Opinion Magazine
Number of visits: 9665173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’

ગૌરાંગ જાની|Gandhiana|18 July 2024

પુસ્તક :  ‘અ’ અહિંસાનો ‘અ’—જીવનશિક્ષણની આનંદપોથી

પ્રકાશક : સાબરમતી ગાંધી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (SAPMT) તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) • પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદન : કેતન રૂપેરા • પ્રકલ્પ-નિયામક અને પરામર્શન : અતુલ પંડ્યા • સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ (સચિત્ર) : 2024, સાઇઝ : 6.7” x 9.4” • ISBN : 978-93-84233-93-8 •  પૃષ્ઠ 72 • ₹ 250

-.-.-.-

અખબારનાં પાનાં ખોલો કે ટી.વી.ના ફટાફટ સમાચાર જુઓ, હિંસાના અનેક બનાવો આપણી નજર પાસેથી પસાર થઈ જાય છે. ઉત્તરોતર એમાં વધારો થતો જ રહે છે. વળી, છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વ યુદ્ધોથી ઘેરાયેલું છે. તેમાં હજારો બાળકોએ જીવ ગુમાવ્યાં છે. હિંસા આપણને જાણે કોઠે પડી ગઈ છે. ધર્મો વચ્ચેનું વૈમનસ્ય પણ એક હિંસા છે. આપણા પરિવારો તેમાંથી મુક્ત નથી. ભારતમાં ઘરેલુ હિંસાને નિયંત્રિત કરવા પણ કાનૂન બનાવવો પડ્યો. નૅશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પ્રતિવર્ષ આંકડા જોઈ જુઓ તો સમજાશે કે શું આપણે એ જ દેશમાં રહીએ છીએ જ્યાંથી વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ્‌’નું સૂત્ર મળ્યું! હિંસાથી ઘેરાયેલો સમાજ તેનાં બાળકોનું બાળપણ છીનવી લે છે. બાળકો પણ આ બધું જુએ છે, અનુભવે છે.

આવતીકાલના નાગરિકોનો ઉછેર જો હિંસાની વચ્ચે થાય તો ભવિષ્ય કેવું હશે?! આ સમસ્યા અને પીડાનો ઉત્તર વિશ્વના તમામ ધર્મોએ આપ્યો છે. ‘અહિંસા પરમો ધર્મ’નું સદીઓ પુરાણું વૈશ્વિક મૂલ્ય વીસમી સદીમાં મહાત્મા ગાંધીએ તેમના વિચાર અને આચાર દ્વારા સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો અને વિશ્વએ તેને અપનાવ્યો પણ ખરો.

ગાંધીજી ‘કેળવણી’નો એક અર્થ ‘ખીલવણી’ પણ કરતા. હિંસા અને યુદ્ધગ્રસ્ત કુટુંબથી લઈને સમાજના ધૂંધળા દેખાતા ભવિષ્યના આ સંજોગોમાં હિંસામુક્ત સમાજની રચના અર્થે બાળકોની ખીલવણીના ગાળામાં જ કક્કાવારીનો પ્રથમ અક્ષર ‘અ’ અહિંસાનો હોય તો? આ વિચારનું બીજ ગાંધી આશ્રમ-અમદાવાદમાં રોપાયું અને પછી તેમાંથી સર્જાઈ‌ ‘અ અહિંસાનો અ— જીવન શિક્ષણની આનંદપોથી’. ધોરણ ૬થી ૮માં ભણતાં બાળકોમાં રમતાં રમતાં અહિંસાનાં ગુણો કેળવાય એ માટેની પ્રવૃત્તિ પુસ્તિકા. રમતના આનંદ સાથે અહિંસાની તાલીમ આપતી ૭૨ પૃષ્ઠની આ આનંદપોથી તૈયાર કરી છે ગુજરાતની બે અગ્રગણ્ય સંસ્થાઓએ—સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT) અને સેન્ટર ફોર ઍન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE).

બાળકોને  જીવનશિક્ષણ આપતી પોથી કેવી રીતે તૈયાર થઈ તેની પૃષ્ઠભૂમિ સમજીએ. ‘બા-બાપુ ૧૫૦’નાં વર્ષ, ૨૦૧૯માં સાબરમતી આશ્રમ અને સી.ઈ.ઈ. દ્વારા અહિંસાની કેળવણી /Learning Non- Violence કાર્યક્રમ શરૂ થયો. તેનું વિચારબીજ રોપ્યું હતું ગુજરાતના ત્રણ અગ્રણીઓ પીયૂષ દેસાઈ, કાર્તિકેય સારાભાઈ અને ત્રિદીપ સુહૃદે. પુસ્તિકા-નિર્માણ અને કાર્યક્રમ-અમલીકરણમાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાતની અનેક સંસ્થાઓનો સહયોગ મળતો રહ્યો. ગુજરાતની વિવિધ 16 શૈક્ષણિક સંસ્થાઓ અને એના થકી કુલ 300 શાળાના વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ અમલી રહ્યો. કાર્યક્રમ સંસ્થાઓ અને તેનાં શિક્ષકો તરફથી એટલો આવકાર ને પ્રશંસા પામ્યો કે પ્રવૃત્તિ-પુસ્તિકાની બીજી આવૃત્તિ પણ તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પહેલી આવૃત્તિ(2021)માં પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદનની જવાબદારી સંભાળનાર ગાંધીવિચાર-આચારના અભ્યાસી કેતન રૂપેરાનો બીજી આવૃત્તિ(2024)ની સજાવટમાં પણ કસબ રહ્યો છે. સમગ્ર પ્રકલ્પના નિયામક અને પરામર્શક અતુલ પંડ્યા પ્રસ્તાવનામાં જણાવે છે, “પરિવર્તનની પહેલ પોતાના થકી કરવાની શ્રદ્ધા સાથે આ પુસ્તિકાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે હિંસા – અહિંસાના પ્રત્યક્ષ – પરોક્ષ પ્રકારની સમજણ સાથે રમતાં રમતાં જ બાળકોમાં અહિંસાનું આચરણ દૃઢ થાય એ આનંદપોથીનો ઉદ્દેશ છે.”

પુસ્તિકામાં કુલ 24 પ્રવૃત્તિઓ છે. દરેક પ્રવૃતિના આરંભે તેનો ઉદ્દેશ, પ્રવૃત્તિ ક્યાં કરવી એ સ્થળ, પ્રવૃત્તિમાં જોડી શકાય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે જૂથનું કદ, પ્રવૃત્તિનો સમયગાળો, જરૂરી સામગ્રી અને આ પ્રવૃત્તિ દ્વારા કયું કૌશલ્ય કેળવાય છે, તે વિશે શરૂઆતમાં સમજ આપવામાં આવી છે. ઉદાહરણ રૂપે જોઈએ તો ‘હિંસાને ઓળખીએ’ પ્રવૃત્તિ શા માટે કરાવવામાં આવી છે તેની સમજ, હિંસાના સ્વરૂપ અને પ્રકારો, પ્રવૃત્તિ અને અંતે ચર્ચા એમ તબક્કાવાર રજૂઆત કરવામાં આવી છે.

હિંસા અનેક રીતે અને અનેક પ્રકારે બાળકો સામે આવે છે. પોતાના ધર્મ કે જ્ઞાતિ કે પ્રદેશ ને કેન્દ્રમાં રાખી મોટેરાઓ માન્યતાઓ અને જડ વલણ ધરાવે અને તેમાંથી શાબ્દિક હિંસાથી શરૂ કરી હુલ્લડો સુધી હિંસા ફેલાય છે. આ વાતાવરણમાં બાળકોને સમજ આપવા ‘તમે પણ સાચા હોઇ શકો’ એવી પ્રવૃત્તિમાં હાથી અને અંધ વ્યક્તિઓનું જાણીતું ઉદાહરણ બાળકો સમક્ષ રજૂ કરી સદ્દભાવના વિકસાવવાનો હેતુ આ પુસ્તિકામાં છે. પૂર્વગ્રહ પણ હિંસા તરફ લઈ જાય છે. આ સ્થિતિમાં પૂર્વગ્રહો કેવી રીતે જન્મે અને તેના શા પરિણામ આવે તેની સમજણ કેળવવા બાળકોને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. વર્ગખંડ અને તેની બહાર પણ વિવિધ પ્રવૃતિઓ થઈ શકે અને તે માટે પેન્સિલ, કાગળ, છાપાં, કાતર જેવી શાળામાં હાથવગી વસ્તુઓ જ જરૂરી છે તે તમામ પ્રવૃત્તિમાં દર્શાવાયું છે.

આ પુસ્તકની બે મહત્ત્વની વિશેષતા છે: પ્રથમ છે તમામ પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એમનામાં અહિંસાના ગુણો કેળવવાના છે એવી કોઈ જ આગોતરી વાતો કર્યા વગર કરવાની છે.  બીજી વિશેષતા એ છે કે તેમાં બાળકો સાથે જ પ્રશ્નો અને વાર્તાલાપ કરીને એમની પાસેથી જ તેના ઉત્તર મેળવવામાં આવ્યા છે, આમ સમસ્યાના ઉકેલ માટે સામૂહિક ડહાપણ તેનું માધ્યમ બને, સમૂહભાવના આપ મેળે કેળવાય એવી રીત અપનાવવામાં આવી છે.

સમજણની રીતે આ 24 પ્રવૃત્તિઓને આઠ આઠના ત્રણ વિભાગ—જાત વિશે, સમાજ અને પર્યાવરણ વિશે તથા જાતને યોગ્ય દિશામાં દોરી જવા વિશે—માં વહેંચવામાં આવી છે. પ્રવૃતિઓમાંની કેટલીક આ પ્રમાણે છે.

·       મારી કલ્પનાનું વિશ્વ

·       માન્યતા કે મૂલ્ય?

·       હકીકત કે મંતવ્ય?

·       પૂર્વગ્રહ 

·       હિંસા શું છે 

·       વિવિધતામાં એકતા 

·       તમે પણ સાચા હોઈ શકો

·       ટાઇમ પ્લીઝ 

·       ઝઘડાનો ઉકેલ

·       મારી કલ્પનાનું વિશ્વ – મારી જવાબદારી, મારી પહેલ

સી.ઈ.ઈ.ના કાર્યકરો દ્વારા જમીની સ્તરે અમલી આ કાર્યક્રમના પ્રારંભે એફ.ડી. હાઇસ્કૂલ-અમદાવાદ, કુમકુમ વિદ્યાલય-અમદાવાદ, સી એન વિદ્યાલય-અમદાવાદ, સંત કબીર સ્કૂલ-અમદાવાદ, અરવિંદ ફાઉન્ડેશન-અમદાવાદ, ગ્રામશિલ્પી (શંખેશ્વર અને જંબુસર), દીનબંધુ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, પેઢામલી (વિજાપુર), નિયો રાજકોટ ફાઉન્ડેશન-રાજકોટ, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ-સણોસરા, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ખોબા (ધરમપુર), શારદા ટ્રસ્ટ-અમદાવાદ, શૈશવ-ભાવનગર, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ-સાયલા, શ્રી વિવેકાનંદ રિસર્ચ અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ-માંડવી (કચ્છ), સર્વાંગી વિકાસ ટ્રસ્ટ-કરૂઠા અને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, અમદાવાદ વગરે 16 સંસ્થાઓ જોડાઈ હતી, એ પણ આવા નવીન પ્રયોગમાં આ સંસ્થાઓનો વિશ્વાસ સૂચવે છે.

ભારતની નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં “સારા વ્યક્તિત્વને વિકસાવવાનો છે કે જેઓ તર્કસંગત વિચાર અને કાર્ય કરવામાં સક્ષમ હોય, તેમનામાં કરુણા અને સહાનૂભુતિ હોય, સાહસિક અને અડગ હોય, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક કલ્પનાશક્તિ હોય, નૈતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠા હોય અને આ સર્વે મૂલ્યો તેમના વ્યક્તિત્વના પાયામાં હોય. આનો ઉદ્દેશ્ય એવા કર્મઠ લોકોને તૈયાર કરવાનો છે કે જેઓ આપણા બંધારણ દ્વારા સૂચિત સમાવેશી અને વૈવિધ્યસભર સમાજના નિર્માણમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી શકે.” આ બાબતનો પણ પ્રકાશકીયમાં નિર્દેશ છે. ગાંધીમાર્ગના જીવનશિક્ષણની આ આનંદપોથી તે ઉદ્દેશ પરિપૂર્ણ કરશે એવું તત્ત્વ એમાં અનુભવાઈ રહ્યું છે.

Email : gaurang_jani@hotmail.com

-.-.-.-

(સાભાર સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જુલાઈ 2024)

Loading

એક દુજે કે લિયે : કેવી રીતે સુપરફ્લોપમાંથી બચીને સુપરહિટ થઇ ગઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2024

રાજ ગોસ્વામી

તમિલ સુપરસ્ટાર કમલ હાસનની સિનેમાઈ કારકિર્દી પર ‘કમલ હાસન : અ સિનેમેટિક જર્ની’ નામનું એક નવું અને રસપ્રદ પુસ્તક પ્રકટ થયું છે. કે. હરિહરન નામના લેખકે તેમાં કમલ હાસનની બાળપણની ભૂમિકાઓથી લઈને બ્લોકબસ્ટર ફિલ્મો સુધીની તેમની અભિનય યાત્રાએ કેવી રીતે તમિલ અને અન્ય ભાષી સિનેમાની પ્રગતિમાં યોગદાન આપ્યું છે તેનું ગહન વિવરણ આપ્યું છે.

હિન્દી સિનેમાના દર્શકો કમલને તેમની પહેલી ફિલ્મ ‘એક દુજે કે લિયે’થી ઓળખે છે. આ ફિલ્મ 1981ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તેણે તે વર્ષે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી રાતોરાત હિન્દી ફિલ્મ ચાહકોમાં લોકપ્રિય થઇ ગયાં હતાં. ફિલ્મને શ્રેષ્ઠ ગીતકાર (આનંદ બક્ષી), શ્રેષ્ઠ પટકથા (કે. બાલાચંદર) અને શ્રેષ્ઠ એડિટિંગ(એન.આર. કીત્તુ)નો ફિલ્મફેર અને એસ.પી. બાલાસુબ્રમણ્યમ્‌ને (તેરે મેરે બીચ મેં માટે) શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરષ્કાર મળ્યો હતો.

‘એક દુજે કે લિયે’ આજે પણ હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મ આમ તો એક સાદી પ્રેમ કહાની હતી, પરંતુ નિર્દેશક કે. બાલાચંદરે તેમાં શેક્સપિયરીય નાટક રોમિયો એન્ડ જુલિયેટની ટ્રેજેડી અને ઉત્તર ભારત – દક્ષિણ ભારતના ભાષાકીય વિભાજન અને વિવાદને ઉમેરીને ફિલ્મને તમામ લોકો જુવે તેવું સ્વરૂપ પ્રદાન કર્યું હતું.

ફિલ્મની ટ્રેજેડી એટલી અસરકારક હતી કે 80ના દાયકામાં ઘણાં પ્રેમી યુગલોએ આ ફિલ્મ જોઇને આત્મહત્યાઓ કરી હતી. આપણે તેના વિશે આ સ્થાનથી “વી આર મેડ ફોર ઈચ અધર સમજે?” નામના લેખમાં લખી ગયા છીએ. એટલે આ લેખ ફિલ્મની વાર્તા વિશે નથી, પરંતુ તેની રિલીઝ પાછળની વાર્તા વિશે છે.

લેખક કે. હરિહરને આ પુસ્તકમાં રસપ્રદ વાત લખી છે કે ‘એક દુજે કે લિયે’ હિન્દીમાં તૈયાર થઇ ગઈ પછી કોઈ વિતરક હાથ અડાડવા નહોતા. તેમને લાગતું હતું કે આ ફિલ્મ તમિલ અને હિન્દી ભાષાના સ્ફોટક ઝઘડા પર છે અને હિન્દી દર્શકો તેને જોવા માટે નહીં આવે. પછી કેવી રીતે ફિલ્મના નિર્માતા એલ.વી. પ્રસાદે ધક્કા ખાઈને, વિનંતીઓ કરીને ફિલ્મ રિલીઝ કરાવી અને કેવી રીતે તે માલામાલ થઇ ગયા તે જાણવું મજા પડે તેવું છે. તમે પણ વાંચો.

‘એક દુજે કી લિયે’ 1978માં આવેલી કે. બાલાચંદરની જ તેલુગુ ફિલ્મ ‘મારો ચારિત્ર્ય’ની હિન્દી રીમેક હતી. મૂળ ફિલ્મમાં કમલ હાસન, સરિતા અને માધવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં તમિલ છોકરા અને તેલુગુ છોકરીને રોમાન્સની વાર્તા હતી. ફિલ્મ દક્ષિણમાં જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.

તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મ નિર્માણમાં જેમનું નામ બહુ મોટું છે તેવા એલ.વી. પ્રસાદે આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માટે પૈસા રોક્યા હતા. પ્રસાદજીને વિશ્વાસ હતો કે હિન્દી દર્શકો આ ફિલ્મ પસંદ કરશે, તેમણે ચાર મહિનામાં ફિલ્મ તૈયાર કરાવી હતી.

ફિલ્મનું ટેકનિકલ કામ મદ્રાસમાં થયું હતું અને તેની તૈયાર પ્રિન્ટ મુંબઈ આવી એટલે પ્રસાદજી તેમના ઓળખીતા વિતરકો માટે એક શો યોજ્યો. વિતરકોનું કામ નિર્માતા પાસેથી ફિલ્મ ખરીદીને તેને અલગ અલગ શહેરોમાં રિલીઝ કરવાનું હોય છે. એટલે વિતરકોની અનુભવી આંખને સૌથી પહેલાં ખબર પડે કે કોઈ ફિલ્મ ચાલશે કે નહીં ચાલે.

પ્રસાદજીના ભાઈબંધ વિતરકોએ ‘એક દુજે કે લિયે’ જોઇને કહ્યું કે આનો તો ધબડકો થશે. આ ફિલ્મને કોઈ હાથ નહીં અડાડે. એક તો તમિલ ભાષી – હિન્દી ભાષી છોકરા-છોકરીના રોમાન્સનો વિષય જોખમી હતો અને ન તો કમલ હાસનને હિન્દી દર્શકો જાણતા હતા કે ન તો પંજાબી છોકરી રતિ અગ્નિહોત્રી જાણીતી હતી. પ્રસાદને એવું લાગતું નહોતું. તેમણે કમલ હાસનને મુંબઈ બોલાવ્યો અને કહ્યું કે ફિલ્મને પ્રમોટ કરવા માટે તારે મુંબઈના ફિલ્મ જગત સાથે પરિચય કેળવવો પડશે.

કમલને એક નાનકડી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તે સાંજે તે પ્રસાદજીની એક સીધી સાદી ઓફિસમાં ગયો. તેમની ઓફિસમાં નોકર પણ ન હતો. ચા-પાણી પીધા પછી, પ્રસાદજીએ એક ખૂણામાં ‘એક દુજે કે લિયે’નાં 14 રીલ્સનું બોક્સ બતાવીને કમલને કહ્યું કે તારે મને મદદ કરવી પડશે, મને તું આ ઊંચકીને લિફ્ટ સુધી મૂકી આપ. બુઝુર્ગ અને ગુરુ સમાન પ્રસાદજીને મદદ કરવા માટે કમલે 30 કિલોનું બોક્સ ત્રીજા માળેથી લિફ્ટ મારફતે નીચે લાવીને એમ્બેસેડર કારમાં મૂકી આપ્યું.

પ્રસાદજીએ દિલ્હીના એક વિતરક માટે ફિલ્મનો શો યોજ્યો હતો. તે અને કમલ પ્રિવ્યુ થિયેટર પર આવ્યા. પ્રસાદજીએ વિતરકે કમલનો પરિચય કરાવ્યો અને ફિલ્મ ચાલુ થઇ પછી તે ઊઠીને બહાર ગયા અને કમલને કહેતા ગયા કે ઇન્ટરવલમાં ‘શેઠ’ સેન્ડવિચ – ચા લાવી આપજે. કમલના આશ્ચર્ય વચ્ચે ફિલ્મની પાંચમી રીલ પછી શેઠ ઊંઘી ગયા!

આવી રીતે ચાર-પાંચ વિતરકોને મનાવાના નિષ્ફળ પ્રયાસ પછી નિરાશ કમલ મદ્રાસ ચાલ્યો ગયો. બીજી બાજુ, પ્રસાદજીએ હિન્દી ફિલ્મોના દિગ્ગજ વિતરક ગુલશન રાયની મદદ માંગી અને કહ્યું કે તમારી કંપની એકવાર ફિલ્મ રિલીઝ કરે તો સારું. 

એવું કહેવાય છે કે ફિલ્મમાં પ્રેમી યુગલ આત્મહત્યા કરે છે તે જોઇને વિતરકો ઘા ખાઈ ગયા હતા. હિન્દી ફિલ્મોનો અંત હંમેશાં ખાધું-પીધું ને મોજ કરવાનો હોય છે. નિર્માતા-નિર્દેશક રાજ કપૂરે પણ પ્રસાદજીને ફિલ્મનો અંત બદલવા સલાહ આપી હતી. પ્રસાદજી એ માનવા તૈયાર નહોતા.

ગુલશન રાયને પણ એ જ વાંધો હતો. તેમણે કોઈ જ પબ્લિસિટી વગર ફિલ્મને એક જ થિયેટર, રોક્સીમાં રિલીઝ કરવા તૈયારી બતાવી. પ્રસાદજી પ્રતિભાવ જોવા માટે શનિ-રવિના દરેક શોમાં દર્શકો વચ્ચે બેઠા હતા. તેમણે જોયું કે દર્શકો રડતા રડતા બહાર આવતા હતા. 

પ્રસાદજીની એક શંકા દૂર થઇ ગઈ : ફીલિંગની કોઈ ભાષા નથી, હિન્દી ભાષી દર્શકોને પણ આ ટ્રેજેડી એટલી જ સ્પર્શી હતી જેટલી તમિલ દર્શકોને સ્પર્શી હતી. તેમનામાં હિમ્મત આવી. તેમણે તેમના મદ્રાસમાં તેમના દીકરા રમેશ પ્રસાદને તાબડતોબ ફોન કર્યો અને કહ્યું કે હવે પછીના શુક્રવાર સુધીમાં બીજી 40 પ્રિન્ટ આખા દેશમાં મોકલે. એલ.વી. પ્રસાદ હવે જાતે જ ફિલ્મનું વિતરણ કરવાના હતા.

તહેલકો મચી ગયો. જેણે આ ફિલ્મ જોઈ તેણે બીજા પાસે તેનાં મ્હોં ફાટ વખાણ કર્યા. વખાણ તો બનતાં જ હતાં. એક તો તેની વાર્તા જકડી રાખે તેવી હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષીએ જબરદસ્ત ગીતો રચ્યાં હતાં. કમલ હાસનનો નિર્દોષ અભિનય અને તેની અનોખી ડાન્સ સ્ટાઈલ અને રતિ અગ્નિહોત્રીની તાજગી દર્શકો માટે નવો જ અનુભવ હતો. 

ફિલ્મ સળંગ 50 સપ્તાહ સુધી ચાલી. મુંબઈના નોવેલ્ટી સિનેમામાં તેનું સેલિબ્રેશન હતું. કમલ તેમાં ભાગ લેવા ફરી મુંબઈ આવ્યો હતો. તે હવે સુપરસ્ટાર હતો. પ્રસાદજી સહજ રીતે જ કમલને નોવેલ્ટી સિનેમાની લોબીમાં કહ્યું હતું, “ફર્શ ચોખ્ખી અને ચમચમાટ છે, નહીં?” 

કમલને આશ્ચર્ય થયું, “હા, છે ને, પણ એમાં ખાસ શું છે?” 

પ્રસાદજીએ કહ્યું, “હું તારી જેમ 26 વર્ષનો હતો, ત્યારે અહીં નોકરી કરતો હતો અને રોજ ફર્શ વાળતો હતો. મને આનંદ છે કે હજુ પણ એ જ પરંપરા ચાલુ છે.”

થોડાં વર્ષો પછી, કમલ ચેન્નાઈમાં પ્રસાદ સ્ટુડિયોમાં એલ.વી. પ્રસાદને મળવા ગયો હતો. ત્યાં તેમણે 70 એમ.એમ.નો રેકોર્ડિગ અને મિક્ષિંગ તોતિંગ સ્ટુડિયો બાંધ્યો હતો. એશિયામાં એ પ્રકારનો તે પહેલો સ્ટુડીઓ હતો.

પ્રસાદજી સ્ટુડીઓ બતાવતાં કમલને કહ્યું હતું, “તું આ મોટો સ્ટુડિયો જુવે છે એ તારા અને બીજા લોકોના પ્રતાપે છે જેમણે એક દુજે કે લિયેમાં કામ કર્યું હતું. ફિલ્મ જગતને તો સફળ ફિલ્મ આપવાની મારી ક્ષમતામાં વિશ્વાસ નહોતો, પણ એ ફિલ્મની તમામ કમાણી મેં આ સ્ટુડિયો પાછળ ખર્ચી નાખીને તેમના માટે જ એક નવી સુવિધા ઊભી કરી છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 17 જુલાઈ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકોને મોંઘવારીથી મુક્તિ જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 July 2024

રમેશ ઓઝા

હવે મોટી મોટી વાતો કરવાથી, આપણે મહાન અને વિશ્વગુરુ એમ કહીને પ્રજાને પોરસાવવાથી, હિંદુઓને મુસલમાનોનો ડર બતાવવાથી, નિરર્થક વિદેશપ્રવાસો કરવાથી, જગતમાં ભારતનાં ડંકા વાગતા થઈ ગયા છે એવા દાવા કરવાથી અને વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરી લેવાથી ચાલવાનું નથી. દસ વરસ આ બધું ચાલ્યું અને દસ વરસની આવરદા આજના સોશ્યલ મીડિયાના યુગમાં ઘણી લાંબી કહેવાય. જો કે સાચી વાત તો એ પણ છે કે આને લાંબી આવરદા સોશ્યલ મીડિયાને કારણે જ મળી હતી. જ્યાં સુધી મીડિયા મેનેજ થઈ શકતા હતા ત્યાં સુધી આ બધું ચાલ્યું અને ખાસો લાંબો સમય એ બધું થઈ શક્યું. હવે સ્વતંત્ર મીડિયાએ મેનેજ કરવામાં આવેલા મીડિયા કરતાં લાંબી લાઈન ખેંચી લીધી છે અને સ્થિતિ પલટાઈ રહી છે. આ સિવાય લોકોને પણ હવે જોડો ડંખવા લાગ્યો છે.

જો એમ ન હોત તો લોકસભામાં બી.જે.પી.એ બહુમતી ન ગુમાવી હોત. જો ચૂંટણી ખરા અર્થમાં મુક્ત અને ન્યાયી હોત તો બી.જે.પી.ને બસો બેઠકો પણ ન મળી હોત. જો એમ હોત તો વિવિધ રાજ્યોની પેટા ચૂંટણીઓમાં બી.જે.પી.નો પરાજય ન થયો હોત. કૂલ ૧૩ બેઠકોમાંથી માત્ર બે બેઠકો મળી છે અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ગુમાવી છે. હિમાચલ પ્રદેશમાં હમીરપુર અને મધ્ય પ્રદેશમાં અમરવાડાની જે બે બેઠક બી.જે.પી.એ જીતી છે તેમાં જીતની સરસાઈ અનુક્રમે માત્ર ૧.૫૦૦ અને ત્રણ હજાર મતની છે. જો એમ હોત તો પાંચ દિવસ પહેલાં અંકલેશ્વરમાં અને મંગળવારે મુંબઈમાં જે દૃશ્યો જોવાં મળ્યાં એ ન જોવા મળ્યાં હોત. વિશ્વમાં ભારતના ડંકા વાગે છે કે નથી વાગતા એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે ભારતમાં ઘરઆંગણે ચેતવણીના ડંકા વાગવા માંડ્યા છે. લોકોને સુખાકારી જોઈએ છે. યુવાઓને કામ જોઈએ છે. લોકોને મોંઘવારીથી મુક્તિ જોઈએ છે અને કાં મોંઘવારીનો સામનો કરી શકાય એવી આવક જોઈએ છે. ખેડૂતોને ખેતીમાં ટકી શકાય એવા ખેતપેદાશના ભાવ જોઈએ છે.

ચૂંટણી મુક્ત અને ન્યાયી થાય એમાં સૌથી મોટું હિત શાસકોનું હોય છે. મોટો ભડકો થાય એ પહેલાં ચેતી જવાનો તેમાં મોકો મળે છે. શ્રીલંકામાં રાજપક્સા બંધુઓએ લોકતંત્રનો આદર કર્યો હોત તો દેશ છોડીને ભાગવું ન પડ્યું હોત. સ્વતંત્ર મીડિયા અને ચૂંટણીઓ થર્મોમીટરનું કામ કરે છે. સમાજમાં તાપ વધે તો ખબર પડી જાય. એટલે તો ૧૮૫૭ના વિદ્રોહ પછી ‘ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ’ની સ્થાપના થાય તેમાં અંગ્રેજોએ રસ લીધો હતો. ખબર તો પડે કે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે લોકમાનસમાં શાસકો સામે તાપ વધી રહ્યો છે કે કેમ? બાળકની સામે ગમે એટલાં હાલરડાં ગાવ, જો છોકરું ભૂખ્યું હોય તો સુવાનું નથી. માટે વાસ્તવિકતા એ છે કે ડંકા વાગવા માંડ્યા છે અને દિવાસ્વપ્નોનાં મીઠા ડંકાઓ કરતાં વાસ્તવિકતાના ડંકા કાન ફાડી નાખે એવા છે.

હવે તાતાજુથની માલિકીની બનેલી ‘એર ઇન્ડિયા’એ જાહેરખબર આપી હતી કે તેને ૨,૨૧૬ મજૂરોની જરૂર છે જે વિમાનમાં ઉતારુઓનો સામન ચડાવવાનું અને વિમાનમાંથી ઉતારીને લગેજ-બેલ્ટ પર ચડાવવાનું કામ કરે. પગાર ૨૨,૫૦૦ રૂપિયા. જે ઈચ્છુક હોય તે પોતાનો બાયોડેટા લઈને સીધા જ મંગળવાર ૧૬મી જુલાઈએ ‘એર ઇન્ડિયા’ની મુંબઈ ઍરપોર્ટ પરની ઓફિસે આવી જાય. અરજી કરવાની જરૂર નથી. ઉમેદવારના આ પ્રકારના ઈન્ટરવ્યુઝને વૉકઇન ઈન્ટરવ્યૂ તરીકે ઓળખાવવામાં આવે છે. મંગળવારે દરેકના આશ્ચર્ય વચ્ચે મુંબઈ ઍરપોર્ટ પર ૨૫,૦૦૦ કરતાં વધુ યુવાનો નોકરી મેળવવા પહોંચી ગયા. ૨,૨૧૬ નોકરી અને ૨૫ હજર કરતાં પણ વધુ ઉમેદવારો. આખા દેશમાંથી યુવાનો આવી પહોંચ્યા અને કેટલાક તો સોમવાર સાંજથી લાઈનમાં ઊભા રહી ગયા હતા. અને ભણતર? કેટલાકનું તો યુનિવર્સિટીમાં પ્રોફેસરની કક્ષાનું. આવી જ એક ઘટના અંકલેશ્વરમાં બની હતી. ખાનગી કંપનીની માત્ર દસ જગ્યા માટે બે હજાર યુવાનો પહોંચી ગયા હતા. એક જગ્યા માટે ૨૦૦ દાવેદાર.

મને ખરેખર આશ્ચર્ય થાય છે કે કોઈ આવી સ્થિતિમાં નિશ્ચિંત કેવી રીતે રહી શકે? ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. દેશ જ્વાળામુખીના મોઢા ઉપર બેઠો છે અને છતાં શાસકો નિશ્ચિંત છે. યોગાનુયોગ એવો છે કે જ્યારે યુવાનો એરપોર્ટ પર લાઈન લગાવતા હતા એ જ દિવસે ભારતની રીઝર્વ બેંકે આંકડા બહાર પાડ્યા કે દેશમાં ૨૦૨૦-૨૧માં ત્રણ કરોડ દસ લાખ, ૨૦૨૧-૨૨માં એક કરોડ ૨૦ લાખ, ૨૦૨૨-૨૩માં એક કરોડ ૯૦ લાખ લોકોને રોજગારી મળી છે. કોવીડની મહામારી શરૂ થઈ તેનાં આગલા વર્ષે ૨૦૧૯-૨૦૨૦માં ચાર કરોડ વીસ લાખ લોકોને રોજગારી મળી હતી. અને વડા પ્રધાને રીઝર્વ બેંકનો હવાલો આપીને કહ્યું કે કોવીડની મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આઠ કરોડ લોકોને રોજગારી મળી છે. (જરા ફેર ગણતરી કરી જુઓ, આંકડાનો મેળ બેસે છે?) આની સામે ભારતની પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ આર્થિક અધ્યનસંસ્થા સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી(સી.એમ.આઈ.ઈ.)ના અહેવાલ મુજબ કમાવાની ઉંમર ધરાવતા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ૨૦૨૪ના મે મહિનામાં બેરોજગારીનું પ્રમાણ ૭ ટકા હતું જે માત્ર એક મહિનામાં જૂન મહિનામાં વધીને ૯.૨ ટકા થયું હતું.

રીઝર્વ બેક અને સી.એમ.આઈ.ઈ.માં આજે કોણ વધારે પ્રતિષ્ઠા ધરાવે છે એ કોઈ પણ ડાહ્યા માણસને પૂછી જોજો અને જો ન પૂછવું હોય તો મુંબઈના એરપોર્ટ પર અને અંકલેશ્વરમાં જે જોવા મળ્યું એ કોના આંકડા સાચા સાબિત કરે છે એ વિચારી જુઓ. નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર માટે ત્રીજી મુદ્દત એક રીતે તક બનીને મળી છે અને જો તકનો ઉપયોગ ન કર્યો તો વમળ બનવાની છે એ લખી રાખજો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2024

Loading

...102030...630631632633...640650660...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved