Opinion Magazine
Number of visits: 9665473
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશમાં દર ત્રીજો નહીં તો ચોથો માણસ મૂરખ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2024

રમેશ ઓઝા

લોકસભાની ચૂંટણીમાં અયોધ્યાની બેઠક બી.જે.પી.એ ગુમાવી એ જોઇને મોઢું છૂપાવવા માટે બી.જે.પી. અને હિન્દુત્વવાદીઓ પાસે જગ્યા નહોતી બચી. એ બેઠક સમાજવાદી પક્ષના અવધેશ કુમાર નામના દલિત ઉમેદવારે ૫૪,૫૬૭ મતની સરસાઈથી જીતી હતી. યાદ રહે, એ બેઠક દલિત ઉમેદવારો માટેની આરક્ષિત નહોતી, જનરલ બેઠક હતી અને છતાં ય ભગવાન રામની ભૂમિમાં એક દલિતનો વિજય થયો હતો અને રામનામ જપનારાઓનો પરાજય થયો.

આવું શા માટે બન્યું? અને આવું વારાણસીમાં પણ બની શકતું હતું, શકતું હતું શું, બનવાનું હતું  જો ત્યાંથી ઉમેદવાર તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન હોત અને ઉત્તર પ્રદેશની સરકારે અને ભા.જ.પે. પૂરી તાકાત ન લગાડી હોત. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને અમિત શાહ સહિત ભા.જ.પ.ના તમામ કદાવર નેતા છઠ્ઠા રાઉન્ડ પછી વારાણસીમાં આવીને બેસી ગયા હતા. વારાણસી જિલ્લાનું, વારાણસી શહેરનું અને રાજ્યનું વહીવટીતંત્ર વડા પ્રધાનને જીતાડવા માટે કામ કરતું હતું. ગામડે ગામડેથી સરપંચોને બોલાવીને તાકીદ કરવામાં આવી હતી કે તમારા ગામના મત કમલને જ મળવા જોઈએ. ચૂંટણીપંચ તો પોતે જ એક પક્ષકાર હતું. એ પછી નરેન્દ્ર મોદીને માંડ દોઢ લાખ મતની સરસાઈ મળી હતી અને મતગણતરીમાં ત્રણ રાઉન્ડમાં તો પાછળ હતા. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને ચાર લાખ ૭૯ હજાર મતોની સરસાઈ મળી હતી. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને કુલ મતોમાંથી ૬૩.૬ ટકા મત મળ્યા હતા અને આ વખતે ૫૪.૨૪ ટકા મતા મળ્યા હતા. ૨૦૧૯ની તુલનામાં નવ ટકાનો ઘટાડો થયો હતો. જો ચૂંટણી ખરા અર્થમાં મુક્ત વાતાવરણમાં અને ન્યાયપૂર્વક યોજવામાં આવી હોત તો કાશીમાં નરેન્દ્ર મોદીનો પરાજય નિશ્ચિત હતો.

શા માટે? કાશી અને અયોધ્યા તો હિંદુઓ માટે પવિત્ર ભૂમિ છે. વડા પ્રધાને અયોધ્યાને રામમંદિર આપ્યું અને કાશીને કાશી વિશ્વનાથ કોરીડોર, રીવર ફ્રન્ટ, ગંગા નદીમાં ક્રુઝ અને બીજું શું શું નથી આપ્યું! આમ છતાં ય જાકારો? કારણ?

કારણ એ છે કે ત્યાંના સ્થાનિક લોકો નારાજ છે અને તેમની પ્રચંડ નારાજગી, નારાજગી નહીં, રોષ આ લખનારે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પોતાની સગી આંખે જોઈ હતી. લોકોની એક જ વાતની ફરિયાદ હતી કે કાશી અને અયોધ્યા હિંદુઓનાં યાત્રાધામ હતાં જેને આ લોકોએ ટુરિસ્ટ પ્લેસ બનાવી દીધાં. યાત્રાધામોનું ઊઘાડું વ્યવસાયીકરણ કરી નાખ્યું જેનો લાભ પ્રોપર્ટીમાં રોકાણ કરીને તેમ જ ક્રુઝમાં રોકાણ કરીને રાજકારણીઓ અને ગુજરાતીઓ લે છે. બાય ધ વે, ગુજરાતીઓ માટેનો રોષ પ્રચંડ છે. કાશીના લોકો કહે છે કે આખું શહેર ગુજાતીઓને હવાલે કરવામાં આવ્યું છે. અમારી રોજી છીનવી લીધી છે, મોંઘવારી વધારી દીધી છે અને પ્રોપર્ટીના ભાવ એટલી હદે વધ્યા છે કે અમારાં શહેરમાં અમારી પાસે પગ ફેલાવવા માટે સાધન નથી. અમારાં પોતાનાં શહેરમાં અમે દોહ્યલા છીએ. લોકો આંગળી ચીંધીને કહેતા હતા અને આજે પણ કહે છે કે આ ચીજ આ ભાઈની છે. અહીં સ્ટેડિયમ આવવાનું છે અને જ્યાં સ્ટેડિયમ બંધાવાનું છે એ જમીન ફલાણા નેતાની કે શેઠની છે. ગરીબ ખેડૂતો પાસેથી પાણીના ભાવે છીનવી લીધી છે.

આ જે કહેવામાં આવતું હતું એ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પત્રકારોની ટીમે સાબિત કરી આપ્યું. અત્યારે તો માત્ર અયોધ્યાનો અહેવાલ આપ્યો છે, આગળ જતા કદાચ કાશીનો પણ આવશે. નેતાઓ (મોટાભાગના બી.જે.પી.ના અને તે ત્યાં સુધી કે અરુણાચલના નાયબ મુખ્ય પ્રધાન પણ), મળતિયા કુબેરપતિઓ, મુંબઈના લોઢા બિલ્ડર, અમલદારો, ભાટાઈ કરનારા કલાકારો, શ્રી શ્રી રવિશંકર ૨૦૧૯થી જમીન ખરીદી રહ્યા છે. અને લાભાર્થીઓમાં અદાણી ન હોય એવું તો બને જ નહીં એટલે જમીન ખરીદનારાઓમાં તેમનું પણ નામ છે. જમીન ખરીદનારાઓની આખી યાદી તેમાં આપવામાં આવી છે. તેમના લાભાર્થે જંત્રીના ભાવ વધારવામાં નહોતા આવ્યા કે જેથી ખેડૂતોને લૂંટી શકાય. અયોધ્યા શહેરમાં અને અયોધ્યાની ફરતે ૨૫ કરતાં વધુ ગામોમાં પંદર કિલોમીટરના પરિઘમાં આ લોકોએ જમીન કબજે કરી લીધી છે જેના ભાવમાં માત્ર પાંચ વરસમાં દસ ગણો વધારો થયો છે. આવું જ કાશીનું છે. કાશીમાં તો હજુ મોટું રોકાણ હિંદુરાષ્ટ્રને વરેલા દેશભક્ત હિંદુઓએ કર્યું છે. ધર્મપ્રેમી દેશભક્ત હિંદુ ગરીબ હિંદુઓનાં ખિસ્સા કાપે છે, દેશભક્તિ અને ધાર્મિકતાના નામે.

પણ ઘેલાઓ સુધરવાના નથી અને આ દેશમાં દર ત્રીજો નહીં તો ચોથો માણસ મૂરખ છે. એટલે તો હાથરસની ઘટના બને છે, એટલે તો પતંજલિના પ્રોડક્ટ્સ વેચાય છે, એટલે તો નિર્મલ બાબા લાલ ચટણી સાથે સમોસા ખવડાવે છે, એટલે તો દેશના જવાબદાર નેતાઓ કાંઈ પણ ફેંકી શકે છે, એટલે બંગાળી બાબાઓ તાવીજ પકડાવે છે, એટલે તો હિંમતપૂર્વક ઇતિહાસસિદ્ધ વિજયને પરાજયમાં અને પરાજયને વિજયમાં ફેરવી શકાય છે. આ બધું ગ્રહણ કરવા માટે બેવકૂફો છે પછી ચિંતા શી વાતની! એ લોકો રાસડા લેતા રહેશે, ગુરખા બનીને આપણો બચાવ કરતા રહેશે, ઘર બાળીને જયજયકાર કરવાના છે માટે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આવા બેવકૂફો છે ત્યાં સુધી આપણે સુરક્ષિત છીએ. માત્ર તેમને કેફમાં રાખો અને ડરાવો. એ પછી ભરો ખિસ્સા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2024

Loading

ટ્રમ્પ ફરી ચૂંટાશે તો? :  વૈશ્વિક રાજનીતિનું વાઇલ્ડ કાર્ડ અને જંગલરાજનો માર્ગ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 July 2024

ટ્રમ્પને બંધારણની નથી પડી, ‘અમેરિકા ફર્સ્ટ’ના સ્વાર્થને આધારે મહાસત્તાની લોકશાહી ખાડે જશે અને વૈશ્વિક વ્યવસ્થા હચમચી જશે

ચિરંતના ભટ્ટ

તુર્કી ભાષામાં એક કહેવત છે, ‘તમે જ્યારે જોકરને મહેલમાં લાવો ત્યારે તે રાજા નથી બની જતો પણ મહેલ જ સર્કસ બની જાય છે.’ આમ તો આ વાત દુનિયા આખીમાં સત્તારૂઢ થયેલા નકામા નેતાઓને લાગુ પડે છે પણ અમેરિકા – ધી યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આવું થશે તો?-ની અટકળો પર સતત ચર્ચાઓ ચાલે છે. આપણે કોઇ વિશ્વનેતાને જોકર કહેતા જ નથી, પણ ઘણીવાર તેમનો વહેવાર જ ઘણું બધું કહી જાય છે.

આ તો આડવાત હતી, હવે મૂળ વાત પર આવીએ. યુ.એસ.એ.ના પ્રમુખ તરીકે ડોનાલ્ટ ટ્રમ્પ ફરી ચૂંટાય એવી વકી છે. હા એમની પર કેસિઝ પણ ચાલે છે અને જાતભાતના કૌભાંડોની ચર્ચા પણ થઇ ચૂકી છે. છતાં ય જો ટ્રમ્પ ફરી સત્તા પર આવશે તો યુ.એસ.એ.ના આંતરિક સમીકરણો જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના સમીકરણો બદલાઇ જશે. જો ટ્રમ્પ ફરી ચૂંટાશે તો તે NATOની ઐસી કી તૈસી કરી નાખશે અને દુનિયા આખીમાં અમેરિકાના પ્રભાવ અને પકડને જ પ્રાધ્યાનતા આપશે. યુરોપીય દેશો સાથેના ગઠબંધનને ફગાવી દેવાય તો વૈશ્વિક રાજનીતિનું વ્યવસ્થા તંત્ર ધરમૂળથી બદલાઇ જશે. NATO અમેરિકાનું સૌથી જૂનું અને મજબૂત ગઠબંધન છે છતાં ય ટ્રમ્પ પોતે રાજકારણમાં નહોતા ત્યારથી તેમણે આ ગઠબંધન પર સવાલ કર્યા છે, તેને નકામું ગણાવ્યું છે અને પોતાને તેની જરા ય પરવા નથી એવું ય જાહેરમાં કહ્યું છે. એ વાત અલગ છે કે ટ્રમ્પ જ્યારે પ્રમુખ હતા ત્યારે કોઇને કોઇ તેમને સમજાવી પટાવીને આવું કોઇપણ આત્મઘાતી પગલું લેતા અટકાવ્યા, પણ તેનાથી NATO અંગે ટ્રમ્પના વિચાર બદલાઇ ગયા છે એવું તો નથી. પહેલી ટર્મમાં ટ્રમ્પની આસપાસ એ લોકો હતા જેના વિચાર તેનાથી જુદા હતા પણ અંતે બધા ‘બિછડે સભી બારી બારી’ વાળા ખેલમાં તેનાથી છૂટા પડી ગયા છે. જો ટ્રમ્પ બીજી વખત ચૂંટાય તો એવી પૂરી શક્યતા છે કે તેની આસપાસ કાં તો એવા લોકો હોય જેમને યુ.એસ.એ.ના સલામતી અને સુરક્ષાને લગતા ગઠબંધન સામ વાંધો છે અથવા એવા લોકો હોય જેમને એના વિશે કંઇ સમજાતું નહીં હોય. ટૂંકમાં ટ્રમ્પને ‘હા એ હા’ કરનારા ચમચાઓનો દરબાર મળે એમ બની શકે છે.  આ તો માત્ર એક દૃષ્ટાંત છે કે ટ્રમ્પ કેવી રીતે વિચારે છે. એમ કંઇ NATOને ટાટા – બાય બાય કરવું સહેલું નથી.

દીવાલો ખડી કરીને પોતાના દેશમાં બીજા દેશના લોકો ન આવી જાય પ્રકારનું કાર્ય કરનારા ટ્રમ્પને ‘ઇમિગ્રન્ટ્સ’થી બહુ ચીઢ છે. ટ્રમ્પ જો પ્રમુખ બનશે તો પોતે પોતાના દેશમાં ગેરકાયદે આવેલા 11 મિલિયન લોકોને હાંકી કાઢવા માટે નીતિ ઘડશે એવો દાવો તેણે ટાઇમ મેગેઝિનના ઇન્ટરવ્યુમાં કર્યો છે. ભૂતકાળમાં પોતે પ્રમુખ બન્યા પછી ભલે ટૂંક સમય માટે જ પણ ‘મુસ્લિમ બૅન’ જાહેર કરનારા ટ્રમ્પની વિચારધારાથી કોઇ અજાણ નથી. વળી, ગર્ભાપાતને લઇને રિપબ્લિકન્સના વિચાર જગજાહેર છે. કોઇ ફેડરલ પ્રતિબંધ ન મૂકે પણ દરેક રાજ્યના આ અંગે કડક નિયમો હશે. ટાઇમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તો ટ્રમ્પે જો પોતે હારશે તો હિંસક માહોલ થઇ શકે છે એવું આડકતરી રીતે કહી દીધું હતું.

આ તો બધી યુ.એસ.એ.ની આંતરિક સ્થિતિની વાત થઇ પણ વૈશ્વિક રાજનીતિમાં જે વાઇલ્ડ કાર્ડઝ રમાતા હોય છે એ બધું રાતોરાત બદલી નાખે છે. પુતિને જે રીતે યુક્રેન પર હુમલો કર્યો એ તેનું સૌથી મોટું અને તાજું ઉદાહરણ છે. ટ્રમ્પ વૈશ્વિક રાજનીતિનું સૌથી મોટું વાઇલ્ડ કાર્ડ છે. ટ્રમ્પને આખેઆખું તંત્ર એ રીતે બદલી નાખવું છે કે ગણતરીના ધનિકો અને પ્રભાવી લોકો પાસે જ બધી સત્તા હોય, એને કોઇ સરકારી અધિકારીઓ નથી જોઇતા ન તો વિચારીને કાયદા બનાવતા લોકો જોઇએ છે. ટ્રમ્પને મૂળે પૂતિન વાળી કરી નાખવી છે. પેરિસ એગ્રિમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, યુ.એન. માનવાધિકાર કાઉન્સિલ વગેરેને ટ્રમ્પે પહેલાં પણ નથી ગણકાર્યા અને હજી પણ ગણકારવા નથી માગતા.

ટ્રમ્પને એમ છે કે પોતાના દેશના લોકોનું જે થવું હોય એ થાય પણ દેશમાં પૈસો આવવો જોઇએ અને પોતાનું કહ્યું થવું જોઇએ. યુરોપીય દેશો હોય કે ચીન હોય બધાએ ટ્રમ્પના ‘સામ્રાજ્ય’ને ફાયદો થાય એ રીતે જ વ્યવસાયી આર્થિક સોદા કરવાના એવું ટ્રમ્પ ઇચ્છશે. ટ્રમ્પે તો એમ કહેલું છે કે પોતે જીતશે તો આયાતો માટે  ‘ટેરિફ વૉલ’ ખડી કરશે અને બીજા દેશોને દસ ટકાના દરે આ જકાત ભરવી પડશે. આવું કંઇ થશે તો વૈશ્વિક વ્યાપાર યુદ્ધની સ્થિતિ સર્જાવાની છે. ટ્રમ્પનો દાવો છે કે એ યુક્રેઇન અને રશિયા વચ્ચે 24 કલાકમાં જ શાંતિની સ્થિતિ ખડી કરી શકે એમ છે. એ વાત અલગ છે કે આ માટેના વાટાઘાટોમાં ધાક-ધમકી જ હશે, જેમ કે યુક્રેઇનને મદદ ન આપવાની ધમકી અને રશિયાના વિરોધીઓને ખૂબ મદદ આપવાની ધમકી. પોતાની પહેલી ટર્મમાં ટ્રમ્પે ઇરાન સાથે બે વાર યુદ્ધની સ્થિતિ ખડી કરી હતી. ટ્રમ્પ નફટ્ટાઇથી પોતાને ન ગમતા રાષ્ટ્રો પર સીધા હુમલા કે હિંસક ગોબાચાળી કરવામાં જરા ય કચવાશે નહીં. ઇરાયલ ગાઝાના સંઘર્ષમાં પણ ટ્રમ્પ પોતાનો ફાયદો જ જોશે કારણ કે માનવતા તેનામાંથી સાવ બાદ થયેલી છે.

એક સમયે જે લોકતંત્રએ બીજા વિશ્વયુદ્ધ પછી જે અભિગમથી દુનિયામાં એક વ્યવસ્થા ખડી કરી (પોતાનો સ્વાર્થ હોવા છતાં બીજાને સાવ ખલાસ તો નહોતા જ કર્યા) તે યુ.એસ.એ. હવે પોતાની લોકશાહી વિચારધારાને કટિબદ્ધ નથી રહ્યો. ચીનની ગતિ અને પ્રગતિ યુ.એસ.એ.ના બન્ને પક્ષોને ખટકે છે, પણ ટ્રમ્પને સરમુખત્યાર રાષ્ટ્રો સાથે વધારે બને છે, તેને લોકતાંત્રિક લપ્પન છપ્પન નથી ગમતા. આ કારણે ચીન સાથે ટ્રમ્પ એવા સંબંધ ઇચ્છશે જેમાં ફાયદો અમેરિકાને થતો હોય પછી ભલે લોકશાહી વિચાર સાથે ચીનને કંઇ લેવાદેવા ન હોય. ટ્રમ્પનો અભિગમ નફા-ખોટને આધારે હોવાથી ગ્લોબલ સાઉથને વાંધો નહીં હોય કારણ કે વ્યાપારી સંબંધો તો બનશે.

મોદી અને ટ્રમ્પને સારાસારી હશે પણ ટ્રમ્પ અતિ સ્વાર્થી છે. કદાચ ભારતની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષામાં ટ્રમ્પનું પ્રમુખ હોવું તેને ફળે કારણ કે ટ્રમ્પને કારણે ભારત યુરેશિયન – યુરોપ-એશિયાની સિક્યોરિટીની વ્યવસ્થામાં ઉપર ચડશે. આર્થિક સ્તરે ટ્રમ્પ જે જકાત રાજાના લેબલમાં ફિટ થાય છે તેની સાથે વ્યાપારી કરાર કરવાનું ભારત માટે સરળ નહીં હોય. ટ્રમ્પનો સીધો હિસાબ છે જેમાં યુ.એસ.એ.ની ઉપર કંઇ જ નથી અને માટે તેની બધી રાજકીય-આર્થિક-સુરક્ષાને લેવડ-દેવડ માત્રને માત્ર અમેરિકાલક્ષી હશે. બીજા રાષ્ટ્રને નુકસાન થાય છે કે નથી થતું તેનાથી ટ્રમ્પને કોઇ ફેર નથી પડવાનો. જકાતને મામલે ભારતને ટેરિફ કિંગ કહી ચૂકેલા ટ્રમ્પે ભૂતકાળમાં ભારતનો પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ પણ ખતમ કરી દીધો હતો. કારણ એટલું કે તમારા માર્કેટમાં અમને સરળ પહોંચ ન મળતી હોય તો અમે પણ નહીં આપીએ. સદનસીબે આપણે સુરક્ષા માટે યુ.એસ.એ. પર આધાર નથી રાખતા.

ટ્રમ્પનો અભિગમ ‘આઇસોલેશનિસ્ટ’ છે, એટલે કે રાજનૈતિક ભાષામાં પૃથકવાદી અને બોલચાલની ભાષામાં એકલપેટો કે એકલસૂડો છે. પોતાના સિવાય કોઇની ન પડી હોય એવો આ અભિગમ જ્યારે પ્રમુખનો હોય ત્યારે રાષ્ટ્ર પૃથકવાદી બની જાય તેવી બધી જ શક્યતાઓ છે. ટ્રમ્પના ટેકેદારો પણ આ જ અભિગમની તરફેણ કરે છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની ટ્રમ્પની નીતિ એટલે કે બીજા દેશોને પોતાના લાભ વગર મદદ કેમ કરવી જોઇએ એવા પ્રશ્નો ખડા કરવાં. કોઇની સાથે વ્યવસાય કરવાથી આપણને શું મળે છે, કેટલો લાભ થાય છે તે પહેલાં જોવું અને બહાર ભલે બધું ભડકે બળતું હોય પણ ઘરે પૈસાની રેલમછેલ હોવી જોઇએ, પોતાના જ લોકોને લાભ થવો જોઇએ વાળો અભિગમ રાખવો. રશિયા યુદ્ધ અટકાવતો હોય તો ભલે યુક્રેનના કેટલાક હિસ્સાઓ લઇ લે એવું પણ ટ્રમ્પ બોલી ચૂક્યો છે, જે બતાડે છે એને માત્ર ઘર આંગણે ફાયદા જોઇએ છે પછી ભલે તે કોઇપણ રીતે મળતા હોય .. ટ્રમ્પનો પૃથકવાદી અભિગમ યુ.એસ.એ. માટે હાનિકારક હશે. પહેલા વિશ્વયુદ્ધ પછી એકલપેટા અભિગમને પગલે અમેરિકાએ પર્લ હાર્બર અટેકનો સામનો કરવો પડ્યો હતો. દુનિયાની પરવા વિના ટકી નથી શકાતું એ બોધ ટ્રમ્પને યાદ રહે તો સારું નહીંતર આપણે ચીન અને રશિયા જેવા સરમુખત્યાર સાથે પનારો પાડવો પડશે.

બાય ધી વેઃ

ટ્રમ્પની પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં જે થયું હતું તે બધું સુધારી શકાયું, બીજી ટર્મમાં ટ્રમ્પ જે કરશે એ નુકસાનમાંથી બેઠા થવું અઘરું હશે. ટ્રમ્પને તો સરિયામ સરમુખત્યારશાહી અને એકચક્રી શાસનનો જ મોહ છે પણ એ કરવા માટેની આવડત અને શિસ્ત તેનામાં નથી એવું વિશેષજ્ઞો દૃઢતાપૂર્વક માને છે. વળી સત્તા મળે એ પહેલાંનો આવેશ અને સત્તા મળી જાય તે પછીના જોશમાં ફેર હોય છે. સરમુખત્યારો સ્વાર્થી હોય છે એટલે ટ્રમ્પ આંધળુકિયા કર્યા કરે એ જરૂરી નથી, પણ કંઇ કહેવાય નહીં. હકીકત એ છે કે ભૂતકાળમાં નોર્થ કોરિયા, વેનેઝૂએલા અને સીરિયા સાથે યુદ્ધ છેડવાની ધમકી આપી ચૂકેલા ટ્રમ્પ સત્તા પર આવશે પછી સૌથી મોટો હુમલો તો અમેરિકાના લોકતંત્ર પર થવાનો છે એ નક્કી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2024

Loading

જગતમાં આ થઈ શું રહ્યું છે? કઈ દિશામાં વહેણ વહી રહ્યાં છે!

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2024

રમેશ ઓઝા

આપણે ત્યાં ભારતમાં ભારતીય જનતા પક્ષનું ચારસો પારનું સપનું તો સાકાર થયું નહીં, પણ બ્રિટનમાં મજૂર પક્ષનું ચારસો પારનું નહીં જોયેલું સપનું સાકાર થયું. મજૂર પક્ષે આમની સભા તરીકે ઓળખાતી બ્રિટનની લોકસભાની કુલ ૬૫૦ બેઠકોમાંથી ૪૧૧ બેઠકો (સ્પીકર સાથે ૪૧૨) બેઠકો મળી હતી. મજૂર પક્ષે આટલી બેઠકો મળશે તેની કલ્પના પણ નહોતી કરી. ગયા અઠવાડિયે બ્રિટિશ લોકસભાની ચૂંટણીનાં પરિણામ ચોંકાવનારાં છે. ચોંકાવનારાં એટલા માટે નથી કે મજૂર પક્ષનો જ્વલંત વિજય થયો છે. એટલા માટે પણ નથી કે રૂઢિચુસ્ત પક્ષનો કારમો પરાજય થયો છે, પણ અન્ય કારણ છે અને એ અન્ય કારણ ચોંકાવનારું છે.

બ્રિટનમાં કુલ મતદાન ૫૯.૯ ટકા થયું હતું. જેને ૬૫૦ બેઠકોમાંથી ૪૧૨ બેઠકો મળી એ મજૂર પક્ષને ૩૩.૭ ટકા મત મળ્યા છે. ૨૦૧૯માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મજૂર પક્ષને ૩૨.૧ ટકા મત સાથે ૨૦૨ બેઠક મળી હતી. આવું બને? મળેલા મતમાં માત્ર દોઢ ટકાનો વધારો અને બેઠકો બમણી કરતાં પણ વધુ? સામે રૂઢિચુસ્ત પક્ષને માત્ર ૧૨૧ બેઠકો મળી છે, પણ તેના મતમાં ૧૯.૯ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને ૪૩.૬ ટકા મત અને ૩૬૪ બેઠકો મળી હતી. એક ઝાટકે મતમાં ૨૦ ટકાનો ઘટાડો. ૪૩.૬ ટકા મત અને ૩૬૪ બેઠકો તો સમજી શકાય એમ છે, પણ માત્ર ૩૨.૧ ટકા મત, માત્ર દોઢ ટકાનો મતમાં વધારો અને ૪૧૨ બેઠકો મળે એ આશ્ચર્ય છે. કોણે તોડ્યા રૂઢિચુસ્ત પક્ષના લગભગ અડધોઅડધ મત જેને કારણે મતમાં મામુલી વધારો થવા છતાં મજૂર પક્ષને લોટરી લાગી ગઈ?

બ્રિટનમાં એક નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે જેનું જૂનું નામ બ્રેક્ઝિટ પાર્ટી હતું જે હવે ‘રિફોર્મ યુ.કે.’ તરીખે ઓળખાય છે. આ પક્ષને પાંચ બેઠકો સાથે ૧૪.૪ ટકા મત મળ્યા છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી કરતાં પણ બે ટકા વધુ મત. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૧.૧ ટકા મત અને ૭૨ બેઠકો મળી છે. ગયા વખત કરતાં માત્ર ૦.૬ ટકા વધુ મત મળ્યા છે, પણ બેઠકોમાં ૬૪નો વધારો થયો છે. આનું કારણ પણ રિફોર્મ યુ.કે. પાર્ટી છે.

રિફોર્મ યુ.કે.નો જન્મ ૨૦૧૮માં બ્રેક્ઝિટની કોખમાંથી થયો હતો. એટલે તો તેનું શરૂઆતનું નામ ‘બ્રેક્ઝિટ પાર્ટી’ હતું. આમ તો બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષ પોતે જ જમણેરી પક્ષ તરીકે ઓળખાય છે, પણ આ નવો પક્ષ અતિ જમણેરી પક્ષ છે. જો કે આવી (ફાર રાઈટ કે એક્સ્ટ્રીમ રાઈટ) જેવી  ઓળખ રિફોર્મ યુ.કે.ને સ્વીકાર્ય નથી અને આવી રીતે ઓળખાવવા માટે બી.બી.સી.એ માફી માગવી પડી હતી. આ પક્ષને ગઈ ચૂંટણીમાં માત્ર બે ટકા મત મળ્યા હતા અને એકેય બેઠક મળી નહોતી. બ્રિટનમાં જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે ત્યાંના છાપાઓ અને ન્યુઝ ચેનલોએ કરેલા સર્વેમાં રિફોર્મને ગણતરીમાં લેવામાં નહોતો આવ્યો. કોઈને નહોતું લાગતું કે આ પક્ષ આટલું ગજું કાઢશે. એ પછી જેમ જેમ ચૂંટણી પ્રચાર જોર પકડતો ગયો તેમ સમજાવા લાગ્યું હતું કે આ પક્ષ બેઠકો તો મેળવશે જ પણ તેનાં કરતાં રૂઢિચુસ્ત પક્ષને મોટું નુકસાન પહોંચાડશે.

પક્ષના નેતાઓ ભલે અસ્વીકાર કરે, પણ આ પક્ષ અતિ જમણેરી પક્ષ છે. જગત આખામાં સાંકડી વિચારધારાનો વાયરો નજરે પડી રહ્યો છે, હવે તેની લપેટમાં બ્રિટન પણ આવી રહ્યું છે. આનો પ્રચંડ લાભ મજૂર પક્ષને મળ્યો છે. એવું નથી કે મજૂર પક્ષની ઉદારમતવાદી વિચારધારા મતદાતાઓએ સ્વીકારી છે. જો એમ હોત તો તેના મતમાં નજીવો વધારો ન થાત, મોટો વધારો થવો જોઈતો હતો. ફ્રાંસમાં પણ અંતિમવાદી જમણેરી પક્ષને સૌથી વધુ મત મળી રહ્યા છે. જર્મની, ઇટલી, આર્જેન્ટીના, યુરોપિયન પાર્લામેન્ટ એમ સર્વત્ર અંતિમવાદી જમણેરીઓ માથું ઊંચકી રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ નહીં બની શકે, એમ કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. આ સહિયારા જગત (મલ્ટી-કલ્ચરલ વર્લ્ડ) માટે ચિંતાની વાત છે. સહિયારા જગતમાં ભારત જેવા દેશોનો સ્વાર્થ છે જે કમાવાની વયના લોકોની મોટી વસ્તી ધરાવે છે. વિકસિત દેશો હવે આગંતુકોને આવકારવા તૈયાર નથી. આપણે ઘર આંગણે સહિયારા ભારતમાં લઘુમતીને નકારીએ છીએ, પણ જગત હવે ભારતીયોને અને બીજા વસાહતીઓને નકારતું થયું છે. દૃષ્ટિનો ફલક વિસ્તારશો તો આની ગંભીરતા સમજાશે.

બ્રિટનના હવે માજી બનેલા વડા પ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના હિંદુ છે એ બધા જ જાણે છે. તેમની ધાર્મિકતા કે ધાર્મિક વેવલાઈ જોઇને ભારતમાં ઘણાં હિંદુઓ પોરસાતા હતા અને ગદગદ થઈ જતા હતા, પણ બ્રિટનમાં વસતા હિંદુઓમાં કોઈ પ્રકારનો રાજીપો નહોતો. ઋષિ સુનક હિંદુ છે, ભારતીય નથી. તેઓ રૂઢિચુસ્ત રાજકીય વિચાર ધરાવનારા હિંદુ બ્રિટિશ છે અને એ રીતે જ વર્તતા હતા. પણ રિફોર્મ પાર્ટીને મળેલા મતોએ સાબિત કરી આપ્યું છે કે બ્રિટિશ મતદાતાઓને હજુ વધુ બ્રિટિશ જોઈએ છે જેની ચામડીનો રંગ ગોરો હોય.

‘ધ હિંદુ’માં પીયુ (Pew) રીસર્ચ સેન્ટરનો એક સર્વે પ્રકાશિત થયો છે જે બ્રિટન અને ફ્રાંસનાં ચૂંટણી પરિણામો જેટલો જ ચોંકાવનારો છે. એમાં ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇટાલી, નેધરલેંડ, પોલાંડ, સ્પેઇન, સ્વીડન અને બ્રિટન એમ નવ યુરોપિયન દેશોના માત્ર મૂળ વતનીઓને ૨૦૨૩માં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. તમે નાટો (NATO) માટે સહાનુભૂતિ ધરાવો છો કે રશિયા માટે? તમે રશિયન નેતા પુતિન માટે સહાનુભૂતિ ધરાવો છો કે યુક્રેનના ઝેલેન્સકી માટે ધરાવો છો? આ જ સવાલ એ જ નવ દેશોમાં ૨૦૨૪માં પૂછવામાં આવ્યા હતા. તમને આશ્ચર્ય થશે કે NATO અને ઝેલેન્સકી માટેની સહાનુભૂતિમાં ઘટાડો થઈ રહ્યો છે અને રશિયા અને પુતિન માટેની સહાનુભૂતિમાં વધારો થઈ રહ્યો છે. આમાં ૨૨ ટકાનો ઘટાડો એકલા પોલેન્ડમાં થયો છે જે પોતે પૂર્વ યુરોપનો હિસ્સો છે અને જેની રક્ષા કરવાનો નાટો દેશો દાવો કરે છે. પોલેન્ડ એક જમાનામાં સામ્યવાદી દેશ હતો અને સોવિયેત રશિયાથી ત્રસ્ત હતો અને લોકશાહી મૂલ્યો માટે લડ્યો હતો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2024

 

 

Loading

...102030...635636637638...650660670...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved