આપણે મારી, તમારી કે તેની જે ઓળખ હોય તેની સમુચિત વ્યાખ્યા નથી કરી શકતા. હું કહું કે હું શાહ છું તો તરત બ્રાહ્મણ પટેલ વગેરેથી કપાઇ જઉં છું. હું કહું કે હું ગુજરાતી છું તો પંજાબી મરાઠી કે બંગાળીથી, અને કહું કે હિન્દુ છું તો મુસ્લિમ ખ્રિસ્તી વગેરેથી, અને ભારતીય કહું તો ચિની ફ્રૅન્ચ કે અંગ્રેજ વ્યક્તિથી કપાઇ જઉં છું. કપાઇ જઉં છું, ઉપરાન્ત, એ અન્યો સૌ મને અમુક નજરે જોવા માંડે છે.
આમ, ઓળખ જ ભેદ ઊભા કરે છે, ઓળખ ભેદકારી છે.
+ +
જોઈ શકાય છે કે હરારી, દેવો ચલણીનાણાં કૉર્પોરેશનો જેવી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ તેમ જ વાર્તાઓ કાવ્યો કપોલકલ્પનાઓ અને મિથ્સ – સત્યાસત્ય અને કલ્પનાતથ્ય આધારિત વાસ્તવિકતાઓ – જેવી પ્રેરક ઉત્તેજક રસિક વાસ્તવિકતાઓના નહીં, પરન્તુ સત્ય ખાતર નકરી વાસ્તવિકતાના પક્ષધર છે. લિખિત દસ્તાવેજને તેઓ ઇન્ફર્મેશન ટૅક્નોલૉજિનો દરજ્જો આપે છે ત્યારે પણ, તે non-organic છે, માટે!
કેટલીક સંસ્કૃતિઓ organic હતી, કેમ કે તેમાં મુખોમુખ પરમ્પરાઓ હતી, તેથી તેમાં આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ વાર્તાઓથી અને લોકોનાં મુખે થતાં તેનાં પુનરાવર્તનોથી સરજાતી હતી, ઉપરાન્ત, ચિત્તમાં સંઘરાતી હતી. પણ, માણસ કેટલું યાદ રાખી શકે? એટલે, લિખિત દસ્તાવેજીકરણ સંભવ્યું.
લિખિત દસ્તાવેજીકરણથી સમ્પત્તિની યાદીઓ, વિવિધ કર-માળખાં, ચૂકવણાં વગેરેની લિખિત નૉંધણીઓ થાય છે અને તેને પરિણામે વહીવટી તન્ત્રો, સામ્રાજ્યો અને ધાર્મિક સંગઠનોની રચનાઓ બહુ આરામથી કરી શકાય છે. એ રીતે, લિખિત દસ્તાવેજોએ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓના સર્જનની પદ્ધતિ જ બદલી નાખી! પ્રાચીન કાળમાં માટીની પાટી પર, એ પછી કાગળ પર, પરન્તુ સામ્પ્રતમાં લિખિત દસ્તાવેજો સિલિકોન-ચિપ પર, કમ્પ્યુટરની ફાઇલ રૂપે, જોવા મળે છે, એ પરિવર્તન મોટું છે.
પરન્તુ, લિખિત દસ્તાવેજ – દાખલા તરીકે, વ્યવસાયનું કરારનામું, ટૅક્સ રૅકર્ડ્સ, ટૅક્સ ભર્યાની રસીદ – મળે જ નહીં, ખોવાઇ જાય, ચોરાઇ જાય, નાશ પામે, તો? આપણી સરકારી ઑફિસોમાં ફાઇલો પર ફાઇલોનો ગંજ ખડકાયો હોય છે, જોતાં ચક્કર આવી જાય, જરૂરી કાગળિયું તો મળે ત્યારે મળે! તો, યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવનારું એ જ દસ્તાવેજીકરણ સંકુલ અને અતિ કઠિન કૉયડો ઊભો કરે છે – પુન:પ્રાપ્તિનો – retrivalનો કૉયડો. સુવિદિત છે કે આ શબ્દ કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ સંચિત મૅટર ન મળતું હોય ત્યારે પ્રયોજાતો હોય છે; હરારીએ સહેતુક વાપર્યો છે.
હરારી કહે છે કે માનવસ્મૃતિના ઊંડા અધ્યયન પછી પણ ન્યુરોસાયન્ટિસ્ટ્સ જાણી શક્યા નથી કે સ્મૃતિ શું છે અને તેમાં સંચિત થયેલી સામગ્રીને પુન: પ્રાપ્ત શી રીતે કરી શકાય છે. ઉમેરે છે કે લિખિત દસ્તાવેજો, દાખલા તરીકે, ટૅક્સ રીપોર્ટ્સ, કશા જીવતાજાગતા જીવ – organism – નથી કે શરીરના નિયમોને તાબે થઈ અભરાઇ પર જાતે ચડી બરાબર ગોઠવાઈ જાય. એટલે, સૌ પહેલાં તો, કોઈકે અભરાઇ પ્રમાણે નક્કી કરવું પડે કે કઈ માહિતી કઈ અભરાઇ પર મુકાય તો યોગ્ય કહેવાશે. પૂર્વવત્ વ્યવસ્થાને પાછી મેળવવા, પુન:પ્રાપ્ત કરવા નૉંધણીકામદારોએ (archivists) વિશ્વમાં નવી વ્યવસ્થા ઊભી કરવી પડે. એ થઈ, અને એ વ્યવસ્થાનું નામ છે, beurocracy, અમલદારશાહી અથવા કહો કે અધિકારશાહી.
બ્યુરોક્રસી —
હરારી દર્શાવે છે કે મોટાં આયોજનોએ અધિકારશાહી વડે પુન:પ્રાપ્તિનો પ્રશ્ન તો ઉકેલી લીધો, પણ એમ કરીને વિશાળકાય અને અધિક સામર્થ્યવાન માહિતી-શૃણ્ખલાઓ સરજી, એટલું જ નહીં, મિથ્સની જેમ જ, વ્યવસ્થા માટે સત્યનો ભોગ લીધો; લોકોની વિશ્વ વિશેની સમજને આગવી પદ્ધતિએ વિકૃત કરી નાખી. ૨૧-મી સદીની અનેક માહિતી-શૃણ્ખલાઓએ પ્રૉબ્લેમ્સ ખડા કર્યા છે, જેમ કે, વ્યક્તિઓને ખોટાં લેબલ્સ લગાવી આપતાં biased ઑલ્ગોરીધમ્સ, માણસની લાગણીઓ અને જરૂરતોની અવગણના કરતાં જડસુ protocalls, એનાં વિશિષ્ટ ઉદાહરણ છે.
મને બરાબર યાદ છે, મારા દાદા અને પિતાજી નામુંઠામું લખવા માટે ગાદીતકિયે પલાંઠીભેર બેસતા, સામે ઢાળવાળું નાનું મેજ હોય, એ પર ચૉપડો મૂકીને લખતા, એ મેજમાં દરો – drawer – પણ હોય. અમારા ગાયકવાડી રાજની કૉર્ટમાં કે મામલતદારની કચેરીમાં કારકુનો એવા મેજ પર જ કામકાજ કરતા. હરારી કહે છે કે ‘બ્યુરોક્રસી’ શબ્દ ૧૮-મી સદીના ફ્રાન્સમાં પ્રયોજાવા લાગેલો અને એનો અર્થ હતો, rule by writing desk. એ ડેસ્કને દરો હોય, અધિકારીઓ દરાવાળી ડેસ્ક આગળ બેસીને લખતા તેથી એને beuro કહેતા.
હરારી લખે છે કે અધિકારશાહીનો પ્રાણ drawer છે. વિશ્વને દરાઓમાં વહૅંચી નાખો એટલે માહિતીની પુન:પ્રાપ્તિનો પ્રશ્ન જ ખતમ. ભારે ઉપહાસ કરતાં હરારી લખે છે : માહિતીને દરામાં મૂકો, અભરાઈએ ગોઠવો, બાસ્કેટમાં બાટલીમાં કે કમ્પ્યુટરફોલ્ડરમાં, બધું થઈ જશે, સરળ, divide and rule! વિશ્વને ભાજનોમાં, cotainers-માં વ્હૅંચી નાખો અને ભાજનોને સાચવી રાખો, બસ! અહીં પણ હરારીએ કમ્પ્યુટિન્ગ માટે વપરાતો container શબ્દ સહેતુક પ્રયોજ્યો છે. આપણે જાણીએ છીએ કે ઑપરેટિન્ગ સિસ્ટમમાં એક ‘વાતાવરણ’ ઊભું કરવામાં આવે છે, જેથી એમાં એક કે વધુ ઍપ્પ્લીકેશન્સ ચાલુ થઇ શકે. કહેવાય છે કે more containers can run on a server than traditional virtual machines.
વાસ્તવિકતાના ગૂંચવાડાથી બચવા, ધારો કે, આ અધિકારશાહી આયોજનો નિશ્ચિત ડ્રૉઅર્સની સંખ્યા ઘટાડી નાખે છે, ત્યારે પણ સત્યનો તો ભોગ જ લેવાય છે, કેમ કે વાસ્તવિકતા એમની ધારણા કરતાં વધારે સંકુલ પુરવાર થાય છે. ડ્રૉઅર્સ, ડિવિઝન્સ, હાયરાર્કી કે ડિપાર્ટમૅન્ટ્સનો વાસ્તવિકતા સાથે મેળ નથી પડતો, તેથી અન્તે તો એટલું જ સૂચવાય છે કે આપણે સર્વગ્રાહી અને સર્વસમાવેશક અભિગમને, holistic approch-ને, સાવ ચૂકી ગયા છીએ.
અધિકારશાહી આયોજનો સત્યનો ભોગ લે છે, વિશ્વનું વિકૃત ચિત્ર ઊભું કરે છે, તેમછતાં, હરારી જણાવે છે કે એની એક ઉપકારકતા છે. મોટા પાયે ઊભાં થયેલાં આયોજનોને મૅનેજ કરવાનું એના વિના શક્ય જ નથી. કોઈ વ્યક્તિ વિશ્વ માટે હોલિસ્ટિક ઍપ્રોચનો માર્યો તમામ બ્યુરોક્રસીસને ભૂંસી નાખાવા માગે, પણ, દાખલા તરીકે, હૉસ્પિટલોનું શું? કેમ કે, હૉસ્પિટલો પણ અધિકારશાહી સંસ્થાઓ છે, ત્યાં પણ ભિન્ન ભિન્ન વિભાગો, ઉચ્ચાવચ શ્રેણીઓ, જાતભાતનાં ફૉર્મ્સ અને એ ફૉર્મ્સ ભરવાની થકવી નાખનારી ઝંઝટ, વગરે ઘણું હોય છે. હરારી રમૂજમાં કહે છે કે they suffer from many beurocratic illnesses, તો પણ, આપણી biological illnesses મટાડે છે. શાળાઓથી માંડીને ગટર-વ્યવસ્થાતન્ત્ર જેવાં મનુષ્યજીવનને જીવવાયોગ્ય બનાવનારાં તમામ સેવાક્ષેત્રો માટે અધિકારશાહી આયોજનો ઉપકારક નથી એમ નહીં કહી શકાય.
હરારી પૂછે છે : આપણે ટૉયલેટ ફ્લશ કરીએ છીએ પછી મળ ક્યાં જાય છે -? કુટિલ રાજકારણ માટે પ્રયોજાતો શબ્દ વાપરીને કહે છે, deep state-માં ! પાઇપ્સ પમ્પ્સ આપણાં મકાનો નીચેથી પસાર થતી અને પીવાના પાણીની લાઇનોથી બચીને જતી ટનલ્સ વગરે સંકુલ પ્રક્રિયામાં થઈને સૌનો મળ પસાર થાય છે, ને છેવટે એનો યથાશક્ય નિકાલ થાય છે. આ સમગ્ર તન્ત્ર એક મોટું બ્યુરોક્રેટિક વર્ક છે, એને દૂર કરવામાં આવે તો આપણે અસુખ અનુભવીએ, મૉતને ભેટવાનો વારો પણ આવે! ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગાં થઈ જવાનો ભય હમેશાં હોય છે, પણ સદ્ભાગ્યે બ્યુક્રેટ્સ એ બન્નેને જુદાં રાખે છે. બાકી, ૧૮૫૪માં સૅંકડો લન્ડનવાસીઓ કૉલેરાને કારણે મરણશરણ થયેલા તેનું મુખ્ય કારણ અસ્વચ્છ પાણી હતું. પરન્તુ તે પછી આ સિસ્ટમમાં ઘણા સુધારા થયા છે, લોકોના જાન બચ્યા છે, અનેક દેશોએ ઉત્તમ સેવાતન્ત્રો ઊભાં કર્યાં છે.
આ વાતના અનુસન્ધાનમાં, હરારી આપણા પ્રધાન મન્ત્રી નરેન્દ્ર મોદીની ‘ક્લીન ઇન્ડિયા મિશન’ ઝુંબેશનો ઉલ્લેખ કરીને લખે છે : “In 2014, Prime minister Narendra Modi of India identified the lack of toilets as one of India’s biggest problems. Open defecation is a major cause for spreading diseases like cholera, decently, and diarrhoea, as well as exposing women and girls to sexual assaults. As part of his flagship Clean India Mission, Modi promised to provide all Indian citizens with access to toilets, and between 2014 and 2020 the Indian state invested around ten billion dollars in the project, building more than 100 million new latrines” : હરારી કટાક્ષ કરવાનું ચૂકતા નથી કે ગટરવ્યવસ્થા મહાકાવ્યોનો વિષય નથી, પણ સક્રિયતાને વરેલા કાર્યદક્ષ દેશની કસોટી છે.
+ +
ઓળખ ભેદકારી છે એમ મેં પ્રારમ્ભે લખ્યું ત્યારે મને ખબર ન્હૉતી કે એની પાછળ પણ કશીક એવી જ યોજના હતી જેને divide and rule કહી શકાય. વર્ણાશ્રમ તે કાળે ઉચિત હશે, પણ બ્રાહ્મણ વગરે ચારે ચાર વર્ણ વચ્ચે ઉચ્ચાવચતા અને તદનુસારી ભેદ જ ઉત્તરોત્તર દૃઢ થયા, એટલે લગી કે આપણે માણસ જેવા માણસને અસ્પૃશ્ય ગણવા લાગ્યા. હું મને શાહ કહું પણ તરત પૂછવામાં આવે કે કેવા, અને હું કહું કે વાણિયા, તો પણ, કેવા. હું કહું કે દશાલાડ, વિસાલાડ, વગેરે વગેરે પેટાભેદો … બ્રાહ્મણ અને બાકી ત્રણેય વર્ણમાં પણ પેટાભેદો ક્યાં નથી? મુસ્લિમોમાં અને ખ્રિસ્તીઓમાં પણ ક્યાં નથી?
બીજું એ બને છે કે ઓળખના બહાના હેઠળ માણસ માણસને માપે છે, અને એ માટે અમુક ‘નજરે’ જુએ છે – જેને સાર્ત્ર gaze કહે છે, એની વાત હવે પછી.
= = =
(ક્રમશ:)
(09Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર