Opinion Magazine
Number of visits: 9456864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકસિત ભારતનું સપનું કઈ રીતે પૂરું કરશું

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2024

વિકાસ એક યાત્ર છે જે કોઈ શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી

રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જવાહરલાલ નેહરુ માટેનો અણગમો જાણીતો છે. બીજી બાજુ તેમને નેહરુ વગર ચાલતું પણ નથી. નેહરુની બરાબરી અને નેહરુથી આગળ નીકળી જવાનાં મનોરથ તેમનાં રાજકારણનો જ નહીં, તેમનાં જીવનનો પણ ખૂંટો છે. તેઓ અને તેમના સમર્થકો કબૂલ નહીં કરે, પરંતુ તેમનું જીવન નેહરુ ફરતે પરિભ્રમણ કરે છે. અને માટે આજે જવાહરલાલ નેહરુને યાદ કરવા પડે એમ છે.

વડા પ્રધાને આઝાદીના મંગળ પ્રસંગે લાલ કિલ્લા પરથી બોલતા એક સંકલ્પ જાહેર કર્યો હતો કે આપણો દેશ જે અત્યારે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે તે ૨૦૪૭માં, જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવતો હશે ત્યારે, વિકસિત દેશ બની ગયો હશે. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે તે એક ગરીબ દેશ હતો અને ૨૦૪૭માં તે વિકસિત દેશ બની ગયો હશે. અહીં પ્રારંભમાં જ આપણે વડા પ્રધાનની તેમણે દાખવેલી ખેલદિલી માટે પ્રસંશા કરવી જોઈએ. તેમણે આડકતરી રીતે કબૂલ કર્યું કે ૧૯૪૭માં દેશ ગરીબ હતો, આગળ જતાં દેશ અવિકસિતમાંથી વિકાસશીલ બન્યો, અત્યારે વિકાસશીલ અવસ્થામાં છે અને વિકસિત બનાવવાનો બાકી છે. આપણને તો કહેવામાં આવતું હતું કે ૨૦૧૪ પહેલાં દેશ કંગાળ અવસ્થામાં હતો અને ૨૦૧૪ પછી તે દુનિયાના દેશો સાથે બરાબરી કરવા લાગ્યો. તેમણે વિદેશની ધરતી પર કહ્યું હતું કે ૨૦૧૪ પહેલાં ભારતના લોકો પોતાને ભારતીય કહેવડાવવામાં શરમ અનુભવતા હતા, પણ હવે તે ગર્વથી કહે છે કે હું ભારતીય છું. આવા તો બીજા અનેક ઉદાહરણ આપી શકાય. પાંચ વરસ પહેલાં તેમણે કહ્યું હતું કે પાંચ વરસમાં ભારત પાંચ ટ્રીલિયન ડોલરની ઈકોનોમી ધરાવતો દેશ બની જશે.

પણ આ વખતે લાલ કિલ્લા પરથી તેમણે જે કહ્યું છે તે વાસ્તવિકતાની ધરાતલ પર રહીને કહ્યું છે. આપણો દેશ વિકાસશીલ દેશ છે એ એક વાસ્તવિકતા છે અને ૨૦૪૭ સુધીમાં તે એક વિકસિત દેશ બને એવું વડા પ્રધાનનું અને આપણા બધાનું સપનું છે. દેશને ગરીબ અવિકસિત અવસ્થામાંથી વિકાસશીલ બનાવવામાં નરેન્દ્ર મોદી સહિત અત્યાર સુધીના દરેક શાસકનું યોગદાન છે અને તેને વિકાસશીલ અવસ્થામાંથી વિકસિત બનાવવામાં તેમના સહિત હવે પછી આવનારા શાસકોનું યોગદાન હશે. વિકાસ એક યાત્રા છે જે કોઈ એક શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી. માર્ગ એક હોય, મંજીલ એક હોય, મશાલચીઓ બદલાતા રહે. ઇતિહાસ કહે છે કે દુનિયા આખીમાં આ રીતે જ પ્રજા કોઈ મંજીલે પહોંચી છે. હા, વિકાસની ગતી અવરોધાવા લાગે તો માર્ગમાં સુધારા કરવામાં આવે છે, જે રીતે ૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવે અને ડૉ. મનમોહન સિંહે કર્યા હતા.

ગરીબ ભારતના વિકાસની યાત્રા ૧૯૪૭માં જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં શરૂ થઈ હતી. વિકસિત ભારતનું સપનું તો દાયકાઓથી જોવામાં આવતું હતું, પરંતુ તેને સાકર કરવાની યાત્રા ૧૯૪૭માં શરૂ થઈ.

કેવી રીતે તેમણે એ યાત્રા શરૂ કરી હશે? કશુંક વિચાર્યું તો હશે જ. આપણી પાસે જમા પક્ષે શું છે, ક્યાં પાછળ છીએ, એક પ્રજા તરીકે આપણામાં શું ખૂટે છે, પ્રજામાં પુરુષાર્થ કઈ રીતે વિકસાવી શકાય, એમાં રાજ્યની શું ભૂમિકા હોઈ શકે, યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓની શું ભૂમિકા હોઈ શકે, વિજ્ઞાનની શું ભૂમિકા હોઈ શકે, જે સરકાર સાથે સીધી રીતે સંકળાયેલા નથી એવા ખાનગી વિદ્વાનો, વિચારકો, પ્રયોગકર્તાઓની શું ભૂમિકા હશે અને તેમનો સહયોગ કઈ રીતે લઈ શકાય, ઘરઆંગણેનાં પરંપરાગત હુન્નરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તેમાં જરૂરિયાત મુજબ કેવાકેવા સુધારા કરવા જોઈએ, ખેતીમાં ઉત્પાદકતા વધે એ માટે જમીનમાં કેવા સુધારા કરવા જોઈએ અને ખેડૂતોને શું માર્ગદર્શન આપવું જોઈએ, માર્ગદર્શન ખેડૂત સુધી પહોંચાડવા માટે શું શું ઉપાયયોજના કરવી જોઈએ, નાટક સિનેમા અને બીજા કલામાધ્યમોનો કેવી રીતે લોકશિક્ષણ માટે ઉપયોગ કરી શકાય, વગેરે વગેરે સેંકડો બાબતો વિચારી હશે! મશાલ લઈને આગળ ચાલતા મુખિયા પાસે ક્યાં જવું છે એની મંજીલ ન હોય, કલ્પનાશક્તિ ન હોય, પ્રેરકશક્તિ ન હોય, બધાને સાથે લઈને ચાલવાની આવડત ન હોય, આપવા માટે કાર્યક્રમ ન હોય તો યાત્રા આગળ વધે જ નહીં.

જવાહરલાલ નેહરુ પાસે આ બધું હતું. ‘લેટર્સ ટુ ધ ચીફ મીનીસ્ટર્સ’ આનું પ્રમાણ છે. તેઓ દર પંદર દિવસે એક લાંબો (દસથી પંદર પાનામાં અને કેટલીક વાર તો તેનાથી પણ લાંબો) પત્ર ભારતનાં વિવિધ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને લખતા હતા અને આવું તેમણે સતત પંદર વરસ કર્યું હતું. દર પંદર દિવસે સરેરાશ પંદર પાનાંનો પત્ર પંદર વરસ સુધી. કેટલું કહેવાનું હશે તેમની પાસે! આ સિવાય પક્ષની બેઠકોમાં, અધિવેશનોમાં, આયોજન પંચની બેઠકોમાં, લોકસભામાં, રાજ્યસભામાં અને એવાં બીજાં અનેક મંચ પરથી તેમણે તેમનાં વિચારો વ્યક્ત કર્યા છે. મને એ દિવસો યાદ છે જ્યારે આયોજનપંચ પંચવર્ષીય યોજનાનો મુસદ્દો જાહેરમાં ચર્ચાવિચારણા માટે મૂકતું ત્યારે આખું એક વરસ તેના વિષે અખબારો અને સામયિકોમાં ગંભીર ચર્ચા થતી. બજેટ વિષે સંસદની બહાર મહિનો મહિનો ચર્ચા થતી અને તેમાં મોટા અર્થશાસ્ત્રીઓ ભાગ લેતા. એવું નહોતું કે દરેક નેહરુના અને કાઁગ્રેસના સમર્થક હતા. વિરોધ પણ પ્રચંડ થતો હતો. સી. રાજગોપાલાચારી અને બીજા અનેક જમણેરી કાઁગ્રેસીઓ કાઁગ્રેસથી અલગ થયા એ મતભિન્નતાને કારણે. મત હતો એટલે મતભેદ થયા. બે સિરીઝ મળીને સમગ્ર નેહરુ સાહિત્ય ૬૦ દળદાર ખંડોમાં પથરાયેલું છે.

વડા પ્રધાને હવે જ્યારે કહ્યું જ છે કે દેશ ગરીબ હતો જે આજે વિકસશીલ અવસ્થામાં છે અને હવે વિકસિત કરવાનો છે તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરીને એ સપનું કઈ રીતે સાકાર કરી શકાય એ વિષે પોતાનાં વિચાર વ્યક્ત કરવા જોઈએ, લોકોને માર્ગદર્શન આપવું જોઈએ વગેરે. જવાહરલાલ નેહરુનાં મુખ્ય પ્રધાનોને લખેલાં પત્રો અને યાત્રામાં ભાગીદારીનું તેમણે વિકસાવેલું મોડેલ તપાસવા જેવું છે. તમારા વિચાર ભલે નેહરુથી અલગ હોય, તમારું મોડેલ ભલે નેહરુથી અલગ હોય. યજ્ઞમાં સામૂહિકતા જરૂરી છે અને વિકાસ એક યજ્ઞ છે. પણ એને માટે સાચી નિસ્બત જરૂરી છે. નેહરુનાં વ્યાખ્યાનો અને પત્રો જોઇને મને ઘણીવાર એમ થાય કે નેહરુની અંદર કેટલો અજંપો હશે! કેટલી તાલાવેલી હશે! કેટલી તત્પરતા હશે! કેટલી નિસ્બત હશે!

મોટાં સપનાં સાકાર કરવા માટે વ્યાપક વિમર્શ અને ભાગીદારી માટેની અનુકૂળ ભૂમિ એ પહેલી શરત છે. દરેક બાબતે અને દરેક પ્રસંગે સંપૂર્ણપણે સર્વસંમતિ શક્ય નથી, પણ વ્યાપક સર્વસંમતિ બનાવી શકાય અને બનાવવી જોઈએ. ૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં સાદી બહુમતી નહીં હોવા છતાં તેઓ આઝાદી પછી ક્યારે ય સુધારા નહોતા થયા એવા ધરખમ સુધારા કરી શક્યા હતા એનું કારણ ઈચ્છાશક્તિ, ઈરાદામાં પ્રામાણિકતા અને અનુકૂળતા પેદા કરવા માટેની જહેમત હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંકલ્પ જાહેર કર્યો છે, પણ એ સંકલ્પ છે કે વધુ એક જુમલો એ હવે પછી ખબર પડશે. પાંચ વરસ વીતી ગયા અને પાંચ ટ્રીલિયન ઇકોનોમીથી આપણે ૩૫ વરસ દૂર છીએ. ભારતને વિકસિત દેશ બનાવવા માટે પાંચ વરસ હાથમાં છે. નેહરુનો અજંપો હશે તો સપનું સાકાર થશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2024

Loading

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !

રમેશ સવાણી|Opinion - Opinion|29 August 2024

કેનેડામાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશનિકાલની નીતિ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે કાયમી રહેઠાણના નોમિનેશનમાં 25 ટકાના ઘટાડા માટે નવી પ્રાંતીય નીતિઓએ ઘણાને અણધારી રીતે દેશનિકાલ માટે જોખમમાં મૂક્યા છે. ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં સમાન દૃશ્યો જોઈ શકાય છે. સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ કામદારોએ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રેમ્પટનમાં રેલીઓ યોજી છે, સ્થાનિક આવાસ અને નોકરીની કટોકટી માટે દોષી ઠેરવતા narrative સામે વિરોધ કરી રહ્યા છે. 

70,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સ્નાતકો કેનેડા સરકારની નીતિના ફેરફારોને કારણે દેશનિકાલનો સામનો કરી શકે છે; જે વિદ્યાર્થીઓ નવાં જીવનનાં સપનાં સાથે કેનેડામાં આવ્યા હતા તેઓ કહે છે કે તેમનું ભવિષ્ય હવે અસ્પષ્ટ છે.

જે સ્નાતકોને આ વર્ષના અંતમાં વર્ક પરમિટ સમાપ્ત થાય છે તેમને દેશનિકાલ થવાનું જોખમ રહેલું છે. કેનેડિયન સરકારે તેની ઇમિગ્રેશન નીતિઓમાં અભ્યાસ પરમિટ મર્યાદિત કરવાનો નિર્ણય કરેલ છે.

અભ્યાસ પૂરો કર્યા પછી કાયમી રહેઠાણ માટે અરજી કરવાની યોજના ઘડી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ કહે છે કે હવે તેમની પાસે ભારે લોન અને વિખેરાયેલાં સપના બાકી છે !

ટોરન્ટો સ્થિત ગુજરાતી પત્રકાર ફિરોઝ ખાન અને બીજા જાગૃત લોકોએ કેનેડા સરકારને વિનંતી કરી છે કે “આ વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરો. તેમનાં માતા-પિતાએ તેમનાં બાળકોને અહીં મોકલવા મોટી રકમ ખર્ચી છે. અનુસ્નાતક વર્ક પરમિટ વિસ્તારો, કાયમી રહેઠાણ માટે સુસંગત અને પારદર્શક માર્ગો પૂરા પાડો અને તેમના શોષણ તરફ દોરી જતા પ્રણાલીગત મુદ્દાઓને ઉકેલો.”

ફિરોઝ ખાન ‘Canadians for Indians’ સંસ્થાના પ્રમુખ છે. તેમણે 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને જોબ અપાવી છે. તેઓ કહે છે : “રોજે 8-10 ફોન જોબ અપાવવા આવે છે પણ હવે હું જોબ અપાવી શકતો નથી, તેમની લાચારીના કારણે મારી આંખમાં પાણી આવી જાય છે !”

કેનેડા / UK / ઓસ્ટ્રલિયા / ન્યૂઝીલેન્ડ સરકારોએ એક સરખી પોલીસી અમલમાં મૂકી છે, એટલે ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓના પહાડ ઊભા થયાં છે. કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓ છે, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નભે છે. આ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 4 ગણી ફી વસૂલે છે. કેનેડા દર વર્ષે 5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતું હતું પરંતુ છેલ્લા બે વર્ષમાં, ખાનગી યુનિવર્સિટીના લાભાર્થે 20 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતા ઊહાપોહ થયો છે. કેનેડામાં મકાનની અછત સર્જાઈ છે, જોબની ભારે અછત છે. ભારે મોંઘવારી છે. ભારતના ઈમિગ્રેશન એજન્ટો કેનેડાનું ગુલાબી ચિત્ર રજૂ કરી વિદ્યાર્થીઓને નિચોવી રહ્યા છે. ફિરોઝ ખાન કહે છે ‘ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો ખાય શું?’

આશ્ચર્યની બાબત એ છે કે કેનેડામાં 90% ભારતીય વિદ્યાર્થીઓ ભારતની સ્થિતિથી કંટાળીને કેનેડા આવ્યા છે છતાં ભારતના વડા પ્રધાનની વાહવાહી કરવાનું ચૂકતા નથી; હવે તેમને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હરીશ રઘુવંશી : ફિલ્મ સંશોધક અને ગીત સંગ્રાહકની વિદાય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2024

હરીશ રઘુવંશી

હરીશ રઘુવંશીને યાદ ન આવે એટલાં વર્ષ પર પહેલી વાર મળેલો. ત્યારે કદાચ રમેશ ચૌહાણ દ્વારા સંપર્ક થયેલો એવો આછો ખ્યાલ છે. રમેશ અને હું એક જ દિવસે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની કણપીઠ, સુરત મેઇન ઓફિસમાં 1971માં જોડાયેલા, ત્યારથી તે આજ સુધી અમે સંપર્કમાં છીએ, પણ હરીશભાઈ સાથેનો છેલ્લો સંપર્ક બકુલ ટેલરને ત્યાં એ બેજનવાલામાં રહેવા ગયો, ત્યારે કોઈ ફંક્શનમાં થયેલો. તે વખતે જ હરીશભાઈની તબિયત ઠીક ન હતી. બોલવાની પણ તકલીફ હતી. બસ એ પછી એકાદ વખત ફોન પર વાત થઈ હશે એટલું જ !

એવા દિવસો પણ હતા જ્યારે હરીશભાઈને વારંવાર મળવાનું થતું. એ હળદિયા શેરીનાં મારાં ઘરે આવતા, તો હું પણ એમને ઘરે જતો. વાતોનો વિષય મુકેશનાં ગીતો કે ફિલ્મો હોય. હું યુનિયન ધારા, અઠવાલાઇન્સમાં રહેવા આવ્યો ત્યારે વાસ્તુ રાખેલું. એ વખતે એ અને ફિલ્મ અભિનેતા ને દિગ્દર્શક કૃષ્ણકાંત (કે.કે.) પણ આવેલા ને પછી તો કે.કે.ને ત્યાં પણ મળ્યા હોઈશું. અમારી વચ્ચે વિષય ફિલ્મોનો જ હોય. હરીશ ત્યારે મુકેશનાં ગીતોની અને તેને લગતી માહિતી ભેગી કરતાં હતા. એમણે અમારો એ ભ્રમ દૂર કર્યો કે મુકેશે હજારો ગીતો ગાયાં છે. પછી તો મુકેશનાં ગીતોનો સંચય જ એમણે બહાર પાડ્યો ને પુરવાર કર્યું કે હિન્દી, ગુજરાતી ગીતોનો કુલ આંકડો હજાર ગીત પર પણ પહોંચતો નથી. ‘મુકેશ ગીત કોષ’ મારા જેવા મુકેશ રસિયા માટે તો આજે પણ ઉપકારક રહ્યો છે. એ કોષમાં મુકેશનાં ગીતોની યાદી અને એ ગીતો તો છે જ, પણ તેની સાલવારી પણ એમણે આપી છે. સહગાયક કે ગાયિકાની વિગતો ને ગીત ગવાયું હોય, પણ ફિલ્મમાં ન લેવાયું હોય કે એ ફિલ્મ રજૂ જ ન થઈ હોય એવી વિગતો પણ પૂરી ઝીણવટ સાથે, અધિકૃત રીતે, હરીશભાઈએ કોષમાં આપી છે. ફિલ્મી ગીતોની સ્ક્રિપ્ટ મોટે ભાગે ભાષાની ભૂલો વગર ભાગ્યે જ બહાર આવે છે, પણ હરીશભાઈએ ભાષાની ને વિગતોની સચ્ચાઈ સંશોધકની ચીવટ સાથે આપી છે. એ સાથે જ બીજું મહત્ત્વનું કામ હરીશભાઈએ ‘ગુજરાતી ફિલ્મ ગીત કોષ’નું કર્યું છે. ગુજરાતી પહેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ (ભક્ત નરસૈંયો) 1932માં આવી ત્યારથી શરૂ કરીને એમણે ગુજરાતી ફિલ્મોની વિગતો સાથે ગીત કોષ તૈયાર કર્યો છે.

આમ તો એમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન ‘ઓડિયો વિઝન’ નાનપરા રોડ પર હતી. મારી બદલી પણ નાનપરા બ્રાન્ચમાં 1976 આસપાસ એ જ રોડ પર થઈ. અમારી વચ્ચે થોડી દુકાનોનું અંતર હતું એટલે મળવામાં અંતર ન રહ્યું. એમને ત્યાંથી જ મેં પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી. ક્રાઉનનું (લાકડાના દરવાજાવાળું) ખરીદ્યું. એ પછી એ પૂતળી નજીક સગરામપરાની દુકાનમાં આવ્યા, મારા ઘરની નજીક, એટલે અહીં પણ મળવાનું વધ્યું. અહીંથી એમની પાસેથી મેં ઓનિડા કલર ટી.વી. ખરીદ્યું ને તે વર્ષો સુધી ‘યુનિયન ધારા’નાં ઘરમાં ચાલ્યું. એમનો પોતાનો ફિલ્મને લગતો કોઈ ઇતિહાસ ન હતો, પણ એ સંશોધનમાં એટલા ઊંડા ઊતર્યા કે પોતે ઇતિહાસકાર તરીકે જાણીતા થયા. ફિલ્મને લગતી કોઈ પણ માહિતી હું એમને પૂછતો, તો એમની પાસેથી સાલવારી સાથે સચોટ માહિતી મળતી. મને એ પણ યાદ છે કે ‘જીવન ભારતી’ના રોટરી હોલમાં એક ફિલ્મ ક્વિઝ વર્ષો પહેલાં મેં કંડક્ટ કરેલી ને એ કંડક્ટ કરવામાં પણ હરીશ સાથે રહ્યા હતા.

વર્ષો પહેલાં હું ‘ગુજરાતમિત્ર’માં ફિલ્મોને લગતી કૉલમ ‘ફિલ્મલોક’ લખતો હતો. એ વખતે મુકેશ પર બે મિત્રો સક્રિય હતા. મને પોતાને મુકેશનાં ગીતો ખૂબ ગમતાં. એટલે હરીશભાઈ ઉપરાંત જગદીશ માસ્તર સાથે પણ પરિચય વધ્યો. જગદીશ પણ યુનિયન બેન્કનો જ સ્ટાફ. ટેક્સટાઇલ માર્કેટ બ્રાન્ચમાં મારી બે વખત બદલી થઈ. એમાં પહેલી વાર કેશિયર હતો ત્યારે જગદીશને મળવાનું થયેલું. જગદીશ ત્યારે મુકેશનાં ગીતો ગાતો. એણે પછી ‘ગાંધી સ્મૃતિ ભવન’માં મુકેશનાં ગીતો ગાવાનું શરૂ કર્યું. હું એને ‘બીજો મુકેશ’ જ કહેતો. મુકેશને કલ્પના પણ નહીં હોય કે એણે અમને ત્રણ જણને મૈત્રી વડે સાંકળ્યા હતા. મેં ‘ફિલ્મલોક’ કોલમમાં એક જ દિવસે હરીશ રઘુવંશી અને જગદીશ માસ્તર વિષે પરિચાયાત્મક લેખ લખ્યા. એની અસર એ પડી કે અમે વધુ નજીક આવ્યા. હરીશભાઈ મુકેશની સ્ક્રિપ્ટ સાથે પ્રગટ થયા ને જગદીશ મુકેશના 600 ગીતો સાથે અવાજમાં પ્રગટ થયો.

‘મુકેશ ગીત કોષ’ બહાર પડ્યો ત્યારે એનું વિમોચન હજૂરી નજીક સલાબતપરામાં કોઈ ઘરમાં રાખેલું. એ દિવસોમાં કોઈક કારણસર શહેરમાં કર્ફ્યૂ ચાલતો હતો ને મારે વિમોચનમાં જવાનું તો હતું જ ! કોઈ નામી ફિલ્મી હસ્તીને હાથે વિમોચન હતું. (અત્યારે એ નામ યાદ નથી આવતું) વાતાવરણ ત્યારે એવું હતું કે વિમોચન સ્થળે પહોંચી શકાય એમ લાગતું ન હતું, પણ પહોંચી ગયો અને એ કાર્યક્ર્મ સારી રીતે સંપન્ન થયો એનો આનંદ આજે પણ છે. મુકેશ રાજકપૂરનો અવાજ હતો, તો મુકેશ અવાજ અને સ્ક્રિપ્ટ સાથે જગદીશ અને હરીશ નામે મારી પાસે ઉપલબ્ધ હતા. એ રીતે હું રાજકપૂર કરતાં વધારે નસીબદાર હતો.

જો કે, આજે પાસે કોઈ નથી. નથી હરીશભાઈ રહ્યા કે નથી જગદીશ સાથે પણ કોઈ સંપર્ક રહ્યો એટલે હું મુકેશ વગરનો થઈ ગયો હોઉં એવું લાગે છે. હરીશભાઈ ઘણા વખતથી બીમાર હતા ને ઘણી શારીરિક તકલીફોમાંથી પસાર થયા પછી 74 વર્ષની ઉંમરે 27 ઓગસ્ટ, 2024ની રાત્રે 11 વાગે એમનો દેહ વિલય થયો છે. મુકેશની સાથેની એમની પ્રીતિ તો જુઓ કે દુનિયા છોડવા માટે હરીશભાઈએ તારીખ પણ એ જ પસંદ કરી જે રાત્રે મુકેશનું અવસાન થયું હતું.

સૂરત શહેર અને ગુજરાત રાજ્ય પણ કલાકારો, સાહિત્યકારો, ઇતિહાસકારો, સંશોધકોની કદર કરવાને મામલે ભાગ્યે જ ઉદાર છે. આસપાસ પતંગિયાંની જેમ ઊડ્યાં કરતાં કે સરકારની નજીક કુરનીશ બજાવતા થોડા પોંખાય પણ છે, પણ જે માથે વેચાણ કિંમતની ટેગ લગાવ્યા વગર ખૂણે બેસીને કોઈ ખેવના રાખ્યા વગર સાધના કરે છે તેમના સુધી આ શહેર અને રાજ્ય પહોંચવામાં કાયમ ઊણું ઊતર્યું છે.

નર્મદ યુનિવર્સિટી સાંઠ વર્ષથી આ શહેરમાં સક્રિય છે. એ ડિ.લિટ્.ની પદવી આપતી હતી. તે હવે વર્ષોથી બંધ છે. એની નજર હરીશભાઈ સુધી ને એમના જેવા અન્યો સુધી જઈ શકી હોત તો આનંદ થયો હોત. વર્ષોથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય છે. તેણે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સંગીતકારોનું, સંશોધકોનું સન્માન કર્યું પણ છે, પણ તે ય હવે ખુશામતખોરોથી આગળ જઈ શકતું નથી. સૂરત કળા, સાહિત્યને મામલે મરી પરવાર્યું છે ને તેનું બારમાસી શ્રાદ્ધ ચાલ્યા કરે છે. આ શહેર અને રાજ્ય, કળા અને સાત્ત્વિક કલાકારો, સંશોધકોને મામલે જીવતું હોત કે યુનિવર્સિટીઓ માત્ર ધંધાકીય ન થઈ હોત તો કોઈ હરીશભાઈ જેવા સુધી પહોંચ્યું પણ હોત ! આ શહેરમાં મોહનલાલ મેઘાણી જેવા ઇતિહાસકાર હજી સક્રિય છે, તેમણે આત્મકથા કરી છે. તેમને પોંખવાનું ઉત્તમ નિમિત્ત પણ હાથવગું છે. સાહેબ, એમ.ટી.બી. કોલેજ જેવામાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક રહ્યા. એ કોલેજ કે એ સોસાયટી કે કોઈ યુનિવર્સિટી એમના સુધી પહોંચે ને એમનું યોગ્ય તે સન્માન કરે કે ગુજરાત રાજ્ય સરકાર તેની મતલબી બહેરાશ છોડી એમને સાંભળે એ અપેક્ષિત છે. એનાથી હરીશભાઈ કે મેઘાણી સાહેબ ઊજળા દેખાશે તે કરતાં આ શહેર અને રાજ્યની ગંદકી થોડી દૂર થશે તે મોટું આશ્વાસન હશે.

ઠીક છે, એ તો થાય ત્યારે ખરું, આજે તો હરીશભાઈની ખોટ પડી છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.

એમને શ્રદ્ધાપૂર્વક વંદન !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2024
છબિ સૌજન્ય : ઉર્વીશ કોઠારી

Loading

...102030...451452453454...460470480...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved