Opinion Magazine
Number of visits: 9456988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનામતનીતિને તળેઉપર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 August 2024

ચંદુ મહેરિયા

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય પીઠના અનામત નીતિ અંગેના હમણાંના ચુકાદાએ ભારે વિવાદ જગવ્યોછે. છ વિરુદ્ધ એકની બહુમતીના આ ચુકાદામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકોમાં સબકેટેગરીને બંધારણીય ઠેરવી છે. એથી આગળ વધીને ચાર જજોએ તો દલિત આદિવાસી અનામતમાં પણ ઓ.બી.સી.ની માફક ‘ક્રીમી લેયર’ દાખલ કરવા જણાવ્યું છે. દલિત આદિવાસીઓ માટેની અનામત નીતિને આ ચુકાદાએ હચમચાવી દીધી છે. તેના વિરોધમાં ભારત બંધનું એલાન સુધ્ધાં અપાઈ ચૂક્યું છે. ઐતિહાસિક ગણાતો અને સારી-નરસી દૂરોગામી અસરો જન્માવનારો આ ચુકાદો સામાજિક ન્યાય અને સમાનતાના બંધારણીય ખ્યાલ અંગે પણ સવાલો ઊભા કરે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૪૧થી અનુસૂચિત જાતિ અને ૩૪૨થી અનુસૂચિત જનજાતિની યાદી, સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિએ નોટિફેકશન દ્વારા જાહેર કરી છે. આ યાદીના દલિતો-આદિવાસીઓને શિક્ષણ, સરકારી નોકરી અને રાજકારણમાં અનામત બેઠકો મળે છે. અનામતનો ઉદ્દેશ સામાજિક-સાંસ્કૃતિક ભેદભાવ, આભડછેટ, જ્ઞાતિભેદનો ભોગ બનેલા સમૂહોને પ્રતિનિધિત્વ આપવાનો, સમાનતા આણવાનો અને અંતે જ્ઞાતિ નિર્મૂલનનો છે. આર્ટિકલ ૩૪૧ અને ૩૪૨ હેઠળની યાદીના તમામ લોકો એકસરખા ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા છે. પરંતુ આ સૂચિની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળે છે અને અ.જા. કે અ.જ.જાની અન્ય નબળી જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી કે સરકારી નોકરીઓમાં તેમનું અલ્પ પ્રતિનિધિત્વ છે. આ સ્થિતિના ઉકેલ માટે કેટલાક રાજ્યોએ અનામતમાં અનામતની નીતિ અખત્યાર કરી છે.

દેશના કોઈ એક રાજ્યની વસ્તીમાં દલિત વસ્તીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તે પંજાબ છે. આખા દેશમાં સૌ પ્રથમ પંજાબે ૧૯૭૫થી દલિતોની બે સૌથી નબળી પેટા જ્ઞાતિઓ વાલ્મીકિ અને મજહબી શિખો માટે અ. જાતિની કુલ અનામતમાંથી જ પચાસ ટકા અનામતની જોગવાઈ કરી છે. અવિભાજિત આંધ્ર પ્રદેશની ૫૭ અનુસૂચિત જાતિઓને ૧૫ ટકા અનામત મળતી હતી. ૨૦૦૦માં રાજ્ય સરકારે તેમાં વિભાગીકરણ કર્યું અને માડિગાની સબકેટેગરી માટે અનામતની જોગવાઈ કરી હતી. આ પ્રકારના વિભાગીકરણનો વિરોધ થયો અને અનામતમાં અનામત કાનૂની અને રાજકીય મુદ્દો બન્યો. ૨૦૦૪માં સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૩૪૧ને સમરૂપ, સમાન સમૂહ ગણી તેમાં કોઈ વિભાગીકરણ કરી શકાય નહીં તેમ ઠરાવી સબકેટેગરી માટેની અનામતને ગેરબંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઈ.વી. ચિન્નેયા વર્સિસ આંધ્ર રાજ્યના આ ચુકાદાની અસર પંજાબની અનામત નીતિ પર પણ પડી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબમાં મજહબી શિખો અને વાલ્મીકિ માટેની અનામતને રદ્દ કરી હતી. એટલે પંજાબે ૨૦૦૬માં તે ચુકાદાની ઉપરવટ જઈને નવો કાયદો ઘડ્યો. પંજાબ અનુ. જાતિ અને પછાતવર્ગ (સેવાઓમાં અનામત) અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૪(૫)માં વાલ્મીકિ અને મજહબી શિખોને અનામતમાં પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરી હતી. ૨૦૧૦માં હાઈકોર્ટે આ કાયદાને અને કોટામાં  કોટાને ફરી રદ્દ કરતો ચુકાદો આપ્યો એટલે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી કે અનામતમાં અનામત બંધારણીય અને કાયદેસર છે. એટલે ઈ.વી. ચિન્નેયા ચુકાદાની સમીક્ષા કરી તેને રદ્દ કરવામાં આવે.

સિવિલ એપ્લિકેશન નંબર ૨૩૧૭ ઓફ ૨૦૧૧માં પંજાબ સરકાર અપીલકર્તા હતી. તો દવિંદર સિંઘ અને અન્ય પ્રતિવાદી હતા. અન્ય બે પ્રતિવાદી ચમાર મહાસભા અને લછમન સિંઘ હતા. અન્ય ૨૨ કેસો સાથેના આ કેસનો અંતિમ ચુકાદો આ મહિનાની પહેલી તારીખે આવ્યો છે. તે પૂર્વે પાંચ જજોની બેન્ચે સબક્લાસિફિકેશને માન્ય રાખ્યું હતું પરંતુ આંધ્રનો ચુકાદો પાંચ જજની બેન્ચનો હતો એટલે આ કેસ સાત જજોની બેન્ચને સોંપવામાં આવ્યો. સાત જજોની બંધારણીય બેન્ચે ઈ.વી. ચિન્નેયા ચુકાદા બાબતે પુનર્વિચાર, રાજ્યોને અનામતનું વિભાગીકરણ કરવાનો અધિકાર, અને સબકેટેગરાઈઝેશન સમાનતાના અધિકારનો ભંગ કરે છે કે નહીં તે નક્કી કરવાનું હતું.

સી.જે.આઈ. ડી.વાય ચંદ્ર્ચૂડ, બી.આર. ગવઈ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની બંધારણીય બેન્ચનાં બેલા ત્રિવેદી સિવાયના છ જજિસે અ.જા. અને અ.જ.જા.ને એક્લ, સમાન અને સમરૂપ માનવાનો ઈન્કાર કર્યો. તેમણે ઐતિહાસિક અને અનુભવજન્ય સાક્ષ્યના સંકેતો પરથી તારવ્યું કે અ.જ.જા અને અ.જ.જા. એકરૂપ અને સમાન નથી. એટલે અનામતના લાભથી વંચિત માટે વિભાગીકરણ કરવું જોઈએ. આ પ્રકારની સબકેટેગરીનો રાજ્યોને હક છે, તે બંધારણીય છે અને સમાનતાના અધિકારનો ભંગ થતો. બેન્ચના એક માત્ર દલિત ન્યાયાધીશ ગવઈએ અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાનું જણાવ્યું હતું. જેને બીજા ત્રણ જજોએ સમર્થન આપ્યું હતું. જસ્ટિસ પંક્જ મિત્તલે અનામતનો લાભ એક જ પેઢી સુધી આપવા જણાવ્યું હતું.

જસ્ટિસ બેલા ત્રિવેદી બહુમતી ચુકાદા સાથે સંમત નહોતાં. તેમણે અલગ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય અ.જા. અ.જ.જા.ની સૂચિમાં કોઈ જ્ઞાતિને અલગ તારવી તેને પ્રાયોરિટી આપી શકે નહીં. રાજ્યનું આવું પગલું સૂચિ સાથે છેડછાડ છે. અનામતનો લાભ પૂર્ણતયા આખી સૂચિને મળે છે એટલે રાજ્યો રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ સૂચિમાં ફેરફાર કરી શકે નહીં. આ અસંમત ચુકાદો અગાઉના ઈ.વી. ચિન્નેયા ચુકાદાનું સમર્થન કરે છે અને અનામતમાં અનામતનો વિરોધ કરે છે.

અનામતનો લાભ લેવામાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ આગળ હોય છે તે વાસ્તવિકતા સ્વીકારીને તેનો ઉકેલ અનામતમાં અનામત છે કે અન્ય તે વિચારવાનું છે. વળી આંધ્ર, પંજાબ અને તમિલનાડુમાં સબકેટેગરી બનાવી છે. તેનો અનુભવ પણ લક્ષમાં લેવાયો નથી. પંજાબમાં જે બે જ્ઞાતિઓને લગભગ ચાળીસ વરસથી સબકેટેગરીથી કેટલો ફાયદો થયો છે તેનો કોઈ અભ્યાસ આ ચુકાદામાં જોવા મળતો નથી. જો સૂચિ સમરૂપ ન હોય તો તેમના પ્રત્યેનો સામાજિક ભેદભાવ પણ ચડતો ઉતરતો હોવો જોઈએ. પરંતુ દલિતોની તમામ જ્ઞાતિઓને અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો એક સરખો લાભ મળે છે. તો માત્ર અનામતનો લાભ જુદો કેમ ? અલગ સબકેટેગરી કરવામાં આવે અને હાલના રોસ્ટરક્રમ પ્રમાણે ભરતી કે બઢતી થાય તો અનામત લગભગ નાશ પામે અને કોઈને તેનો લાભ ન મળે તેવું બની શકે છે.

અનામતનો આધાર સામાજિક ભેદ હોવા છતાં દલિત જજ ગવઈ ક્રીમી લેયરની વાત કરે અને આર્થિક માપદંડની વાત જોડે તે સમજ બહારનું છે. આ બેન્ચે જેમ અનુસૂચિત જાતિ માટે વિચારણા કરવાની હતી તેમ છતાં તેમાં અનુ. જનજાતિને સામેલ કરી તેમ ક્રીમી લેયરનો સવાલ પણ બેન્ચની વિચારણા બહારનો અને સુનાવણી દરમિયાન ઉપસ્થિત નહીં થયેલો છે.

લગભગ ત્રણ હજાર વરસોથી વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા દલિતો એક જ પેઢી અનામતનો લાભ મેળવી સક્ષમ અને સમાન થઈ જશે તેમ કહેવું સાવ વાહિયાત છે. અત્યાર સુધી મધ્યમ વર્ગના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું તે સુપ્રીમ કોર્ટના જજે ચુકાદામાં લખ્યું છે. મોરારજી દેસાઈ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પત્રકારના અનામતો ક્યાં સુધી એવા સવાલનો સ્પષ્ટ જવાબ આભડછેટ છે ત્યાં સુધી હતો. સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સહાની કેસમાં જણાવ્યું હતું કે કોઈ જ્ઞાતિને કેવળ આર્થિક આધારે અનામતની બહાર કાઢી ન શકાય. આર્થિક ઉન્નતિનો અર્થ સામાજિક ઉન્નતિ ના હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો તેમના પૂર્વસૂરિઓના ચુકાદા પણ વિસરી જશે?

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૪) 

સુમન શાહ|Opinion - Literature|21 August 2024

સુમન શાહ

જેના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે એ ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓને મેં બીજા વર્તુળમાં મૂકી છે. વાંસલડીને વિષય બનાવીને દયારામે અનેક રચનાઓ કરી છે, પુનરાવર્તન કરીને કરી છે. દયારામમાં મને વાંસલડીનાં બે રૂપ પરખાયાં છે :

વાંસલડીનું એક રૂપ વશકરણી વાંસળી તરીકેનું છે :

આ વાંસળી એકંદરે રંગવાંસળી છે અને તેથી એનું કામણગારું હકારાત્મક મૂલ્ય છે. સુખ્યાત પંક્તિઓ સાંભળીએ : ‘વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ! નાદે વેધી છે મારી પાંસળી રે લોલ! … હું તો સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ! મળવા થઇ છું અતિ આતુરી રે લોલ! તાલાવેલી લાગી છે મારા તનમાં રે લોલ! ગોઠતું નથી કંઇ ભુવનમાં રે લોલ!’ (‘કુંજમાં વાય છે વાંસળી’). 

કૃષ્ણને ગોપી કહે છે : ‘વશકરણી છે તારી વાંસળી, જોતાં વશ કરી છે વ્રજનારને … સ્વર સૂણીને હું તો શુધબુધ વીસરી, દરદમાં ગરદ ગઇ છે મળી … સુધાથકી રે સ્વાદ એમાં છે ઘણો, મુને સાકર કરતાં લાગે છે ઘણી ગળી … ચટકો લાગ્યો રે ઝેરી ડંખથી ના ઊતરે … હવે લોક કહે, એ તો ચિત્તથકી ચળી …’ (‘વશકરણી વાંસળી’). 

કૃષ્ણને ગોપી વળી પાછી કહે છે : ‘તુજ અધર ઉપર એ વાજે છે, સૂણી અંતર મારું દાઝે છે, એનો શબ્દ ગગનમાં ગાજે છે … એ વનમાં જ્યારે વાગે છે, મુને બાણ સરીખી લાગે છે, મુને વ્રેહની વેદના જાગે છે …’ 

વાંસલડીના આવા શબ્દે ગોપીનું મન મોહ્યું છે કેમ કે એ શબ્દ કૃષ્ણશબ્દ છે, કૃષ્ણસ્મૃતિનો વાહક પણ છે. ગોપીમાં અજંપો બ્હાવરવાટ અને ઘેલછા પ્રગટ્યાં, તે એને કારણે. એ શબ્દ કૃષ્ણના નિત્યના આકર્ષણનું વેધક કારણ બન્યો; વિરહની વેદના જાગી, તે એને લીધે. આમ ગમતો છતાં આમ અકળાવતો, કંઇક ના-ગમતો છે એ શબ્દ. સાથોસાથ, ગોપીએ એમ પણ જોયું છે કે વાંસલડીને ‘કૃષ્ણે કૃપાસાધ્ય કરી દીધી છે, માટે દયાપ્રીતમે કર લીધી છે.’ ખરું કારણ પકડાતાં એમ પણ સમજાવા લાગ્યું છે કે એ માટે વાંસલડીએ ‘તપની સાધના કીધી છે.’ (‘વાંસલડીને શબ્દે’).

આવી વાંસલડીની ઉપેક્ષા શી રીતે કરાય? પરવડે કેમ? એટલે વાંસલડીનું બીજું રૂપ ગોપીની અને વ્રજનારની વૅરણ તરીકેનું છે, શૉક્ય તરીકેનું, કુખ્યાત રૂપ છે : 

જો કે એવી વાંસલડી ગોપીમાં ઇર્ષા પ્રેરનારી નીવડીને ય છેવટે તો એની પ્રેમભક્તિને પુષ્ટ કરનારું પરિબળ જ પુરવાર થાય છે. એનું એવું નકારાત્મક, પણ મૂલ્ય છે. જોવા જઇએ તો, એની ઉપેક્ષા શક્ય પણ નથી. ‘વાંસલડીના વાંક’-માં, તો સ્પષ્ટપણે કહી દીધું : ‘વૅરણ થઇ લાગી રે વ્રજની નારને … શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને …’ 

હવે ઇર્ષા પોતાનો વળ બદલીને ગોપીને એવું માનવા પ્રેરે છે કે વાંસલડી કૃષ્ણના અધર પર છે, તે ઠીક નથી. એને કૃષ્ણના અધરે રહેવાનો, એટલે કે સાન્નિધ્યનો, જે દુષ્કર લાભ મળ્યો છે તે પોતાને નથી મળ્યો. અને એ વાત બરાબર નથી. વાંસલડી કૃષ્ણસ્મૃતિનું સાધન રહે, ત્યાં લગી વાંધો નથી, પણ જો કૃષ્ણ પર એ આધિપત્ય જમાવી બેસે, તો તે ઠીક નથી. એવી વાંસલડીને તો ધિક્કારવી જોઇએ. અને ગોપી એને પોતા સમેત તમામ વ્રજનારની વૅરણ અને શૉક્ય ગણવા લગી વિકસી જાય છે. 

ઇર્ષાભાવને જરા પણ છુપાવ્યા વિના કહી દીધું : ‘તું તો મોહનના મુખ પર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે, તું તો શૉક્ય થઇ અમને સાલે …’ દબાવી રાખેલો ગુસ્સો પણ જાહેર કરી દીધો : ‘હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ પર મ્હૅર ન આણતી, તારાં ડાળ સાહીને મૂળ તાણતી …’ 

ઇર્ષાનું એવું બદલાતું કેન્દ્ર પછી તો વિકસ્યું છે. શાણી ગોપીને એક યોગ્ય પ્રશ્ન થાય છે કે કૃષ્ણે વાંસલડીને આવું સ્થાન આપ્યું તે એની કઇ પાત્રતાએ કરીને. શું હશે એનું રહસ્ય? કવિએ સરસ સૂચક શબ્દ પ્રયોજ્યો છે, ‘ભેદગુણ’.

એને વરતાયું કે વાંસલડીના ‘ભેદગુણ’ ‘ભારી’ છે. એવા તે કયા, ભારી ભેદગુણ? સાર ગોપી એવો ગ્રહે છે કે કૃષ્ણકૃપાનું કારણ વાંસલડીનું તપ છે, એણે વેઠેલું કષ્ટ છે, સાધના છે. પોતામાં તો, એ નથી ! એને થાય છે, એવા ‘ભારી’ ગુણને પ્રતાપે એ અમારામાં ભેદ પડાવી શકે પણ ખરી! ને તો તેમાં નવાઇ પણ શી? ગોપીને વાંસલડી ઉત્તર આપે છે તેથી પણ આ જ સાર દઢ થાય છે : ‘ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવતણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે … તપસાધ્યાં વનમાં … ટાઢતડકા વેઠ્યાં તનમાં … અંગે વાઢિયા વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા, તે ઉપર છેદ પડાવિયા …’ વગેરે. (‘વાંસલડીનો ઉત્તર’). 

એટલે પછી ગોપીમાં ઇર્ષાનું આક્રમક બળ ગળી જાય છે, આત્મનિરીક્ષા સ્ફુરે છે. ક્રોધ ઑગળી જાય છે અને માનીતી વાંસલડીને માટેનો માત્ર લાડભર્યો ઉપાલમ્ભ બચે છે. ‘માનીતી વાંસલડીને’-માં, વાંસલડીના ‘મીઠા શોર’-નો એણે જાણ્યે-અજાણ્યે સ્વીકાર કર્યો છે. ‘મીઠા શોર’-ને લક્ષ્ય કરીને ગોપીએ એને જાતભાતની રીતનો વ્હાલપભર્યો ઠપકો આપ્યો છે : ‘માનીતી તું છે મોહનતણી … અમારે શૉક્ય સરીખું તું સાલ રે … ઝેર ઘણું છે તારી ઝપટમાં … પતિવ્રતાનાં પ્રણ તેં મુકાવિયાં … તેં તો છોડાવ્યાં સતીઓનાં સત્ય રે … જોતાં તું તો કાષ્ઠકેરો કરકટો … તુંને આજ મળી ઠકરાત રે … ચોરની સંગે શીખી તું ચોરવા … વ્હાલે માખણ ચોર્યું ને તેં તો મન રે …’

સરવાળે એમ કહી શકાય કે વાંસલડી ઇર્ષા અને શીખ બન્નેનું કારણ બની છે. ને તથી એનું મૂલ્ય પ્રેમ અને ભક્તિ બન્ને સંદર્ભોમાં વિકસ્યું છે. વાંસલડી વડે એમ જ પુરવાર થયું છે કે છેવટે તો કૃષ્ણનું કંઇપણ, શામક અને માર્ગદર્શક જ નીવડવાનું! 

આમ દયારામે, જોઇ શકાશે કે, વાંસલડીને પણ પુષ્ટિનું એક ઉપકારક અંગ ગણ્યું છે. એથી પણ પ્રેમભક્તિનો પુરુષાર્થ દૃઢ થયો છે.

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાંગ્લાદેશ : ભાગિયા બનીશું કે અભાગિયા?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 August 2024

પ્રકાશ ન. શાહ

વંચિતોના વાણોતર, કહો કે દીનબંધુ મુહમ્મદ યુનૂસે બાંગલાદેશી પરિવર્તનના વડા સલાહકારની હેસિયતથી ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઇ આક્રાન્ત હિંદુ બહુમતીને હૂંફવાની કોશિશ કીધી તે પછી તરતના કલાકોમાં આ લખી રહ્યો છું.

કેટલી ઝડપથી બની ગયા આ બનાવો! ઓગસ્ટ બેસતે છાત્ર યુવા આંદોલને કથિત અનામતનાબૂદી આંદોલનને વટી જતા વ્યાપક લોકશાહી આંદોલનનું સ્વરૂપ લીધું અને સન 1971ની બાંગ્લા સ્વરાજે લડતનું કેમ જાણે પુન:આવાહન થયું! ભ્રષ્ટાચાર અને સોબતી મૂડીવાદ તેમ જ નાગરિક અધિકાર પરની ભીંસથી ગ્રસ્ત લોકશાહી વાસ્તે જાણીતાં શેખ હસીના વાઝેદે રાજીનામું આપવાની નોબત આવી. પાંચમી ઓગસ્ટે આ બન્યું તે સાથે યુવા આંદોલન અને એના નેતૃત્વને લગારે ઇષ્ટ નહીં એવો એક લઘુમતીવિરોધી ઉદ્રેક ને ઉત્પાત અનુભવાયો.

બાંગ્લાદેશમાં મુખ્ય દૈનિક તરીકે સ્થિત પ્રતિષ્ઠ ‘ડેઇલી સ્ટાર’ના દસમી ઓગસ્ટના અંકને મથાળે ચીખીને હેવાલ પથરાયો કે હસીના વાઝેદનાં ગયાં પછીની અનવસ્થામાં હિંદુ વસ્તી-મિલકત-મંદિર પર 205 હુમલા નોંધાયા છે. (હિંદુ સંગઠનનો આંકડો પણ આ જ છે.) પણ બે જ દિવસમાં (બારમી ઓગસ્ટ લગીમાં) સ્થિતિ એ થઇ કે ‘ડેઇલી સ્ટાર’ કને આ બાબતે છાપવા જેવા કોઇ સમાચાર નહોતા. ઢાકાથી શુભજીત રોયનો હેવાલ બોલે છે કે પાંચમી ઓગસ્ટે અમે જ યુવજનોને વિરોધ કૂચનું નેતૃત્વ કરતા જોયા હતા તે પૈકી કેટલાકને આજે (દસમી ઓગસ્ટે) હું રાજમાર્ગો પર ટ્રાફિક નિયમનની સ્વૈચ્છિક કામગીરીમાં મચી પડેલા જોઉં છું.

મુહમ્મદ યુનૂસ

જે બધી તસવીરો વાઇરલ થઇ ને વિશ્વભરમાં ચક્રવૃદ્ધિ ગતિએ ઊંચકાઇ તે પૈકી કેટલીક ભળતાસળતા સ્રોતોમાંથી ખેંચાયેલી, જુદાં જ સ્થળકાળની હોવાનું ય ફેક્ટ ચેક થકી માલૂમ પડ્યું છે. જેમ હુમલા એક દુર્દૈવ વાસ્તવ હશે તેમ વાઇરલ વિષવંટોળ પણ એક વાસ્તવ છે. બળાત્કારની વૈશ્વિક ચકરડીભમરડી રમી ગયેલી એક તસવીર પૂર્વે મણિપુર ને ઇન્ડોનેશિયામાં ય વપરાયેલી છે અને એનું પગેરું 2021માં પૂર્વ બેંગ્લુરુના રામમૂર્તિનગર વિસ્તારમાં થયેલી એક બળાત્કારની ઘટના સંબંધે ત્રણ મહિલા સહિતના કુલ બાર બાંગ્લાદેશી તેમાં પકડાયેલા છે!

ફેક્ટ ચેક દરમિયાન બહાર આવેલી ભળતીસળતી તસવીરોની આખી દાસ્તામાં નહીં જતાં અહીં જે કહેવું પ્રાપ્ત થાય છે તે એ છે કે હિંદુ-ખ્રિસ્તી લઘુમતીઓ પર હુમલાનો એક દૌર જેમ દુર્દૈવ વાસ્તવ છે તેમ એક મોટા લોકઉઠાવને કોઇ કોમી કાંડમાં ખતવી નાખવા ખેંચાઇ જઇએ તો એ મહાદુર્દૈવ લેખાશે.

હમણાં વિભાજનને વિભીષિકા તરીકે જોવું કે કારુણિકા તરીકે, એની ચર્ચા કરતી વેળાએ સ્વાભાવિક જ 1947ની જેમ 1971ને પણ સંભારવાનું થયું હતું. સન એકોતેરે બંગબંધુ મુજીબના નેતૃત્વ તળે ત્યાંની મુક્તિ વાહિની અને હિંદની લશ્કરી કુમક (ડિસેમ્બર 3થી ડિસેમ્બર 16, 1971) થકી આઝાદ બાંગ્લાદેશને ઉદયને જોયો.

બાંગ્લાદેશ એ પ્રયોગ, એમ તો વીસમી સદીનાં આરંભ વર્ષોમાં જ રવીન્દ્રનાથની રચના, ‘આજી બાંગ્લાદેશેર હ્યિદોય’ કે કાઝી નઝરુલ ઇસ્લામની ‘નમો નમો બાંગ્લાદેશ મોમો’ સરખી રચનાઓથી સહજ સ્વીકૃતિ પામવા લાગ્યો હતો. બંગભંગની બ્રિટિશ પેરવી સામેના લોકઆંદોલને બંગાળી અસ્મિતાની એક મનોવૈજ્ઞાનિક સરસાઇ હિંદુ વિ. મુસ્લિમ સામસામી પર સ્થાપી હતી. આખો ઇતિહાસ તો ક્યાં ઉલેચું પણ અંગ્રેજ પૂર્વ સૈકાઓમાં શમ્સુદ્દીનની સલ્તનતના વારામાં બાંગલાશાહ એ પ્રયોગ પણ થયેલો છે.

આ વાંચતી વેળાએ મને એ પણ સહજ સાંભરતું હતું કે ‘ગુજરાતી’ ઓળખ પ્રયોગને વિશેષ માન્યતા અહમદશાહને આભારી છે. દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર ઓળખ આગળ કરવા માટે એ આગ્રહપૂર્વક ‘ગુજરાતી’ એવો પ્રયોગ કરતા. પાછો, તવારીખમાં નજીક આવું તો, 1947માં જ્યારે પાકિસ્તાન-હિંદુસ્તાન ચાલ્યું ત્યારે એક તબક્કે શરતચંદ્ર બોઝ (સુભાષચંદ્ર બોઝના ભાઇ) અને હસન સુહરાવર્દી (ભાગલા પૂર્વ બંગાળના મુખ્ય પ્રધાન) વગેરેએ સ્વતંત્ર બંગાળની હિમાયત કરી હતી, જાણે બંગભંગ ચળવળનું પુન:આવાહન!

ખેર પાકિસ્તાનના ઉદય સાથે ઝીણા નેતૃત્વે ને પંજાબી લોબીઓ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી ત્યારે છાત્રયુવા બલિદાન સાથે એક નવસંચાર શરૂ થયો. 21મી ફેબ્રુઆરી જે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ મનાવાય છે એના સગડ તમને તે તારીખે થયેલા છાત્ર બલિદાનમાં મળશે. આ દિવસે જેમ દેશભાષા સંભારાય છે તેમ, યુનેસ્કોએ એની સાથે મૂળભૂતપણે જોડેલો ખયાલ ભાષિક ને સાંસ્કૃતિક વિવિધતાઓના સંવર્ધનનો પણ છે. દુર્નિવાર એવા વૈશ્વિકીકરણ વચ્ચે માતૃભાષાઓને જાળવી લેવી એ પણ પોતપોતાના સાંસ્કૃતિક અસ્તિત્વ સારુ જરૂરી છે, જેમ વિવિધતાઓનું પારસ્પર્ય પણ!

‘મુસ્લિમ લીગ’ અને ‘અવામી લીગ’ એ મુખ્ય પક્ષો વચ્ચે 1970ની ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળની ‘અવામી લીગ’ને મળી, પણ લશ્કરી વડા યાહ્યા ખાન અને ભુટ્ટો ‘અવામી લીગ’ને સરકાર સોંપવા રાજી નહોતા. પરિણામે પ્રતિકાર અને દમનનો જે દૌર શરૂ થયો એમાંથી મુજીબના નેતૃત્વ હેઠળના પૂર્વ પાકિસ્તાનને છૂટા પડવું અનિવાર્ય લાગ્યું.

ઉપરાંત રાજકીય સત્તાથી વંચિતતા સાથે એક વાસ્તવિકતા પણ એ હતી કે પૂર્વ પાકિસ્તાન થકી પ્રાપ્ત રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો સિંઘ-પંજાબ ખાઇ જતા હતા. એટલે પાકિસ્તાન બન્યું પણ એમાં પૂર્વ બંગાળની હાલત એક શોષિત સંસ્થાન શી હતી. આ સંસ્થાનની સ્વરાજકથા ને રાષ્ટ્રવાર્તા વચમાં લોકશાહીને બદલે નાગરિક સ્વાતંત્ર્યના દમનરાજમાં ખોવાઇ ને ખોરવાઇ ગઇ હતી.

કથિત વિકાસવેગ અને સ્વરાજનું ને લોકતંત્રનું વિકસન-વિલસન બેઉ સાથેલગાં ચાલે એ યુગ પડકાર છે : એક જ ઉપખંડના, ખરું જોતા વ્યાપક અર્થમાં એક જ તહજીબના હોઇ શકતા આપણે સ્વદેશહિતપૂર્વક આ યુગ-પડકારના ભાગિયા બનીશું કે અભાગિયા, કહો જોઉં. 

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 ઑગસ્ટ 2024 

Loading

...102030...462463464465...470480490...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved