તમે કેટલી ભાષાના જાણકાર છો? એવા સવાલનો જવાબ શું હોઈ શકે? ભાષાના જાણકાર હોવાના કોઈ ચોક્કસ માપદંડો નથી. એટલે કેટલી ભાષા વાંચી, લખી, બોલી શકો છો તેના આધારે ભાષાના જાણકાર હોવાનું નક્કી થઈ શકે. એક ગુજરાતીભાષીને જો આવો સવાલ કરવામાં આવે તો તેનો જવાબ કદાચ ગુજરાતી અને હિંદી એમ બે ભાષા તે વાંચી, લખી, બોલી શકે છે તેમ કહી શકે. અંગ્રેજી અને સંસ્કૃત કદાચ વાંચી કે લખી શકે છે. એટલે સામાન્ય ભારતીય એક કે બે ભાષાનો જાણકાર હોય છે. મોટે ભાગે તો એક જ ભાષાથી આપણું ગાડું ગબડે છે. ક્યારેક જ તેથી વધુની જરૂર પડે છે. એટલે લાઈબેરિયામાં જન્મેલ જિયાદ યુસૂફ ફજાહ પચાસ ભાષાના જાણકાર હોવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે એમ જાણીએ તો આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જિયાદ આજે વિશ્વના સૌથી મોટા બહુભાષી (Polyglot) છે.
ભારત બહુધાર્મિક, બહુજ્ઞાતિય એમ બહુભાષી દેશ છે. સાર્થ જોડણી કોશમાં ભાષાનો અર્થ બોલી, વાણી, જબાન આપ્યો છે. એટલે ભાષા અને બોલીને એક જ ગણ્યા છે. પરંતુ બાર ગાઉએ બોલી બદલાય એ ન્યાયે એક જ ભાષાની અનેક બોલીઓ હોય છે. મતલબ કે ભારતમાં ભાષા અને બોલીનું અપાર વૈવિધ્ય છે. ભાષા આમ તો સંવાદ અને સંપર્કનું માધ્યમ છે. પરંતુ તે ખૂબ જ ભાવનાત્મક વિષય છે. ભાષા થકી જ પરસ્પરની લાગણીઓને જાણી શકાય છે. બોલનાર-સાંભળનાર એકબીજા સાથે ભાષાથી જોડાય છે. જો આપણે સામેની વ્યક્તિ સાથે તેની જ ભાષામાં વાત કરીએ તો તે તેના દિલને સ્પર્શે છે. એટલે જ બહુભાષી ભારતમાં રાજનેતાઓ ચૂંટણી પ્રચાર સભાઓમાં પહેલું કે છેલ્લું એકાદ વાક્ય લોકોની ભાષામાં બોલીને તાળીઓ મેળવી લે છે. એ રીતે રાજકારણીઓ ઘડી-બે-ધડી ખરીખોટી આત્મીયતા પેદા કરવામાં સફળ થાય છે. જો કે તેના મૂળમાં સમાનભાષીઓ વચ્ચેની આત્મીયતા કે ભાષાનું ભાવના સાથેનું સંધાન રહેલું છે.
ભાષાઓ વચ્ચે આત્મીયતા તેમ શત્રુતા પણ જોવા મળે છે. આપણે ત્યાં હિન્દી અંગ્રેજી વચ્ચેનો વિવાદ કાયમનો છે. એટલે તો હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી, પરંતુ રાજભાષા અર્થાત સરકારી રાજકાજની ભાષા છે. દક્ષિણના રાજ્યો કાયમ તેમના પર હિન્દી ઠોકી બેસાડવામાં ન આવે તેની ચિંતા સેવે છે તો ઉત્તરના હિન્દી ભાષી રાજ્યો કદી દક્ષિણની ભાષા અપનાવતા નથી. બંધારણે સ્વીકારેલી ભાષાઓને હિન્દીને કારણે તેમનું મહત્ત્વ ઘટી રહ્યાની ફરિયાદ છે તો ખુદ હિન્દી અંગ્રેજી સામે આવી જ ફરિયાદ કરે છે.
અંગ્રેજી સત્તાની, ઉચ્ચ અને તકનિકી શિક્ષણની અને રોજગારની ભાષા છે. વિશ્વ વ્યાપારમાં જે સ્થાન ડોલરનું મનાય છે તે સ્થાન ભાષામાં અંગ્રેજીનું છે. અંગ્રેજીને ભવિષ્યનું ઉપકરણ (ફ્યુચર ટુલ) ગણવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં તે પ્રથમ સ્થાને નથી, પરંતુ તેનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. દુનિયાના પંચોતેર દેશોની તે રાજભાષા છે. દુનિયાના ૩૭ કરોડ લોકોની જ અંગ્રેજી મૂળ ભાષા છે, પરંતુ આજે વિશ્વના ૨૦૦ કરોડ લોકો અંગ્રેજી બોલે છે. અંગ્રેજી સાથે હિન્દીની સરખામણી કરીએ તો દેશની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશના ૧૦ ટકા લોકો અંગ્રેજીના જાણકાર હતા. વિશ્વમાં ૬૨ કરોડ લોકો હિન્દી બોલે છે. ભારત દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે અને ઝડપથી ત્રીજા નંબરે પહોંચવા માંગે છે એટલે વ્યાપારમાં હિન્દીનું મહત્ત્વ વધે તેમ લાગે છે.
૨૦૧૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લોક ફાઉન્ડેશને ભારતમાં અંગ્રેજી ભાષાની સ્થિતિ અને પ્રભુત્વનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં દેશના ૧૦ ટકા લોકોએ અંગ્રેજીના જાણકાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ સર્વેક્ષણમાં તેમની ટકાવારી ઘટીને છ જણાઈ હતી. અંગ્રેજી ભાષા શહેરી, પુરુષ, યુવા અને ધનિકોની ભાષા હોવાનું પણ માલુમ પડ્યું હતું. સર્વેમાં સામેલ ૧૨ ટકા શહેરીની તુલનામાં માત્ર ૩ ટકા જ ગ્રામીણો અંગ્રેજી જાણતા હતા. ૪૧ ટકા અમીરો અને ૨ ટકા ગરીબોની તે ભાષા હતી. કથિત ઉચ્ચવર્ણના ૧૦ અંગ્રેજીભાષી વ્યક્તિઓ સામે અંગ્રેજીભાષી દલિત-આદિવાસી ૩ જ હતા. દેશની બહુમતી વસ્તી હિંદુ છે પરંતુ માત્ર ૬ ટકા જ હિંદુઓ અંગ્રેજી બોલે છે ! જ્યારે સૌથી વધુ ૧૫ ટકા ખ્રિસ્તીઓ અને ૪ ટકા મુસ્લિમો અંગ્રેજી જાણે છે. જેમ ગરીબો-પછાતો તેમ દેશની મહિલાઓ પણ અંગ્રેજીની જાણકારીમાં પાછળ છે. આજે અંગ્રેજી ન જાણનાર વ્યક્તિ પછાત ગણાય છે એ જ રીતે આજના પછાતો અંગ્રેજીમાં પણ પછાત છે.
હિંદી કવિ ભવાની પ્રસાદ મિશ્રએ લખ્યું છે કે,
જિસ તરહ હમ બોલતે હૈ, ઈસ તરહ તુ લિખ
ઔર ઈસકે બાદ ભી હમસે બડા તૂ દિખ.
પરંતુ વાસ્તવિકતા જૂદી છે. સામાન્ય નિરીક્ષણ એવું છે કે હવે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ મેળવવું ખરાબ મનાય છે અને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વધી રહ્યું છે. દેશના એક જાણીતા હિંદી અખબારે તેના પટાવાળાથી તંત્રી સુધીના તમામ કર્મીઓનું એક દાયકા પૂર્વે સર્વેક્ષણ કર્યું હતું. જેમાં તે હિંદી અખબારમાં કામ કરતા લોકો ક્યા માધ્યમમાં અને કઈ શાળામાં ભણતા હતા અને તેમના સંતાનો ક્યા માધ્યમમાં ભણે છે તે પૂછ્યું હતું. તેના જવાબમાં જણાયું કે તંત્રી વિભાગના ૮૦ ટકા કર્મીઓ અને પત્રકારો સરકારી શાળામાં અને હિન્દી માધ્યમમાં ભણ્યા હતા. પરંતુ હવે આજે અખબારના ચોકીદાર અને પટાવાળાના સંતાનો પણ અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ભણે છે. એટલે ઘરની, શાળાની અને પછી સમાજની ભાષા બદલાઈ રહી છે.
વૈશ્વિક સ્પર્ધામાં ટકવા કે વ્યાપ વધારવા અંગ્રેજીએ જેમ અન્ય ભાષાના શબ્દોનો સ્વીકાર કર્યો છે તેમ અન્ય ભાષાઓએ કરવો જોઈએ. હિન્દીનો વ્યાપ વધારવા તેનું સરળીકરણ થવું જોઈએ (કે ગુજરાતી જોડણીમાં સુધારા થવા જોઈએ) તેનો એક મોટો વર્ગ વિરોધ કરે છે. હિન્દીનું સરળીકરણ અને સરકારીકરણ તેના હિતમાં નથી તેમ માનવામાં આવે છે. હિન્દીને સંસ્કૃતનિષ્ઠ શબ્દોથી મઢાયેલી ભાષા બનાવવા માંગતા લોકો હિન્દીનું સરળીકરણ તેને નષ્ટ કરી દેશે તો તેનું સરકારીકરણ તેમાં કૃતિમતા આણે છે તેવી દલીલો કરે છે. અંગ્રેજી દુનિયાના ૭૫ દેશોની અને હિંદી માત્ર ૨ જ દેશોની રાજભાષા છે. તેના કારણમાં અન્ય ભાષાના શબ્દોના સ્વીકારથી હિંદીનો પરહેજ પણ મુખ્ય કારણ છે.
કેટલીક ભાષા નષ્ટ થઈ રહ્યાનું કહેવાય છે અને તેને બચાવવા અભિયાનો ચાલે છે. પરંતુ વૈશ્વિકીકરણ અને ટેકનોલોજીએ ભાષાઓને મૃતપ્રાય કરવામાં જે ભાગ ભજવ્યો છે તેની અવગણના થાય છે. એક વાક્યને બદલે એક ઈમોજી કે આખો સંવાદ જ ઈમોજીથી થઈ રહ્યો છે. ભાષાનું નવું અને સંક્ષિપ્ત રૂપ સમજીને ભાષા અને માતૃભાષાને બચાવવાના અભિયાનો કરવા જોઈશે.
e.mail : maheriyachandu@gmail.com