Opinion Magazine
Number of visits: 9457172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“If On a Winter’s Night a Traveler” વિશે — 11 અને 12

સુમન શાહ|Opinion - Literature|25 June 2024

મિત્રો, આનન્દની વાત છે કે આજે હું આ સહિત આ નવલકથાનાં બધાં – ૧૨ – પ્રકરણ પૂરાં કરું છું. અવકાશે આ નવલકથા વિશે વિસ્તૃત સમીક્ષાલેખ કરીશ એવી મનીષા પણ છે. 

પ્રકરણ -11 (સારસંક્ષેપ)

કથક તમને – you – જણાવે છે કે તમારી મુસાફરી પૂરી થવામાં છે.

છેવટે તમને ઠીક ઠીક એવો ફ્રી ટાઇમ મળે છે, એટલે તમે લાઇબ્રેરિયનને વિનન્તી કરો છો – મારા વાચનમાં અધૂરાં રહી ગયેલાં તમામ પુસ્તકો મને ઉપલબ્ધ કરાવશો? : પણ એ પુસ્તકો મેળવી આપે એવું ત્યાં કોઈ નથી. અન્ય વાચકો પાસે પુસ્તકો છે, એમની તમને ઇર્ષા થાય છે.

એકાએક એક વાચક તમને સમ્બોધીને કહે છે – સાંભળો, વાચનની ઉત્તમ રીત શી હોઈ શકે. બીજા છ વાચકો બોલી ઊઠે છે. એ દરેક જણ વાચનની ઍકેડેમિક લાગતી થીયરી વિશે કહેતો હોય છે. છેલ્લે, તમારો વારો આવે છે, તમે કહો છો – કશીપણ ચૉક્કસ થીયરી વિના પુસ્તકોને હું તો પ્રારમ્ભથી અન્ત લગી માણું છું : તેમછતાં, તમારા તાજેતરના સંજોગોએ એ વાચનને પૂરું નથી થવા દીધું.

1981-માં, સલમાન રશદી મળે છે, પોતાના પ્રિય સાહિત્યકાર કાલ્વિનોને …

પાંચમો વાચક “Arabian Nights” લઈ આવે છે, તમને કહે છે – આ પુસ્તક મને તમારા – you – સંજોગોને કારણે યાદ આવ્યું. અને, પોતાને સ્વપ્નમાં આવેલી કથા કહેવા એવિયો સૌ પાસે પરવાનગી માગે છે. એ કલિફ-હારુન-અલ-રશીદની વાત શરૂ કરે છે. કહે છે, કલિફ-હારુન-અલ-રશીદને અનિદ્રાનો વ્યાધિ, તે એક રાતે કોઈને ખબર ન પડે એમ વેપારીના વેશમાં નીકળી પડે છે. એક અવિવાહિતા સ્ત્રી સાથે એ સાત સફેદ અને એક કાળી લખોટીઓના જુગારમાં હારી જાય છે. કાળી લખોટી ઉપાડવાની સજા એ હતી કે હારુન-અલ-રશીદે હારુન-અલ-રશીદની હત્યા કરવી ! વેશપલટામાં રહેલો હારુન-અલ-રશીદ આત્મહત્યાની સજા સ્વીકારી લે છે ખરો, પણ પૂછે છે – અવિવાહિતાનું મેં બગાડેલું શું, એ તો કહો !

આ પાંચમા વાચકની કથામાં ય ભંગાણ પડે છે. એને ખબર નથી પડતી કે પોતાની કથાને કહેવાય કેવીક. એટલે થોડી વાર પછી તમે – you – એણે કથેલી કથાના છેલ્લા શબ્દો યાદ કરીને બોલો છો કે – આગળની કથા સાંભળવાને એ આતુર છે : એટલે કે, અવિવાહિતા સ્ત્રી કયા કારણે કલિફની હત્યા ઇચ્છતી’તી, કલિફને એ કથા સાંભળવી છે.

છઠ્ઠો વાચક તમારી પાસેથી તમામ પુસ્તકોનાં શીર્ષક જાણવા માગે છે જેના અન્તની તમને ખબર નથી. તમે ક્રમશ: કહેવા માંડો છો : “If on a winter’s night a traveler”, “Outside the town of Malbork”, “Leaning from the steep slope without fear of wind or vertigo”, “Looks down in the gathering shadow in a network of lines that enlace, in a network of lines that intersect”, “On the carpet of leaves illuminated by the moon around an empty grave”, “What story down there awaits its end? -he asks, anxious to hear the story”. છઠ્ઠા વાચકનું કહેવું એમ છે કે પોતાને એવા પ્રારમ્ભવાળી નવલકથાની જાણ છે.

તમે – you – ખુલાસો કરો છો – મેં તો શીર્ષકોની માત્ર યાદી આપી છે, એ કંઈ આખાં ને આખાં પુસ્તકો નથી ! : સાતમો વાચક પ્રશ્ન કરે છે – તમે, ‘વાચક’, કથાઓને પ્રારમ્ભ અને અન્ત હોય એવી અપેક્ષા સેવો છો, પણ હકીકતે એવું હોય છે ખરું? પ્રાચીન કાળમાં, કથાઓના અન્તની બે જ રીત હતી – નાયક અને નાયિકા જોડાઈ જાય અથવા બન્ને મૃત્યુ પામે. આ વાત જેવા તમે – you – સાંભળો છો કે તરત મનોમન નક્કી કરી લો છો કે – મારે લુદ્મિલા જોડે પરણી જવું જોઈશે.  

++

પ્રકરણ -12 (આ સારસંક્ષેપ નથી. મૂળમાં જ આ પ્રકરણ સાતેક લીટીનું છે.)

તમે – you – અને લુ્દ્મિલા હવે પતિ-પત્ની છો, વાચક અને વાચક. તમારા બન્નેનું વાચન સમાન્તરે ચાલી શકે એવા એક ગ્રેટ ડબલબેડમાં તમે બન્ને સૂતાં છો. લુદ્મિલા ઉશિકે માથું મૂકી લાઇટ ઑફ્ફ કરે છે, અને કહે છે : તારી લાઈટ પણ બંધ કરી દે ને, વાંચતાં કંટાળો નથી આવતો? : અને તમે કહો છો : એક મિનિટ ! હું ઇટાલો કાલ્વિનોકૃત “If on a winter’s night a traveler” પૂરી કરવામાં છું …

= = =

(06/24/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાત ઇતિહાસબોજ ઘટાડવાની છે : વાટ ઇતિહાસબોધ ગુમાવવાની છે 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 June 2024

એન.સી.ઇ.આર.ટી. વિવાદ

યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકર જેવા સન્માન્ય વિદ્વાનો જ્યારે પોતાનાં નામ હટાવવાની વાત કરે છે ત્યારે સુપેરે સમજાઈ રહે છે કે કંઈક એવું થઇ રહ્યું છે જે ‘સકારાત્મક‘ નથી.

પ્રકાશ ન. શાહ

2014માં મોદી ભા.જ.પ. સત્તારૂઢ થયા પછીના ગાળામાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઇનિંગ – એન.સી.ઈ.આર.ટી. દ્વારા પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકમાં ‘સુધાર’ પ્રક્રિયાના ચારેક દોર આવી ગયા છે. વચગાળામાં જો કે આ ‘દોર’ કોવિડના સમયગાળાને અનુલક્ષીને ‘બોજ’ ઘટાડવાની દૃષ્ટિએ વાજબી અને જરૂરી હોવાનું સત્તાવારપણે કહેવાયું હતું.

આ સુધાર-દોરને તપાસવા સારુ તત્કાળ નિમિત્ત, દેશના બે શીર્ષ સમાજવિદ્યાવિશારદ એવા યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરના પ્રગટ પત્રે પૂરું પાડ્યું છે. બંને વિદ્વાનોનો આ પ્રગટ પત્ર એન.સી.ઈ.આર.ટી.ના ડિરેક્ટર સકલાનીને સંબોધીને લખાયેલો છે. એમણે લખ્યું છે કે તમારા તરફથી જે પાઠ્યપુસ્તકો પ્રગટ થઈ રહ્યાં છે એમાં સલાહકાર તરીકેનાં અમારાં નામ છાપવાનું બંધ કરો. જો તમે તે રદ્દ નહીં કરો તો અમારે કાનૂની રાહ લેવો પડશે એમ પણ એમણે ઉમેર્યું છે.

વસ્તુતઃ આ વાત એમણે એકાએક કહી નથી. વરસેક પર એન.સી.ઈ.આર.ટી.એ પોતાની વેબસાઈટ પર સુધારેલાં પુસ્તકોની સોફ્ટ કોપી મૂકી ત્યારે જ બંને વિદ્વાનોએ ડિરેક્ટર સકલાનીને અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું કે, આ સુધારફેરફાર અમારી જાણ ને સંમતિ વગરના છે અને એને કારણે અમારું મૂળ કહેવાનું ચેરાઈ જાય છે. આથી આ પુસ્તકો સાથે અમારાં નામ સંકળાયેલાં રહે એ અમને ઇષ્ટ નથી.

આ પત્રની પહોંચ સરખી આપવાની દરકાર એન.સી.ઈ.આર.ટી.એ કરી નથી. દરમિયાન, વેબસાઈટથી ઊતરી હાલ જે સ્વરૂપમાં સુધારફેરફાર સાથે સમાજવિદ્યાનાં છ પુસ્તકો આવ્યાં છે એમાં સંખ્યાબંધ વિગતમુદ્દાઓ જે રીતે એડિટ (‘ડિલિટ’ વાંચો) કરાયા છે એમાં અમારું કહેવાનું કશું રહેતું નથી – અને એના આ સ્વરૂપ સાથે અમે સંકળાઈ શકતા નથી, એમ યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરનું કહેવું છે. 

જરી પાછે પગલે જઈને સમજીએ તો એક આખો સમયગાળો આપણે સાંસ્થાનિક ઇતિહાસલેખનની પરંપરામાં ઉછર્યા. જેમ જેમ જાગૃતિ આવતી ગઈ, સ્વરાજની લડત આગળ ચાલી, આગલી પેઢીના લિબરલ અને નવી પેઢીના નેશનલ મિજાજના અભ્યાસીઓએ સાંસ્થાનિક દૃષ્ટિબિંદુને તપાસવા અને ચકાસવાની હિલચાલ હાથ ધરી. રાષ્ટ્રીય ઇતિહાસલેખન સારુ રચાયેલ ખાસ મંડળીને ડૉ. રાજેન્દ્રપ્રસાદે દોરવણી આપતાં સરસ ને સમુચિત કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય’નો અર્થ આપણી કોઈ મર્યાદા નથી કે આપણે સદાસર્વદા મોખરે અને બધો વખત સાચા હતા એવું પરબારું ચિત્રણ કરવાનો નથી. સાંસ્થાનિક વણછાથી મુક્ત, આપણા જમા અને ઉધાર બંને આત્મગૌરવ એટલા જ આત્મનિરીક્ષણપૂર્વક તપાસવાનાં ને તરાશવાનાં છે. 

સુધારફેરફાર પૂંઠે એકંદરે કેવાં મનોવલણ સત્તાસ્તરે કામ કરતાં હશે તે સમજવા સારુ એક દાખલો બસ થશે. બારમા ધોરણના પાઠ્યપુસ્તકમાં વિભાજનની સમસ્યાનો સમાવેશ થયેલો છે. એમાં અપહ્યતા સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા આવી એટલે સહજક્રમે ‘ઓન બોથ સાઈડ્ઝ ઓફ ધ બોર્ડર’ (સરહદની બંને બાજુએ) એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ વર્તમાન સરકાર અને એની રાજકીય વિચારધારાને ધોરણે ‘સકારાત્મક’ નિરૂપણ માટેના અગ્રહને વશ વરતીને ‘બંને બાજુએ’ વાળો ઉલ્લેખ ધરાર કાઢી નખાયો છે. ભારત બાજુએ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર ન જ થયો હોય એવું ઇતિહાસવાક્ય આ રાષ્ટ્રીય વિચારધારાને ઇષ્ટ છે. માનવીય મર્યાદાઓને દેશ કે વેશ નડતા નથી અને કોઈ એક કોમ સુવાંગ સારી ને બીજી કોમ (‘ધ અધર’) સુવાંગ નઠારી, એવું ઇતિહાસ કહેતો નથી. ઘડતરકાળમાં આ વિવેક કેળવાય તો સારા નાગરિક ઉછેર બાબતે આપણે આશ્વસ્ત થઈ શકીએ. 

હમણાં ‘મહારાજ’ ફિલ્મ વિશેનો ઊહાપોહ આપણી સામે આવ્યો છે. ઇતિહાસવસ્તુ અને મૂળ લેખક (સૌરભ શાહ) ધર્મવિરોધી મુદ્દલ નથી. પણ ‘સરહદની બંને બાજુએ’ મર્યાદા હોઈ શકે એ નહીં સમજવાથી શું બની શકે તે આ નેટફિલક્સ વિવાદથી સુપેરે સમજાય છે. 

મોદી 3, વાસ્તવમાં મોદી 2.1 છે એ વિગત ખયાલમાં રાખી એન.સી.ઈ.આર.ટી. સ્વસ્થ સમ્યક ઇતિહાસલેખન સારુ ચાહે તો વ્યાપક વિમર્શ હાથ ધરી શકે એવો સુયોગ યાદવ-પલશીકર જોડીએ જરૂર સંપડાવ્યો છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 જૂન 2024

Loading

પંડિત ઓમકારનાથ ઠાકુર (24/06/1897) : “રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર!”

અમર ભટ્ટ|Opinion - Opinion|24 June 2024

https://youtu.be/EnVN7AI2Rac

ઓમકારનાથ ઠાકુર

કેટલાંક પુસ્તકો પાસે અવારનવાર પહોંચું છું. એમાનું એક છે “વાગ્ગેયકાર પૂ.પં. ઓમકારનાથ ઠાકુર”, જેના લેખક-સંકલનકર્તા-પ્રકાશક ડૉ. પ્રદીપકુમાર દીક્ષિત ‘નેહરંગ’ છે, જેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગમાં કંઠ્ય સંગીતના પ્રાધ્યાપક હતા અને જેમને પંડિત ઓમકારનાથજીનું સાન્નિધ્ય સાંપડ્યું હતું ને એમની પાસે શીખવાનું સદ્ભાગ્ય પણ મળ્યું હતું. આ પુસ્તક મુખ્યત્વે હિંદીમાં છે. એમાં ઓમકારનાથજીનું જીવન ચરિત્ર તો છે જ પણ એમણે આપેલાં વ્યાખ્યાનો અને એમનાં લખાણો ઉપરાંત એમનાં પુસ્તકોની યાદી અને કલાકારો અને સહૃદયીઓએ એમને આપેલી અંજલિ પણ છે.

જેમને પ્રત્યક્ષ નહિ મળી કે નહીં સાંભળી શકવાનો મને અત્યંત રંજ છે એવા આ સંગીતકાર વિષે આજે થોડુંક કહેવું છે.  

સારંગદેવના “સંગીત રત્નાકર”માં વાગ્ગેયકાર માટે આમ કહ્યું છે : ‘વાચં ગેયં ચ કુરુતે ય: વાગ્ગેયકારક:’

જે શબ્દ અને સંગીત બંને પ્રયોજે તે વાગ્ગેયકાર કહેવાય. એ રીતે પંડિત ઓમકારનાથ ઠાકુર આપણા મૂલ્યવાન વાગ્ગેયકાર છે.

1943માં ગુજરાત સાહિત્ય સભાએ પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપીને એમનું બહુમાન કર્યું ત્યારે એમણે આપેલા સ્વીકાર પ્રવચનમાં એમણે સાહિત્ય અને સંગીતના સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો પણ  કરેલી :

“સાહિત્ય અને સંગીતને હું તો સદૈવ સહોદર જ માનતો આવ્યો છું, કારણ ‘સંગીતમથ સાહિત્યં સરસ્વત્યા: કુચદ્વયમ્’…….

સાહિત્યકાર અને સંગીતકારને માટે માજણ્યા ભાઈ સિવાય અન્ય કયો સંબંધ યોગ્ય ગણાય?…..એક બીજી દૃષ્ટિ. સાહિત્યનું ઉન્નત અંગ એટલે કાવ્ય અને કાવ્યનો આત્મા એટલે સંગીત કારણ કાવ્યનું વૈશિષ્ટ્ય એની ગેયતામાં છે એમ વેદ પ્રતિપાદે છે.”

8મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 1962 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના પદવીદાન સમારંભખંડમાં એમણે “ગુજરાતકા સંગીતસત્વ” વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતી લોકસંગીતમાં નિહિત ઝુમરા તાલ (14 માત્રાનો તાલ જે સાધારણ રીતે શાસ્ત્રીય ગાયનમાં  વિલંબિત ખયાલમાં પ્રયોજાય છે), હંસકિંકિણી રાગ, નરસિંહનાં પ્રભાતિયાંમાં આપોઆપ બેસી ગયેલો રાગ શુક્લ બિલાવલ – આ બધું જ એમણે સદૃષ્ટાન્ત રજૂ કરેલું. (કહે છે કે “કાનુડો કામણગારો”, “કાળજ કોર્યું તે કોને કહીએ” જેવી દયારામની રચનાઓ અને ન્હાનાલાલનું “વિરાટનો હિંડોળો ” એમણે ત્યારે ગાયેલાં.)

એમણે પ્રણવરંજની, નીલાંબરી જેવા રાગો બનાવ્યા; બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંગીત વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું અને  શાસ્ત્રીય સંગીતના શિક્ષક તરીકે પણ બહુમૂલ્ય પ્રદાન કર્યું અને શાસ્ત્રીય સંગીત ઉપર અનેક પુસ્તકો ને લેખો લખ્યાં. ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીનો અનિદ્રાનો રોગ એમની સમક્ષ એમણે રાગ પુરિયા રજૂ કરીને દૂર કર્યો હતો એમ કહેવાય છે.

અત્રે સુરતના કંચનલાલ મામાવાળાનો ઉલ્લેખ કરવો ઘટે, જે પંડિતજીના નિકટના મિત્ર હતા અને ખૂબ સારા સ્વરકાર હતા.(‘જય જય ગરવી ગુજરાત’નું સ્વરાંકન કંચનલાલ મામાવાળાનું છે.) મામાવાળાએ સ્વરબદ્ધ કરેલી બે રચનાઓ ઓમકારનાથજીએ ગાઈ અને તે બંને કાલાતીત બની ગઈ – એક તે કવિ ન્હાનાલાલનું ગીત “વિરાટનો હિંડોળો ઝાકમઝોળ” અને બીજી તે મીરાંબાઈની રચના “રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર”.

“રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર”ની રસસભર પ્રસ્તુતિ પંડિતજીના અવાજમાં જ માણો.

પછી સૂરદાસની કૃતિ “મૈંયા મૈં નહીં માખન ખાયો”નું ઓમકારનાથજીનું કાયદો અને અદાલતની પ્રક્રિયાનો આધાર લઈને કરેલું સંગીતસભર અર્થઘટન પણ પંડિતજીની સર્જનાત્મકતાનો પરિચય આપે છે.

. https://youtu.be/hElaD4xG_mY

ડિસેમ્બર 29, 1967ના દિવસે એ સ્વરલીન  થયા.

ગુજરાતના સુખ્યાત શાયર ગની દહીંવાલાએ ઓમકારનાથજીની પ્રથમ પુણ્ય તિથિ પ્રસંગે એમની સ્મૃતિમાં રચેલી આ રચના કહીને અટકું? –

હતા સાધક, સ્વયં સ્મારક ગણાયા,

તમે  સ્વરના  પિરામિડે  પૂરાયા.

ગહન કો અર્થ સમ ઊંડાણમાં રહી

સરળ કો શબ્દ પેઠે ઓળખાયા.  

હતો સિદ્ધાંતનો સાચો અહંકાર

પરંતુ પ્રેમથી જીતી શકાયા.

મધુર તાનોં, નિજી નવલા પ્રયોગો,

ઋચા સમ સ્પષ્ટ ઉચ્ચારે સોહાયા.

‘ગનીં’ ગૂંજી રહી ઘૂમટે મધુરતા

નથી ‘ઓમ્ કાર’ના પડઘા વિલાયા”      

Loading

...102030...524525526527...530540550...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved