Opinion Magazine
Number of visits: 9557576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવવા-જીવાડવાનું અઘરું અને મરવા-મારવાનું હવે સહેલું થઈ ગયું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 September 2024

રવીન્દ્ર પારેખ

એક દસ વર્ષનાં છોકરાની મમ્મી ફરિયાદ કરતી હતી કે છોકરો બગડી ગયો છે અને મોબાઇલમાં પોર્ન દૃશ્યો જુએ છે. અભિમન્યુ ગર્ભમાંથી જ શિક્ષણ પામેલો એમ જ નાની વયે આજનાં બાળકો શિક્ષિત થાય તો નવાઈ નહીં. આમ તો એનો આનંદ થવો જોઈએ, પણ જે શિક્ષણ પહોંચે છે તે આનંદ આપે એવું હોતું નથી. ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ સગવડો એટલી વધી છે કે નવાં બાળકો એ ઝડપથી શીખી જાય છે. આ શીખવામાં જેમ સારી બાજુઓ સામે આવે છે, એમ જ નબળી બાબતો પણ સામે આવે છે. એટલે બાળકોને જેમ સારી બાજુ શીખવાની થાય છે, એમ જ નબળી બાજુ પણ શીખવાની થાય છે. જેમ સારી બાજુ કોઈ ન શીખવે તો ય આવડે, એમ જ નબળી બાજુ પણ કોઈ ન શીખવે તો આવડી જાય છે. એમાં શિક્ષકો કે મા-બાપ માર્ગદર્શન આપી શકે, પણ એ પણ એવી જ કોઈ વાતમાં ફસાયેલાં હોય તો એમને માર્ગદર્શન કોણ આપે એ સવાલ છે.

દસ વર્ષનો છોકરો મોબાઇલમાં પોર્ન જુએ એની ફરિયાદ મમ્મી કરે છે ત્યારે એ ભૂલી જાય છે કે છોકરાને મોબાઈલ એણે જ અપાવ્યો છે. એમાં કેવી રીતે જોવાય કે ક્યાંથી ક્યાં પહોંચાય એ એણે જ શીખવ્યું છે. પછી કોઈ ભળતું ક્લિક થતાં કૈં જુદું જ છોકરો સામે લઈ આવે તો તેની હોંશિયારી પર એ જ મમ્મી વારી જાય છે કે મારો દીકરો તો સ્માર્ટ થઈ ગયો છે. એ દીકરો અજાણતાં જ પોર્ન સીન પર પહોંચી જાય ને પછી કુતૂહલથી આગળ વધે તો મમ્મી ચોંકે છે ને છોકરાને ફટકારે છે. છોકરાને તો ખબર જ નથી પડતી કે શું જોવાય ને શું ન જોવાય? એની ભૂલ ક્યાં થઈ એ જ સમજાતું ન હોય ને મમ્મી માટે છોકરો એકાએક નઠારો થઈ જાય છે.

સાચી વાત એ છે કે બાળકને કાબૂ ન કરાય તો એ કૈં પણ જાણી-કરી શકે એમ છે એનો ખ્યાલ માબાપને  આવવો જોઈએ, પણ માબાપને એટલો સમય જ નથી કે એટલું ધ્યાન આપે. બીજી તરફ એટલી બધી ખરી-ખોટી મહિતીઓનો ખડકલો વધ્યો છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, તો પણ એ માથે મરાય જ છે. એનાથી બાળકોને સમજાવીને દૂર રખાય એટલું જ ને એટલાથી બાળક બચી જ જાય એની કશી ખાતરી નથી, કારણ તે ઘરની બહાર જશે તો બીજી ઢગલો વાતો જાણીને કે જોઈને આવશે. આ બધાંનો બોજ તેના મન પર પડે છે એટલે તે જલદી રિએક્ટ થાય છે. તે એકાએક ગુસ્સો કરે છે કે હતાશ કે ખુશ થાય છે. કોઈ પણ ઉંમરનાને લાગુ પડે એવો આજનો એક ગુણ આક્રમકતાનો અને દેખાડાનો છે. એમાં અપવાદો છે જ, પણ તે અપવાદો જ છે. કોઈ પણ ઉંમરે કોઈ ગુસ્સે થઈને કોઈને મારી નાખે છે ને બીજો તેને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતારે છે, કારણ તે લાઇક્સ માટે મરવા પડે છે, એટલે કોઈ મારે છે તો તેને મારવા દે છે ને પોતાની જવાબદારી કે ફરજ હોય તેમ વીડિયો ઉતારે છે.

આમાંનું કૈં પણ ફરજિયાત નથી. નથી મારવાનું ફરજિયાત કે નથી વીડિયો ઉતારવાનું ફરજિયાત. વીડિયો ન ઊતરે તો જીવ જાય એવું નથી, પણ નહીં બચાવાય તો જીવ જરૂર જાય એમ છે એટલું ભાન વીડિયો ઉતરનારને ન હોય એ દુ:ખદ છે.

કોણ જાણે કેમ પણ આપણને કોઈના જીવની ચિંતા જ નથી. કોઈ, કોઈને મારી નાખે છે, તો મારનાર જેલ ભોગવે છે ને મરનારનું કુટુંબ એવાં સંકટમાં મુકાય છે કે તેનો કોઈ હિસાબ જ ન થાય. એવી જ રીતે મારનારનું કુટુંબ પણ વેઠે તો છે જ ! આનો વિચાર નથી મરનારને કે નથી મારનારને. કેવી રીતે કોઈ પ્રેમી ભરી સડક પર પ્રેમિકાનું ગળું કાતરી નાખે? એમ કરનારને એ વિચાર કેમ નહીં આવતો હોય કે જેને તે મારી રહ્યો છે, તે પછી ક્યારે ય કોઈ સૂર્યોદય કે ચંદ્રોદય નહીં જોઈ શકે. એવું કોઈ પોતાને માટે કરે તો ખૂની તેની કલ્પના પણ કરી શકે એમ છે? તે જેને મારે છે તે દોષિત હોઈ શકે છે. તેણે મારનારનું કૈં બગાડ્યું હોય એમ બને. એને માટે પોલીસમાં કે કોર્ટમાં જવાનું તેનાં ગજા બહાર હોય એ ય શક્ય છે, કારણ તેને ન્યાય મળશે જ એની ખાતરી નથી, એટલું જ નહીં, ન્યાય મેળવવાનું તેની તાકાત બહારનું પણ છે. એટલે ના છૂટકે તે કાયદો હાથમાં લે છે. ઘણી વાર ગુનો લાચારીનું પરિણામ હોય છે.

જે રીતે ગુનો કરવાનું સહેલું થઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. આજકાલ તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ચપ્પુ લઈને ફરતા થયા છે. કોઈ, કોઈને ગોળી મારી દે છે. કોઈ ચામડાના પટ્ટાથી કોઈનું ગળું દબાવી દે છે. કોઈ સાવ અજાણી સ્ત્રી પર બળાત્કાર કરે છે ને પછી એ સ્ત્રી કોઈને પોતાની ઓળખ આપી દેશે એ ભયે એને મારી નાખે છે. કોઈ ટ્રક હેઠળ કોઈને કચડી નાખે છે. આટલી બધી અનુકૂળતા મારનારને કેવી રીતે થાય છે, એ જ સમજાતું નથી. કોઈ ગોળી મારે છે તો એનો અર્થ એ થયો કે તેની પાસે હથિયાર છે. આ હથિયારો આટલી સહેલાઈથી કોઇની પાસે કેવી રીતે પહોંચે છે તેનું આશ્ચર્ય છે. વાત મારનારની જ નથી, મરનારની પણ છે. વાતે વાતે લોકો મરવા પણ તૈયાર થઈ જાય છે. પતિએ દગો દીધો, તો પત્ની ફાંસો ખાઈ લે છે. તે એક વાર પણ વિચારતી નથી કે દગો પતિએ દીધો તો પત્ની શું કામ ફાંસો ખાય? ફાંસો જ ખાવાનો હોય તો પતિ ખાય, પત્ની શું કામ મરે? એમ જ પત્ની પરપુરુષ સાથે પકડાય તો પતિ ઝેર ખાઈ લે છે. એમાં જેની ભૂલ હોય તેને તો કોઈ હાનિ થતી નથી. પરીક્ષામાં નાપાસ થાય એટલે કોઈ છોકરી પંખે લટકી જાય છે, તે તો ઠીક, પણ નાપાસ થવાના ભય માત્રથી છોકરો નદીમાં કૂદી જાય છે. ગરીબીને કારણે આખું કુટુંબ ઝેર ખાઈ લે છે કે મા દીકરી સાથે ફિનાઇલ પી લે કે મમ્મી, દીકરીને પાઇ દે ને મરવું મમ્મીએ હોય ને દીકરી મરી જાય, ત્યારે જે સ્થિતિ સર્જાય છે એની કલ્પના પણ અસહ્ય છે. બાળકોના કોઈ વાંક વગર મા કે બાપ સામૂહિક આત્મહત્યા કે હત્યા કરે એ જીરવવાનું અઘરું છે. આવી ઘટનાઓ એટલી બધી બને છે કે ઘણી વાર તો પ્રિન્ટ મીડિયામાંથી શાહીને બદલે લોહી ફેલાતું હોવાનું અનુભવાય છે. મરવા-મારવાના અનેક કારણો હશે જ, પણ એક કારણ એ પણ છે કે હવે ન્યાય મેળવવાનું ખૂબ મોંઘું ને મોડું થયું છે, એને કારણે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે વ્યક્તિ કાયદો હાથમાં લઈને જાતે જ ન્યાય તોળવા બેસે છે. એ રસ્તો પણ છેવટે તો મુશ્કેલ જ પુરવાર થાય છે, કારણ મોડું તો મોડું, કાયદો કાયદાનું કામ તો કરે જ છે.

ગયા રવિવારે ‘દૈનિક જાગરણ’માં પશ્ચિમી દિલ્હીના સંવાદદાતાએ એવા સમાચાર આપ્યા કે ખ્યાલા પોલીસ થાણામાં શુક્રવારે એવી સૂચના મળી કે ઘરમાંથી છ દિવસની છોકરી ગુમ છે. પોલીસ રવિ નગરના એ ઘરમાં પહોંચી. ત્યાં વિમલેશની પત્ની શિવાનીએ જણાવ્યું કે તેણે હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો તે પછી ગુરુવારે તેને રજા આપવામાં આવી અને તે તેનાં પિયર આવી ગઈ હતી. રાત્રે બે અઢી વાગે તેણે બાળકીને દૂધ પીવડાવ્યું અને ત્યાં જ સૂઈ ગઈ. સાડા ચારે તે ઊઠી તો બાળકી તેની પાસે ન હતી. પોલીસે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ જોયા. તપાસ ચાલતી હતી, ત્યાં શિવાનીએ કહ્યું કે તેણે પેટના ટાંકા કઢાવવા હોસ્પિટલે જવું પડશે. પોલીસને થોડું વિચિત્ર લાગ્યું,પણ શિવાનીને જવા દેવાઈ. દરમિયાન છત પરથી એક બેગ મળી. બેગ ખોલી તો બાળકી એમાં મૃત મળી આવી. હોસ્પિટલથી બાળકીની મમ્મીને બોલાવવામાં આવી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે આ તેની ચોથી બાળકી હતી, ચારમાંથી બે તો અગાઉ મરી ચૂકી હતી. વારંવાર બાળકીઓ થવા અંગે તેને મહેણાં મરાતાં હતાં એટલે દૂધ પીવડાવતી વખતે જ શિવાનીએ તેનું ગળું દબાવીને મારી નાખી હતી ને પછી બેગમાં ભરીને પડોશીની છત પર નાખી આવી હતી.

શિવાનીએ આવું કેમ કર્યું? તો કે, સંબંધીઓ વારંવાર બાળકીને જન્મ  આપવા બદલ સંભળાવતા રહેતા હતા. આપણે બહુ સુધરી કે વિકસી ગયા હોવાના ભ્રમમાં રાચીએ છીએ, પણ આપણને એટલું ભાન નથી કે માતા તો કેવળ જન્મ આપે છે, પણ દીકરી કે દીકરો જન્માવનારું રંગસૂત્ર (ક્રોમોઝોમ) તો  પિતા પાસે જ છે, પણ જન્મ માતા આપે છે એટલે ઘણાં એમ જ માને છે કે દીકરીઓ તે જ જન્માવ્યાં કરે છે. આ સરાસર ખોટું છે. દીકરી જન્માવે છે, પિતા, પણ વગોવાય છે માતા. મહેણાં પિતાને નથી મરાતાં, માતાને મરાય છે. આ વાત ભયંકર રીતે માતાને અન્યાય કરે છે. જેને માટે માતા જવાબદાર જ નથી, તેને માટે તેણે વેઠવાનું થાય છે ને એનું પરિણામ એ આવે છે કે માતા આત્મહત્યા કરી લે છે અથવા તો અહીં જેમ બન્યું તેમ બાળકીની હત્યા કરી નાખે છે. એક જમાનામાં બાળકીને દૂધપીતી કરવામાં આવતી હતી. એ પણ હત્યા જ હતી ને અત્યારે દૂધ પીવડાવતી વખતે માતા જ તેનું ગળું દબાવી દે છે. સેંકડો વર્ષો પછી પણ આપણે સુધર્યા નથી કે નથી સુધરી આપણી માનસિકતા !

કોઈને જીવાડવાનું બનતું નથી, પણ કોઈને મારવાનું ઉત્તરોત્તર સહેલું થતું જાય છે ને તે કેવળ શરમજનક છે. કોઈને જીવ આપવાનું આપણું ગજું નથી, તો કોઈનો જીવ લેવાનું આટલું સહેલું ન જ બનવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 08 સપ્ટેમ્બર  2024

Loading

ઘંટડી વગાડવાની ફી!

સુરેશ જાની|Opinion - Opinion|11 September 2024

વડીલ નેટ મિત્ર ઉત્તમ ગજ્જરે વોટ્સ એપ પર એક અંગ્રેજી વાર્તા મોકલી અને ગમી ગઈ. સંચાયનના અતિરેકના આ જમાનામાં – જ્યારે ભીડની વચ્ચે પણ માણસ એકલતા અનુભવી રહ્યો છે – માણસ જ  ખોવાઈ ગયો છે – એ કાળમાં આ વાર્તા હૃદયના એક ખૂણાને ઢંઢોળીને જગાડી જાય છે. કદાચ ગુજરાતી વાચકની અંદર સૂતેલા એ જણને જગાડી જાય, એવા ભાવ સાથે એ કથાનો ગુજરાતીમાં આ ભાવાનુવાદ,  આ ઘંટડી પ્રસ્તુત છે  –

*******

છાપું નાંખી જનાર એ ફેરિયાએ કમને એ ઘરની ઘંટડી વગાડી.

છાપાં નાંખવાનું કામ કરતા વેપારીને ત્યાં એ નોકરી કરતો હતો, અને આ ઘેર એ પહેલું છાપું નાંખવા આવ્યો હતો. તેને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, ‘ઘરની ઘંટડી વગાડી, મકાન માલિકને હાથોહાથ છાપું આપવાનું છે.’

ઘરના બારણાંની બાજુમાં આવેલી પત્ર-પેટીમાં (Mail box) કાગળ નાંખવાની પટ્ટી જડબેસલાક રીતે બંધ કરેલી હતી.

થોડીક વારે ઘરડા ખખ મકાન માલિકે બારણું ખોલ્યું. ફેરિયાના ચહેરા ઉપર અકળામણ અને ચીઢ સ્પષ્ટ રીતે જણાઈ આવતી હતી. એ ભાવની સૂચક આંખો જોઈ કાકાએ પૂછ્યું, ” કેમ, ભાઈ, તમારે કાંઈક તકલીફ છે?”

અને એણે આમ ઘંટડી વગાડી છાપું આપવા વિશે આક્રોષ વ્યક્ત કરી જ દીધો.

“આમ ઘંટડી વગાડવાનું કહો છો, એના કરતાં આ મેલ બોક્સ ખુલ્લું રાખતા હો, તો તમારો અને મારો બન્નેનો સમય બચી જાય ને? “

કાકા – “મેં જાણી જોઈને એ સૂચના આપી છે. એ માટે  વધારાનો ચાર્જ પણ તમને હું આપવાનો છું.”

 “પણ શા માટે આટલી બધી કારણ વગરની જફા?”

કાકા – “એક દિવસ આવશે કે, તમે ઘંટડી વગાડશો અને હું ખોલી શકીશ નહીં. આથી તમે પોલિસને બારણું ખોલવા બોલાવશો.”

“કેમ એમ?”

કાકાએ સજળ આંખો સાથે કહ્યું, “મારી આંખે મોતિયો છે, અને હું છાપું વાંચવાનો પણ નથી. પણ દરરોજ આ ઘંટડીનો અવાજ સાંભળવો મને ગમે છે.”

ફેરિયાએ આશ્ચર્ય મિશ્રિત ગુસ્સા સાથે કહ્યું ,”ખરા છો તમે!”

કાકા – “તમે આમ ઘરની અંદર આવો અને મારી સાથે ચપટીક વાત કરો, એ માટેની આ વ્યવસ્થા મેં જાણી જોઈને કરી છે. મારી પત્ની અવસાન પામી છે અને અમારો એકનો એક દીકરો પરદેશ રહે છે. જો હું બારણું ન ખોલું, તો એનો આ ફોન નંબર પોલિસને જરૂર આપશો.”

અને ફેરિયાની આંખોમાંથી પણ અણમોલ મોતી સરી પડ્યાં.

******

અલબત્ત આ કાલ્પનિક કે, સાચી કથા આપણી આંખોને સજળ કરી દે છે. પણ એકલતા વિશેનો આ જણનો એક અનુભવ કદાચ વાચકને થોડીક સાંત્વના આપી જાય –

આજે સવારે પાર્કમાં ગયો; અને બાંકડા પર બેઠો. એક વૃદ્ધજન એના કૂતરાને ફેરવી રહ્યો હતો. થોડીવારે એ બન્ને વિદાય થઈ ગયા.

હું પાર્કમાં સાવ એકલો બેસી રહ્યો.

શું ખરેખર હું એકલો હતો?

ચારે બાજુ ઊંચા ઝાડ હવામાં ઝૂલી રહ્યાં હતાં. બાજુમાં મનને હરી લે તેવી, લીલી કુંજાર વિલસી રહી હતી. દૂર નાનકડા તળાવમાં બતકો અને હંસ તરી રહ્યાં હતાં.

એક ખિસકોલી સરકી, અને ભોય પડી રહેલા બ્રેડના સૂકા ટૂકડાને બે હાથે પકડી, ખાવા લાગી. ત્યાં એક પક્ષીએ ઘાસમાં ઊતરાણ કર્યું; અને એના ખોરાક – જીવડાંને ગોતવા લાગ્યું. થોડી થોડી વારે, એની ચાંચ હલતી દેખાઈ. જરૂર એને ભક્ષ્ય મળી જતું હતું.

કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?

અને હું માનતો હતો કે, હું એકલો છું!

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય
.

                                                    – આદિલ મન્સુરી

e.mail : surpad2017@gmail.com

Loading

સર્વાઈવર ટ્રી: 9/11ની દુર્ઘટનાનો જીવંત પુરાવો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 September 2024

કૉલરી પેર ટૃી

અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે

હવે તો દસકો થયો એ વાતને. 2015માં ન્યૂયોર્ક જવાનું થયું ત્યારે 2001માં અમેરિકા ઓળખ શાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયા પછી ત્યાં જ, ગ્રાઉન્ડ ઝીરો પરની નવરચના સાથે મુખોમુખ થવાની સ્વાભાવિક જ હોંશ હતી.

પ્રકાશ ન. શાહ

વૈકલ્પિક ઈમારતનું નિર્માણ કે કોઈ મ્યુઝિયમ સરખું આયોજન તો સમજ્યા જાણે, પણ સ્થળ મુલાકાત દરમ્યાન જોઉં છું તો એક વૃક્ષ પ્રસન્ન ગરવી શૈલીએ જાણે ગહેંકી રહ્યું છે. આમ તો એની ઓળખ ‘કૉલરી પિયર ટ્રી’ તરીકેની છે, પણ હું તો એને અક્ષરશ: અક્ષય વૃક્ષ જ કહીશ.

વાત એમ છે કે નાઈન ઈલેવનની (નવમા એટલે કે સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની) ઇતિહાસઘટના સાથે ટ્વિન ટાવર્સ પરિસર પંથક આખો ઉદ્ધ્વસ્ત થઈ કેમ જાણે ખાવા ધાતો હતો. તે વખતે રોડા, કાંકરા, કપચી સહિત કાટમાળ આખો ઉશેટવાના જગન દરમ્યાન કામદારોને કશુંક ક્યારેક વૃક્ષ હતું એવું મળ્યું. શીર્ણવિશીર્ણ મૂળિયાં. લગભગ સૂકાં જેવાં. બળેલીઝળેલી ડાળીઓ. છતાં જીવનનો સહેજસાજ સંચાર વરતાતો હતો. કામદારોએ માધવ રામાનુજની ‘અમે કોમળ કોમળ’ રચના તો ક્યાંથી સાંભળી હોય? પણ એમણે હળવેકથી ને હેતથી, જેટલી સલુકાઈથી એટલી જ સિફતથી એ બધું સાચવી લીધું, જાણે એકલીઅટૂલી માંડ થોડા કલાકની શકુન્તલાને કણ્વયોગ થયો!

અર્ધ ધબકતું તો અર્ધ મૃતવત્ એ એમણે ન્યૂયોર્ક વિરાટ નગરના ઉદ્યાન વિભાગને મોકલી આપ્યું. ઉદ્યાન વિભાગની માવજત પામી એ 2010માં, 2001ના ઉદ્ધ્વસ્તમાંથી પુનનિર્મિત પરિસર પર પાછું ફર્યું. તે પછી પાંચે વરસે અમે એનાં દર્શન કરી રહ્યાં હતાં ત્યારે એ ખાસાં ત્રીસેક ફૂટની ઊંચાઈને આંબી ગયું હતું ને એનાં ડાળીડાળખાં ફૂલે લચ્યાં વાસંતી નર્તનનો સુખાભાસ કરાવી રહ્યાં હતાં. વિનાશ વચ્ચે અપૂર્વ ઊર્જા સમેત તે નવજીવનનો નેજો લહેરાવતું વરતાતું હતું.

આ અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે. આ સાક્ષાત્કારી અનુભૂતિ ઇતિહાસમાં પાછે પગલે 1906ના સપ્ટેમ્બરની અગિયારમીએ છેક જોહાનિસબર્ગ લઈ જાય છે. સ્થળ છે એનું એમ્પાયર થિયેટર, જે ગેઈટી થિયેટર તરીકે પણ ઓળખાતું. (યુરોપીય ગેઈટી પરંપરાનો એક જમાનો હતો, જેની અંગ્રેજ વારાની ઇતિહાસસ્મૃતિ શિમલાના ગેઈટી થિયેટર રૂપે સચવાઈ છે. ત્રણેક દાયકા પર ‘ગદર’માં ફિલ્માવાતાં એણે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું.) 

થિયેટરની અંદરબહાર લોક ઉભરાતું હતું – એશિયાઈ સમુદાયને લગતા વટહુકમના વિરોધ માટે સૌ મળ્યું હતું. આ વટહુકમ ટ્રાન્સવાલ(દક્ષિણ આફ્રિકા)માં વસતા એશિયાઈ લોકોને સારુ ગળેફાંસો હોય એવો આકરો હતો અને એનો આશય એશિયાવાસીઓને ધીરે ધીરે હાંકી કાઢવાનો હતો. તેની સામે વિરોધ અને પ્રતિકારની ભૂમિકાએ કરાયેલ આ આયોજન પાછળનું બળ બ્રિટિશ ઇન્ડિયા એસોસિયેશનના મંત્રી ગાંધી હતા.

સભાની શરૂઆત બ્રિટિશ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ ગની હતા. તેમણે સભાની શરૂઆત ઉર્દૂમાં કરી. (પાછળથી એનો અંગ્રેજ તરજુમો અલબત્ત અપાયો હતો.) ગનીએ વટહુકમના તાનાશાહી સ્વરૂપનો ને એનો સામનો કરવામાં રહેલાં જોખમોનો ખયાલ આપી દો ટૂક શબ્દોમાં કહ્યું કે દરેક પ્રજાની જિંદગીમાં ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે કાનૂનભંગ થકી પ્રતિકાર અને કષ્ટ સહન એ એનો ધર્મ બની રહે છે. આ વાત વિધિવત્ ઠરાવ રૂપે હાજી હબીબે મૂકી હતી. આકરી ગુજરાતી જબાનમાં એમણે કહ્યું હતું કે ઉમદા હેતુ માટે જેલમાં જવા બાબતે શરમાવાનું ન હોય. એમણે તિલક મહારાજના જેલવાસને ભાવપૂર્વક સંભારીને ઉમેર્યું હતું કે આપણે ખુદાની કસમથી આ ઠરાવ કરીશું અને સઘળાં કષ્ટ સહન કરીશું.

હાજી હબીબે ઈશ્વરને વચ્ચે રાખીને વાત મૂકી એથી પોતે કેવા ચમક્યા હતા એ ગાંધીજીએ વરસો પછી લખતાં સંભાર્યું છે. આમ તો, તાત્ત્વિક રીતે વિચારતાં કરેલ નિશ્ચય અને ઈશ્વરને નામે લીધેલ પ્રતિજ્ઞા વચ્ચે કોઈ ભેદ નથી, પણ સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને નામે લેવાયેલ પ્રતિજ્ઞા બદલ જે તે વ્યક્તિ ને બાકી લોકો સવિશેષ ગંભીર હોય છે. એમણે પ્રમુખની રજા લઈ સભામાં દરમ્યાનગીરી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. મરતાં સુધી પાલન કરશું એમ સમજીને જ પ્રતિજ્ઞા લેવી રહે … આ સાથે, મનુષ્યજાતિએ પશુબળથી નહીં સ્વેચ્છાએ કષ્ટ સહન થકી આત્મબળ વાટે અન્યાયનો પ્રતિકાર કરવાનો નવો રાહ ખૂલ્યો, સત્યાગ્રહ.

2001ની ટ્વિન ટાવર્સ ઘટના અને તેની પૂંઠે અલ-કાયદાનું નેતૃત્વ કરનાર બિન લાદીન, 1906માં સત્યાગ્રનો આવિર્ભાવ અને એમાં નિમિત્તભૂત ગાંધી : આશરે એક સૈકાને ફેરે (બરોબર કહીએ તો પંચાણું વરસના અંતરે) એક જ તારીખે બનેલી આ બે ઘટનાઓ બે વિકલ્પરૂપે આપણી સામે આવે છે.

અહીં લોર્ડ ભીખુ પારેખે પરિકલ્પેલ બિન લાદીન – ગાંધી સંવાદનું સ્મરણ થાય છે. ભીખુભાઈને લોર્ડ એવી ઓળખ સામાન્યપણે ગમતી નથી તે જાણું છું. પણ વાચકનું ધ્યાન ખેંચવામાં ઉપયોગી થઈ પડે એ ગણતરીએ તેઓ ઇંગ્લેન્ડમાં ઉપલા ગૃહના(હાઉસ ઓફ લોર્ડ્ઝ)ના સભ્ય છે એવો ઉલ્લેખ ચહીને કર્યો છે. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રગટ થતા ‘પ્રોસ્પેક્ટ’માં એપ્રિલ 2004માં એમનો આ લેખ પ્રગટ થયો તે પછી તરતના મહિનાઓમાં ‘ઓપિનિયન’ (લંડન) અને ‘નિરીક્ષક’ (અમદાવાદ)માં વિપુલ કલ્યાણીના ગુજરાતી અનુવાદરૂપે સુલભ થયો હતો.

આ કાલ્પનિક સંવાદ પાછળનો આશય ભીખુ પારેખના શબ્દોમાં ‘એક તો, બિન લાદીને ચેતનવંતા રાખતા જગતભરમાં ફરી વળેલા વિકૃત વિચારને સમજવાનો છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.’

અક્ષય વૃક્ષ, આટલું તારી સાખે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024 

Loading

...102030...528529530531...540550560...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved