Opinion Magazine
Number of visits: 9557450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો

મનસુખ સલ્લા|Opinion - Opinion|23 September 2024

મનસુખભાઈ સલ્લા

આજે હિંદુ સમાજ એકથી વધુ વમળમાં ફસાયેલો જોવા મળે છે. એટલે એવા અનેક મોરચા ખૂલી રહ્યા છે જેમાં ભરપૂર આંતરવિરોધ હોય. મૂળે હિંદુધર્મ વૈદિક ધર્મરૂપે સ્વીકાર્ય અને વિકસિત થયો હતો. એમાં એક જ દેવ, એક જ ગ્રંથ, એક જ ગુરુ કે એક જ પ્રતિમાનો આગ્રહ નહોતો – જે ઇસ્લામ, ખ્રિસ્તી કે અન્ય ધર્મોમાં જોવા મળે છે. કારણ કે વૈદિક ધર્મનો પાયો ઉપનિષદો અને ગીતા છે. ઉપનિષદો અને ગીતા કોઈ અમુક ધર્મ કે ફિરકાનું પ્રગટીકરણ નથી, પરંતુ જીવનધર્મની વૈશ્વિક વિચારણાનું પ્રગટીકરણ છે. એટલે ઉપનિષદો અને ગીતાની વિચારણા તમામ ધર્મના લોકોને અસર કરે છે, સ્વીકાર્ય બની શકે તેમ છે.

જેને વૈદિકધર્મ તરીકે ઓળખવામાં આવે છે તે મૂળ સંકુચિત, બંધિયાર કે આચરણબદ્ધ નહોતો. પરંતુ ધર્મની વિચારણા પાછળ આખરે તો માણસ હોય છે. માણસને પોતાનાં હિત કે ગમા-અણગમા હોય છે. કોઈપણ ધર્મનું વિશુદ્ધ સ્વરૂપ ઉદાર, મોકળાશભર્યું અને સર્વસમાવેશક હોય છે. એના બદલાવમાં પાંચસો-હજાર વર્ષ લાગતાં હોય છે. વળી તત્કાલીન અનુભવોને પારદર્શક રીતે તપાસવાની, મૂલવવાની અને સ્વીકારવાની તૈયારી ઘટે ત્યારે અમુક આચારો કેન્દ્રમાં આવી જાય છે. આ મોટું જોખમ હોય છે. પછી એવાં સંકુચિતતા કે બંધિયારપણાનું પણ મહિમાગાન શરૂ થાય છે.

ઉપનિષદો અને ગીતાની ઉદાર, વૈશ્વિક અને પ્રાણીમાત્રના અસ્તિત્વનું ગૌરવ કરનારી વિચારણાની જગ્યાએ હિંદુધર્મ ત્યાં સુધી સંકોચાયો કે એમાં ચાતુર્વર્ણ્ય કર્મ પ્રમાણે હતા તે જન્મ પ્રમાણે બની ગયા. આ દેશમાં ક્ષત્રિયો ઋષિ બની શકતા હતા, જેને પોતાના પિતા કોણ છે તેની ખબર નહોતી તે સત્યકામ ગુરુકુળનો આચાર્ય બની શકતો હતો, વારાંગના સાધ્વી બની શકતી હતી. વિચારની આ મોકળાશ ગુમાવી ત્યાર પછી વિધિ-વિધાનો અને આચારો મુખ્ય બન્યાં અને માણસ ગૌણ બન્યો. ઉપલા વર્ગોએ સંપત્તિ, બળ અને સ્થાનને આધારે પોતાનાં હિતો જાળવવા અમાનવીય ગણાય એવાં ધોરણો પ્રચલિત કર્યાં. શુદ્રવર્ગને માત્ર હલકો વર્ગ જ ગણવામાં ન આવ્યો, પરંતુ અસ્પૃશ્ય ગણવામાં આવ્યો. સ્ત્રીનું સ્થાન-માન એટલું સંકોચાયું કે સતીપ્રથાને ધાર્મિક ગણવામાં આવી.

લગભગ એક હજાર વર્ષના મુસ્લિમ અને અંગ્રેજ શાસનમાં હિંદુ-સમાજ વિચારને બદલે આચારને કેન્દ્રમાં મૂકતો થયો. દેવદેવલાં અને પૂજાવિધિઓમાં તેમને સત્ત્વજાળવણીનો મહિમા દેખાયો. એટલે એક માણસ દિવસમાં દસ વખત સ્નાન કરતો હોય તો એ પવિત્ર ગણાયો. પવિત્રતા અને સ્નાનને અનિવાર્ય સંબંધ નથી એ ભુલાયું. એટલું જ નહિ, એવા આચારોનું મહિમામંડન થયું. બાકીનાને પોતાનાથી ઊતરતા ગણવામાં ગૌરવાનુભવ થવા લાગ્યો.

‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્‌’ની વિચારણા કરનારો આ દેશ જ્ઞાતિ-જાતિની ચડતી-ઊતરતી ભાંજણીમાં વહેંચાઈ ગયો. અસ્પૃશ્યોને મંદિરપ્રવેશ કે દર્શનનો પણ અધિકાર ન રહ્યો. સ્ત્રીઓ પૂજા કે યજ્ઞમાં પડખે ભલે બેસે, પણ તેનો શિક્ષણનો, પસંદગીનો, કર્તૃત્વનો અધિકાર ઝૂંટવાઈ ગયો. એનો આત્યંતિક છેડો ત્યાં સુધી પહોંચ્યો કે હનુમાનજીને હાથ જોડીને સ્ત્રીઓ પગે ન લાગી શકે, હાથ પાછળ રાખીને નમન કરી શકે. આ સઘળું આચારધર્મ કેન્દ્રમાં મૂકવાને કારણે થયું. એનો સૌથી નિકૃષ્ટ નમૂનો સતીપ્રથા છે.

ધર્મતત્ત્વને રાજકારણ સાથે જોડવામાં આવે છે ત્યારે રાજા, શાસક કે અમુક વર્ગને તત્કાલ લાભ પણ થાય, પરંતુ ધર્મતત્ત્વને અવશ્ય હાનિ પહોંચે છે. ધર્મતત્ત્વ મનુષ્યની વ્યક્તિગત સાધના છે. મનુષ્યને રુચે એ પદ્ધતિથી અને એ રીતે ઉપાસના કરે. તેમાં ચડતો-ઊતરતો ક્રમ ન હોઈ શકે, કે અમુક જ પદ્ધતિ સાચી એવો આગ્રહ ન હોઈ શકે. પરંતુ આજે એને મહત્ત્વ અપાઈ રહ્યું છે. નાગરિક ધર્મ અને અમુક ધર્મમાં શ્રદ્ધા એ બે તદ્દન ભિન્ન તત્ત્વો છે. નાગરિક ધર્મનો આધાર બંધારણ છે. બંધારણનાં મૂલ્યો છે. તેમાં જ્ઞાતિ-જાતિ કે ધર્મ વચ્ચે આવતો નથી. તમામ ધર્મોએ આનો સ્વીકાર કરવો રહ્યો. ચોરી, વ્યભિચાર, છેતરપીંડી, હત્યા કે સામાજિક સુરક્ષાના નિયમો માટે ધર્મ કે જાતિ પ્રમાણે નિયમો નથી હોતા. બંધારણમાં માણસમાત્ર માટે સમાન નિયમો હોય છે. બંધારણ સર્વસામાન્ય નિયમો પર પ્રતિષ્ઠિત હોય છે.

આથી ઊલટું થવાથી જે દુષ્પરિણામ સર્જાયું તે એ છે કે ભારતમાં શ્રમિક હલકો, ઊતરતો, ઓછું મહેનતાણું મેળવનારો હોય છે. યુરોપ-અમેરિકામાં કે કોઈપણ વિકસિત દેશમાં શ્રમિક માટે આટલો તુચ્છભાવ નથી હોતો. એટલે તો જાતે કશું ય કરવું એ આ દેશમાં હલકું કામ ગણાય છે. કોઈ પણ દેશના વિકાસનો મૂલાધાર શ્રમ હોય છે. પરંતુ ભારતમાં શ્રમનાં કામો હલકાં ગણાય છે. એથી સૌને બેઠાડુ એવી સરકારી નોકરી જ જોઈએ છે. (અને કોઈપણ દેશમાં સરકારી નોકરી ૬-૭ ટકાથી વધારે નથી હોતી.) એટલે ભારતમાં ૩૫ જગ્યા માટે પાંચ લાખ અરજી આવે છે.

હિંદુધર્મની સંકોચનની આ પ્રક્રિયાને પરિણામે નીચલી ગણાતી જ્ઞાતિઓ, અસ્પૃશ્યો, ગિરિજનો, મહેનતુ વર્ગ છે ભલે બહુમતીમાં, પરંતુ તેમના ગૌરવના પુન:સ્થાપન માટે ભાગ્યે જ વિચારણા થાય છે. રાજકીય પક્ષો પોતાના હિત માટે આ વિશાળ વર્ગને વાપરવામાં માને છે, તેમને ગૌરવપૂર્ણ જીવન મળે એમાં નથી માનતા. કેટલાક તો આ સૌ ન ભણે કે સારું ન ભણે એમ ઇચ્છે છે. જેથી કાયમ માટે ‘કીધું કરનારો’ વર્ગ મળી રહે એવું ગોઠવી શકાય.

મંદિર એ શ્રદ્ધાસ્થાન છે. જેને જ્યાં રુચે ત્યાં જાય. પરંતુ આજે મંદિર એ દેખાડાનું સ્થાન બનતાં જાય છે. તેમાં પ્રવેશ માટે મોટી રકમો લેવાય છે. બીજાં અનેક અનિષ્ટો પણ પ્રવેશ્યાં છે. મંદિરો પાસે અબજો રૂપિયા જમા છે, તેમાંથી તેઓ નિશુલ્ક હૉસ્પિટલો સ્થાપી શકે, નિશુલ્ક ઉત્તમ વિદ્યાલયો ચલાવી શકે. પરંતુ મંદિરોને એવાં આયોજનોમાં ધાર્મિકતા દેખાતી નથી. ભપકાભર્યાં આયોજનોમાં જ ધાર્મિકતા જોવાય છે.

આ દેશમાં ૧૪૫ કરોડ આસપાસની વસ્તી છે. તેમાં ૮૦ કરોડ લોકો સરકારના પાંચ કિલો અનાજ ઉપર ગુજારો કરે છે. એટલી કારમી ગરીબી આ દેશમાં છે, ત્યારે એક લગ્નમાં ૫૫૦ કરોડ રૂપિયા ખર્ચાય કે મંદિરોમાં સોનાની ઈંટો ચઢાવાય એ કેટલું વાજબી ગણાય એવો પ્રશ્ન આપણને થતો નથી.

મોટી વસ્તી ગામડામાં, પછાત વિસ્તારમાં અને પછાત ગણાતા વર્ગમાં અભાવમાં જીવતી હોય ત્યારે તેમાંથી પાંચ-દસ જણને ઊંચા સ્થાને બેસાડી દેવાથી આખા વર્ગનું ખરું ગૌરવ થતું નથી. તેમને આત્મગૌરવનો અનુભવ થાય એવી સામાજિક અને આર્થિક સ્થિતિ સર્જવી એ સાચો હિંદુધર્મ છે. ગાંધીજીએ દેશનું મોં સાચા ધર્મતત્ત્વ તરફ વાળ્યું હતું. પરંતુ એમને ભૂલી જવા માટે વ્યાપક રીતે બધી શક્તિ ખર્ચાય છે. એમાં નુકસાન ગાંધીજીને નથી, આ દેશની માનવીય વિકાસ પ્રક્રિયાને છે.

આ દેશ યુરોપ કરતાં મોટો છે. ઈશાન ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને બાકીના ભારતમાં અપાર વૈવિધ્ય છે. વસ્તી એટલી મોટી છે કે ગાંધીજીએ કહેલું ફરી યાદ કરાવવું જરૂરી છે : ‘સૌને સ્થાનિક સ્વમાનપૂર્ણ રોજી મળવી જોઈએ.’ આપણે કોમ્પ્યુટર ક્રાંતિ અને એ.આઈ.થી લુબ્ધ થઈને વધુ હાથને કામ વગરના કરવા તરફ તો નથી જઈ રહ્યા ને ? દુનિયા સાથે આપણે શાની હરીફાઈ કરવાની છે ? ઉદ્યોગપતિઓને ૧૦૦ માણસોને બદલે એક રોબોટથી કામ લેવાનું વધારે ગમે. તેમાં નફો વધારે મળે અને ચિંતા ઓછી રહે. પરંતુ આટલી મોટી વસ્તીને કામ વગરની કરીને પછી રાહતના ટુકડા આપવાથી આ દેશનો મૂળ પ્રશ્ન નહિ ઊકલે. દેવામાફી, અમુક વસ્તુઓ મફત આપવી, એને બદલે સ્વમાનપૂર્ણ રોજગાર વધે એ આ દેશનો ખરો માનવધર્મ છે.

કમનસીબે સ્વરાજના પ્રારંભથી ગાંધીપ્રબોધિત સાદગીપૂર્ણ જીવનશૈલીને ભૂલી જવામાં આવી. આજે ૫ ટકા સંપન્નો પાસે દેશની ૯૦ ટકા સંપત્તિ છે. અને ૯૫ ટકા વસ્તી પાસે ૧૦ ટકા સંપત્તિ છે. આ ધાર્મિક વલણ ગણાય ખરું ? ખરેખર તો આ દેશમાં રાજકારણીઓ, ધાર્મિક આગેવાનો અને ઉદ્યોગપતિઓના વૈભવી દેખાડાને બદલે સાદગીપૂર્ણ જીવનને મહત્ત્વ આપવાની જરૂર છે. (ઈકોલોજી પણ એ જ કહે છે.) આ દેશે પ્રાચીનકાળથી ત્યાગી અને તપસ્વીઓને પોતાના હૈયે સ્થાપ્યા છે, વૈભવનો દેખાડો કરનારને નહિ.

આ દેશમાં મુખ્ય જરૂરિયાત કામ ઇચ્છતા દરેકને કામ મળે અને શોષણરહિત વાજબી વળતર મળે એ જ ખરી ધાર્મિકતા છે. એનો સંસ્કાર બાળપણથી સ્થિર કરવા માટે તાર્કિક બુદ્ધિનો વિકાસ કરે તેવું શિક્ષણ આપવાની જરૂર છે. અત્યારે જે પ્રકારનું રટવાનું, યાદ રાખવાનું શિક્ષણ અપાઈ રહ્યું છે તે દેશને પાછળ લઈ જશે. એને બદલે તપાસવાનું, વિચારવાનું અને શોધવાનું શિક્ષણ આપવું જરૂરી છે.

કોઈપણ ધર્મની યથાર્થતા એમાં છે કે તે માણસને સંતોષી, પ્રામાણિક, ન્યાયપ્રિય, જવાબદાર અને ઉદાર થતાં શીખવે. વૈદિક ધર્મનાં મૂળ એમાં છે. નવા ભારત સામેનો મહાન પડકાર આ છે. એક પક્ષને બદલે બીજો પક્ષ રાજગાદી સંભાળે એટલાથી પૂરતું નહિ થાય. એટલે કે આધ્યાત્મિકતાનો પાયો નૈતિક મૂલ્યો છે. અને નૈતિક મૂલ્યો માનવીય ગૌરવ વિના સર્જી શકાતાં નથી. જ્ઞાતિ-જાતિ-લિંગ-ધર્મના ભેદ વિનાનું માનવીય ગૌરવ એ આ દેશનું મૂળ ધર્મતત્ત્વ છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2024; પૃ. 07 તેમ જ 17

Loading

અવલંબન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|23 September 2024

“ઉમેશભાઈ છે ઘરમાં?”

“આવો, આવો કિશોરભાઈ. ઘણા દિવસે તમે આવ્યા.”

“મારો એક નિયમ છે કે ઘરનું ભાડું જો નિયમિત મળતું હોય ત્યાં હું જતો નથી. શું કામ નાહકના ભાડુઆતને હેરાન કરવા. હું, ગઈ કાલે જ કલકતાથી આવ્યો. તમને આજે તો હું એક ખાસ વાત કહેવા આવ્યો છું.”

“કિશોરભાઈ, તમે ઘણા દિવસ પછી આવ્યા છો, બેસો, બેસો, આપણે વાતો નિરાંતે કરીએ. તમે મળવા આવ્યા એ મને ગમ્યું.”

“મહેશભાઈ, જુઓ તો તમારા બનેવીને ફરીથી તાવ તો નથી ચડ્યો ને?”

“ના, ભાઈ, તમે બેસો હું જ જોઈ આવું.” એમ કહી ઉમાબહેન ઉમેશભાઈના રૂમમાં ગયાં.

“જુઓ ઉમાબહેન, મારે બહુ ઉતાવળ છે. મારે હજી બીજા ભાડુઆતને પણ મળવાનું છે. હું પછી આવીશ.”

“ઊભા રહો, ઊભા રહો, કિશોરભાઈ. હું  તમારા ભાઈને જોઈ હમણાં જ પાછી આવું છું. તમારે થોડીક રાહ જોવી પડશે. પણ, તેની સંભાળ લેવી પણ બહુ જરૂરી છે. એ છેલ્લા છ મહિનાથી પથારીવશ છે.”

“ઉમાબહેન, મારે ઉતાવળ છે. તમે મારી વાત  સાંભળી લો, આપણે વાત થઈ હતી કે હું બધાં જ ભાડુતને ત્રણ વર્ષ માટે જ મકાન ભાડેથી આપુ છું. એટલે ત્રણ વર્ષ આવતા મહિને પૂરા થાય છે. તમારે મકાન ખાલી કરી આપવાનું છે. તમને તકલીફ ન પડે એટલે અગાઉથી જાણ કરવી સારી, એટલે આજે તમને જાણ કરવા જ આવ્યો છું. બાકી બીજું કોઈ મારે કામ નથી.”

“સારું કિશોરભાઈ, અમને થોડો સમય વધારે આપો ને. તમારા ભાઈની તબિયત સારી નથી એ સાજા થઈ જાય એટલે તમારું મકાન અમે વાયદા પ્રમાણે જરૂર ખાલી કરી આપશું. અમને પણ તમારા નિયમની ખબર છે.”

“ના, ના એવું ન ચાલે તમારે … મકાન ….”

“જરા, ઊભા રહો, કિશોરભાઈ. હું તેમને પૂછી આવું પાણીની તરસ તો નથી લાગીને?”

“મહેશભાઈ, તમે કિશોરભાઈને સમજાવોને આવો તંત ન કરે. આપણે ક્યાં અહીંયા કાયમ રહેવું છે.”

“કિશોરભાઈ, ઉમાની વાત સાચી છે. ઉમાને તમે થોડોક સમય આપો તો સારું.”

“મહેશભાઈ, તમે ઉમાબહેનના શું સંબંધમાં થાવ છો?”

“હું ઉમાનો મોટો ભાઈ છું અને તેની પરિસ્થિતિ જાણું છું.”

ઉમાબહેન બહાર આવીને પાછા ઉમેશભાઈના રૂમમાં ગયાં, પાછળ મહેશભાઈ ગયા … થોડો સમય થયો એટલે  કિશોરભાઈને લાગ્યું કે ઉમાબહેન અને મહેશભાઈ બંને ઉમેશભાઈના રુમમાં ખોટું બહાનું કાઢીને ભરાઈ ગયાં છે અને મારી વાતને અવગણે છે. હું અહીયાથી ચાલ્યો જાવ તેની અંદર બેઠા રાહ જુએ છે.

કિશોરભાઈ ઊભા થઈને ઉમેશભાઈના રૂમમાં ગયા તો પલંગ ખાલી હતો. કિશોરભાઈએ મહેશભાઈને ઇશારાથી પૂછ્યું, “આ ઉમેશભાઈ ક્યાં છે?”

મહેશભાઈ, કિશોરભાઈનો હાથ ઝાલી બહાર લઈ આવ્યા મહેશભાઈની આંખોમાં આસું હતા. “કિશોરભાઈ, ઉમેશભાઈ તો છ મહિના પહેલાં મૃત્યુ પામ્યા છે, પણ ઉમા હજી એમ જ માને છે કે એ જીવિત છે. સતત તેના મય જીવન જીવી રહી છે. ઉમેશભાઈનું અવલંબન છોડી શકતી નથી. બાવરી થઈને સતત આમજ કર્યા કરે છે. હવે, તમે જ બોલો, અમે શું કરીએ?”

રૂમમાંથી ઉમાબહેનનો અવાજ આવ્યો, “મહેશભાઈ, જલ્દી આવો તો, તમારા બનેવીને પાછો તાવ ચડ્યો લાગે છે.”

કિશોરભાઈ  કંઈ જ બોલ્યા વગર સજળ આંખે ત્યાંથી નીકળી ….

e.mail : nkt7848@gmail.com

Loading

સર્જન પૂર્વે વિનાશ

જોસફ કૅમબલ [અંગ્રેજી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|23 September 2024

જીવનના આપણાં આયોજનને ત્યજવા તૈયાર રહેવું પડશે,

આપણી વાટ જોતી જિંદગી જો મેળવવી હશે.

નવી ચામડી આવે માટે જૂની ચામડી ઊતારવી પડશે.

જૂનીને વળગી રહીવાથી ફસામણી થશે.

કોઈ પણ સ્વરૂપ જકડી રાખવાથી કોહવાડનો ખતરો રહે છે.

સુકાઈ રહેલું જીવન નર્ક છે.

સંગ્રહખોર,

આપણી ભીતરનો, જે રાખવા મથે છે, પકડી રાખે છે,

એનો સંહાર કરવો પડશે.

સાંપ્રત સ્વરૂપને વળગી રહેવાથી આગામી સ્વરૂપ નથી પામી શકાતું.

ઈંડા ફોડ્યા વગર ઑમલૅટ નથી બનાવી શકાતું. 

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...514515516517...520530540...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved