ પવારે પક્ષના કાર્યકરોને એમ કહીને પાવર બતાડ્યો છે કે મહારાષ્ટ્રમાં તો સત્તા આપણા હાથમાં જ રહેવાની છે.

મહારાષ્ટ્રમાં INDIA સંગઠનને મહા વિકાસ અઘાડીને નામે પણ ઓળખવામાં આવે છે અને તેમને અત્યારે ભા.જ.પા. પોતાના મહારાષ્ટ્રનાં સાથીઓ સાથે જોડાઇને પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર પ્રદર્શન ન કરી શકી તેનો નશો છે અને માટે એ પણ જોરમાં છે. પણ શું ઉદ્ધવ ઠાકરે જે મહારાષ્ટ્રમાં INDIA સંગઠનની ઓળખ બની રહેશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ નક્કર જાહેરાત કરાઇ નથી. મહા વિકાસ અઘાડી હાલમાં એકમત અને યોગ્ય રીતે બેઠકોની વહેંચણી થાય તેની યોજનાની તડામાર તૈયારીમાં પડ્યા છે. નાના પક્ષોને સાથે વણી લેવાની તજવીજ પણ ચાલે છે.

2025નું વર્ષ આવી પહોંચશે પણ તે પહેલાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી થશે. હા જેને કેન્દ્રમાં સત્તા પર બેસવું હોય અને ટકી રહેવું હોય એને માટે ઉત્તર પ્રદેશ સૌથી વધારે અગત્યનું રાજ્ય છે પણ રામ મંદિર પછી પણ જો ભા.જ.પા.ને અને યોગીને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ફળ્યું ન હોય તો આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં બધું સચવાઇ જાય એની પૂરી તકેદારી રાખવી પડે.

ભા.જ.પા.એ જો પોતાનું સિંહાસન જરા ય ડોલે નહીં એમ રાખવું હોય તો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ – આ ત્રણમાંથી કમ સે કમ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતવી પડે. જો એમ નહીં થાય તો પછી NDAમાં અંદરોઅંદર બબાલ થવાની પૂરી શક્યતા છે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મની સ્થિરતાનો આધાર NDAના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તેની પર જ રહેલો છે. TDP અને JD (U) આ પરિણામો પર અને NDAનું અંતે શું થાય છે તેની પર ચાંપતી નજર રાખશે એ નક્કી.

આમ પણ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભા.જ.પા.ની સરકાર સાથીઓના સહકારથી બનેલી છે, ઝારખંડ મુક્તિ મોરચા અને સાથીઓની સરકાર ઝારખંડમાં છે. આ વર્ષે લોકસભાના પરિણામોમાં ઝારખંડમાં NDA કરતાં INDIA ગઠબંધનને સારો દેખાવ કર્યો છે. ઝારખંડમાંમાં JMM, કાઁગ્રેસ, RJD અને CPI (ML) અત્યારે તો પ્રચારના પ્લાનિંગમાં છે. હેમંત સોરેન યુવાનો અને મહિલાઓને લક્ષ્યમાં રાખીને કલ્યાણ યોજનાઓને અગ્રિમતા આપાય તેની પર કામ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેને આધારે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની અટકળ બાંધવી કે નહીં એ મોટો પ્રશ્ન છે. INDIA સંગઠનના નેતાઓનું માનવું છે કે લોકસભાના પરિણામોનો પ્રભાવ વિધાનસભાની ચૂંટણી પર પણ દેખાશે. બીજી તરફ 2014 અને 2019નું દૃષ્ટાંત આપીને ભા.જ.પ.ના નેતાઓ એમ કહે છે કે દિલ્હી અને ઝારખંડમાં ત્યારે લોકસભાની ચૂંટણીમાં પક્ષનું પરિણામ સારું હોવા છતાં પણ 2015 અને 2020માં વિધાનસભાની ચૂંટણીમાં તો AAPની જીત થઇ હતી.

વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે એટલે લોકસભાના પરિણામોને આધારે કંઇપણ નક્કી કરવું યોગ્ય ન ગણાય. વળી લોકસભાની ચૂંટણી પહેલાં ભા.જ.પા.એ જે રીતે વિરોધપક્ષોને દબાવવા માટે પગલાં લીધાં છે તેને કારણે વિરોધપક્ષો પ્રત્યે મતદાતાઓ કુમળાં પડ્યા છે. જેમ કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નેતાઓ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ છે. આ સંજોગોમાં ભા.જ.પા. માટે આવનારા કેટલાક મહિનાઓ બહુ અગત્યના છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ભા.જ.પા. તરફી જે પણ નકારાત્મક લાગણી હશે તેને દૂર કરવા ભા.જ.પા.એ મથવું પડશે. ટેકેદારોને હાથમાં રાખવા પડશે, ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવું પડશે અને ખેડૂતોના પ્રશ્નો સહિત બેરોજગારીથી માંડીને અગ્નિવીર, પેપર લીક્સ જેવા પ્રશ્નોનો તાર્કિક અને નક્કર ઉકેલ લાવવો પડશે.

હરિયાણાની વાત કરીએ તો જ્યાં 2019માં ભા.જ.પા.ને દસ બેઠક મળી હતી ત્યાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠક મળી અને કાઁગ્રેસને દસ બેઠક મળી. મહારાષ્ટ્રમાં સત્તા પર મહાયુતિની સરકાર હોવા છતાં ભા.જ.પા. – NDAના હાથમાં 17 બેઠકો જ આવી, જ્યારે મહા વિકાસ અઘાડીને 3૦ બેઠકો પર જીત મળી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સભ્યો છે અને હરિયાણમાં 90 સભ્યો છે.

હરિયાણામાં કાઁગ્રેસને કળ વળી છે અને પાર્ટી ફરી બેઠી થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભા.જ.પા.ના સરકારના મુખ્ય મંત્રી નાયાબ સિંઘ સૈનીની હાલત કફોડી થઇ ગઇ હતી જ્યારે ત્રણ સ્વતંત્ર સાંસદોએ ભા.જ.પા.ને આપેલો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. 2019 કરતાં 2024 સાવ અલગ છે કારણ કે 2019માં તો ભા.જ.પા. હરિયાણામાં એક માત્ર સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થઇ હતી પણ હવે સમીકરણો બદલાઇ ગયાં છે કારણ કે મનોહરલાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા જેવા નેતાઓએ ભા.જ.પા.નો સાથ છોડી દીધો છે.

મહારાષ્ટ્રમાં NCP અને ભા.જ.પા. વચ્ચેના ખટરાગમાં વડા પ્રધાનની શપથ વિધિના કલાકો પહેલાં પણ તણખા ઝર્યા જ્યારે ભા.જ.પા.ના પ્રફુલ્લ પટેલને સમાવી લેવાના પ્રસ્તાવને NCPએ નકાર્યો. પ્રફુલ્લ પટેલ અજીત પવાર જૂથના છે. તેમણે મિનિસ્ટર ઑફ સ્ટેટનું પદનો અસ્વીકાર કરતાં એમ કારણ આપ્યું કે પોતે પહેલાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોય તે જો રાજ્ય સ્તરે મંત્રી પદ સ્વીકારે તો તે પોતાની પ્રતિષ્ઠાને છાજે નહીં. આ બધી ભાંજગડ એ વાતની સાબિતી આપે છે કે મહારાષ્ટ્રની મહાયુતિમાં ઘણી ગરબડ અને ઉચાટ છે. શરદ પવારનું કહેવું છે કે ભા.જ.પા.એ અજિત પવાર જૂથને સંગઠનમાંથી નીકળી જવા કહ્યું છે. NCP અને ભા.જ.પા.નું જોડાણ ભા.જ.પા.ને નુકસાન કરે છે એવું વર્તાય છે અને માટે ભા.જ.પા. હવે જુદી ગોઠવણ કરવાની મથામણમાં છે.

બિહારમાં ચૂંટણીને હજી વાર છે પણ ત્યાં પણ માળખાકીય સુવિધાઓને નામે જે ગોટાળા થયા છે તે અંગે સરકાર કંઇ જવાબ આપી શકે તેમ નથી. તૂટી પડેલા પુલોના કાટમાળ નીચે સરકારના ઢાંસુ દાવાઓ કણસી રહ્યા છે. ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં ભા.જ.પા.એ ઘણું બધું સાચવવાનું રહેશે નહીંતર ‘હવેલી લેતાં ગુજરાત ખોઇ’ જેવો ઘાટ થઇ શકે છે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ધોયેલા મૂળા જેવા હાલ ન થાય એ માટ પણ ભા.જ.પા. એડીચોટીનું જોર લગાડી રહી છે. ટૂંકમાં ભા.જ.પા.એ કમર કસવાની જરૂર છે નહીંતર દાવાઓને શોર પછી હાથમાં આવેલો અડધો રોટલો ગળે નહીં ઉતરે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

ભા.જ.પા. માટે આ રાજ્યોની ચૂંટણી સુંરગ બિછાવેલા મેદાન પર ચાલવા જેવી રહેશે. થપ્પડ મારી ગાલ લાલ રાખવાની લ્હાયમાં સાથી ટેકેદારોનું મનદુઃખ કરવાનું ભા.જ.પા.ને પોસાય એમ નથી. રાહુલ ગાંધીને વખોડવામાં સમય બગાડાય એમ નથી. દર વખતે ‘સાહેબ’નો પ્રભાવ કામ નથી કરતો અને એ પ્રકારના મતદાતાઓ પણ જે પ્રભાવમાં આવીને મત આપી દેતાં હોય છે તે પણ એક સમય પછી તો નક્કર પરિણામની માગ કરતા હોય છે. મતદાતાઓની માગ, ટેકેદારોના અહમ અને નક્કર કામગીરી સચવાશે તો ભા.જ.પા.ને ફાયદો થશે બાકી તો પછી કંઇ કહેવા જેવું નહીં રહે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—257

દીપક મહેતા|Opinion - Opinion|20 July 2024

મરાઠી રંગભૂમિ પર ગાજેલા નાટક પરથી પડ્યું એક મકાનનું નામ

ગયે શનિવારે વાતની શરૂઆતમાં તેમ જ અંતે મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક અજરામર નાટક સંતુ રંગીલીને યાદ કરેલું. નાટક મુંબઈનું, પણ આઈ.એન.ટી.ના આ નાટકનો પહેલો પ્રયોગ થયેલો અમદાવાદમાં, ૧૯૭૩ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે. આ નાટક સરિતા જોશી અને પ્રવીણ જોશીએ પોતાના ખભા પર ઉપાડી લીધેલું. રૂપાંતર કરેલું આપણા જાણીતા લેખક મધુ રાયે. નાટકનાં મૂળ બર્નાડ શોના નાટકમાં. ‘પિગમેલિયન’ નામે ૧૯૧૩માં સ્ટેજ પર ધૂમ મચાવેલી. તેના પરથી બનેલું મ્યુઝિકલ પ્લે ૧૯૫૬માં ભજવાયું. તેના પરથી બનેલી ફિલ્મ ‘માય ફેર લેડી’ ૧૯૬૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે ન્યૂ યોર્કના ક્રાઈટેરિયન થિયેટરમાં રીલીઝ થઈ અને લાગલાગટ ૮૭ અઠવાડિયાં ચાલી. આ નાટક અને ફિલ્મ પરથી રૂપાંતર કરીને ગુજરાતી અને મરાઠીમાં નાટક ભજવવાનું આઈ.એન.ટી.એ નક્કી કર્યું. ગુજરાતી રૂપાંતર મધુ રાયે કર્યું તો મરાઠી રૂપાંતર કર્યું મરાઠીભાષીઓના અત્યંત લાડકા એવા ‘પુ.લ.’એ. અટક દેશપાંડે. પણ એ ન બોલો તો ય લોકો ‘પુ.લ.’થી જ ઓળખે. આપણે વિશેષણપ્રિય પ્રજા છીએ. મરાઠીઓ ક્રિયાપદપ્રધાન. એટલે વિશેષણોના હારડા નહિ. પુ.લ. માટે સૌથી વધુ મોટું વિશેષણ વાપરે તે ‘એકમેવ.’ આવા પુ.લ.એ કરેલા મરાઠી અવતારનું નામ ‘તી ફુલરાણી.’ (એક આડવાત: મરાઠી જોડણી, જેને ‘શુદ્ધલેખન’ કહેવાય છે, તેના નિયમો ગુજરાતી કરતાં ઘણા જુદા છે. એટલે ગુજરાતીમાં ‘ફૂલ’ લખાય તે મરાઠીમાં લખાય ‘ફુલ.’) તેનો પહેલો પ્રયોગ ૧૯૭૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિરમાં થયો. જે ગુજરાતીમાં સંતુનું પાત્ર, તે મરાઠીમાં ‘મંજુળા.’ (આ પણ મરાઠીની એક વધુ ખાસિયત – ‘મંજુલા’ નહિ, ‘મંજુળા.’ અને એ પાત્ર રંગભૂમિ પર ભજવ્યું રેડિયો, ટી.વી., ફિલ્મ, અને રંગભૂમિનાં અભિનેત્રી ભક્તિ બર્વે-ઇનામદારે, ૧.૧૦૦ કરતાં વધુ પ્રયોગોમાં! અને જેમ ગુજરાતીમાં સંતુ એટલે સરિતા, એમ મરાઠીમાં મંજુળા એટલે ભક્તિ એવું નાટ્યપ્રેમીઓના મનમાં વસી ગયું. 

પુલના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ અને તેમનું નાટક ‘તી ફુલરાણી’

મરાઠીભાષીઓ નાટકને માત્ર જુએ નહિ, એને દિલ ફાડીને ચાહે. લોકો કેટલી હદે નાટક ઘેલા એની બે વાત પણ પુ.લ. અને તેમની આ ‘તી ફુલરાણી’ સાથે જોડાયેલી છે. ૧૯૧૯ના નવેમ્બરની આઠમીએ જન્મેલા પુ.લ.નું ઈ.સ. ૨૦૦૦ના જૂનની ૧૨મી તારીખે પુણેમાં અવસાન થયું. આખા મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ. પુણેમાં જાહેરાત કરવામાં આવી કે પુ.લ.ના અંતિમ સંસ્કાર વખતે થોડા ગણ્યાગાંઠ્યા આપ્તજનો સિવાય કોઈને હાજર રહેવા નહિ દેવાય. તેમના પાર્થિવ દેહને બંધ (કાચ વગરની) એમ્બ્યુલન્સમાં ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમમાં લઈ જવાશે. અને છતાં અંતિમ સંસ્કાર વખતે એ ક્રેમેટોરિયમની બહાર ૨૫,૦૦૦ લોકો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે ઊભા હતા. બંધ એમ્બ્યુલન્સને પણ પાછલે બારણેથી લઈ ગયા. જ્યારે લોકોને આ કહેવાયું ત્યારે પણ ત્યાંથી ખસ્યા નહિ. ચીમનીમાંથી સફેદ ધૂમાડો નીકળતો દેખાયો પછી તેને હાથ જોડીને લોકો વિખરાયા. 

૨૦૦૧ના ફેબ્રુઆરીની ૧૧મીનો દિવસ. સાતારા જિલ્લાના વાઈ ગામે ‘પુ.લ., ફુલરાણી આણી મી’ નામનું એકપાત્રી નાટક ભજવવા ભક્તિ બર્વે ગયેલાં. શો પછી પુણે થઈને મોટરમાં મુંબઈ આવવા નીકળ્યાં. વાઈના આયોજકોએ કહેલું કે આટલી મોડી રાતે ન જાવ. સવારે જજો. પણ નીકળી ગયાં. સવારે પોણા ત્રણ વાગે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પરની ‘ભાટણ’ ટનલના પ્રવેશદ્વાર સાથે મોટર અથડાઈ અને એ જ ઘડીએ ભક્તિનું મૃત્યુ થયું. થોડી વારે હાઈવે પેટ્રોલની વેન ત્યાં પહોચી. અકસ્માત જોઈને પોલીસ અફસર ગાડી રોકીને નીચે ઉતર્યો. અકસ્માતમાં કોનું મૃત્યુ થયું છે એ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. અભિનેત્રીના મૃતદેહને જોઈને પોલીસ અફસર આ રીતે રડે એ કદાચ મહારાષ્ટ્રમાં જ બને.

મંજુળા અને સંતુ બનેલાં ભક્તિ બર્વે અને સરિતા જોશી

અને વિધિની વિચિત્રતા તો જુઓ! છેલ્લાં કેટલાંક વરસોમાં આ લખનારનો ‘ફુલરાણી’ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. એ વળી કઈ રીતે? છેલ્લાં કેટલાંક વરસોથી જ્યાં રહેવાનું થયું છે એ મકાનનું નામ છે ‘ફુલરાણી.’ અને આ નામ પડ્યું છે પુ.લ.ના નાટક ‘તી ફુલરાણી’ પરથી. વાંદરા ઈસ્ટમાં આવેલી સાહિત્ય સહવાસ કોલોનીનાં નવેનવ મકાનનાં નામ કોઈ ને કોઈ મરાઠી પ્રશિષ્ટ કૃતિ કે સાહિત્ય સ્વરૂપ પરથી પાડેલાં છે : ઝપુર્ઝા, આનંદવન, અભંગ, વાગ્વૈજયંતી, ઉષ:કાલ, રાગિણી, જ્ઞાનદેવી, અને શાકુન્તલ. આ કોલોની (અહીંના રહેવાસીઓ ‘સોસાયટી’ને બદલે ‘કોલોની’ તરીકે ઓળખવાનું પસંદ કરે છે.) બંધાઈ ત્યારથી આજ સુધી એક શરત બહુ આગ્રહપૂર્વક પાળી રહી છે. માત્ર લેખકો કે સાહિત્યકારો જ અહીં ફ્લેટ ખરીદી શકે, બીજા નહિ. અલબત્ત, લેખકના ઉત્તરાધિકારીઓ પણ લેખક હોય એવું બહુ ઓછું બને. એટલે વારસદાર તરીકે બિન-લેખક કોલોનીનું સભ્યપદ મેળવી શકે. પણ કોઈએ પણ ફ્લેટ વેચવો હોય તો કોઈ લેખકને જ વેચવો પડે. અને એક જમાનામાં કેવા કેવા મહારથી લેખકો અહીં વસતા હતા! જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ-વિવેચક વિંદા કરંદિકર, મરાઠી ટૂંકી વાર્તાની દિશા અને દશા બદલી નાખનારા ગંગાધર ગાડગીળ, અનંત કાણેકર, હાસ્યકાર વ.પુ. કાળે, મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગના અધ્યક્ષો માધવરાવ અને ઉષા દેશમુખ, હિન્દી સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિને અજવાળનાર ધર્મવીર અને પુષ્પા ભારતી અને સત્યદેવ દુબે, પ્રખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ અશોક રાનડે, વિવેચક અભ્યાસીઓ કે.જે. પુરોહિત, ધનંજય અને ગિરીજા કીર, શાંતા શેળકે, ય.દી. ફડકે, પ્રા. રમેશ તેંડુલકર. તેમના દીકરાએ જિંદગીની પહેલી બાઉન્ડ્રી મારેલી સાહિત્ય સહવાસની વચ્ચોવચ આવેલી ક્રિકેટ પીચ પર. એ દીકરો તે સચિન તેંડુલકર.

પણ હવે આજના લખાણના શબ્દોની બાઉન્ડ્રી આવી ગઈ છે. એટલે આ ‘કોલોની’ વિશેની વધુ વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જુલાઈ 2024]

Loading

...102030...657658659660...670680690...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved