Opinion Magazine
Number of visits: 9665103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શતાબ્દીએ કાકોરી કાંડની કહાણી, ‘બિસ્મિલ’ની જુબાની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 September 2024

સો વરસ પૂર્વે ૧૯૨૫માં બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનમાંથી ૪૬૭૯ રૂપિયા, ૧ આનો અને ૬ પાઈની લૂંટ કરવામાં આવી હતી. સરકારી ખજાનાની લૂંટના આરોપસર ૪૦ લોકોની ધરપકડો થઈ હતી. તેમાંથી ચારને ફાંસીની, બે ને કાળાપાણીની અને બીજા ચૌદને ચારથી ચૌદ વરસ સુધીની જેલની સજા થઈ હતી. આશરે પાંચેક હજાર રૂપિયાની લૂંટ બદલ ગોરી હકુમતે આઠ લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. કેમ કે તેના માટે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ કૃત્ય ભારતના ક્રાંતિવીરોનું હતું. સરકારને તેમાં સમ્રાટ સામે સશસ્ત્ર યુદ્ધનો પડકાર લાગ્યો હતો. તેથી તેણે ચારને ફાંસી જેવી આકરી સજા કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં કાકોરી કાંડ તરીકે જાણીતી ઘટનાનું આ શતાબ્દી વરસ છે. એટલે તેના સ્મરણ સાથે મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકનનો પણ અવસર છે.

રામપ્રસાદ ‘બિસ્મિલ’

સાબરમતીના સંતે બિના ખડગ બિના ઢાલ આઝાદી અપાવી છે તે સાચું પણ આઝાદી આંદોલનમાં ક્રાંતિકારીઓનું ય યોગદાન અને ભૂમિકા રહેલાં છે. અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર ક્રાંતિકારી બંને આઝાદી માટે લડ્યા હતા. ગાંધીની અહિંસાના માર્ગે દેશને આઝાદી નહીં મળે અને હિંસાથી જ તે શક્ય છે તેવું માનનારા ઘણાં ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા. ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટ કાંડના અગ્રણી રામપ્રસાદ ‘બિસ્મિલ’ (૧૧ જૂન, ૧૮૯૭ – ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭) સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી ધારાનું પ્રમુખ નામ છે. તેઓ કવિ, લેખક, અનુવાદક પણ હતા. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રામપ્રસાદ ‘બિસ્મિલ’(અર્થાત્‌ આત્મિકરૂપે આહત)ના તખલ્લુસથી કવિતાઓ લખતા હતા. પછી તો ઉપનામ જ તેમની ઓળખ બની ગયું હતું. આરંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધા પછી તે હિંદી –અંગ્રેજી ભણ્યા. જો કે ભણવામાં બહુ પાછળ હતા. ખોટી સોબતે ચોરી અને વ્યસનો પણ વળગ્યા હતા. પરંતુ આર્ય સમાજના રંગે રંગાયા પછી જીવનની દિશા બદલાઈ. સ્વામી સોમદેવને ગુરુ પદે સ્થાપ્યા. તેમણે જ બિસ્મિલને ઉપનિવેશવાદ વિરોધી સંઘર્ષ તરફ વાળ્યા અને તેમનામાં સરફરોશીની તમન્ના જગવી હતી. ભણતર તો બહુ વહેલું છૂટી ગયું પણ આઝાદી અને તે ય હિંસાના માર્ગે તરફનું ખેંચાણ કાયમ રહ્યું હતું.

કાકોરી ટ્રેન લૂંટ કાંડ રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં પાર પડ્યો હતો. ક્રાંતિકારીઓના સંગઠન  હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનના તેઓ સ્થાપક સભ્ય હતા. કાકોરી કાંડના આરોપી તરીકે લખનૌ અને ગોરખપુરની જેલમાં બિસ્મિલે આત્મકથા લખી હતી.’ નિજ જીવન કી એક છટા’ નામે આત્મકથનની હસ્તપ્રત ચોરીછૂપી જેલની બહાર આવી હતી. તેમાં બિસ્મિલના જન્મથી ફાંસીના ત્રણ દિવસ પૂર્વે સુધીના જીવનનું બયાન છે. સો પૃષ્ઠ, ચાર ખંડ અને ૨૯ પ્રકરણોની આ આત્મકથા તેમની શહાદતના બીજા વરસે જ, ૧૯૨૮માં, કાનપુરથી ગણેશ શંકર વિદ્યાર્થીએ પ્રગટ કરી હતી. આત્મકથામાં કાકોરી કાંડ અને તે પછીની ઘટનાઓ તથા તે સંબંધી તેમનું ચિંતન અને ચિંતાઓ સ્પષ્ટપણે આલેખાયા છે. બહુ ઓછું ભણેલો, માંડ ત્રીસ વરસની આવરદા ભોગવી શકેલો એક યુવા ક્રાંતિવીર કઈ હદે વૈચારિક પ્રતિબધ્ધતા અને પાકટતા ધરાવી શકે તેનો ખ્યાલ આ આત્મકથા આપે છે.

મૈંનપુરી ષડયંત્રમાં પણ રામપ્રસાદ આરોપી હતા. એટલે તેઓ ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભવાસ દરમિયાન તેમણે પુસ્તક લેખન અને પ્રકાશનના વિચારો કર્યા. આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે બિસ્મિલે પુસ્તકો લખી – વેચી તેમાંથી જે નાણાં ઉપજ્યા તેના શસ્ત્રો ખરીદ્યા હતા! અગિયારેક વરસના જાહેરજીવન દરમિયાન તેમણે અગિયાર મૌલિક કે અનૂદિત પુસ્તકો લખીને પ્રકાશિત કર્યાં હતા.આ બધા પુસ્તકો કાં તો પ્રતિબંધિત ઠરાવાયાં હતાં કે જપ્ત થયાં હતાં. પરંતુ તે લખવા, છાપવા, વેચવા પાછળનો તેમનો હેતુ લોકજાગ્રતિનો તો હતો જ સશસ્ત્ર ચળવળ માટે નાણાં ઊભા કરવાનો ખાસ હતો. ૧૯૧૬માં  અઢારેક વરસના બિસ્મિલ કાઁગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા. તે પછીના લગભગ તમામ અધિવેશનોમાં તે હાજર રહેતા હતા. જો કે કાઁગ્રેસના જહાલ નેતાઓ તરફ તેમનું સ્વાભાવિક આકર્ષણ હતું.

ક્રાંતિકારીઓની ધરપકડો, જેલવાસ અને ફાંસી છતાં નવજવાનો હિંસાના રસ્તે આઝાદી મેળવવા આવતા રહેતા હતા. પરંતુ આ કામ માટે જરૂરી નાણાંની સતત ખેંચ રહેતી હતી. બે અમીરોને ત્યાં ચોરી કે લૂંટ કરી પણ ખાસ કશું મળ્યું નહીં. એટલે ટ્રેનમાં લઈ જવાતા સરકારી ખજાનાની લૂંટ કરવાનું નક્કી કર્યું. નવમી ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર લાહિડી, ચંદ્ર શેખર આઝાદ અને બીજા છ મળી કુલ દસ લોકોએ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. લખનૌ નજીકના કાકોરી રેલવે સ્ટેશને સહરાનપુર લખનૌ પેસેન્જર ટ્રેનનું ચેન પુલિંગ કરી તેને રોકી, આજની એ.કે. ૪૭ જેવી જર્મન બનાવટની ચાર માઉજર પિસ્તોલથી ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટી લૂંટીને ક્રાંતિકારીઓ ભાગ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ઊહાપોહ મચાવ્યો હતો. ક્રાંતિકારીઓની આ હિંમતથી અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ હતી. એટલે તેણે ફાંસી જેવું આકરું પગલું લીધું.

આત્મકથામાં બિસ્મિલે અશફાક માટે એક પ્રકરણ ફાળવ્યું છે. સરકારે અશફાકને ફાંસીની સજા કરી એના દુ:ખ સાથે તેમને પોતાનો જમણો હાથ ગણાવ્યા તે દોસ્તીનું ગૌરવ કર્યું છે. અંતિમ પ્રકરણમાં બિસ્મિલે લખ્યું છે કે તેઓ પ્રાણ ત્યાગતાં એ વાતે નિરાશ નથી કે તેમનું બલિદાન વ્યર્થ ગયું છે.  પરંતુ સવાલ પણ કર્યો છે કે અશફાક ઉલ્લા કટ્ટર મુસલમાન થઈને પાકા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળનો આધારસ્તંભ બની શકે છે તો નવા ભારતમાં સ્વતંત્રતાના નામે હિંદુ-મુસલમાન પોતાના નાનાનાના લાભનો વિચાર છોડીને કેમ એક ના થઈ શકે?

હિંદુ-મુસ્લિમ એકતા જ અમારી યાદગાર અને અંતિમ ઈચ્છા છે તેમ સ્પષ્ટ લખનાર બિસ્મિલને કાકોરીની શતાબ્દી ટાણે આપણે કઈ હિંદુ-મુસ્લિમ એકતા અર્પણ કરીશું? હથિયારધારી બિસ્મિલ અને તેમના ક્રાંતિકારી વિચારો એ રીતે પણ મહત્ત્વના છે કે અંતિમ સમયે તેમને કાઁગ્રેસ અને અહિંસાનું મહત્ત્વ સમજાયું છે અને તે બેબાક વ્યક્ત પણ કર્યું છે. ક્રાંતિકારીઓને જનસમર્થન ઓછું મળ્યાના બળાપા સાથે તેમણે ભારતના નવયુવાનોને નમ્ર નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી ભારતવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે નહીં જ્યાં સુધી તેમને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તે અજાણતા પણ કોઈ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ના લે. બિસ્મિલે બલિદાનના ત્રણ દિવસ પૂર્વે એવી હાર્દિક અપીલ દેશવાસીઓને કરી હતી કે હિંદુ-મુસલમાન સહિત બધા એક થઈને કાઁગ્રેસને જ પોતાની પ્રતિનિધિ સંસ્થા માને. કાઁગ્રેસ જે નક્કી કરે તેને બધા જ લોકો દિલથી સ્વીકારે અને અમલ કરે. જો આમ કરીશું તો સ્વરાજ ઢુકડું છે. પરંતુ જે સ્વરાજ મળે તેમાં (એ વખતની વસ્તી પ્રમાણેના)  છ કરોડ અછૂતોને શિક્ષણ અને સામાજિક અધિકારોમાં સમાનતા મળે તેમ પણ તે ઈચ્છે છે. જે દેશમાં છ કરોડ મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હોય એ દેશના લોકોને સ્વાધીન થવાનો અધિકાર ખરો? તેવો આકરો સવાલ પણ તે પૂછે છે.

બિસ્મિલના બોલ યાદ કરી તેનો અમલ કરી શકીએ તે જ બિસ્મિલ, અશફાક અને કાકોરીના શહીદોનું શતાબ્દીએ સાચું સ્મરણ અને તર્પણ હશે.

E.mail : maheriyachandu@gmail.com

Loading

રાષ્ટ્રને સમર્પિત અનોખાં ગાંધીજન ડૉ. ઉષા મહેતા

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|18 September 2024

‘હિંદ છોડો’ આંદોલન વખતે અંગ્રેજ સરકારે એક તરફ મહાત્મા ગાંધી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી, બીજી તરફ દમનનો કોરડો વીંઝ્યો ને ત્રીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. 22 વર્ષની એક ગુજરાતી યુવતી અને એના સાથીઓએ લડતના, અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા અને ભારતીયોને અંગ્રેજ શાસન સામે એક કરવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન શરૂ કર્યું …

થોડા દિવસ પહેલા ઉષાબહેન મહેતાના ‘કોંગ્રેસ રેડિયો’ પરની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ એમેઝોન પર રિલિઝ થઈ. માધ્યમ તરીકે ફિલ્મને અમુક મર્યાદાઓ નડે ને ક્રિએટિવ લિબર્ટીના નામે ઇતિહાસ સાથે છૂટ લેવાય એવું આમાં પણ બન્યું છે. પણ આપણે યાદ કરીએ એ મહાન દેશસેવિકાને.

યુવાવયે ઉષાબહેન મહેતા

ઉષાબહેનનો જન્મ 25-3-1920માં સુરતના સરસ ગામે. પિતા જજ હતા. સાયમન કમિશનના વિરોધમાં પોકારાતા ‘સાયમન ગો બેક’ સૂત્રોચ્ચારમાં આઠ વર્ષનાં ઉષાબહેનનો કોમળ અવાજ પણ સામેલ હતો. પરિવારના અન્ય સભ્યો સાથે ઉષાબહેન નાની ઉંમરથી જ પિકેટિંગ, સરઘસ, ખાદીસેવા, બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ, પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં. ગાંધીજીની પ્રેરણાથી છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને માંજરસેના બનાવી. થોડાં વર્ષ પછી, 1942ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાળિયા ટેંક મેદાનમાં મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ભાષણ આપતાં કહ્યું, ‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું. તમારા શ્વાસેશ્વાસમાં, નસેનસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – ‘ડુ ઓર ડાય. કરેંગે યા મરેંગે.’ કૉલેજમાં ભણતાં ઉષાબહેનના હૃદયમાંથી પણ પોકાર ઊઠ્યો, ‘અંગ્રેજો, ભારત છોડો!’

બીજા દિવસે અંગ્રેજ સરકારે ગાંધીજી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી. દેશ ખળભળી ઊઠ્યો. અંગ્રેજોએ એક તરફ દમનનીતિ અપનાવી, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. ત્યારે લડતના અને અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા અને ભારતીયોને અંગ્રેજ શાસન સામે એક કરવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન ખોલવા એક મંડળી તત્પર થઈ. આ મંડળી એટલે 22 વર્ષનાં ઉષા મહેતા, 20 વર્ષના બાબુભાઇ ખખ્ખર, 28 વર્ષના વિઠ્ઠલદાસ ઝવેરી, 23 વર્ષના ચંદ્રકાંત ઝવેરી, 40 વર્ષના નરીમન પ્રિન્ટર અને સાથીઓ. પણ કામ મુશ્કેલ હતું. સાધનો ખરીદવા, માળખું ઊભું કરવા, ટેકનિકલ બાજુ સંભાળવા, એક જ જગ્યાએથી બ્રોડકાસ્ટિંગ થાય તો પકડાઈ જવાય તેથી સ્થળ બદલતા રહેવા નાણાં અને લોકોનો સાથ બંને જોઈએ. છેવટે મુંબઈમાં ચોપાટી પાસે ‘સી વ્યૂ’ ઇમારતમાં એક ગુપ્ત રેડિયોસ્ટેશન શરૂ થયું ‘કૉંગ્રેસ રેડિયો.’ ટેકનિકલ બાજુ ‘શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની’ના નાનક મોટવાણીએ સંભાળી.

14મી ઑગસ્ટ 1942. નેતાઓની ધરપકડને અઠવાડિયું પણ નહોતું થયું. રાત પડી અને કોઈ અજાણ્યા ટ્રાન્સમિશન પરથી એક સ્પષ્ટ, મક્કમ અને મીઠો અવાજ ગુંજી ઊઠ્યો, ‘ધીસ ઈઝ ધ કૉંગ્રેસ રેડિયો કૉલિંગ ઑન 42.34 મીટર્સ ફ્રોમ સમવ્હેર ઈન ઇન્ડિયા’. અંગ્રેજ સરકારે દબાવી દીધેલા સમાચારોને પાંચ મિનિટમાં દેશની જનતા સમક્ષ મૂકી અવાજ બંધ થઈ ગયો. દેશવાસીઓ આનંદમાં આવી ગયા. અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા.

પછી તો સિલસિલો ચાલ્યો. દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતા. મુંબઈથી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ સમાચાર મોકલતી. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં કૉંગ્રેસ રેડિયોએ બ્રૉડકાસ્ટ કરી હતી. જે વિષયોને અખબારો અડવાની પણ હિંમત ન કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો. આ રેડિયો સ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓ પ્રેરણાભર્યાં ભાષણો આપતા, ‘અત્યાર સુધી આપણે ચળવળ કરતા હતા. હવે ક્રાંતિ કરવાની છે. ભારતવાસીઓ, એક થાઓ – મુક્ત થાઓ.’ રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી થતું. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં, પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો. ‘હિંદુસ્તાન હમારા હૈ’થી શરૂઆત થતી, પછી સમાચાર, ભાષણ વગેરે અને અંતે ‘વંદેમાતરમ્‌’ ગવાતું.

લોકો ‘કૉંગ્રેસ રેડિયો’ના પ્રસારણની રાહ જોઈને બેસતા. બહોળો પ્રતિસાદ મળતો. પ્રસારણની રેન્જ મોટી હતી. સિંગાપુર અને કટક સુધી તેમનું બ્રોડકાસ્ટિંગ પહોંચ્યું હોવાના ઉલ્લેખ મળે છે. રેડિયો-પ્રસારણ ઉપરાંત તેઓ ગુપ્તપણે પત્રિકાઓ પણ છાપતાં અને વહેંચતાં. પોલિસ અને જાસૂસોથી બચતા રહેવું સૌથી મુશ્કેલ હતું. એક સાથીને ફોડીને બ્રિટિશ પોલિસ બાબુભાઈ ખખ્ખરની ઑફિસ સુધી પહોંચી ત્યારે ઉષા મહેતા અગત્યનું સાહિત્ય અને ફાઈલો લઈ ભાગી નીકળ્યાં ને નવા ટ્રાન્સસમિશન પરથી પ્રસારણ શરૂ કર્યું.

12 નવેમ્બર 1942ની રાત્રે પ્રસારણ ચાલતું હતું ત્યારે જ પોલિસે છાપો માર્યો અને ઉષાબહેન અને સાથીઓની ધરપકડ કરી. ટ્રાન્સમિશન સેટ, સાતથી દસ હજારની કિંમતની 120 ગ્રામોફોન રેકર્ડ્સ, 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એ.આઈ.સી.સી.ની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી. બે મહિના સુધી વિશેષ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો. ઉષાબહેનને ચાર વર્ષ, બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની સખત કેદની સજા થઈ. ઉષાબહેનને આઈસોલેશન સેલમાં રખાયાં. સી.આઈ.ડી. દ્વારા પૂછપરછ કરાતી, માનસિક ત્રાસ અપાતો, લાલચ અપાતી. ઉષાબહેન મનથી ડગ્યાં નહીં, પણ તબિયત ખખડતી ગઈ. કોઈ પૂછે કે, ‘તમને જેલ થઈ ત્યારે દુ:ખ થયેલું? ખરાબ લાગેલું? અન્યાય થયો હોવાની લાગણી થયેલી?’ ‘ના.’ તેઓ શાંતિથી કહેતાં, ‘અમે અમારું કામ કર્યું હતું, જજે એનું.’

સિક્રેટ રેડિયોનાં આ ત્રણ મહિના પર પુસ્તકો લખાયાં છે. ફિલ્મ પણ આ મહિનાઓને કેન્દ્રમાં રાખીને જ બની છે. 1946માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં અને 2000ની સાલમાં તેમનું નિધન થયું. આ 54 વર્ષમાં ઉષાબહેન શું કરતાં હતાં? આ વર્ષોમાં તેમણે ‘મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર’ વિષય પર પીએચ.ડી. કર્યુ, 30 વર્ષ સુધી વિલ્સન કૉલેજમાં અધ્યાપન કર્યું, પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ તરીકે નિવૃત્ત થયાં, ગાંધી પીસ ફાઉન્ડેશનનું પ્રમુખપદ સંભાળ્યું. બોમ્બે યુનિવર્સિટીએ એમને ડી. લિટ. આપ્યું હતું. યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સિટીમાં તેમણે પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ કર્યું હતું. તેઓ યુ.જી.સી.(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) અને યુ.પી.એસ.સી.(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)નાં સભ્ય, પી.યુ.સી.લ.(પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી)નાં વાઇસ પ્રેસિડેન્ટ, મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન અને અનેક સામાજિક સંસ્થાઓમાં સક્રિય હતાં. અનેક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન લડેલાં. ભારત સરકારે તેમણે પદ્મવિભૂષણ સન્માન આપેલું. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં હિંદ છોડો ચળવળની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં 80 વર્ષનાં ઉષાબહેન હાજર હતાં. રાજકારણમાં ગયાં હોત તો ક્યાંનાં ક્યાં પહોંચ્યાં હોત, પણ એમણે શિક્ષણ અને સમાજસેવાને કાર્યક્ષેત્ર બનાવ્યું.

સ્વતંત્ર ભારતની અડધી સદીની મજલ તેમણે જોઈ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ક્યારેક દુ:ખી અને હતાશ થતાં. ‘ઇન્ડિયા ટૂડે’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘આ એ સ્વતંત્રતા નથી જેનું સ્વપ્ન અમે જોયું હતું. નવી પેઢીમાં અને વધુ તો રાજકારણના ક્ષેત્રમાં મહાત્મા ગાંધીના વિચારો – ખાસ કરીને સત્ય, અહિંસા, સાદાઈ, સેવા માટેનો આદર ઘટતો જાય છે એ જોઈને દુ:ખ થાય છે. જો રસ્તો બદલીશું નહીં તો આપણે ફરીથી ગુલામીના નવી જાતના ચોકઠામાં પુરાઈ જઈશું.’

ઉષા ઠક્કર

છેલ્લે બીજાં ઉષાબહેન – ઉષાબહેન ઠક્કરની વાત. મણિભવનનાં પ્રમુખ, પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટ-પોસ્ટ ડૉક્ટરેટ કરનાર, વિદેશની યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે કામ કરી ચૂકેલાં, દેશના જૂજ તેજસ્વી ગાંધીસ્કૉલરોમાંના એક અને ‘ગાંધી ઈન મુંબઈ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ‘વિમેન ઈન ઇન્ડિયન સોસાયટી’, ‘ઝીરો પૉઈન્ટ બૉમ્બે’ જેવાં સુંદર અને માહિતીસભર પુસ્તકો આપનાર ઉષાબહેન ઠક્કરે ‘કૉંગ્રેસ રેડિયો: ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’ નામનું પુસ્તક લખ્યું છે. આ બન્ને ઉષાબહેને વર્ષો સુધી સાથે કામ કર્યું છે. ઉષાબહેન મહેતા કહેતાં, ‘વાતાવરણ જ એવું હતું કે દેશભક્તિના રંગમાં રંગાઈ જવાય. અમે કેટલાં નસીબદાર કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ શક્યાં!’ અને ઉષાબહેન ઠક્કર કહે છે, ‘ઉષાબહેન મહેતા જેવી અનન્ય સ્વાતંત્ર્યપ્રેમી, લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ કોઈપણ કાળે દુર્લભ છે.’ બંને ઉષાબહેન સાથે સંમત થવું પડે.

  e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 એપ્રિલ  2024

Loading

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ [1] 

સુમન શાહ|Opinion - Literature|17 September 2024

સુમન શાહ

આપણને સૌને ખબર છે, યાદ પણ છે, કે આકાશમાં ઊડતું એક પંખી ‘વિટુઇ વિટ્ વિટુઇ વિટ્’ કરતું જતું હોય છે. એ પક્ષીના સંદર્ભનું રાજેન્દ્રભાઈએ એક કાવ્ય કરેલું, હાઇકુના કદનું, નાનું કાવ્ય; મેં એ નાનકડા કાવ્યનો દીર્ઘ આસ્વાદ લખેલો, વરસો વીતી ગયાં. એ આસ્વાદલેખ કોઈક સામયિકમાં પ્રકાશિત થયેલો, કયા સામયિકમાં, યાદ નથી.

અમે રૂબરૂ મળ્યા ન્હૉતા. કપડવણજ એમનું વતન. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન હું કપડવણજ કૉલેજમાં પ્રૉફેસર હતો. એમના એ વતનના ઘરે મળવાનું થયેલું. મળ્યા ત્યારે કહે, સુમન, હું તમને મળવા કેટલો આતુર હતો, મેં કહેલું કે હું પણ. ત્યારે એ કાવ્યાસ્વાદલેખની પણ ચર્ચા થયેલી. એમની દીકરી મારા ક્લાસમાં ભણતી’તી. મેં રાજેન્દ્રભાઈને હમેશાં સફેદ લૅંઘા-ઝભ્ભામાં જોયા છે. સાહિત્યના રાજકારણથી સદા મુક્ત જોયા છે. હમેશાં મને પ્રેમાળ અને ચિરપરિચિત સજ્જન સમા લાગ્યા છે. મૂળની અને ધરમૂળની જાણવા જેવી ખૂબ વાતો કરે.

મુમ્બઇના ઘરે પણ હું અને જયન્ત પારેખ એક વાર નિરાંતે મળેલા. રાજેન્દ્રભાઈ વાત માંડે પછી તમારે બોલવાનો વારો આવે ખરો પણ સમય એકાદ પ્રશ્ન કરવા જેટલો જ મળે. કહે, કાવ્ય સીધું મારા ચિત્તમાં આવે છે, પછી ઉતારી લેવાનું જ બાકી હોય છે. પ્રાસ, છન્દ કે લય એથી જુદાં નથી હોતાં.

મોરારિ બાપુની કેન્યામાં રામકથા હતી, ત્યારે અમે સાથે ગયેલા – કહે, સુમન, મારી સાથે રહેજો.

એક વાર, સાહિત્ય અકાદમી, દિલ્હીની ઍડવાઇઝરી બૉર્ડની મીટિન્ગમાં, મુમ્બઇમાં, નિરંજન ભગતનાં કાવ્યોના સમ્પાદનનો મુદ્દો આવેલો. નિરંજનભાઈનાં કાવ્યો, એ સમ્પાદનની અમુકથી અમુક સાલની નિયત મર્યાદામાં બેસે એવાં ન્હૉતાં. એટલે અમારા સૌની ના હતી. પણ સમ્પાદકના મિત્ર મોટાભા હતા તે કહે, નિરંજનનાં કાવ્યો કોઈપણ સમ્પાદનમાં લેવાવાં જોઈએ. રાજેન્દ્રભાઈએ ધરાર ના પાડેલી, ઘાંટો પાડીને બોલેલા – મારો મિત્ર છે છતાં કહું છું કે એનાં કાવ્યો એ સમ્પાદનમાં ન હોઈ શકે.

એક વાર પૂનામાં એક કાર્યક્રમમાં, કે. શિવરામ કારન્થ, ગુલાબદાસ બ્રોકર અને રાજેન્દ્ર શાહના સાન્નિધ્યમાં સાહિત્યની વાતો કરવાની મને ખૂબ મજા આવેલી.

એક વાર એમના ‘શાન્ત કોલાહલ’ કાવ્ય વિશે મારા ‘ખેવના’ સામયિકમાં પરિચર્યા પ્રકાશિત કરેલી, છ-સાત મિત્રોએ એ એક જ કાવ્ય વિશે પોતપોતાના દૃષ્ટિબિન્દુથી રસપ્રદ સમીક્ષાઓ લખેલી. (‘ખેવના’ -ના બધા જ અંક હવે “એકત્ર ફાઉન્ડેશન” પર ઑનલાઈન ઉપલબ્ધ છે.)

રાજેન્દ્રભાઈનો જન્મ ૧૯૧૩-માં, અવસાન ૨૦૧૦-માં; ૯૭ વર્ષનું આયુષ્ય. ઍમ.ઍસ. યુનિવર્સિટી, વડોદરાથી ફિલૉસૉફી સાથે બીએ થયેલા. વડોદરામાં બંગાળી ભાષા કોઈ પાડોશી પાસેથી શીખેલા.

રાજેન્દ્રભાઈ ૧૯૩૦-માં, ૧૭ વર્ષની વયે, મૅટ્રિકનું ભણવાનું છોડીને દાંડીકૂચમાં જોડાયેલા! બહુ ઓછાઓને ખબર છે કે આઝાદી પૂર્વે, રાષ્ટ્રધ્વજ ફરકાવવા કપડવણજના ટાવરે ચડી ગયેલા અને જુલમી પોલીસ સામે ત્યાંથી ભૂસકો મારેલો! તેઓ સ્વાતન્ત્ર્ય સૈનિક પણ હતા, કારાવાસ પણ ભોગવેલો.

વેપારધંધામાં ખાસ ફાવટ નહીં આવેલી. અમદાવાદમાં કરિયાણાની દુકાન કરી. પછી મુમ્બઈ ગયા. ત્યાં લાકડાંનો વેપાર કરનારાને ત્યાં નોકરી કરી, ત્યારે થાણાનાં વનવિસ્તારમાં જવા-આવવાનું બહુ બનેલું. એ પછી મુમ્બઇમાં પ્રિન્ટિન્ગ પ્રેસ શરૂ કર્યું -‘લિપિની પ્રિન્ટરી’. ત્યાં દર રવિવારે કવિમિત્રો મળતા ને સાહિત્યકલાની વાતો થતી. એમના જાણીતા સામયિક ‘કવિલોક’-નો પ્રારમ્ભ ત્યાંથી થયેલો. એક દિવસ એ પ્રેસમાં આગ લાગેલી …

૨

જ્ઞાનપીઠ

૨૦૦૧-માં એમને દેશનો સર્વોચ્ચ સાહિત્યિક ઍવૉર્ડ ‘જ્ઞાનપીઠ’- અપાયો હતો. ત્યારે, હિન્દી ‘સહારા સમય’-ના ખબરપત્રીએ એમની મુલાકાત લીધેલી. એ મુલાકાત પછી બકવાસ જેવી ચર્ચા ચાલેલી, એટલે લગી વાત ચગેલી કે – આ ઍવૉર્ડ ખોટી વ્યક્તિને અપાયો છે. કારણ? કારણ એ કે ગોધરા-કાણ્ડ વિશે કવિ તટસ્થ રહેલા. ‘સહારા સમયે’ ઇન્ટ્રો બાંધીને લખેલું -“આખું ગુજરાત જ્યારે કોમી દાવાનળની આગમાં સળગતું હતું ત્યારે કવિ રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ પુરસ્કારની પ્રતીક્ષામાં પ્રેમની કવિતાઓ રચતા હતા.” — આથી હલકટ અને મૂર્ખતાભર્યું પત્રકારત્વ મેં આજ દિન લગી જોયું નથી. દુખદાયી આશ્ચર્યની વાત એ છે કે દેશના નામી-અનામી અનેક સાહિત્યકારો એમાં જોડાયેલા, મહાશ્વેતા દેવી પણ. ‘સમકાલીન’ દૈનિક અને ‘નિરીક્ષક’ પખવાડિક એ બકવાસની વીગતવાર માહિતી આપણે ત્યાં લાવેલા, જેથી આપણ સૌ ગુજરાતીઓને એની ખબર પડેલી. 

એવું સનસનીખેજ પત્રકારત્વ બાલિશ રાષ્ટ્રભક્તિ દાખવતું હોય છે અને કિન્નાખોરીથી લખતાં ખંચકાતું નથી. એવા સાહિત્યકારો પણ જાગ્રત પ્રજાજન હોવાનો દાવો કરતા હોય છે. પણ એ દાવો જેટલો વાચામાં હોય છે એટલો કદી કર્મમાં હોતો નથી. રેલો નીચે આવે ત્યારે ઉંદરડાની જેમ દરમાં પૅસી જતા હોય છે.

સર્જકની સમ્પ્રજ્ઞતા, પ્રતિબદ્ધતા કે સમાજાભિમુખતાનાં લેખાંજોખાં અમુક જાતના ખબરપત્રીઓનાં ગંદાં કાટલાંથી ન જોખાય. કાટલાં ગંદાં એટલા માટે કે મોટાભાગનાં છાપાં સરકારોની કુરનિશ બજાવતાં હોય છે. 

એ ‘સહારા સમય’ સંદર્ભે ૨૦૦૩-માં ‘રાજેન્દ્રભાઈની એ મુલાકાત નિમિત્તે’ શીર્ષકથી મેં લેખ કરેલો. એ વર્ષમાં, ‘મૂર્ધન્ય ગુજરાતી-ભારતીય કવિ રાજેન્દ્ર શાહ’ શીર્ષકથી ૧૯ પાનનો બીજો લેખ કરેલો. બન્ને લેખ મારા “નિસબતપૂર્વક” (૨૦૧૧) પુસ્તકમાં સંઘરાયા છે.

(ક્રમશ:)
(16 Sep 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...565566567568...580590600...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved