Opinion Magazine
Number of visits: 9457023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે અનુમોદનાને બદલે આલોચના : કાશ, મોદી ભાજપમાં સૂઝબૂઝ હોય ! 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 June 2024

ભાગવતનાં હિતવચનો

નડ્ડાએ સંઘથી હાથ ઊંચા કરી નાખ્યા એ જોતાં તેમ જ જે પ્રકારનો પરિણામઆંચકો આવ્યો એ પછી ‘ઇતના તો બનતા થા’ : સવાલ જો કે શતાબ્દી લગોલગના સંઘને પક્ષે પણ આત્મનિરીક્ષણનો છે જ.

પ્રકાશ ન. શાહ

ચૂંટણી પરિણામો પછી સરસંઘચાલક ભાગવતની સીધી ટિપ્પણીમાં તેમ પરિવારના બંને મુખપત્રો ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પાંચજન્ય’માં પ્રગટ થયેલાં વલણોમાં ભારતીય જનતા પક્ષ સંબંધે વ્યક્ત થયેલા વિચારો, બંનેનો (સંઘ અને ભા.જ.પ.નો) નિકટનાતો જોતાં જરૂર ધ્યાનાર્હ બની રહે છે.

1992ની છઠ્ઠી ડિસેમ્બર પછી સંબંધિત રાજ્ય સરકારોની બરખાસ્તગી થઈ – અને સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાને અનુલક્ષીને બિનસાંપ્રદાયિકતાને મુદ્દે તે બહાલ રાખી – એ પછી જે તે રાજ્યોમાં ભા.જ.પે. નવી ચૂંટણી વખતે રમતું મૂકેલું સૂત્ર ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ હતું. તે જો કે, ભોંઠું પડ્યું અને અયોધ્યા લેતાં લખનૌ ખોયું ત્યારે દીનદયાલ શોધ સંસ્થાનમાં યોજાયેલી મંથન બેઠકમાં ઉમા ભારતીએ યાદગાર વચનો ઉચ્ચાર્યાં હતાં કે ચેહરા, ચાલ ઔર ચરિત્ર તીનોં બદલના હોગા.

આ વખતે ભા.જ.પ.-એન.ડી.એ.ના પરાજય ગર્ભ વિજયની ક્ષણે સરસંઘચાલક ભાગવતે નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગના સમાપન સત્રને સંબોધતા જે કહ્યું એમાં કેટલેક અંશે ઉમા ભારતીનાં વચનોનું જ કંઈક વાર્તિક તમને જોવા મળશે : “જો વાસ્તવિક સેવક હૈ, જિસકો વાસ્તવિક સેવક કહા જા સકતા હૈ, વહ મર્યાદા સે ચલતા હૈ … ઉસ મર્યાદા કા પાલન કર કે જો ચલતા હૈ વહ કર્મ કરતા હૈ લેકિન કર્મો મેં લિપ્ત નહીં હોતા. ઉસમેં અહંકાર નહીં હોતા કી મૈંને કિયા. ઔર વહી સેવક કહલાનેકા અધિકારી રહતા હૈ.(સાંભરે છે ‘મોદી કી ગારંટી’?)

‘એક અકેલા સબ પર ભારી’ શૈલીના નેતૃત્વને અંગે બલકે કાર્યશૈલી સહિત સમસ્ત જીવનશૈલી પરત્વે, ભાગવતની આ આલોચના પ્રગટપણે એક અંતરાલ પછી આવે છે. વડા પ્રધાનના બીજા કાર્યકાળમાં સરસંઘચાલકના જે ઉદ્દગારો સામે આવ્યા તે સામાન્યપણે શાસન પરત્વે અનુમોદનાવત્ હતા. સીધી આલોચના આ રીતે લાંબે વખતે આવી છે.

આરંભે સંઘ-ભા.જ.પ.ના નિકટનતાની જિકર મેં કરી. ખરું જોતાં, જનસંઘના જમાનામાં તો વસ્તુતઃ એ નાભિનાતો જ હતો. નેહરુ પ્રધાનમંડળમાંથી છૂટા થયેલા શ્યામાપ્રસાદ મુખર્જી કેવળ હિંદુઓ જ જેમાં હોય એવી હિંદુ મહાસભામાં પાછા જવા ઇચ્છતા નહોતા. ‘હિંદુરાષ્ટ્ર’ની સ્વીકૃતિપૂર્વક ભારતના નાગરિકમાત્રને જેમાં પ્રવેશ હોય તેવો પક્ષ એ ઇચ્છતા હતા. સંઘની પરિસ્થિતિ ત્યારે ગાંધીહત્યા પછીના ગાળામાં વ્યાપક જાહેર જીવનમાં કોઈ પ્રવેશબારી વગરની હતી. મુખર્જીને સંઘે મધોક, દીનદયાળ, વાજપેયી જેવા સાથીઓ પોતાના અધિકારીગણમાંથી આપ્યા અને એ રીતે જનસંઘ આવ્યો. આગળ ચાલતાં કાર્યપદ્ધતિના કેવા પ્રશ્નો થયા એનું એક નિદર્શન મધોકના રાજીનામા વખતના પત્રમાં મળે છે કે સંઘનીમ્યા સંગઠન મંત્રીઓ જનસંઘ પર ફાસીસ્ટ પકડ ધરાવે છે.

જરી ઉતાવળે વચગાળાનો પણ એક વિગતમુદ્દો કરી લઉં. જયપ્રકાશના આંદોલન વાટે જનસંઘના ભાવિ જનતાપ્રવેશનાં દ્વાર ખૂલ્યાં એ જાણીતું છે. વાજપેયી એ દિવસોમાં કહેતા કે અમારા કાર્યકરોનું ચારિત્ર્ય આમ જનતાના આંદોલન સાથે જોડાવાથી બદલાઈ રહ્યું છે. જ્યારે જનતા પક્ષ તૂટ્યો (જેનાં કારણો ઓછેવત્તે અંશે બધે છેડે હશે) એ વખતે વાજપેયીએ સંઘ જોગ જાહેર ટીકા પણ કરી હતી કે તમે નક્કી કરો, તમે સામાજિક સુધારસંસ્થા છો કે પછી રાજકીય પક્ષ.

ગમે તેમ પણ, જ્યારે જનસંઘે જનતા અવતારથી આગળ જવાનું નક્કી કર્યું ત્યારે એને આગલાથી માંડી ચિમનલાલ ચકુભાઈ અને તારકુંડે સહિતની પ્રતિભાઓનો ટેકો મળ્યો હતો કે જ્યાં જનતા પક્ષ ચિત્રમાં ના હોય ત્યાં ભારતીય જનતા પક્ષનો વિચાર કરવો જોઈએ. જો કે, અડવાણી લાઈન પછી આ અભિગમને અવકાશ ન રહ્યો અને મોદી ભા.જ.પ.નો તો પ્રશ્ન જ નથી. 2014માં એકવાર અડવાણીએ જ કહ્યું હતું કે અમે 1977-1979માં કટોકટી લાદી ન શકાય એવા કાયદા કર્યા એ સાચું, પણ હજુ ‘કટોકટી’ ન જ આવી શકે એમ હું માનતો નથી. ભાગવતનાં નિરીક્ષણો ને હિતવચનો અવશ્ય આવકાર્ય છે, પણ એમાં અડવાણીના આ આકલન સુધી પહોંચવાનું હજી બાકી છે.

ભા.જ.પ.નું તો સમજ્યા, પણ સંઘે પણ શતાબ્દી લાયક ખાસું મંથન કરવાપણું છે, એનું શું.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 જૂન 2024

Loading

મોહન ભાગવતની ભાષા કેમ બદલાઈ ગઈ તે બધા જાણે છે, તેમાં રાજી થવા જેવું કાંઈ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 June 2024

રમેશ ઓઝા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘસરચાલક મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓની શિબિરના સમારોપમાં જે કહ્યું એ અપેક્ષિત હતું. બન્ને કારણે અપેક્ષિત હતું. એક તો એ કે પછડાટ ખાધા પછી ફરી એકવાર ડાહીડાહી વાતો કરવી જરૂરી છે અને આનો લાંબો અનુભવ પણ છે અને બીજું એ કે મોહન ભાગવતની અંદર, સંઘના નેતૃત્વની અંદર અને એકંદરે સંઘપરિવારની અંદર ચચરાટ ઘણા સમયથી હતો. તેઓ સહન કરતા હતા, બોલતા નહોતા. હવે ભડાસ કાઢવાનો મોકો મળ્યો છે અને તે સાથે સંઘના ભવિષ્ય સારુ તેની જરૂર પણ છે. પહેલાં મોહન ભાગવતે શું કહ્યું એ જોઈ લઈએ.

મોહન ભાગવતે કબીરને ટાંકીને કહ્યું હતું કે સેવક નમ્ર હોવો જોઈએ. સેવાનું અભિમાન ન હોવું જોઈએ. એ તો યાદ જ હશે કે વડા પ્રધાન તેમની પહેલી મુદ્દત દરમ્યાન પોતાને પ્રધાન સેવક (આ શબ્દપ્રયોગ પણ જવાહરલાલ નેહરુનો છે.) તરીકે ઓળખાવતા હતા. બીજું તેમણે એમ કહ્યું કે ભાષા પર સંયમ હોવો જોઈએ. આપણે લોકતંત્રમાં ચૂંટણી લડીએ છીએ કોઈ યુદ્ધ નથી લડતા. વિરોધ પક્ષો હકીકતમાં પ્રતિપક્ષ છે અને તેનો કેટલીક વાતે ભિન્ન દૃષ્ટિકોણ હોઈ શકે છે. શાસક પક્ષ અને પ્રતિપક્ષ એ લોકતંત્રમાં સિક્કાની બે બાજુ છે. તેમણે મણિપુરનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ત્યાંની આગને કોણ ઠારશે? તેમણે વિધર્મીઓ વિષે કહ્યું હતું કે તેઓ દુ:શ્મન નથી. તેમની પાસેથી સમરસતાની અપેક્ષા છે અને એ એક પ્રક્રિયા છે. અને તેમણે કહ્યું હતું કે કોઈ કારણ વગર ચૂંટણીમાં સંઘને પણ ઘસડી લાવવામાં આવ્યો હતો. લગભગ અડધા કલાકનું એ ભાષણ સાંભળવા જેવું છે. એમાં કબીર, અન્ય મરાઠી સંતો, વેદો અને ઉપનિષદો અને વિનોબા ભાવેને સુદ્ધાં ટાંકવામાં આવ્યા હતા.

આગળ કહ્યું એમ આ ભાષણમાં અંગત ચચરાટ તો પ્રગટ થયો જ છે, પણ એ સાથે ડહાપણનાં ઝરણાં વહેતાં કરવાનો પણ આ પ્રયાસ છે. સંઘની આ દાયકાઓ જૂની નીતિરીતિ છે. એમ લાગે કે સ્થિતિ બહુ અનુકૂળ નથી અને વધારે બકબક કરવાથી નુકસાન થાય એમ છે ત્યારે તેઓ ડાહીડાહી વાતો કરવા લાગે. હવે પછી તમને જોવા મળશે કે બેફામ બોલનારાઓ ભૂગર્ભમાં જતા રહેશે અને ડાહી વાતો કરનારાઓ બહાર આવશે જે અત્યાર સુધી મૂંગા હતા. જો મોહન ભાગવતને આટલી બધી મર્યાદાની, ભારતીય (હિંદુ કહો) સંસ્કાર અને સંસ્કૃતિની, લોકતંત્રની, જાહેરજીવનમાં સભ્યતાની ચિંતા હતી તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? કોણ રોકતું હતું? ભાગવત છોડો, સંઘપરિવારમાંથી એક પણ માયનો લાલ આગળ નહોતો આવ્યો કે આ બધું આપણને ન શોભે. આપણે હિંદુ છીએ અને માણસાઈ અને સભ્યતા આપણા લોહીમાં છે. તેઓ કહી શક્યા હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા નેતાઓને ટપારી શક્યા હોત. તેઓ નહોતા બોલ્યા કારણ કે તેઓ બધા હિંદુઓનું પાણી માપતા હતા. તેઓ ચકાસતા હતા કે ક્યાં સુધી અસંસ્કાર અને નીચતાને હિંદુઓ સ્વીકૃતિ આપે છે. જો બી.જે.પી.ને ૩૦૦ કરતાં વધુ બેઠકો મળી હોત તો એ જ જોવા મળત જે જોવા મળ્યું હતું અને જો ૩૫૦ બેઠકો મળી હોત તો એ જોવા મળત જે હિંદુઓએ ઇતિહાસમાં ક્યારે ય જોયું નથી. મોહન ભાગવતનાં દિલમાં કોઈ પ્રકારનો કચવાટ ન થયો હોત અને એક શબ્દ ન ઉચાર્યો હોત. ન લાલકૃષ્ણ અડવાની કાંઈ બોલ્યા હોત કે ન મુરલી મનોહર જોશી બોલ્યા હોત. ટૂંકમાં તેઓ પાણી માપતા હતા કે ક્યાં સુધી હિંદુઓ લજવાતા નથી અને સાથ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો હિંદુઓનું અસભ્યતાના સ્વીકારનું તળિયું માપતા હતા.

મોહન ભાગવત

જે પરિણામ આવ્યાં એ ચોંકાવનારાં હતાં. ચૂંટણીને સાવ એકપક્ષીય કરી નાખી હોવા છતાં ય બહુમતી ન મળી તો કલ્પના કરો કે ચૂંટણી બરોબરીની ભૂમિકાએ લડાઈ હોત તો શું થાત! મોહન ભાગવતનું નિદાન યોગ્ય જ છે કે લોકોનો રોષ અસંસ્કાર, અહંકાર, દાદાગીરી અને રોજેરોજનાં ધતિંગ સામે હતો. તેમને સમજાઈ ગયું કે એક હદથી વધારે હિંદુઓ આને સ્વીકારતા નથી. દેશમાં વિચારવાની આવડત ધરાવાનારા લાખો લોકો પ્રશ્ન કરતા હતા કે હિંદુઓ કેટલી હદે નીચે ઉતરી શકે છે અને નીચતાને સ્વીકારી શકે છે. તેમને જરૂર સુખદ આશ્ચર્ય થયું છે. રાજીના રેડ થઈ ગયા છે.

મોહન ભાગવતની બદલાયેલી ભાષાથી બહુ રાજી થવા જેવું નથી. આ લખનાર સંઘની આ રમત દાયકાઓથી જોતો આવ્યો છે. ગાંધીજીની હત્યા પછી સંઘ પરથી પ્રતિબંધ હટે એ સારુ સંઘે તેના મુખપત્રમાં જવાહરલાલ નેહરુના એટલાં બધાં વખાણ કર્યાં હતાં જેટલાં તેમના પિતા મોતીલાલ નેહરુએ નહીં કર્યા હોય. ઈન્ટરનેટ પર મળે છે, વાંચી શકો છો. જમીન કઠણ આવે એટલે જૂનો રસ્તો પડતો મૂકીને ફંટાઈ જવાનું. હવે પછી ડહાપણ અને માણસાઈના ધોધ વહેશે. તણાઈ નહીં જતા.

અને હા, મોહન ભાગવત અને બીજાઓમાં અપમાનનો ચચરાટ પણ હશે. અયોધ્યામાં રામજન્મભૂમિ પરનાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ યાદ કરો. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં હતા અને મોહન ભાગવત કેમેરાની ફ્રેમમાં પણ ન આવે એમ છેડે હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પાછળ (પાછળ એટલે, અપમાનિત અને ઓશિયાળા જોઈ શકાય એમ છ ફૂટ પાછળ) હતા. આ બધા લોકો મોકાની રાહ જોતા હોય એ તો સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી પણ આ જાણતા હતા એટલે તો તેમણે ભારતીય જનતા પક્ષના સંસદીય પક્ષની બેઠક બોલાવવાની જગ્યાએ એન.ડી.એ.ની બેઠક બોલાવી અને પોતાની તરફેણમાં ઠરાવ કરાવ્યો. આવું ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. તેમને ખબર હતી કે પક્ષના સંસદસભ્યોની બેઠકમાં કોઈ નરેન્દ્ર મોદીની ઉમેદવારીનો વિરોધ કરે. નૈતિક જવાબદારીની યાદ અપાવે અને કદાચ નીતિન ગડકરી ઉમેદવારી કરે. અક્ષરસઃ દોટ મૂકીને વડા પ્રધાનપદ લઈ લીધું હતું.

તો હવે પછી વેર વૃત્તિ અને ચચરાટ પણ જોવા મળશે અને ખપ પડ્યો છે તો ડહાપણ પણ દેખાશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 જૂન 2024

Loading

ગરીબ કે કરીબ … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 June 2024

કાવ્યકૂકીઝ

0

ગરીબ મોટે ભાગે તો

ગરીબીનું જ રડતો હોય છે,

પણ હંમેશ એવું નથી.

ઘણાં ગરીબીમાં પણ સુખી હોય છે.

ગરીબો પાસે પૈસા હોતા નથી

પણ પૈસા નથી તેથી તો તે ગરીબ છે.

જો કે, તેનું કામ નીકળી જાય છે

કામ એટલે નીકળી જાય છે કારણ,

તેને કૈં બહુ જોઈતું હોતું નથી.

તેને ઓટલો જોઈએ છે

તે ન મળે તો ફૂટપાથ તો મળે જ છે.

તેને રોટલો જોઈએ છે, એ ખરું,

પણ કોઈ કૂતરું ન ખાય તો

તે પણ તેને મળી રહે છે.

મળે છે એટલે કે

તે ભગવાનની કરીબ છે.

અહીં હોય ત્યારે

ને ઉપર જાય ત્યારે પણ !

મંદિર બંધ થાય પછી

ભગવાન પાસે કોઈ હોતું નથી,

ગરીબ જ હોય છે

મંદિરને પગથિયે.

ગરીબ હસે છે

કે કૂતરું ભસે છે

તે વચ્ચે ઝાઝો ફરક હોતો નથી

ઘણાં કૈં નથી ખાતાં ત્યારે પણ

ગરીબની દયા તો ખાતાં જ હોય છે

જો કે, દયા કરતાં તો ગરીબ

વધારે જ ખાય છે.

હવે ગરીબોની સ્થિતિ સુધરી છે

તે મફતનું ખાતો થયો છે

તેને વર્ષોથી અનાજ મળે છે

કામ મળે કે ન મળે,

અનાજ મળે છે

બાપ જન્મારે બેન્ક જોઈ ન હતી,

પણ ગરીબ હવે

બેન્કનાં પગથિયાં ચડતો થયો છે.

તેનાં ઝીરો બેલન્સથી ખાતાં ખૂલે છે,

પછી રકમ જમા થતી રહે છે

ને ભૂખ બાદ થતી રહે છે

ગરીબ સુખી એ રીતે છે કે

તે અમીર થઈ શકતો નથી.

કોઈ ગમે એટલું આપે તો પણ

તેનાં સુધી પહોંચતાંમાં તો

બેલન્સ ઝીરો થઈ જ જાય છે …

એ બેલેન્સ તેને

ગરીબી રેખાની નીચે રાખે છે …

ગરીબી રેખા દેખાતી નથી,

પણ જ્યાં ગરીબો છે,

શિરોરેખાની જેમ ગરીબી રેખા

કપાળે ચોંટી જ જાય છે.

જે ગરીબી રેખાની નીચે છે

તેને કોઈ સ્પર્શતું નથી

ને તે પણ કોઈને સ્પર્શવા

રાજી નથી હોતો

ગરીબે આમ તો

કૈં કરવાનું હોતું નથી,

તેને માટે તો બીજા જ કરતાં હોય છે

તેણે જીવનભર

એક જ કામ કરવાનું છે ને તે

ગરીબી રેખાની નીચે રહેવાનું.

ભૂલેચૂકે જો તે ગરીબી રેખાની ઉપર ગયો

તો તેને કોઈ બચાવી શકતું નથી

તે ભગવાન ભરોસે રહે તો પણ

ભગવાન તેને ભરોસે રહેતો નથી

ને પોતાનો રસ્તો કરી જ લે છે..

000
e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...539540541542...550560570...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved