Opinion Magazine
Number of visits: 9457141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી હવે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2024

રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. આ કડવી ગોળી છે, પણ ખાવી પડે એમ છે. જ્યારે પોતાનું રાજપાટ ૩૦૩માંથી નીચે આવીને ૨૪૦ પર વેતરાઈ ગયું ત્યારે તેમની પાસે વડા પ્રધાન નહીં બનવાનો અને કોઈની ય સામે નહીં ઝૂકવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે ઝોળી ઉઠાવીને જતા રહેવાની જગ્યાએ પદને વ્હાલું ગણ્યું તો સાંભળવું તો પડશે અને મનમાની પણ નહીં કરી શકાય. સ્વમાનપૂર્વક જતા રહેવાનો વિકલ્પ નહીં સ્વીકારીને પોતાનાં સ્વમાન સાથે તેમણે પોતે સમાધાન કર્યું છે.

રાજકારણમાં બધું જ શક્ય છે અને જો એ લોકશાહી દેશ હોય અને એમાં પણ ભારત જેવો સંસદીય લોકશાહી દેશ હોય તો બધું જ શક્ય છે. ૨૦૦૦ની સાલમાં કોઈએ કલ્પના પણ કરેલી કે નરેન્દ્ર મોદી ભારતના અત્યંત લોકપ્રિય નેતા અને વડા પ્રધાન બનશે? ત્યારે તેઓ પક્ષની અંદર હાંસિયામાં પણ માંડમાંડ જગ્યા મેળવતા હતા. ૨૦૧૦ પહેલાં કોઈએ કલ્પના પણ કરી હતી કે અણ્ણા હજારે ભારતની પ્રજાના અંતરાત્માનો અવાજ અને રખેવાળ બનશે? ગાંધીજી અને જયપ્રકાશ નારાયણની પંક્તિમાં લોકોએ તેમને બેસાડી દીધા હતા. કોણ જાણે કેમ, પણ અચાનક અણ્ણાનાં મોઢામાં પતાસું આવી ગયું અને એ પણ એટલું મોટું કે તે ખાવું મુશ્કેલ બની ગયું. એટલે જ્યાં પ્રજાકીય સ્પન્દનો માટે મોકળાશ હોય એવા લોકશાહી દેશમાં આવું બને. લોકો કોઈના પણ ગળામાં વરમાળા પહેરાવી દે અને છીનવી પણ લે. વરસ પહેલા શ્રીલંકામાં ત્યાંના એક સમયના લોકપ્રિય નેતા સાથે જે બન્યું એ યાદ હશે.

માટે નરેન્દ્ર મોદીએ પહેલી વાત તો એ ગાંઠે બાંધી લેવી જોઈએ કે તેઓ હવે રાજા નથી. હા, શાસક જરૂર છે, પણ લોકતાંત્રિક માનમર્યાદાઓના બંધનો સાથે.

રાહુલ ગાંધી પપ્પુ નથી એ બીજી તેમને માટે અવશ્ય કડવી પણ રોકડી વાસ્તવિકતા સ્વીકારવી પડે એમ છે. રાહુલ ગાંધીએ પ્રચંડ વિપરીત સંજોગોમાં પોતાને સ્થાપિત કર્યા છે. સંઘર્ષ કરીને અને હકથી. સંજોગો એટલા વિપરીત હતા કે આજે કલ્પના કરો તો ધ્રુજી ઉઠીએ. તેમની વિરુદ્ધ અપપ્રચાર કરવામાં અને ઠેકડી ઉડાડવામાં કાંઈ બાકી નહોતું રાખવામાં આવ્યું. હજારો લોકો અબજો રૂપિયાના બજેટ સાથે આ કામ કરતા હતા. તમે ક્ષણભર પોતાને રાહુલની જગ્યાએ કલ્પો. કોઈ કાચોપાચો માણસ ગાંડો થઈ જાય કે આત્મહત્યા કરી લે કે પછી ભાગી જાય. પ્રચાર એવો પ્રબળ અને વ્યૂહાત્મક હતો કે નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ રાહુલના નામનું નાહી નાખ્યું હતું. દેશને નરેન્દ્ર મોદીના વિકલ્પની જરૂર છે, પણ રાહુલ વિકલ્પ બની શકે એમ નથી એમ તેઓ કહેતા હતા. આવા પ્રચંડ વિપરીત સંજોગોની વચ્ચે એ માણસ સ્થિર ઊભો રહ્યો, એ માણસે સ્વસ્થતા જાળવી રાખી, એ માણસે માણસાઈ જાળવી રાખી, ક્યારે ય કોઈના વિષે એલફેલ બોલ્યો નથી, ગુસ્સામાં ભડાસ કાઢી નથી, કાઁગ્રેસનું ડૂબતું વહાણ છોડીને ઉંદર નાસવા લાગ્યા, કેટલાકને ખરીદી લેવામાં આવ્યા; પણ એ માણસ ટસનો મન ન થયો. રણભૂમિમાં એકલો ઊભો રહ્યો.

રાહુલ ગાંધીનું નહીં તૂટવું અને ટકી રહેવું એ કેટલાક લોકો માટે આશાનું કારણ છે અને કેટલાક લોકો માટે હતાશાનું કે નિરાશાનું કારણ છે. તોડવા માટે આખા બ્રહ્માંડની તાકાત લગાવી અને ઇચ્છનીય પરિણામ ન મળ્યું. હવે તેમને કોઈ પપ્પુ કહેતું નથી અને જો કોઈ કહે છે તો કહેનારાને લોકો હસી કાઢે છે. જે લોકો ઊઘાડી આંખે દુનિયા જોતા નથી કે જોતા ડરે છે તેમને ખબર નથી કે દુનિયા હવે નરેન્દ્ર મોદીને અને રાહુલ ગાંધીને કઈ રીતે જુએ છે.

તો બે કડવી હકીકત ગાંઠે બાંધી લેવી પડે એમ છે. એક એ કે નરેન્દ્ર મોદી હવે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. અને આ જો વાસ્તવિકતા છે તો નરેન્દ્ર મોદી પાસે શો વિકલ્પ બચે છે? જવાબ સ્પષ્ટ છે; રાજામાંથી લોકશાહી દેશનો શાસક બનવાનો. માનમર્યાદા પાળનારો અને સવાલોનો જવાબ આપનારો. આ પરિવર્તન આસાન નથી. કેમેરા સામે અલગ અલગ પોઝ આપવા સહેલા છે, માંહ્યલો બદલવો એ અઘરું કામ છે. મંગળવારે લોકસભામાં આની પ્રતીતિ થઈ ગઈ અને એ અપેક્ષિત હતી. વડા પ્રધાને તેમનાં ભાષણમાં રાહુલ ગાંધીએ અને વિરોધ પક્ષના અન્ય સભ્યોએ ઉઠાવેલા મુદ્દાઓનો એક એક કરીને જવાબ આપવાની જગ્યાએ એ જ જૂનો ઠેકડી ઉડાડવાનો માર્ગ અપનાવ્યો. હવે એ દિવસો ગયા જ્યારે ઠેકડીને પ્રતિસાદ મળતો હતો. લોકસભાની ગઈ ચૂંટણીમાં ઠેરઠેર સર્વત્ર એકધારી રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડી અને પરિણામ સામે છે.

નરેન્દ્ર મોદીએ હજુ એક વાત સમજી લેવી જોઈએ. જો તેમની સરકારે પહેલી અને બીજી મુદ્દત દરમ્યાન કોઈ મહાન કામ કર્યાં હોત અને સામાન્ય લોકો જો બેપાંદડે થયાં હોત તો લોકો તેમની રાજાશાહી અને વિરોધીઓની ઐસીતૈસી કરનારી અને ઠેકડી ઉડાડનારી રાજકીય શૈલીને સ્વીકારી પણ લેત. ગમે તેવી રાજકીય શૈલી હોય, મને લાભ થઈ રહ્યો છે ને! એટલે આ ત્રીજી મુદ્દતમાં બદલાયેલા કદમાં શાસનના મોરચે કામ કરવું પડે એમ છે. પણ તેમનાં ભાષણમાં લોકોના પ્રશ્નો અને તેના ઈલાજ વિષે ખાસ કોઈ વાત તેમણે નહોતી કરી. ૧૩૫ મિનિટના ભાષણમાં વિકાસની આખી એક રૂપરેખા રજૂ કરી શકાય અને વાહવાહ રળી શકાય. ભારતના ભવિષ્યનું નવું પ્રકરણ રજૂ કરી શકાય. પણ એની જગ્યાએ ઠેકડી અને નિંદા!

હજુ પણ કાંઈ બગડી નથી ગયું. હજુ તો ત્રીજી મુદ્દતના શાસનની શરૂઆત થઈ છે. આખાં પાંચ વરસ હાથમાં છે. બસ, મનોમન માત્ર બે સંકલ્પ કરી લે : હવે હું રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 જુલાઈ 2024

Loading

શાહુ મહારાજ એટલે સામાજિક ન્યાયની પ્રત્યંચા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2024

ચંદુ મહેરિયા

કોલ્હાપુર નરેશ છત્રપતિ શાહુ મહારાજ(જન્મ –  26 જૂન 1874 – અવસાન 06 મે, 1920)ની આવરદા તો હતી માંડ અડતાળીસ વરસની જ. પરંતુ આટલા ટૂંકા જીવનકાળમાં એમણે સમાજ સુધારણાના એવા તો બેમિસાલ કામો કર્યાં હતા કે  ભારતના સામાજિક આંદોલનના ઇતિહાસમાં તેઓનું માનભર્યું સ્થાન છે. ૧૮૯૦માં મહાત્મા ફુલેનું અવસાન થાય છે અને ૧૯૧૯માં ડો. આંબેડકર જાહેરજીવનમાં પ્રવેશે છે તે ગાળામાં શાહુ મહારાજે કરેલાં કામો ફુલે-આંબેડકર વચ્ચે અવકાશપૂરક નહોતા. પરંતુ તેની આગવી અને અમીટ છાપ છે.

છત્રપતિ શિવાજીના ત્રીજી પેઢીના વંશજ અને તેમણે સ્થાપેલ મરાઠા સામ્રાજ્યના પાંચમા છત્રપતિ શાહુ મહારાજ રાજકુળમાં જન્મ્યા નહોતા. શિવાજીની જેમ તેઓ પણ જન્મે શૂદ્ર હતા. કોલ્હાપુરના રાજવી શિવાજી ચોથાની હત્યાથી તેમના સંતાનવિહોણા વિધવા આનંદીબાઈએ જાગીરદાર જયસિંહરાવ ઘાટગેના દસ વરસના પુત્ર યશવંતરાવને ૧૮૮૪માં દત્તક લીધા હતા. આનંદીબાઈના આ દત્તક પુત્ર એ જ કોલ્હા પુરનરેશ શાહુ મહારાજ. ગુજરાત સાથે શાહુ મહારાજનો મહત્ત્વનો નાતો રહ્યો છે. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. વડોદરાનાં મરાઠા સરદારનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે તેમના લગ્ન થયાં હતાં.

વીસ વરસની વયે ૧૮૯૪માં જ્યારે શાહુ મહારાજે રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારનો સમાજ રૂઢિદાસ્ય, ભીષણ વર્ણવાદ અને આભડછેટ, મહિલાઓની બદતર હાલત, નિરક્ષરતા, ગરીબી અને ગુલામીમાં સબડતો હતો. યુવાન રાજવી શાહુ પણ તે માંહેલા જ હતા. તેમની કેફિયત પ્રમાણે તેઓ કન્જર્વેટિવ કે પુરાણપંથી હતા. જ્ઞાતિભેદ ટકવો જોઈએ અને તેનું પાલન થવું જોઈએ તેવું માનનારા હતા. આ પ્રકારના જ્ઞાતિગુમાનથી અન્યનો વિકાસ રૂંધાય છે તેનું પણ તેમને ભાન નહોતું એમ પણ તેમણે લખ્યું છે. કોલ્હાપુર રાજ્યની પ્રજાની વચ્ચે રહેતા-ફરતાં અને પુરોહિત વર્ગના પોતાના પ્રત્યેના વર્તનના જાત અનુભવથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને વિચારો બદલાયા. તેમના સામાજિક સુધારણાના કામોનો રાજ્યના કથિત ઉચ્ચ વર્ણના લોકોએ ભારે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે રાજગાદી છોડીશ પરંતુ સામાજિક પ્રતિબધ્ધતાના કાર્યોમાં પીછેહઠ નહીં જ કરું. ડો. આંબેડકર સાથેનો તેમનો સંબંધ તો અઢીએક વરસનો (૧૯૧૯થી ૧૯૨૨) રહ્યો. પરંતુ બાબાસાહેબે તેમને સામાજિક લોકતંત્રના આધારસ્તંભ કહી બિરદાવ્યા એ કક્ષાના તેમના  કામો હતાં.

કોલ્હાપુરના રાજવહીવટમાં એક જ્ઞાતિવિશેષનું કે બ્રાહ્મણોનું પ્રભુત્વ છે અને વહીવટ સર્વસમાવેશી નથી તેવું શાહુ મહારાજના ધ્યાનમાં આવ્યું. સ્વતંત્ર ભારતમાં આજે પણ શક્ય નથી તે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તેમણે ૧૯૦૧માં કરાવી હતી. રાજ્યવહીવટના મહત્ત્વના ૭૧ અધિકારીઓમાં ૬૦ અને ૫૦૦ કારકુનોમાં ૪૯૦ બ્રાહ્મણો હતા. એટલે ૨૬મી જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે અભિનવ પહેલ કરીને કથિત અસ્પૃશ્યો અને પછાતો માટે ૫૦ ટકા અનામત દાખલ કરી હતી. તેથી આજે પણ તેઓનું અનામતના જનક તરીકે સ્મરણ કરવામાં આવે છે. તેઓ રાજ્યના વહીવટમાં તમામ જ્ઞાતિઓની સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા. અનામત દ્વારા સામાજિક ન્યાયનું તેમનુ કદમ સફળ થયું હતું. અમલના દસ જ વરસમાં, ૧૯૧૨માં, કોલ્હાપુર રાજ્યમાં ૯૫માંથી ૬૦ અધિકારીઓ બિનબ્રાહ્મણો હતા. શાહુ મહારાજ તેથી અટક્યા નહીં. તેમણે કોલ્હાપુર નગરપાલિકામાં પણ કથિત અછૂતો માટે અનામત બેઠકો મુકરર કરી. તેના લીધે જ તેમની રાજવટ દરમિયાન એક દલિત કોલ્હાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

સમાજ સુધારણાનાં કોઈ કામો શાહુ મહારાજે બાકી રાખ્યાં નહોતા. મહાત્મા ફૂલેનાં કાર્યોનો તેમના પર જબ્બર પ્રભાવ હતો. તેમની સંસ્થા સત્ય શોધક સમાજની તેમણે પોતાના રાજ્યમાં રચના કરી અને ફુલેનાં કાર્યો આગળ ધપાવ્યા. ફુલે-આંબેડકરની જેમ શાહુ પણ વંચિતોના વિકાસમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા હતા. ૧૯૧૨માં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યુ અને પાંચ વરસ પછી ૧૯૧૭માં નિ:શુલ્ક કર્યું હતું. ૫૦૦થી ૧૦૦૦ની વસ્તીના ગામોમાં પ્રાથમિક શાળા ખોલી. શાળાઓમાં દલિતો-પછાતો પ્રત્યે કોઈ ભેદભાવ આચરવામાં ના આવે તે માટેનું ફરમાન જારી કર્યું. તેમના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યે આર્થિક મદદ કરી. જ્ઞાતિના વિરોધી હોવા છતાં તત્કાલીન સમયની સ્થિતિ પારખીને બ્રાહ્મણ, મરાઠા, મહાર, ક્ષત્રિય, વૈશ્ય  માટે જ નહીં ખ્રિસ્તી, મુસલમાન અને જૈનો માટે પણ અલગ હોસ્ટેલ્સ શરૂ કરી હતી. હાયર એજ્યુકેશન માટે કોલ્હાપુર શહેરમાં જ ૨૨ હોસ્ટેલનું નિર્માણ કર્યું હતું.

રાજર્ષિ શાહુ ડો. આંબેડકરના સાથી, સમર્થક અને સહાયક હતા. ૧૯૧૯માં તેઓ સામે ચાલીને નવ યુવાન આંબેડકરને મળવા મુંબઈ ગયા હતા. ૧૯૧૯માં માણગાંવ પરિષદના અધ્યક્ષ તરીકે તેમણે આંબેડકરની પ્રતિભા અને પ્રતિબધ્ધતા પારખીને દલિતોને તેનો સાચો નેતા મળી ગયો છે અને તે તેમનો ઉધ્ધારક બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બાબાસાહેબને એમના અધૂરા વિદેશ અભ્યાસ માટે તો એમણે આર્થિક સહાય કરી તેમના વિદેશવાસ દરમિયાન પત્ની અને બાળકોને સાચવ્યાં. જે જમાનામાં સોનુ તેર રૂપિયે તોલો હતું ત્યારે તેમણે આંબેડકરના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ને રૂ. ૨,૫૦૦ની માતબર સહાય કરી હતી. રાજ્યના વહીવટ, શિક્ષણ અને દવાખાનાઓમાં આભડછેટનું આચરણ ના થાય તે માટે તેમણે નિયમો ઘડ્યા હતા. જ્ઞાતિને તેઓ સમાજના સર્વાંગીણ વિકાસના માર્ગનું રોડું માનતા હતા. એટલે તેનું સંપૂર્ણ નિર્મૂલન થાય તે માટેના તેમના પ્રયાસો હતા. જ્ઞાતિભેદનો વિરોધ કરનારા પણ જ્યારે જ્ઞાતિદ્વેષ ના રખાવો જોઈએ એમ કહેતા ત્યારે શાહુ મહારાજનો જવાબ રહેતો  કે જ્ઞાતિને કારણે જ બેઉ છે એટલે એક સારું ને બીજું નહીં સારું એવું ન ચાલે.

મહિલાઓની સ્થિતિ સુધારવા તેમણે રાજ્યમાં મહિલાઓ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. દીકરીઓને પિતાની સંપત્તિની વારસ  ઠેરવતા કાયદા ઘડ્યા. બાળલગ્નને પ્રતિબંધિત કર્યા તો વિધવા વિવાહનું સમર્થન કર્યું હતું. દલિત મહિલાઓનાં જાતીય શોષણની ધાર્મિક પ્રથા દેવદાસી પર પ્રતિબંધ લાદ્યો. આંતરજ્ઞાતિય લગ્નોને પણ મંજૂરી અને પ્રોત્સાહન આપ્યા હતા. બાળમજૂરી જ નહીં વેઠપ્રથા પણ બંધ કરાવી હતી. થોડી જમીનના ટુકડા માટે આખા કુટુંબે ગામની મફત સેવા કરવાની બલુંતદારી પ્રથામાંથી અછૂતોની મુક્ત કરાવી આર્થિક પરાધિનતામાંથી છોડાવ્યા હતા. ખેડૂતો માટે સહકારી ધોરણે મંડળીઓ બનાવી બજાર પૂરું પાડ્યું. તેમને ખેતીમાં પ્રયોગો કરવા કે ખેતી સુધારવા વિદેશથી નિષ્ણાતો બોલાવી માર્ગદર્શન અપાવ્યું. આધુનિક કૃષિના સાધનો ખરીદવા નાણાંકીય મદદ કરી.

બ્રિટિશકાલિન ભારતના દસ પ્રભાવશાળી રાજ્યો પૈકીના એક કોલ્હાપુરમાં શાહુજીએ ધર્મસ્થળોની સંપત્તિ અને દાનને લોકહિતનાં કાર્યોમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. સદી પૂર્વે મંદિરોના પૂજારી તરીકે મરાઠાઓની નિમણૂક કરવાનો નિર્ણય ભારે વિરોધ છતાં અમલી બનાવ્યો. બિનબ્રાહ્મણ પૂજારીઓની સમયબદ્ધ તાલીમ માટે વ્યવસ્થા કરી. તમામ વિદ્યાર્થીઓને સમાન ધોરણે શાસ્ત્રોનું જ્ઞાન મળે તે માટે વૈદિક શાળાઓ સ્થાપી હતી.

સમાજ સુધારક શાહુએ આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખ્યો હતો. ૧૯૦૬માં એમણે સ્પિનિંગ અને વિવિંગ મિલ સ્થાપી ઉદ્યોગો તરફ પ્રજાને વાળી. ૧૯૦૭માં ભોગાવતી નદી પર વિખ્યાત ઈજનેર વિશ્વેશ્વસરૈયાના માર્ગદર્શનમાં રાધાનગરી બંધ બંધાવવો શરૂ કર્યો હતો. બંધને કારણે નદીનું પાણી રોકી પૂર અને દુકાળથી લોકોને બચાવ્યા તો પીવાના અને સિંચાઈના પાણી ઉપરાંત બંધને લીધે જળવિધ્યુત ઉત્પન્ન કરવાનું ગોઠવ્યું. આજે પણ રાધાનગરી બંધ શાહુ મહારાજના સ્મૃતિ થાનક તરીકે હયાત છે.

ચૂંટણી ટાણે ગરીબો કે દલિતોના વોટ મેળવવા કે તેમની વોટબેન્ક્નું સમર્થન હાંસલ કરવા આજના રાજનેતાઓ તેમના ઘરે વાળુપાણી કરવા પહોંચી જાય છે. પરંતુ શાહુ મહારાજનો આભડછેટ નાબૂદી અને દીનદુખિયા પ્રત્યેની સંવેદનાનો અભિગમ સાચા દિલનો અને નોખો હતો. અસ્પૃશ્યતાનો ભોગ બનેલા રાજમહેલના દલિત કર્મચારી ગંગારામ કાંબળેને નોકરી છોડાવી મહારાજે મદદ કરી ચાની લારી ચાલુ કરાવી. અછૂત ગંગારામની  ચા કોઈ પીવે નહીં એટલે લોકસંપર્ક કે શિકારે જતા શાહુ મહારાજ રોજ અચૂક ગંગારામની લારીએ જતા અને તેની ચા પીતા. સાથે આવેલા સૌને પીવડાવતા. આ રીતે મહારાજે કોઈ દબાણ કે ધાકધમકી સિવાય ખુદના આચરણથી દલિતની ચા સૌને પીતા કર્યા. અને આભડછેટ અંશત દૂર કરી.

મહારાષ્ટ્ર અને ભારતના આવા અનન્ય સમાજ સુધારક શાહુ મહારાજને દોઢસોમા જન્મ પર્વે આદરભેર સલામ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

રોજગારી

નંદિતા મુનિ|Poetry|3 July 2024

દિવસ ઊઠે છે

રોજ રોજ

પોતાનું પેટિયું રળવા

દહાડી કરતા મજૂર જેવો;

ને વહેલો વહેલો

અડધો કપ ચા પી,

જલદીથી બીડી તાણી,

ગળું ખંખારી થૂંકીને

ઝટ કામે ચડે છે.

કો’ક દી એને કામ મળે છે

ઈંટ પર ઈંટ પર ઈંટ પર ઈંટ પર ઇંટ પર ઇંટ મૂકી

મને ચણી દેવાનું.

કો’ક દી એ ઘણ લઈ

ઘા પર ઘા મારી મારી

પરસેવો લૂછતાં લૂછતાં

મને તોડી તોડી

ઝીણી કપચી બનાવ્યા કરે છે.

દિવસ રોજ હાંફી જાય છે.

દિવસના ફાટેલા ખમીસમાંથી પાંસળાં દેખાય છે.

આખો દિવસ કાળી મજૂરી કરી

દિવસ રળે છે

મારા શ્વાસની રોકડ – ને

રાત પડ્યે ચોથિયા ચાંદાનો રોટલો ખાઈ

દિવસ થાક્યો પાક્યો સૂઈ જાય છે-

ફરીથી વહેલો ઊઠી

મજૂરીએ ચડવા માટે.

e.mail : nandita.muni@gmail.com
(પ્રગટ : “નવનીત સમર્પણ” જુલાઈ 2024; પૃ. 23)

Loading

...102030...515516517518...530540550...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved