Opinion Magazine
Number of visits: 9740785
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મુલાકાત

મ્યૂરિયેલ લેસ્ટર / મહાદેવ દેસાઈ|Gandhiana|29 December 2024

એક દેખાવ મારા સ્મરણમાં આબેહૂબ રહી ગયો છે. ગાંધીજી હાથમાં એક તાર લઈને બેઠા છે. મૂંઝાયેલા હોય એમ સ્પષ્ટ દેખાય છે, ને પોતાની મૂંઝવણથી એમને જરા રમૂજ પણ પડે છે. એમની આસપાસ એમના જવાબની રાહ જોતું મંત્રીમંડળ બેઠું છે. હું ઓરડામા પેસું છું ત્યાં મૌન તૂટે છે, ને શબ્દો મારે કાને પડે છે : “પણ એ તો માત્ર વિદૂષક છે. એને મળવામાં કશો અર્થ નથી.” એને ના લખી દેવા માટે ગાંધીજી એક મન્ત્રીના હાથમાં તાર આપતા હતા, ત્યાં મેં તાર મોકલનારનું નામ જોયું.

“પણ તમે આમને નથી ઓળખતા, બાપુ?” મેં પૂછ્યું. મને બહુ જ અચંબો થયો હતો.

“ના,” કહી ગાંધીજીએ તારનો ચોળાઈ ગયેલો કાગળ પાછો લીધો, ને જે જ્ઞાન મન્ત્રીઓ નહોતા આપી શક્યા તે મેળવવા મારી સામે નજર નાખી.

“ચાર્લી ચેપ્લીન! એના પર તો આખી દુનિયા વારી જાય છે. એને તો આપે મળવું જ જોઈએ. એની કળાનું મૂળ મજૂરવર્ગના જીવનમાં છે. ગરીબોને જેમ આપ સમજો છો તેમ એ પણ સમજે છે. એમના ચિત્રોમાં એ હંમેશાં ગરીબોને માન આપે છે.”

એટલે બીજે અઠવાડિયે, ‘બો’થી પણ પૂર્વ દિશામાં, કેનિંગ ટાઉનની એક પાછલી શેરીમાં આવેલા ડો. કતિયાલના ઘરમાં આ મુલાકાત ગોઠવાઈ, ને એ ભાગના લોકોને આ બંને પુરુષોને આવકાર આપવાનો બેવડો લહાવો મળ્યો. અમે સહુએ એ આગામી મુલાકાત વિષે મોઢું બીડેલું રાખવાની પ્રતિજ્ઞા લીધેલી. છતાં એ ભેદ ક્યાંકથી ફૂટી ગયો; ને મુલાકાત વખતે રસ્તા પર લોકોની મોટી ઠઠ જામી. લોકો એકબીજા સાથે તેમ જ પોલીસની સાથે હસાહસ કરતા હતા. મિ. ચેપ્લીન મોટરમાંથી કૂદકો મારીને ઊતર્યા, લોકોને નમન કરવા હૅટ ઊંચી કરી, ને પોતાના બે હાથ મિલાવીને હસ્તધૂનન કર્યું, એટલે લોકો હસી પડ્યા. છેવટે ગાંધીજી આવ્યા એટલે એમને જોઈને પણ લોકોએ હસાહસ કરી મૂકી. ગાંધીજીને જોઈ એમના આનંદની અવધિ આવી દેખાતી હતી.

ઘરમાં આ બે નાનકડા પુરુષો, અમે બાકીનાં જે માણસો હતાં. તેમનાથી સહેજ અળગા, એક કૉચ પર બેઠા; ને તેમણે લોકો, શ્રમજીવીઓ, પૂરું પોષણ ન મેળવી શકનારાંઓ, યંત્રના ગુલામ બનેલા મજૂરો, ને કેદખાનાના કેદીઓ એ બધાંને વિષે વાતો કરી. વાતમાં એક વખતે મિ. ચેપ્લીને કહ્યું: “સિંગસિંગ જેલના કેદીઓ સાથે મેં એક કલાક વાત કરેલી એ મારે સૌથી અઘરું, ખરાબમાં ખરાબ કામ કરવું પડેલું એમ માનું છું. એવી વાત હું બીજી વાર ન કરી શક્યો. વાત કરતી વખતે મારા મનમાં એક જ વિચાર રમી રહ્યો હતો : ઈશ્વરની કૃપા ન હોત તો તું પણ એમની જોડે જ હોત.”

પછી સાવ અણધાર્યો એક અશિષ્ટ ને અણછાજતો ધસારો થયો. ઘરની ટચુકડી આગલી પરસાળમાં, બધી સૂચનાઓનું ઉલ્લંઘન કરીને, છાપાંવાળા ફોટોગ્રાફરોનું એક સાવ નિરંકુશ ટોળું ધસી આવ્યું. એમણે પાછલી દીવાલ તોડી પાડી હતી, ને ગમે તેમ કરીને ઘરમાં ઘૂસ્યા હતા. ઘરધણીએ ગમે તેટલું કહ્યું તોયે જરા પણ ચસ્યા નહીં; અને ગાંધીજીની સામે, તેમની મરજી વિરુદ્ધ, કેમેરાની હાર મંડાઈ એ એમને સાંખી લેવું પડ્યું. આ સૂગ ઉપજાવે એવું તોફાન શમ્યું, ને ઓરડો પાછો ખાનગી બની ગયો, ત્યાં સાત વાગવા આવ્યા હતા. એટલે અમે સહુએ સાથે બેસીને પ્રાર્થના કરી.

[‘ગાંધીજીની યુરોપયાત્રા’]

•

ચાર્લી ચેપ્લીન મળવા માગે છે એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે એમણે નિર્દોષભાવે પૂછ્યું કે એ પ્રસિદ્ધ પુરુષ કોણ છે ? આ વાત ભાગ્યે જ કોઈ સાચી માનશે. અનેક વર્ષોથી ગાંધીજીનું જીવન એવું થઈ ગયું છે કે એમણે પોતાને માટે જે કામ નક્કી કરી રાખ્યું છે તે કરતાં કરતાં આવી પડે તે ઉપરાંત બીજું કશું જોવાનો કે સાંભળવાનો એમને વખત જ રહેતો નથી પણ મિ. ચૅપ્લીન તો ઈસ્ટ ઍન્ડમાં જ રહેતા હતા, એ આમ લોકોમાંના જ એક છે, આમ લોકો માટે જ જીવે છે. એમણે લાખો લોકોને હસાવ્યા છે. એ દબાયેલા કચડાયેલા માણસોનો પક્ષ લે છે એમ જાણ્યું ત્યારે ગાંધીજીએ ડૉ. કતિયાલને ઘેર મિ. ચૅપ્લીનને મળવાનું કબૂલ કર્યું. (તા. ૨૨- ૯-૧૯૩૧)

ગાંધીજીએ એમને વિશે સાંભળ્યું નહોતું, પણ એમણે તો ગાંધીજીના રેંટિયા વિશે સાંભળ્યું હશે એમ લાગ્યું. એમણે પહેલો જ સવાલ એ કર્યો કે ગાંધીજી યંત્રનો વિરોધ શા માટે કરે છે ? ગાંધીજી એ પ્રશ્નથી રાજી થયા અને વિગતોમાં ઊતરીને સમજાવ્યું કે હિંદના તમામ ખેડૂતોની છ મહિનાની બેકારીને લીધે તેમનો પહેલાંનો આડધંધો ફરી સજીવન કર્યા વિના ચાલે એમ નથી. અન્નવસ્ત્ર તો દરેક પ્રજાએ પોતપોતાનાં પેદાં કરી લેવાં જોઈએ. અમે એ પેદા કરી લેતા, અને ફરી કરી લેવા માગીએ છીએ. ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. એને અમે લૂંટ કહીએ છીએ. અને લૂંટારુ ઇંગ્લેન્ડ દુનિયાને જોખમરૂપ છે.

[મહાદેવભાઈની ડાયરી, ભાગ – ૧૫]
29 ડિસેમ્બર 2024
સૌજન્ય : “નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક-195

Loading

પોપ ફ્રાન્સીસ કઈ રીતે નોખા પડે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2024

રમેશ ઓઝા

આખું જગત જ્યારે જીર્ણમતવાદી, પૃથકતાવાદી, અસહિષ્ણુ, જમણેરીઓની નાગચૂડનો ભોગ બની રહ્યું છે ત્યારે જગતના દોઢ અબજ કેથલિક ખ્રિસ્તીઓને ઉદારમતવાદી માનવતાવાદી ધર્મગુરુ (પોપ) મળ્યા છે. આ થોડું વિચિત્ર ભાસે છે, પણ રાહત આપનારી મીઠી હકીકત છે. ચર્ચે પોતે અને ચર્ચના સમર્થન સાથે ઈસાઈઓએ વિધર્મીઓ સાથે જે અન્યાય અને અત્યાચારો કર્યા છે તેનો શરમજનક લાંબો ઇતિહાસ છે. પશ્ચિમની સભ્યતાની ખૂબી એ છે કે તે દસ્તાવેજીકરણમાં માને છે અને ઈમાનદારીથી રેકોર્ડ છોડી જાય છે. તેઓ કુકર્મોના પણ દસ્તાવેજ આવનારી પેઢી માટે છોડીને જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી રીતે ભારતની પ્રજાનું શોષણ કર્યું, કેવી રીતે ગદ્દારી કરીને ભારત પર કબજો કર્યો એના બધા જ દસ્તાવેજો ઉપલબ્ધ છે. એ રીતે ચર્ચે કરેલા અન્યાયો અને જુલ્મોના સિલસિલાબંધ દસ્તાવેજો ચર્ચે જ જાળવી રાખ્યા છે અને એટલે આપણે એમ કહી શકીએ કે ધર્મને નામે તેમણે શું નથી કર્યું!

જગતમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી અંદાજે અઢી અબજ છે, જેમાં કેથલિક ખ્રિસ્તીઓ ૪૮ ટકા વસ્તી ધરાવે છે. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓની વસ્તી ૨૩.૮ ટકા એટલે કે અંદાજે ૭૫ કરોડ છે. આપણી સમજ એવી છે કે ખ્રિસ્તી ધર્મ માત્ર બે ફાંટાઓમાં વહેંચાયેલો છે; કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. પણ એવું નથી. આ સિવાયના અને આ બંનેની અંતર્ગત બીજા સેંકડો ફાંટાઓ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો એક ખીલે બંધાયેલા સંગઠિત છે અને તેમનો મુકાબલો કરવા હિંદુઓએ સંગઠિત થવું જોઈએ એ ડરનારાઓએ અને ડરાવનારાઓએ જાપ જપીને પેદા કરેલું અસત્ય છે.

પોપ ફ્રાન્સીસ

ટૂંકમાં ખ્રિસ્તીઓમાં બે ફાંટા મુખ્ય છે અને તે જગતની લગભગ ૭૦ ટકા ખ્રિસ્તી પ્રજાને આવરી લે છે. આ બેમાં પ્રોટેસ્ટન્ટ નામ જ સૂચવે છે, એમ સુધારાવાદી છે. ૧૬મી સદીમાં તેમણે કેટલાક સુધારાઓની માગણી કરી જેને ચર્ચે ન સ્વીકારી અને વિભાજન થયું. આનાં સામાજિક-આર્થિક-રાજકીય પરિણામો પણ જોવા મળ્યાં. જગતના ખ્રિસ્તી દેશો પર નજર કરશો તો જેટલા દેશ પ્રોટેસ્ટન્ટોની બહુમતીવાળા છે એ બધા પ્રગતિશીલ વિકસિત દેશો છે અને કેથલિક દેશો  ઠીકઠીક પ્રમાણમાં પાછળ છે. વૈજ્ઞાનિક શોધો પ્રોટેસ્ટન્ટ દેશોમાં વધુ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પ્રોટેસ્ટન્ટ દેશોમાં થઈ. જગતના અનેક દેશો પર પ્રોટેસ્ટન્ટ દેશોએ કબજો કર્યો અને ગુલામ બનાવ્યા. એ વિભાજને સાબિત કરી આપ્યું કે તાકાત ધાર્મિકતામાં, ધર્મને વળગીને ચોંટી રહેવામાં, અનુયાયીઓની સંખ્યામાં નથી, પણ મસ્તિષ્કમાં છે અર્થાત વિવેકમાં છે. શંકા કરો, પ્રશ્ન ઉપસ્થિત કરો, પ્રશ્નનો ઉપાય શોધો અને આગળ વધો. જો ઉપાય શાસ્ત્રોમાં ન મળતો હોય તો શાસ્ત્રોને બાજુએ મૂકીને આગળ વધો. કેથલિક અને પ્રોટેસ્ટન્ટ એ માત્ર બે ધાર્મિક સંપ્રદાયો નહોતા, બે અભિગમ હતા જેનું પરિણામ હમણાં કહ્યું એમ તમારી સામે છે.

કેથલિક અભિગમ એટલે કે રૂઢિચૂસ્ત અભિગમ. અલગ પ્રકારનો જાતીય સંબંધ ધરાવનારા તૃતીયપંથીઓ, મારાં શરીર પર મારો અધિકારના નામે સ્ત્રીઓના ગર્ભપાત કરાવવાના અધિકારો, ઈશ્વરને અને ધર્મને નહીં સ્વીકારનારી નાસ્તિકતાના અધિકારો, ઈસાઈ ધર્મ સિવાયના બીજા ધર્મો પણ સાચા ધર્મો છે અને તે પણ મનુષ્યને સ્વર્ગે પહોંચાડે છે એ વાતનો સ્વીકાર વગેરે રુઢિચુસ્તોને કવરાવનારા સવાલો છે. ચર્ચ ઇન્ટર ફેથ કોન્ફરન્સ દાયકાઓથી કરે છે, પણ દરેક ધર્મ સાચા અને સમાન છે એ વાતનો સ્વીકાર કર્યા વિના. આપણે નોખા છીએ, પણ આ ધરતી પર સાથે છીએ એટલે સાથે જીવવાની ભૂમિકા બનાવવી રહી એ રીતે.

પણ આમાં વર્તમાન પોપ ફ્રાન્સીસ નોખા પડે છે. તેઓ સમલિંગીઓના અધિકારનો સ્વીકાર કરે છે. પાદરી સમલિંગી હોઈ શકે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જો સમલિંગી ઈશ્વરને માનતો હોય અને તે પોતાને ઈશ્વરનો બંદો માનતો હોય તો આપણે કોણ તેને ગેરલાયક ઠરાવનારા! તેઓ સ્ત્રીઓના ગર્ભપાતના અધિકારોનો સ્વીકાર કરે છે. નાસ્તિક માણસ પણ સ્વર્ગનો અધિકારી છે એમ પણ તેમણે કહ્યું હતું. જો કે રેડીકલ લિબરલ જમાત આટલાથી સંતુષ્ટ નથી. બોલો સ્ત્રીનાં શરીર પર (અર્થાત્ સ્ત્રીના ગર્ભમાં અંકુરિત થતાં જીવ પર પણ) સ્ત્રીનો અધિકાર છે. બોલો લિંગ (સ્ત્રી અને પુરુષ) માત્ર બે નથી, બે કરતાં વધુ છે અને ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એ ખોટું છે. રેડીકલ લિબરલોની સમસ્યા એ છે કે જો કોઈ માણસ સમાજને માનવતા અને ઉદારતાની દિશામાં એક ડગલું આગળ લઈ જાય તો તેનાથી તેમને સંતોષ થતો નથી, સૌ પહેલાં તેઓ એમ કરનારની જ અગ્નિપરીક્ષા લે છે, જેમ આપણે ત્યાં ગાંધીજીની લેવામાં આવે છે. અસ્પૃશ્યતા હિંદુઓ માટે કલંક છે એમ કહીને જતા રહો એ ન ચાલે, અસ્પૃશ્યતાનું સમર્થન કરનારા ધર્મગ્રંથો પણ નિંદનીય છે એમ કહો અને ધર્મગ્રંથોની નિંદા પણ કરો. ગાંધીજીને માનવતાના શત્રુઓએ જેટલા બદનામ નથી કર્યા એટલા આ રેડીકલ લિબરલોએ કર્યા છે. પ્રજાકલ્યાણની ઠેકેદારી સમસ્યારૂપ છે પછી એ ધર્મની હોય, ધર્મગ્રંથોની હોય, ધર્મપીઠની હોય, ધર્મગુરુની હોય, ધર્મરક્ષક નેતાની હોય, રાજકીય પક્ષની હોય કે પછી માનવતાના ઠેકેદાર રેડીકલ લિબરલ હોય.

ઘણા રેડીકલ લિબરલો એમ માને છે કે વર્તમાન પોપ જોઈએ એટલા ઉદારમતવાદી નથી અને એ શક્ય પણ નથી, કારણ કે ઉદારમતવાદી માનવતાવાદી બનવું હોય તો ધર્મ અને ધાર્મિકતા છોડીને શુદ્ધ માનવ બનવું પડે. ધર્મ અને ધાર્મિકતા માણસાઈનો છેદ ઊડાડે છે. બીજા છેડે ધાર્મિક કેથલિકો પણ અસ્વસ્થ છે. પરિવારમાં જે શીખવવામાં આવ્યું છે અને ચર્ચમાં જે શીખવવામાં આવે છે એના કરતાં આ કશુંક જુદું બોલે છે. તેમને તો એવો ધર્મગુરુ જોઈએ છે જે આપણા ધર્મની સર્વોપરિતાની વાત કરતો હોય. સહિષ્ણુતાનો માત્ર એટલો જ અર્થ લેવાનો કે આ ધરતી પર જીવવાનો અધિકાર ‘બીજા’ પણ ધરાવે છે, પણ એ ‘બીજા’ છે, ‘આપણે’ નથી ‘આપણે’ વિશેષ છીએ. ડાબે અને જમણે બંને છેડાના રેડીકલો મધ્યમમાર્ગ વિકસવા દેતા નથી.

કેથલિક ખ્રિસ્તીઓ ત્યારે વિમાસણમાં પડી ગયા જ્યારે અમેરિકામાં યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણી વખતે પોપે કહ્યું કે સમાજમાં દીવાલો ઊભી કરનારાઓને મત નહીં આપવો જોઈએ. ઈશારો ડોનાલ્ડ ટ્રમ્પ વિષે હતો, જ્યારે કે અમેરિકન કેથલિક ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે રીપબ્લિકન પક્ષના ટેકેદારો છે. પરિણામ બતાવે છે કે કેથલિક મતદાતાઓએ પોપની વાત સાંભળી નહોતી. તેજ હવા જે દિશામાં વહેતી હોય તેની વિરુદ્ધ દિશાની જો કોઈ વાત કરતું હોય તો લોકો તેને સાંભળતા નથી, પછી એ પોપ હોય કે ગાંધી, બુદ્ધ હોય કે ઈશુ. આપણે ત્યાં પણ આ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ સુધી જે લોકો માનવતાની આહલેક લઈને ફરતા હતા એ લોકો અત્યારે લોકોને ગમે એવી વાત કરતા થઈ ગયા છે.

પણ વર્તમાન પોપ પ્રવાહપતિત નથી એ ફરીવાર તેમણે સાબિત કરી આપ્યું છે. ઇઝરાયેલના ગાઝા પરના હુમલાઓને તેઓ યુદ્ધ તરીકે ઓળખાવવાની ચોખ્ખી ના પાડે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે આ નરસંહાર છે, નિંદનીય કૃત્ય છે, માનવતા માટે કલંક છે. આની કોઈ અસર થાય કે ન થાય, એક ધર્મપીઠે માનવતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો એનું મહત્ત્વ છે. જો કે ઇઝરાયેલ આને કારણે વિચલિત જરૂર થઈ ગયું છે. દરમિયાન તટસ્થતા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવનાર બી.બી.સી.માં પણ બળવો થયો છે. માણસાઈકેન્દ્રી પત્રકારત્વનો આગ્રહ રાખનારાઓએ રાજીનામાં આપીને નીકળી જવાની જગ્યાએ ઊઘાડો બળવો કર્યો છે. બી.બી.સી.ની શાખ દાવ પર લાગી છે.

આ નાતાલના સપ્તાહમાં પોપ ફ્રાન્સીસને સલામ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 29 ડિસેમ્બર 2024

Loading

અતુલ સુભાષની આત્મહત્યાનો કિસ્સો ‘સ્ત્રી-વિરુદ્ધ પુરુષ’નો જંગ નથી 

નેહા શાહ|Opinion - Opinion|29 December 2024

નેહા શાહ

કોઈ પણ કાયદાના ઉપયોગ અને  દુરપયોગની ચર્ચા થવી એ આમ તો સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે. પણ, બેંગ્લોર સ્થિત ૩૪ વર્ષના અતુલ સુભાષની દુ:ખદ આત્મહત્યા પછી ભારતના મીડિયા પર ચર્ચા એ તો સ્ત્રી વિરુદ્ધ પુરુષનું રૂપ લીધું છે! અતુલે એની પત્ની તરફથી થતી હેરાનગતિથી થાકીને અંતિમ પગલું લીધું. મીડિયા અને સોશ્યલ મીડિયા પર ઊભી થયેલી ચર્ચામાં સ્ત્રીને રક્ષણ આપતા કાયદાને ‘પુરુષ-વિરોધી’નું બિરુદ આપવામાં આવ્યું. આ ચર્ચા સાંભળી લઈએ તો એવું લાગવા માંડે કે જાણે, સમાજના સત્તાના સમીકરણ બદલાઈ ગયા હોય ! પુરુષો જાણે સ્ત્રીઓના હાથે પ્રતાડિત જાતિ બની ગઈ હોય! દેશભરની સ્ત્રીઓ લાલચુ બની ગઈ હોય અને પતિઓને રંજાડી તેની સંપત્તિ હડપી લેવાના પેંતરા જાણે રોજીંદી વાત બની ગઈ હોય ! આઈ.પી.સી. ૪૯૮ (સ્ત્રીને પતિ તેમ જ સાસરિયા દ્વારા આચરવામાં આવતી ક્રુરતા સામે રક્ષણ આપે છે) અને દહેજ પ્રતિબંધ કરતો કાયદા તો જાણે કુટુંબ વ્યવસ્થાના તાણાવાણા તોડી નાખશે એવા ભયંકર હથિયાર જેવા લાગવા લાગે! પુરુષોના અધિકારની માંગ સાથે રસ્તા પર દેખાવો પણ થયા! ‘નિર્દોષ પતિ’ઓને બચાવવા માટે કાયદામાં સુધારા કરવાની જાહેર હિતની અરજી પણ થઇ ગઈ. અને ‘પુરુષ બચાઓ’ અને ‘કુટુંબ બચાઓ’ જેવા અભિયાન શરૂ થઇ ગયા. 

શું ખરેખર સમાજમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવ્યું છે? શું દહેજ પ્રથાનું દૂષણ આપણા સમાજમાંથી નાબૂદ થઇ ગયું છે? જવાબ છે – ના. દહેજ વિરોધી કાયદો ભલે ને છેક ૧૯૬૧માં આવ્યો, પણ આજ સુધી દહેજની માંગણી એક યા બીજી રીતે ચાલુ જ છે અને એ સાથે સ્ત્રીઓનું પ્રતાડન પણ ચાલુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજે પણ સરેરાશ દિવસના ૧૮થી ૨૦ સ્ત્રીઓના દહેજ સંબંધી હિંસાને કારણે અપમૃત્યુ થાય છે. દહેજ ઉપરાંત બીજાં અનેક કારણો સર સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી રહે છે. રાષ્ટ્રીય આરોગ્ય સર્વે મુજબ ૩૨ ટકા પરિણીત સ્ત્રીઓ ઘરેલું હિંસાનો સામનો કરે છે. જેમાંની ૮૭ ટકા ક્યારે ય કોઈ મદદ માટે પ્રયત્ન કરતી જ નથી. તે હિંસાને પોતાનું નસીબ સમજીને  સહન કર્યે જતી હોય છે! એનો મતલબ એ થયો કે ઘરેલું હિંસાના જે કિસ્સા બહાર આવે છે એ તો હિમશીલાની બહાર દેખાતી ટોચ જેટલાં જ છે. આ સંજોગોમાં ઘરેલું હિંસા અને એ માટે જવાબદાર કારણો સામે લડવા માટે ઘડાયેલા કાયદાની ખૂબ જરૂર છે. 

મહિલાઓ સાથે કામ કરનાર સ્વૈચ્છિક સંસ્થાના અનુભવ એવું બતાવે છે કે ઘરેલું હિંસાના અનેક પ્રકાર છે. ઘણી વાર એવું બનતી હોય છે કે જ્યારે મહિલા આવી હિંસા સામે ફરિયાદ નોધાવે ત્યારે પોલીસ એને ‘દહેજ સંબંધિત હિંસા’ની કલમ લગાવી કેસ નોંધે તો કોર્ટમાં એ કેસ ટકી શકતો નથી, કારણ કે દરેક હિંસા પાછળ દહેજ જ કારણ હોય એ જરૂરી નથી. જ્યારે કોર્ટ આ કેસને બરતરફ કરે તો એનું અર્થઘટન એવું થાય કે પુરુષને ફસાવવા એના વિરુદ્ધ દહેજ વિરોધી કાયદાનો ઉપયોગ કરાયો. હકીકતમાં આવા કેસમાં ફરિયાદ નોંધનાર પોલીસની કાચી સમજ અને બેદરકારી વધુ કારણભૂત હોય છે. શક્ય છે કે તેઓ ફરિયાદી મહિલાનો કેસ મજબૂત બનાવવા કડક કલમનો ઉપયોગ કરતા હોય પણ એના પરિણામે મહિલાને ન્યાય નથી મળતો તેમ જ સમાજમાં મહિલા વિરુદ્ધ માહોલ ઊભું થાય એ વધારાનું. આ ઉપરાંત, કાયદાની કડક જોગવાઈઓ પોલીસ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો માટે લાંચ-રુશ્વત માટેનું મોટું બહાનું બની રહે છે. અતુલ સુભાષે પણ આ મુદ્દો એની સ્યુસાઈડ નોટમાં લખી છે. તો ચર્ચાનાં કેન્દ્રમાં કાયદાના અમલ તેમ જ ભ્રષ્ટ તંત્ર હોવા જોઈએ, નહીં કે કાયદાને ‘સ્ત્રી વિરુદ્ધ પુરુષ’ ચીતરતા પ્રયાસ. કાયદાના દુરુપયોગની સામે અલબત્ત પગલાં લેવાવા જોઈએ. પણ, છૂટા છવાયા કિસ્સા અને સામાજિક ધોરણ વચ્ચે વિવેક ભેદ કરવો પડે. દુર્ભાગ્યે ‘કુટુંબ બચાવો’ જેવા અભિયાન આ જટિલતામાં પડતા નથી, અને કાયદાનાં દુરુપયોગનો ઉકેલ કાયદો બદલવામાં શોધે છે. અને આજનું મીડિયાને પણ સનસનાટી ઊભી કરવામાં વધુ રસ છે. 

આમ કહેવાનો મતલબ અતુલ સુભાષ જેવા કિસ્સાની ગંભીરતા ઓછી આંકવાનો બિલકુલ નથી. કારણ કે પુરુષોમાં આત્મહત્યાના વધેલા કિસ્સા ચિંતાનું કારણ છે, જેમાં કૌટુંબિક કંકાસ પણ એક મહત્ત્વનું કારણ છે. અહીં એ નોંધવું જરૂરી છે કંકાસ પાછળનું એક મોટું કારણ યોગ્ય રોજગારનો અભાવ હોય છે. એટલે એને માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રશ્ન તરીકે જોઈ શકાય નહિ. સામાજિક અને આર્થિક માળખાંને પણ સમજવું પડે. જ્યારે સમાજિક ધોરણો કમાવાની જવાબદારી પુરુષના ખભે નાખે છે, ત્યારે સામાજિક અપેક્ષાઓ પૂરી નહિ કરી શકવાનું દબાણ એના મન પર હોવાનું જોવામાં આવ્યું છે. સામાજિક મૂલ્યોનો શિકાર માત્ર સ્ત્રી જ નહિ પણ પુરુષો પણ છે. જો એ સમજીશું તો સામાજિક વ્યવસ્થાને બદલવા તરફ વધુ ધ્યાન આપી શકીશું. નહીંતર, સ્ત્રી વિરુદ્ધ પુરુષની લડાઈમાં જ અટવાયેલા રહીશું.

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...472473474475...480490500...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved