Opinion Magazine
Number of visits: 9457172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરોહણ

વસુધા ઈનામદાર|Opinion - Short Stories|2 April 2024

આરોહી આજે ખૂબ જ ઉત્સાહમાં હતી. હવેથી તેને હંમેશની જેમ દાદીમાને લઈને ડાયાલેસિસ માટે હોસ્પિટલમાં નહીં આવવું પડે. કીડની મેળવવા માટે ચાર વર્ષ રાહ જોયાં પછી આજે એની દાદીનો નંબર લાગ્યો હતો. આરોહી કીડની ટ્રાન્સફર વિશે દાદીને સમજાવતી હતી. દાદી પણ કૌતુકતાથી પૌત્રીની વાત સાંભળતાં હતાં. કયારેક હળવેથી આરોહીનો હાથ પકડીને ચૂમી લેતાં ને કહેતાં, ‘ઓ દીકરી, તું મને બહુ વહાલી છો!’

આરોહી મધુર સ્મિત કરીને કહેતી, ‘બા, મને ખબર છે, મને એ પણ ખબર છે, કે તમે મારાથી થોડા નારાજ છો, હું પર્વતારોહણ માટે જઉં છું, તે તમને ઓછું ગમે છે, તમને એમ છે કે આવાં જોખમી સાહસ કરીને હું ક્યાંક હાથ – પગ ભાંગી બેસીશ. પણ બા, તમારે ચિંતા નહીં કરવાની. ઉપર ચડવાની મજા જ કાંઈ ઓર છે !!!’

દાદીમાં ફીકકું હસ્યાં ને આરોહીનો હાથ જોશથી પકડી રાખ્યો. આરોહીએ પૂછ્યું, ‘બા, તમને બીક લાગે છે?’ બા જવાબ આપે તે પહેલાં કીડનીના વિશેષજ્ઞ અને સાથે બે ચાર ડોક્ટરોનું ટોળું એમની પ્રાઈવેટ રૂમમાં જાણે ધસી આવ્યું! ક્ષણેક તો દાદીમાં ગભરાઈ ગયાં.

પણ જ્યારે ડોક્ટરે એમની ખબર – અંતર પૂછી ને વિનંતીના સૂરમાં કહ્યું, “માજી, અમને ખબર છે કે, તમે ઘણાં સમયથી રાહ જુઓ છો. પણ એક વીસ વર્ષની પેશન્ટ ઈમરજન્સીમાં આવી છે, અને તમને આપવાના હતા તે કીડની એને પણ મૅચ થાય છે. જો તમે હા પાડો તો એ કીડની એમને આપીએ તો એને નવું જીવન આપી શકાય ને બીજી કીડની મળતાં જ ……”

ડોક્ટર કશું કહે તે પહેલાં જ દાદી બોલ્યાં, “અરે, એમાં વિનંતી શું કરવાની? કીડની એમને આપી દો !” આરોહી દાદીને અટકાવતાં બોલી , “દાદી……… તમે કેમ હા પાડો છો?”

દાદીએ પ્રેમથી આરોહીને કહ્યું , ‘દીકરી, એ પણ કોઈની આરોહી હશે ને? અને તને સમજાય છે, આ તો મારું આરોહણ છે! તું કહે છે તેમ ઉપર ચઢવાની મજા જ કાંઇ ઓર છે.’ ને દાદીએ આંખો મીંચી! એમના ચહેરા પર મૌન ભરી પ્રસન્નતા ફરી વળી ! આરોહી મનોમન બોલી ઊઠી, “બા, તમારી વાત સાવ સાચી. આ જ તમારું આરોહણ !’ ને તે દાદીમાને એકીટશે બસ, જોતી જ રહી !!!

બોસ્ટન, અમેરિકા
e.mail : mdinamdar@Hotmail.com.

Loading

પુસ્તક નિર્દેશ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 April 2024

‘વિઝિટિંગ કાર્ડ’, લેખક : દલપત ચૌહાણ, પ્રકાશક : ગૂર્જર, પાનાં 160, રૂ. 250

કથાસાહિત્યના વરિષ્ટ અગ્રણી સર્જક દલપત ચૌહાણની સત્તર વાર્તાઓના સંચયમાં ‘વિઝિટિંગ કાર્ડ’, ‘મંદિરપ્રવેશ’, ‘ખાસડાં’ અને ‘ઓળખ’ જેવી કૃતિઓ દલિત સંવેદનને માર્મિક રીતે ઝીલે છે.

‘તાળું-ચાવી’ અને ‘ભેદરેખા’ હિંદુ-મુસ્લિમો વચ્ચે પડી ગયેલી તિરાડને લગતી છે.‘જીવીમાની બકરી’ એક મજબૂત સ્ત્રી પાત્ર ઊભું કરે છે. રાવણહથ્થો વગાડનાર રમજુની પ્રેમકથા કહેતી ‘ટીંબો’ આ સંગ્રહની સહુથી ઊર્મિપ્રધાન વાર્તા છે.

‘ખુલ્લી બારી’ અને ‘ચાની લારીએ’ વાર્તાઓ કથાતત્ત્વની સરખામણીએ અનુક્રમે મનોભાવોના નિરુપણ અને સંવાદોને પ્રાધાન્ય આપે છે.

દલપતભાઈનાં મોટાં ભાગનાં પુસ્તકોની જેમ અહીં પણ ઘણી વાર્તાઓ ઉત્તર ગુજરાતના તળપદનાં જીવન, પાત્રો, ભાષા અને પરિવેશ ધરાવે છે.

‘વિઝિટિંગ કાર્ડ’ વાર્તા લેખકની અગિયાર વાર્તાઓના હેમાંગ અશ્વિનકુમારે કરેલા અંગ્રેજી અનુવાદ સંચય ‘ફીઅર એંડ અધર સ્ટોરીઝ’માં સ્થાન પામી છે. આ જ અનુવાદક ‘ગીધ’ નવલકથાને પણ અંગ્રેજીમાં લઈ ગયા છે. 

* * * * * 

‘ઝાકળમાં સૂરજ ઊગે’, લેખક : મોહનલાલ પટેલ, પ્રકાશક : આદર્શ, પાનાં 209, રૂ. 250

ગુજરાતી સાહિત્યમાં હમણાંથી નોંધપાત્ર પ્રમાણમાં ખેડાઈ રહેલાં લઘુકથા સ્વરૂપમાં પોણાસો વર્ષ પહેલાંના આરંભકાળથી માતબર પ્રદાન કરનાર મોહનલાલ પટેલના આ લઘુકથા સંગ્રહમાં નેવ્યાંશી કૃતિઓ છે.

પુસ્તકને અંતે, આ સાહિત્યસ્વરૂપની સિદ્ધાંત ચર્ચાના લેખકે અત્યાર સુધી લખેલા પાંચ લેખોના સારરૂપ લેખ મૂકવામાં આવ્યો છે. તેમાં પ્રસ્તુત સંગ્રહની કેટલીક વાર્તાઓ ઉદાહરણો તરીકે ટાંકી છે.

રોજ બ રોજના જીવનની ઘટમાળમાં આપણા ચિત્તને ઝંકૃત કરી જનાર અનુભૂતિઓ પર આધારિત વાર્તાઓ તરીકે લેખક ‘ઉંહકારો’, ‘બાળમજૂર’, ’ઠેસ’, ‘ત્યારે’, ‘વળામણાં અને ‘હળોતરા’ જેવી વાર્તાઓને મૂકે છે.

સાવ મામૂલી લાગતી ઘટના ઉદ્દીપક તરીકે કામ કરી જાય તેવું ‘ગતિભંગ’ અને ‘નિગ્રહ’ જેવી વાર્તાઓમાં બને છે. વિશિષ્ટ રચનારીતિ દ્વારા લાઘવ સિદ્ધ થયું હોય તેના દાખલા ‘મૌન’ અને ‘જાકારો’ છે, જ્યારે ‘રખડુ’ સંકેતો તેમ જ વ્યંજના દ્વારા લાઘવ સાધે છે. ‘ધૃતરાષ્ટ્ર’ પુરાકલ્પનનો નજીવો આધાર લઈને રચાયેલી કૃતિ છે. લઘુકથાનાં બીજાં લક્ષણોનો ખ્યાલ પણ લેખક આ રીતે આપે છે. 

* * * * * 

‘દુનિયા દોરંગી’, લેખક : તુલસીભાઈ પટેલ, દર્શિતા પ્રકાશન, મહેસાણા, પાનાં 136, રૂ. 230  સંપર્ક 9427681791

તુલસીભાઈ પટેલે બાળઉછેર, શિક્ષણ, સંસ્કાર, કબીર, વિવેચન, ચિંતન, પ્રવાસ, હિન્દી સાહિત્ય જેવા અનેક વિષયો પર ગંભીર લેખનનાં ત્રીસેક પુસ્તકો લખ્યાં છે. 

ઉપરાંત હાસ્યરંગના તેમના આ ત્રીજા પુસ્તકમાં 45 લેખો છે,જેની મુખ્ય પ્રયુક્તિ વ્યંજના છે.અનેક વખત સ્ત્રી કે પત્ની હાસ્યનું લક્ષ્ય હોય છે.અહીં પત્નીએ પતિની વાક્યે વાક્યે ટીખળ કરતાં સળંગ ચાર લેખો છે.તે જ રીતે નાપસંદ લગ્નમાંથી છૂટા થઈને પોતાના મનના મણિગરને જીવનસાથી બનાવતા ઉપલક હળવાશથી લખાયેલા લેખો છે.

અનેક જગ્યાએ લેખકે ઘરમાં અને પરીક્ષાઓમાં સ્ત્રીઓને શક્તિશાળી બતાવી છે. તેમણે કુરિવાજો, રાજકારણ, કોમવાદ, ચૂંટણી, દેશના અનેક પ્રશ્નો જેવા વિષયો પર હાસ્ય, કટાક્ષ, પૅરડી અને ગાંભીર્યની જુદી જુદી કે મિશ્ર માત્રામાં એકંદરે પ્રગતિવાદી ભૂમિકાથી લખ્યું છે. 

* * * * * 

‘ડૉક્ટરનું સમાજ દર્શન’, લેખક : સુધીર મોદી, પ્રકાશક : નયના મોદી, પાનાં : 175 કિંમત : જણાવી નથી, સંપર્ક 9898612682

અરધી સદીથી વધુ સમય પ્રૅક્સ્ટિસ કરતા તબીબ લેખકના આ પુસ્તકમાં વિવિધ પ્રકારનાં લેખોનો સમાવેશ થાય છે. તેમાં નાના-મોટા વ્યાવસાયિક અનુભવો, સંવેદનકથાઓ, ઉછેર અને ઘડતરનાં સંભારણાં, રમૂજી પ્રસંગો, હાસ્યનાટિકા,ચિંતન જેવાં લખાણોનો સમાવેશ થાય છે.

દરદીઓ અને કેટલાંક વ્યક્તિઓનાં સંવેદનપૂર્વક આલેખવામાં આવેલાં શબ્દચિત્રો પુસ્તકનું ઉજળું પાસું છે.

* * * * * 

‘નવયાત્રા’, લેખક : મુનિકુમાર પંડ્યા ,પ્રકાશક : રંગદ્વાર, પાનાં 120, રૂ.140, સંપર્ક 9429898999

સત્તર યાત્રાધામોનાં, શ્રદ્ધાળુઓ માટે વાચનીય પ્રવાસનિબંધોના આ સંચયમાં શીર્ડી, પૉન્ડિચેરી, તિરુવન્નામલાઈ અને બેરુર મઠ અને માતરના અરવિંદ આશ્રમ સિવાયના બધાં સ્થળો સૌરાષ્ટ્રનાં છે.

લેખક નોંધે છે : ‘નવયાત્રા એટલે આપાણાં પરંપરાગત યાત્રાધામોથી અલગ તરી આવતાં ધામોની યાત્રા. આવાં યાત્રાધામોની યાત્રાથી કંઈક નવું પ્રાપ્ત થયું છે એની વાત આ નવયાત્રા જીવનના વ્યવહારને સમજવાની એક સાચી સમજણ આપે છે.’  

31 માર્ચ 2024 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 માર્ચ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દોષિત ન હોવા છતાં વેઠવું … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 April 2024

રવીન્દ્ર પારેખ

ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ જવાબદાર ન હોય તો પણ તેણે વેઠવાનું આવે છે. આ વેઠવું તેને મહાન બનાવે એમ બને, પણ વાંક વગર વેઠવું પણ દરેક વખતે બરાબર નથી. એનો લોકોમાં ખોટો મેસેજ પણ જઈ શકે. રામાયણનાં ત્રણ પાત્રો અહલ્યા, ઊર્મિલા અને સીતાની આ સંદર્ભે થોડી વાત કરીએ.

બ્રાહ્મણ ગ્રંથો, રામાયણ અને અન્ય ગ્રંથોમાં અહલ્યાની વાત જુદાં જુદાં અર્થઘટન સાથે આવે છે. હલ એટલે કુરૂપ, અહલ એટલે કુરૂપ નહીં તે. તે પરથી બ્રહ્માએ તેનું નામ અહલ્યા રાખ્યું અને વાલ્મીકિ રામાયણ મુજબ બ્રહ્માએ સત્યયુગમાં તેને ગૌતમ ઋષિને સમર્પિત કરી. અહલ્યાના ઇન્દ્ર સાથેના સંબંધને કારણે તેના પતિ ગૌતમ ઋષિ, અહલ્યાને શલ્યા બનવાનો અભિશાપ આપે છે તે વાત જાણીતી છે. અહલ્યાનાં સૌંદર્યથી આકર્ષિત થયેલો ઇન્દ્ર કૂકડાનો અવાજ કાઢીને ગૌતમ ઋષિને પ્રાતઃસ્નાન માટે બહાર મોકલે છે અને તેની ગેરહાજરીમાં ઇન્દ્ર, ગૌતમનું રૂપ લઈને અહલ્યાને ભોગવે છે. ગૌતમ ઋષિને આ વાતની જાણ થતાં અહલ્યાને તે શલ્યાનો અને ઇન્દ્રને નપુંસકતાનો શાપ આપે છે. કથા એવી પણ છે કે અહલ્યા, ઇન્દ્રને ઓળખી કાઢે છે કે તે ગૌતમનું રૂપ લઈને આવ્યો છે, છતાં તેને સંમતિ આપે છે, તો કથા એવી પણ છે કે અહલ્યા ગૌતમ સમજીને જ ઇન્દ્રને આવકારે છે. ઈન્દ્રે બળાત્કાર કર્યો છે, એવી વાત પણ છે. એ તો જેવી કથા તેવું અર્થઘટન, પણ અહલ્યા ઇન્દ્રના ગૌતમ વેશથી છેતરાઈ હોય તો તેનો દોષ કેટલો એ વિચારવાનું રહે. કથા કોઈ પણ હોય, પણ અહલ્યાને શલ્યાનો શાપ મળે છે એ વાત લગભગ બધી કથાઓમાં સામાન્ય છે. અહલ્યા ન જાણતી હોય કે આવનાર ગૌતમ પતિ નથી ને ગૌતમનું રૂપ લઈને આવેલો ઇન્દ્ર છે, તો તેણે તેનાં કોઈ વાંક વગર અભિશાપ રૂપે શલ્યા થવાનું આવે તે યોગ્ય નથી. ઇન્દ્ર તો દોષિત હતો ને તેને શાપ મળ્યો તે સમજી શકાય એવું છે, તેમાં કુદરતી ન્યાય પણ છે, પણ અહલ્યાએ શલ્યા થવાનું આવે એમાં ન્યાય નથી. સત્યયુગમાં શલ્યા બનેલી અહલ્યા ત્રેતાયુગમાં રામનાં ચરણસ્પર્શથી ફરી અહલ્યા બની શાપમુક્ત થાય છે.

અહલ્યા તો શાપ મુક્ત થાય છે, પણ ભગવાન રામની અર્ધાંગિની સીતાનો પીડામાંથી ઉગારો નથી થતો. ધરતીની આ પુત્રી છેવટે ધરતીમાં સમાઈને જ રહે છે. લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું, પણ રાવણે લક્ષ્મણને આંગળી પણ અડાડ્યા વગર, બદલો સીતાનાં અપહરણથી લીધો. અશોક વાટિકામાં હનુમાન સીતાને ખભે બેસાડીને રામની પાસે લઈ જવાની વાત કરે છે, તો સીતા પરપુરુષની સાથે ન જતાં, રામને યુદ્ધમાં જીતવાનો સંદેશ હનુમાન દ્વારા મોકલે છે. હનુમાન જોડે સીતા નથી આવી એ વાત રામ જાણે છે. એ પણ જાણે છે કે સીતા નિષ્પાપ છે, છતાં લંકા વિજય પછી રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી. સીતા નિર્વિરોધ એ પરીક્ષા આપે છે, પણ એ પછી નિર્દોષ સ્ત્રીઓની અનેક તબક્કે અગ્નિ પરીક્ષાઓ આજ સુધી લેવાતી રહી છે તે એ આખી ઘટનાની ફલશ્રુતિ છે. વાત એટલેથી જ અટકતી નથી. રામ લંકા વિજય પછી અયોધ્યા આવે છે, પણ સીતાનું વેઠવાનું ઘટતું નથી. ધોબીની ટીકાથી વ્યથિત રામ તીવ્ર મંથન પછી સીતા ત્યાગનો નિર્ણય લે છે ને લક્ષ્મણને વનમાં છોડી આવવા કહે છે. રામ રાજ્યમાં પ્રજાનો પણ અવાજ મહત્ત્વનો છે એ સિદ્ધ કરવા બિલકુલ અનિચ્છાએ રામ, સીતાનો ત્યાગ કરે છે. રામ જાણતા હતા કે સીતા નિર્દોષ છે, એ પણ જાણતા હતા કે સીતાની અગ્નિ પરીક્ષા થઈ ચૂકી છે, છતાં પ્રજાનો અવાજ મહત્ત્વનો છે, એમ લાગતાં રામે, સીતાનો ત્યાગ કર્યો. રામે તો એક જ વખત વનવાસ ભોગવ્યો, પણ સીતાએ તેના કોઈ વાંક વગર બીજી વખત પણ વનવાસ વેઠવાનો આવ્યો. જેમ પ્રજાના પ્રતિનિધિ તરીકે ધોબીની વાત રામે સાંભળી, એ જ રીતે સીતા પણ પ્રજા તરીકે પોતાને થઈ રહેલા અન્યાયની વાત જાહેર કરી શકી હોત, પણ તે ચૂપ રહે છે ને ધરતીમાં સમાવા સુધી વેઠે જ છે.

દશરથના વખતમાં હશે, પણ રામ રાજ્યમાં એટલું બને છે કે સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ તેમના કોઈ વાંક વગર વેઠે છે. ધોબીની વાત સાંભળીને રામે તેને સજા કરી હોત, તો પણ રાજાની વાતનો બહુ ઊહાપોહ ન થયો હોત, પણ રામ તેવું નથી કરતા ને ફરી એક વાર સીતાનો વિરહ વેઠવા તૈયાર થાય છે. વાત જ્યારે યજ્ઞની આવે છે, ત્યારે રામ કોઇની વાત નથી સ્વીકારતા. પિતાએ ત્રણ ત્રણ રાણીઓ કરી હતી તે ઉદાહરણ સામે હતું જ, પણ યજ્ઞ વખતે એક પત્નીવ્રતનું ઉદાહરણ પૂરું પાડીને રામ, સીતાની પ્રતિમા મૂકીને યજ્ઞકાર્ય સંપન્ન કરે છે ને તેનું પોતાનાં હૃદયમાં શું સ્થાન છે તેની પ્રતીતિ પ્રજાને કરાવે છે. સ્ત્રીઓ સમર્પિત છે ને પુરુષો પોતાની પ્રાપ્તિ માટે કૈં નથી કરતાં, જે કરે છે તે અન્યને માટે, તેનાં કલ્યાણ માટે.

જે માતાએ ભરત માટે રાજગાદી માંગી, એ ગાદી પર ભરત એક દિવસ પણ બેસતો નથી. રામ વનવાસ ભોગવે તો પોતાનાથી મહેલમાં કેવી રીતે રહેવાય? ભરત પણ રાજ્યની બહાર વનવાસ જ ભોગવે છે. તેણે ગાદી સંભાળી હોત તો કોઈ કૈં કહેવાનું ન હતું, પણ ભ્રાતૃપ્રેમ ભરતને ઐશ્વર્ય ભોગવવાથી દૂર રાખે છે. લક્ષ્મણ વનમાં સાથે રહીને રામની સેવા કરે છે, તો ભરત દૂર રહીને પણ સેવા તો રામની જ કરે છે. આશ્ચર્ય તો એ છે કે ત્રણે ભાઈઓ પત્ની વિરહ ભોગવે છે.  સીતા સાથે છે, પણ રામનો વિરહ તો લંકા વિજય પછી પણ અટકતો નથી. લક્ષ્મણ ઊર્મિલાને અયોધ્યામાં છોડીને જ રામની સાથે વનવાસ ભોગવવા નીકળી પડે છે. ઊર્મિલા મહેલમાં પણ લક્ષ્મણ વિરહમાં 14 વર્ષ વિતાવે છે. ખરો વનવાસ તો તેનો છે. ભરતની પત્ની માંડવી પણ પતિ વિરહ વેઠે જ છે, કારણ ભરત તો અયોધ્યાની બહાર નંદીગ્રામમાં રહીને જ રાજ કારભાર સંભાળે છે.

રામાયણ ત્યાગનું, આદર્શોનું મહાકાવ્ય છે. એમાં કોઈને કૈં મળતું નથી ને મળે છે તો તે ભોગવાતું નથી. કૈકેયીએ ભરત માટે ગાદી માંગી તો ખરી, પણ 14 વર્ષ સુધી ન તો ભરત તે ભોગવી શક્યો કે ન તો જેનો અધિકાર હતો તે રામ ભોગવી શકે છે. તે પણ ગાદીથી 14 વર્ષ તો વંચિત જ રહે છે. દશરથ પણ આદર્શ છે. રામના વનવાસ માટે તે જરા પણ તૈયાર નથી, પણ પ્રાણાન્તે પણ તે વચન નિભાવે છે. વનવાસ રામને હતો, લક્ષ્મણ તો ક્યાં ય ચિત્રમાં પણ નથી, પણ ભ્રાતૃપ્રેમને કારણે તે સ્વેચ્છાએ વન જવા તૈયાર થાય છે. તે તૈયાર થાય છે તો તેની પત્ની ઊર્મિલા પણ સાથે જવા તૈયાર થાય છે. લક્ષ્મણ વડીલોની સેવા માટે ઊર્મિલાને મહેલમાં રોકાવાનું કહે છે ને ઊર્મિલાને મહેલમાં જ પતિ વિરહનો સામનો કરવાનો આવે છે. કૌશલ્યા દ્વારા તેને થોડો સમય પિતૃગૃહે જવાનું પણ કહેવાય છે, જેથી પતિ વિરહની પીડા થોડી ઘટે, પણ ઊર્મિલા પિયર નથી જતી ને અયોધ્યામાં જ રહે છે. આ તરફ લક્ષ્મણ ભાઈ-ભાભીની સેવા માટે, સુરક્ષા માટે જાગવાનું નક્કી કરે છે. રાત્રે નિદ્રાદેવી પ્રગટ થાય છે તો લક્ષ્મણ વનવાસ દરમિયાન ઊંઘ જ ન આવે એવી વિનંતી કરે છે. નિદ્રાદેવી કહે છે કે એવું તો ન થાય, કારણ નિદ્રા મનુષ્ય માત્રને મળેલું વરદાન છે, એટલે ચૌદ વર્ષ સુધી ઊંઘ જ ન આવે એવું તો ન બને. હા, તેની નિદ્રા કોઈ લેવા તૈયાર હોય તો તેને તે આપી શકાય ખરી. લક્ષ્મણ પોતાની નિદ્રા ઊર્મિલાને આપવાનું કહે છે ને પરિણામ એ આવે છે કે 14 વર્ષ ઊર્મિલા ઊંઘતી જ રહે છે ને એમ તેનો પતિ વિરહ થોડો હળવો થાય છે. ઊર્મિલાની ઊંઘને કારણે લક્ષ્મણ ભાઈ-ભાભીની અતૂટ સેવા કરી શકે છે ને આ સેવા ઉપરાંત 14 વર્ષની અનિદ્રા એક સુખદ પરિણામ પણ આપે છે. રાવણના પુત્ર મેઘનાદને વરદાન હતું કે તેને 14 વર્ષ સુધી અનિદ્ર રહેનાર વ્યક્તિ જ પરાજિત કરી શકશે. જોઈ શકાશે કે મેઘનાદને પરાસ્ત કરવામાં લક્ષ્મણને સફળતા મળી એમાં ઊર્મિલાની ઊંઘનો ફાળો પણ ઓછો નથી.

એ સાચું છે કે રામાયણમાં સ્ત્રીપાત્રો તેમનાં કોઈ વાંક વગર અસહ્ય પીડાઓ વેઠે છે. આ પીડાનું કારણ, કૈકેયી પણ સ્ત્રી જ છે, તેનું મન બદલનાર મંથરા પણ વૃદ્ધા છે. ઊર્મિલા ને માંડવી તો પતિ વિરહ વેઠે જ છે, પણ સીતા સાથે હતી છતાં, પતિ વિયોગ તેને એક વાર નહીં, બબ્બે વાર થાય છે. રામ, લક્ષ્મણ અને ભરત વીર યોદ્ધાઓ છે, છતાં તેમને પણ ઓછું વેઠવાનું થતું નથી. આમ કોઈ દોષિત નથી, છતાં વેઠવું એ જ ભાગ્ય થઈ પડે છે એ કદાચ રામાયણનો સૂચિતાર્થ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...609610611612...620630640...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved