Opinion Magazine
Number of visits: 9524951
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હર હર ગંગેય, યમુનેય, ગોદાવરી, સરસ્વતી ….

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|10 May 2013

સદીઓથી દરેક હિંદુ પરિવારમાં, સ્નાન સમયે, વેદિક શ્લોક, ‘હર હર ગંગેય, યમુનેય ચ ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી જલે અસ્મીન થલે થલે’ના ઉચ્ચારણો સાંભળવા મળે છે.

થયું એવું કે કાળક્રમે સરસ્વતી નદીનાં નીર સુકાઈ ગયાં, પણ તેનું આપણા શ્લોકમાં સ્થાન કાયમ રહ્યું. સારું જ થયું, કેમ કે હવે હરિયાણાના મુખ્ય મંત્રી ભૂપિંદર સિંહ હૂડાના જાહેરનામા મુજબ, સરસ્વતી નદીમાં આ વર્ષથી ફરી પાણી વહેતું થશે. વાહ! કેવું અદ્દભુત ? આ તો રાજા ભગીરથના તપથી પણ ચડી જાય, એવું સદ્દકાર્ય ગણાશે. તેમણે વધુમાં જણાવ્યું કે ‘કુરુક્ષેત્ર નજીક પેહોવા ગામની સરહદે, સરસ્વતી નદીને પુનર્જીવિત કરવામાં આવશે, અને તેમાં પાણી વહેતું કરવામાં આવશે. જેથી તેમાં શ્રધ્ધાળુઓ સ્નાન કરીને પવિત્ર થઈ શકશે, જેમ તેઓ અત્યારે કુરુક્ષેત્રમાં પવિત્ર ટાંકીઓમાં સ્નાન કરે છે.’ આહા ! જોયું, સરકાર તેની પ્રજાનું કેટલું જતન કરે છે? પવિત્ર ગ્રંથ ગણાતા ચારે ય વેદોની રચના આ સરસ્વતી નદીના કિનારે થઈ હોવાનું મનાય છે (જો કે એ વિવાદાસ્પદ વિષય છે), એટલે તેમાં સ્નાન કરીને લોકો પવિત્ર થાય, એ ખૂબ મહત્ત્વનું ગણાય. આથી જ તો હરિયાણાની સરકારે દાદુપુર-નાલવી નહેરમાંથી પાણી વાળીને, જ્યાં સરસ્વતી નદી હતી તેમ મનાય છે, ત્યાં વહેવડાવવામાં આવશે એવો નિર્ણય જાહેર કર્યો છે. અને એ નદીનો માર્ગ જયારે ૨૦૦૯માં શોધી કઢાયો, ત્યારે જે ખેડૂતોની જમીન એ માર્ગમાં આવતી હતી, તેમણે સ્વેચ્છાએ પોતાની ખેડાઉ જમીન વહીવટદારોને આપી દીધી. લોકોના ત્યાગ અને બલિદાનને કોઈ સીમા નથી. ધર્મ માટે કાંઈ પણ કરવા તૈયાર છે. ધન્ય છે તેમને. ખનીજ તેલ અને કુદરતી ગેસની કંપનીએ આ માર્ગની ભાળ  કાઢી, પણ તેને ખનીજ તેલના ઉત્પાદન માટે હડપ ન કરી, તેથી તેમની ઉદારતાની પણ નોંધ લેવી ઘટે.

હવે વિચારવાનું એ રહેશે કે આ નદીમાં સ્નાન કરવાથી પવિત્ર  થવાય, પાપ ધોવાય એ માન્યતાને એકવીસમી સદીમાં પોષવા જેવી ખરી ? ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને પંજાબની સાત મોટી નદીઓ – (જેમાંની બે સમય જતાં નિષ્પ્રાણ થઈ ગઈ)ની ભાળ એ ભૂમિમાં રહેવા આવનારને મળી, ત્યારે માનવ જાતે કૃષિની શોધ તાજેતરમાં કરેલી, તેથી એ નદીઓના અખૂટ જળરાશી માટે તેઓ કુદરતનો આભાર માનતા હતા. તે વખતે પ્રમાણમાં જનસંખ્યા ઓછી હતી. નદીના પાણીનો ઉપયોગ પીવા માટે, રસોઈ કરવા, કપડાં ધોવાં, ખેતરમાં પાકને પોષણ આપવા અને સ્નાન કરવા માટે કરવામાં આવતો. એમાંથી નહેરો કાઢીને વધુ પ્રમાણમાં ખેતી લાયક જમીનને પહોંચાડવાનું વિજ્ઞાન તે પછી વિકસ્યું. ઉપર કહ્યું તેમ જીવનદાયિની નદીનાં વારીનો છુટ્ટે હાથે ઉપયોગ કર્યા પછી, લોકો વર્ષે એકાદ વખત એનું ઋણ ચુકવવા એમાં સ્નાન કરી, તેને ખોળે પુષ્પ અને દીપ દાન કરે એવો રીવાજ ઊભો થયો હશે.

વાત ત્યાં ન અટકી. એ મહા નદીઓને કિનારે વસતી પ્રજાની સંખ્યામાં અનેક ગણો વધારો થયો, પાણીનો ઉપયોગ અમર્યાદિત પ્રમાણમાં થવા લાગ્યો. ધાર્મિક ભાવનામાં રુઢિનો પગ પેસારો થયો એટલે હજારોની સંખ્યામાં લોકો માત્ર સ્નાન કરે એટલું જ નહીં, અંતિમ ક્રિયા કરે, અને મૃતદેહો તરતા મૂકે. લોકોની અજ્ઞાનતા અને ભક્તિભાવનો ગેરલાભ લઈને એમને ગેરમાર્ગે દોરવામાં પુરોહિતો અને પૌરાણિક ક્થાકારોનો ઘણો ફાળો છે. કૃષિ માટે પાણીની અનિવાર્ય આવશ્યકતા છે અને એટલે જ તો પૃથ્વીના પડ ઉપર બધી સંસ્કૃિતઓ મોટી મોટી નદીઓને કિનારે જ વસેલી અને વિકસેલી એ સમજાય તેવું છે. આ બધું ઓછું હતું તેમ મોટા ઉદ્યોગોને પણ પાણીની જરૂર પાડવા લાગી. કૃષિ ઉદ્યોગ પ્રકૃતિ પાસેથી લઈને તેને એટલું જ ઋણ ચૂકવી આપે, જ્યારે આધુનિક ઉદ્યોગો તો લેવામાં સમજે, દેવામાં નહીં. પાણી લઈને બદલામાં કચરો, ખનીજ તેલ અને ગંધાતા રસાયણોવાળું પાણી નદીઓને ખોળે ધરે છે. આમ થવાથી નદીઓનું પાણી પીવા લાયક ન રહ્યું, પાકને નુકસાન થવા લાગ્યું અને જળચર પ્રાણીઓના જાન જોખમમાં મુકાયા, જેની અસર માનવીના ખોરાક પર પણ પાડવા માંડી, પણ તેની દરકાર કરે તો મોટા ઉદ્યોગો કેમ ટકે ? નદીઓ એક ઉત્તમ વાહન વ્યવહારનું સાધન પણ હતી. હોડી અને વહાણો દ્વારા પુષ્કળ માલની હેરાફેરી થતી. પરંતુ સ્ટીમ બોટ અને હવે ડીઝલથી ચાલતી બોટ-સ્ટીમર દ્વારા માલ, મુસાફરો અને પર્યટકોની હેરાફેરી કરીને તો નદીઓનાં જળને સાવ દુષિત કરી નાખ્યું છે. 

હરિદ્વાર અને ઋષિકેશ પવિત્ર યાત્રાધામ મનાય છે. ગંગા પર્વત પરથી ઉતરીને સમથળ જમીન પર વહેતી જોવા મળે છે. તેનું નજીકથી દર્શન શક્ય બને છે. જે લોકો સાહસિક પહાડખેડુ ન હોય તેઓ આ જગ્યાએ હિમાલય પુત્રીને ભારતના બહુ મોટા ભૂ ભાગને ફળદ્રુપ બનાવવા બદલ નમન કરી શકે છે. આપણા દેશની બેજવાબદાર પ્રજા ધર્મ અને ભક્તિને નામે ગંગા અને બીજી ઘણી નદીઓને કિનારે પ્લાસ્ટીકનો કચરો, ધાતુના તૂટેલા કટકાઓ નાખીને ઢોરને રખડતા રઝળતા મૂકીને, નદીઓમાં ઉદ્યોગોનો કચરો અને ગંદુ પાણી ઠાલવીને ઘોર અપરાધ કરે છે. વારાણસીમાં તમને મૃતદેહો પણ તરતા જોવા મળશે. આ જોઇને ‘હર હર ગંગેય’ની બદલે ‘અરરર ગંગેય’ એવો ઉદ્દગાર નિ:શ્વાસ સાથે નીકળી જાય.

જો બીજી પવિત્ર નદીઓની આ દશા હોય, તો અદ્રશ્ય થઈ ગયેલી સરસ્વતીને નહેરના પાણીથી શણગારીને એમાં પ્રદૂષણ કરવા માટે લોકોને અર્પિત કરવાથી શો ફાયદો? જે ખેડૂતોએ પોતાની જમીન દાનમાં આપી દીધી છે તેમને પરત કરી, નહેરો દ્વારા સિંચાઈ કરી મબલખ પાક ઉતરે એવી વ્યવસ્થા કરીશું તો સરસ્વતીનો આત્મા સુખી થશે. જો પ્રાર્થનાના શ્લોકમાં સરસ્વતીનું નામ રાખવું હોય, તો એ નહેરમાં નહાવાની પરવાનગી આપી ન શકાય, અને બીજી નદીઓને પણ શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધરવું રહ્યું, નહીં તો એ શ્લોક ખરેખર ‘અરરર ગંગેય, યમુનેય ચ ગોદાવરી, સરસ્વતી’ બની જશે.     

e.mail : 71abuch@gmail.com

Loading

સાચો માનવી

કામિની સંઘવી|Opinion - Opinion|10 May 2013

ગલીના નાકેથી ચાલીને હું મેઈન રસ્તા પર આવી. રિક્સા મેળવવા મેં હાથ કર્યો, અને મારા આશ્ચર્ય વચ્ચે, રિક્સા તરત મળી પણ ગઈ. ભાવ–તાલ કરીને હું બેસી ગઈ. રિક્સામાં બેસતા જ મને હાશ થઈ. ચાલો, આજે તો હું જલદી ઘરે પહોંચી જઈશ. રોજ રિક્સા મળતાં તો પાંચ–સાત કે ક્યારેક દસ મિનિટ જતી રહે છે. બસ, જલદી પહોંચવાની કલ્પનાથી હું ખુશ ખુશ થઈ ગઈ.

‘આ હવા, પાણી, વરસાદ બધું ખુદાએ એક જ આપણને આપ્યું છે. આપણે પણ જીવનમાં કોઈકને મદદરૂપ થવું જોઈએ. ખુદા આપણી પાસે આ બધાંનો ચાર્જ લે છે ? તે તો બસ, પોતાનું કામ કરતો રહે છે. આપણે પણ બીજાને બનતી મદદ કરવી જોઈએ.’ મારા કાને આ શબ્દો પડતા જ, હું ચમકી. મારા વિચારમાંથી બહાર આવીને, મેં મારી બાજુમાં બેઠેલાં લોકોનું નિરીક્ષણ કર્યું.

આ ફિલસૂફી ભરી ડાયલોગ ડિલિવરી તો રિક્સાવાળાની હતી. તેના પહેરવેશ અને ભાષા પરથી તે મને મુસલમાન જણાયો. મારી બાજુમાં એક માજી બેઠાં હતાં. અને તેમની બાજુમાં એક વૃધ્ધ કાકા પણ. કાકા પણ દેખાવથી મુસલમાન જણાતા હતા. ‘બેટા ! વાત તો તારી સાચી છે. શું લઈને આપણે આવ્યા હતા, અને શું લઈને જવાના છીએ ? શું તારું અને શું મારું ? દુનિયા તો બધાની જ છે. લોકો તો અમથા જ તારું મારું કરીને લડયા કરે છે.’ વૃધ્ધકાકાએ પેલા રિક્સાવાળાને જવાબ આપ્યો.

ખલાશ ! આજે આ લોકોની ફિલસૂફી ભરી જુગલબંદી મારું માથું પકવવાની છે ! એવું નથી કે મને આવી બાબતમાં રસ નથી. પરંતુ મને ફક્ત સારી સારી ‘વાતો’ જ કરતાં લોકોથી બહુ ચીડ છે. હરામ બરાબર, લોકો સારી અને સાચી વાતોનું જીવનમાં અનુકરણ કરતાં હોય ! એવું હોત તો આપણને આ સાધુ મહારાજોની જરૂર ન પડતે. … ખેર !

મેં તો રોષમાં નાકનું ટીચકું ચડાવીને મારા કાનમાં હેડ ફોન ખોસ્યા. અને મારી પ્રિય તેવી સંગીતની દુનિયામાં ખોવાઈ ગઈ. ચાર રસ્તા પર રિક્સા ઊભી રહી. એક મધ્યમવયની સ્ત્રીએ હાથ હલાવી રિક્સા ઊભી રખાવી. રિક્સાવાળાએ તેની સાથે કંઈ વાત કરી. મારા કાનમાં હેડફોન હોવાથી મેં તેમની વાત સાંભળી નહીં. ત્યાં તો રિક્સાવાળો મારા તરફ ફરીને કહે, ‘થોડી જગ્યા કરી આપોને, આ ચાચીને બેસાડવાનાં છે.’ હું તેની વાતથી ભડકી. ‘કેમ ક્યાં બેસાડવાનાં છે ? અહીં ત્રણ જણ તો બેઠાં છે. અને ચાચી પાતળાં પણ નથી કે તેમને બેસાડી શકાય.’ ત્યાં તો પેલા વૃધ્ધ મુસલમાન કાકા બોલ્યા, ‘બહેન, તું તો પાતળી છે. સહેજ ખસીને જગ્યા કર ને !’ હવે મારું મગજ ગયું. ‘હું પૂરા પૈસા આપુ છું. તો શા માટે અગવડ ભોગવું ? અને રિક્સામાં ચાર જણ બેસાડવા તે તો નિયમની વિરુધ્ધ છે.’ મારામાં રહેલો જાગૃત પત્રકાર બેઠો થયો.

ત્યાં તો પહેલો રિક્સાવાળો બોલ્યો, ‘બહેન, જરા મદદ કર ને ? કોઈને મદદ કરવાથી તમારું સારું જ થશે.’ હવે મને ગુસ્સો આવ્યો. ‘મદદ શેની ? વધારે પૈસા કમાવા માટે તું પોતે નિયમનું ઉલ્લઘંન કરીને ત્રણની જગ્યાએ ચાર વ્યક્તિને બેસાડવા ઇચ્છે છે, અને ઉપરથી પોતે બહુ મોટો મદદગાર અને મહાન હોય તેવો દેખાવ કરે છે. લેકચર ઝાડે છે.’ આ બધું હું મોટેથી તો બોલી નહીં, પણ મનમાં આવા વિચારો ચાલુ થઈ ગયા. મેં મારું ફાઈનલ ડિસિશિન સંભળાવી દીધું, ‘હું અહીંથી તસુભાર પણ હટીશ નહીં. તમારે જ્યાં બેસાડવા હોય ત્યાં બેસાડો.’

પેલો રિક્સાવાળો અને વૃધ્ધકાકા મારી સામે જોઈ રહ્યા. પેલા માજી આ બધાથી નિર્લેપ થઈને બહાર રસ્તા પર જોતાં બેસી રહ્યાં હતાં. પેલા ચાચીને બેસાડવા કે નહીં, તે જાણે તેમના માટે ચર્ચાનો વિષય જ ન હતો. મેં મારા કાનમાં ફરી હેડ ફોન લગાવ્યા. રિક્સાવાળો પેલા ચાચીને આગળ બેસાડવાની તજવીજ કરવા લાગ્યો. પણ ચાચીને ફાવ્યુ નહીં. વૃધ્ધકાકાએ પછી, અમારી સીટની સામે રહેલા સળિયા પર, પેલા ચાચીને નેપકીન પાથરી બેસાડયાં. આ બધું સેટ કરવામાં બીજી પાંચ સાત મિનિટ જતી રહી. હું નારાજ અને નિરાશ થઈ ગઈ. આજે ઘરે વહેલી પહોંચીશ, એવું વિચાર્યું હતું, પણ આ બધી ભાંજગડમાં પાંચ–સાત મિનિટ એમ જ વેડફાઈ ગઈ. પેલા વૃધ્ધકાકા અને ચાચી ખૂબ જ અસુવિધાજનક રીતે બેઠાં હતાં. પણ હું મારી જગ્યા પરથી હટી નહીં. રિક્સાવાળો પોતે બહુ પરોપકારી હોવાનો ડોળ કરે છે, પણ પાંચ પૈસા માટે તો મરી પડે છે. મેં આવા વિચારમાંથી બહાર નીકળી ફરી સંગીતમાં ધ્યાન પરોવ્યું.

દસ મિનિટ પછી પુલ પૂરો થયો, અને રિક્સા ઊભી રહી. પેલા વૃધ્ધકાકાએ, પેલા માજી અને ચાચીને રિક્સામાંથી ઊતરવામાં મદદ કરી. તે ચાચી આખા રસ્તે, મારી સામે જોઈને કંઈક બબડયા કરતાં હતાં, પણ મેં તે સાંભળ્યું ન હતું. મેં તે શું બોલી રહ્યાં છે, તે સાંભળવાની દરકાર પણ કરી ન હતી. તેમના ફાટેલાં વસ્ત્રો તેમનાં ગરીબપણાની ચાડી ખાતાં હતાં. ઊતરતી વખતે તેઓ મારી સામે જોઈ ગુસ્સાથી બોલ્યાં, ‘ક્યારેક તને ય મદદની જરૂર પડશે, ત્યારે ખબર પડશે.’ મેં તે શબ્દો સાંભળ્યા, પણ હું અનુત્તર રહી. પેલા વૃધ્ધકાકા બેઠા અને રિક્સા ફરી ચાલુ થઈ. હવે પેલા કાકાએ મારી સામે ઠપકાની નજરે જોયું. ‘બેટા, તારા આ હેડફોન કાઢીને મારી વાત સાંભળ.’ મેં તેમ કર્યું. ‘હું સિત્તેર વર્ષની ઉંમરે આટલી તકલીફ સહન કરી લઉં છું, તો તને જરા ખસવામાં તકલીફ પડી ?’

‘પણ આ રિક્સાવાળા ભાઈએ તેમને બેસડવાના ન જોઈએ ને ! ત્રણ જણાં તો બેઠાં જ હતાં. વધારે પૈસા કમાવવા તે આવું ગેરકાયદે કામ કરે તે હું કેમ ચલાવી લઉં ?’ મેં મારો બચાવ કર્યો.

‘બેટા, આ રિક્સાવાળો તો તેને મદદ કરતો હતો.’ મને આ વાત પર હસવું આવ્યું. ‘મદદ કે પછી વધારે પૈસા કમાવવાની લાલચ?’

‘બેટા, પેલાં બેન પાસે પૈસા જ ન હતા. રિક્સા ચોક પર સિગ્નલ પાસે ઊભી રહી, ત્યારે જ પેલાં બેને રિક્સાવાળાને પુલ ક્રોસ કરાવવાની વિનંતી કરી. આ ભાઈ તેમને બેસાડતે નહીં તો તેમણે ચાલતાં જવું પડતે.’ આ સાંભળી હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગઈ. મને બહુ ક્ષોભ થયો. પણ સાચી હકીકતથી હું અજાણ હતી.

થોડીવાર પછી તે કાકા પણ રિક્સામાંથી ઊતરી ગયા. રિક્સા મારા સ્ટોપ પર આવી, એટલે હું ઊતરી. દસ રૂપિયા આપી ચાલવા લાગી. પેલા રિક્સાવાળાએ બૂમ પાડી, ‘બહેન, તમે તો પાંચ રૂપિયા ઠરાવ્યા હતા. આ પાંચ પાછા લઈ લો.’

‘તું રાખી લે. એમ સમજ કે પેલા ચાચીના પૈસા હું ચૂકવું છું.’ મને મારા વર્તનથી પસ્તાવો થતો હતો. એટલે મેં આ ઉદારતા દેખાડી હતી.

‘બહેન ! ઈમાનદારીથી કહું છું, પેલા ચાચીને એમ જ પૈસા વગર બેસાડવાના ઈરાદાથી જ બેસાડયાં હતાં. હવે, તેમના પૈસા લઉં, તો મારું ઈમાન ખોટું પડે. ખુદાનો હું ગુનેગાર બનવા નથી ઇચ્છતો.’ તેના આ બોલ સાંભળી હું અબોલ બની ઊભી રહી.

માત્ર ડાહી ડાહી વાતો કરી, લોકોના દિલ બહેલાવતા, અને પોતાને ભગવાન ગણાવી લોકોના પૈસે જલસા કરતા પેલા સંત–સાધુ–ફકીર–મૌલવી કરતાં આવા સાચા માનવને મારા સો–સો સલામ !     

e.mail : kaminiparikh25@yahoo.in

Loading

કામિનીબહેન, બહુ જ સરસ !

પ્રવીણ વાઘાણી|Opinion - User Feedback|10 May 2013

કામિનીબહેન, બહુ જ સરસ ! *

વાંચતાં આંખમાં આંસુ આવી ગયાં, હર્ષનાં !

કાઠિયાવાડનાં ઘણાં ગામડાંઓમાં હું ફર્યો છું. અલગઅલગ કોમનાં માણસોને મળ્યો છ, અને તેમની મહેમાનગતિ માણી છે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે ખેડૂત, વેપારી, કે પછી હરિજન હોય. ક્યાંક ગરમ ખીચડીમાં ચોખ્ખા ઘીની ધાર થાય, તો ક્યાંક સૂકા રોટલા સાથે લસણની કળીનાં વઘારવાળું પાણી હોય ! પણ દરેકના પ્રયત્ન એવા હોય, કે પોતાની મહેમાનગતિમાં ઊણપ ન રહે.

મૂળ વાત એ છે કે માણસના હૃદયમાં રહેલો માણસ પ્રત્યેનો પ્રેમ અમાપ છે.

હવે અહીં, તમને મારા ઓસ્ટ્રેલિયાના અનુભવ વિષે હું કહેવા ઇચ્છું છું.

મારો ફરવાનો શોખ મને હાઈવે અને ફ્રીવે છોડીને, નાના રસ્તાઓ પર વસેલાં નાનાં ગામડાંમાં લઈ જતો. મારો નિયમ ‘sun-downer’નો. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં રાતવાસો કરવાનો. અહીંનું નાનું ગામડું એટલે પચાસથી સો કુટુંબની વસ્તિ. તો પણ અહીં એક કે બે હોટલ (Pub) હોય. તેમાં ખાવાપીવા ઉપરાંત રહેવાની પણ સગવડ હોય. આનંદપ્રમોદ માટે કાર્ડ, ડાર્ટ, સ્નૂકર, વગેરે રમતો હોય. મોટે ભાગે પતિપત્ની સાથે મળીને આ હોટલ ચલાવતાં હોય. ગામનાં કે આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો અહીં એકબીજાને મળવા આવે. વાતો કરતાં પીવાનું તો હોય જ. કોઈવાર જમી પણ લે.

બેત્રણ દાયકા પહેલાંની આ વાતો છે.

‘કોલેરેન‘ આવું એક નાનું ગામ. ત્યાં બે હોટલ હતી. રૂમ બુક કરી, બેગ મૂકી, હાથમોં ધોઈ હું નીચે આવ્યો. આ માંસાહારી દેશમાં ત્યારે શહેરોમાં પણ ‘શાકાહારી‘ શબ્દ નવાઈનો હતો. તો ગામડામાં તો ક્યાંથી સાંભળ્યો હોય ? પાટીઆ પર લખેલી વાનગીઓ મારા કામની નહોતી. કાઉન્ટર પર ડ્રીંક બનાવતા ભાઈને મેં વાત કરી. તે અંદર જઈ તેમની પત્ની ‘જેની‘ને બોલાવી લાવ્યા; અહીં બૂમ પાડીને બોલાવવાનો રિવાજ નથી, તે સમજાયું. જેનીનું આખું નામ જેનીફર હતું. જેની રસોડાનું કામ સંભાળે. શાકાહારી તરીકે હું શું ખાઈ શકું અને શું નહીં તેની વિગતે ચર્ચા કરી. તેની પાસે બટેટા, ડુંગળી, ટમેટાં, ગાજર, વગેરે હતાં. આપણાં દેશમાં હોત, તો તેનું રસાવાળું શાક બનાવી, ભાત સાથે ખાઈ લેવાત. પણ અહીં તે શક્ય નહોતું. અહીં જમવામાં મીઠું કે મરી પણ કોઈ નહોતું લેતું, તો બીજા મસાલાની શું વાત કરવી ? વધારામાં જેની પાસે ચોખા નહોતા; આ ગામમાં ભાત કોઈ ન ખાય. જેનીએ સૂચન કર્યું કે બાજુમાં સુપરમાર્કેટ હજી ખુલ્લી છે. ત્યાંથી પમ્પકીન, બ્રોકલી અને બીન્સ લઈ આવી, મેં જેનીને આપ્યા. તે રસોડામાં જઈ કામે લાગી ગઈ.

એક બીઅર લઈ ટીવી જોતો હું બેઠો. અહીં પબમાં ટીવી અચૂક હોય. મોટે ભાગે ટીવી પર લોકોને ‘હોર્સ રેસીંગ‘ કે ‘ડોગ રેસીંગ‘ જોવામાં રસ હોય. હોટેલવાળા રેસનું બેટીંગ પણ લે.

થોડી વારે જેની મારી પ્લેટ લઈને આવી. પ્લેટ પરની સજાવટ જોઈ, હું અચરજ સાથે ખૂબ ખુશ થયો. જેનીની આવડત, ઉત્સાહ અને સમજણનું આ મહાન પ્રતિબિંબ હતું. ‘મેશ્ડ પોટેટો‘માં ડુંગળી અને મીઠું ભેળવેલાં, પમ્પકીન, બ્રોકલી, બીન્સ અને ગાજરના ટૂકડા તથા લીલા વટાણા માખણમાં સોંતળેલાં, બધું અલગઅલગ ગોઠવેલું, બટેટાની ગરમ ચીપ્સ, ચીઝની બે સ્લાઈસ ભુંગળું વાળીને મૂકેલી તથા માખણ ચોપડેલા ટોસ્ટ સાથે ટમેટાં, ડુંગળી ને ગાજરનું સેલાડ. બે નાની વાટકીમાં ટમેટો સોસ અને માયોનાઈઝ મૂકેલા. આ નવી જાતનું જમણ જમવાની મજા આવી. જમીને પૈસા આપવા ગયો ત્યારે કહે, ‘મને આજે તમારી પાસેથી ઘણું શીખવાનું મળ્યું. તેમાં પૈસા આવી ગયા.‘

‘બરચીપ‘, ‘પનોલા‘, ‘મજી‘, વગેરે ઘણાં ગામોની મુલાકાત પણ આવી જ રોમાંચક અને યાદગાર રહી છે. દરેક અનુભવમાં મને એ વાત સમજાઈ છે કે ‘માણસને માણસ ગમે છે.‘

મેલબર્ન. e.mail : pvaghani@hotmail.com

સંદર્ભ : * https://opinionmagazine.co.uk/subcategory/15/opinion/4

Loading

...102030...4,0684,0694,0704,071...4,0804,0904,100...

Search by

Opinion

  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે
  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !
  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 
  • ચલ મન મુંબઈ નગરી —315

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved