Opinion Magazine
Number of visits: 9457360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીચલી અદાલતો નીચલી જરૂર છે, પણ ગૌણ સ્થાન ધરાવતી ગુલામ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|3 March 2024

રમેશ ઓઝા

૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ફોજદારી અને દીવાની કેસોમાં મનાઈ હુકમ કે સ્થગિતી હુકમ(સ્ટે ઓર્ડર)ની સમયમર્યાદા છ મહિનાથી વધુ લાંબી ન હોવી જોઈએ. જો છ મહિના પછી ગળે ઊતરે એવાં કારણો આપીને સ્ટે લંબાવવામાં ન આવે, તો અદાલતો એની મેળે ખટલો ચલાવી શકે. કોઈ પક્ષકારે સ્ટે ઊઠાવવા ઉપલી અદાલતમાં જવાની જરૂર નથી.

આ ચુકાદા પછી રાહત અનુભવાઈ હતી, કે ચાલો, એક વાત તો સારી થઈ કે ન્યાયના માર્ગમાં અડચણો પેદા કરીને ન્યાયની પ્રક્રિયાને ટલ્લે ચડાવવાની રમત સામર્થ્ય ધરાવનારાઓ નહીં રમી શકે. પણ એ ચુકાફો સાવ નિર્દોષ પણ નહોતો. એની બીજી બાજુ પણ હતી. એવી પણ શક્યતા હતી કે સામર્થ્યવાન પોતાની તાકાતનો ઉપયોગ કરીને કોઈ નિર્દોષ નિર્બળને સતાવતો હોય અને એ નિર્દોષ નિર્બળ માણસને ઉપલી અદાલતમાં જઇને મનાઈ હુકમ દ્વારા એક લાંબા ગાળાની જે રાહત મળતી હોય એ રાહત સર્વોચ્ચ અદાલતના ઉક્ત ચુકાદા દ્વારા રોળાઈ ગઈ. આ સિવાય અદાલતોના કામકાજમાં સ્વતંત્રતા કે સ્વાયત્તતાનો પણ પ્રશ્ન હતો. જે ન્યાય તોળવા બેઠો હોય તેને કેસની ગુણવત્તા અને પ્રાથમિકતા નક્કી કરવાનો અધિકાર ખરો કે નહીં? નીચલી અદાલત ઉપલી અદાલતની ગુલામ નથી. ઉપલી અદાલતનું મુખ્ય કામ નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓની અપીલ સાંભળવાનું છે, નીચલી અદાલતની કામકાજની પ્રક્રિયા અને પ્રાથમિકતા નક્કી કરવાની નથી. દરેક અદાલતોનું પોતાનું કાર્યક્ષેત્ર છે અને દરેકની પોતાની સ્વતંત્રતા છે.

સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો અને પાંચ જજોની બંધારણીય બેન્ચે તેના આગલા ચુકાદાને રદ્દ કરીને ગુરુવારે ચુકાદો આપ્યો કે નીચલી અદાલતો નીચલી જરૂર છે, પણ ગૌણ સ્થાન ધરાવતી ગુલામ નથી. કયા કેસને કેટલું વજન આપવું અને પ્રાથમિકતા આપવી એ નક્કી કરવાનો અધિકાર તેનો છે. જજોના વિવેક કરવાના અધિકારને કુંઠિત ન કરી શકાય. માટે પ્રત્યેક સ્ટે એની મેળે નિરસ્ત થઈ જાય એવો સર્વોચ્ચ અદાલતનો આગળનો ચુકાદો ન્યાયસંગત નથી. સંબંધિત વડી અદાલતોના જજો પરના વિવેક પર સ્ટે કેટલો સમય આપવો અને લંબાવવો કે નહીં તેનો નિર્ણય છોડવો જોઈએ.

હવે એક રીતે જુઓ તો બન્ને ચુકાદાની કે ચુકાદાજન્ય જોગવાઈની પોતપોતાની ઉપયોગિતા છે. ઉપયોગ અને દુરુપયોગ બન્નેનો થાય છે. મનાઈ હુકમનો કોઈ સામર્થ્યવાન દુરુપયોગ પણ કરે છે અને મનાઈ હુકમ નિર્દોષ અને નિર્બળને રાહત પણ આપે છે. કોણ ક્યાં છે અને કોણ કાયદાનો તેમ જ ન્યાયતંત્રનો ઉપયોગ કે દુરુપયોગ કરી રહ્યું છે તેના પર નિર્ભર છે. જજ ઉપર પણ એ વાત નિર્ભર કરે છે.

આ જ આદરણીય સર્વોચ્ચ અદાલતે કોવીડના સંકટભર્યા દિવસોમાં સઘળાં કામ પડતાં મૂકીને અર્ણવ ગોસ્વામીની જામીન અરજી જે ત્વરાથી અને જે તત્પરતાથી સાંભળી હતી એ હજુ તાજી ઘટના છે. વળી એ કેસ સાંભળનારા બે જજોમાં એક જજ અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ હતા. બેજવાબદાર અને ગામના ઉતાર જેવા પત્રકાર અર્ણવ ગોસ્વામીની જામીન અરજીને તાત્કાલિક એટલા માટે હાથ ધરવામાં આવી હતી કે વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરવો જોઈએ. પોલીસ તપાસના નામે કોઈને જેલમાં લાંબો સમય ગોંધીને ન રાખી શકાય. ત્યારે ચન્દ્રચૂડ સાહેબને એ વાતની યાદ ન આવી કે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪ પછી તેમનો વિરોધ કરનારા સેંકડો લોકોને જેલમાં નાખ્યા છે અને એક કે બીજે બહાને છોડવામાં આવતા નથી. એમાંના કોઈ સાબિત થયેલા ગુનેગાર નથી, આરોપી છે. તેમની જામીન અરજીઓ વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતોમાં પડી છે. તેમનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય યાદ નહીં આવ્યું? એકને જામીનની બાબતમાં પ્રાથમિકતા આપવામાં આવે અને બીજાની અરજી સાંભળવામાં પણ ન આવે. આ બધું બીજે ક્યાં ય નહીં, સર્વોચ્ચ અદાલતમાં બની રહ્યું છે.

પણ હા, આપણે જજોના વિવેકનો આદર કરવો જોઈએ અને જ્યાં વિવેકનો અભાવ જોવા મળે તો ઊહાપોહ પણ કરવો જોઈએ. આખરે ન્યાયવ્યવસ્થા પણ એક તંત્ર છે અને તંત્ર માણસ  ચલાવે છે અને માણસ છેવટ માણસ હોય છે. આ સિવાય તંત્રની પણ મર્યાદા હોય છે. સ્ટે અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કોઈ આખરી ઉકેલ નથી. એનો પણ દુરુપયોગ થવાનો છે. માટે બે વરસમાં લોકોને ન્યાય મળે એવા ચુસ્તદૂરસ્ત ન્યાયતંત્રની દેશને જરૂર છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 માર્ચ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—237

દીપક મહેતા|Opinion - Opinion|2 March 2024

આજે મુંબઈમાં આર્મેનિયન ચર્ચ છે, પણ તેમાં જનાર એક પણ આર્મેનિયન નથી

મિસિસ પોસ્તાન્સના જમાનામાં મુંબઈ કરતાં કલકત્તામાં આર્મેનિયનોની વસતી ઘણી વધારે હતી. તેઓ નોંધે છે કે છેલ્લી વસતી ગણતરી (૧૮૧૪) પ્રમાણે કલકત્તામાં ૪૮૦ આર્મેનિયન રહેતા હતા. જો કે એ પછીનાં ૨૬ વરસમાં ફક્ત ૨૫ આર્મેનિયનોનો ઉમેરો થયો હતો. જ્યારે મુંબઈ ઇલાકામાં તો તેમની વસતી લગભગ નગણ્ય કહી શકાય. જે થોડા છે તે મોટે ભાગે બસરા સાથે કિંમતી રત્નો, ઘરેણાં, કે ઘોડાના વેપારમાં રોકાયેલા છે. પણ ઘણાખરા સારા એવા પૈસાદાર બનેલા છે. મુંબઈના કોટ વિસ્તારમાં આર્મેનિયનોનું ફક્ત એક જ દેવળ આવેલું છે. મુંબઈમાં આર્મેનિયનોની વસતી તો ઘણી ઓછી છે, પણ અહીંના સમાજમાં તેમનું સ્થાન મોભાદાર છે. 

પણ હવે પોસ્તાન્સબાનુની આંગળી છોડીને આપણે આ આર્મેનિયનો વિષે વધુ વાત કરવી પડશે. પહેલી વાત તો એ કે આ આર્મેનિયનો એટલે કોણ? મૂળ ક્યાંના? ભૂગોળની દૃષ્ટિએ આર્મેનિયા પશ્ચિમ એશિયાનો એક ભાગ. પણ સંસ્કૃતિ, રાજકારણ, વગેરેમાં તેનો ઘરોબો પૂર્વ યરપ સાથે. દરિયા કિનારા વગરનો આ દેશ તુર્કી, જ્યોર્જિયા, અઝરબૈજાન, અને ઈરાનથી ઘેરાયેલો છે. આ નાનકડા દેશનો ઇતિહાસ શરૂ થાય છેક ઈ.સ. પૂર્વે ૧૬મી સદીથી. તે દિવસથી ૧૯૧૮ના મે મહિનાની ૨૮મી તારીખ સુધી રાજાશાહી. તે દિવસે દેશ બન્યો રિપબ્લિક ઓફ આર્મેનિયા. પણ ૧૯૨૦ના નવેમ્બરની ૨૯મીએ સોવિયેત યુનિયને જીતીને પોતાના સામ્રાજ્યમાં ભેળવીને નામ આપ્યું આર્મેનિયન સોવિયેત સોસ્યાલિસ્ટ રિપબ્લિક. આઝાદ થવાની લડતને પ્રતાપે ૧૯૯૧ના સપ્ટેમ્બરની ૨૩મીએ દેશ ફરી આઝાદ બન્યો. ૧૯૯૫માં દેશનું નવું બંધારણ બન્યું જે આજે પણ અમલમાં છે. આખા દેશની વસતી લગભગ ૩૨ લાખ.

આર્મેનિયા અને હિન્દુસ્તાન વચ્ચેના સંબંધના પુરાવા છેક ઈ.સ. પૂર્વે ૩૫૦ની આસપાસથી મળે છે. એક અહેવાલ પ્રમાણે આર્મેનિયન વેપારી અને રાજદૂત, નામે થોમસ કાના, જમીન માર્ગે ઈ.સ. ૭૮૦માં મલબાર પહોંચ્યો હતો. ૧૫મી સદીમાં આર્મેનિયાનો ઘણો પ્રદેશ પરદેશીઓએ જીતી લીધો ત્યારે ત્યાંના ઘણા લોકો હિજરત કરી બીજા દેશોમાં ગયા હતા. તેમાંના કેટલાક મોગલ સલ્તનતના પ્રદેશમાં આવીને ઠરીઠામ થયા. રાજા અકબરની એક રાણી મરિયમ આર્મેનિયન હતી અને તેમના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ હાય આર્મેનિયન હતા. બંગાળ અને પંજાબના નવાબોના લશ્કરોમાં પણ ઘણા આર્મેનિયનો હતા. કંપની સરકારની સાથે આર્મેનિયાએ ૧૬૮૮ના જૂનની ૨૨મીએ કરાર કર્યા. તેને કારણે આર્મેનિયન લોકોને તાજના રાજ હેઠળના બધા પ્રદેશોમાં રહીને પોતપોતાનો વ્યવસાય કરવાની છૂટ મળી. એટલું જ નહિ, પરદેશી તરીકે અંગ્રેજો જે હક ભોગવતા તે બધા આર્મેનિયનોને પણ મળ્યા. પોર્ટુગીઝ અને ફ્રેંચ વસાહતીઓનો પ્રભાવ ઓછો કરવા માટે અંગ્રેજો આર્મેનિયન વેપારીઓનો ઉપયોગ કરવા માગતા હતા. બીજા દેશોની જેમ હિન્દુસ્તાનમાં વસેલા મોટા ભાગના આર્મેનિયનો વેપારધંધામાં રોકાયેલા હતા. મોટા ભાગના ખૂબ પૈસાદાર હતા. તેમણે દેશના જુદા જુદા ભાગોમાં આર્મેનિયન ચર્ચ પણ બંધાવ્યાં. આર્મેનિયાનું પહેલું બંધારણ ઈ.સ. ૧૭૭૩માં મદ્રાસ(હાલનું ચેન્નાઈ)માં લખાયું હતું. અમેરિકન બંધારણ તે પછી બાર વરસે લખાયું. એક જમાનામાં હિન્દુસ્તાનનાં ઘણાં શહેરોમાં આર્મેનિયનોની સારી એવી વસતી હતી. આગરા, સુરત, મુંબઈ, કાનપુર, કલકત્તા, મુર્શિદાબાદ, ચેન્નાઈ, ગ્વાલિયર, લખનૌ, લાહોર, ઢાકા વગેરે બ્રિટિશ હિન્દુસ્તાનનાં શહેરોમાં આર્મેનિયન વેપારીઓ ફેલાયેલા હતા.

મુંબઈમાં પહેલવહેલા આર્મેનિયનો સુરત અને મલબારથી આવેલા. તેમાંના મોટા ભાગના કાં કાપડના, કાં જરઝવેરાતના વેપારી. મુંબઈના કોટ વિસ્તારમાં આશરે ૨૦૦ વરસ પહેલાં તેમણે પોતાની કોલોની સ્થાપી. તે વખતની ટેમરિન્ડ લેનને એસ્પ્લનેડ રોડ સાથે જોડતી ગલ્લીનું નામ આર્મેનિયન લેન હતું. આર્મેનિયનોનું બીજું મોજું મુંબઈ આવ્યું તે ઈરાન, ઈસ્તાંબુલ, અને બૈરુતથી. ત્યાં તેમને પોતાના ધર્મ અને જાન-માલ સામે ખતરો જણાતાં તેઓ હિજરત કરી મુંબઈ આવ્યા. આ લોકો મોટે ભાગે તૈયાર ઘરેણાં, મરીમસાલા, અને હીરાના વેપારમાં રોકાયા.

કોટ વિસ્તારમાં આવેલી સેન્ટ પીટર્સ આર્મેનિયન ચર્ચ

તેમાંના એક ધનાઢ્ય વેપારી જેકોબ પીટરે ૧૭૯૬માં કોટ વિસ્તારમાં આવેલી મેડોઝ સ્ટ્રીટ પર ‘ઓર્થડોક્સ ચર્ચ ઓફ સેન્ટ પીટર ધ એપોસ્ટલ’ બંધાવ્યું. આ મેડોઝ સ્ટ્રીટ અગાઉ અંગ્રેજ બજાર તરીકે ઓળખાતી. જનરસ સર વિલિયમ મેડોઝ ૧૭૮૮થી ૧૭૯૦ સુધી મુંબઈના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ હતા. ૧૭૯૦માં તેમની બદલી મદ્રાસ પ્રેસિડન્સીના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ તરીકે થઈ. ટીપુ સુલતાન સામેની અંગ્રેજોની લડાઈની શરૂઆત થઈ ત્યારે તેનું નેતૃત્વ તેમણે લીધું હતું. પણ પછી થોડા જ વખતમાં કોઇમ્બતુર ખાતે ટીપુના સૈન્યના હુમલા સામે તેમને પીછેહઠ કરવી પડી ત્યારે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલીસે લડાઈનું નેતૃત્વ પોતે સંભાળી લીધું અને મેડોઝ તેમના હાથ નીચે રહીને લડ્યા. તે પછી પણ એક વાર તેમની ગણતરી ખોટી પડતાં અંગ્રેજ સૈન્ય પરનું ટીપુનું આક્રમણ સફળ થયું. પરિણામે ખુદ કોર્નવોલીસ પોતે થોડું ઘવાયા. મેડોઝે શરમના માર્યા આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ થયા નહિ.

જો કે જે કાંઈ બન્યું એ માટે કોર્નવોલીસે મેડોઝને માથે ક્યારે ય દોષનો ટોપલો ઓઢાડેલો નહિ. આ રસ્તાના નાકા પર આવેલા એક મકાનમાં મેડોઝ રહેતા હતા એટલે તેમનું નામ આ રસ્તાને આપવામાં આવ્યું. આઝાદી પછી આ રસ્તો નગીનદાસ માસ્તર રોડ બન્યો. વ્યવસાયે વકીલ એવા નગીનદાસે આઝાદી માટેની ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ ૧૯૪૪માં મુંબઈના મેયર બન્યા હતા. એ જ વરસે મુંબઈની ગોદીમાં જે ભયંકર વિસ્ફોટ થયો અને જાનમાલની ભારે ખુવારી થઈ ત્યારે મેયર તરીકે તેમણે ખૂબ જ ત્વરાથી અને સાવધાનીથી જરૂરી પગલાં લીધાં હતાં. પણ હજી ઘણા મુંબઈગરા તો આ રસ્તાને મેડોઝ સ્ટ્રીટ તરીકે જ ઓળખે છે.

અરારત હાઉસ 

મેડોઝ સ્ટ્રીટ પરની આર્મેનિયન ચર્ચની બરાબર સામે આવેલા મકાનનું નામ છે ‘અરારત’. આ નામ જરા વિચિત્ર લાગે છે, નહિ? પણ જે લોકો બાઈબલના કથાનકોથી પરિચિત છે તેઓ જાણે છે કે આર્મેનિયામાં માઉન્ટ અરારત નામનો પર્વત આવેલો છે. બાઈબલમાંની નોહાઝ આર્કની કથા તો જાણીતી છે. મહા વિનાશક પૂરમાંથી ઉગારવાને માટે નોહાએ પોતાના વહાણમાં દરેક પ્રકારના જીવના બે-બે સભ્યોને લઈને વહાણ હંકારી મૂક્યું. જ્યારે મહાપૂર શમ્યું ત્યારે નોહાનું વહાણ જે જગ્યાએ આવીને નાંગર્યું તે આ માઉન્ટ અરારત પાસે. આ મકાન જેના આંગણામાં આવેલું છે એ સેન્ટ પીટર્સ ચર્ચનો પાયો ૧૭૯૬ના ઓક્ટોબરની પહેલી તારીખે નખાયો હતો. જો કે પછીથી એ જ જગ્યાએ ૧૯૫૭માં નવું ચર્ચ બાંધવામાં આવ્યું. થોડાં વરસ પહેલાં એ ચર્ચ ઇન્ડિયન ઓર્થડોક્સ ચર્ચને સોંપી દેવામાં આવ્યું, જ્યાં હવે એ પંથના લોકો પ્રાર્થના કરવા જાય છે.

ઝબેલ જોશી

પણ આજે આ ચર્ચમાં પ્રાર્થના કરવા કોઈ આર્મેનિયન સ્ત્રી કે પુરુષ જતા નથી. કેમ? કેમ? એ બધા નાસ્તિક બની ગયા છે? ના. તો? કારણ હવે મુંબઈમાં એક પણ આર્મેનિયન વ્યક્તિ  કાયમી વસવાટ કરતી નથી. હા, સત્તાવાર ચોપડે મુંબઈમાં એક જ આર્મેનિયન વ્યક્તિ વસે છે. એ છે શ્રીમતી ઝબેલ જોશી. શું? જોશી અટક અને છે આર્મેનિયન? હા, જી. મૂળ બૈરૂતનાં વતની. ત્યાં જ કિશોર જોશી નામના ગુજરાતી કાપડનો વેપાર કરે. બંને મળ્યાં. પ્રેમમાં પડ્યાં, લગ્ન કીધાં. ત્યારે ઝબેલની ઉંમર ત્રેવીસ વરસની. આજે તેઓ કહે છે : ‘પહેલા હું એક મુમ્બઈગરાના પ્રેમમાં પડી. મુંબઈ આવ્યા પછી મુંબઈના પ્રેમમાં પડી. હું મારી જન્મભૂમિમાં રહી છું તેના કરતાં વધુ વરસ મુંબઈમાં રહી છું. અને હા, ઇન્ડિયા સિવાયના બીજા કોઈ દેશમાં સ્થાયી થવાનો હું વિચાર પણ ન કરી શકું. તેમનાં માતા-પિતા લેબનોનમાં રહેતાં હતાં અને ઝબેલનો જન્મ પણ ત્યાં જ થયેલો. એટલે અરબી ભાષા તો બરાબર જાણે. અરબી જાણે એટલે હિન્દી-ઉર્દૂ શીખવાનું અઘરું નહિ. મુંબઈ આવ્યા પછી ગુજરાતી પણ શીખી ગયાં, અને મરાઠી પણ સમજતાં થયાં. કુટુંબમાં આ બધી ભાષા બોલાય. પણ ત્રણે દીકરીઓને આગ્રહપૂર્વક આર્મેનિયન અને ગુજરાતી ભાષા શીખવી. મેડોઝ સ્ટ્રીટમાં આવેલ ચર્ચમાં બાપ્તિસ્મા પણ અપાવ્યું.

લગ્ન પછી ઝબેલ મુંબઈ આવ્યાં એ ખરું. પણ મુંબઈને અને હિન્દુસ્તાનને તો તેઓ તે પહેલાંથી ચાહતાં થયાં હતાં. કઈ રીતે? હિન્દી ફિલ્મો જોઈને. વતનમાં એક જ થિયેટર હિન્દી ફિલ્મો બતાવતું. ઝબેલ એ બધી ફિલ્મો જુએ. મુંબઈનો દરિયા કિનારો, ઊંચાં-મોટાં મકાનો, વિશાળ રાજમાર્ગો, તેના પર દોડતી વિક્ટોરિયા કહેતાં ઘોડા ગાડી – આ બધાંનું તેમને જબરું આકર્ષણ. મુંબઈ આવ્યા પછી ઘરમાં ખ્રિસ્તી તહેવારો ઉજવાય તેમ નવરાત્રીમાં ગરબા પણ થાય અને દિવાળીમાં સાથિયા પુરાય અને ફટાકડા ફૂટે. આર્મેનિયન ખ્રિસ્તી પરંપરામાં નાતાલ છઠ્ઠી જાન્યુઆરીએ ઉજવાય. પણ ઝાબેલના ઘરમાં બે વખત ક્રિસમસ ઉજવાય : ૨૫મી ડિસેમ્બરે, અને છઠ્ઠી જાન્યુઆરીએ.

ટ્યૂલીપ જોશી 

જો કે પતિના અવસાન પછી તહેવારોની ઉજવણી થોડી મંદ પડી ગઈ. વળી હવે ઝબેલ ઘણો વખત વિદેશમાં સ્થાયી થયેલી દીકરીઓ સાથે ગાળે છે. અલબત્ત, મુંબઈની આવનજાવન તો ચાલુ જ છે. તેમની એક દીકરી ટ્યૂલિપ જોશી ૨૦૦૨થી ૨૦૧૫ સુધી ફિલ્મોમાં અભિનયના ક્ષેત્રે સક્રિય હતી. હિન્દી ઉપરાંત કન્નડ, પંજાબી, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વિલે પાર્લેની જમનાબાઈ નરસી સ્કૂલ અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો. ઈ.સ. ૨૦૦૦માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે કેટલીક જાહેર ખબર એજન્સીઓનું તેના તરફ ધ્યાન ગયું અને તે એ ક્ષેત્રમાં દાખલ થઈ. ત્યાર બાદ તેને પહેલી ફિલ્મમાં કામ કરવા મળ્યું તે હતી ‘મેરે યાર કી શાદી હૈ.’ ફિલ્મ ક્ષેત્રના કેટલાક આગેવાનોની સલાહ માનીને તેણે ફિલ્મો પૂરતું ‘સંજના’ નામ રાખ્યું. જો કે થોડા વખત પછી ફિલ્મો માટે ફરીથી પોતાનું મૂળ નામ અપનાવ્યું. આ ઉપરાંત તેમણે વ્યવસાય તરીકે વૈદિક જ્યોતિષશાસ્ત્રને અપનાવ્યું છે.

મુંબઈના આર્મેનિયનો વિષે વધુ વિગતે વાત કરવા માટે આજે આપણે મિસિસ પોસ્તાન્સની આંગળી છોડી દેવી પડી. પણ હવે આવતે અઠવાડિયે ફરી તેમની સાથે મુંબઈમાં લટાર મારશું. ત્યાં સુધી હાજ્જોક્સ! (એટલે કે ગુજરાતીમાં આવજો.)

e.mail: deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 માર્ચ 2024)

Loading

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|2 March 2024
વજન : ગાલગા ગાલગા ગાલગા

પ્રેમ રૂપી ખતા થઇ ગઈ,

જિંદગીભર સજા થઇ ગઈ.

“સત્ય બોલ્યા” ફકત એ ગુનો,

નોકરીથી રજા થઇ ગઈ.

“હું”ને દર્શાવવામાં હવે,

એકથી એક કલા થઇ ગઈ.

તારી સાથે પ્રણય શું થયો !

સિદ્ધિઓ બેવફા થઇ ગઈ.

“ફાસ્ટ ટ્રેનો” શા જીવનની આજ,

“લોકલો” શી દશા થઇ ગઈ.

તોય  કોરો ને કોરો રહ્યો,

એક લાંબી કથા થઇ ગઈ.

મોનીટર એક ઢીંગલી હતી,

મૂખ્ય ત્યાં શિક્ષિકા થઇ ગઈ.

કોઈને દુઃખ થયું, કોઈને –

એક પીડા મજા થઇ ગઈ.

એને  વસ્તી  “મટીને” ભજે,

એક વ્યક્તિ ખુદા થઇ ગઈ.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

...102030...643644645646...650660670...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved