Opinion Magazine
Number of visits: 9457354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક નિર્દેશ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 March 2024

‘માતૃભાષા મોરી મોરી રે …’,  સંપાદક : અનિતા તન્ના અને રમેશ તન્ના, પ્રકાશક : લેખક પોતે, પાનાં 328, રૂ.325, સંપર્ક : 9824034475, 8849609083

આ પુસ્તકમાં ‘જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ માતૃભાષા ગુજરાતી વિશે વ્યક્ત કરેલા હૃદયભાવનો સંચય’ છે. પુસ્તકના અઠ્ઠાવન લેખકોમાં સંપાદક દંપતી અને કેટલાક સાહિત્યકારો ઉપરાંત ગૃહિણી, શિક્ષક, પત્રકાર, સમાજસેવક, ગાયક, અભિનેતા, ચિકિત્સક, વ્યાવસાયિક, પૂર્વ સનદી અધિકારી, સરકારી અધિકારી, ચિત્રકાર ઇત્યાદિનો સમાવેશ થાય છે.

આપણા સમયના આ મહત્ત્વના દસ્તાવેજી પુસ્તકનો વિશેષ છે કે તેમાં માત્ર ગૌરવગાન નથી, ક્રિટિકલ દૃષ્ટિકોણ અને વ્યાપક પરિપ્રેક્ષ્ય પણ છે. અધઝાઝેરા લેખો અભ્યાસપૂર્ણ અને ગંભીર છે. તેમાં ભાષા અને માતૃભાષાના અનેકાનેક પાસાંની ચર્ચા છે, જેમ કે ભાષાઓનો લોપ, માતૃભાષા માટેની ચળવળો, અંગ્રેજીનો પ્રભાવ, શહેરીકરણ, પાઠ્યપુસ્તકો, બાળઉછેર, ડાયેસ્પોરા અને બીજા અનેક.

કનુ પટેલના મુખપૃષ્ઠથી ઓપતાં આ પુસ્તકમાં દરેક લેખકના અત્યારના પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપરાંત તેમના બાળપણની અને તેમની માતાની એક એક મધ્યમ કદની તસવીરો છે.  

* * * * * 

‘એવર ગ્રીન ઓલ્ડી‘, લેખક : વિરલ વૈશ્નવ, પ્રકાશક : લે. પોતે, પાનાં 304, રૂ. 350, સંપર્ક : 9909904664 

અભાવો વચ્ચે ભણીગણીને શહેરમાં નોકરી કરીને પરિવારને ટેકો કરતી નાયિકા પોતાની કથા અહીં પ્રથમ વ્યક્તિ એકવચન એટલે કે ‘હું’ દ્વારા કહે છે.

સોળ વર્ષની ઉંમરે છાત્રાલયમાં થયેલા જાતીય સતામણીના આઘાતજનક અનુભવ પછી તે જુદી જુદી નોકરીઓ દરમિયાન પુરુષોથી ખૂબ ચેતીને ચાલે છે.

પણ ત્રીસેક વર્ષની ઉંમરે જ્યારે તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં નવી નોકરી લે છે ત્યારે તેના પિસ્તાળીસેક વર્ષના ‘સર’નો તેને ઇન્ટરવ્યૂના દિવસથી ખૂબ સારો અનુભવ થાય છે. આ ખાનદાની, દાક્ષિણ્યપૂર્ણ, સંસ્કારી, તંદુરસ્ત અને દેખાવડા બૉસે ઝગડાળુ પત્ની સાથે ફારકત લેવાની અને નાયિકા સાથેના તેના સંબંધને ઘનિષ્ઠ બનવાની પ્રક્રિયને લેખકે સમાંતરે વર્ણવી છે.

અંતે નાયિકા તેને ખૂબ આધાર આપનારા ‘સર’ સાથે ઉંમરનો તફાવત બાજુ પર રાખીને, માતાપિતાને મનાવીને લગ્ન કરે છે. એકંદરે વાચનીય નવલકથાનો મોટો હિસ્સો ‘હું’ અને ‘સર’ના સંબંધોના વિગતવાર રસપ્રદ નિરૂપણમાં રોકાય છે. 

‘કોઈ પણ પાત્ર, સ્થળ, વસ્તુ કે વાર-તહેવારનાં નામ વગરની નવલકથા’ લખવાનો લેખકનો પ્રયોગ નવીન છે. 

* * * * * 

‘બૃહદારણ્યક ઉપનિષદ’, લેખક : મૃદુલા મારફતિયા, પ્રકાશક : ગૂર્જર, પાનાં 60, રૂ.110

‘કદાવર અને મહત્તાયુક્ત ઉપનિષદના પ્રત્યેક અધ્યાયના મહત્ત્વના મુદ્દાઓની’ લેખિકાએ છણાવટ કરી છે. તેમણે સંસ્કૃતમાં ડૉક્ટરેટ મેળવ્યાં બાદ ઘરસંસારની જવાબદારી નિભાવવાની સાથે સાત ઉપનિષદો પર પુસ્તકો લખ્યાં.પ્રસ્તુત પુસ્તક વૃદ્ધાવસ્થાની અનેક શારિરીક અને માનસિક વિટંબણાઓ વચ્ચે પૂરું કર્યું જેનું મરણોત્તર પ્રકાશન પરિવારજનોએ કર્યું.

લેખિકાનું નોંધપાત્ર મંતવ્ય છે : ‘મૂળે સંસ્કૃત ભાષાની જાણકારીનો આભાવ, અધ્યાત્મવિદ્યાનો શુષ્ક (મનાતો) અને કઠિન વિષય, સંક્ષિપ્ત અને પ્રતીકાત્મક એવી આર્ષવાણી ઇત્યાદિને કારણે ઉપનિષદનું અધ્યયન આજે અત્યંત મુશ્કેલ બની રહે છે.’ 

* * * * * 

‘દાદા દાદી આવ્યાં, વાતો મજાની લાવ્યાં‘, લેખક : પ્રહ્લાદ સુથાર ,પ્રકાશક : લેખક પોતે, પાનાં 128, રૂ.140 

સત્ત્યાવીસ બાળવાર્તાઓના સચિત્ર સંગ્રહમાં કેટલીક વાર્તાઓ રસપ્રદ છે. એક વાર્તામાં શાળાએ જતાં કિશોરોમાં ભૂતપ્રેતનો ડર ઊભો કરનાર એક મોટેરાનો એક વિદ્યાર્થી સાફ વિરોધ કરે છે.

ગામડાંની શાળાનાં એક શિક્ષિકા મહામારીને પગલે આખા ગામને શાળાના માસ્ક પહેરતું કરે છે. એક માજી ભર તડકે પરબ માંડીને વટેમાર્ગુઓને વિનામૂલ્યે પાણી પિવડાવે છે. 

કેટલાંક પક્ષીઓ વિશે વાર્તા કથન દ્વારા માહિતી અપાઈ છે.દાદીના છીંકણીના બંધાણ પર દાદા-દાદી વચ્ચેના કજિયાની વાત પણ છે. પુસ્તકને અંતે સદાચાર અંગેની વીસ સૂક્તિઓ ચિત્રો સાથે મૂકવામાં આવી છે.     

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98797 62263

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 માર્ચ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટ્રીય રાજકારણથી છેટે રહેલા દક્ષિણી પક્ષોને રિઝવવા ભા.જ.પા.એ લગાડેલું એડી ચોટીનું જોર કેટલું લેખે લાગશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2024

રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધા જ પ્રયત્નો કર્યા છે

ચિરંતના ભટ્ટ

ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, આચાર સંહિતા લાગુ થઇ ચૂકી છે. આ બધું થાય એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત તરફના આંટાફેરા વધારી દીધા હતા. હજી દસ વર્ષ પહેલાં સુધી તો ભારતીય જનતા પાર્ટી – ભા.જ.પા.ને એક હિંદી બેલ્ટની પાર્ટી ગણવામાં આવતી અને તેની પહોંચ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતી. 2014માં સત્તામાં આવ્યા પછી પહેલાં તો ઉત્તર-પૂર્વિય રાજ્યો તરફ ભા.જ.પા.એ કાબૂ મેળવ્યો અને આ વર્ષે ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યુ છે દક્ષિણ ભારત અને ત્યાં પગદંડો જમાવવામાં ભા.જ.પા.એ એડી ચોટીનું જોર લગાડ્યું છે. આખા ભારતમાં જેની પહોંચ હોય એવો પક્ષ બનવું હોય અને 370 બેઠકો પર જીત મેળવવી હોય તો દક્ષિણ ભારતમાં જમાવટ કરવી ભા.જ.પા. માટે બહુ જ અનિવાર્ય છે.

મહારાષ્ટ્ર અને બિહારમાં તો વિરોધ પક્ષ સાથે ભા.જ.પા.ને સારી એવી ઝિંક ઝીલવી પડે એમ છે અને એવામાં દક્ષિણ ભારતના કર્ણાટકમાં જ્યાં એન.ડી.એ. ગઠબંધને 2019ની ચૂંટણીમાં 28માંથી 26 બેઠકો મેળવી હતી ત્યાં પણ એવો જ હાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર સંહિતા લાગુ પડી તે પહેલાંના અઠવાડિયે દક્ષિણ ભારતમાં કેરળમાં રોડ શો કર્યો અને તમિલનાડુમાં રેલી કરીને પ્રચાર પૂરો કર્યો તે પહેલાં લગભગ બેએક ડઝન વખત દક્ષિણ ભારતની મુલાકાત લીધી. આ મુલાકાતોમાં વિરોધીઓ પર સપાટો બોલાવવામાં મોદીએ કંઇ બાકી નથી રાખ્યું, ખાસ કરીને તમિલનાડુની ડી.એમ.કે. પાર્ટી અને તેલંગાણામાં બી.આર.એસ. પાર્ટી. વળી આંધ્ર પ્રદેશમાં તેમણે પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણને સાથે સ્ટેજ પર રાખ્યા જે રાજ્ય સ્તરે ભા.જ.પા.ના સાથી રહ્યા છે. રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધાં જ પ્રયત્નો કર્યા છે. ભા.જ.પા.ને લાગે છે કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં પહોંચી વળાશે. પ્રાદેશિક પક્ષો અને કાઁગ્રેસનો ગઢ રહેલું દક્ષિણ ભારત કેટલું કેસરી થાય છે તે જોવું રહ્યું. ભા.જ.પા.એ ચાર મુખ્ય રાજ્યોમાં અપનાવેલી વ્યૂહરચના સમજીએ.

કેરળની વાત કરીએ તો ભા.જ.પા.ની ત્યાં પકડ મજબૂત થવાને કારણે સી.પી.આઇ.(એમ.)ના સુકાન હેઠળની એલ.ડી.એફ. અને કાઁગ્રેસની યુ.ડી.એફ. – એમ માત્ર બે પાર્ટી વચ્ચે થતી લડાઇને બદલે આ વખતે ત્રિકોણિયા જંગની શક્યતાઓ વર્તાય છે. મોદી સરકારની ભા.જ.પા. ઉમેદવારોને પસંદ કરવામાં હંમેશાં બહુ ચકોર રહી છે જેમ કે કેરળમાં ભા.જ.પા.એ કેન્દ્રીય મંત્રીઓ રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરનને આગળ કર્યા છે તો કાઁગ્રેસનાં પદ્મજા વેણુગોપાલન અને અનિલ એન્થોનીનું ભા.જ.પા.માં જોડાવું પણ ભા.જ.પા.નું સ્થાન મજબૂત કરનારી બાબત છે. વળી કેરલા જનપ્રકાશમ (સેક્યુલર) ચિફ પી.સી. જ્યોર્જે પોતાની પાર્ટી ભા.જ.પા. સાથે ભેળવી દીધી છે. હવે આ બધાં સંધાણ અને જોડાણની વચ્ચે યુ.ડી.એફ. અને એલ.ડી.એફ.ના મતભેદ જાહેર થઇ જાય છે એમાં વિરોધ પક્ષની નબળાઇ ભા.જ.પા.ને જોર પૂરું પાડનારી સાબિત થાય છે. ભા.જ.પા.એ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા જેવા મુસલમાન સંગઠનનો વિરોધ દર્શાવીને નવી પેઢીને પણ પોતાની તરફ ખેંચી છે ,તો છેલ્લે વિકાસને મામલે ત્યાં કસારગોડ-થિરુવનન્તપુરમ સિક્સ લેન હાઇ-વે, કોચી મેટ્રો, કોચિન શિપયાર્ડ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ ભા.જ.પા.ની મજબૂત કરવામાં કામ લાગ્યા છે. મોદી સારી પેઠે જાણે છે કે ભારતીય સીમાઓના આર્થિક એજન્ડા માટે દક્ષિણનો સાથ જરૂરી છે કારણ કે દેશના જી.ડી.પી.માં દક્ષિણી રાજ્યોનો નોંધપાત્ર ફાળો છે.

તમિલનાડુમાં 2014માં ભા.જ.પા. 5.5 ટકા વોટના હિસ્સા સાથે થોડીઘણી સફળતા મેળવી શકી જે 2019માં તો 3.66 ટકા વોટ શેર પર આવીને અટકી. તામીલનાડુમાં એ.આઇ.એ.ડી.એમ.કે.નો પ્રભાવ ઝાંખો કરવો સહેલો નથી રહ્યો. વળી ભાષાના અવરોધો અને મજબૂત નેતૃત્વ ન હોવાથી પણ તામીલનાડુમાં ભા.જ.પા. માટે છવાઇ જવું અઘરું જ રહ્યું છે. આ વખતે ભા.જ.પા.એ મીડિયા થકી લોકો સુધી પહોંચવાનો ખાસ્સો પ્રયત્ન કર્યો છે તો સાથે અન્નામલાઇએ નીચલા સ્તરે કરેલી કામગીરી, વિરોધ પક્ષને મામલે કોઇ મજબૂત નામ ન હોવાને કારણે પણ ભા.જ.પા.ની સારી એવી આશા બંધાઇ છે. વળી ભા.જ.પા.એ પી.એમ.કે, એ.આઇ.એ.ડી.એમ.કે. જેવા પક્ષો સાથે હાથ જોડ્યા છે અને અન્ય પક્ષો સાથેની વાતચીત પણ સતત ચાલુ રાખવામાં આવી કારણ કે ટેકેદાર પક્ષોને આધારે જાતિ આધારિત રાજકારણમાં ભા.જ.પા. પોતાનો પ્રભાવ પાડી શકે.

આંધ્ર પ્રદેશ ભા.જ.પા. માટે અઘરું રાજ્ય રહ્યું છે કારણ કે 2019માં પચ્ચીસમાંથી ચોવીસ બેઠકો પર લડ્યા પછી પણ ભા.જ.પા.ના હાથમાં કંઇ ન આવ્યું. 2024 માટે ભા.જ.પા., ટી.ડી.પી. અને જનસેનાએ હાથ મેળવ્યા છે અને ભા.જ.પા. રાજ્યમાં નોંધપાત્ર બેઠકો પર, લોકસભાની સાત અને વિધાનસભાની વીસ બેઠકો, પર નજર રાખીને બેઠી છે. જો કે ટી.ડી.પી. ભા.જ.પા.ને આટલી બધી બેઠક ઓફર ન કરે એમ બને. ભા.જ.પા.ને વાય.એસ.આર.સી.પી. સાથેના સીધા જંગમાંથી જીતની ખાસ્સી આશા છે અને ટી.ડી.પી. માટે પણ આ ચૂંટણી ખરાખરીને જંગ છે અને પક્ષે મતદારોને પોતાને છેલ્લો મોકો આપવા અપીલ કરી છે.

તેલંગાણાની વાત કરીએ તો ભા.જ.પા. 2019માં સત્તરમાંથી ચાર બેઠકો પર જીત મેળવીને વોટ શેરની ટકાવારીમાં વધારો કરી ચૂકી હતી. આ વર્ષે ભા.જ.પા.ને સત્તરમાંથી બાર બેઠકો પર જીતની આશા છે. વળી ધરપકડો કરવામાં ઉત્સાદ ભા.જ.પા.એ કે ચંદ્રશેખર રાવની દીકરી કે કવિથાની ધરપકડ કરીને પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. રેવન્થ રેડ્ડી ભા.જ.પા., મોદી, અને ગુજરાત મોડલના સતત વખાણ કરતા રહ્યા છે.

દક્ષિણ ભારતના સાંસ્કૃતિક પ્રચારમાં પણ નરેન્દ્ર મોદીએ કોઇ કચાશ નથી રાખી. દક્ષિણ ભારતમાં પ્રચલિત એવા લાંબા હાર પહેરવાથી માંડીને સ્થાનક તહેવારોની ઉજવણીમાં ભાગ લેવો, ત્યાંની ભાષા અને બોલીઓનો પ્રચાર પ્રસાર કરવો વગેરે એ જ દિશાનાં પગલાં છે.  ચારેય રાજ્યોના મહત્ત્વનાં મંદિરોની મુલાકાત તો મોદીએ જાન્યુઆરીમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ લીધી હતી.  અયોધ્યા રામ મંદિરમાં પણ દક્ષિણી પ્રભાવ બહુ દેખીતો છે જે પણ દક્ષિણ ભારતના મતદાતાઓને રિઝવવા માટે જ છે. દક્ષિણ ભારતના કાળા પથ્થરમાંથી બનેલી શ્રીરામની મૂર્તિ બનાવનાર કલાકાર અને મંદિરના કમાડ બનાનારા કારીગરો દક્ષિણ ભારતીય છે. વળી જ્યારે અયોધ્યામાં પ્રસંગ ઉજવાયો ત્યારે દક્ષિણ ભારતીય નાદસ્વરમનું સંગીત વાગતું હતું અને મંદિર ભલે ઉત્તર ભારતીય શૈલીમાં બન્યું હોય પણ તેના કલાકારો અને સામગ્રી દક્ષિણ ભારતમાંથી આવી. વળી કાશી તામિલ સંગમમનું ઉદ્ઘાટન પણ તો ઉત્તર-દક્ષિણ વચ્ચે સેતુ રચવાની જ પહેલ છે.

પડકારો હોવા છતાં ભા.જ.પા. તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આક્રમક લડાઇ આપવા કટિબદ્ધ છે. વોટ શેર અને સસંદીય પ્રતિનિધિત્વને બહેતર બનાવવા માટે ભા.જ.પા.એ ચાવીરૂપ મતવિસ્તારો પર ધ્યાન આપ્યું છે. ભા.જ.પા.એ દક્ષિણની જનતા અને પ્રાદેશિક પક્ષોને રિઝવવા માટે ચાણક્ય નીતિના પુસ્તકમાં હશે તેના કરતાં ચારગણા હથકંડા અપનાવ્યા છે. ઉત્તર – દક્ષિણનું વિભાજન જે વર્ષોથી પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં ગણતરીમાં લેવાતું રહ્યું છે તેમાં આવેલા ફેરફાર બહુ ચોકસાઇની ચોપાટ રમીને લાવવામાં આવ્યા છે અને આવામાં 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં ભા.જ.પા.નું પ્રદર્શન જોવું રસપ્રદ રહેશે એ ચોક્કસ.

બાય ધી વેઃ

મજાની વાત એ છે કે દક્ષિણ ભારત જાણે અલગથી એક દેશ હોય એવો અભિગમ ધરાવતું આવ્યું છે. ના, એમ નહીં કે તે બાકીના ભારત સાથે જોડાયેલું નથી રહ્યું પણ પોતાના એટલે કે પ્રાદેશિક રાજકારણમાં સતત છાકો બોલાવનારા દક્ષિણ ભારતીય રાજકારણીઓ રાષ્ટ્રીય રાજકારણમાં બહુ ઓછા દેખાયા છે. ઉત્તરનું રાજકારણ તેમને આર્યનોનું રાજકારણ લાગે છે અને પોતાના મૂળિયાં દક્ષિણી નેતાઓને અતિ પ્રિય છે. આમ જોવા જઇએ આપણને ઘણા રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતમાંથી મળ્યા છે તો નરસિંહા રાવ અને દેવગૌડા દક્ષિણ ભારતીય વડા પ્રધાન હતા પણ એ ગઠબંધન અને સંજોગોને આધારે વડા પ્રધાન પદે પહોંચ્યા હતા. દક્ષિણ ભારતીય રાજ્યોની જનતાને પોતાના હાથમાં રાખવામાં સ્થાનિક નેતાઓ જરા ય પાછી પાની નથી કરતા અને એટલે જ ત્યાંના લોકોને પણ રાષ્ટ્રીય રાજકીય નેતાઓમાં બહુ રસ નથી રહેતો. દક્ષિણ ભારતમાં જાતિ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચાર, સગાંવાદ, અને ધ્રુવીકરણ બહુ મોટા પાયે હોવાથી દરેક રાજ્યના પોતાના પ્રશ્નો છે. વળી ભા.જ.પા.નો હિંદુવાદ દરેક દક્ષિણ ભારતીય માનસિકતા સાથે નથી બંધ બેસતો તો હિંદીને અધિકૃત અને રાષ્ટ્રીય ભાષા તરીકે આગળ કરનારા પક્ષ સામે પોતાની દરેક પ્રાદેશિક ભાષાને ચાહનારા દક્ષિણ ભારતીયોને વાંધો હોય એ પણ સ્વાભાવિક છે. હિંદી રાજકારણ અને ભેદભાવને કારણે દક્ષિણ ભારતીય નેતાઓ હંમેશાં હાંસિયામાં ધકેલાયા હોવાની ફરિયાદો પણ અનેક વખત થઇ છે. અહીં પ્રાદેશિક પાર્ટીના નેતાઓ જેમને ભગવાન સરીખું માન મળે છે તેઓ હવેલી લેતા ગુજરાત ખોયું વાળો ઘાટ ન થાય એટલે રાષ્ટ્રીય રાજકારણની ભાંજગડમાં પડવાનું બને ત્યાં સુધી ટાળતા આવ્યા છે. આ વર્ષે ભા.જ.પા.ના પ્રયાસો પછી  2024માં રાજકીય લેન્ડસ્કેપમાં ચોકઠા કેવા ગોઠવાય છે તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024

Loading

અરવિંદ કેજરીવાલ બાદ સબ કા સાથ સબ કા વિકાસના ખેલનું શું હશે પરિણામ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2024

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિરોધ પક્ષના જેટલા નેતાઓને જેલમાં મોકલ્યા છે, એમાંથી જો મને રતિભાર પણ સહાનુભૂતિ  ન હોય, તો એ અરવિંદ કેજરીવાલ માટે. ત્યારે પણ નહોતી જ્યારે ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું મહાન આંદોલન ચાલતું હતું અને આજે પણ નથી. હકીકતમાં ભ્રષ્ટાચારમુક્ત ભારત એ દેશની જનતા સાથેની પહેલી છેતરપિંડીનો ખેલ હતો અને સબકા સાથ સબકા વિકાસ એ પ્રજા સાથેની છેતરપિંડીનો બીજો ખેલ હતો. બન્ને ખેલ આગળપાછળ ભજવાયા હતા અને બન્ને ગણતરીપૂર્વકના હતા.

તમને કદાચ જાણ નહીં હોય પણ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની બેઠકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીસ્થિત વિવેકાનંદ ફાઉન્ડેશનનાં મકાનમાં થતી હતી. અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, કિરણ બેદી વગેરે ત્યાં એકઠાં થતાં હતાં. આ પવિત્ર અને પારકી છઠ્ઠીના જાગતલોને લાગ્યું કે કાઁગ્રેસના ભષ્ટાચાર સામે દેશભરમાં આંદોલન કરવા માટે એક એવો ચહેરો જોઈએ, જેની શાખ નિસ્પૃહી અને પવિત્ર માણસની હોય. એવા માણસની ખોજમાં  કેજરીવાલ પહેલા અમદાવાદમાં રહેતા સર્વોદય ચળવળના નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા પણ ચુનીભાઈને તો સમૂળગી વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં રસ હતો એટલે ત્યાં તેઓ ફાવ્યા નહીં. આ ટોળકીને વ્યવસ્થા પરિવર્તનમાં રસ નહોતો. ફરી ખોજ આદરી અને કોઈકે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક અણ્ણા હજારે નામનો માણસ છે, જે ઉપવાસ કરવાનો લાંબો અનુભવ ધરાવે છે. ઉપવાસ ખેંચવાની ક્ષમતા પણ ઘણી છે. વળી તેમને વ્યવસ્થા વગેરેની ગતાગમ પણ ઓછી છે. અરવિંદ કેજરીવાલ તેમની પાસે ગયા અને કહ્યું કે દેશને ભષ્ટાચાર મુક્ત કરવો છે અને તેમાં અમને તમારા જેવા પવિત્ર અને લોકકલ્યાણ માટે સંઘર્ષરત માણસના નેતૃત્વની તેમ જ માર્ગદર્શનની જરૂર છે. જુઓ હું આઇ.આઇ.ટી.માં ભણ્યો છું, કેન્દ્ર સરકારની નોકરી છોડી દીધી છે અને મારા જેવા ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ સ્તરે બિરાજમાન રહી ચુકેલા બીજા ઘણા લોકો છે જે તમારા નેતૃત્વમાં જાનફેસાની કરવા તૈયાર છે. અણ્ણા હજારે તૈયાર થઈ ગયા. બાળ ઠાકરેએ કહ્યું હતું એમ શ્રવણપુત્રો બાપાને કાવડમાં બેસાડીને રામલીલા મેદાનમાં પહોંચી ગયા. એ પછી જે થયું એ ઇતિહાસ તમે જાણો છો.

આખું આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાછળ રહીને સંચાલિત હતું. અણ્ણાના ઉપવાસ લાંબા ખેંચાયા અને તેમની જિંદગી જોખમમાં આવી ગઈ એ છતાં તેમને ઉપવાસ પર બેસાડનારાઓ સરકાર સાથે સમાધાન નહોતા કરતા. અંતે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ, મરાઠી પત્રકારો અને કર્મશીલોએ અણ્ણાની આંખ ઊઘાડી ત્યારે તેઓ ચોંકી ગયા અને અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકીની ઉપરવટ જઈને ખૂદ ઉપવાસ તોડી નાખ્યા. અણ્ણા જો ઉપવાસમાં શહીદ થઈ જાય તો દેશમાં ભડકો થાય અને તેમાં કાઁગ્રેસ હોમાઈ જાય. એક પ્રાણની શી કિંમત!

પણ આ બધા પ્યાદાં હતાં અને પ્યાદાંઓનો ખપ પૂરો થઈ ગયો હતો. પણ પ્યાદાંઓમાં મુખ્ય અરવિંદ કેજરીવાલ ભણેલ ગણેલ ચાલાક અને મહત્ત્વાકાંક્ષી હતા. આ ઉપરાંત આંદોલનમાં એવા કેટલાક લોકો પણ જોડાયા હતા, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા ધરાવતા હતા અને તેઓ ભ્રષ્ટાચારમુક્ત ભારતનાં સપનાં જોઈને ભાવનાવશ થઈને આંદોલનમાં જોડાયા હતા. તેઓ પ્રજાના હિતને વરેલા હતા, તેમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો, સમાધાનો કરતા નહોતા. આ બાજુ સંઘે સબકા સાથ સબકા વિકાસના બીજા ખેલની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેના મુખ્ય અભિનેતા તેના પોતાના હતા. હવે ઉછીનાં મહોરાંની જરૂર નહોતી.

દેશમાં એવા કરોડો લોકો હતા જેમને અરવિંદ કેજરીવાલ પર ભરોસો હતો. તેમને એમ લાગતું હતું કે કેજરીવાલ ખરેખર પ્રજાહિતને વરેલા છે. પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, એડમિરલ રામદાસ જેવા અનેક લોકો છેતરાયા હતા તો સામાન્ય પ્રજા છેતરાય તેમાં શું આશ્ચર્ય! સંઘે પોતાના અભિનેતા સાથે સબકા સાથ સબકા વિકાસનો નવો ખેલ શરૂ કર્યો, ત્યારે અરવિંદ કેજરીવાલે વિચાર્યું કે ટકોરાબંધ પ્રામાણિક માણસો અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની મૂડી દ્વારા તેઓ નરેન્દ્ર મોદીને હરાવી શકશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં તો એવું બન્યું નહીં પણ દિલહીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો. અરવિંદ કેજરીવાલને હવે લાગવા માંડ્યું કે તેમનો પક્ષ કાઁગ્રેસની જગ્યા લઇ લે છે અને આગળ જતાં તેઓ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે એમ છે.

એવી શક્યતા જરૂર હતી પણ અરવિંદ કેજરીવાલે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી નેતાઓને પક્ષમાંથી કાઢી મૂકવાની ભૂલ કરી. રાજકારણમાં પારદર્શકતા, જવાબદેહી, લોકતંત્ર, સામૂહિક નેતૃત્વ વગેરે પ્રજા સાથેની છેતરપિંડીનાં સાધનો છે, સત્તાના રાજકારણમાં એ ન ચાલે. એ સારુ તો તેમણે આર્ટીકલ 370, સી.એ.એ., એન.આર.સી., ખેડૂત આંદોલન એમ દરેક વખતે મૌન ધારણ કર્યું હતું. હિન્દુઓ નારાજ ન થાય એ સારુ તેમણે મૂલ્યો સાથે સમાધાન કર્યું હતું. સરવાળે કેજરીવાલ ન હિન્દુઓના રહ્યા ન બી.જે.પી.ના વિરોધ કરનારા સેક્યુલરોના રહ્યા. બહુ ડાહ્યો બહુ ખરડાય એના જેવું થયું.

ગાંધીજીએ કહ્યું છે કે સાધ્ય મહાન હોય પણ સાધન અશુદ્ધ હોય તો સરવાળે તેની કિંમત ચૂકવવી પડે. અહીં તો સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હતા. ભ્રષ્ટાચારમુક્ત ભારત એ રીતસર પ્રજા સાથે છેતરપિંડીનો ખેલ હતો. જ્યારે સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હોય ત્યારે એ જ પરિણામ આવે જે આવી રહ્યું છે. સબકા સાથ સબકા વિકાસના ખેલનું પરિણામ પણ આવું જ કોઈક પ્રકારનું આવવાનું છે.

મુજ વીતિ તુજ વિતશે ધીરી બાપુડિયા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024

Loading

...102030...616617618619...630640650...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved