Opinion Magazine
Number of visits: 9697798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રોફેસર રોમિલા થાપરના વ્યાખ્યાન નિમિત્તે

અરુણ વાઘેલા|Samantar Gujarat - Samantar|20 January 2013

તારીખ ૨૯-૧૨-૨૦૧૨ની ઢળતી સાંજે ઉમાશંકર જોશી સ્મૃિત વ્યાખ્યાન ‘સોમનાથ ઃ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’નું આયોજન ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે થયું હતું. વક્તા હતા – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હીના ઇતિહાસના ભૂતપૂર્વ પ્રોફેસર રોમિલા થાપર. ભારતીય ઇતિહાસકારોમાં રોમિલા થાપરનું ઐતિહાસિકો-બિનઐતિહાસિકોમાં ઘણું આકર્ષણ છે. પ્રોફેસર એ. એલ. બાશમ (Wonder that was Indiaના કર્તા)ના માર્ગદર્શનમાં School of Oriental and African Study, University of London U.K.માં ‘Ashoka and Decline of Maurya Empire’ પર ડૉક્ટરેટ (૧૯૫૮)થી શરૂ થયેલી તેમની સંશોધનયાત્રા Ancient Indian Social History, from Lineage to State, Culture Past, Shankuntal : Texts, Readings, Histories, Somnath : The Many Voices of History જેવા ૧૭ જેટલાં ગ્રંથો અને અનેક લેખો સુધી વિસ્તરી છે. એ દ્વારા તેમણે પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનને રળિયાત કર્યું છે. બબ્બે વખતે તેમણે પદ્મશ્રીના નામવંતા ઇલકાબને વિવેકપૂર્ણ નકાર્યો છે. આવા કદાવર ઇતિહાસકારનું અમદાવાદમાં વ્યાખ્યાનનું આયોજન એટલે અમદાવાદના શૈક્ષણિક ઇતિહાસની એક મોટી ઘટના બનવી જોઈતી હતી, પણ ગુજરાતી સમાચારપત્રો લગભગ ચૂપ… રા.વિ. પાઠક સભાખંડમાં અંદાજે ૩૦૦ જેટલા શ્રોતાઓની શાંતિપૂર્ણ ઉપસ્થિતિ એ વ્યાખ્યાનની મહત્ત્વપૂર્ણ સફળતા. વ્યાખ્યાન પછી તેમની સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરવાની અને ફોટા પડાવવાની તો જાણે હોડ મચી હતી. કોણ કહે છે કે ભારતમાં ઇતિહાસકાર ‘હીરો’ નથી? (વર્ષો પહેલા બક્ષી (ચંદ્રકાંત) એ ભારતીય સમાજમાં ઇતિહાસકાર હીરો નહીં હોવાનું વિધાન કરેલું, તેઓએ ગુજરાતી ઇતિહાસકારોની સ્થિતિને મદ્દેનજર રાખી આવું વિધાન કર્યું હશે એવું મારું અંગત મંતવ્ય છે.)

રોમિલા થાપરે તેમના ઊંડાણપૂર્વકનાં સંશોધન અને ગજબની અર્થઘટન શક્તિના બળે વિશ્વ ઇતિહાસ લેખનમાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. (એટલે જ માર્ક્સવાદી એરિક હોબ્સબેમે તેમના ૯૫મા જન્મદિવસે તેમને નોતર્યા હતા.) પ્રોફેસર થાપરનો પ્રબળ માર્ક્સવાદી અભિગમ ફેન્ડામેન્ટાલીસ્ટોને તો ખરો જ, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પણ માફક નથી આવ્યો, આમ પણ સમગ્ર માર્ક્સવાદી ઇતિહાસલેખન પદ્ધતિ પણ ઘણાને માફક નથી આવતી. માર્ક્સવાદી ઇતિહાસચિંતનની લાખ ટીકા કરવામાં આવે તોપણ એ વાત તો જગજાહેર છે કે ભારતીય ઇતિહાસલેખનવિધાને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાનું કાર્ય આ શાખાના ઇતિહાસકારોએ કર્યું છે. ડી.ડી. કૌશમ્બી, રજની પામદત્ત, આર.એસ. શર્મા, નરૂલ હસન, રોમિલા થાપર, ઇરફાન હબીબ, બિપીનચંદ્ર, સુમિત સરકાર, સતીષ ચંદ્રા, હરબન્સ મુખીયા, વરુણ ડે … કેટલાં નામો ગણાવવાં?

હવે તેમના વ્યાખ્યાન પર આવીએ ગુજરાતી લેખકો (રત્નમણિરાવ જોટે – સોમનાથ, શંભુપ્રસાદ દેશાઈ, પ્રભાસ અને સોમનાથ) અને અંગ્રેજી (કૃષ્ણાકુમારી વીરજી, હિસ્ટરી ઑફ કાઠિયાવાર, ગેઝેટિયર ઑફ દ બૉમ્બે પ્રેસીડેન્સી (કાઠિયાવાર) જેવા ગ્રંથોમાં સોમનાથના ઇતિહાસ પર ફોકસ થયું છે. પરંતુ ૨૯મીના વ્યાખ્યાનમાં (અને તેમના ગ્રંથમાં) પ્રોફેસર થાપરે જે રીતે વ્યાપક ફલક પર, વૈવિધ્યપૂર્ણ સામગ્રીના સથવારે, માહિતીસ્રોતોનું અર્થઘટન કરી આ ઇતિહાસને જોયો છે તેવું પૂર્વે બન્યું નથી. તેમણે ઇ.સ. ૧૦૨૬માં બનેલી સોમનાથ મંદિરધ્વંસની ઘટનાને તેના મૂળરૂપમાં પ્રગટાવવા માટે અંદાજે એક હજાર વર્ષ સુધી સર્જાયેલી માહિતી સામગ્રીના હવાલા આપ્યા. ઉ.દા. દાખલ તુર્કી સુલતાનો પ્રેરિત-પ્રર્શિયન તવારીખો (તેમના શબ્દોમાં ભાટાઈ), અભિલેખો, સોલંકીકાલીન જૈન પ્રબંધો, સંસ્કૃત ગ્રંથો જેવા સમકાલીન સ્રોતો ઉપરાંત ૧૯મા સૈકામાં સોમનાથ મુદ્દે બ્રિટિશ સંસદમાં થયેલી ચર્ચાનોંધો વગેરે. (આપણે ત્યાં સંદર્ભસૂચિનાંય ઠેકાણાં હોતાં નથી) આ દ્વારા તેમનો હેતુ એ છે કે ઇતિહાસકારોએ કદી પણ એકપક્ષીય પુરાવાઓ પર નિર્ભર રહેવું ન જોઈએ. રોમિલા થાપરના વ્યાખ્યાનમાંથી ગુજરાતના ઇતિહાસકારો(?)એ આ શીખવા જેવું છે; કારણ કે આપણે ત્યાં ઇતિહાસલેખનનું ૯૦ ટકા કામકાજ એકપક્ષીય સ્રોતોને આધારે થાય છે છતાં તેઓ મૂળ, અસલ સ્રોતોનો ઉપયોગ કર્યા બદલ મુસ્કરાય છે અને પોતાની જાતને અભિનંદે છે. એટલે ‘ભલે થોડું લખાય, ઓછું લખવાની કોઈ સજા ન હોય, અધકચરું લખવાની હોઈ શકે!’ એ તેમના વ્યાખ્યાનનો આપણને વણમાંગ્યો બોધ.

રોમિલા થાપરના વ્યાખ્યાનનો સમકાલીન સંદર્ભ પણ મહત્ત્વનો છે. આ ઘટના મુસ્લિમ સરદારનું હિંદુ મંદિર પરનું આક્રમણ હોવા છતાં એ તાત્કાલિક ધોરણે તો કોમી પ્રશ્ન બન્યો જ ન હતો. તેમણે સમકાલીન અનુકાલીન સ્રોતસામગ્રીને આધારે મંદિર, ધ્વંસ પછી પણ બે સદી પૂજાતું રહ્યું હોવાનું સિદ્ધ કર્યું છે. એટલે મંદિરધ્વંસની ઘટનાને કોમી રંગ કયા નવલકથાકારે આપ્યો? અને અડવાણીજીની રથયાત્રાના પ્રેરણાબિંદુની તપાસ કરવી રહી. આ લખતી વખતે પંજાબી કવિ સુરજીત પાતરીની એક કવિતા મસ્તિષ્ક પર સવાર થયેલી છે ઃ
‘ઇતિહાસ તો હર પીઢી લિખેગી,
બાર બાર પેશ હોંગે મરે હુએ,
જિંદો કી અદાલત મેં હાર પહનને કે લિયે,
કભી ફૂલો કે કભી કાંટો કે,
સમય કી કોઈ આખરી અદાલત નહીં હોતી,
ઔર ઇતિહાસ કભી આખરી બાર લિખા નહીં જાતા.’

સંસ્થાનવાદી ઇતિહાસલેખનને પડકારનારા મહત્ત્વના ઇતિહાસકારો પૈકીના એક પ્રોફેસર થાપર છે. સંસ્થાનવાદી સામ્રાજ્યવાદી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને માત્ર તોડ્યો-મરોડ્યો જ નથી, ભારતીય પ્રજાની ઇતિહાસની સમજને ધરમૂળથી બદલવાનો પ્રયાસ પણ કર્યો હતો, અને એમાં ખાસ્સી સફળતા પણ હાંસલ થઈ હતી. સૌ પ્રથમ તો તેમણે ભારતના લાંબા ઇતિહાસમાં એવાં ઘટનાક્રમો શોધી કાઢ્યા કે જેનાથી બ્રિટિશ સામ્રાજ્યવાદને પોષણ મળે, તેને વાજબી ઠરાવી શકાય. ઉ.દા. તરીકે વી.એ. સ્મિથે ગ્રીક સિકંદરના ભારત પરના આક્રમણને વિશે લખતા History of Ancient Indiaમાં સિકંદરના આક્રમણને નિરૂપવા માટે ૭૨ પાનાંઓ રોક્યા છે. એક અધ્યાપકની ભાષામાં કહું તો ભારતના ઇતિહાસમાં સિકંદરનું આક્રમણ એ ટૂંકનોંધ કરતાં મોટો બનાવ નથી. પણ પરાધીન ભારતમાં આવા લેખન દ્વારા એક જ મુદ્દાનો કાર્યક્રમ, અને તે ‘ભારતીય પ્રજા સદીઓથી વિદેશી ગુલામી હેઠળ કચડાતી રહી છે તે દર્શાવવાનો’! આવા જ સંવેદનશીલ ઇતિહાસપ્રશ્નો – આર્ય-અનાર્ય, ભારતીય ઇતિહાસનું કાલવિભાજન, ભારત રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય આંદોલનને પડકાર (વી.શિરોલ, બેલી દંપતી, અનિલ સીલ, ગેલાધર વગેરે) હિંદનો કોમી ત્રિકોણ વગેરે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની જ દેન છે. આ લાંબી સંસ્થાનવાદી ઇતિહાસકેન્દ્રી રમતોના હવાલાઓ દ્વારા તેની કેડી ક્યાંથી કંડારાઈ તે તેમણે ચીંધ્યું હતું.

કોઈપણ વ્યાખ્યાન, લેખ, પુસ્તક વાચક, શ્રોતાને અવળું-સવળું વિચારવા ન પ્રેરે તો અર્થહીન છે. મને થયેલા કેટલાક પ્રશ્નો (૧) સરદાર પટેલે ૧૨ નવે. ૧૯૪૭ની સોમનાથની મુલાકાત પછી મંદિર પુનઃનિર્માણનો હુકમ કર્યો તેની લગીરેય જીકર કેમ ન થઈ? (૨) ઐતિહાસિક ઘટના ગમે તેટલી જૂની કેમ ન હોય તેનાં મૂળિયાં મૌખિક પરંપરામાં અવશ્ય હોય છે. આવી મોટી ઘટના પછી તે પરંપરા, લોકગીતો, દુહા-છંદ, ભજનોમાં કેવી રીતે ઝીલાઈ છે તેનો ઉલ્લેખ થવો જોઈતો હતો. કારણ કે ઓરલ ટ્રેડિશનનો પોતાનો આગવો ઇતિહાસ મિજાજ હોય છે. પ્રોફે. થાપર વૈવિધ્યસભર ઇતિહાસસામગ્રીની વાત કરતાં હતા ત્યારે ઓરલ ટ્રેડિશન પણ મહત્ત્વનો માહિતી સ્રોત હોવાના નાતે આવી અપેક્ષા અસંગત નથી. (મારું નમ્ર મંતવ્ય છે કે તેમણે સોમનાથ કેન્દ્રી નવલકથાઓ વાંચવામાં સમય ખર્ચ્યો એના સ્થાને ક્ષેત્રકાર્ય કરી મૌખિક ઇતિહાસમાં ગયા હોત તો વધુ ફળદાયી રહ્યું હોત!)

છેલ્લે, આ વ્યાખ્યાન ઉપસ્થિતો અને તેનો ટૂંકસાર વાંચનારાઓની ઇતિહાસસમજ અને ઇતિહાસ સંશોધનની સમજ વિસ્તારનારું તો છે જ. ગુજરાતની બધી કેટેગરી (માત્ર નવોદિતો નહીં)ના ઇતિહાસકારોને દિશા ચીંધનારું છે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતમાં ગુજરાતમાં આજે ઇતિહાસ લેખન-સંશોધનની સ્થિતિ ઘણી કફોડી છે, ઇતિહાસકાર શબ્દ સંદિગ્ધ બનતો ચાલ્યો છે, અમે ઇતિહાસકારો ઇ.સ. ઇ.સ.પૂ.માં રાચ્યા કરીએ છીએ. જૂની મૂડી પર વ્યાપાર અને ઘેન ચડે એવાં લખાણો લખવાના અમે આદી બની ગયા છીએ, સરવાળે ગુજરાતના ઇતિહાસલેખનની આવતીકાલ ધૂંધળી ભાસે છે તે સંજોગોમાં આવાં વ્યાખ્યાનો, પુસ્તકો દ્વારા ‘પાકા ઘડે ભલે કાંઠા ન ચડે’ પણ આવનારી પેઢીમાં

ઇતિહાસ અને ઇતિહાસ સંશોધનમાં ચોક્કસ રસ પેદા થશે.

ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિ. સમાજવિદ્યા ભવન, અમદાવાદ ૯

(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)

Loading

સોમનાથ : ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં

રોમિલા થાપર|Samantar Gujarat - Samantar|20 January 2013

આ વક્તવ્યનું મુખ્ય પ્રયોજન એ બતાવવાનું છે કે પચાસ વર્ષ પહેલાંના ઇતિહાસકારો કરતાં આજના ઇતિહાસકારો ભૂતકાળના બનાવોના સ્વરૂપનું વધુ પૃથક્કરણ કરે છે અને વિવેચક દૃષ્ટિથી તપાસે છે. આપણે જે વાચનાઓનો સ્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ અને જે વાચનાઓ છેલ્લી એક સદીથી તો પ્રચલિત છે જ, તેનો હું ઉલ્લેખ કરીશ. જોકે ઇતિહાસકારોએ ભૂતકાળની કેવળ પસંદ કરેલી વાચનાઓનો ઉપયોગ કરવાનું વલણ દર્શાવ્યું છે, આજે આપણે વિષયને અનુલગતા જે કોઈ પણ સ્રોતો મળે તે તમામને ચકાસીએ છીએ. વ્યાપક ક્ષેત્રમાં વાચનાઓની તપાસ આપણને વધુ પ્રમાણમાં પુરાવા પૂરા પાડે છે અને એને લીધે જે વિષયની ચર્ચા કરીએ તેને વિશેની આપણી જાણકારી વધે છે. આ વક્તવ્યમાં મારું પ્રયોજન કેવળ સોમનાથના મંદિરનો ઇતિહાસ પૂરો પાડવાનું નથી, પરંતુ એની સાથે સંકળાયેલા સ્થળ અને બનાવોનો ઉપયોગ એ દર્શાવવા કરવાનો છે કે ઇતિહાસકારને કેવી રીતે વિવિધ સ્રોતોને ચકાસવા પડે છે, કેવી રીતે એ એનું વિવેચક દૃષ્ટિથી પૃથક્કરણ કરે છે અને ત્યારબાદ ભૂતકાળને સમજાવવાનો પ્રયત્ન કરે છે.

પચાસ વર્ષ પૂર્વે સોમનાથનો ઇતિહાસ કેવળ એક જ પ્રકારની વાચનાઓ-તૂર્કી અને પર્શિયન ભાષામાં લખાયેલી અનેક સુલતાનોના દરબારોની તવારીખોના આધારે વર્ણવવામાં આવતો હતો, કેમ કે આ દરબારોનો ઇતિહાસ મહંમદ ગઝનીના મંદિર પરના આક્રમણની સાથે શરૂ થતો હતો. સંસ્કૃત સ્રોતો, જેમ કે સોમનાથ પાસેના શિલાલેખો અને ચૌલુક્ય રાજાઓના ઇતિહાસ વિશેના જૈન પ્રબંધો જેમાં વધુ વિગતવાર ઇતિહાસ સમાયેલો હતો, તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. આનું મુખ્ય કારણ એ હતું કે બ્રિટિશ વિદ્વાનોએ દલીલ કરી કે ભારતનો ઇતિહાસ ત્રણ યુગમાં વહેંચવો જોઈએ ઃ હિન્દુ, મુસ્લિમ અને બ્રિટિશ. હિન્દુ યુગ ઇસવીસન ૧,૦૦૦ સુધી ચાલ્યો અને સંસ્કૃત પાઠોના આધારે લખાયેલો હતો. મુસ્લિમ યુગ ભારતમાં બ્રિટિશ લોકોના આગમન સુધીનો હતો અને પર્શિયન પાઠોના આધારે લખવાનો હતો. આમ મહંમદ ગઝનીનું આક્રમણ જે ૧૦૨૬માં થયું તે મુસ્લિમ કાળ દરમિયાન થયેલું ગણાયું અને તેથી કેવળ પર્શિયન વાચનાઓને માહિતી માટે ચકાસવામાં આવી. મારા વક્તવ્યમાં હું ત્રણેય પ્રકારોના પુરાવા વિશે વાત કરીશ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સંસ્થાનવાદી સત્તાધારીઓએ શા માટે ભારતના ઇતિહાસની એક સામાન્ય ઘટનાને એક ખૂબ મોટા મુદ્દામાં ફેરવી દીધી.

સુલતાનોના દરબારની તવારીખોએ મહંમદના આક્રમણની સ્વાભાવિક જ યશોગાથા ગાઈ છે અને ઇસ્લામના ઇતિહાસના એક મહત્ત્વના બનાવ તરીકે અતિશયોક્તિપૂર્વક વર્ણવ્યો છે. જે લોકો બાદશાહી દરબારોની અને વંશાવળીની તવારીખો લખે છે, તેમણે રાજાઓની પ્રશસ્તિ કરવી પડે છે કે કેમ કે તેઓને એ માટે તો પૈસા ચૂકવવામાં આવે છે. આ પ્રથા છેક પહેલાંના કાળથી ચાલતી આવી છે એ ભારતના જુદા જુદા પ્રદેશોમાં દરબારી કવિઓએ લખેલી ‘પ્રશસ્તિ’માં કરેલી હિન્દુ રાજાઓની સ્તુતિ પરથી સ્પષ્ટ થાય છે. આ એક પ્રકારની લેખન પદ્ધતિ છે, જેમાં રાજાની પ્રશંસા કરવી જ પડે છે!

આ પર્શિયન તવારીખોની રસપ્રદ બાબત એ છે કે તેઓ નક્કી નથી કરી શકતા કે મહંમદે ખરેખર શેનો નાશ કર્યો હતો. કોઈક કહે છે, એ શિવલિંગ હતું; બીજા કહે છે કે એ પયગંબરે જેનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો તે ઇસ્લામ પૂર્વેની અરબ દેવીઓમાંની એક મનાત દેવીના પ્રતીકરૂપ પથ્થર હતો; વળી બીજા કહે છે કે એ પથ્થરના બનેલા માનવ સ્વરૂપ એક દેવ હતા અને જ્યારે એમનું પેટ ચીરાયું ત્યારે એમાંથી રત્નોનો જથ્થો બહાર નીકળી આવ્યો હતો; અને વળી બીજું એક વૃત્તાંત કહે છે કે એ ધાતુની બનેલી એક મૂર્તિ હતી જે એક બહુ મોટા ચુંબકની મદદથી હવામાં વચ્ચે લટકતી હતી. આમ સ્પષ્ટ રીતે એ મૂર્તિ શું હતી એ વિશે કોઈ નિશ્ચિતતા ન હતી અને આ બયાનોમાં ખાસ્સી કાલ્પનિકતા હતી. ત્યાર બાદ આ બયાનો કહે છે કે મંદિરને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. પરંતુ થોડાક દસકાઓ પછી કોઈ સુલતાન પોતે મંદિર પર હુમલો કર્યો અને એને મસ્જિદમાં ફેરવ્યું એમ દાવો કરે છે. આ તર્કવિહીન છે, કેમ કે પહેલા હુમલા પછી તેઓ મસ્જિદ પર હુમલો કરતા હશે. એની સાથે સાથે મંદિર તો એક મુખ્ય હિન્દુ મંદિર તરીકે ચાલુ જ રહ્યું, જેમાં પંદરમી સદી સુધી તો પૂજા ચાલુ રહી જે પછી એ ઉપેક્ષિત થયું હોય એમ લાગે છે.

મંદિરની આસપાસના સ્ શિલાલેખો જે બનાવ પછી તરત જ અને પછીની ત્રણ સદીઓ સુધી લખાયેલા હતા તે મહંમદનો ઉલ્લેખ કરતા નથી. જોકે મંદિર એ આ શિલાલેખોનું કેન્દ્ર છે. ઘણા નાના શિલાલેખો સ્થાનિક રાજાઓ કેવી રીતે મંદિરમાં પૂજા કરવા આવતા યાત્રાળુઓને લૂંટતા તેમ જ તેમની પાસેથી યાત્રાળુ કરની માંગણી કરતા તેની વાત કરે છે. ચૌલુક્ય વહીવટીતંત્રને યાત્રાળુઓને રાજાઓથી રક્ષણ આપવું પડતું. બારમી સદીનો એક લાંબો આલેખ એ કાનૂની દસ્તાવેજ છે જે નુરૂદ્દીન ફીરોઝ નામના એક અરબ વેપારીએ લખ્યો હતો. એમાં એ વેપારીને સોમનાથ મંદિરની સ્થાવર મિલકતમાંથી અને બીજાં મંદિરોની સ્થાવર મિલકતમાંથી જમીનના જુદા જુદા ટુકડાઓ વેચ્યાની નોંધ છે. આ જમીનનો ઉપયોગ મસ્જિદ બાંધવા માટે અને તેની સંભાળ માટે કરવાનો હતો, જે નુરૂદ્દીને બનાવી હતી. આ વેચાણ માટે સ્થાનિક રાજા અને પંચ-કુળ-હોદ્દેદારો અને જમીનમાલિકોના બનેલા સ્થાનિક શહેર વહીવટીતંત્ર-ની સંમતિ હતી. આલેખ નોંધે છે કે જમીનનો સોદો એ સામાન્ય પ્રક્રિયા હતી.

સો વર્ષ પછી ચૌલુક્ય વંશના રાજા કુમારપાળના સમયમાં મંદિરના મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિ દ્વારા એક લાંબો આલેખ પ્રસિદ્ધ થયો હતો. તે જણાવે છે કે મંદિર સ્થાનિક વહીવટકારોની ઉપેક્ષાને કારણે બિસ્માર હાલતમાં હતું અને તેને ફરીથી બાંધવા માટે રાજાને સમજાવવા માટે તે પોતે કારણભૂત હતો. એ વાત ફરીથી ધ્યાન ખેંચે છે કે મંદિરની જીર્ણ હાલત માટે મહંમદને જવાબદાર ગણવાનો કે મંદિરનું મસ્જિદમાં પરિવર્તન થયાનો કોઈ ઉલ્લેખ અહીં નથી. જો એનું પુનરાવર્તન થયું હોત તો એ મંદિર તરીકે ફરીથી બંધાયું ન હોત.

જૈન વિદ્વાન મેરુતુંગે ચૌદમી સદીમાં ગુજરાતનો ઇતિહાસ લખ્યો હતો જેમાં એ ચૌલુક્ય વંશનું વિસ્તારથી વર્ણન કરે છે અને તેનો મંદિર સાથેનો સંબંધ વર્ણવે છે. ફરીથી મહંમદનો કોઈ ઉલ્લેખ નથી. આ ઇતિહાસનું એક મુખ્ય કેન્દ્રબિંદુ કુમારપાળ દ્વારા મંદિરનો જિર્ણોદ્ધાર એ છે. પરંતુ આ હેવાલ જૈન દૃષ્ટિકોણથી લખાયેલો છે અને તેથી મંદિરના મુખ્ય પૂજારી ભાવ બૃહસ્પતિના કથનથી વિપરીત છે. મેરુતુંગ લખે છે કે, દરિયાની છાલકોને લીધે મંદિરની જીર્ણ દશા થઈ હતી, કેમ કે એ દરિયાને લગોલગ અડીને આવેલું હતું. એ નિશ્ચયપૂર્વક કહે છે કે કુમારપાળના જૈન મંત્રી, મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યે રાજાને મંદિર ફરીથી બાંધવા માટે સમજાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો.

ઇતિહાસકારો માટે મંદિર વિશે આ ત્રણ વિભિન્ન પરિપ્રેક્ષ્ય છે. આમાંથી કોઈપણ મહંમદના આક્રમણને કારણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે ઊંડી અને કાયમી દુશ્મનાવટ થઈ એવી કોઈ નોંધ કરતા નથી. ઊલટાનું નુરૂદ્દીનનો આલેખ સૂચવે છે કે બે કોમો વચ્ચે સામાન્ય વ્યવહાર હતો. આક્રમણના તુરંત બાદ હિન્દુઓમાં થોડા આક્રોશની અપેક્ષા રાખી શકાય, પરંતુ આલેખો બતાવે છે કે તે લાંબા સમય સુધી ટક્યો નહીં અને મંદિર હિન્દુઓના પવિત્ર સ્થળ તરીકે પૂજાતું રહ્યું. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પરસ્પર દુશ્મનાવટ અંગેનું આ વિધાન કોણે અને ક્યારે ફેલાવ્યું?

એ રસપ્રદ બીના છે કે એનો સૌપ્રથમ ઉલ્લેખ ઓગણીસમી સદીની શરૂઆતમાં લંડનમાં બ્રિટનની સંસદનાં ગૃહોમાં મહંમદ અને સોમનાથ પરની ચર્ચામાં થયો. સંસ્થાનવાદી વિદ્વાનો એ સાબિત કરવા તત્પર હતા કે હિન્દુ અને મુસલમાનો હંમેશાં એકબીજા સામે વેરભાવ રાખતા અને મહંમદના હુમલાની આ વાત એમને ફાવતી આવી ગઈ. ભારતના સંસ્થાનવાદી ઇતિહાસે મહંમદના આક્રમણથી હિન્દુઓને થયેલા આઘાત પર ભાર મૂકવાનું શરૂ કર્યું.

મૂંઝવનારો પ્રશ્ન એ છે કે વીસમી સદીમાં રાષ્ટ્રવાદી રાજકારણીઓએ અને ઇતિહાસકારોએ આ કથાનું તુર્કો-પર્શિયન તવારીખો પર આધારિત સંસ્થાનવાદી વૃત્તાંત શા માટે સ્વીકાર્યું? એ સમયના ઇતિહાસકારોએ બીજા સ્રોતો તપાસ્યા નહીં, જે બીજી જ વાત કહે છે. આક્રમણ થયું ન હતું એ મુદ્દો નથી, પરંતુ ખરેખર શું બન્યું અને એથી હિન્દુ-મુસલમાનો વચ્ચે દુશ્મનાવટ થઈ કે નહીં એ પ્રશ્ન છે.

ઇતિહાસકારોને આ બે પાઠ શીખવે છે. એક તો એ કે ભૂતકાળમાં શું બન્યું એ કહેતા પહેલાં આપણે ખાતરી કરવી જોઈએ કે આપણે વિષય પરના બધા શક્ય એટલા સ્રોતો વિવેચક-દૃષ્ટિથી તપાસ્યા છે. બીજું એ કે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની વિચારધારા સંસ્થાનવાદની નીતિઓને પુષ્ટ કરનારી હતી. એથી આપણે એમનાં વિધાનોને પહેલાં એમની સામે સવાલ ઉઠાવ્યા વગર સ્વીકારવા જોઈએ નહીં.

ઉમાશંકર જોશી સ્મૃિત વ્યાખ્યાન (અમદાવાદ, તા.૨૯-૧૨-૨૦૧૨)

(સદ્દભાવ : "નિરીક્ષક", 16.01.2013)

Loading

યક્ષપ્રશ્રઃ ઓવેસીના હિંદમાં બંદૂકવાલાનું હોવું

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|19 January 2013

 – નક્કી કરો, તમે સર્વધર્મસમભાવી, સર્વસમાવેશક ભારત ઇચ્છો છો કે પાકિસ્તાનનું અડધિયું
 
શુક્રવારે અનાયાસ જ એ એક સૂચક જોગાનુજોગ બની રહ્યો કે આંધ્રપ્રદેશના માનવ અધિકાર પંચે અકબરુદ્દીન ઓવેસીના ઝેરીલાં ભાષણોની તપાસ માટે પોલિસ કમિશનરને પૂછયું હોવાના તેમ જ નવા કેસ વચ્ચે એક જૂના કેસના સિલસિલામાં 'પ્રિઝનર ઈન ટ્રાન્ઝિટ’ની જેમ જેલ અને અદાલત વચ્ચે ઓવેસી ખુદ ફરી રહ્યા હોવાના હેવાલો વચ્ચે ગુજરાતમાં પ્રોફેસર જે. એસ. બંદૂકવાલાને માનવ અધિકાર એવોર્ડ અપાઈ રહ્યો હતો.

આ ઓવેસીએ (જેમણે કયારેક તસલીમા નસરીન સામે ઉપાડો લીધો હતો એમણે) આ દિવસોમાં એક વિધેષવિષાકત વિધાન કર્યું હતું કે એક વાર તમારી પોલિસ ખસેડી લો પછી જુઓ વિપળવારમાં અમે (મુસ્લિમો) બહુમતી હિંદુઓના શા હાલ કરીએ છીએ. વાજબી રીતે જ ઓવેસી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, અને કાયદો કાયદાનું કામ કરશે જ. જે બધા સુષુપ્ત પડેલા કાયદાઓ ગુજરાતમાં નાગરિક ચળવળ પછી દસ વરસે સહસા કાઠું કાઢતા અને ન્યાયિક પ્રક્રિયામાં ગુજરાત ગૌરવનું પુન: સ્થાપન કરતાં માલૂમ પડ્યા છે, તે ત્યાં પણ કામ કરશે. ઓવેસી, આમ તો, એ રઝાકાર પરંપરાના રાજકારણમાંથી આવેલા છે જેણે નિઝામ હસ્તકના હૈદરાબાદમાં હિંસાક્રોમી રાહ લીધો હતો. વલ્લભભાઈ, જનરલ ચૌધરી અને કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતા પરિસ્થિતિ સંભાળી લીધી હતી, એ અલબત્ત જાણીતો ઇતિહાસ છે.

રઝાકાર પરંપરાના મજલિસે ઇત્તહાદુલ મુસલમિનના ઓવેસી કદાચ કોલકાતાના 'ડાઇરેક્ટ એક્શન’ ઘરાણાની માનસિકતા ધરાવતા જણાય છે. એથી ઊલટું, બંદૂકવાલાને હંમેશ એમ લાગ્યું છે કે પાકિસ્તાની રચનાના પૂર્વરંગ સમી આવી કારવાઈ કદાપિ ધન્ર્ય નહોતી અને ન હોઈ શકે. ઉદાત સંસ્કૃિત પરંપરામાં 'ધર્મ્ય’ જેવો પ્રયોગ અહીં જાણીબૂઝીને કર્યો છે, કેમ કે, બંદૂકવાલા એક ધર્મભીરુ જણ છે અને વતનને ચાહવું તે પણ ઇમાન છે એવી સમજથી ન્યૂક્લીઅર ફિઝિકસનેડે ક્ષેત્ર ગ્રીનકાર્ડ કારકિર્દીનાં કાગળિયાં ફાડી નાખીને દેશમાં દાયકાઓ પૂર્વે પાછા ફરેલા છે.

કુરાનમાં જે 'રબ’ની વાત આવે છે તે કેવળ મુસ્લમાનોના નહીં સર્વના માલિકીની – એટલે કે અલ્લા અગર ગૉડ કે ભગવાનની – જિકર છે એવી સમજ સાથે કાર્યરત બંદૂકવાલાને પક્ષે છેલ્લા દાયકાઓના વિશિષ્ટ સંજોગોમાં 'મુસ્લિમ-સ્પેિસફિક’ કામગીરીઓ આવી છે અને એમણે ઊંડી ધર્મબુદ્ધિથી બધાં જોખમો વહોરીને તે ચલાવી છે. આ બધું કરતી વેળાએ એમની એક સમજ રહી છે કે છેવટ જતાં પાકિસ્તાનને મુલ્લાઓ, લશ્કર અને અમેરિકાના ખોળામાં ધકેલી દેનાર ઝીણાની મહત્ત્વાકાક્ષાએ નહીં, પણ ગાંધી અને ટાગોરના સ્વપ્નનો ભારતદેશ જ હિંદુ-મુસ્લિમ સૌ નાગરિક ભાઈ-બહેનોનાં હિ‌તમાં છે.

એક આબાદ રજૂઆત તો સાચર સમિતિ સમક્ષ બંદૂકવાલાની એ રહી છે કે મુસ્લિમોને વિશે અનામતની રીતે કૃપા કરીને વિચારશો નહીં. વળતા કોમી દુર્ભાવના દૃઢીકરણનું તો જાણે સમજ્યા, પણ વિશેષ તો આવી જોગવાઈઓ ક્રિમીલેયરમાં અટવાઈ જતી હોય છે અને એથીએ અધિક તો મુસ્લિમોમાં 'જકાત’ અને 'વકફ’ની જે સંભવિત સોઈ છે એને જ આપણે શિક્ષણ અને આરોગ્યમાં કેમ ન વાળી શકીએ, એ એક ધર્મભીરુ જણ હોવાને નાતે એમની મથામણ છે.

બંદૂકવાલા, દેશની વ્યાખ્યા હિંદુ કે મુસ્લિમ એવી કોઈ ધર્મકોમને આધારે ન કરવી જોઈએ એવી ભૂમિકાને ધોરણે 'સેક્યુલર’ જરૂર છે, પણ ઇમાન પરનો એમનો ભાર, વધુ તો, એમને સામાજિક સ્તરે સર્વધર્મસમભાવની ભૂમિકામાં સ્થાપી આપે છે. એ અર્થમાં પ‌શ્ચિ‌મદીધી લિબરલ ડેમોક્રેસીના મેળમાં ગાંધી પરંપરા સાથે એમનું અનુસંધાન જોઈ શકાય.

જ્યાં સુધી રાજકારણનો સવાલ છે, બંદૂકવાલાને મતે સાવરકર અને ગાંધી એ બે વિકલ્પો વચ્ચે ગાંધીમાર્ગ જ એવો છે જેમાં સૌને સાથે લઈ શકાશે. જો કે, મુસ્લિમો મતદાનમાં સર્વધર્મસમભાવી બિનસાંપ્રદાયિક ભૂમિકાએ અવશ્ય સક્રિયતા દાખવે એવું ઇચ્છતે છતે એમને લાગે છે કે હાલના માહોલનાં કોઈ સીધા રાજકીય ભાવિની તલાશને બદલે શૈક્ષણિક અને વ્યાવસાયિક સજ્જતા તેમ જ ઉદ્યોગસાહસિક અભિગમ કેળવવો ઇષ્ટ છે. દેખીતી રીતે જ, મતબેન્કને ધોરણે સામસામા સોદાકડદાની ગણતરીઓને બદલે ભારતીય નાગરિક સમાજના એક અંગ તરીકેનું સશકિતકરણ તેઓ તાકે છે.

ધર્મકોમી મુસ્લિમ રાજકારણ, સાંપ્રદાયિકતાને વિકાસનો ઢોળ ચઢાવી વિચારધારારૂપે સ્થાપતું હિંદુ રાજકારણ, બેઉને આવા વિચારો પલ્લે ન પણ પડે બલકે, નથી જ પડતા. ક્યારેક કોઈક ઝનૂનીઓએ એમને 'વાજિબે કત્લ’ પણ કહ્યાંનું આ લખતી વેળાએ સાંભરે છે. મુદ્દે, આવી ચિંતા અને ચર્ચા ઓવેસી જેવાઓનાં વિધાનો વચ્ચે કોઈ એક વાતે હોય તો તે તમારી ભારતની કલ્પના અને સમજ શું છે તે છે. 

શું ઓવેસી, શું તોગડિયા — સૌ 'ધ અધર’ને બાકાત રાખવામાં કે નિશાન બનાવવામાં રમે છે. બંદૂકવાલાની 'મુસ્લિમ-સ્પેિસફિક’ ભૂમિકા ભાતીગળ સર્વસમાવેશી ભારતમાં બરાબરીનો હિ‌સ્સેદારીની ધોરણે હક અને ફરજ બેઉની છે. જણે જણનું સ્વરાજ દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, સ્ત્રીઓ સૌ અનુભવે એ માટે નાગરિક સમાજના વ્યાપક ખયાલ સાથે આવી દેખીતી સીમિત ચળવળોની ચોક્કસ જરૂરત હતી અને છે.

આ આખો પ્રશ્ર ખરું જોતાં કૉંગ્રેસ અને ભાજપ એવી ચર્ચામાં સીમિત ન રહી શકે. અથવા તો, કથિત ત્રીજા મોરચામાં પણ તે બદ્ધ ન રહી શકે. એક સમગ્ર અભિયાન અને અભિગમના વ્યાપક સંદર્ભમાં જ તે ચાલી શકે. ઝીણાને છેડેથી અગર તો એમના હિંદુ અડધિયાઓને છેડેથી વિચારવું તે ભારતવર્ષના ઇતિહાસકર્તવ્યથી વિપરીત અને વિપથગાની બની રહેશે.

[સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19.01.2013]

Loading

...102030...4,2024,2034,2044,205...4,2104,2204,230...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved