Opinion Magazine
Number of visits: 9457247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દોષિત હોવા છતાં ન વેઠવું … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 April 2024

રવીન્દ્ર પારેખ

મિત્રો, ગયા રવિવારે આપણે એ જોયું કે દોષિત ન હોવા છતાં રામાયણનાં ત્રણ નારી પાત્રો અહલ્યા, સીતા અને ઊર્મિલાએ શું ને કેવી રીતે વેઠવાનું આવ્યું. આ રવિવારે રામાયણનાં જ અન્ય ત્રણ નારીપાત્રો દોષિત હોવા છતાં ખાસ વેઠતાં નથી તેની વાત કરીશું. આમ તો રામાયણમાં મહિમા આદર્શોનો છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય – એમને એમ નથી કહેવાયું. કોઈને વચન આપ્યું હોય તો તે પ્રાણ આપીને પણ નિભાવાય છે તે દશરથનાં ઉદાહરણ પરથી સમજાય એવું છે. રામાયણમાં મોટે ભાગે સારાં પાત્રો સારાં જ રહ્યાં છે ને ખલ પાત્રો ઘણુંખરું ખલ જ રહ્યાં છે. રામ શરૂથી અંત સુધી વીર, ધીર અને વિવેકી જ રહ્યા છે. એવું જ કૌશલ્યા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, વિભીષણ, સીતા, ઊર્મિલા, માંડવી … વગેરેનું પણ રહ્યું છે. ખલ પાત્રોમાં શૂર્પણખા, મેઘનાદ, મંથરા, રાક્ષસો, રાક્ષસીઓ પણ શરૂથી અંત સુધી એવાં જ રહે છે. સાધારણ માનવીમાં આવતાં પરિવર્તનો એ બધાંમાં ઓછાં જ અનુભવાય છે.

એનો અર્થ એવો નથી કે રામાયણમાં સંવેદનશીલ પાત્રોનો અભાવ છે. માનવ જીવનમાં આવતા ઉતાર-ચડાવનો અનુભવ રામાયણનાં પાત્રોમાં પણ જોવા મળે જ છે. સીતાહરણ વખતનો રામનો વિલાપ કે પુત્ર વિયોગે મરતા દશરથની પીડા બિલકુલ માનવીય છે. રાવણ અહંકારી છે તે સાથે જ મહાજ્ઞાની પણ છે. હરણ કરીને રાવણ સીતાને લંકા લઈ તો આવે છે, પણ તેને આંગળી પણ અડાડતો નથી ને અશોક વાટિકામાં રાખે છે. એ જ રાવણ, લંકા વિજયની ઇચ્છાથી રામ પૂજા કરવા ઈચ્છે છે, તો તે પૂજા કરાવવા ને તેને આશિષ આપવા પુરોહિત બને છે, એટલું જ નહીં, વિવાહિત પુરુષની પૂજા તેની પત્નીની હાજરીમાં સંપન્ન થાય એ હેતુથી, તે સીતાને પૂજામાં ઉપસ્થિત પણ કરે છે ને વિધિ સંપન્ન થતાં જ સીતાને ફરી અશોક વાટિકા તરફ પ્રયાણ કરવાની સૂચના પણ આપે છે. એ સાથે જ પૂજા સંપન્ન થતાં જ રાવણ વિજયી ભવ-ના આશિષ પણ યજમાન રામને આપે છે. આ આશિષ આપતી વખતે તે પોતાનો પરાજય પણ નોતરે છે, પણ પુરોહિતનું કર્તવ્ય તે પૂરી વફાદારીથી બજાવે છે. અહીં રાવણ ખલ પાત્ર નથી, પણ પોતાનું જ અહિત નોતરતો નાયક છે. એક તરફ શૂર્પણખાનાં અપમાનનો બદલો લેવા તે સીતાનું હરણ કરે છે ને એ જ રાવણ પત્ની વગર પૂજા અધૂરી ન રહે એટલે રામની અર્ધાંગિની તરીકે સીતાને સ્થાપિત પણ કરે છે.

આવું પરિવર્તન વિશ્રવા અને કૈકસીની સૌથી નાની પુત્રી શૂર્પણખામાં જણાતું નથી. રામના વનવાસ દરમિયાન શૂર્પણખા પંચવટીમાં આવી ચડે છે ને રામને જોતાં જ તેના પર મોહિત થઈ જાય છે. રામ પોતે વિવાહિત છે ને એક પત્નીવ્રતી છે એમ કહીને તેને ટાળે છે. શૂર્પણખા ત્યાંથી લક્ષ્મણ તરફ વળે છે ને તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે. લક્ષ્મણ પણ તેને નકારે છે. અપમાનિત શૂર્પણખા ક્રોધિત થાય છે ને સીતા પર હુમલો કરે છે, પણ લક્ષ્મણ તે હુમલો શૂર્પણખાનાં નાકકાન કાપીને નિષ્ફળ કરે છે. આ રીતે ઘવાયેલી શૂર્પણખા, રાવણ પાસે પરત ફરે છે ને પોતાનાં અપમાનની અને સીતાનાં સૌંદર્યની વાત કરીને રાવણને બદલો લેવાનું કહે છે. અહીં પણ દોષિત શૂર્પણખા છે, પણ તે એટલું વેઠતી નથી, જેટલું રાવણ કે સીતાએ કે રામે વેઠવાનું આવે છે.

એવું જ કૈકેયીનું પણ છે. આમ તો તે દશરથ પાસેથી અગાઉ માંગવાનાં હતાં તે વચન જ રામના રાજ્યાભિષેક વખતે માંગે છે. એ પહેલાં રામ માટે કૈકેયીને ક્યારે ય કોઈ દુર્ભાવ થયો નથી. તે ભરતની જેમ જ રામને સ્વીકારે છે. દશરથ માટે પણ કોઈ અભાવ કૈકેયીનાં મનમાં નથી. દશરથ સાથે યુદ્ધમાં તે ગઈ છે ને રથનું પૈડું નીકળી જતું તે જુએ છે ને ખીલાની જગ્યાએ રથમાં આંગળી ખોસીને રથને એટલે ચાલુ રાખે છે કે દશરથનો શત્રુ પર પ્રહાર કરવામાં વિક્ષેપ ન પડે. આ સ્નેહ ને વીરત્વ જોઈને દશરથ પ્રસન્ન થઈને કૈકેયીને બે વરદાન માંગવાનું કહે છે ને એ વરદાન તે રામનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે ત્યારે માંગે છે. એ વખતે તેનાં મનમાં ભરતને કેવળ ગાદી મળે એ જ લક્ષ્ય છે. આમ તો તે દોષિત નથી, દશરથ પાસે વરદાન જ માંગે છે, પણ એમ કરવા જતાં બિલકુલ નિર્દોષ રામનો હક ડુબાડવા જેવું તે કરે જ છે. એની અસરો એટલી ઊંડી અને વ્યાપક પડે છે કે તે છેક લંકા સુધી વિસ્તરે છે. તેણે રામનો રાજ્યાભિષેક થવા દીધો હોત તો વનવાસ ટળ્યો હોત, વનવાસ ટળ્યો હોત તો શૂર્પણખા લક્ષ્મણને મળી ન હોત, રાવણે અપહરણ કર્યું ન હોત કે ન તો રામરાવણ યુદ્ધ થયું હોત ! આ બધું કૈકેયીએ ભરતને ગાદી મળે એ માટે કર્યું, પણ એ ગાદી ભરત એક દિવસ પણ ભોગવતો નથી ને પરિણામ કૈકેયી પ્રત્યેની ભરતની ઘૃણામાં આવે છે. કૈકેયી દોષિત હતી, પણ તે વેઠતી નથી, વેઠે છે આખું અયોધ્યા ! જો કે, ભરત કૈકેયીને તિરસ્કારે છે તે પછી તે શરમાય છે ને પસ્તાય પણ છે. રામને મનાવવા ભરત વનમાં જવા નીકળે છે ત્યારે તે પણ અન્ય નગરજનોની સાથે મનાવવા નીકળે છે ને રામને પાછા ફરવા વીનવે છે, પણ રામ વચનપાલનથી બંધાયેલા હોઈને અયોધ્યા પાછા ફરતા નથી.

રામને પુત્ર માનતી ને ભરત કરતાં પણ એની સાથે વધુ સમય ગાળતી કૈકેયી આટલી બદલાઈ કેમ અને તે રામનો રાજ્યાભિષેક થતો કેમ રોકે છે, તેની તપાસ કરીએ તો પગેરું મંથરા તરફ નીકળે છે. મંથરા કૈકેયીની દાસી હતી અને પિયરથી તે તેની સાથે આવી હતી. શરીરે તે ત્રણ ઠેકાણેથી વાંકી હતી એટલે તે ત્રિવક્રા તરીકે પણ ઓળખાતી હતી ને કુબ્જા તરીકે પણ જાણીતી હતી. તે રાજખટપટોથી પણ પરિચિત હતી. તે જ્યારે જાણે છે કે દશરથ રામનો રાજ્યાભિષેક કરવા જઈ રહ્યા છે તો તે રાજી નથી. આ વાત તે ક્રોધથી કૈકેયીને જણાવે છે. કૈકેયી પ્રસન્ન થઈને મંથરાને મોતીનો હાર આપે છે. રામના રાજ્યાભિષેકથી પ્રસન્ન કૈકેયીને મંથરા એમ કહીને ચડાવે છે કે રામ રાજા થશે, પછી ભરતનું શું? તે કૈકેયીને બે વરદાન માંગવાનું સૂઝાડીને રામ માટે વનવાસ અને ભરત માટે ગાદી માંગવાનું કહે છે. ભરતને ખબર પડે છે કે માતા કૈકેયીએ મંથરાના કહેવાથી વરદાન માંગ્યાં છે તો તે બંને પર ક્રોધે ભરાય છે. મંથરાને આ ખટપટથી કૈં મળવાનું ન હતું, પણ તે કૈકેયી અને ભરતનું ભલું કરવા જતાં અનેક અનિષ્ટોનું નિમિત્ત બને છે. એને વેઠવાનું ખાસ થતું નથી, પણ એને લીધે અન્યોને ઘણું વેઠવાનું થાય છે. દશરથનું મૃત્યુ, રામનો વનવાસ અને ભરતને ગાદી જેવી મોટી ઘટનાઓ એને નિમિત્તે બને છે. કૈકેયીને પસ્તાવાનું થાય છે. પસ્તાવાનું તો મંથરાને પણ થાય છે.

તે કૈકેયી સાથે રામને ફરી અયોધ્યા બોલાવવા પણ જાય છે. વનવાસ પછી રામ અયોધ્યા પધારે છે ત્યારે રામનો રાજ્યાભિષેક 14 વર્ષે થાય છે. એ પ્રસંગે મંથરા શરમની મારી રામની સામે નથી આવી શકતી. રામ તેની પૃચ્છા કરે છે તો જાણ થાય છે કે મંથરાને પોતાનાં કૃત્યનો ભારોભાર પસ્તાવો છે અને તે 14 વર્ષથી રામની માફી માંગવાની રાહ જોઈ રહી છે. તે જે અંધારા ઓરડામાં હતી, ત્યાં રામ જાય છે તો જુએ છે કે મંથરા જમીન પર સૂતી છે.  રામને સીતા, લક્ષ્મણ સાથે પધારેલાં જોઈને તે માફી માંગે છે ને રામ તેને માફ કરી પણ દે છે.

આમ તો મંથરા, શૂર્પણખા રામાયણનાં અત્યંત ગૌણ પાત્રો છે, નાનાં પાત્રો છે, પણ તે પરિણામો મોટાં આપે છે. મંથરા સીધી તો કશામાં સંડોવાતી નથી, તે કૈકેયી દ્વારા ભરતનું હિત ઈચ્છે છે, આ પણ તેને કોઈએ કહ્યું નથી, પણ શરૂથી જ તે કૈકેયીની સાથે રહી છે અને તેની સાથેનો લગાવ જ કૈકેયીની મતિ ભ્રષ્ટ કરવાનું કારણ બને છે ને પરિણામ દશરથનાં મૃત્યુ અને રામના વનવાસમાં આવે છે. આમ તો શૂર્પણખા પણ દોષિત છે ને તે સીતાહરણનું નિમિત્ત બને છે ને એ દ્વારા જ રાવણનાં મૃત્યુનું કારણ પણ બને છે. ધોબી રામાયણમાં કેટલું નગણ્ય પાત્ર છે, પણ તે સીતાનાં પુનર્વનવાસનું નિમિત્ત બને છે. મહાકાવ્યોની ખાસિયત એ છે કે મોટાં પરિણામો સાવ નાનાં પાત્રો દ્વારા આવતાં હોય છે. મહાકાવ્યોની સૃષ્ટિ એવી છે કે તે કથારસ ઉપરાંત અર્થઘટનોની અનેક શક્યતાઓ પણ પૂરી પાડે છે. એટલે જ તો આટલા વિકાસ પછી પણ રામાયણ જેટલી વાર જે રૂપે સામે આવે છે, તેમાં ઊતરવાનું ગમે જ છે. એ જ કારણ છે કે રામ નવ પલ્લવિત થઈને વારંવાર આપણાં જીવનમાં પ્રગટતાં રહે છે. રામનો વનવાસ તો યુગો પહેલાં પૂરો થયો, પણ એમનો આપણામાં થયેલો મનવાસ તો કૈં યુગો પછી પણ પૂરો થાય એમ નથી. આપણે ખૂટીશું, પણ રામ નહીં ખૂટે એટલું નક્કી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 07 ઍપ્રિલ 2024

Loading

કબૂલ કે કેજરીવાલ જે.પી. જનતા પર્વના ઉત્તરાધિકારી નથી, છતાં … જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના માટે કોણ જવાબદાર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 April 2024

આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો મેળ કેમનો બેઠો?

કેજરીવાલ કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આદર્શવાદી આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. ‘આપ‘નો દિલ્હી–પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાનાં ઊંચાં ધોરણો અને વીજળીની સોંઘારત, આ બધું  એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની આભા જગવે તે સ્વાભાવિક હતું

પ્રકાશ ન. શાહ

એ એક જોગાનુજોગ જ હતો અલબત્ત કે બે’ક અઠવાડિયાં પર આ સ્થળેથી પૂછવાનું થયું હતું કે 1974, 1975-77ના જે.પી. જનતા આરોહણનું ઉત્તરાધિકારી કોણ હોઈ શકે. 1979-80માં જનસંઘે એના જનતા અવતારથી ફારેગ થતે છતે પુન: જનસંઘ નહીં થતાં ભારતીય જનતા પક્ષ રૂપે કાર્યરત થવાનું વિચાર્યું ત્યારે જે ભૂમિકા લીધી હતી એની કદરબૂજ રૂપે મોહમ્મદ કરીમ ચાગલાએ અટલ બિહારી વાજપેયીને ભાવિ વડા પ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. ચાગલા ન્યાયમૂર્તિ તરીકે તેમ રાજપુરુષની પ્રતિભા ધરાવતા રાજનેતા તરીકે સુપ્રતિષ્ઠ હતા.

મુંબઈ ગુજરાતના સંદર્ભમાં વિચારું છું તો 1974-1980નાં વરસોમાં ઉભરેલો એક નરવોનક્કુર અવાજ ચિમનલાલ ચકુભાઈ શાહનો સાંભરે છે. ચિમનલાલ ચકુભાઈ બંધારણ સભાના સભ્ય હતા. એમને શરૂમાં ઇંદિરા ગાંધીના રાજકારણ પરત્વે કંઈ આશા હશે, અને એમને પ્રામાણિકપણે લાગતું કે જયપ્રકાશજી એ આંદોલનનો રાહ લઈ રહ્યા છે તે કદાચ દુરસ્ત નથી. પણ જેવી કટોકટીની જાહેરાત થઈ કે એમને પ્રતીતિ થઈ કે જયપ્રકાશના પ્રતિકાર મુદ્દાઓ પ્રસ્તુત છે.

આ જ ચિમનલાલ ચકુભાઈએ જનતા ભંગાણ પછી પ્રગટ હિમાયત કરી હતી કે જ્યાં જનતા પક્ષના ઉમેદવારની પસંદગી શક્ય ન હોય ત્યાં ભા.જ.પ.નો વિચાર કરી શકાય.

જો કે, 1984ના કારમા પરાજય પછી ભા.જ.પે. જે રાહ લીધો – જે.પી. જનતા પર્વની પુણ્યાઈ પરહરીને – તે પછી એના રંગઢંગ ઉત્તરોત્તર ફતેહ છતાં એવા થઈ ગયા કે એને વિશે એમ કહેવું સ્વાભાવિક થઈ પડ્યું કે તે જે.પી. જનતા આરોહણનો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.

અરવિંદ કેજરીવાલ

વયમાં સંયુક્ત સરકારો અને વી.પી. શાસનના ઝોલા આવી ગયા તે ભલે, પણ આજથી દસ-અગિયાર વરસ પર જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના રૂપે આપ અને અરવિંદ કેજરીવાલના ઉદયને ખસૂસ જોઈ શકાય. શરૂ શરૂમાં અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલની જુગલબંદી જોતાં જે.પી. આંદોલન સાથે અનુસંધાનનીયે કંઈક લાગણી જાગતી.

જો કે, અણ્ણા પૂરા કદના રાજકીય વિકલ્પની હદે ઉત્સુક નહોતા જ્યારે કેજરીવાલ અને સાથીઓ તે તરફ જવાની અનિવાર્યતા અનુભવવા લાગ્યા હતા. એ ગાળામાં જેમને અણ્ણાનો ઓછોવત્તો પરિચય થયો હશે, એક ખયાલ જરૂર આવ્યો હશે કે આ એક સમર્પિત આત્મા છે પણ એમના ભાવપિંડમાં કોઈ સમગ્ર વિચારનકશો હોય એવું નથી.

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ જ્યારે આંદોલનને માથે ‘ટોપી’ લાયક કોઈ મોટા માથાની શોધમાં હતા ત્યારે એમણે ચુનીભાઈ વૈદ્યને આગળ કરવા વિશે ય અજમાયશી તોર પર વિચાર્યાની મારી છાપ છે. પણ ‘ઇંદિરા ઈઝ ઇંડિયા’ ફેમ દેવકાન્ત બરુઆ સાથે પણ માથું દુખાડતી ચર્ચા કરી ભૂદાનફાળો લઈ આવી શકતા ચુનીકાકા કરતાં અણ્ણા એમને અનુકૂળ લાગે એ સ્વાભાવિક હતું, કારણ દરેક સમર્પિત જીવ કને વૈચારિક સ્પષ્ટતા નયે હોય.

2004માં અડવાણીથી ફિલગુડાઈ છતાં ભા.જ.પ.(એન.ડી.એ.)એ લોકસભાની ચૂંટણી ખોઈ. 2009માં પણ એમ જ બન્યું. તે પછી અણ્ણાના આંદોલનમાં ભા.જ.પે.-સંઘ પરિવારે વળી એક જે.પી. જમાના જેવી તક જોઈ જે ઝડપી વિજયલક્ષી મધ્યપ્રવાહ નસીબ થઈ શકે. એ આખા નેટવર્કની વાત અહીં છોડી દઉં છું, પણ અણ્ણા એક પળે કથિત ગુજરાત મોડેલ પરત્વે લાલા ગગા થઈ ગયા હતા અને અહીં તેડાવી પ્રત્યક્ષ દર્શન કરાવ્યા બાદ એમની મૂર્છા કંઈક ઊતરી હતી એ ઇતિહાસવસ્તુ છે.

કેજરીવાલ સંખ્યાબળે ઓછા હશે, એમની કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. આપનો દિલ્હી-પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા તેમ જ વીજળીસુખ, આ બધું એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની મનોવૈજ્ઞાનિક આભા જગવે તે સ્વાભાવિક હતું.

એમના કથિત નાણાંસ્રોતને મુદ્દે આજે એ વિવાદ અને શંકાના દાયરામાં છે. પણ એ જ નાણાંસ્રોત ભા.જ.પ.ને જે રીતે ફળી રહ્યો છે એનીયે વિગતો સાફ છે. ચૂંટણી જાહેરાત પછી પ્રવર્તન નિદેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈ.ડી.) જે રીતે મંડી પડેલ છે, જે રીતે ઈ.ડી.ની લોન્ડ્રીમાંથી સામેવાળાને ‘શુદ્ધ’ કરીને ભા.જ.પ. ભરતી કરી રહ્યું છે એ બધું જોતાં આ ક્ષણ આપ પરિબળ અને અરવિંદ નેતૃત્વની મર્યાદાઓ જાણતે સમજતે છતે એકાધિકારનાં બળોને મુકાબલે એને જોવાની છે. નોટબંધીથી શું થયું એનો સ્પષ્ટોત્તર ન્યાયમૂર્તિ નાગરત્ને હમણાં જ કાળાં નાણાં વગે કરવાની પેરવી રૂપે ઘટાવી આપ્યો છે.

ઈલેક્ટોરલ બોન્ડનો સત્તા-પ્રતિષ્ઠાનને એકતરફી લાભ અને દિલ્હી પ્રકરણમાં બહાર આવી રહ્યું છે તેમ બોન્ડ ખરીદી એપ્રૂવર રૂપે બહાર આવી ચૂંટણી ઉમેદવાર બનવાની એન.ડી.એ. તક (તેલુગુ દેશમ-ભા.જ.પ.) આ બધું, મુકાબલે આપ તરફે વિચારવાની ફરજ પાડે એ આપણી કારુણિકા હશે, પણ કમજોરી કદાચ નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ઍપ્રિલ 2024

Loading

મુક્ત અર્થતંત્રના જમાનામાં કવિતા

બાબુ સુથાર|Opinion - Literature|9 April 2024

(વક્તાનો પરિચય: ડૉ. બાબુ સુથાર જાણીતા વિવેચક, સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી છે. તેમણે ભારતમાં પંચમહાલ, વડોદરા અને મુંબઈમાં ભણાવ્યું છે અને એ બાદ તેઓ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે. વર્તમાનમાં તેઓ અન્ય કામોની જોડાજોડ ફેસબુકના માધ્યમથી લોકશિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. બાબુ સુથારે ચલાવેલા ‘સંધિ’ નામના સામાયિકનો પડઘો આજે પણ સરસ મજાનો ખડખડ્યા કરે છે.)

°

બાબુ સુથાર

ડિસેમ્બર 1989ની આ ઘટના છે, મેક્સિકન કવિ ઑક્ટોવિયો પાઝે મેક્સિકોમાં ‘ધ અધર વોઇસ’ નામનું વ્યાખ્યાન આપ્યું હતું. એ વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, “હું જ્યારે યુવાન હતો, ત્યારે કવિતાની સામે બે જોખમ હતાં. પહેલું જોખમ ટોટલિટેરિયન વિચારાધારાનું હતું (જેમાં નાઝીવાદ, સામ્યવાદ, ફાસીવાદનો સમાવેશ કરી શકાય) અને બીજું જોખમ સામાજિક પ્રતિબદ્ધતાનું હતું.” પાઝ સામાજિક પ્રતિબદ્ધતાની વાત કરતી વખતે સાર્ત્રનો ઉલ્લેખ કરે છે અને કહે છે કે, “કદાચ લોકોએ તેમની વાતને જરા જુદી રીતે મૂકેલી અને એ કારણે પણ કદાચ આ ગેરસમજ થઈ હોય.” પાઝ આગળ વાત કરતાં કહે છે કે, “એ પછી લોકશાહી આવી, ટોટલિટેરિયન સરકારો પડી ગઈ, એને કારણે કવિતા પરનું જે ટોટલિટેરિયન જોખમ હતું એ જતું રહ્યું અથવા ઓછું થઈ ગયું, તો બીજી તરફ પ્રતિબદ્ધતાની ધાક પણ ઓછી થઈ ગઈ હતી.” જોકે પાઝના મતપ્રમાણે કવિતા સામે એક નવું જોખમ ઊભું થયું હતું અને પાઝ આ નવા જોખમને આ પ્રમાણે આ વર્ણવે છે, “ચહેરા વગરની, આત્મા વગરની અને દિશા વગરની આર્થિક પ્રક્રિયાનું જોખમ.” પાઝ અહીં બજારને કવિતા સામે ઊભું થયેલું નવું જોખમ ગણાવે છે. મારી hypothesis છે કે આ “ચહેરા વગરની, આત્મા વગરની અને દિશા વગરની આર્થિક પ્રક્રિયા” અત્યારે તેના extreme સ્વરૂપમાં કામ કરી રહી છે, અને એ extreme formને આપણે neo-liberalism એટલે કે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ. મારો પ્રશ્ન એ છે કે આ પ્રકારનું “ચહેરા વગરનું, આત્મા વગરનું અને દિશા વગરનું” અર્થતંત્ર જ્યારે natural condition બની જાય, લોકો તેને સામાન્ય ગણવા લાગે અને એવું પણ કહે કે ગરીબી દૂર કરવાનો આ જ ઉકેલ છે, ખરેખરમાં એ લોકો એની સામે ઊભી થઈ રહેલી અસમાનતાને જોતાં ન હોય, ત્યારે એ સ્થિતિમાં કયા પ્રકારની કવિતા શક્ય બને અથવા શું એ પરિસ્થિતિમાં કવિતા શક્ય બને ખરી? વર્ષો પહેલાં એડોરનોને આ પ્રશ્ન થયેલો કે Auschwitz પછી કવિતા કઈ રીતે લખી શકાય? લગભગ એવો જ પ્રશ્ન મને થાય છે કે આ પરિસ્થિતિમાં કવિતા લખવાની હોય તો એ કવિતાનું સ્વરૂપ કયા પ્રકારનું હોય?

અર્થતંત્ર અને કવિતા

કોઈને એવો પ્રશ્ન થઈ શકે કે અર્થતંત્ર અને કવિતાની વચ્ચે શું સામ્ય હોઈ શકે? આ અંગે વિદ્વાનોએ ઘણોખરો વિમર્શ કર્યો છે. અર્થતંત્રમાં નાનામાં નાનું એકમ નાણાં હોય છે, એ જ રીતે કવિતાનું નાનામાં નાનું માધ્યમ ભાષા છે અને ભાષાનું નાનામાં નાનું માધ્યમ શબ્દ છે. ઘણા ફિલસૂફો કહે છે કે આ બંનેની વચ્ચે ઘણી સમાનતા રહેલી છે. ભાષાવિજ્ઞાની સોસ્યૂરે નિર્દેશ કરેલો કે, “શબ્દો જે છે તે તેની value (મૂલ્ય) સિસ્ટમમાંથી પ્રાપ્ત કરે છે, નહીં કે જગતને refer કરવાથી.” એ વખતે સોસ્યૂરે કહેલું કે, “ભાષા સંકેતોની વ્યવસ્થા છે.” સોસ્યૂરે એ વખતે સંકેત કહેલું આપણે એને શબ્દો કહી શકીએ. સોસ્યૂર કહે છે એ પ્રમાણે સંકેતોનાં બે પાસાં છે, signifier (સાંકેતિક) અને signified (સાંકેતિત), અને એ બંને પાસાં વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ નથી હોતો એટેલે કે તે યાદૃચ્છિક હોય છે. આ વાતને ઉદાહરણથી સમજીએ, જ્યારે હું વૃક્ષ એવો શબ્દ બોલું ત્યારે એનું જે ધ્વનિસ્વરૂપ છે (અને લખું તો તેની જોડણી) સાંકેતિક છે, જેને signifier કહેવાય. અને વૃક્ષ શબ્દ જે અર્થ સૂચવે છે, તેને સાંકેતિત (signified) કહેવાય. વિગતવાર સમજીએ તો વૃક્ષ, ઝાડ, tree અને पेड़ આ અલગ-અલગ signifier (સાંકેતિક) છે; પણ એ બધાં એક જ અર્થ કે વિભાવનાને સૂચવે છે, તે signified (સાંકેતિત) છે. જો તેની વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક ન હોત તો સમગ્ર જગતમાં એક જ ભાષા હોત અને કદાચ યાદૃચ્છિક ન હોત તો કદાચ આપણે જૂઠું પણ બોલી શકતા ન હોત, કારણકે એ સ્થિતિમાં ભાષા પ્રકૃતિ કે વાસ્તવિકતાની સાથે કાર્યકારણથી જોડાયેલી હોત. આ બાબતોને ધ્યાનમાં રાખીને ઇટાલિયન ફિલસૂફ બિફો એવો મત આપે છે કે ભાષા અને નાણાંની વચ્ચે એક સામ્ય છે. તેના જ શબ્દોમાં જોઈએ: “they are nothing and they move everything.” (નાણું હોય કે શબ્દો, એ પોતે કંઈ જ નથી પણ દરેક વસ્તુના ચલણમાં તે બંને કામ કરતાં હોય છે.) છેવટે નાણું અને શબ્દો એ બંને પ્રતીકો જ છે પણ બંનેનું મૂલ્ય જે-તે વ્યવસ્થા પ્રમાણે નિયત થાય છે, એટલે આ એક કન્વેન્શન છે. નાણું જો કુદરતી પદાર્થ હોત તો દરેક સંસ્કૃતિમાં તેનું એકસરખું જ મૂલ્ય હોત, એ જ પ્રમાણે જો ભાષા કુદરતી હોત તો દરેક સંસ્કૃતિમાં એકસરખી ભાષા હોત. એનો અર્થ એ કે ભાષા અને ચલણનું વૈવિધ્ય ન હોત.

ભાષા અને નાણાંનો ઇતિહાસ

આપણે આ બંનેનો ટૂંકો ઇતિહાસ જોઈએ તો આપણને ઘણી સામ્યતા દેખાશે. પશ્ચિમમાં ભાષાનો અભ્યાસ ભાષાવિજ્ઞાન સંદર્ભે કઈ રીતે થયો, એ જોઈએ. સોસ્યૂરે ત્રણ તબક્કાની વાત કરી છે. એ કહે છે એ પ્રમાણે એક જમાનામાં વિદ્વાનો ભાષાના વ્યાકરણનો અભ્યાસ કરતા હતા અને વ્યાકરણને તર્કશાસ્ત્ર સાથે જોડતા હતા. અહીં આપણે નોંધવું જોઈએ કે એરિસ્ટોટલે અને ગુજરાતના આરંભના તબક્કાના વિદ્વાનોએ પણ આ પ્રમાણે તર્કશાસ્ત્ર સાથે ભાષાવિજ્ઞાનને જોડ્યું છે. એવું કહેવાતું કે જે તર્કશાસ્ત્રમાં શક્ય ન હોય, તે વ્યાકરણમાં પણ શક્ય ન હોય. એનો અર્થ એવો કાઢી શકીએ કે તર્ક એ ભાષાનો controlling power હતો, એટલે કે ભાષા તાર્કિક સત્ય (logical truth) સાથે જોડાયેલી હતી. વાક્ય સાચું છે કે ખોટું તે તેમના માટે મહત્ત્વનું ન હતું, પણ વાક્યમાં જે કહેવામાં આવ્યું છે તે સાચું છે કે નહીં તે મહત્ત્વની બાબત હતી. એ પછી ભાષાવિજ્ઞાનના વિકાસમાં philologyનો (શબ્દાર્થશાસ્ત્રનો) તબક્કો આવ્યો, જે બીજો તબક્કો છે, જેની પરંપરા ગુજરાત અને ભારતમાં પણ મોટાપાયે જોવા મળે છે. આજે કેટલાક વિદ્વાનો એ પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. Philologyનું મુખ્ય કામ શબ્દને જગત સાથે જોડવાનું હતું, એટલે કે શબ્દનો અર્થ આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તેને ભાષાની બહારના જગત સાથે એને જોડીને જોઈ શકીએ. ત્યારબાદ ભાષાવિજ્ઞાનના વિકાસમાં ત્રીજો તબક્કો તુલનાત્મક અભ્યાસનો આવ્યો, જેમાં જગતની ભાષાઓ વચ્ચે સામ્ય શું છે અને તે કયા પ્રકારનું છે એવો અભ્યાસ થવા લાગ્યો. જે ક્ષણે આપણે ભાષાનો તુલનાત્મક અભ્યાસ શરૂ કર્યો એ ક્ષણે આપણે ભાષાની સીમાઓને ઓળંગવાનું શરૂ કરી દીધું અને એના કારણે શબ્દનું જગત સાથેનું જોડાણ બદલાઈ ગયું. એ પછી આધુનિક ભાષાવિજ્ઞાન આવ્યું અને મારી દૃષ્ટિએ તે મહત્ત્વની ઘટના છે, અને એ માટે સોસ્યૂર કહે છે કે “language is system of sign” (ભાષા સંકેતોની વ્યવસ્થા છે). એનો અર્થ એવો થયો કે ભાષામાં જેટલા સંકેતો છે તે વ્યવસ્થા પર જ આધાર રાખે છે, તે ભાષા બહારના જગત પર આધારિત નથી. આ વિધાન સાથે ભાષાનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ hypothesisનો વિષય બની જાય છે અને શબ્દ એક રીતે સ્વાયત્ત બની જાય છે. ભાષાવિજ્ઞાનના ઇતિહાસનો સારાંશ એવો છે કે ભાષા તર્કમાંથી વાસ્તવિક જગત સાથે જોડાઈ અને જગતમાંથી સિસ્ટમ સાથે જોડાઈ અને એ રીતે ભાષા વધારે અમૂર્ત બનવા લાગી અને સિસ્ટમ આખી abstract બની જાય છે.

ભાષાવિજ્ઞાન જેવું જ અર્થશાસ્ત્રમાં પણ થયું, નાણાંનો ઇતિહાસ જોઈએ તો તે પણ ધીમે-ધીમે અમૂર્ત વ્યવસ્થા તરફ જાય છે. માર્ક્સેલ નામના વિદ્વાને ‘મની, લૅન્ગ્વેજ ઍન્ડ થૉટ’ નામના પુસ્તકમાં આ અંગે વિગતે ચર્ચા કરી છે. આશરે છ હજાર વર્ષ પહેલાં સાટાપદ્ધતિ હતી, જેમાં વ્યવહાર પર જરૂરિયાત (need)નું અંકુશ રહેલું હતું. એટલે કે એ વ્યવસ્થામાં માનવજાત આજની માફક ગ્રાહક (consumer) બની ન હતી. એ જરા જુદા પ્રકારનો ગ્રાહક હતો. Common era પહેલાંની સાતમી સદીમાં સિક્કાનું ચલણ આવે છે, જેમાં સિક્કાની ઉપર જે-તે સ્ટેટની મહોર વાગતી હતી. એ અર્થમાં સિક્કાનું પણ મૂલ્ય આવ્યું અને તેનું સ્ટેટ સાથે જોડાણ પણ થયું. આ તબક્કે નાણાંનો concept થોડા અંશે અમૂર્ત તરફ આગળ ધપે છે અને એ સાથે લોકોની ખરીદવાની પદ્ધતિ બદલાવા લાગે છે. વર્ષ 1020ની આસપાસ કાગળની ચલણી નોટોનો દોર આવે છે, એ પહેલાં ચામડાનું ચલણ પણ આવી ગયું હતું. કાગળનું ચલણ આવી જવાથી નાણાંનું circulation (પ્રવાહિત) સરળ બનતું ગયું અને એના કારણે તેના પર સ્ટેટનું અંકુશ પણ વધવા લાગ્યું હતું. જેના કારણે economyમાં પણ ખરીદ-વેચાણ પર ભાર મૂકાવા લાગ્યો, જે સાટાપદ્ધતિમાં ઘણું ઓછું હતું.

એની સમાંતરે બીજી એક ઘટના પણ ઘટે છે, મધ્યકાળમાં નાણાંપદ્ધતિ સોનાની સાથે સંકળાયેલી હતી પછી ધીમે-ધીમે અર્થતંત્રને વેગ આપવા માટે સોનાં સાથે નાણાંનું ડીલિંગ કરવા લાગ્યા. નાણાંનું એ જ રીતે ડીલિંગ થયું, જે રીતે ભાષામાં શબ્દોનું ડીલિંગ થઈ ગયું હતું. ઇતિહાસમાં ધીમે-ધીમે નાણું અને શબ્દ અમૂર્ત તરફ ગતિ કરતા ગયા અને હવે તો ક્રૅડિટકાર્ડનો જમાનો છે, પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જોવાનો વિષય છે. એ જ પ્રમાણે આજે ઍપલ પે અને ગૂગલ પે આવી જેવી ઍપ્લિકેશનો આવી ગઈ છે, એના કારણે નાણાંની પ્રવાહિતા વધી ગઈ અને હવે ક્ષણભરમાં પૈસા ટ્રાન્સફર થવા લાગ્યા. એક ફિલસૂફ કહે છે એમ નાણાં લગભગ ઇશ્વરની કક્ષાએ પહોંચી ગયાં છે, બંને abstract છે. આ ગતિમાં ક્રિપ્ટો કરન્સીએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બિફો કહે છે એમ આ પ્રક્રિયામાં “de-physicalisation of money” થઈ ગયું અને એટલે નાણું એટલું અમૂર્ત બની ગયું કે મૂડીવાદી વ્યવસ્થા માટે સગવડ થઈ ગઈ અને એ વ્યવસ્થા dominating બની ગઈ.

1997માં હું અમેરિકા આવ્યો અને વર્ષ 1998માં હું કંઈક ખરીદી કરવા ગયો ત્યારે મેં ડેબિટકાર્ડ આપ્યું અને પિન નંબર નાખ્યો, એ પછી હું ઘણો ઉદાસ થઈ ગયો; કેમકે મને થયું કે મેં પૈસા આપ્યા નથી અને એણે એમ છતાં લઈ લીધા. એટલે કે નોટ ગણીને પૈસા આપવાનો જે અનુભવ હતો તે આ લેવડ-દેવડની પ્રક્રિયામાંથી ક્યાંક અદૃશ્ય જ થઈ ગયો. આજના સંદર્ભે નાણું ક્યાં સર્જાય છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ આખી એક મિસ્ટરી છે. ઓસાનોમિયા (ઉચ્ચ્ચાર ખોટો. સાચું નામ: Oeconomia) નામની જર્મન ડૉક્યુમેન્ટરી ફિલ્મ છે, એમાં જે બૅન્કરોનાં ઇન્ટરવ્યૂ લીધાં છે તેઓ કહી શકતા નથી કે બૅન્કમાં નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.

નાણાં અને શબ્દો વચ્ચેની સામ્યતા

તો નાણાં અને શબ્દો વચ્ચે આ સામ્યતા છે, બંનેનાં સ્વરૂપ બદલાતાં ગયાં અને એક તબક્કે સિસ્ટમનો ભાગ બની ગયાં. નાણાંને બને એટલા સ્વાયત્ત બનાવવાં જોથી તેની લેવડદેવડ સરળ બની શકે, એ મુક્ત અર્થતંત્રનો પહેલો ધ્યેય હતો. એક ફિલ્મમાં (Bamako, Diretor: Abderrahmane Sissako) વિશ્વ બૅન્કના માણસોને બેસાડ્યા છે અને એમાં એક લેખિકા તેમને પ્રશ્ન પૂછે છે કે. “તમારી બૅન્કમાં અમારા દેશનાં નાણાં આવે, ત્યારે તમે એની પાસે વિઝા માગો છો ખરા?” તો વિશ્વ બૅન્કના પ્રતિનિધિ કહે છે કે, “ના, નથી માગતા.” તો લેખિકા પૂછે છે કે, “તો માણસ પાસે વિઝા કેમ માગો છો?” અહીં દલીલ એવી છે કે નાણાંની લેવડ-દેવડ નિયંત્રણ વગર થાય છે, તેની પર સ્ટેટનું નિયંત્રણ છે તેની લેવડ-દેવડમાં બીજાં ઝાઝાં નિયંત્રણો નથી. એથી જ એ સિસ્ટમને પ્રભાવિત કરવી શક્ય છે અને મોટાભાગની આર્થિક મંદીમાં એવું જ થયું છે, જેની કિંમત આપણે ચૂકવી છે. આ આખી પ્રક્રિયામાં તાત્ત્વિક રીતે એવું થયું કે જે બાહ્ય જગત સાથેનો referent હતો તે અદૃશ્ય થઈ ગયો અને એનું સ્થાન used valueએ લઈ લીધું છે. એટલે હવે, શબ્દ સત્ય પ્રગટ કરે છે કે નહીં તે પ્રશ્ન મહત્ત્વનો રહ્યો નથી; એના બદલે શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે પ્રશ્ન મહત્ત્વનો બની ગયો છે. એટલે કે અર્થતંત્ર અને ભાષા બંનેનાં નાનામાં નાનાં એકમોનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ કપાઈ ગયો અને તે abstract બની ગયાં.

વાનરમાંથી માણસ બનવાની પ્રક્રિયાને ઉત્ક્રાંતિના ક્રમમાં મહત્ત્વની ગણવામાં આવે છે, એ જ રીતે નાણાંનું અમૂર્તિકરણ પણ મહત્ત્વની ઘટના છે. આ બંને ઘટના પર હું એકસરખો ભાર આપું છું. જો નાણાં અને શબ્દો સ્વાયત્ત હોય અને તેનું મૂલ્ય જગત પર આધાર ન રાખતું હોય તો કાવ્ય કઈ રીતે શક્ય બને? અથવા તો કયા પ્રકારની કવિતા શક્ય બને? પ્રતીકવાદી કવિતાનો સંદર્ભ લઈને આ વાતને સમજીએ. પ્રતીકવાદી કવિતામાં પણ કવિતા બાહ્યજગત પર આધારિત હતી. ઉદાહરણ તરીકે કવિતામાં આપણે કવિતામાં સાપને પ્રતીક તરીકે નિરુપીએ તો સાપનો સંદર્ભ કંઈક જુદો હોઈ શકે પણ જો સંદર્ભ જ નહીં રહે તો પ્રતીકવાદી કવિતાઓ જતી રહેશે, ઇમેજવાળી કવિતાઓ પણ જતી રહેશે અને એક જુદા જ પ્રકારની કવિતા આપણી સામે આવીને ઊભી રહેશે. ફિલસૂફ બોદ્રિયાર્ડ કહે છે કે જેવું અર્થતંત્રમાં બન્યું, એવું જ ભાષામાં પણ બન્યું છે. એ કહે છે કે, “ભાષા એ માહિતીનું સંક્રમણ કરવા માંડી છે, જે પહેલાં પ્રતીક કે aestheticsનું સંક્રમણ કરતી હતી તે હવે માહિતીનું સંક્રમણ કરે છે.” વર્તમાન સમયમાં દુનિયાની મોટાભાગની ભાષાઓ માહિતીનું વહન કરે છે, કદાચ 10 ટકા જ ભાષા એવી હશે જેમાં માહિતીનું વહન ઓછું હશે. એથી હવે કવિતા પણ માહિતી આપતી થઈ ગઈ અને એ પર્ફૉર્મન્સ બની ગઈ. એનો અર્થ એવો થયો કે હું હવે કોઈ કાવ્ય લખું તો એ કયો રસાનુભવ કરાવે છે અથવા તે ચેતનાનો વિસ્તાર કરે છે કે કેમ તે પ્રશ્નનું મહત્ત્વ રહ્યું નથી; મહત્ત્વનું એ છે કે તે કાવ્ય માહિતીનું આદાનપ્રદાન કરે છે નહીં.

ગુજરાતી આધુનિક કવિતા સામેના બે પડકારો

પાઝે કહેલું એમ તે યુવાન હતા ત્યારે કવિતાની સામે બે પડકારો હતા, હવે હું એ જ સંદર્ભે મારી વાત કરું છું. જ્યારે કવિતા લખવાની શરુઆત કરી ત્યારે મારી નજરે પણ બે જોખમ હતા, એમાંથી પહેલું જોખમ ઔદ્યોગિકરણનું હતું. આધુનિકયુગમાં સામાજિક, આર્થિક અને બીજી સમસ્યાઓને ઉકેલવા માટે સમાજ ઉદ્યોગ તરફ વળ્યો અને ઉદ્યોગોએ આપણને મદદ પણ કરી એ પણ હકીકત છે. જોકે ઉદ્યોગોની સાથે બે બાબતો જોડાયેલી હતી અને એ હતી production અને consumption, અને એ logicની અસર કવિતા પર પણ વર્તાવા લાગી. જેથી કવિતા પણ એક product બની અને એવી શરત લાગુ થઈ કે તેનો પણ consumer હોવો જોઈએ. મારી નજરે એ વખતે કવિતા પરનું બીજું જોખમ સમાજવાદી લોકશાહીનું હતું અને એ લોકશાહી એવી માગ કરેલી કે ‘speak for those who cannot speak’ (જે લોકોનો અવાજ દબાયેલો છે, તેમનો અવાજ બનો). એટલે કે એ વખતે મારી સમક્ષ ગુજરાતીમાં બે પ્રકારના આધુનિકતાવાદ હતા. એક હતો વાસ્તવવાદની વાત કરતો mild nature ધરાવતો આધુનિકતાવાદ, જેમાં રઘુવીર ચૌધરી, રમણલલા દેસાઈ અને અન્ય સર્જકોને સમાવી શકીએ. જ્યારે બીજો આધુનિકતાવાદ આકારવાદના પ્રભાવવાળો હતો. એ દરમિયાન બીજી બે મહત્ત્વની ઘટના ઘટી, એક તરફ મુક્ત અર્થતંત્ર આવ્યું અને બીજી તરફ ડિજિટલ ટેકનૉલૉજી આવી અને ત્રીજી ઘટના તેમાં હિંદુત્વની રાજકીય વિચારધારાની પણ ઉમેરાઈ ગઈ હતી. નવ્ય અર્થતંત્ર કૉંગ્રેસના વખતથી શરૂ થઈ ગયું હતું અને ભાજપના આવ્યા બાદ તેમાં એક પ્રકારની ગતિ આવી ગઈ, જેની પર હું ભાર મૂકવા માગું છું. એની સમાંતરે કામની વિભાવના પણ બદલાઈ ગઈ અને લોકો cognitive labour વધારે કરવા લાગ્યા છે. જોકે ભારતમાં હજી પરિસ્થિતિ થોડી જુદી છે, ત્યાં cognitive અને non-cognitive એમ બંને પ્રકારનો શ્રમ લોકો કરે છે. મૂળ વાત એમ છે કે મૂડીવાદી વ્યવસ્થા cognitive labourને વધારે પ્રાધાન્ય આપે છે. ફિલસૂફ આંદ્રે ગોર્ઝ કહે છે એ પ્રમાણે material labour હવે immaterial labourમાં પરિવર્તિત થવા લાગ્યું હતું. એટલે કે નાણાં અને ભાષાની જેમ જ શ્રમ પણ અમૂર્ત બન્યો. એટલે કે જે લોકો કમ્પ્યૂટર પર algorithm લખતા હોય છે તે એક પ્રકારે અમૂર્ત જ કામ છે, એથી તેમની માટે કામ એ એક abstract વસ્તુ બની જાય છે. આ બધાં પરિબળોને કારણે ભારત પણ post-industrial સમાજમાં પ્રવેશી ગયું; જેના કારણે વસ્તુઓનું mass production વધવા પામ્યું અને મીડિયાનું પ્રભુત્વ વધી ગયું અને હવે એમાં સોશિયલ મીડિયા પણ છે. આથી જીવનની વિભાવના પણ બદલાઈ ગઈ અને એને ફિલસૂફ ગાય દેબોર્ડના મત પ્રમાણે સમજી શકીએ. તે કહે છે એ પ્રમાણે જીવન ‘immense accumulation of spectacles’ બની ગયું. એટલે દેખાડાનો જમાનો આવ્યો, જે દેખાડા ન કરે એ ટકી ન શકે. અંબાજી મંદિરનું શિખર જો સોનાનું બનાવે તો તે દેખાડાની દુનિયામાં પ્રવેશે અને તો જ તેનું અસ્તિત્વ ટકી રહે. તો પહેલાંના યુગમાં આપણે જે કંઈ પણ સીધા અનુભવતા હતા એ બધાનું આપણે image અને શબ્દમાં representation કરવા લાગ્યા, એટલે મૂળ વાત એ છે કે શબ્દ પણ image બની ગયો. ફિલસૂફ ફ્લસર ‘ડઝ રાઇટિંગ હેવ અ ફ્યૂચર?’ પુસ્તકમાં લખે છે કે પરંપરાગત અર્થમાં હવે ભાષાનું કોઈ ભાવિ રહ્યું નથી. પરંપરાગત અર્થમાં લખતી વખતે આપણે વાસ્તવિક જગતમાંથી કંઈક represent કરતા હતા પણ હવે representationનું સ્થાન compositionએ લઈ લીધું છે. જેના કારણે સત્યની crisis સર્જાઈ ગઈ, એવું કેટલાક વિદ્વાનો હવે કહે છે.

ગુજરાતી કવિતા પર મુક્ત અર્થતંત્રનો પ્રભાવ

હું માનું છું કે આ જે પરિસ્થિતિ છે, એનો ગુજરાતી કવિતા પર પ્રભાવ પડ્યો છે. અત્યારે જે મોટાભાગની કવિતા લખાય છે તે રસાનુભવ કરાવતી નથી કેમ કે તેમાં પ્રત્યાયન નથી, એ માત્ર પર્ફૉર્મન્સ છે. કવિતા પર્ફૉર્મન્સ બની જાય છે, ત્યારે તેમાંથી representationની વાત પણ જતી રહે છે. 19મી સદીના રશિયન કવિ તર્જનેવનું એક ગદ્યકાવ્ય મને આ સંદર્ભે ઉપયોગી જણાય છે. જેમાં એક નગરની વાત છે, એ નગરના લોકોને રોજ કવિતા સાંભળવાની ટેવ છે. રોજ સાંજે નગરચોકમાં લોકો જાય અને ત્યાં કવિ કવિતા વાંચે અને લોકો તે સાંભળે અને પછી પાછા પોતપોતાનાં ઘરે જાય, પણ એક વખત અઠવાડિયા સુધી કોઈ કવિ આવતો નથી. થોડા દિવસ પછી એક કવિ આવે છે અને કાવ્ય વાંચવાનું શરૂ કરે છે, લોકોને એ કાવ્ય નથી ગમતું અને લોકો અને કવિ પોતપોતાનાં ઘરે જવા લાગે છે. એ દરમિયાન બીજો કવિ ત્યાં નગરચોકમાં પોતાનું કાવ્યા વાંચવા લાગે છે અને લોકો પાછા ભેગા થયા અને ત્યાં વાહ વાહ કરવા લાગ્યા. જે કવિની કવિતા લોકોને નહોતી ગમી, તે પણ ત્યાં ઊભો રહે છે અને જુએ છે કે પેલો કવિ એની જ કવિતા રજૂ કરી રહ્યો હતો પણ એને પર્ફૉર્મન્સની ફાવટ હતી એટલે લોકોને તેની કવિતાની રજૂઆત ગમી હતી. આ વાત આજના સંદર્ભે એટલી જ સાંપ્રત છે, કવિતા એ પર્ફૉર્મન્સ બની ગઈ છે. આપણી ત્યાં લિટરેચર ફેસ્ટિલ અને મુશાયરા થાય છે, તો ફેસબુક અને ઝૂમ પર કવિતાના કાર્યક્રમો થાય છે. આ બધું જ દર્શાવે છે કે કવિતા એ પર્ફૉર્મન્સ બની ગઈ છે. એટલે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કાર્યક્રમોમાં કવિતાનો રસાનુભવ થઈ રહ્યો છે કે પર્ફૉર્મન્સનો થઈ રહ્યો છે. ગુજરાતી કવિતાવિશ્વની પરિસ્થિતિ એવી છે કે કવિઓના પહેરવેશ નક્કી થઈ ગયા છે અને જે કાવ્યોને બાપુઓના કે બાવાઓના આશીર્વાદ ન મળે, એ કાવ્યો પણ હવે ઊંચા દરજ્જાના ગણાતાં નથી. વિવેચકો પણ હવે બાપુઓ અને બાવાઓનો ઉલ્લેખ કરતા થઈ ગયા છે. મને પણ આવો જ એક અનુભવ થયો, મુંબઈના એક ભાઈ જે અમદાવાદમાં યોજાતા લિટરેચર ફેસ્ટિવલ સાથે જોડાયેલા હતા એમણે મને આમંત્રણ આપ્યું હતું. મેં આમંત્રણ સ્વીકાર્યું કે હું વડોદરામાં જ છું, એટલે હું આવી જઈશ. જો કે મારા મનમાં જે હતું એવું જ થયું, મને આયોજકો તરફથી આમંત્રણ ન મળ્યું. એનું કારણ એવું છે કે જે જમણેરી નથી અને જે મોદીની ટીકા કરે છે, એમને આ આયોજકો બોલાવતા નથી. એ ફેસ્ટિવલના પ્રચારમાં નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલનાં મોટાં-મોટાં ફોટોગ્રાફ્સ હતા પણ સાહિત્યની વાત ક્યાંય દેખાય નહીં. હું આમાં કોઈની ટીકા કરવા નથી માગતો પણ આ હાલની પરિસ્થિતિ છે અને હું માનું છું કે નવ્ય બજારની ગતિવિધિના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. પર્ફૉર્મન્સના કારણે અર્થઘટનની શક્યતાઓ પણ જતી રહી છે, તમે કાવ્યનું અર્થઘટન ત્યારે જ કરી શકો જ્યારે તે વાસ્તવિકતા સાથે જોડાયેલું હોય. જો તમારે તેના structure વિશે જ વાત કરવાની હોય તો પછી એ structuralism છે અને એની માટે structuralismનો પ્રવાહ પણ જવાબદાર છે. એટલે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કવિતાને આપણે તપાસીએ તો કવિ આપણને એમ કહે કે તમે તેમાં અર્થ, ભાષા કે વ્યાકરણને રહેવા દો, તમે એ જુઓ કે અમારી સંવેદના બરાબર પ્રગટ થાય છે કે નહીં. એક કવયિત્રી મને મળવા આવેલાં અને એમણે મને કાવ્ય જોવા આપ્યું હતું, એમાં મેં તેમને કેટલાક વ્યાકરણદોષ બતાવ્યા હતા. તો તેમણે મને જવાબ વાળ્યો કે ફેસબુક પર આ કવિતા મૂકે છે અને મને 400 લાઇક મળી છે. એટલે કે કવિતામાં હવે 400 લાઇક એક critique કરતાં મહત્ત્વની બાબત બની ગઈ છે. કવિતા એક પ્રકારની consumer item બની ગઈ અને લાઇક્સ એ તના consumptionનું માપદંડ બની ગઈ છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે કવિતા એક જુદું સ્વરૂપ છે એટલે આ સ્વરૂપને ઉપભોગના સાધન તરીકે ન જોવું જોઈએ, કેમકે ઉપભોગ કરતી વખતે ઉપભોગનું સાધન destroy થઈ જતું હોય છે. હું એ દલીલને સ્વીકારતો નથી કેમકે જ્યારે હું એક કાવ્ય વાંચું છે ત્યારે તે એક કાવ્ય નથી, ત્યારે તે અનેક કાવ્યોનો એક સમૂહ હોય છે અને હું માનું છું કે એ વાંચતી વખતે એ સમૂહમાંથી એક કાવ્ય ચોક્કસ મરી જતું હોય છે. વાત મૂળે એમ છે કે ભાષા જ્યારે વાસ્તવિક જગત સાથે જોડાયેલી ન હોય અને તે વ્યવસ્થા સાથે જોડાયેલી હોય તો ત્યારે કવિતામાં acceleration વધી જાય છે. નાણાંનો વિનિમય real-timeમાં થવા લાગ્યો, એક ક્લિકની મદદથી આજે પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં જમા થઈ જાય છે, એ જ પ્રમાણે કવિ સંમેલનો, મુશાયરા કે લિટરેચર ફેસ્ટિવલમાં કાવ્યનો અનુભવ પણ real-time થવા લાગ્યો છે, એની સામે કવિતા એટલી વંચાતી નથી. એનો અર્થ કે કવિતાના consumptionની પદ્ધતિ આખી બદલાઈ ગઈ છે.

‘ઊતરતાં ભજિયાં અને ઊતરતાં કાવ્યો’ની સંસ્કૃતિ

ગુજરાતનાં બજારોમાં આપણે હવે જોઈએ છીએ કે લાઇવ સોડા અને લાઇવ ઢોકળાં મળે છે, એમાં production અને consumptionના સમય વચ્ચે ઝાઝું અંતર નથી, આ પણ મુક્ત અર્થતંત્રની એક લાક્ષણિકતા છે. જેની મદદથી consumptionનું acceleration થઈ રહ્યું છે. એવું જ સાહિત્યમાં પણ થઈ રહ્યું છે, કવિ કે ભાવક કાવ્ય વાંચે ત્યારે કાવ્ય તરત જ સમજાઈ જવું જોઈએ. એક સંસ્કૃત કાવ્યશાસ્ત્રીએ અર્થવિલંબનની વાત કરી છે અને જ્યારે હું કાવ્યો લખવાની શરુઆત કરી રહ્યો હતો ત્યારે અર્થવિલંબનનો ઘણો મહિમા હતો. મુક્ત અર્થતંત્રના પગલે કવિતામાં અર્થવિલંબન પણ ઓછું થવા લાગ્યું છે, એટલે હવે કવિતા પિઝા સ્લાઇસની લગભગ સમકક્ષ પહોંચી ગઈ છે. એથી હવે સામાયિકો અને કાવ્યસંગ્રહો પણ દેખાડાના પ્રવાહમાં તણાતાં જોવા મળે છે, એક જ કાવ્યસંગ્રહના અનેક વખત વિમોચનના કાર્યક્રમો યોજાય અને પાંચ-સાત લોકો એક જ સંગ્રહની પ્રસ્તાવના લખે છે, આ મુક્ત અર્થતંત્રની જ અસર છે. બીજી તરફ સોશિયલ મીડિયાએ પણ accelerationને ઉત્તેજન આપ્યું છે. મુક્ત અર્થતંત્રના કારણે ઊતરતાં ભજિયાંની જેમ ઊતરતાં કાવ્યોની સંસ્કૃતિ આવી ગઈ છે, જેની વાસ્તવિક જગત સાથે કોઈ સંબંધ નથી. ફિલસૂફ બિફોની વાતને અહીં ટાંકીએ, તે કહે છે કે નાણાં અને પૈસાની વચ્ચે ઘણી બધી સામ્યતા છે, પણ એક ફેર એવો છે કે નાણાંમાં exchangeability છે અને ભાષામાં non-exchangeability છે. હું બિફોના આ મત સાથે સંમત નથી, કવિતામાં ભાષા વિનિમયનું કામ નથી કરતી પણ જેમ અર્થતંત્રમાં નાણાં પ્રત્યક્ષ ઉપભોગનું સાધન નથી પણ લખાતી ભાષા એ ઉપભોગનું સાધન બની ગઈ છે. મજાની વાત એ છે કે ગમે તેટલો ઉપયોગ કરો તો પણ એ ભાષા ખૂટતી નથી. આમ છતાં જ્યારે તમે એક ટેક્સ્ટ વાંચો છો ત્યારે તમે એક ટેક્સ્ટ કન્ઝ્યૂમ કરો છો અને બીજી ટેક્સ્ટ વાંચો છો ત્યારે તમે બીજી ટેક્સ્ટ કન્ઝ્યૂમ કરો છો.

અંતે જો આ આખી ચર્ચાનો સાર બાંધીએ તો મને પણ ઑક્ટોવિયો પાઝ જેવા જ પ્રશ્નો થાય છે, કેમકે આજની પરિસ્થિતિ એવી છે જેમાં acceleration છે, કાવ્ય consumable બને એ માટે સ્વાયત્ત છે, અને આ પરિસ્થિતિમાં જે કાવ્યો લખાય છે તે પર્ફૉર્મન્સ આધારિત ટેક્સ્ટ છે. મુક્ત અર્થતંત્રમાં abstraction અને exploitation જે રીતે વધવા માંડ્યું છે, એ જ રીતે કવિતા પણ વાસ્તવિક જગતથી વિખૂટી પડીને ઉપભોગનું સાધન બનવા માંડી છે.

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘કાવ્યચર્યા’ બેઠક અંતર્ગત, 02 માર્ચ 2024ના રોજ, ડૉ. બાબુ સુથારની રજૂઆત] 
લિપિયન્તર સૌજન્ય : પાર્થ પંડ્યા
સૌજન્ય : http://glauk.org/programmes/kavyacharya-babu-suthar-02-march-24/

Loading

...102030...602603604605...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved