Opinion Magazine
Number of visits: 9665225
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક નિર્દેશ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|11 August 2024

‘કરસનદાસ મૂળજી : જીવન–નોંધ’, લેખકો : મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક, અણમોલ પ્રકાશન – 9426068186 – પાનાં 48, રૂ.60/-  

ઝુજારુ પત્રકાર કરસનદાસ મૂળજી (1832-1871) ઓગણીસમી સદીમાં સમાજ સુધારણાના વીર યોદ્ધા હતા. તેમણે સામાજિક દૂષણો અને ધાર્મિક પાખંડો સામે સંઘર્ષ ચલાવ્યો. તેમનાં સાધન હતાં તેમણે ખુદ સ્થાપેલું  ‘સત્ય પ્રકાશ’ સાપ્તાહિક, નિબંધો અને જાહેર ભાષણો.

કરસનદાસના જમાનામાં વ્યાપક નિરક્ષરતા, જાતિપ્રથા,સ્ત્રીઓ પર અત્યાચાર, બાળલગ્નો, દહેજ,વિધવાવિવાહ પ્રતિબંધ અને પરદેશગમન નિષેધ,અતિખર્ચાળ લગ્નો, પ્રેતભોજન, ધર્મગુરુઓની લંપટતા અને ભ્રષ્ટાચાર જેવાં અનેક દૂષણોથી સમાજ ખદબદતો હતો.

અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણપ્રવૃત્તિને કારણે આવેલી જાગૃતિથી સામાજિક દૂષણોના વિરોધમાં અને સુધારાની તરફેણમાં એક લડત પૂરબહારમાં હતી. તેમાં કરસનદાસ ‘પહેલા વર્ગનો જોધ્ધો’ તરીકે પોંખાયા.

કરસનદાસની સહુથી મોટી લડાઈ ચાલી તે ‘સત્ય પ્રકાશ’માં તેમણે પોતાના વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલતા દુરાચારને ખુલ્લા પાડતા લેખોની ‘અનરાધાર બાણવર્ષા’ કરી તે બાબતે.

સંપ્રદાયના જદુનાથ મહારાજે તેમની સામે બદનક્ષીનો મુકદ્દમો માંડ્યો. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતા થયેલા આ મુકદ્દમામાં અંગ્રેજ સરકારની વડી અદાલતે કરસનદાસને નિર્દોષ જાહેર કર્યા. ‘મહારાજ’ નામનું નવું  ફિલ્મ કરસનદાસ પરનું બાયોપિક છે.

પુસ્તિકામાં કરસનદાસના ઘડતર તેમ જ આરંભથી જ તેમણે આદરેલા પ્રબુદ્ધ કર્તુત્વની સંતર્પક માહિતી સાથે એમના આંદોલિત સમયનો આલેખ પણ મળે છે.

વલ્લભ સંપ્રદાયની ભૂમિકા સહિત લાયબલ કેસ વિશે એક અલગ પ્રકરણ છે. લેખક-અનુવાદક, જાહેર વક્તા અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ કરસનદાસના કૃતિશીલ અંતિમ દાયકા વિશે છેલ્લું પ્રકરણ છે.

બે પરિશિષ્ટો તરીકે કરસનદાસનો જીવનક્રમ અને ઓગણીસમી સદીના ગુજરાતની સાંસ્કૃતિક સાલવારી મળે છે.

સઘન રીતે લખાયેલી મોનોગ્રાફ પ્રકારની આ અભ્યાસ-પુસ્તિકા આવા પ્રકારનું લેખન કેવી રીતે થાય તેનો પદાર્થપાઠ છે. તેમાં ઊંડાણ અને વાચનીયતાનો સુમેળ છે. અહીં સંખ્યાબંધ એવી ઝીણી ઝીણી વિગતો છે કે જે મેળવતાં ખૂબ ગ્રંથશ્રમ પડ્યો હોય.

કરસનદાસની સાર્ધ શતાબ્દી નિમિત્તે 25 જુલાઈ 1983ના રોજ પહેલી વાર આવેલી આ પુસ્તિકાનું પુન:પ્રકાશન 04 ઑગસ્ટે પ્રખર બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકના પહેલા સ્મૃતિદિને થયું છે. મકરન્દ મહેતા ઇતિહાસ સંશોધનમાં અત્યારે પણ સક્રિય છે. 

આપણા સમયયના બે પ્રબુદ્ધ ઇતિહાસકારોએ લખેલી આ પુસ્તિકા ગુજરાતીનું શકવર્તી પ્રકાશન છે. કરસનદાસ વિશે, ખાસ તો તેમના પ્રદાનની સરખામણીએ ઘણું ઓછું કામ થયું છે. 

સમાજનો એક વર્ગ પારોઠના પગલાં માંડી રહ્યો છે. અપવાદો બાદ કરતાં પત્રકારિતા રાજ્ય-ધર્મ-સંપત્તિના સકંજામાં ફસાયેલી છે. આવા સંજોગોમાં સુધારાના ભેખધારી પત્રકારનું જીવનકાર્ય ખૂબ પ્રસ્તુત બને છે.

*****

‘પૂના કરાર : ઇતિહાસ,અસર અને ઉકેલ’, લેખક : મયૂર વાઢેર, મુખ્ય વિક્રેતા : બ્લુ બુદ્ધા પબ્લિકેશન – 8511610404 – પાનાં 176, રૂ.150/- 

ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1930માં સાંસ્થાનિક સ્વરાજમાં ભારતના દલિત સમુદાયો માટે અલગ મતાધિકારની માગણી કરી. તેમનો ઉદ્દેશ આ દેશમાં સદીઓથી અન્યાય વેઠી રહેલાં સમગ્ર દલિતવર્ગનું રાજકીય સશક્તિકરણ કરવાનો હતો.

અલગ મતવિસ્તારની નીતિ દ્વારા અનુસૂચિત જાતિઓ માટે ત્રણ ધ્યેયો સાધી શકાય તેમ હતાં : સત્તામાં પ્રતિનિધિત્વ, સત્તામાં ભાગીદારી અને સત્તા પર નિયંત્રણ. અંગ્રેજ સરકારે બાબાસાહેબની માગણી માન્ય રાખી, પણ ગાંધીજીએ તેના વિરોધમાં 20 સપ્ટેમ્બર 1932થી આમરણ ઉપવાસ શરૂ કર્યા.

ગાંધીજીના જીવનના જોખમને ધ્યાનમાં લઈને માનવતાના ધોરણે બાબાસાહેબે નમતું જોખ્યું, અને અલગ મતાધિકારને બદલે અનામત બેઠકોનો સ્વીકાર કર્યો. તેને લગતો જે કરાર 24 સપ્ટેમ્બરના દિવસે થયો તેને ઇતિહાસમાં પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીની ભૂમિકા પરત્વે આ કરાર હંમેશાં વિવાદાસ્પદ રહ્યો છે. 

પ્રસ્તુત પુસ્તકનો આરંભ ડૉ. આંબેડકરની શિક્ષણયાત્રા અને તેમના જાહેરજીવનમાં પ્રવેશની વિગતવાર માહિતી સાથે થાય છે. ત્યાર બાદ પૂના કરારના ઇતિહાસ અંગેના પ્રકરણો છે, જેની શરૂઆત સાઉથબરો સમિતિ સમક્ષ આંબેડકરની રજૂઆતથી થાય છે.

સાઉથબરો કમિટી બ્રિટિશ સંસદે ભારતના લોકોના મતાધિકાર માટેનો અહેવાલ તૈયાર કરવા રચી હતી, જેમાં બાબાસાહેબે દલિતોના અલગ અને અસરકારક રાજકીય પ્રતિનિધિત્વની માગણી કરી. તે માગને તેમણે બંને ગોળમેજી પરિષદોમાં સબળપણે દોહરાવી.

બે પરિષદોના વચગાળામાં આંબેડકર અને ગાંધી વચ્ચે આ મુદ્દે થયેલી મુલાકાતનું કોઈ પરિણામ ન આવ્યું. ઑગસ્ટ 1932માં અંગ્રેજ સરકારે કમ્યુનલ અવૉર્ડ જાહેર કર્યો જેમાં દલિતોના મતાધિકારની સ્વીકૃતિ હતી.

પૂના કરારનો આ ઇતિહાસ અનેક વિગતો સાથે આઠ પ્રકરણોનાં પચાસેક પાનાંમાં આપ્યા બાદ લેખક ગાંધીજીની ઉપવાસની જાહેરાત અને તેને પગલે તેમનો અંગ્રેજ સરકાર તેમ જ બાબાસાહેબ સાથેનો પત્રવ્યવહાર આપણી સમક્ષ રજૂ કરે છે.

બારમું પ્રકરણ પૂના કરાર માટેની વાટાઘાટોની બધી વિગતો આપે છે. તે પછીના પ્રકરણમાં પૂના કરારનો દસ્તાવેજ વાંચવા મળે છે, જેમાં ગાંધેજીએ સહી કરી નથી. અડગ લડવૈયા બાબાસાહેબે પોતાની માગણી માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા જે અંગેના ચાર પ્રકરણો વિશેષ નોંધપાત્ર છે.

વાચનીય પ્રકરણો છે ‘વ્યાકુળ ગાંધીનો વલોપાત’, ‘પૂના કરાર અંગે ડૉ. આંબેડકરનું ચિંતન અને સમકાલીન મીડિયા’ અને ‘પૂના કરારનો પ્રકોપ’ છે. અંગ્રેજી-ગુજરાતી સ્રોતોની સત્તર પાનાંની સંદર્ભ સૂચિમાં લેખકે દરેક હકીકત અને વિધાનને આધાર આપ્યો છે.

વ્યવસાયે શિક્ષક અને યુવા દલિત અભ્યાસીનું આ પુસ્તક તેમની પાસે વધુ પુસ્તકોની અપેક્ષા જન્માવે છે. 

‌‌—————————————-

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98987 62263

11  ઓગસ્ટ 2024
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ઑગસ્ટ 2024
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પતન તાનાશાહીની અનિવાર્ય નિયતિ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2024

રમેશ ઓઝા

ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શેખ હસીના વાજેદના પક્ષે એક પછી એક ચોથી વાર પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે તેમણે અને બીજા કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર છ મહિનામાં તેમણે વડાં પ્રધાનપદ તો ગુમાવવું પડશે, પણ દેશ છોડીને પણ નાસવું પડશે. સમયનો ખેલ અદ્ભુત છે, પણ આ ખેલ તેમણે પોતે પોતાના માટે રચ્યો હતો એટલે દયા ખાવાની જરૂર નથી. આવું જ બે વરસ પહેલાં, ૨૦૨૨ના જુલાઈ મહિનામાં શ્રીલંકામાં બન્યું હતું. ત્યાંથી પણ રાજપક્સે બંધુઓએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું અને તેમના માટે પણ કોઈએ દયા નહોતી ખાધી. વાવો તે લણો!

શું હસીના વાજેદનું પતન અનામત વિરોધી આંદોલનના કારણે થયું છે? ના, બંગલાદેશની સર્વોચ્ચ અદાલતે ૨૭મી જુલાઈએ કુલ ૫૬ ટકાની અનામતની જોગવાઈને ઘટાડીને સાત ટકાની કરી નાખી હતી અને એ પછી આંદોલન શાંત પડવા લાગ્યું હતું. સંપૂર્ણપણે શાંત પડી પણ જાત જો આંદોલનકારીઓને રઝાકાર, દેશદ્રોહી, બંગલા અસ્મિતાના દુશ્મન, ઇસ્લામવાદી, ત્રાસવાદી, વિદેશી એજન્ટ વગેરે શબ્દો દ્વારા નવાજ્યા ન હોત. આ સિવાય શેખ હસીનાના પક્ષ અવામી લીગના છાત્ર સંગઠનના ગુંડાઓ આંદોલનકારીઓને રસ્તા પર મારતા હતા, ગાળો દેતા હતા અને પોલીસ પક્ષપાત કરતી હતી અને કુલ મળીને તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આને કારણે રોષ ભભૂક્યો હતો અને મેડમને જીવ બચાવવા દેશ છોડીને નાસવું પડ્યું હતું.

ટૂંકમાં અનામત તો એક બહાનું હતું, એક નિમિત્ત કારણ માત્ર હતું, મૂળ કારણ તો શેખ હસીના વાજેદની તાનાશાહી હતું. ૨૦૦૯માં ૧૪ પક્ષોનો મોરચો રચીને તેમણે લોકશાહી માર્ગે સત્તા મેળવી હતી, પરંતુ એ પછી તેમણે ધીરેધીરે પહેલાં પોતાના જ મોરચાના સાથી પક્ષોને અને એ પછી વિરોધ પક્ષોને ખતમ કરીને તાનાશાહીનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે બંગલાદેશને લગભગ વિરોધપક્ષમુક્ત કરી નાખ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણી ઠીકઠીક પ્રમાણમાં એકપક્ષીય હતી, ૨૦૧૯ની ચૂંટણી ૨૦૧૪ કરતાં વધારે એકપક્ષીય હતી અને ૨૦૨૪ની ચૂંટણી તો સાવ જ એકપક્ષીય હતી. એ પછી તેઓ બંગલાદેશને વિરોધમુક્ત કરવા માંડ્યાં હતાં. પોતાનો પક્ષ, ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, એકંદરે વહીવટીતંત્ર, મીડિયા, યુનિવર્સિટીઓ, શિક્ષણસંસ્થાઓ પર કબજો જમાવ્યો હતો. બધાં તેમનાં ગુલામ હતા. કોઈએ અવાજ નહીં ઉઠાવવાનો. બંગલાદેશમાં જે વિસ્ફોટ થયો તેનું મૂળ કારણ શેખ હસીના વાજેદની તાનાશાહી હતું, અનામત તો નિમિત્ત કારણ હતું.

શેખ હસીના વાઝેદ

આ સિવાય બંગલાદેશ મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા લોકોનાં ત્રીજી પેઢીનાં સંતાનો માટે  સરકારી નોકરીમાં ત્રીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે એવી જોગવાઈ વાહિયાત હતી. ત્રીસ ટકા એ કોઈ મામુલી પ્રમાણ નથી અને એ પણ ત્રીજી પેઢી માટે! તેની પાછળનો ઈરાદો શેખ હસીનાના બંગલા અસ્મિતાના રાજકારણનું સમર્થન કરનારાઓને લાભ આપવાનો હતો અને તેના વિરોધીઓને લાભથી વંચિત રાખીને દંડવાનો હતો. તેમને જાણ હતી કે આ જોગવાઈ ન્યાયસંગત તો નથી, તર્કસંગત પણ નથી એટલે તેમણે ૨૦૧૮ની સાલમાં વિદ્યાર્થીઓએ જ્યારે આંદોલન કર્યું ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના ૩૦ ટકા અનામતની જોગવાઈ રદ કરી નાખી હતી. આની પાછળનું કારણ ૨૦૧૯ની ચૂંટણી જીતવાનું હતું. એકવાર ચૂંટણી જીત્યા પછી રસ્તા ક્યાં ઓછા છે! ૨૦૧૯ અને એ પછી ૨૦૨૪ની ચૂંટણી જીત્યા પછી અનુકૂળતા નજરે પડી ત્યારે તેમના એક સમર્થકે અનામતની જોગવાઈને રદ્દ કરવાના સરકારના આદેશને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો. બધું જ પટકથા મુજબ હતું. વડી અદાલતના જજે એકાદ-બે સુનાવણી કરી ન કરી અને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી બહાલ કરી આપી. અનામતની જોગવાઈ પાછી પણ આવે અને એ પણ ન્યાયતંત્ર દ્વારા એટલે કોઈને કશું કહેવાનું રહે નહીં.

આની પાછળનો ઈરાદો સમર્થકોને સરકારમાં ઉપરથી નીચે સુધી સર્વત્ર ગોઠવવાનો અને વિરોધીઓને બહાર રાખવાનો હતો. લોકોને મેસેજ જવો જોઈએ કે શેખ હસીના વાજેદ બંગલાદેશનો વર્તમાન છે અને આપણું ભવિષ્ય છે. શેખ હસીના એટલે બંગલાદેશ અને બંગલાદેશ એટલે શેખ હસીના. સામે હસીનાના પ્રતિસ્પર્ધી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝીયાને લગભગ ખતમ કરી નાખ્યાં છે. તેમના પર મુકદમા ચલાવવામાં આવ્યા, જેલની સજા કરવામાં આવી એમ દરેક રીતે તેમને સતાવવામાં આવી રહ્યાં છે. ૨૦૧૪થી બેગમ ખાલેદા ઝીયા કાં જેલમાં છે અથવા તેમનાં મકાનમાં નજરકેદ છે. આજે સ્થિતિ એવી છે કે બંગલાદેશમાં થયેલી ક્રાંતિનો અને આવી રહેલાં પરિવર્તનનો લાભ ખાલેદા ઝીયા લઈ શકશે એમ લાગતું નથી. રાજકીય રીતે જ નહીં, શારીરિક અને માનસિક રીતે પણ તેમને ખતમ કરી નાખવામાં આવ્યાં છે.

આ બધું જ બંગલા અસ્મિતાનાં નામે કરવામાં આવતું હતું. બંગાળી પ્રજા મહાન છે, કારણ કે બંગાળી સંસ્કૃતિ મહાન છે, બાંગ્લા ભાષા મહાન છે. સામે પક્ષે ઇસ્લામની વાત કરનારાઓએ ઇસ્લામના નામે બંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બનાવી દીધું હતું અને બંગલા અસ્મિતાને હાંસિયામાં ધકેલી દીધી હતી. બંગલાદેશના વતની હોવા છતાં જેઓ ઇસ્લામવાદીઓ છે એ હકીકતમાં ગદ્દાર છે. બંગલાદેશના ગુનેગાર છે અને ગુનેગારોને માફ કરવાના ન હોય. જો તેઓ પાછા સત્તામાં આવશે તો બંગાળી ભાષા અને સંસ્કૃતિનું શું થશે એનો વિચાર કર્યો છે? એક હું છું જે તમારી રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવું છું. વાચકોને કદાચ અત્યારે વિસ્મરણ થઈ ગયું હશે, પણ બંગબંધુ તરીકે ઓળખાતા અને બંગલાદેશને મુક્તિ અપાવનારા, શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન પણ તાનાશાહીના માર્ગે ગયા હતા એટલે તેમની હત્યા થઈ હતી.

ડરાવો, પોરસાવો અને બાંયધારી આપો. શ્રીલંકામાં પણ આ જ જોવા મળ્યું હતું. હું છું એટલે તમે તમિલોથી સુરક્ષિત છો. મેં તેમને તેમની જગ્યા બતાવી આપી છે. માટે મારી આંગળી પકડો, મારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે. સમસ્યા એ છે કે આંગળી પકડનારાને ભૂખ પણ લાગે છે. તે બે આંખ અને બે કાન પણ ધરાવે છે. ભલે થોડી મંદ, પણ બુદ્ધિ પણ ધરાવે છે. એક દિવસ એ જાગે છે અને જાગે છે ત્યારે સમૂહમાં જાગે છે.

શેખ હસીનાએ દેશમાં જે પ્રકારનો શૂન્યાવકાશ પેદા કર્યો છે એ જોતાં લાગતું નથી કે કમ સે કમ એક દાયકા સુધી બંગલાદેશમાં સ્થિતિ થાળે પડશે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ઑગસ્ટ 2024

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૭)  

સુમન શાહ|Opinion - Literature|11 August 2024

સુમન શાહ

આપણો સર્જક કે વિવેચક જો આધુનિક ‘પછી’-નું તે ‘અનુ-આધુનિક’ એમ સમજીને ચાલતો હોય તો એ સમજ સમયવાચી છે. આપણને એમ લાગે ખરું કે આપણે ત્યાં આધુનિક સાહિત્ય અમુક દાયકામાં આછરી ગયું અને તે પછી અનુ-આધુનિક સાહિત્ય શરૂ થયું. તેમછતાં, એ સમયનિર્દેશોથી કશો વિશેષ પ્રકાશ પડતો નથી.

આપણે સમજવું જોઈશે કે આવી કોઈપણ સંજ્ઞા સમયવાચી હોવા ઉપરાન્ત મુખ્યત્વે ગુણવાચી હોય છે. અનેક સંકેતોમાં ‘આધુનિક’ કે ‘અનુ-આધુનિક’ સાહિત્ય તેના ગુણવિશેષોથી એમ કહેવાતું હોય છે. આપણે એ ગુણવિશેષો જાણતા હોઈએ, જે તે કૃતિઓનું સઘન અધ્યયન કરતા હોઇએ, તો આપણને તેના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થાય.

અનુ-આધુનિક સાહિત્યના એ ગુણવિશેષો કયા તે અહીં દર્શાવવાની જરૂરત નથી; એ વિશે આપણે ત્યાં ઘણું લખાયું છે; જિજ્ઞાસુએ ત્યાં પ્હૉંચી જવું.

મુદ્દો એ છે કે કૃતિઓના વાચન વિના તેમ જ તેને વિશેની સમીક્ષાત્મક જાણકારી વિના આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય માટે મતામતી કરવી કે પક્ષાપક્ષી કરવી, ઠીક નથી. કેમ કે એથી રાજકારણ સરજાશે. પક્ષકારના તેમ જ વિપક્ષકારના દુશ્મનો વધશે. એથી સરવાળે, રૂડા જીવનસમયનો નાશ થશે અને ભ્રાન્તિ સરજાશે કે આપણે કેવી તો મહાન ચર્ચાઓ કરી રહ્યા છીએ ! માટે, એથી બચવું કે જોડાયા હોઈએ તો છૂટા થઈ જવું અથવા તો પછી એમાં પડ્યા રહીને ખુવાર થવું, એટલા જ વિકલ્પો બચે છે.

સાહિત્યને બે વર્ગમાં જોઈ શકાય છે :

૧

વાચકને કલાસૌન્દર્ય અને રસાનુભવ આપનારું સાહિત્ય — લિટરેચર ઑફ ઍસ્થેટિક ઍક્સપીરિયન્સ. એટલે કે, રસાનુભવનું સાહિત્ય. આપણા મોટાભાગના આધુનિક સાહિત્યને આ વર્ગમાં મૂકી શકાય.

૨

વાચકને ધાર્મિક સાંસ્કૃતિક કે સામાજિક તન્ત્રોની સાફસફાઇ માટે અનુનય કરનારું સાહિત્ય — લિટરેચર ઑફ ઍસ્થેટિક અપીલ. એટલે કે, અનુનયનું સાહિત્ય. આપણા મોટાભાગના અનુ-આધુનિક સાહિત્યને આ વર્ગમાં મૂકી શકાય.

તેમછતાં, રસાનુભવનું સાહિત્ય અને અનુનયનું સાહિત્ય, છે તો સાહિત્ય, રાજ્યબંધારણનો ચૉપડો નથી, તેથી, બન્નેમાં બન્નેના ગુણ હશે. આધુનિક સાહિત્યમાં તન્ત્રોની ઓછીવત્તી ય સાફીસૂફીની શક્યતા નહીં હશે, એમ નથી. એ જ રીતે, અનુ-આધુનિક સાહિત્યમાં ઓછીવત્તી ય રસાનુભવની શક્યતા નહીં હશે, એમ નથી. 

અને જુઓ, કોઈપણ સાહિત્યકૃતિના બંધની સંરચનામાં ફોરગ્રાઉન્ડિન્ગ અને બૅકગ્રાઉન્ડિન્ગની ડિઝાઇન હોય છે. બને છે એવું કે લેખકની સર્જક-કલ્પના અનુસાર, રચનાનો બંધ સરજાતો હોય છે. 

તદનુસાર, એની કોઈ રચનામાં આધુનિકતાસૂચક ગુણવિશેષો આગળ થયા હોય, એટલે કે એ ગુણવિશેષોનું ફોરગ્રાઉન્ડિન્ગ થયું હોય; પરન્તુ ત્યારે બૅકગ્રાઉન્ડમાં અનુ-આધુનિકતાપરક ગુણો ન હોય એવું ન હોય, બલકે એ પાછળના ગુણોએ જ પેલા ગુણોને આગળ થવા દીધા હોય. 

તદનુસાર, એની કોઈ રચનામાં આધુનિકતાસૂચક ગુણવિશેષો આગળ થયા હોય, એટલે કે એ ગુણવિશેષોનું ફોરગ્રાઉન્ડિન્ગ થયું હોય, પરન્તુ ત્યારે બૅકગ્રાઉન્ડમાં અનુ-આધુનિકતાપરક ગુણો ન હોય એવું ન હોય, બલકે એ પાછળના ગુણોએ જ પેલા ગુણોને આગળ થવા દીધા હોય.

પરિણામે, એ-નો-એ જ લેખક એક વાર અનુ-આધુનિક વરતાય, તો બીજી વાર આધુનિક વરતાય. 

એટલું જ નહીં, એવા એકથી વધુ લેખકોને કારણે તે સમયનું સાહિત્ય આધુનિક લાગે કે અનુ-આધુનિક લાગે. 

પરન્તુ, જે કંઇ લાગે તેના મૂળમાં ગુણવિશેષો હોય છે, ન કશું બીજું. 

સમસામયિક ચર્ચાઓમાં આ મૂળની જાણકારીની ભારે અછત છે. એ અછતને સોશ્યલ મીડિયાની દેણ ગણીને બાજુએ નહીં મુકાય. એ મૂળની જાણકારી પ્રસરાવવી તે અધ્યાપકો અને સમીક્ષકોનો ધર્મ છે; એથી જ્ઞાત થવું તે લેખકો અને ચર્ચકોનો ધર્મ છે. બાકી, જો એમ નહીં થશે તો વર્તમાન તેમજ ભાવિ પેઢીઓ અજ્ઞાનને માર્ગે દોરવાશે. 

અને એટલે હું એને સમસામયિક પેઢીએ કરેલો મહા પ્રજ્ઞાપરાધ ગણીશ. 

= = =

(10 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...605606607608...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved