પુ.લ.દેશપાંડે — મરાઠી ભાષાનાં સમર્થ હાસ્યલેખક.
એમની કેટલીક રચનાઓ 'પુલકિત' નામનાં અકાદમીનાં પુસ્તકમાં વાંચી છે. 'ચિતલે માસ્તર' અને ' બટાકાની ચાલ' તો હૃદય પર અંકિત થઈ ગયેલાં છે. આજે વ્યક્તિચિત્રો આધારિત 'ભાત ભાત કે લોગ' (અનુવાદ: શકુંતલા મહેતા) વાંચવાનું શરુ કર્યું છે. પહેલી જ રચના 'નારાયણ' વાંચીને આંખ ભરાઈ આવી. ચાર્લ્સ ડીકન્સ યાદ આવી ગયો, જે કહેતો, : હું આંખમાં આંસુ સાથે ઇન્દ્રધનુષનો વૈભવ નિહાળું છું. વિનોદ ભટ્ટ કહે છે તેમ Humour is a dry tear. હાસ્યની કઈ કક્ષા હોઈ શકે અથવા તો કઈ કક્ષા સુધી હાસ્યને લઈ જવાનું છે, તે આવા હાસ્યલેખો વાંચીને સમજાય છે. અંગ્રેજીનાં નિવૃત્ત પ્રાધ્યાપક અને સૌમ્ય તથા અભિજાત જોશીના પિતાશ્રી એવા, જયંત જોશીના ઘરમાં, પુ.લ. દેશપાંડેનો ફોટો દીવાલ પર જોવા મળે. એમની પાસેથી જાણ્યા મુજબ, અભિજાત જોશી તો પુ.લ. દેશપાંડેને સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરતા હતા.
આ નારાયણ એક એવું પાત્ર છે કે પારિવારિક-સામાજિક પ્રસંગો પાર પાડવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવતું હોય છે. નારાયણ કોઈ પણ હોઈ શકે. આ નારાયણને આપણે ક્યારેક ને ક્યારેક તો જોયો જ હશે. પુ. લ. દેશપાંડેએ અહીં લગ્નપ્રસંગનાં પરિપ્રેક્ષ્યમાં, નારાયણનું પાત્ર ઉપસાવ્યું છે. કન્યાની પસંદગી થયાં બાદ મુહૂર્તની વાત નીકળતી વખતે, ખિસ્સામાંથી પંચાંગ કાઢી, 'ફોક્સ'માં આવતો નારાયણ, કન્યાવિદાય સુધી, સતત મહત્ત્વનાંથી માંડીને પરચૂરણ એવાં દરેક કાર્યમાં કેન્દ્રસ્થાને રહે છે. પણ કન્યાવિદાય પછીનું જે દ્રશ્ય પુ.લ. આલેખે છે, એ તો એકદમ હૃદયવિદારક છે :
‘નારાયણ માંડવામાં એક કોચ પર ટૂંટિયું વાળી ગાઢ ઊંઘમાં પડે છે. જાણને વળાવી લોકો એકદોઢે પાછાં વળે છે. કોચ પર ટૂંટિયું વાળી સૂતેલાં નારાયણ તરફ કોઈનું પણ ધ્યાન જતું નથી. ફક્ત નારાયણની પત્ની અંદર જાય છે – આઠદસ થીંગડા મારેલું ઓઢવાનું ઝોળીમાંથી કાઢે છે અને કોચ પર સૂતેલાં નારાયણનાં શરીર પર ધીમેથી ઓઢાડી ફરી અંદરની સ્ત્રીઓ સાથે ભળી જાય છે. સામે જ એક બાજુ ગોદડી ઉપર નારાયણનું દુબળું બાળક સુતું હોય છે. તેની બાળમુઠ્ઠીમાં સવારે આપેલ બુંદીનો લાડુ કાળોમસ્સ થયેલો હોય છે.
'માંડવામાં હવે ફક્ત એક કોચ પર નારાયણ અને દૂર બીજે છેડે માંડવાવાળાનો નોકર ઘોરતો હોય છે. બાકી બધે સૂમસામ હોય છે.'
e.mail : ishanabhavsar@gmail.com
![]()


તેઓ અમેરિકામાં પોતાને ‘વિદેશિની’ કહીને ઓળખાવે છે. તેઓ ભારત જાય, ત્યારે પણ પોતાને વિદેશિની છું, એમ જ કહે છે. તેઓ કહે છે ‘અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું, છતાં અમેરિકા છૂટતું નથી. એટલે વિદેશિની.’ જ્યાં સુધી મુંબઈમાં હતાં, ત્યાં સુધી એમણે સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો છે. એટલે જ તેઓ કહે છે કે ‘હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું.’ આમ અમેરિકા એમની કર્મભૂમિ છે.
અને એ પ્રેરણા તેમને મળી એક અમેરિકન કવયિત્રી પાસેથી. એમના જ શબ્દોમાં કહું, ‘લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય, એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે, ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.’