Opinion Magazine
Number of visits: 9457249
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીની જનેતા ભારત?

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|13 March 2024

ભારતની પ્રાચીનકાળની શાસન વ્યવસ્થાથી વર્તમાન સંસદીય લોકશાહી સુધીની સફર

પ્રવીણભાઈ જ. પટેલ

ભારત લોકશાહીની જનની છે કે નહીં એ એક ચર્ચાસ્પદ બાબત છે. કારણ કે, આઝાદી પછી આપણે જે ઉદારવાદી લોકશાહી અપનાવી છે તેનું મૂળ પશ્ચિમની લોકશાહીમાં છે. અને પશ્ચિમની આધુનિક લોકશાહીનું મૂળ ઈ.પૂ. છઠ્ઠી સદીના ગ્રીસ અને રોમની લોકશાહીમાં છે.

પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા

પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા મહદંશે રાજાશાહી હતી. ઉદાહરણ તરીકે, ઈ.પૂ. હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા મનાતા રામ અને કૃષ્ણ સાથે જોડાયેલી વાર્તાઓ અને ઘટનાઓ દર્શાવે છે કે તે સમયમાં રાજાશાહીનું પ્રચલન હતું. પરંતુ, કેટલાક ઇતિહાસકારો નોંધે છે તેમ, ત્યાર બાદ, ઈ. પૂ. ૬ઠ્ઠી સદીની આસપાસ ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં વિકસેલ કેટલાંક જનપદો શક્તિશાળી અને સ્વતંત્ર પ્રજાસત્તાકો હતાં. આ પ્રજાસત્તાકોનું શાસન માળખું વિકેન્દ્રિત હતું. જો કે, આ જનપદોમાં સત્તા થોડા શ્રીમંત ઉમરાવોના હાથમાં કેન્દ્રિત હોવા છતાં, એકંદરે એમ કહી શકાય કે ત્યાં સહભાગી શાસન અને જવાબદારી જેવાં લોકતાંત્રિક મૂલ્યોનો વિકાસ થયો હતો. આ પ્રજાસત્તાકોમાં અગત્યના નિર્ણય લેવાની સત્તા સભા અને સમિતિ જેવી સંસ્થાઓ પાસે હતી. આ જનપદોને આખરે ઈ.પૂ. ચોથી સદીમાં મૌર્ય સામ્રાજ્ય દ્વારા જીતી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ભારતમાં રાજાશાહીનું જ પ્રચલન રહ્યું. પ્રાચીન ભારતના માનવ ધર્મશાસ્ત્ર, મહાભારત, અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા ગ્રંથોમાં પણ રાજાશાહીનો જ ઉલ્લેખ થયો છે.

રાજાશાહીનો યુગ

જનપદોના પરાભવ પછી ભારતમાં શક્તિશાળી સામ્રાજ્યો અને રાજાશાહીઓનો ઉદય થયેલો જોવા મળે છે. ઉત્તરમાં મૌર્ય અને ગુપ્ત તથા દક્ષિણમાં ચોલા, પંડ્યા, અને ચેરા જેવાં શક્તિશાળી સામ્રાજ્યોના ઉદય પછી શાસનપ્રણાલી વધુ કેન્દ્રિકૃત થઈ હતી. જો કે, આ સામ્રાજ્યોના પતન સાથે રાજ્યવ્યવસ્થા નાનાં રજવાડાંઓમાં વિભાજિત થઈ ગઈ હતી. અને સામંતોને વધુ સ્વાયત્તતા મળી હતી.

ત્યારબાદ, મધ્ય યુગમાં ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનત અને મુગલ સામ્રાજ્ય જેવાં શક્તિશાળી સામ્રાજ્યોનો ઉદ્ભવ થયો હતો. મધ્યયુગીન ભારતમાં રાજાઓ અને તેમની પ્રજા વચ્ચેનો સંબંધ વિવિધ પ્રદેશો, રાજવંશો, અને સમયગાળામાં અલગ-અલગ હતો. તેમ છતાં, કેટલીક લાક્ષણિકતાઓ લગભગ સામાન્ય હતી. જેમ કે, રાજાઓને શાસન કરવાનો દૈવી અધિકાર હતો એમ માનવામાં આવતું. અને શાસકને શાસન લગભગ વંશપરંપરાથી વારસામાં મળતું. આ રાજાશાહીઓમાં નિરંકુશ શાસન વ્યવસ્થા હતી, જ્યાં રાજા અથવા રાણીના હાથમાં સંપૂર્ણ સત્તા હતી. પ્રજાને રૈયત (subjects) ગણવામાં આવતી. રૈયત માટે રાજા પ્રત્યે વફાદારી રાખીને રાજ્યની આજ્ઞાનું પાલન કરવું જરૂરી હતું. અને રાજાને તેની પ્રજાની સુખાકારી માટે જવાબદાર પિતા તરીકે જોવામાં આવતો હતો. આમ, રાજા અને પ્રજા વચ્ચેનો સંબંધ મા-બાપ અને બાળકો જેવો હતો. પરંતુ મહદંશે રૈયત સાથે કાં તો અમાનવીય વ્યવહાર થતો અથવા અબુધ બાળક જેવો. તેનું હિત શેમાં રહેલું છે તે રૈયતને પૂછવાનું જરૂરી માનવામાં આવતું નહીં. આવા રાજાઓ ઉપર શાસિત પ્રજાનું નિયંત્રણ ન હોવાથી ક્યારેક તેઓ બિનકાર્યક્ષમ અને મનસ્વી બની જતા. રૈયત રાજ્ય કરતાં રાજાને વધુ વફાદાર રહેતી. રાજાઓની આવક મોટા ભાગે કરવેરા અને બળજબરીથી કરાવાતી મજૂરી પર આધારિત હતી. જેનાથી રૈયતનું શોષણ થતું. કેટલાક રાજાઓ તેમની સત્તાનો દુરુપયોગ કરીને જોહુકમી કરતા, વધુ પડતા કર લાદતા, અને રૈયતને પોતાની મિલકત સમજીને પોતાના હિત માટે તેનો મન ફાવે તેમ ઉપયોગ કરતા. તેથી ક્યારેક લોકોમાં નારાજગી અને રોષ વધતો તથા પ્રતિકાર અને વિદ્રોહના કિસ્સાઓ બનતા. જો કે, રાજાશાહીમાં નિરંકુશ શાસન હોવા છતાં, કેટલાક શાસકો મંત્રીઓ અને સલાહકારોની મદદ લેતા અને પ્રજામાનસમાં શું ચાલી રહ્યું છે તેની દરકાર કરતા.

તદુપરાંત, ઊંચ-નીચના ખ્યાલ પર આધારિત કઠોર જ્ઞાતિ વ્યવસ્થા વ્યાપક હતી. જ્ઞાતિ અને વ્યવસાયના આધારે સમાજ વિવિધ સ્તરોમાં વિભાજિત હતો. અને દરેકની પોતાની સામાજિક સ્થિતિ અને જવાબદારીઓ નિશ્ચિત હતી. લોકો વચ્ચેની આંતરક્રિયા તેમની જ્ઞાતિને આધારે થતી. જ્ઞાતિ વ્યવસ્થાને કારણે દરેક વ્યક્તિનો દરજ્જો જન્મથી નક્કી થતો. જ્ઞાતિ આધારિત અસમાનતા કાયમી હોવાથી તકોની અસમાનતા પણ સ્થાયી હતી.

સ્થાનિક જ્ઞાતિ પંચાયતો કે ગ્રામ પંચાયતો ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા વિવાદો ઉકેલવા જેવાં કાર્યો કરતી. પંચાયતના સભ્યો મહદંશે વંશપરંપરાથી કે પરાપૂર્વથી ચાલતા આવતા રિવાજો મુજબ નિમાતા. તેમના દ્વારા લેવાતા નિર્ણયોમાં સ્થાનીય વસ્તીને વિશ્વાસમાં લેવાતી. પરંતુ, આવી પંચાયતોમાં મહદંશે જ્ઞાતિના કે ગામના મોભાદાર અને વડીલ પુરુષોનું જ વર્ચસ્વ રહેતું.

મધ્ય યુગના અંતે, ૧૬મી-૧૭મી સદીની આસપાસ, ભારતમાં ઘણાં રાજ્યો અને રજવાડાંઓ નબળાં પડ્યાં હતાં. અને તેમની વચ્ચે અંદરોઅંદરની હુંસાતુંશી કે લડાઈઓ વધી ગઈ હતી. તેથી ભારતના ઘણા પ્રદેશોમાં અરાજકતા અને અંધાધૂંધી પ્રવર્તમાન હતી. આ સંજોગોમાં બ્રિટનથી ધંધાર્થે આવેલ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના રાજકારણમાં પણ પગપેસારો કરવા માંડ્યો હતો.

બ્રિટિશ સંસ્થાનવાદનો યુગ

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭મી સદીના મધ્યમાં ભારતમાં તેનું શાસન સ્થાપિત કર્યું. અને બ્રિટિશરોના સંસ્થાનવાદના યુગની શરૂઆત થઈ. ભારતના રાજકારણમાં આ એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો. અંગ્રેજોએ ભારતીય ઉપખંડ પર વ્યવસ્થિત રીતે તેમના નિયંત્રણનો વિસ્તાર કર્યો. પરંતુ, કંપનીનું શાસન મૂળભૂત રીતે દમનકારી હતું. આર્થિક શોષણ તેનું મુખ્ય લક્ષણ હતું. અને તે ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે ખાસ સંવેદનશીલ નહોતું. તેથી તેનો પ્રતિકાર થયો. આ પ્રતિકારની પ્રથમ નોંધપાત્ર અભિવ્યક્તિ ઈ.સ. ૧૮૫૭નો બળવો હતો, જેને ભારતનું પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.

ઈ.સ. ૧૮૫૭ પછી ભારત બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બની ગયું. અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર તેનો ઘણો બધો ભૂ-ભાગ એક કેન્દ્રીકૃત શાસન હેઠળ આવ્યો. બ્રિટિશરોએ રેલવે, પોસ્ટ ઑફિસ, વહીવટી અને ન્યાયિક વ્યવસ્થા, આધુનિક ઉદ્યોગો, આધુનિક શિક્ષણ સંસ્થાઓ વગેરેની સ્થાપના કરી. તેથી ભારતમાં એક એવા વર્ગનો ઉદય થયો જે પશ્ચિમની આધુનિક સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો. જો કે, ભારતીય પ્રજાનું દમન અને શોષણ ચાલુ રહ્યું. તેથી સ્વ-શાસનની માંગ ઊભી થઈ અને સ્વતંત્રતા ચળવળને વેગ મળ્યો. ઈ.સ. ૧૮૮૫માં રચાયેલી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સ્વતંત્રતા માટેના આ સંઘર્ષમાં નિર્ણાયક ભૂમિકા ભજવી.

૨૦મી સદીની શરૂઆતમાં ભારતની સ્વતંત્રતા ચળવળ વધુ વ્યાપક બની. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ રાજકીય સંવાદનું મુખ્ય પ્લેટફોર્મ બની ગઈ. તેણે સ્વ-શાસન માટેની ભારતીય લોકોની આકાંક્ષાને અવાજ આપ્યો અને ભારતની  સ્વતંત્રતા ચળવળની આગેવાની લીધી. લોકમાન્ય ટિળક, મહાદેવ ગોવિંદ રાનડે, દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક નેતાઓએ ભારતના સ્વતંત્રતા-આંદોલનની આગેવાની લીધી હતી. આ તમામ નેતાઓ પશ્ચિમની ઉદારવાદી વિચારસરણી અને કેળવણીથી પ્રભાવિત થયા હતા. તેમણે પ્રજાના હક્કો અને માનવીય ગરિમા અંગે ભારતીય સમાજમાં જાગૃતિ આણી. તેથી બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની હિમાયતે જોર પકડ્યું. અહિંસક અસહકાર ચળવળ અને ભારત છોડો ચળવળ દ્વારા ભારતે આખરે ઈ.સ. ૧૯૪૭માં આઝાદી મેળવી હતી. લાંબા ચાલેલા આ સંઘર્ષે સ્વતંત્ર ભારતમાં લોકશાહી માટેની ઝંખનાનો પાયો નાખ્યો હતો.

સ્વતંત્રતા પછી લોકશાહી ભારતનો ઉદય

અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય સમાજમાં ભાષા, જ્ઞાતિ, અને ધર્મ પર આધારિત જટિલ સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા હતી. જીવનના દરેક ક્ષેત્રમાં ઊંચ-નીચના ખ્યાલો પ્રવર્તમાન હતા. તકોની અને મૂળભૂત માનવાધિકારોની વ્યાપક અસમાનતા હતી. સમાજ લગભગ સ્થગિત હતો, સામાજિક ગતિશીલતા લગભગ અસંભવ હતી. પ્રાચીન સામાજિક પરંપરાઓનું અને રિવાજોનું વર્ચસ્વ હતું. સમાજ મોટા ભાગે કૃષિપ્રધાન હતો. જેમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિ, અને સામુદાયિક વફાદારીઓ તથા જવાબદારીઓ પર ભાર મૂકવામાં આવતો હતો. દરેક વ્યક્તિનો સામાજિક મોભો કે દરજ્જો જન્મથી જ નક્કી થતો. અને જીવનભર તેને બદલવાનો કોઈ અવકાશ નહોતો. બ્રિટિશ શાસન દરમ્યાન આમ જનતાની માનસિકતામાં કે સામાજિક પરિસ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો ન હતો. વળી બ્રિટિશ શાસને પોતાની સત્તા ટકાવી રાખવા જાતિ અને ધર્મ જેવા પ્રવર્તમાન વિભાજનને વધાર્યું હતું. જેના કારણે વ્યાપક ભેદભાવ અને સામાજિક અશાંતિ ફેલાઈ હતી. જો કે, બ્રિટિશ રાજમાં  મ્યુનિસિપાલિટી જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને લેજીસ્લેટીવ કાઉન્સિલ જેવી લોકશાહી સંસ્થાઓ સ્થપાઈ હતી. અને લોકોની શાસનમાં મર્યાદિત ભાગીદારીની શરૂઆત થઈ હતી.

આઝાદી પછી ઈ.સ. ૧૯૫૦માં બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે પણ ભારતની સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિમાં બહુ મોટો બદલાવ આવ્યો નહોતો. આ પરિસ્થિતિમાં આઝાદ ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું તેનો ઉદ્દેશ્ય સમાનતાવાદી સમાજ માટે શાસકીય માળખું સ્થાપિત કરવાનો હતો. તથા ભારતના દરેક નાગરિકને મૂળભૂત અધિકારોની બાંયધરી આપીને આધુનિક લોકશાહી ભારતના નિર્માણનો માર્ગ મોકળો કરવાનો હતો. તે એક ક્રાંતિકારી પગલું હતું. કારણ કે, આઝાદી પછી અપનાવવામાં આવેલા બંધારણનો હેતુ ભારતીય સમાજના પાયાને ધરમૂળથી બદલવાનો હતો. તેનો ઉદ્દેશ્ય પરંપરાઓ ઉપર આધારિત જૂનવાણી ભારતીય સમાજને પ્રગતિ તરફ લઈ જવાનો હતો, જૂની સમૂહ આધારિત સમાજરચના તરફથી વ્યક્તિવાદી સમાજ ઊભો કરવાનો હતો, જન્મજાત દરજ્જાનાં બંધનો દૂર કરીને તેના સ્થાને વ્યક્તિગત યોગ્યતા અને સિદ્ધિ પર આધારિત વ્યવસ્થા ઊભી કરવાનો હતો, અને ભારતીય સમાજમાં ઊંડે સુધી જડાયેલી અસમાનતાઓને દૂર કરીને વધુ ન્યાયી અને સમાનતાવાદી સમાજ ઘડવાનો હતો. પરંપરાથી આધુનિકતા તરફની આ એક મોટી છલાંગ હતી, ભારતીય સમાજના નવનિર્માણનો આરંભ હતો.

કરોડો ભારતીયો માટે તે એક પ્રકાંડ પરિવર્તનની શરૂઆત હતી.  તેમને માટે રૈયત મટી નાગરિક બનવાની એક સફર હતી. અંગ્રેજોના અને તે પહેલાંનાં શાસનોમાં તેઓને પોતાના જીવનને અસર કરતા નિર્ણયોમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નહોતો. પરંતુ, સ્વતંત્રતા પછી અપનાવેલા બંધારણ દ્વારા તેમને સ્વ-શાસનનો અધિકાર મળ્યો. તેમને પોતાના નેતાઓની પસંદગી કરવાનો હક્ક મળ્યો. તેમને પોતાના કાયદાઓ પોતે જ બનાવવાનો અને પોતાનાં સપનાંનું ભારત નિર્માણ કરવાની તક મળી. નિષ્ક્રિય રૈયતમાંથી સક્રિય નાગરિક બનવાનો આ એક મોકો હતો. એજન્સી અને સશક્તિકરણની આ નવી પહેલ લાખો લોકોના જીવનમાં એક મોટો વળાંક હતો.

ભારતીય બંધારણની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ

સ્વતંત્રતા પછી, ઈ.સ. ૧૯૫૦માં ભારતે લેખિત બંધારણ દ્વારા સરકારનું લોકશાહી-પ્રજાસત્તાક સ્વરૂપ અપનાવ્યું. આમ આઝાદી પછી ભારતનો એક આધુનિક લોકશાહી રાષ્ટ્ર તરીકે જન્મ થયો. ભારતનું બંધારણ સરકારની સંસદીય પ્રણાલીની, ચેક અને બેલેન્સની, અને સંઘીય માળખાની જોગવાઈ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના વડા છે, જ્યારે વડા પ્રધાન સરકારના વડા છે. લોકસભા અને રાજ્યસભાની બનેલી સંસદ દેશની સર્વોચ્ચ વિધાયક સંસ્થા છે. ભારતની બહુ-પક્ષીય રાજકીય વ્યવસ્થા દેશની વિશાળ વિવિધતાનું પ્રતિબિંબ છે. વિવિધ વિચારધારાઓ અને પ્રાદેશિક હિતોનું પ્રતિનિધિત્વ કરતા અસંખ્ય રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં સક્રિય ભાગ લે છે. આ બહુ-પક્ષીય પ્રણાલી લોકોની ઇચ્છાનું વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે અને સ્પર્ધાત્મક રાજકીય વાતાવરણને પ્રોત્સાહન આપે છે.

ભારતીય બંધારણની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે : 

    •        મૂળભૂત અધિકારો : બંધારણ તમામ નાગરિકોને મૂળભૂત અધિકારોની બાંયધરી આપે છે. જેમાં સમાનતાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અને જીવનના અધિકારનો સમાવેશ થાય છે. આ અધિકારોનો હેતુ લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી બચાવવા અને સૌને શાસનમાં ભાગ લેવા માટે સશક્ત કરવાનો છે.
    •        સમાનતા અને સામાજિક ન્યાય : બંધારણે અસ્પૃશ્યતાને નાબૂદ કરી અને જાતિ, ધર્મ, લિંગ, અથવા જન્મસ્થળને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટે કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપી. દરેકને વિકાસની સમાન તકો મળી રહે તે વાસ્તે સમાનતાના અને  સામાજિક ન્યાયના આદર્શોને અનુસરવાનું નક્કી કર્યું. આ માટે રાજ્ય દ્વારા આવશ્યક સેવાઓનું પ્રદાન કરવાની તથા વંચિત સમુદાયો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી.
    •        બિનસાંપ્રદાયિકતા : ભારતની ધાર્મિક વિવિધતા જાળવી રાખવા તમામ નાગરિકોને ધર્મની સ્વતંત્રતાની બાંયધરી આપીને તમામ નાગરિકો માટે તેમની આસ્થાને અનુલક્ષીને સમાનતાની ભાવના ઊભી કરવામાં આવી. અનેક ધર્મો ધરાવતા વૈવિધ્યસભર રાષ્ટ્રમાં એકતા અને સહિષ્ણુતાને ઉત્તેજન આપવા માટે આ એક નિર્ણાયક પગલું હતું.
    •        લોકશાહી પ્રજાસત્તાક : બંધારણે સાર્વત્રિક મતાધિકાર અને સરકારની સંસદીય પ્રણાલી સાથે લોકશાહી પ્રજાસત્તાકની સ્થાપના કરી. આનાથી નાગરિકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અને તેમને જવાબદાર રાખવાનો અધિકાર મળ્યો. સમગ્ર ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર લોકોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવાની સત્તા મળી.
    •        નિયમિત ચૂંટણીઓ : ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી નિયમિત ચૂંટણીઓ સત્તાના સરળ હસ્તાંતરણને સુનિશ્ચિત કરે છે, અને લોકો દ્વારા ચાલતી સરકારના લોકશાહી સિદ્ધાંતનું અનુમોદન કરે છે. દરેક ચૂંટણીમાં જોવા મળતો મતદાનનો ઊંચો આંક લોકશાહી પ્રક્રિયામાં ભારતીય જનતાની સક્રિય ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.
    •        સંઘ વાદ : રાષ્ટ્રની વિવિધતાને ખ્યાલમાં રાખીને બંધારણે કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન સાથે સંઘીય માળખું બનાવ્યું. આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા જાળવીને રાજ્યો માટે સ્વાયત્તતા સુનિશ્ચિત કરવાનો હતો.
    •        ન્યાયિક સમીક્ષા : બંધારણે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીના નિર્ણયોની સમીક્ષા કરવાનો, અને તેઓ બંધારણનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનો અધિકાર આપ્યો છે.

ભારતીય બંધારણ સંસદીય પ્રણાલી, મૂળભૂત અધિકારો, અને ન્યાયિક સ્વતંત્રતા જેવા પશ્ચિમી વિચારોથી પ્રભાવિત છે. જેમાં બ્રિટિશ, અમેરિકન, અને અન્ય બંધારણીય પરંપરાઓની વિશેષતાઓ સામેલ કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં આ વિચારોને સ્વદેશી વિભાવનાઓ સાથે જોડવાનો એક અજોડ પ્રયત્ન પણ જોવા મળે છે.

આ બંધારણ ન્યાયી, સમાન, અને સમૃદ્ધ સમાજ તરફ ગતિ કરવા માટે એક શક્તિશાળી પથદર્શક તરીકે કામ કરે છે.  અસંખ્ય પડકારો હોવા છતાં, ભારત તેનાં લોકશાહી મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવી રાખવામાં મહદંશે સફળ રહ્યું છે. જો કે, દેશ હજી પણ આ આદર્શોને સંપૂર્ણ રીતે સાકાર કરવામાં અનેક પડકારો સાથે ઝઝૂમી રહ્યો છે.

સમાપન

ભારતની આધુનિક લોકશાહી તરફની સફર તેની પ્રાચીન અને ભાતીગળ સંસ્કૃતિ તથા આધુનિક લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમાં પશ્ચિમના આધુનિક લોકશાહી સિદ્ધાંતો સાથે પ્રાચીન પરંપરાઓનું મિશ્રણ જોવા મળે છે.

જો કે, પ્રજાના હક્કો અને માનવીય ગરિમા અંગે બ્રિટિશ શાસન દરમ્યાન જે થોડીઘણી જાગૃતિ આવી હતી તે મુખ્યત્વે ભણેલા-ગણેલા ભદ્ર વર્ગ પૂરતી જ સીમિત હતી. પરિણામે આપણે જ્યારે આધુનિક લોકશાહી બંધારણ અપનાવ્યું ત્યારે અપૂરતા આધુનિકીકરણને કારણે તેનો વૈચારિક પાયો મજબૂત નહોતો. પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થા અને ઊંચ-નીચના ખ્યાલો ઉપર આધારિત જ્ઞાતિકેન્દ્રિત સમાજ વ્યવસ્થા આધુનિક લોકશાહી માટે અનુકૂળ નહોતી. તેથી લોકશાહી મૂલ્યોને આપણે પૂરેપૂરાં પચાવી શક્યા નથી તેમ ક્યારેક લાગે છે. પ્રજામાનસમાં રૈયતની માનસિકતા અને શાસકોમાં રજવાડી માનસિકતા ક્યારેક ક્યારેક છતી થતી જોવા મળે છે.

પરંતુ, ભારતીય લોકશાહીની તાકાત તેની સતત અનુકૂલન અને વિકાસ કરવાની ક્ષમતામાં રહેલી છે. આધુનિક યુગમાં, ભારતની ગણના વિશ્વની એક મોટી અને પરિપક્વ લોકશાહી તરીકે થાય છે. ભારતીય લોકશાહી નિયમિત ચૂંટણીઓ, બહુ-પક્ષીય રાજકીય પ્રણાલી, અને સામાજિક ન્યાય તથા સમાનતા માટેની પ્રતિબદ્ધતા માટે વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે. જો કે, તેની અપ્રતિમ સિદ્ધિઓ હોવા છતાં, ભારતીય લોકશાહી ભ્રષ્ટાચાર, ગરીબી, અને સામાજિક અસમાનતા જેવા અનેક પડકારોનો સામનો કરી રહી છે.

૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
ઈમેલ: pravin1943gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ, 2024; પૃ. 04-06

Loading

અગ્નિવીણા : સ્વામી આનંદ

નારાયણ દેસાઈ|Gandhiana, Profile|13 March 2024

નારાયણ દેસાઈ

કાઝી નસરુલ ઇસ્લામના પ્રસિદ્ધ કાવ્યગ્રંથનું નામ છે ‘અગ્નિવીણા’. સ્વામી આનંદની પ્રતિભામાં પાવકની પાવન-કારી શક્તિ અને વીણાના માધુર્યનું મિલન હતું. તેમના વ્યક્તિત્વમાં એક તરફ તિલક-ગાંધીની સત્યનિષ્ઠા અને બીજી તરફ સૂર-તુલસી અને રામકૃષ્ણની ભક્તિના સંસ્કાર સમન્વિત હતા.

‘અંત્યજ’ કે આદિવાસી પ્રત્યે થતો અન્યાય, બનાવટી સાધુઓનો દંભ, સંકુચિત પ્રાંતવાદ, અંગ્રેજોનો સામ્રાજ્યવાદ, સ્વરાજ પછીના ઘઉંવર્ણા સાહેબોના ડોળદમામ અને ભ્રષ્ટાચાર, રચનાત્મક કાર્યકર્તાઓની જડતા-નિષ્ક્રિયતા કે રાજ્યાશ્રિતતા, અણુબોંબ કે જંતુયુદ્ધની ભીષણતા, સભ્યતા અને પ્રગતિને નામે પ્રકૃતિ પર ગુજારાતો અત્યાચાર – આ તમામ બાબતો સ્વામીની અસિધારાના વારના વિષયો હતા. એક સૈકામાં અગિયાર ઓછાં વરસના એમના દીર્ઘ જીવનના વરસે વરસના ત્રણસો ને પાંસઠ દિવસમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે જ્યારે સ્વામીના અગ્નિના તણખા નહીં ઝર્યા હોય. આ અગ્નિશિખા જ એમના કર્મયોગની પથપ્રદર્શિકા હતી. અન્યાય સામે નિરંતર ઝઝૂમવાનો એમનો તરવરાટ જ એ સંન્યાસી જીવને સંસારના રણ આંગણમાં ખેંચી જતો; એ જ એમને તિલક મહારાજ કે ગાંધીજીને ચરણે બેસાડતો, થાણા કે સૂરત જિલ્લાના વાર્લી, કુંકણા દૂબળા કે ઢોડિયાઓની ઝૂંપડીઓ સુધી રખડાવતો, એ જ એમની પાસે જેને એક વાર પોતાના ખોળામાં લઈને ફેરવેલી અને પાછળથી જેની ઝળહળતી કીર્તિ જોઈ હૈયું ઠારેલું તે ઇન્દિરાજીની ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહીને પોષક નીતિ જોઈને એની સામે રણશિંગું ફૂંકવા પ્રેરતો. એ જ તરવરાટ જેની ઓળખાણ પોતે ગાંધીજીના સર્વશ્રેષ્ઠ સાથી તરીકે, ઈશુના સર્વશ્રેષ્ઠ સંત સમા ઓલિયા તરીકે કરાવેલી તે વિનોબાજી અંગે એમ કહેવડાવી શકેલો કે, ‘તમારા કોરા અધ્યાત્મવાદે તમને આબાદ ગોથું ખવડાવ્યું છે.’

બીજી બાજુ એમનું માધુર્ય પ્રેમ, વાત્સલ્ય કે કરુણાના ધોધ રૂપે સદા ધસમસતું રહ્યું છે. દશ વર્ષની વયે ભગવાનના દર્શનના લોભે ઘર છોડી નીકળી પડેલા તે રખડુ સાધુઓની સંગતમાં ચેલાઓ ઉપર થતી જોહુકમી અને જુલમ જોઈ કે ભીખ માંગવામાં ઉપયોગી નીવડે એટલા સારુ કુમળાં બાળકોની આંખો ખુદ માતા પિતાને જ જાતે ફોડી નાખતાં જોઈને એમનું હૈયું દ્રવી ઊઠેલું. તેમાંથી રામકૃષ્ણ પરમહંસના કોઈ શિષ્યની આંગળી પકડી ઊગરી નીકળવા છતાં એ દૃશ્યની કરુણતા આખી જિંદગી સુધી ભૂલી ન શક્યા. રામકૃષ્ણાશ્રમમાં ભજનોનો જે નાદ લાગ્યો તે છેવટ સુધી એમના હૈયાને તરબોળ કરતો રહ્યો અને સંગીતથી સાત વાર છેટે રહીને સુધ્ધાં રોજે રોજ પ્રાર્થનામાં તુલસીની ‘બાતન કી એક બાત – રામનામ લીજિયે, રામનામ લિજિયે’નો જપ કરતા રહ્યા.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ તથા અનાસક્તિયોગ જેવા મુખ્ય ગ્રંથોની પ્રસ્તાવનામાં જેમના નામનો ઉલ્લેખ આવે છે; વિનોબા, મશરુવાળા, મહાદેવ કે નરહરિની હરોળમાં જે સહેજે બેસી શકે એમ હતા, સિંહગઢમાં તિલક મહારાજ અને ગાંધીજીનો સહવાસ ગોઠવી આપનાર, આખા દેશને નવું જીવન આપનાર ‘નવજીવન’ના અંકો તૈયાર કરવામાં જેમનું સ્થાન ગાંધીજી પછી બીજે નંબરે આવે એમ હતું, જેમણે ગોસેવા સંઘનું મંત્રીપદ શોભાવેલું અને કસ્તૂરબા ટ્રસ્ટનો પાયો નાંખેલો, બાળા સાહેબ ખેર અને આચાર્ય ભિસે જેવાએ જેમની પાસેથી આદિવાસીઓની સેવાની પ્રેરણા લીધેલી, બિહારના ભૂકંપ વખતે જેમણે ગુજરાતની રાહત ટુકડીની આગેવાની કરેલી, સરદાર પટેલના મિત્ર અને મંત્રી તરીકે જેમણે એકથી વધુ વાર કામ કરેલું, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જેમણે નિરાશ્રિતોની સેવા ઘરના માણસની જેમ કરેલી; ખેર સાહેબ, વૈકુંઠભાઈ મહેતા, યશવંતરાવ ચવ્હાણ જેવા પ્રધાનો જેમની પાસે આદરપૂર્વક સલાહ માગતા તેમને આજે લોકો આટલું ઓછું કેમ જાણે છે ?

સ્વામી આનંદ

‘સ્વામી આનંદ ! નામ તો કાંઈક પરિચિત સંભળાય છે. પણ બરાબર ખ્યાલ આવતો નથી.’ એમ કેમ કહે છે ? ભાઈ, દેશના તમામ સ્વામીઓનાં નામ પાછળ આનંદ શબ્દ તો લાગેલો જ હોય છે. માટે એ નામ પરિચિત લાગે એ સ્વાભાવિક છે. પરંતુ સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે સંસારી વસ્ત્રોમાં હોવા છતાં તેઓ આજન્મ સંન્યાસી જ હતા. પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા અને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મેળાવડામાં કે મંચ પર બિરાજેલા ન દેખાય. એ તો હોય કોઈ ટ્રેડળ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઉથલાવતા, ચોક્કસ ઉદ્ધરણોનાં મૂળ શોધતા કે થોડી જગામાં વધારે મેટર કેવી રીતે સમાવવું તેની ગડમથલ કરતા. એમને તમે કોઈ પાર્ટીમાં ન જુઓ, એમની મિજબાની તો ચાલતી હોય ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડાંઓમાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં.

(જો કે ખાવાની વાત નીકળી છે તો સાથે સાથે મારે કહી દેવું જોઈએ કે જીવનના તમામ વિષયોની માફક ખાવાની બાબતમાં પણ તેઓ ‘યો વૈ ભૂમા તત્ સુખમ્ ન અલ્પે સુખમસ્તિ’ના મંત્રમાં માનતા અને તેથી જ, દૂધ પીતા તો તેનું માપ સો બસો મિલિગ્રામમાં નહીં પણ લિટર અને ગેલનમાં ગણાતું અને પૂરું જમ્યા પછી મુખવાસ તરીકે પાશેરેક બદામ કે ફળાહારમાં એકાદ ડઝન કેળાં-સંતરાં કે પાંચ છ ગ્લાસ શેરડીનો રસ ગટગટાવી જતાં મેં એમને જોયા છે !) એમના સહજ સંન્યાસને લીધે એમને પ્રતિષ્ઠાની પરવા જ નહોતી, તેથીસ્તો સાહિત્ય અકાદમીએ પાંચ હજારનું પારિતોષિક આપતાં એમનો ટૂંકો ‘બાયો-ડેટા’ માંગ્યો ત્યારે એ ઈનામને પાછું ઠેલી એમણે લખ્યું – તમને ભારતીય સંસ્કૃતિની કાંઈ જાણબાણ છે ખરી કે ? સાધુને એના પૂર્વાશ્રમ વિષે પુછાતું હશે !

પણ એ કહેવું મુશ્કેલ છે કે સ્વામી સંન્યાસી વધુ હતા કે સંસારી. પોતે વ્યક્તિગત રીતે સંન્યાસી હોવા છતાં એ એક વિશાળ પરિવારના કુલપતિ હતા. એક વખત ગંગોત્રી ગયેલા. ત્યાં નહાતી વખતે સગાંવહાલાંનું સ્મરણ કરીએ તો ગંગા નહાયાનું પુણ્ય એમને પણ લાગે એવી માન્યતા છે. સ્વામીએ વિચાર્યું કે દરેક આપ્તજનને યાદ કરીને એક ડૂબકી મારવા જાઉં તો અહીં જ ટાઢે ઠરી મરીશ. તેથી તેમણે એક યુક્તિ કરી. સૌથી નિકટના જે આપ્તજનો હતાં તેમનાં નામોની યાદી બનાવી, એ યાદી ગંગાકાંઠે ઊભા રહીને વાંચી ગયા. પછી એક સામટી બધાં વતી ડૂબકી મારી. એ યાદી સાડાત્રણસો લોકોની થઈ હતી ! છતાં એમના મનમાં રહી ગયું હતું કે યાદી સાવ અધૂરી રહી ગઈ. કોઈ સંસારી માણસ પોતાની દીકરીના લગ્નની કંકોતરી સારુ જેવી યાદી બનાવે તેવી યાદી તો સ્વામીને પોતાના નજીકનાં સગાંવહાલાંની કરવી પડે એમ હતું.

પાછલી ઉંમરમાં સામાન્ય રીતે લોકો એમને ‘સ્વામીદાદા’ કહેતા. મોહન પરીખ વગેરે કેટલાક એમને ‘સ્વામી કાકા’ કહેતા. પણ મારા તો એ ‘મામા’ જ. મહાદેવભાઈના એ અભિન્નહૃદય મિત્ર એ વાત ખરી, પણ દુર્ગાબહેનના તો એ જાણે મા જણ્યા ભાઈ જ. સત્યાગ્રહ આશ્રમ સાબરમતીમાં દુર્ગાબહેનને રસોડે રોજ મહેમાનોની ભીડ જામે. પણ રોજેરોજ નવજીવનમાં જતાં મહાદેવભાઈ જો શાકભાજી કે ઘરવખરીની ચીજો વહોરી લાવે તો એમનું નામ શી રીતે સાર્થક થાય ? કોઈ સ્ત્રી કરતાં પણ વધુ ઝીણવટથી સ્વામી મામા બા સારુ માલ સામાન વહોરી લાવતા. અલબત્ત, સ્વામી મામા વહોરે એટલે એનું પ્રમાણ ઓછું હોય જ નહીં. મારા પિતાશ્રીનાં અસ્થિ લઈને સ્વામી મામા મને અને મારા કાકા પરમાનંદને હરદ્વાર લઈ ગયેલા. ત્યાં અમારા ત્રણ જણ માટે જે શાક પાન ખરીદે તે પણ એ જ રીતે. એટલે હું પરમાનંદને કહું, ‘પહેલાં એક ટોપલો ખરીદજો, પછી શાકભાજી !’

મામા હસીને કહે, ‘તું જ મારે માથે માછલાં ધુએ એમ છે.’ પછી શાકભાજીયે ખરીદે અને એને વહી જવા સારુ ટોપલોયે ખરીદે. રોજ અમારા ત્રણ ઉપરાંત બીજા કેટલાયની રસોઈ થાય ને તે હરિજનો કે રક્તપિત્તિયાંને ખવડાવવામાં આવે. મામા કહેતા, ‘આપણે સારુ તો આ જ બ્રહ્મભોજન.’ સ્વામી(મૂળ હિંમતલાલ ત્રિવેદી)ના પૂર્વાશ્રમના ભાણજા ભત્રીજાઓની સંખ્યા પણ ખાસ્સી એવી હતી. એ બધાં સાથે પણ સ્વામી કાકા મામા તરીકેનો વહેવાર રાખતા અને અમારા જેવા સેંકડો બીજા. છેલ્લે છેલ્લે વડોદરામાં જયપ્રકાશ સ્વાસ્થ્ય નિધિની અપીલનો ખરડો લખાવવા સારુ ગયેલો ત્યારે મળેલો. તે વખતે પણ મેં વિદાય લીધી ત્યારે બળજબરી કરીને મામા તરીકે ભાણેજના ખિસ્સામાં ૧૦-૧૦ની પાંચ નોટો સેરવી દીધી. કાંતા-હરવિલાસ એમની પાસે જાય ત્યારે એ કહેતા કે ‘તમે તો દીકરીઓ. તેથી મારે મન તો તમે તુલસીક્યારો. એને જેટલું પાણી પાઓ એટલું પુણ્ય જ મળે.’

એમનો એ પ્રેમ મૂંઝવી-અકળાવી નાખે એવો લાગે. જેમની ઉપર સ્વામી રીઝે એને માત્ર પ્રેમથી જ નહીં, પણ પ્રશંસાથી પણ નવરાવી નાખે. ત્યારે જે મૂંઝવણ થાય તેનો અનુભવ મારી માફક ભાઈ મોહન પરીખ, ‘ભૂમિપુત્ર’વાળા કાંતિ શાહ, ફોટોગ્રાફર અશ્વિન મહેતા, જસ્ટિસ નરેન્દ્ર નથવાણી, શ્રીમતી હેમુબહેન ખીરા, એમના ઉત્તર જીવનમાં અનન્ય ભક્તિથી તેમની સેવા કરનાર ભગવતીબહેન, રામદાસ ગાંધીની પુત્રી સુમિત્રા કુલકર્ણી, કોસબાડ કૃષિ કેન્દ્રના જયંતરાવ પાટિલ, શ્યામાપ્રસાદ મુખર્જીના નાના ભાઈ ડૉ. મયાદેવ, મહાદેવથી મોટેરાવાલા છોટુકાકા વગેરે સેંકડોએ કર્યો હશે.

હમણાં એક જૂનો પ્રસંગ યાદ કરીને વિનોબાએ પંડિત નહેરુને ટાંક્યા. ‘એમને ગાંધી ગૌતમ અને ગંગાનો અનુરાગ હતો. મેં એમાં બે શબ્દનો ઉમેરો કર્યો છે : ગીતા અને ગાય. એટલે ભારતીય સંસ્કૃતિ આવી ગઈ.’ ગૌતમ વિષેના સ્વામીના અનુરાગને હું વિશેષ જાણતો નથી. ભારતીય સંસ્કૃતિના બાકી ચાર સ્તંભો પર તો સ્વામી ન્યોછાવર હતા.

ગયે વર્ષે ભાઈ શ્રીરામ ચિંચલીકર સ્વામી સાથે ગીતા વિષે કાંઈક ચર્ચા કરવા કોસબાડ ગયેલો. સ્વામી કહે, ‘વર્ષો સુધી એક પગ પર ઊભા રહીને રોજ બે વાર હું આખી ગીતાનો પાઠ કરતો. તે કાળ સુધીમાં લખાયેલું ગીતા અંગેનું લગભગ બધું ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી સાહિત્ય મેં વાંચી કાઢેલું. પણ મને તો એક જ વસ્તુ શીખવાની મળી કે વાંચવાથી નહીં, પણ અનુભવથી શીખાય છે.’ છેલ્લા દિવસોમાં સ્વામીએ ગીતાના ૧૦૮ શ્લોકોની પસંદગી કરીને પોતાની આગવી શૈલીમાં એનો અનુવાદ કરી લોકગીતા નામે એને પ્રસિદ્ધ કરેલો. આ પસંદગીમાં તમે જુઓ તો તત્ત્વજ્ઞાનના શ્લોકો વીણી વીણીને કાઢી નાખેલા અને કર્મ ભક્તિના શ્લોકો પસંદ કરાયેલા. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને પુરુષોત્તમ યોગ વિનાની ગીતાની તમે કલ્પના કરી શકો ખરા ? પણ એવી પસંદગી કરવાની સ્વામીની હિંમત હતી.

ગાંધી પાછળ તો એમણે જીવન ગાળ્યું. એના જ એક ભાગ તરીકે એમણે ગોસેવાને પણ અપનાવી. એમેય ગાય વિષેનો એમનો પ્રેમ મૂળનો જ. તેથી જ દૂધને ઉકાળ્યા વિના ધારોષ્ણ જ પીએ.

પણ મૂળે જીવ હિમાલય અને ગંગાનો અનુરાગી. હિમાલયનો પ્રવાસ કાકાસાહેબે લખ્યો તેમાં એમના બે સાથીઓ. એક આચાર્ય કૃપલાની અને બીજા સ્વામી. ત્રણેમાં સૌથી નાના સ્વામી, પણ હિમાલયના સૌથી વધુ ખૂંદનાર પણ એ જ. ‘એક્રોસ ધ ગંગોત્રી ગ્લેશિયર્સ’માં આપણને સ્વામીના હિમાલય અને ગંગાના અનુરાગનું થોડું તીર્થ સલિલ ચાખવા મળે છે. પણ કૌસાનીમાં સામે ૨૦૦ માઈલ સુધી હિમગિરિ શિખરોની માળા પથરાયેલી હોય તે ઝૂંપડીમાં કે હરદ્વારમાં ગંગાને કાંઠે કોઈ ધર્મશાળામાં એમની જોડે રહ્યા હો તો હિમાલયના અનેક પ્રવાસોનાં તેમનાં સંસ્મરણો સાંભળવાનાં મળે.

આપણને મનમાં એમ રહી જાય ખરું કે સ્વામીએ જો પોતાનાં પ્રવાસવર્ણનો લખ્યાં હોત તો ગુજરાતી ભાષાને એક મોટો લાભ થયો હોત. પણ એમણે ગુજરાતી ભાષાને જે કાંઈ આપ્યું છે તેનું મૂલ્ય પણ ઓછું નથી. એમ તો સ્વામી ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં લગભગ સરખું જોમદાર લખી શકતા. ૧૯૪૨ના આંદોલન વખતે ‘ક્વિટ ઇન્ડિયા’ નામની અંગ્રેજી પત્રિકા સ્વામી ભૂગર્ભમાં રહીને કાઢતા. તેમનો અંગ્રેજીનો શબ્દ ભંડોળ જોઈને રાજાજી જેવા આશ્ચર્યચકિત થઈ ગયેલા. એમની અંગ્રેજીમાં બાઇબલની ભાષા અને હિંદી મરાઠીમાં સંતોના સાહિત્યની છાપ હતી. ગુજરાતીમાં તો સ્વામી આનંદની એક આગવી અને અનુપમ શૈલી હતી. શબ્દોના એ સ્વામી હતા. એમની શૈલીની ઓજસ્વિતા એમના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડતી હતી. એમના ચરિત્રચિત્રણમાં અજબ સજીવતા હતી. મોનજી રુદર, મહાદેવથી મોટેરા, સંતોના અનુજ, અને કુળ કથાઓમાંનો પેલો મેરુ ઘોડો તથા ‘નઘરોળ’ની પેલી ધોબણ એમના ચરિત્રચિત્રણના નમૂના પૂરા પાડે એમ છે. પરંતુ સ્વામીનું વાઙ્મય એ પોતે જ એક સ્વતંત્ર લેખનો વિષય બની શકે એમ છે.

જીવનનાં છેલ્લાં બે વર્ષો સ્વામીએ દૂર રહ્યાં રહ્યાં પણ ‘જેપ્રકાશજી’ સાથે તાદાત્મ્ય અનુભવતા ગાળ્યાં. ‘ભૂમિપુત્ર’ના લેખો દ્વારા બિહાર આંદોલનની એમણે આપેલી પિછાણ જેવી દેશની બીજી ભાષાઓમાં પણ જોવા નહીં જડે. એમનાં લખાણોની એક નાની સરખી પુસ્તિકા મેં હિંદીમાં તૈયાર કરેલી. એમના લખાણનું ભાષાંતર કરવાની રજા મેળવવી એ પોતે જ એક ગર્વનો વિષય ગણાય. દુર્ભાગ્યે સર્વ સેવા સંઘના મૌનને કારણે એ પુસ્તિકા પ્રગટ ન થઈ શકી અને જૂનની પચ્ચીસમી પછી તો આખો સંદર્ભ જ બદલાઈ ગયો.

આ બદલાયેલા સંદર્ભ અંગે સ્વામીના દિલમાં ઊંડી શૂળ હતી. જાણે પોણા સૈકાના જાહેર જીવનમાં તેઓ જે જે મૂલ્યો સારુ ઝૂઝ્યા તે બધાં જ વડા પ્રધાનની સત્તાલોલુપતા તેમ જ મદાંધતા અને એમના સાથીઓની ખુશામતખોરી અને તકસાધુતાને લીધે ધૂળમાં મળતાં ન હોય એમ એમને લાગતું હતું. શું આ તે જ સ્વરાજ છે કે જેને સારુ તિલક અને ગાંધીએ પ્રાણ પાથર્યા ? અહીં તો સત્તાવાદ અને ભ્રષ્ટાચારની પોલ ખોલવાના ગુના ખાતર દેશના બત્રીશ લક્ષણાઓને બંદી બનાવવામાં આવ્યા છે. સ્વામી પોતે વાણીના કસબી હતા એટલે વાણી-સ્વાતંત્ર્યને રુંધવાની તમામ ચાલબાજીઓથી તેઓ વિશેષ દુભાય એ સ્વાભાવિક હતું. એમને મન મોટું દુ:ખ તો એનું હતું કે આખી પ્રજાને યોજનાપૂર્વક નામર્દ બનાવવામાં આવી રહી છે. તેથી જ અનેક વાર તેઓ કહેતા અને એક વાર તેમણે પોતાના એક અંગ્રેજી લેખમાં લખેલું કે ‘સાત દાયકાના મારા સામાજિક જીવનમાં મેં અનેક ચડતી પડતી જોઈ છે, પણ તેમાં મને અત્યારે થાય છે તેવો વિષાદ માત્ર એક જ વાર થયો હતો – જ્યારે મેં દેશની એકતાનું ગાંધીજીનું સપનું ભાંગીને ભુક્કો થઈ જતું જોયું ત્યારે. પણ મને લાગે છે કે આજે જે થઈ રહ્યું છે તેનું અનિષ્ટ પરિણામ દેશના ભાગલા કરતાં ય વધુ ખરાબ આવશે.’

પૂ. રવિશંકર મહારાજની જેમ સ્વામીએ પણ કહ્યું હતું કે ‘મારી તબિયત રજા આપત તો મારું સ્થાન જયપ્રકાશજી ભેગા જેલમાં જ હોત. પ્રત્યક્ષ રીતે તેઓ જેલમાં ગયા નહોતા. પણ આજની પરિસ્થિતિની ગૂંગળામણ તેઓ બહાર રહ્યા પણ જેલ જેવી જ અનુભવી રહ્યા હતા. એ રીતે જોઈએ તો મૃત્યુ દ્વારા એમનો છુટકારો જ થયો.

પરંતુ અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે અમર રહેશે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ, 2024; પૃ. 08-09 તેમ જ 11

Loading

ગામડે પાછી વળી

સુરેશ જાની|Opinion - Opinion|13 March 2024

હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.

આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ હતી. મારી રૂમના નાનકડા ટેબલ પર …….. કમ્પનીમાં મેનેજર તરીકે મારી નિમણૂંક કરતો એપોઈન્ટમેન્ટ ઓર્ડર પડેલો હતો. અને પગાર પણ કેટલો બધો? બાપ રે બાપ! આ સમાજ સેવાના કામમાં ત્રણ મહિનાના પગાર કરતાં પણ વધારે ! ફોન પર તો ઘરનાં બધાંએ મને એ માટે અભિનંદન પણ પાઠવ્યા જ હતા ને?

એ વખતે નવી દિલ્હીમાં ….. સામાજિક સેવાની સંસ્થામાં દિલ દઈને હું કામ કરતી હતી. ભલે એ સંસ્થાનો પગાર ઓછો હતો, પણ મારા ભણતરને મેં ત્યાં બરાબર કામે લગાવ્યું હતું. સમાજસેવાનું એ કામ આ ગઢવાલી છોરીને ઘરના કામ જેવું જ લાગતું હતું. લગાવથી કરેલા એ કામના હિસાબે જ તો અમારા સૌથી મોટા બોસના મોટા ભાઈએ તો  કદી ના મળે તેવી એ તક માટે મને ઓફર કરી હતી. પંદર દિવસથી આની જ વાતો ચાલતી હતી ને? કેટલો બધો ઉમંગ હતો મને – કદિક જ મળતી આવી તક ઝડપી લેવાનો?

પણ સાથે સાથે … કામ પતાવી સાંજે રૂમ પર પાછા આવતાં, નાકા પરના પંજાબી ઢાબા પર સાવ મામૂલી રોજ માટે કમરતોડ મજૂરી કરતા, સરિયાધારના જ *દિલાવર ચાચાને દરરોજ જોવાના, એમનાં કુટુંબીજનોનાં ખબર અંતર પુછવાનાં અને એમનો નિસાસો હૃદયમાં શૂળની જેમ ભોંકાતો અનુભવવો – એ મારો નિત્ય ક્રમ થઈ ગયો હતો. અને દિલાવર ચાચા એકલાની જ એ વ્યથા થોડી હતી? સામાજિક કામના સબબે મારે નવી દિલ્હીની ઘણી શેરીઓમાં રખડવું પડતું અને ઠેક ઠકાણે અમારા કે અમારી બાજુના  ગામના આવા કેટલા ય ચાચાઓની કરમ કઠણાઈ સાંભળવા મળતી, અને દિલમાં ઊંડો ચિરાડો પડી જતો.

આજે કોણ જાણે કેટલામી વાર દિલાવર ચાચાએ એની એ જ વાત વાગોળી ન હતી?

‘ગામની બટાકાની ખેતીમાં કશો શુક્કરવાર જ ક્યાં છે? ખેતરમાં કમરતોડ મજૂરી કર્યા છતાં માંડ માંડ બે ટંકે ભેગા થવાનું ને? અહીં ભલે ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે, પણ ધીમે ધીમે છોકરાંવની ઈસ્કૂલની ફી તો નીકળે છે? અમારી જિંદગી ભલે આમ મજૂરીમાં જ પતે, પણ એ વ્હાલુડાં તો સારા દા’ડા જોશે.’  બધેથી બસ  આ જ વાત. ગામનું એક પછી એક ઘર ખાલી થતું હતું,

‘મારા ઘર ઉપરાંત બે જ ઘરનાં બારણાં ખુલ્લાં હતાં ને? કેવું રૂડું રળિયામણું હતું મારું વ્હાલું સરિયાધાર, અને હવે કેવો કરાળ કાળ જેવો ભેંકાર? અને પૂરનો આ વિનાશ?(૨૦૧૩) હવે તો એક પણ ગામ એ વિનાશથી સાબૂત રહ્યું નથી. મારા ગરીબ ગામવાસીઓની તો કમર જ ટૂટી ગઈ છે. શું આનો કોઈ રસ્તો જ નહીં?’

અઠવાડિયા પહેલાં અમારા જેવા સામાજિક કાર્યકરોના એક સેમીનારમાં ખેતીના એક એક્સ્પર્ટ *સુશાંતે કરેલી ‘મશરૂમ’ની ખેતીની વાત મારા દિલમાં ઠસી ગઈ હતી. મશરૂમ ઉગાડવાની રીત અને વેચવાથી થતી મસ મોટી બરકત વિશે મને ઘણું બધું જાણવા મળ્યું હતું. ૧૯૭૮માં કટક, ઓરિસ્સામાં શરૂ થયેલ મશરૂમની ખેતી હવે તો દેશમાં બહુ જ નફાકારક ખેતી અને ધંધો બની ગયાં હતાં – તેની માહિતી સુશાંતે જ આપી હતી ને? અને પેલી સરલાની કહાણી? ૧૫,૦૦૦ રૂની જ મતા અને ઘરના પાછલા ભાગમાં તેણે શરૂ કરેલી મશરૂમની ખેતીએ તો એને એવોર્ડ વિજેતા બનાવી દીધી ન હતી?

આવા બધા વિચારોની વચ્ચે એ લોભામણી અને બહુ ઊંચા સ્થાને લઈ જઈ શકે તેવી તક ઝડપી લેવી કે જતી કરવી એ બે પલ્લાં વચ્ચે મારું મન ઝોલાં ખાતું રહ્યું. એ ઝોલામાં હું ક્યારે પોઢી ગઈ, તેની ખબર જ ન રહી. એ અંધાર ઘેરી રાતની કોઈક ગેબી પળે હું ઝબકીને જાગી ગઈ. હમણાં જ પૂરાં થયેલાં સપનાંએ મારા મનમાં કોઈક ગજબની શક્યતાનો ચમકારો ઝબકાવી દીધો.

‘હું ગામ જઈ મશરૂમની ખેતી કરું તો?

અને… સવાર પડતાંની સાથે જ મેં તો સાહેબના ભાઈને ‘ના’નો ફોન કરી જ દીધો. બીજો ફોન સાહેબને  – એક મહિનાની રજા માટે. બપોર પડતાં તો મારી બેગ ભરીને હું તો નવી દિલ્હીના બસ સ્ટેન્ડ પર પહોંચી ગઈ, અને … ઘર આવે વહેલું!

બસ એ રાત વીતી ગઈ અને મારા જીવનમાં સલોણી ઉષા ઊગી નીકળી.

*કાલ્પનિક પાત્રો

નવી દિલ્હીની ઝગમગાટ જિંદગીની સરખામણીમાં ધૂળિયા ગામ તરફની એ પીછેહઠ દિવ્યા માટે આગેકૂચ નિવડી. નજીકના ગામની શાળામાં ચાલીને ભણવા જતી દિવ્યા પહેલેથી ભણવામાં હોંશિયાર હતી. દહેરાદૂનની શાળામાં અને પછી દિલ્હીની કોલેજમાં તેણે સ્કોલરશીપ મેળવીને પોતાનું ભણતર આગળ ધપાવ્યું હતું. એ શિક્ષણે જ તો તેને નવી દિલ્હીમાં સમાજ સેવા કરતી સંસ્થામાં સારા પગારની નોકરી અપાવી હતી. અને તેની એ જ પ્રતિભા આ ક્રાંતિકારી નિર્ણય લેવા માટે કારણભૂત બની રહી.

સરિયાધર પાછા આવીને તેણે ઘરની નજીકમાં જ એક શેડ બાંધી મશરૂમની ખેતી શરૂ કરી દીધી. બટાકાની ચીલાચાલુ ખેતીમાં એક કિલોગ્રામે માંડ ૮થી ૧૦ રૂપિયાના વળતરની સામે આ ખેતીમાં ૮૦થી ૧૦૦ રૂપિયાનો નફો મળવા લાગ્યો. પહેલી સફળતા બાદ દિવ્યાએ વધારે ઊંડો અભ્યાસ કર્યો અને ઉત્તરાખંડની આબોહવાને અનુકૂળ આવે તેવી જાતો ઉગાડવી શરૂ કરી. વધારે જમીન ન વપરાય તે માટે દિવ્યાએ વાંસનાં માળખાં ઊભાં કર્યાં અને બટન, ઓઈસ્ટર અને મિલ્કી મશરૂમ ઉગાડવા માંડ્યા. આ બધા ફેરફારને કારણે તેની  ખેતીની આવક અનેક ગણી વધી ગઈ.

તેની સફળતાથી પ્રેરાઈને બીજા ખેડૂતો પણ આ કામમાં તેનું માર્ગદર્શન લેવા માંડ્યા. જેમની પાસે જમીન ન હોય તેવા લોકો પણ એક રૂમમાં આવી ખેતી કરી શકે – તે દિવ્યાએ શીખવ્યું.

દહેરાદૂન ખાતે મશરૂમની ખેતીની તાલીમ આપવા માટે ટ્રેનિંગ કોર્સ પણ દિવ્યાએ શરૂ કરી દીધા. ૫૦,૦૦૦ રૂ.ના મૂડી રોકાણથી ગમે તે જગ્યાએ આવી ખેતી કરી શકાય, તે પણ તેણે લોકોને સમજાવવા માંડ્યું. માંડ એક જ વર્ષ અને દિવ્યાએ કુટુમ્બીજનો અને સંબંધીઓની આર્થિક મદદથી દિલ્હીમાં ‘સૌમ્ય ફૂડ્ઝ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કમ્પની સ્થાપી અને બધા ખેડૂતોને માર્કેટિંગની સેવા આપવા લાગી.

દિવ્યાની સમાજસેવા હવે દિલ્હીથી પીછે હઠ કરીને તેના ગામવાસીઓ તરફ વળી ગઈ છે – કે પછી આગેકૂચ કરી રહી છે?!

અન્ય સંદર્ભ –

http://antidotemag.com/apothecary/divya-rawat/
http://99businessideas.com/start-profitable-mushroom-farming-business/
History of Mushroom farming in India     
સરલાની વાત…
——
e.mail : surpad2017@gmail.com

Loading

...102030...631632633634...640650660...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved