Opinion Magazine
Number of visits: 9456985
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૨)  

સુમન શાહ|Opinion - Literature|20 August 2024

ઉમાશંકર જોશી

એવા લાક્ષણિક અનુબન્ધમાં મેં ઉમાશંકરને અનુભવ્યા છે. પરિણામે, મારા ચિત્તમાં એમની બે છબિ પ્રગટી છે :

એક છબિ તો, પૂર્ણસ્વરૂપના સાહિત્યપુરુષ તરીકેની : કાવ્યો ઉપરાન્ત એમણે નાટક નવલકથા નવલિકા નિબન્ધ વિવેચન સંશોધન અનુવાદ સમ્પાદન પ્રવાસલેખન એમ લગભગ બધા સાહિત્યપ્રકારોમાં લખ્યું છે. છતાં, મુખ્યત્વે તેઓ કવિ છે. ૫૦-થી પણ વધુ વર્ષોની કાવ્યસર્જનયાત્રા. ૧૦ કાવ્યસંગ્રહો. સર્વસંગ્રહ, ‘સમગ્ર કવિતા’. ૫૦૦-થી વધુ કાવ્યકૃતિઓ. ૮૦૦-થી વધુ પૃષ્ઠોની સૃષ્ટિ.

પુષ્કળતા જેટલી જ વિવિધતાના કવિ. પ્રકૃતિ, પ્રણય અને સંસ્કૃતિના કવિ. ઊર્મિકવિતા, કથનકવિતા અને નાટ્યકવિતા – એ ત્રણેય સાહિત્યિક ઉપખણ્ડોમાં ભરપૂરે સર્જન-વિહાર. ખણ્ડકાવ્યથી માંડીને પ્રસંગકાવ્ય, કથાકાવ્ય કે મુક્તકો અને ગીતો. પ્રશિષ્ટ, શિષ્ટ અને લોક જેવી ત્રણેય સાહિત્યશ્રેણીઓમાં હરદમની ગતિવિધિ.

પરમ્પરાથી આધુનિક; કસબથી પ્રયોગ; છાન્દસથી અછાન્દસ; પાઠ્યથી ગેય, વળી નાટ્ય; અને એમ અનેકશ: પરિવર્તનશીલ, બહુવિધ અને ભરપૂરે સુ-વ્યાપ્ત રૅન્જના લાક્ષણિક કવિ.

બીજી છબિ પ્રગટી છે, સમ્પ્રજ્ઞ સંસ્કૃતિપુરુષ તરીકેની : ૨૦ વર્ષની વયે આ માણસ સત્યાગ્રહની લડતમાં ઝુકાવે છે. એ જ વયે ‘વિશ્વશાન્તિ’ પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. મોટી ઉમ્મરે કવિ અકાદમી દિલ્હીમાં અધ્યક્ષ રહ્યા છે. રાજ્યસભામાં ગયા છે. રવીન્દ્રભારતીમાં કુલપતિ રહ્યા છે. પણ બધો જ વખત એમણે સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની ચિન્તા સેવી છે. એ અંગે પૂરી નિસબતથી જીવ્યા છે. ‘ધોબી’ ‘મોચી’ ‘દળણાંના દાણા’ ‘જઠરાગ્નિ’ ‘હથોડાનું ગીત’ ‘ઘાણીનું ગીત’ વગેરે શરૂઆતનાં વરસોની કવિતા કે ‘મારી ચંપાનો વર’ ‘છેલ્લું છાણું’ કે ‘ઝાકળિયું’ નવલિકાઓ; ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ એકાંકીઓ; એ વાતનાં પ્રમાણ છે. 

લાગશે કે ગાંધી અને ગાંધીદર્શન સાથેનો એમનો અંતરંગ નાતો છેવટ લગી અતૂટ રહ્યો છે. દેખાશે કે ઉમાશંકર સમાજજીવનના એક જાગૃત સન્ત્રી છે. કહી શકાશે કે ઉમાશંકર સમાજાભિમુખ અને સમયપ્રસ્તુત લેખનના નિષ્ઠાવાન સર્જક છે. ઇતિહાસે કહેવું જોઇશે કે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગનાં તમામ સત્ત્વ-તત્ત્વ આત્મસાત્ કરીને સર્વથા વિકસેલા પૂરા કદના પ્રતિનિધિ સાહિત્યકાર, તે ઉમાશંકર જોશી.

એમના સામયિકનું નામ પણ ‘સંસ્કૃતિ’ હતું. દૂર દૂરથી પણ તેઓ સાહિત્યકલાને સાંસ્કૃતિક આવિષ્કાર લેખતા હતા. ૩૬-ની વયે ૧૯૪૭-માં ‘સંસ્કૃતિ’ શરૂ કરેલું અને ૧૯૮૪-માં સ્વેચ્છાએ સમાપ્ત જાહેર કરેલું. એ હતું, ૩૭ વર્ષનું સાહિત્યિક ઉપરાન્તનું સંસ્કૃતિપરક પત્રકારત્વ. ‘સંસ્કૃતિ’-ના ‘સમયરંગ’ વિભાગમાં ઉમાશંકરે તન્ત્રી-નાતે જે લખ્યું તે એમને સાચકલા અને સદાજાગ્રત બૌદ્ધિક દર્શાવે છે. 

એ લેખનોમાં ન્યૂઝ છે અને તે વિશેના કવિના વ્યૂઝ છે. વિષયો રહ્યા છે, રાજકારણ, પ્રજાકારણ અને કેળવણીકારણ. એ વરસોમાં મારા મનમાં બે બાબતો ખાસ ઊપસેલી : ‘સમયરંગ’-માં ઉમાશંકર જોશી પ્રવર્તમાન સાહિત્યકારણનો મુદ્દો ક્યારેક જ ઉઠાવે છે અને સુરેશ જોષી પોતાના ‘અત્રતત્ર’-માંનાં લેખનોમાં રાજકારણના કે પ્રજાકારણના મુદ્દાને ભાગ્યે જ સ્પર્શે છે. મને થતું, જોશી-ના ‘શી’-ની વિશેષતા જોષી-ના ‘ષી’-માં નથી; ઍન્ડ, વાઇસી વરસા! આખી બાબત ખટક્યા કરતી’તી. 

મને થાય, સમકાલીનો વડે ઉમાશંકર અને સુરેશ જોષીની વિ-ભિન્ન વિચારધારાઓનું શક્ય સાયુજ્ય રચવાનું થયું હોત તો ગુજરાતી સાહિત્યનો વર્તમાન સાવ જ અનોખો હોત! આજે તો એ એક સપનું લાગે છે. દાયકાઓ વીતી ગયા. પણ એવું કંઇ થયું નહીં. વાત સાહિત્યજ્ઞાન, સૂઝબૂઝ, વિવેક કે જિગર માગી લે એવી કઠિન પણ છે. અરે પણ, સામ્પ્રતમાં (આ સામ્પ્રતમાં પણ) એ સાહિત્ય-સ્વપ્ન કોઇને પણ યાદ જ ક્યાં છે ભલા! (આજે પણ) સારું સારું કેટલું ય ગૂમનામ થઇ રહ્યું છે! 

(ક્રમશ:)
(19 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમારાં બા

આરાધના ભટ્ટ|Profile|19 August 2024

આજે ગણેશ-ચતુર્થી છે.

ગણપતિ ચોથ એટલે ચોથના લાડુ. અને લાડુ એટલે બા. બા એટલે કે અમારાં દાદી. બાનું એ પ્રિય મિષ્ટાન્ન, એ પોતે બનવાતાં, દિલથી. એમના જીવનનું છેલ્લું ભોજન પણ એ જ, બરાબર ગણેશ ચતુર્થીના દિવસે. એ દિવસે બા બાળક જેવા લાગતાં હતાં, ખુરશીમાં એમને બેસાડી, આગળ નૅપ્કિન લગાડી મેં અને સાવિત્રીબાએ (નાના-નાની શબ્દો અમારા ઘરમાં નહોતા વપરાતા, અમે બંને તરફનાં વડીલોને દાદા-બા નામે સંબોધતાં, એટલે ઘરમાં એકીસાથે બે બા હોવાથી નાનીને નામથી સાવિત્રીબા બોલાવતાં) બાને અમારા હાથે ધીમેધીમે એમનું પ્રિય અને અંતિમ ભોજન જમાડેલું, એ બા, જેમણે અમને નાનપણમાં એવી જ ધીરજથી કોળિયા ભરાવ્યા હશે.

અમારા ઘરે દર વર્ષે ગણેશજીનો લાડુ બનતો. અને એ બનાવવાનો ઇજારો, કહો કે, બાનો હતો. એ દિવસે રજા હોય એટલે સવારથી અમારી એસેમ્બલી-લાઇન ગોઠવાઈ જાય. એ જ વાર્ષિક ક્રમ. મમ્મી પહેલાં સૂકા કોપરાની કાતરી કરી એને ઘીમાં સાંતળે પછી લોટના મૂઠિયાં વાળે અને એને તળે. હું તળેલાં મૂઠિયાંને ખાંડણી-દસ્તો લઈને ખાંડું અને ચાળણી વડે ચાળું, અને પછી બા એમાં ઘી-ગોળ-કોપરાની કાતરી વગેરેનું મિશ્રણ કરે અને લાડુ વાળે, એક સરખા કદના. બાએ વાળેલા દરેક ગોળ લાડુને એક તરફથી બેસાડવા લાડુને હળવા જોરથી ફેંકવાનું કામ એ એસેમ્બલી લાઇનમાં મારું. એ કરવામાં મને બાળસહજ મજા પડે – વાળેલા લાડુને પછાડવાનો કોઈક ક્રૂર આનંદ. એસેમ્બલી લાઇનમાં છેલ્લી ક્રિયા તે એ લાડુને ખસખસમાં રગદોળવાની. બાનું એકવડું શરીર અને આમ સામાન્યપણે નિસ્પૃહી લાગતું મન, એ દિવસે અજબની સ્ફૂર્તિથી કામ કરતું. લાડુ બને પછી એને ગણપતિને ધરાવવાના, બાની દીપ-ધૂપ-આરતી થાય પછી એને અડોશ-પડોશમાં આપવા જવાનું કામ પણ મારું. જે મિષ્ટાન્ન બનાવવામાં મારો એટલો મોટો ફાળો હોય એ આડોશ-પાડોશમાં વહેંચીને એના ગૌરવમાં ભાગ પડાવવાનું મને ગમતું. ગોળના લાડુ સાથે અમારે ત્યાં અચૂક કડવા વાલ બનતા. લાડુનું જમણ કરવા અમે સૌ સાથે બેસીએ ત્યારે બાના મોં પર અપાર સંતોષની આભા દેખાય. ક્યારેક એ પપ્પાને પૂછે, સારો બન્યો છે, ભાઈ? પપ્પાને અને અમને તો એ ભાવે જ, એટલે પોતાના લાડુ-કર્મની સફળતાથી  બાનો ચહેરો સંતોષથી ચમકી ઊઠે.

એમના જીવનની એ છેલ્લી ગણેશ-ચતુર્થીએ ઘરમાં લાડુ બન્યા હતા. બધાને ખબર હતી કે હવે અંત સમય નજીક આવ્યો છે. કચવાતે મને મમ્મી અને નાનીએ લાડુ બનાવ્યા હતા. નાની બોલ્યાં હતાં, ‘હશે એમને છેલ્લીવાર લાડુ ખવરાવી તો જોઈએ’. લાડુ બનતા હતા, બા એમના રૂમમાં અર્ધ-જાગૃતાવસ્થામાં પથારીવશ હતાં. જમવાનો વખત થવા આવ્યો એટલે નાનીએ એમના કાનમાં મોટેથી કહ્યું  ‘આજે ગણેશ ચતુર્થી છે, થોડો લાડુ પ્રસાદનો છે, લેશો?’ સૌના આશ્ચર્ય વચ્ચે પથારીમાંથી મારો હાથ પકડીને બા ઊઠ્યાં અને બાજુમાં ગોઠવેલી ખુરશીમાં ભયંકર અશક્તિ છતાં બેઠાં. બસ એ એમનું અંતિમ ભોજન. પછી થોડા જ દિવસમાં ઊગતી  સવારે એમણે શ્વાસ છોડ્યો. એના આગલા દિવસે નાનીએ પૂછ્યું ‘બા બધાં અહીં છે, તમારે કંઈ કહેવું છે?’ ત્યારે મોં ઉપર એ જ પ્રસન્નતા અને સંતોષવાળું સ્મિત લાવી, અધખુલ્લી આંખ અમારી તરફ ફેરવી, જમણો હાથ ઊંચો કરી એ બોલ્યાં, ‘ભાઈ, તું બહુ ભણજે ને જલદી દાકતર થઇ તારા બાપનો બેલ થજે. અને મારી અન્નુને સારે ઘેર પરણાવજો.’ મારો નાનો ભાઈ ત્યારે મેડિકલ કૉલેજના પહેલા વર્ષની કપરી ગણાતી પરીક્ષા આપવાની તૈયારીમાં હતો, બાના છેલ્લા દિવસોમાં એ અમદાવાદથી આવી શકે એમ ન હોવાથી એમની સ્થિતિ વિશે એને નહોતું જણાવ્યું. પણ બાને એ આવ્યો એવો આભાસ થયેલો.

બા ઓછું સાંભળતાં. નાનપણમાં મારામાં ધીરજની અછત. ભાઈ મિતભાષી અને મમ્મીનો અવાજ ધીમો. પપ્પા ભાગ્યે જ ઘરમાં હોય. બા સાથે વાતચીત કરવા સૌથી યોગ્ય અને હાથવગાં ઘરનાં કામ કરતાં સુખીમાસી. સુખીમાસી અમારે ત્યાં કામ કરતાં કરતાં ઘરનાં સભ્ય બની ગયેલાં. દાયકાઓ સુધી એ અમારી સાથે રહ્યાં. મમ્મીને તો એમણે નાનપણથી જોયેલી એટલે એ અમ સૌ પર ખૂબ ભાવ રાખે. બા માંદા પડે તો એમની ચાકરી પણ કરવા લાગે. રાત્રે એમના ઘરે ન જાય, બા સાથે સૂવે. એ સુખીમાસી માટે બાને પણ ભારે પ્રીતિ. ઘરના જે ભાગમાં સુખીમાસી કામ કરતાં હોય ત્યાં બાનો વાસ હોય. બા એમની પાછળ પડછાયાની જેમ ફરે. બંન્નેની ગોઠડી જામે. ક્યારેક લડે ઝગડે પણ ખરાં. બાને ખોટું લાગી જાય, ‘આ હુખી મારું કહેલું નથી સાંભળતી’ એવો રોષ ઠાલવી પછી એ આગળ ચાલતાં થાય, અને બીજા દિવસથી એમની ગોષ્ઠી પાછી શરૂ થઇ જાય.

બાનાં બીજાં પ્રીતિપાત્ર મારાં નાની. એ બંનેનું સખ્ય સૌ કોઈને આશ્ચર્ય પમાડતું. બા માંદા પડે અને માંદગી લાંબી ચાલે તો નાનીને પોસ્ટ કાર્ડ લખીને તેડાવાય. અને નાની અચૂક આવે. એ આવે એટલાથી જ બાની માંદગી અડધી સારી થઇ જાય. નાની આવે એટલે અમે બંને ભાઈ-બહેન તો ખુશખુશાલ. ડાકોરના મંદિરનો પ્રસાદ આવે અને એ પ્રસાદ જમી શકાય એટલો હોય. એ મિજબાની ઉપરાંત રોજેરોજ સવાર-સાંજ નવીનવી વાર્તા સાંભળવા મળે. નાની એટલે વાર્તાઓનો ભંડાર. એમના મુખે વાર્તાવહેણ અસ્ખલિત વહે. એમનો શ્રોતા-વર્ગ એટલે અમે ત્રણ બાળકો. અમે બે ભાઈ-બહેન અને વાર્તાઓમાં બાળક જેવો રસ લેતાં બા. બા સાજાં થાય એટલે નાની પાછાં ફરે, એ વખતે એમને આવજો કહેતાં બા રડી પડે અને કહે કે ‘એ તો મારા ગયાં જનમનાં બહેન છે’. અમારી આસપાસનાં બધાં અમારાં બંને દાદીઓનો આવો અનોખો પ્રેમ સંબંધ જોઈને ચકિત થઇ જતાં.

માત્ર નાની સાથે જ નહીં, બાનો મમ્મી સાથેનો વ્યવહાર એવો કે આજની સાસ-બહુ ટી.વી. સીરિયલોના સ્ક્રીપ્ટ રાઈટર સાવ નિરાશ થઇ જાય. એમને પોતાને દીકરી નહોતી તેથી હશે કે પછી એમની પ્રકૃતિ જ શાંત અને સૌહાર્દપૂર્ણ હોય, એમનો વ્યવહાર મમ્મી સાથે પણ અતિશય વાત્સલ્યપૂર્ણ. સામાન્ય સાસુને હોય એવી કોઈ જરૂરિયાત, માંગણી, અપેક્ષા કે ફરિયાદ એમને કદી હોય નહીં. એમને કદી કોઈ ઈચ્છા કે માંગણી નહોતી એનું અમને દુઃખ પણ થતું અને અમે અવારનવાર એમને ટોકતાં. ક્યારેક અમને એવું થતું કે અમારે ખાતર પણ એ કંઈક ઈચ્છે, કશુંક એમને જોઈતું હોય જે, એમને ખાતર નહીં, પણ અમારે ખાતર અમે એમને આપી શકીએ કે એમને માટે કશું કરી શકીએ. પણ જાતનો સહેજે વિચાર ન કરવાનો એમનો સ્વભાવ હતો. એમના શરીરનું પ્રત્યેક દર્દ એમને માટે હૃદયનું દર્દ બની જતું. એમની નાદુરસ્તીને કારણે અમને અગવડ થતી હશે એ વિચારે એમને માંદા પડવા બદલ ભારે અપરાધભાવ થતો. અને ક્યારેક એટલા દુ:ખી થઇ જતાં કે ‘મારે કારણે તમને બધાને…. ‘ કહેતાં એ રડી પડતાં. એ અધિકાર કરે એમ અમે ચાહીએ પણ એ ન કરે, ન કરી શકે. કોઈ ગુણ પણ જ્યારે અતિશયની માત્રામાં હોય ત્યારે અવગુણ બની જતો હોય છે.

‘અમારાં બા’ − બાએ તેડ્યો ભાઈ અને બાજુમાં ઊભી બહેન (આરાધનાબહેન ભટ્ટ)

એમને અમે આખી જિંદગી એક જ રંગ ઓઢેલાં જોયાં છે – કાળો. એમની ગોરી ચામડી એમના કાળાં વસ્ત્રોમાં વધુ ગોરી લાગતી. નાનપણમાં વૈધવ્ય આવ્યું અને એ સમયમાં થતી પ્રત્યેક એવી સ્ત્રીની સ્થિતિ એમની પણ હતી. છતાં મને એ બહુ સુંદર લાગતાં. એમને માથેથી વાળ ઉતારી લેવામાં આવેલા અને એમનો કાળો સાડલો એમના માથે વાળની ગરજ સારતો. વાળ વધી જાય એટલે એમના કહેવાથી અબ્દુલકાકાને કહેણ મોકલવામાં આવતું. એ વહેલી સવારે આવે, બા પાછળની ચોકડીમાં ઉભડક પગે અબ્દુલકાકા સામે બેસે અને અસ્તરો લઈને બાના વાળ ઉતારે. આ દૃશ્ય દર મહિને ભજવાય અને એ જોઈને ચીસ પાડવાનું મન થતું. પણ એવું ક્યારે ય મેં કર્યું નહોતું. એક વખત બાળસહજ કુતૂહલવશ મેં બાને મેં પૂછી લીધેલું ખરું. ‘તમારે વાળ કેમ નથી?’ ‘તારા દાદા નથી ને, એટલે’ એમણે ટૂંકો જવાબ વાળેલો. હું એમને જોઇને મનોમન કલ્પના કરી લેતી કે આટલાં સુંદર બાને માથે વાળ હોત અને એ જો મોટો અંબોડો વાળતાં હોત, સરસ, રંગીન નહીં તો સફેદ સાડલો પહેરતાં હોત તો કેવાં લાગતાં હોત! પણ મને એમનું વાસ્તવિક રૂપ પણ એમના એ કાલ્પનિક રૂપ જેટલું જ ગમતું. ઘરના લોકો પાસેથી સાંભળેલું કે સૌએ એમને બે-ત્રણ વખત જ લાલ રંગમાં જોયેલાં – મમ્મી-પપ્પાના લગ્નમાં, અને મારા અને ભાઈના જન્મના દિવસે, જ્યારે પહેલીવાર હૉસ્પિટલમાં અમને જોવા આવ્યાં ત્યારે. એમનો શણગાર એટલે માત્ર એમના પાતળા ગોરા હાથ ઉપરના ૩-૪  છૂંદણાં. એ પાતળા હાથ એમની ઉંમરની સાથે વધુ પાતળા થતા મેં જોયા.

મારું અને બાનું એક આગવું સંધાન. એમની સાથે બાજુમાં બેસીને એમના પાતળા હાથ ઉપર ઉપસી આવેલી નસો જોઈને મને બહુ કૌતુક થતું. હું એમના હાથની ઉપસેલી નસો પર મારી આંગળીઓ  ફેરવતી અને એ કહેતાં, ‘જો ભગવાને કેવા દોરડાં બાંધ્યાં છે’. એમની પાસે એક કોરો લાલ સાડલો હતો, એમની પતરાની પેટીમાં. એ પતરાની પેટી એટલો જ એમનો અસબાબ. હું થોડી મોટી થઇ પછી એમણે મને એ સાડલો બતાવેલો અને કહેલું કે એ તેમના અંતિમ સંસ્કારમાં એમને પહેરાવવાનો સાડલો છે. એમના મનની વાત, હું થોડી મોટી થઇ પછી, એ મને કહેતાં. એમના દુઃખના દિવસોની યાદો હોય, દાદા સાથેના અતિ ટૂંકા લગ્નજીવનનાં સુખદ સંસ્મરણો હોય, મારા પપ્પાનું બાળપણ, એમના સંઘર્ષો, બધું એ મારી સાથે બેસે ત્યારે એકાએક એમના માનસપટ પર તરી આવતું. હું મોટી થતી ગઈ એમ એમની એકલતાની સ્થિતિ મને સમજાતી ગઇ. એમની શ્રવણ શક્તિ ત્યાં સુધીમાં ઓસરવા લાગી હતી. હું એમના કાન નજીક જઈ મોટેથી બોલીને તેમની સાથે વાતો કરતી. ધીમે ધીમે એમની સાથે વાતો કરવી મુશ્કેલ બનતી જતી હતી અને એમનું અળગાપણું વધતું જતું હતું. તે વખતે એમની સાથે થોડી મિનિટોની વાતો પણ એમને પ્રફુલ્લિત કરી દેતી. એ ખુશ થઈને કહી દેતાં, ‘બીજા કોઈ પાસે ટાઈમ ન હોય પણ મારી અન્નુ મારી સાથે વાત કરે’. અને મને મારું ઇનામ મળી જતું.

હું અને ભાઈ સ્કૂલે જવા સવારના સવા-દસ વાગે નીકળીએ. એ માટે બરાબર સાડા-નવ વાગે જમવાનું. એ વખતે ઘરે ફક્ત બા હોય એટલે એ અમને જમાડે. અમે નાના હતાં ત્યારે એમના હાથની ગરમ રોટલીની સાથે સાથે બાની વાતો પણ એ પીરસતાં જાય. કોઈ ખાસ દિવસ હોય, તહેવાર હોય, તો એની વાતો હોય, નાગપંચમીની વાત, હોળી આવતી હોય તો એની વાત, પૌરાણિક વાતની સાથે સાથે એ તહેવાર સાથે સંકળાયેલી એમની સ્મૃતિઓ પણ આવી જાય. ક્યારેક પપ્પાના સ્કૂલના દિવસો એ યાદ કરે, પપ્પાએ ભણવા માટે કેટલું વેઠેલું, કેટલી અગવડો, પ્રતિકૂળતાઓનો સામનો કરેલો. રોજ ચાર માઈલ નદીના ભાઠામાં ખુલ્લા પગે ચાલીને જતા, ક્યારેક પગમાં ચંપલ હોય ક્યારેક ન પણ હોય, ભયંકર ગરમીમાં ખભે થેલો લઈને એ ચાલતા જતા. ઘરમાં ઘોડાગાડી હતી જે એમના પિતરાઈને સ્કૂલે જવા માટે મળતી, પણ પપ્પાએ ચાલવું પડતું. આવું આવું કહેતાં બા ક્યારેક ચાર આંસુ પણ પાડી લેતાં. નદીના કિનારે વાડીઓ આવતી અને ઉનાળામાં તરબૂચની વાડીઓમાં સ્કૂલે જતા છોકરાઓ તરબૂચ પર પોતાનો અધિકાર ભોગવતા અને ક્યારેક પકડાઈ જતા, માર ખાતા અને ઘેર ફરિયાદો આવતી … એવાં એવાં પપ્પાનાં પરાક્રમોની વાત કરે ત્યારે અમને અમારાં બા મા યશોદા જેવાં લાગતાં. એમની આવી વાતોનું ભાથું બાંધીને અમે સ્કૂલે જતાં.

સવારે જમીને અમે તૈયાર થઈએ એટલી વારમાં બા અમારા બંનેના પાણીના ગ્લાસ આગળના રૂમમાં રાખીને બારણા પાસે બેસી અમારા નીકળવાની રાહ જોતાં હોય. ‘બા અમે જઈએ’ બોલાય તેની સાથે પાણીનો ઘૂંટડો અને પ્રશ્ન મળે – બધું લીધું? બસનો પાસ, કમ્પાસ, પેન-પેન્સિલ ….. ક્યારેક અમે ટીખળ કરી, બા અમને એ પ્રશ્ન પૂછે એ પહેલાં જ જવાબ આપી દેતાં, ‘બા અમે જઈએ, અને હા, અમે બધું જ લીધું છે, પેન, પેન્સિલ, બસનો પાસ …બધું જ આવી ગયું’. અમે ત્રણે હસીએ. એ કહે, ‘હા, ચાલો સાચવીને જજો, હં.’ અને પછી એમની પ્રાર્થનાઓ ગણગણતાં એમના પ્રિય સ્થાને એમની હમેશની ટટ્ટાર મુદ્રામાં બેસે. એમના જીવનમાં છેક છેલ્લે સુધી ક્યારે ય એમને ટેકો દઈને બેઠેલાં અમે કોઈએ જોયાં નહોતાં.

હું દસમા ધોરણમાં આવી ત્યારથી અમારી સવારની રોટલી મેં બનાવવા માંડી. મારે એટલું કરવું પડતું એનું એમને ભારે દુઃખ થતું. પણ જે ઘટનાથી રોટલી ન બનાવી શકે એવી એમની સ્થિતિ થઇ તે ઘટના વખતની એમની પ્રતિક્રિયાઓ વિષે જ્યારે જ્યારે ઘરમાં વાત નીકળતી ત્યારે એ માટે એમને પરમવીરચક્ર સન્માન આપવાનું મન થતું. એક સાંજે મારી સ્કૂલના વાર્ષિક દિવસની ઉજવણી હતી. એના કાર્યક્રમમાં મારે ઘણું કરવાનું હતું. એટલે અમે સૌ ત્યાં હતાં અને બા ઘરે એકલાં હતાં. એમને નાનો અકસ્માત થયો. પડી ગયાં અને જમણો હાથ ભાંગી ગયો. ભાંગી ગયો એટલે માત્ર તડ પડી એટલું નહીં, હાડકાના બે ટુકડા થયા અને હાથ સાવ લટકતો લઇ, સાવ ઓછું ભાળતી આંખો છતાં અમને સંદેશો મોકલવા માટે એ ચાલીને છેક રસ્તા સુધી ગયાં, કોઈક સાથે સંદેશો કહેવડાવ્યો, અને પછી પપ્પા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એકલાં, જાણે કશું બન્યું ન હોય એમ લટકી પડેલો હાથ બીજા હાથથી પકડીને બેસી રહ્યા. હાથના ટુકડા પૂરેપૂરા કદી જોડાયા નહીં અને અમને ગરમ રોટલી બનાવીને રોજ સવારે જમાડવાનો એમનો વિશેષાધિકાર એમણે ગુમાવવો પડ્યો, એનો એમને જીવન પર્યંત અફસોસ રહ્યો. પણ જમતી વખતે એમની વાતોનાં વડાં મળતાં, અને એથી વધારે, એમનું હોવું અમને પરમ સલામતી આપતું.

એક દિવસ પરીક્ષાની સવારે ઘરેથી નીકળતા મારા દીકરાને મારાથી પ્રશ્ન પૂછાઈ ગયો, ‘બધું જરૂરી લીધું છે ને’? તારો મોબાઈલ, આઈ-પેડ, આઈડી કાર્ડ, પેનો … બધું છે ને? એણે એનું સ્મિત કરી, મારા પ્રશ્નથી એના મનનો કંટાળો ઢાંકવાનો પ્રયત્ન કરતાં એની અદાથી, જવાબ વાળ્યો ‘હા, બધું છે. હવે હું જાઉં?’ એ નીકળી ગયો, અને મારા આ પ્રશ્ને મારી સ્મૃતિને સતેજ કરી દીધી. વર્ષો સુધી, સ્કૂલમાં હતી ત્યારથી છેક કૉલેજમાં જતી ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ રોજ હું પણ આ જ રીતે આપતી. દેખાડવાનો કંટાળો, છતાં અંદરથી એ પ્રશ્ન પૂછાય એ ગમતું! મારી વસ્તુઓ લેવાનું યાદ કરવા માટે એ પ્રશ્નનું થઇ પડેલું અવલંબન …. એક રીતે જોઈએ તો કશું જ બદલાતું નથી. બદલાઈ છે માત્ર યાદ કરીને લેવાની વસ્તુઓ.

e.mail : aradhanabhatt@yahoo.com.au
(પ્રગટ : “એતદ્દ”; જૂન 2024 – પૃ. 51-55)

Loading

જોહાત્સુ: ચલ કહીં દૂર નિકલ જાયેં …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 August 2024

જર્મનીના એન્ડ્રીસ હર્ટમેન અને જાપાનની અરાટા મોરિ નામના બે સ્વતંત્ર ફિલ્મ સર્જકોએ તાજેતરમાં એક અનોખી ડોક્યુમેન્ટરી બનાવી છે. તેનું નામ છે ‘જોહાત્સુ : ઈન્‌ટુ થિન એર.’ જોહાત્સુ એક અનોખો જાપાની શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘વરાળ બનીને ઊડી જવું’. ફિલ્મના શિર્ષકનો અર્થ પણ એવો જ થાય છે, ‘હવામાં ગાયબ થઇ જવું.’

એવું કહેવાય છે કે જાપાનમાં દર વર્ષે એક લાખ લોકો આવી રીતે ગાયબ થઇ જાય છે. વાસ્તવિક સંખ્યા એથી પણ વધારે હોવી જોઈએ, કારણ કે જોહાત્સુ શરમજનક બાબત છે અને ઘણાં પરિવારો પોલીસમાં જાણ કરવાનું ટાળે છે. આવી ઘટનાઓ માટે ‘જોહાત્સુ’ શબ્દ પ્રચલિત થયો હતો.

લોકો અલગ અલગ કારણોસર જોહાત્સુ કરે છે. જેમ કે, ડિપ્રેશન, વ્યસન, જાતીય નપુંસકતા, એકલા રહેવાની ઈચ્છા, ઘરેલું ઝઘડા, દેવું, છૂટાછેડા અથવા બેરોજગારી. 

રાજ ગોસ્વામી

આ શબ્દ એવા લોકો માટે વપરાય છે જે કોઈ સગડ છોડ્યા વગર તેમના વર્તમાન જીવનમાંથી અદૃશ્ય થઇ જાય. 1960ના દાયકામાં લોકો દુઃખી લગ્નજીવનથી ત્રાસીને ઘર છોડી દેતા હતા તેના માટે આ શબ્દ વપરાતો હતો, પરંતુ 80ના દાયકામાં જાપાન તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લોકો પાસે તનતોડ મહેનત કરાવતું હતું, ત્યારે આર્થિક કે પારિવારિક તનાવોથી થાકી-કંટાળીને અમુક લોકો ઘરમાંથી અને કંપનીમાંથી અચનાક ગાયબ થઇ જવા લાગ્યા હતા, અને એક નવી જ ઓળખ સાથે નવેસરથી જીવન શરૂ કરતા હતા. 

1980ના દાયકા વેળા જાપાન તેજ ગતિએ આગળ વધી રહ્યું હતું. નિષ્ણાતો એવું માનવા લાગ્યા હતા કે જો જાપાનની ગતિ આટલી ઝડપી હશે તો તે મહાસત્તા અમેરિકાને વટાવી જશે. જાપાનની સરકાર પણ આવી જ ઉતાવળમાં હતી. તેણે મોટા ટેકનોલોજિકલ માંધાતાઓ અને કોર્પોરેટ કંપનીઓ સાથે સહયોગ કર્યો હતો, કારણ કે  દેશને ઝડપી ગતિએ પ્રગતિના માર્ગ પર લઇ જવો હતો.

પરિણામે બજારમાં એવા લોકોની માંગ વધવા લાગી હતી, જેઓ પોતાનું કામ કરવામાં કુશળ હોય. સરેરાશ નહીં, પરંતુ શ્રેષ્ઠ હોય. જાપાનના દરેક યુવાન એકબીજાને પછાડવાની ગળાકાપ સ્પર્ધામાં હતા. એમાં ઘણા શ્રેષ્ઠ યુવાનોને સારી નોકરીઓ મળી હતી. ઓછા સક્ષમ અને સરેરાશ યુવાનો પાસે નાની નોકરીઓ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તેઓ ડિપ્રેશનમાં જવા લાગ્યા, લોકોથી અલગ રહેવા લાગ્યા. તેઓ સામાજિક અને માનસિક રીતે કટ ઓફ થઇ ગયા હતા.

જાપાનમાં આવા લોકો માટે હિકિકોમોરી શબ્દનો ઉપયોગ થાય છે; એક અસહાય વ્યક્તિ જે નિરાશાનું જીવન જીવે છે. જાપાનમાં આવા લોકોની સંખ્યા હાલમાં 15 મિલિયન છે. જો કે આ માત્ર સરકારી આંકડા છે, પરંતુ વાસ્તવમાં આ આંકડો ઘણો વધારે છે. આમાંના કેટલાક હિકિકોમોરી અદૃશ્ય થઈ જાય છે.

આપણે ત્યાં, ભારતીય સમાજમાં પણ, ઘર છોડીને જતા રહેવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ એવા લોકો કાં તો સાધુ-બાવા બની જાય છે અથવા ભિખારી બની જાય છે. જાપાનમાં અલગ છે. ત્યાં લોકો ઘર-પરિવાર, નોકરી, નામ અને દેખાવ સુદ્ધાં બદલી નાખીને નવી ઓળખ સાથે જીવન શરૂ કરે છે.

જાપાનમાં જોહાત્સુ કરવું સરળ છે કારણ કે જાપાનીસ સમાજ ગોપનીયતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનું બહુ સન્માન કરે છે અને એક વ્યક્તિ તેની ઈચ્છા થાય ત્યારે જતી રહી શકે અને પાછી આવી શકે છે.

ગાયબ થઇ ગયેલા લોકો આસાનીથી બેંકોમાં નાણાંનો વ્યવહાર કરી શકે છે અને તેમના પરિવારોને તેમની માહિતી આપવામાં નથી આવતી. જાપાનમાં પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટનો અમલ બહુ કડકાઈથી થાય છે અને પોલીસ પણ ત્યારે જ દરમિયાનગીરી કરે, જ્યારે અપરાધ થયો હોય અથવા અકસ્માત થયો હોય. સ્વેચ્છાએ જતા રહેલા લોકોને પોલીસ શોધતી નથી. 

પરિવાર સદ્ધર હોય તો વધુમાં વધુ ખાનગી ડિટેક્ટિવની મદદ લઇ શકે. ઈમિગ્રેશન અધિકારીઓ કે બેંક કોઈ પણ પરિસ્થતિમાં કોઈને પણ, ત્યાં સુધી કે પરિવારને પણ ગ્રાહકનો ડેટા આપતી નથી, એટલે ખાનગી ડિટેક્ટિવનું કામ પણ ઘણું સીમિત હોય છે. 

2020માં, બી.બી.સી.ના એક અહેવાલમાં, સુગીમોટો નામના 42 વર્ષના એક માણસે કહ્યું હતું, “હું માણસોથી તંગ આવી ગયો હતો. એક નાનકડી સુટકેસ ઉઠાવી અને ગાયબ થઇ ગયો. એક રીતે હું ભાગી છૂટ્યો હતો.” એ એક નાનકડા ગામમાં રહેતો હતો અને ત્યાં તેના અને તેના પરિવારના જાણીતા ધંધાના કારણે બધા તેને ઓળખતા હતા. સુગીમોટોને એ કામ કરવું નહોતું, પણ ‘લોકો શું કહેશે’ની શરમમાં તે પરિવારની લાજે કામ કરતો હતો. એમાં તે થાકી ગયો, અને એક દિવસ કોઈને કહ્યા વગર કાયમ માટે ક્યાંક જતો રહ્યો.

જાપાનમાં એવી કંપનીઓ પણ છે જે લોકોને ગાયબ થઇ જવામાં મદદ કરે છે. તેને ‘નાઈટ મૂવિંગ’ કહે છે – કોઈને ગંધ ન આવે તે રીતે રાતોરાત અદૃશ્ય થઇ જવાનું હોય છે એટલે નાઈટ મૂવિંગ. કંપનીઓ લોકોને ખાવા-પીવા, રહેવાની, નવી ઓળખ ધારણ કરવામાં અને કામધંધો આપવામાં મદદ કરે છે. તે સરકારમાં પત્રવ્યવહાર કરીને ગાયબ થનારી વ્યક્તિની ઓળખ છુપી રાખવાનું કામ પણ કરતી હોય છે.

જાપાની સમાજને ‘સેકેન્ટી’ કહે છે; જે સામાજિક ઓળખને બહુ મહત્ત્વ આપે છે અને જ્યાં લોકો તમને કેવી રીતે જુવે છે તે ગર્વની વાત હોય છે. લોકો પર સામાજિક શરમનો બહુ ભાર હોય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ કામધંધામાં નિષ્ફળ જાય અને પરિવારનું લાલનપાલન કરી ન શકે, તો તે સમાજમાં તે બહુ શરમની બાબત ગણાય. લોકો આવી શરમથી બચવા જોહાત્સુ કરતા હોય છે.

જાપાનમાં, માણસો વચ્ચેના સંબંધો ફરજ અને દાયિત્વથી બહુ પ્રભાવિત થાય છે. ફરજપરસ્ત સંબંધોમાં, એક વ્યક્તિની પોતાની શું ઈચ્છાઓ છે, તેના શું વિચારો છે અને તેને કેવું મહેસૂસ થાય છે તેનું મહત્ત્વ ઓછુ હોય છે અને બીજા લોકો શું ઈચ્છે છે અને તેમને કેવું લાગે છે તેનું મહત્ત્વ વધુ હોય છે. 

જાપાની સમાજમાં શરમ બહુ મોટી વસ્તુ છે. સમાજની અપેક્ષા પ્રમાણે વ્યક્તિ જો ન જીવે તો તેના તે શરમથી એટલી લદાઈ જાય છે કે આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ હોય અને કોર્ટ તેને નિર્દોષ જાહેર કરે, તો પણ સમાજ તો તેને કલંકિત જ માનતો રહે છે.

તેના માટે જાપાનમાં એક કહેવત પણ છે; બહાર નીકળેલા નખને દાબી દેવો જોઈએ. અર્થાત, સૌએ સામાજિક અપેક્ષાઓ મુજબ જીવવાનું. લોકોને જ્યારે લાગે કે તો સમાજની આવી નિર્મમ અપેક્ષાઓ પર પાર ઉતરી શકતા નથી, ત્યારે તેઓ જોહાત્સુ કરતા હોય છે.

એવું નથી કે લોકો એકલા જ ગાયબ થઇ જાય છે. ઇચિરો નામનો માર્શલ આર્ટ માસ્ટર અને તેની પત્ની ટોમોકો ટોકિયો નજીક સાઈતમા નામના સમૃદ્ધ ટાઉનમાં રહેતાં હતાં. બંનેને ટિમ નામનો એક છોકરો થયો હતો. તેમના નામે એક ઘર હતું અને લોન લઈને રેસ્ટોરન્ટ ખોલી હતી. અચનાક બજારમાં મંદી આવી, અને પતિ-પત્ની દેવાં નીચે આવી ગયાં. તેમણે હવાતિયાં માર્યાં પણ મેળ ન પડ્યો, અને એક દિવસ ઘર-રેસ્ટોરન્ટ વેચીને, સામાન પેક કરીને બાળક સાથે ગાયબ થઇ ગયાં. કાયમ માટે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 18 ઑગસ્ટ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...463464465466...470480490...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved