Opinion Magazine
Number of visits: 9697159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તિલકા

'ધૂમકેતુ'|Opinion - Short Stories|7 November 2013

મોતીરામને પહેલાં તો નવાઈ જ લાગી. કોઈ દિવસ બે શુકન વિના ગોપાળની વાત ન કરનારી તિલકા આજે આ શું બોલી રહી હતી ?

એણે એક પળ તિલકા સામે જોયું. એના ચહેરામાં ખરેખર કાંઈક ફેરફાર હતો. એણે જે કહ્યું તેની સચ્ચાઈ ત્યાં બેઠી હતી. પણ એ તો તિલકાનું ભલું પૂછવું ! ઘડી ઘડીના રંગ બતાવનારને હાથે પાછો પોતે મૂરખ ન બની જાય તે માટે મોતીરામ સંભાળથી બોલ્યો, ‘’લે, આજ તો તારી રસોઈ પણ કાંઈ ઓર બની છે ! કાંઈ થયું છે કે શું ?’

’થાય શું ? મારી રસોઈ તો હમ્મેશાં આવી જ હોય છે. પણ તમારું મન ઠેકાણે હોય તો ને ? પણ મેં કહ્યું એ વાત કેમ ખાઈ ગયા ? ગોપાલને ક્યારે બોલાવો છો ?’

’બોલાવીશું, બોલાવીશું. હજી તો હમણાં જ ગયો છે !’

‘હમણાં શેણે ગયો છે ? આજ દિવસ થાશે પંદર !’

‘પણ એક–બે મહિના રહેવા દે. ત્યાં મામી જરાક ખોખરો કરશે, તો તારો જીવ લેતો આળસશે ! હું એને બોલાવું તો આહીં આવશે કે પછી તારે એની એ પંચાત ! નાતાં, ખાતાં, વાત કરતાં, રમકડાં આપતાં રડ, રડ ને રડ ! બે મહિના ભલે ત્યાં રહ્યો !’

‘પણ મને સૌ ખાઈ જાય છે.’

‘એ તો બોલે સૌ. બે દી બોલશે. એમને જો વીતે, તો ન બોલે !’

તિલકાની આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યાં.

મોતીરામ બોલ્યા : ‘અરે ! પણ એમાં રડે છે શાની ? બીજા બોલે છે; પણ મેં કહ્યું છે તને કંઈ?’

‘તમે કહ્યું નથી; પણ મને હવે તો જાણે સૌ કહી રહ્યાં છે!’

‘સૌ એટલે કોણ કોણ ? એક તો આપણાં ઝમકુકાકી હશે. એ ચોવીસે કલાક નવરાં છે!’

તિલકા આંખ લુછીને ગંભીર થઈ ગઈ : ‘મને સૌ કહી રહ્યાં છે. ઝમકુકાકી પણ નહીં ને જડાવમામીયે નહીં. એ કોઈ કાંઈ બોલતાં નથી; પણ બીજાં મને બોલી રહ્યાં છે !’

‘એકનું નામ લે ને !’

‘એક તો જાણે – આ તમારી જુઈની વેલી !’

‘જુઈની વેલી !’

મોતીરામ સાંભળીને નવાઈ પામી ગયો ! પહેલાં તો એ કાંઈ સમજ્યો નહીં. પોતાની બીજી વહુ પણ ગાંડી થઈ ગઈ કે શું ? એવું એને મનમાં લાગતાં એ ગભરાટમાં પડી ગયો. એની પહેલી વહુ નર્મદા સુવાવડમાં ગાંડી થઈને મરી ગઈ હતી ને છ વરસના ગોપાળને સાચવવાનું એના માથા પર આવ્યું હતું. એણે માન્યું હતું કે તિલકા એ છોકરાને જાળવી લેશે. પણ તિલકા તો દિવસના એક હજાર રંગ દેખાડનારી અજબની બાઈ નીકળી ! ગોપાળને સાચવવાનો તો એક બાજુએ રહ્યો; પણ ગોપાળના વાંક વિનાની એક વાત એની પાસે ન હોય ! તેલ ગોપાળે ઢોળ્યું હોય. પ્યાલો ગોપાળને સંભારતાં ફૂટી ગયો હોય. દાળ દાઝી હોય તો પ્રતાપ ગોપાળનો હોય. દૂધ ઊભરાઈ ગયું હોય; પણ એ તો ગોપાળ કૂતરાની પાછળ દોડતો હતો ને પોતે એને લેવા દોડી તેમાં એમ થયું હોય !

આખા ઘરની ગેરવ્યવસ્થા ગોપાળને નામે ચડતી. ગોપાળને નામે બધી જ વાત બનતી. અને હમ્મેશાં સાંજે તો આ છોકરાથી થાકીને તિલકાએ રોવાનું જ બાકી રાખ્યું હોય !

ને તે ય મોતીરામના દેખતાં જ શરૂ થાય.

એટલે મોતીરામ થાકીને ગોપાળને એના મામાને ત્યાં મૂકી આવ્યો હતો. ત્યાર પછી ઘરમાં શાન્તિ હતી. પણ તિલકાને આજે આવી વાત કરતી જોઈને મોતીરામ આશ્ચર્યમાં પડી ગયો ! એને પહેલાં લાગ્યું કે સૂરજ પશ્ચિમમાં ઊગવાનો કે શું?

પણ જુઈની વેલીની વાત સાંભળીને તો એ ગભરાટમાં પડી ગયો! એને થયું કે તિલકા પણ ગાંડપણને પંથે વળી કે શું?

તેણે તેની સામે જોઈને કહ્યું : ‘આવી ગાંડી વાત શું કરે છે ? જુઈની વેલી ક્યાં ય બોલતી હશે?’

‘જુઈની વેલી તો બોલે છે; પણ પેલો કરણનો છોડ પણ બોલે છે ! એ પણ કહે છે, બાઈ, તારો દીકરો તેં ક્યાં મુક્યો?’ તિલકા કંઈક આવેશથી બોલી.

‘લે હવે ગાંડાં કાઢ મા, ગાંડાં. બોલ, આજે આપણે જાવું છે સિનેમામાં ?’

‘ગોપાળ વિના નહીં !’ તિલકા બોલી.

‘પણ તને થયું છે શું, તિલકા ? કેમ આમ અચાનક ગોપાળની વાત કરવા મંડી છે ? એક મહિનો એ ભલે ત્યાં રહ્યો .’

‘પણ મને જાણે તમારું આખું ફળી ઠપકો આપતું સંભળાય છે !’

‘હવે ઘેલાં કાઢ મા, ઘેલાં !’

મોતીરામ સમજી શક્યા નહીં કે આવો અચાનક ફેરફાર તિલકામાં ક્યાંથી આવી ગયો ? એણે ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે આવા અચાનક ફેરફારો ગાંડપણની આગાહી કરે છે. આ તિલકા પણ ગાંડી થઈ જશે તો દુનિયા આખી એને હસશે!

તે હાથ ધોઈને એકદમ ઊભા થઈ ગયા : ‘તને બતાવવાનું તો હું ભૂલી ગયો,’ તે પ્રેમથી બોલ્યા, ‘આપણા ફોટા આવ્યા છે !’ તે બહાર જઈને કોટના ખીસ્સામાંથી ફોટા લઈ આવ્યા.
પણ તિલકાએ તો તેની સામે પણ જોયું નહીં!

મોતીરામને આ ફેરફારનું મૂળ સમજાયું નહીં.

એટલામાં ત્યાં ફળીમાં રહેનારી કાળવી કૂતરી બારણે આવી ચડી. મોતીરામને નવાઈ લાગી. તિલકા આ કૂતરી સામે જોઈ રહી હતી. એમને લાગ્યું કે ખરેખર, આ તો ગાંડપણની શરૂઆત લાગે છે. તેની પછવાડે ચાર નાનાં ગલુડિયાંની લંગાર લાગી હતી. એટલામાં તો ‘બીચ્ચારાં’ એમ બોલીને તિલકા ત્યાંથી તરત ઊભી થઈ ગઈ.

મોતીરામને એની વાતમાં કાંઈ સમજ પડી નહીં. કૂતરીનાં ચાર ગલુડિયાં તરફ જોઈને એમને કાંઈક સાંભરી આવ્યું હોય એમ બોલ્યા : ‘આની ભેગાં બે બીજાં બચ્ચાં કોનાં આવ્યાં છે ? આ પણ આખાં મલકનાં ભેગાં કરે છે !’

તિલકા મોતીરામને જવાબ આપતી હોય તેમ ધીમેથી બોલી : ‘હું પશુમાંથી પણ ગઈ એમ ?’

‘શાની વાત કરે છે ?’ મોતીરામે ઉતાવળે પૂછ્યું.

‘આ બધાં બચ્ચાં આનાં નથી, એ તમને ખબર છે ?’

મોતીરામને નવાઈ લાગી. તેણે વાત આગળ વધારવા માટે જ કહેવાની ખાતર કહ્યું : ‘ના.’

‘ત્યારે જુઓ. પેલી આપણી લાલ કૂતરી બે દિવસ પહેલાં મોટરમાં આવી ગઈ અને  એના ફૂદડેફૂદડાં થઈ ગયાં !’

‘અરર ! પણ એને તો બીચારીને બે બચ્ચાં હતાં !’

‘તે બે દી તરફડતાં રહ્યાં. રોતાં ફર્યાં. ત્રીજે દિવસે આ કાળવીએ પોતાનાં બે બચ્ચાં સાથે એમને પણ જાળવી લીધાં છે! આજ બે દિવસ થયા હું એ જ જોયા કરું છું. એનાં બચ્ચાં પેલી મરેલી માનાં બચ્ચાંને લડે છે, તો આ કાળવી નમાયાંનો પક્ષ ખેંચે છે! અને આ તો પશુ છે ! મને લાગે છે, મને આ આખું ફળી જાણે એકલી બેઠી હોઉં ત્યારે ઠપકો આપે છે ! તું પશુમાંથી પણ ગઈ !’’ અને તિલકા રોટલો લાવીને પેલાં બચ્ચાં પાસે ભૂકો કરવા બેસી ગઈ. મોતીરામ એ જોઈ રહ્યો. એટલામાં તિલકાની આંખમાંથી દડદડ આંસુ પડવા માંડ્યાં. તે પોતાના પાલવથી આંસુ લો’તી બોલી : ‘તમારે મને પશુમાંથી ન કાઢવી હોય તો ગોપાળને તેડાવી લ્યો. આ તમામ વૃક્ષો ને ફળી પણ જાણે મને કાંઈક કહી રહ્યાં હોય એવું લાગે છે. હું પશુથી પણ નપાવટ થઈ ગઈ, એમ ?’

મોતીરામ તો વાતનો આવો અંત જોઈને પળવાર સ્તબ્ધ જ થઈ ગયો !

એટલામાં તિલકા બોલી : ‘તમે ગોપાળને બોલાવવાનું કરશો તે પછી જ મારે ઘી ખપે તેમ છે. આ પશુને કોણ કહેવા આવ્યું હતું કે તું નમાયાંને સંભાળી લેજે ? એને કોણે કહ્યું, કહો !’

‘અરે ! આવી વાતમાં તે શું જીવ રાખે છે ?’ મોતીરામ બોલ્યા.

‘તમે મને પેલી વાત કહી હતી તે મને સાંભરે છે. પેલા એક સાધુ હિંદ છોડી જતા હતા ત્યાં ત્રણ નમાયાં કૂતરાંનાં બચ્ચાંને જોઈને, પોતાના અંચળામાં એમને રાખી લીધાં. એ કોની વાત છે ?

‘એક સાધુ હતા. અતીશા એનું નામ.’

‘એ હૃદય કેવું હશે ? – જેણે પેલાં ત્રણ નમાયાં બચ્ચાંને પોતાનાં કરી લીધાં !’

(મૂળ નામ : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જન્મ : 12 ડિસેમ્બર 1892 − અવસાન : 11 માર્ચ 1965)

– ‘ધૂમકેતુ’ની વાર્તાઓ (સમ્પાદક : અનન્તરાય રાવળ : ‘આપણો સાહિત્ય–વારસો’ : ૧૯૭૩ – પાંચ પુસ્તકોનો સમ્પુટ, આવૃત્તિ પહેલી : ૨૬ જાન્યુઆરી, ૧૯૭૩, આ પાંચેય પુસ્તકોના સમ્પુટની કિમત રૂપિયા – દસ, પ્રકાશક :  મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, ૧૫૬૫ સરદારનગર, ભાવનગર–૩૬૪ ૦૦૧) પાન ૧૩૩ પરથી સાભાર .. : ઉત્તમ ગજ્જર)

સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ : નવમું – અંક : 282 – November 03, 2013

Loading

નો નોનસેન્સ

રમેશ અોઝા|Samantar Gujarat - Samantar|7 November 2013

સંકુચિત રાજકારણ કરનારાઓને હંમેશાં ઉછીના અાઇક્નની જરૂર પડે છે. આનું દેખીતું કારણ એ છે કે તેમની પાસે પોતાના આઇકન હોતા નથી અને તેઓ જેને પ્રેરણામૂર્તિ સમજે છે એનું પ્રજામાનસમાં આદરભર્યું સ્થાન હોતું નથી. સંકુચિત રાજકારણ કરનારાઓ કોઈ ખાસ પ્રજાવિશેષ માટે ધિક્કારનું રાજકારણ કરતા હોય છે અને સમાજમાં ધિક્કાર ફેલાવનારાઓ કેટલાક લોકોમાં લોકપ્રિય હોઈ શકે છે, પરંતુ સમગ્ર પ્રજામાં આદરણીય હોતા નથી. પ્રજાસમગ્રમાં આઇકન એ જ બની શકે છે જે ઉદારમતવાદી અને માનવતાવાદી હોય, આમ પણ કુદરતનો નિયમ છે કે મહાસાગરમાં જ મોટાં માછલાં પેદા થાય છે, ખાબોચિયામાં વહેલ માછલી પેદા ન થાય. આમ ખાબોચિયાનું રાજકારણ કરનારાઓએ કોઈના મહાસાગરમાંથી ઉછીની વહેલ અપનાવવી પડે છે. આ તેમની નિયતિ છે.

સંકુચિત રાજકારણ કરનારાઓ કોઈના ઉછીના લીધેલા કે તફડાવેલા આઇકનને પોતાને અનુકૂળ બનાવવાના કામમાં લાગે છે. દરજીકામ કરવું પડે છે. પોતાનાં નાનાં કદને અનુરૂપ થાય એ રીતે વિરાટ માણસને વામન બનાવવાની તેમને જરૂર પડે છે. મહારાષ્ટ્રમાં સિવસેનાએ છત્રપતિ શિવાજીને આ રીતે વામન બનાવવાની ચેષ્ટા કરી છે. શિવાજી મહારાજ તેમના યુગનાં વિરાટ પુરુષ હતા. તેમના જેટલી વ્યાપકતા અને દીર્ઘદ્રષ્ટિ તેમના સમકાલીન રાજવીઓમાંથી કોઈ નહોતા ધરાવતા. તેઓ ભારતના પહેલા રાષ્ટ્રવાદી હતા. તેમણે હિન્દવી સ્વરાજની જે વાત કરી હતી એનો અર્થ હિન્દુઓનું સ્વરાજ એવો નહોતો થતો, પણ હિંદનું સ્વરાજ એવો થતો હતો. તેમની શાસનનીતિ અને વહીવટીતંત્રમાં સર્વસમાવેશકતા જોવા મળતી હતી. શિવ સેનાએ હિન્દવી સ્વરાજનો અર્થવિપર્યાસ કરીને હિન્દુઓનું સ્વરાજ એવો કર્યો હતો. શિવાજી મહારાજ સાથે આનાથી મોટો દ્રોહ બીજો કોઈ ન હોઈ શકે. શિવાજી મહારાજ દરેક અર્થમાં મહામાનવ હતા, પરંતુ શિવ સેનાએ તેમને હિંદના અઈક્નમાંથી મહારાષ્ટ્રના પ્રાદેશિક આઇકન બનાવી દીધા છે.  સંકુચિત રાજકારણ કરનારાઓ વટવૃક્ષને બોન્સાઈ કરવાનું પાપ કરે છે.

ભારતીય જનતા પક્ષ સહિત સંઘપરિવાર બીજી આવી એક જમાત છે જે અન્ય પ્રજાના ધિક્કારનું સંકુચિત રાજકારણ કરે છે. તેમની પાસે પણ કોઈ પોતીકા આઇકન નથી. તેમની વિચારધારા એડોલ્ફ હિટલર, મુસોલિની અને વિનાયક દામોદર સાવરકરની નજીક છે, કહો કો તેમનાથી પ્રેરિત છે.  ખરું પૂછો તો આ તેમના આઇકન છે, પરંતુ તેમનું નામ લેવામાં અને તેમનું જાહેરમાં ઋણ સ્વીકારવામાં તેમને શરમ આવે છે. આનું કારણ એ છે કે હિટલર, મુસોલિની અને સાવરકર ધિક્કારના આઇકન છે.  They are icon of hatred, not of love. તેઓ પ્રજા વચ્ચે ધિક્કારનું રાજકારણ શીખવાડી ગયા છે અને માટે ધિક્કારને પાત્ર છે. અહીં એક હકીકત નોંધવા જેવી છે. તમે ભલે દ્વેષ અને ધિક્કારનું રાજકારણ કરતા હો, સમાજમાં સ્વીકાર મેળવવા માટે તમારે આંગળી તો તેની જ પકડવી પડે છે જે પ્રેમ કરતાં અને આપતાં શીખવાડી ગયા છે.

સંઘપરિવારે ભારતના આધુનિક ઇતિહાસમાંથી બે આઇકન ઉછીના લીધા છે અથવા તફડાવ્યા છે. આ બે આઇકન છે; સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વામી વિવેકાનંદને ફ્રેંચ સાહિત્યકાર રોમાં રોલાએ હિંદુ ધર્મના નેપોલિયન બોનાપાર્ટ ગણાવ્યા હતા. એ એટલા માટે કે વિવેકાનંદે હિંદુ ધર્મમાં રહેલ પૃથ્થકતા અને સંકુચિતતાને હટાવીને તેને વધુ વ્યાપક અને સ્વીકૃત બનાવ્યો હતો. સંગઠીત ધર્મ જ્યારે પૃથ્કતાવાદી (exclusive) મટીને ઉદાર અને સમાવેશક (inclusive) બને છે ત્યારે એ વધારે સ્વીકાર્ય બને છે અને ફેલાય છે. રોમાં રોલાએ વિવેકાનંદને આ અર્થમાં નેપોલિયન સાથે સરખાવ્યા હતા. સંઘપરિવાર સ્વામી વિવેકાનંદને વામન-બોન્સાઇ બનાવી રહ્યો છે. તેમના સંકુચિત રાજકારણને વિરાટ વિવેકાનંદ પોસાય એમ નથી.

જો કે સ્વામી વિવેકાનંદને વામન બનાવવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. આનું કારણ એ છે કે વિવેકાનંદ ખૂબ લખીને અને બોલીને ગયા છે. વિવેકાનંદ સાહિત્યનાં દસ ખંડોમાં હિંદુ ધર્મ વિષે, તેની વ્યાપકતા વિષે, સર્વસમાવેશક ભારતીય રાષ્ટ્ર વિષે, ઇસ્લામ વિષે, હિંદુ-મુસ્લિમ સંબંધો વિષે, અન્ય ધર્મો વિષે, ચાતુર્વણ્ય વિષે, હિંદુ ધર્મની મર્યાદાઓ વિષે, પાશ્ચત્ય સંસ્કૃિતની ખૂબી અને મર્યાદા વિષે વિગતે વાત કરી છે. ટૂંકમાં, વિવેકાનંદ આપણા યુગનાં well-documented ફિલોસોફર છે. વિવેકાનંદની આ ખૂબીના કારણે સંઘપરિવાર તેમનાં દર્શન સાથે ચેડાં કરી શકતો નથી.  વિવેકાનંદનાં સાહિત્યમાંથી તેમને એવું એક કથન જડતું નથી જે તેમને તેમના હિન્દુત્વના દર્શનને પુષ્ટિ આપતું હોય. તમારા ધ્યાનમાં જો હજુ સુધી આ વાત ન આવી હોય તો હવે પછી નજર રાખજો; સંઘપરિવાર વિવેકાનંદને આઇકન તરીકે વાપરે છે, પરંતુ તેઓ ક્યારે ય વિવેકાનંદને ટાંકતા નથી.

વિવેકાનંદથી ઉલટું, સરદાર પટેલ તેમને વધુ માફક આવે છે. આનું એક કારણ એ છે કે સરદાર પટેલને કોગ્રેસે છોડી દીધા છે. કોગ્રેસનું જ્યારે એકચક્રી સામ્રાજ્ય હતું ત્યારે તેમને નેહરુ-ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અને તેમનું યોગદાન નજરે પડતું નહોતું. પરિવારનો જયજયકાર કેટલેક અંશે પરિવારને ગમતો હતો અને કેટલેક અંશે કોગ્રેસીઓ ભાટાઈ કરતા હતા એનું પરિણામ હતું. સરવાળે સરદાર પટેલને કોગ્રેસે અન્યાય કર્યો છે એ એક હકીકત છે. કોગ્રેસે અન્યાય તો સુભાષચન્દ્ર બોઝ સાથે પણ કર્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સંકુચિત રાજકારણ કરતા નથી એટલે તેમણે સુભાષબાબુનો આઇકન તરીકે ઉપયોગ નહોતો કર્યો.

સરદાર પટેલ સંઘપરિવારને સૌથી વધુ માફક આવે છે એનું કારણ સરદારનું હિંદુ તરફી રાજકારણ નથી, સરદારનું મૌન છે. આગળ કહ્યું એમ વિવેકાનંદે કેટલા બધા વિષયો પર કેટલું બધું ચિંતન કર્યું છે અને એને અભિવ્યક્ત કર્યું છે. વિવેકાનંદથી ઉલટું સરદારનું વૈચારિક સાહિત્ય છે જ નહીં. જેમાં સરદારનું વિઝન કે અાઈડિયોલોજી (વિચારધારા) મળતાં હોય એવો એક પણ લેખ આ લખનારના જોવામાં નથી આવ્યો. સત્ય, અહિંસા, લોકશાહી, કોમવાદ, સેક્યુલરિઝમ, સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, પશ્ચિમી સભ્યતા, રાષ્ટ્રવાદ, વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ જેવા સામાજિક પ્રશ્નો વિષે વલ્લભભાઈના વિચારો આપણે જાણતા નથી. તેમના વૈચારિક લેખોનો સંગ્રહ કરવો હોય તો ૨૫ પાનાંની બુકલેટ પણ ન થાય. સરદાર શુદ્ધ રાજકારણી હતા. સંગઠન શક્તિ કમાલની હતી. કોઠાસૂઝ અને વ્યવહાર બુદ્ધિમાં તેમની તોલે કોઈ ન આવે. એટલે તો ગાંધીજીએ તેમને સરદાર તરીકે બિરદાવ્યા હતા. સરદાર વિચારક નહોતા. બહુ કંઈ ખાસ વાંચતા પણ નહોતા. વૈચારિક કાથાકૂટમાં તેમને રસ નહોતો. તેમણે બેસીને કોઈ વિષયે કોઈ લેખ લખ્યો નથી. પત્રો અને ભાષણોમાં રાજકીય અને વ્યાવહારિક વાત જ લખતા અને કહેતા હતા.

સરદારની આ કોરી પાટી સંઘપરિવારને ખૂબ માફક આવે છે. ખોટી વાત વિવેકાનંદના મોમાં ન મૂકી શકાય, કારણ કે તરત વિવેકાનંદના શબ્દબદ્ધ પ્રકાશિત અભિપ્રાય સામે ધરી શકાય છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કરી શકાય છે. એમ તો આ જમાતે વચ્ચે સુભાષચન્દ્ર બોઝ અને ભગતસિંહને પણ હાથ લગાડવાની કોશિશ કરી હતી, પરંતુ એ પછી તેમને એમાં જોખમ દેખાયું હતું. આ બન્ને જણ પોતાના વિચારો લખીને અને બોલીને ગયા છે અને એ માફક આવે એવા નથી. સરદાર બિચારા ક્યાં કંઈ લખી કે બોલી ગયા છે અને છાપેલો શબ્દ તો છે જ નહીં એટલે આરોપો જે વિચાર આરોપવા હોય એ સરદાર પર. શિવસેના શિવાજી મહારાજ સાથે દ્રોહ કરી રહી છે એના કરતાં પણ મોટો દ્રોહ સંઘપરિવાર વલ્લભભાઈ સાથે કરી રહ્યો છે. વલ્લભભાઈના કોરા કેન્વસ પર આ લોકો પોતાને માફક આવે એ રીતે વલ્લભભાઈનું ચિત્ર દોરી રહ્યા છે. સરદારનું Hindu communal re-construction થઈ રહ્યું છે. ભારતીય ઇતિહાસમાં જેને ‘લોખંડી પુરુષ’ અને ‘સરદાર’ તરીકે ઓળખવામાં આવે છે એનું પિગ્મી અને કદરૂપા સાંચામાં re-construction થઈ રહ્યું હોય એનાથી મોટી પીડાજનક ઘટના બીજી કઈ હોઈ શકે અને એનાથી મોટું બીજું પાપ કયું હોઈ શકે.

આ રાજકારણ છે અને નરેન્દ્ર મોદીના યુગનું રાજકારણ છે જેમાં મોદી સિવાય કોઈ સલામત નથી. મોદીને સુંદર દેખાડવા માટે સરદારને કદરૂપા કરવા જરૂરી છે.

e.mail : ozaramesh@gmail.com

Loading

2013ની મેન બુકર નવલ, ધ લૂમિનરીઝ [The Luminaries] અને જ્યોતિષ શાસ્ત્ર

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Literature|6 November 2013

જ્યોતિષ શાસ્ત્ર, ખગોળવિદ્યા અને અંક શાસ્ત્રનું જ્ઞાન – વિજ્ઞાન ભારતીય પ્રણેતાઅોને − અાર્ય ભટ્ટ અને વરાહમિહિરે પાંચમી સદીમાં ખૂબ વિકસાવ્યું અને તે ભારતીય જન-જીવનનું અંગ બની ગયું. ભારતીય લોકો – અને એશિયા ખંડના મોટા ભાગના લોકો – જ્યોતિષ શાસ્ત્ર અને રાશિ નક્ષત્ર વગેરે વિધાનોમાં અંગત રસ ધરાવે છે અને પોતાના જીવનના વિધિ વિધાનમાં ઉપયોગ કરતા હોય છે.  પશ્ચિમિ સંસ્કૃિત અને પ્રજા બુદ્ધિપ્રધાન [reason / logic] રહી છે. અાવી મંત્ર-તંત્ર-જંત્ર વિદ્યામાં અાસ્થા ધરાવતી નથી અને અાવા જ્ઞાન-વિજ્ઞાનને humbug / occult જેવા શબ્દોથી નવાજી નકારી કાઢે છે. એ લોકો માટે અાપણા ભૂચક્રની બાર રાશિઅો – કુંભ, કર્ક, મકર, તુલા, વગેરે વગેરેથી ભખાતાં ભવિષ્ય હાસ્યજનક લાગે છે.

અૉક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં પશ્ચિમી સાહિત્યજગતમાં એવી એક ઘટના ઘટી જેનાથી જ્યોતિષ-રાશિ-નક્ષત્ર વિદ્યા પર ધ્યાન ખેંચાયું છે. અને હવે અા વિદ્યા ચર્ચાનો વિષય બની રહી છે. એ જ્ઞાન – વિજ્ઞાનને એક મોટી મહોર મળી, એ પણ એક મજબૂત સાંસ્કૃિતક સંસ્થા પાસેથી − મૅન બુકર પ્રાઇઝ. એક કટાર લેખિકાએ મંતવ્ય અાપ્યું છે :

An interest in the mysterious ways of the zodiac has been given the stamp of approval from no less a hefty pillar of cultural establishment than the Man Booker Prize.

બ્રિટનના સાહિત્ય જગતમાં મૅન બુકર સાહિત્યિક પારિતોષિકની નામના − અને ઈનામની 50 હજાર પૌંડની રકમ − અહમ રહ્યા કરી છે. બ્રિટન અને સાથી દેશો – કૉમનવેલ્થ દેશોમાં – અંગ્રેજીમાં લખાતી નવલકથાઅો માટે મૅન બુકર પારિતોષિક એનાયત કરવામાં અાવે છે. અા બધા કૉમનવેલ્થ દેશોમાંથી પ્રકાશકો લેખકોની કૃતિઅોને બુકર સમિતિને મોકલી અાપે છે. સમિતિના ચૂંટાયેલા ચારપાંચ નિર્ણાયકો [judges] એમાંથી અહમ નવલકથાઅોની એક લાંબી યાદી બનાવે છે અને એ કૃતિઅોને વાંચી, મનન કરી, એક બીજી ટૂંકી યાદી બનાવી એ પાંચછ નવલનું ફરી વાચન-મનન થાય છે. અૉક્ટોબર મહિનામાં એમાંથી એકને પસંદ કરી, લેખકને વિજેતા જાહેર કરી, સન્માન અકરામ અાપી મૅન બુકરની વિધિ સમાપ્ત થાય છે. ચાલુ વરસની છ માતબર નવલકથાઅોમાં ન્યુઝીલૅન્ડની 28 વર્ષીય લેખિકા ઇલેનોર ડેટોનની નવલ, ‘ધ લૂમિનરીઝ’ને બુકર ઈનામ એનાયત થયું.

ઈલેનોર ડેટોનની નવલની અનેક વિશેષતાઅો રહી છે. પહેલું તો એ કે મૅન બુકર પારિતોષિકના 45 વર્ષના ઇતિહાસમાં ‘ધ લૂમિનરીઝ‘ લાંબામાં લાંબી – 832 પાનાંની નવલ રહી છે. બીજી વિશેષતા એટલે અત્યાર સુધીના વિજેતાઅોમાં ઈલેનોર ડેટોનની ઉંમર – નાનામાં નાની – ઉંમર 28 વર્ષની. અને એક અહમ – મોટામાં મોટી વિશેષતા એટલે નવલના બાર પાત્રો અને એમનું વર્તન, નવલનું બાર પ્રકરણોનું માળખું જ્યોતિષ શાસ્ત્રના સ્તંભ પર ઊભું કરવામાં અાવ્યું છે. એક કટાર લેખિકા એ માળખાનું વર્ણ કરતાં લખે છે : Fiendishly intricate structure inspired by the movement of the planets through the 12 signs of the zodiac.’

ઈલેનોર ડેટોન પોતે જ કહે છે કે મને જ્યોતિષ – નક્ષત્ર – જ્ઞાનવિજ્ઞાન પર એક મોટો લગાવ છે, રસ છે અને રાશિઅોનું જ્ઞાન છે એટલે ‘I read my horoscope and take astrology very seriously’ અને પછી અા ઉમેરો કરે છે ‘although I am less a believer more of an admirer or a happy wonderer.’

ઈલનોર ડેટોનનાં માતાપિતા અમેરિકી છે, પણ પ્રૉફેસરી સારુ અમેરિકા છોડી કીવીના દેશમાં, ક્રાઇસ્ટચર્ચ નામે શહેરમાં, અાવી એમણે વસવાટ કર્યો. અને પછી તો બન્ને નવા મુલકનાં નાગરિક પણ બની ગયાં. લેખિકાની ઉંમર ત્યારે પાંચ વર્ષની હતી. અા દેશમાં ભાઈબહેન સંગાથે વસવાટ એમણે કર્યો અને કીવી દેશની પ્રકૃતિ તેમ જ માઅોરી પ્રજાની સભ્યતા માટે અનહદ માન મમતા લાગ્યાં. અા દેશ માઅોરી સભ્યતા માટે પ્રેમ-તાલમેલ ધરાવે છે. ઘરમાં ટી.વી. જેવું અાધુનિક સભ્યતાનું સાધન પણ નથી વસાવ્યું !

ઈલેનોર ડેટોનનો બીજો પ્રેમ-રસ અંક શાસ્ત્ર છે. તેમાં પુષ્કળ રચ્યાંપચ્યાં ય રહે છે. 28ના અાંકડાએ એમના પર જાદુઈ અસર કરી છે. ઈલેનોર ડેટોન 28ના અાંકડાના મંત્ર-તંત્ર-જંત્ર પર લખે છે : 28માં વર્ષે મને, કીવી લેખકને ઈનામ મળે છે. 28 વર્ષ પછી બુકર ઈનામની હું બીજી કીવી લેખક વિજેતા છું. મારી પોતાની રાશિ શનિ છે અને શનિ ગ્રહ પૃથ્વીની પ્રદક્ષિણા 28 દિવસમાં પૂરી કરે છે ! એમને 28ના અાંકડા પર કંઈક નવું જ ભાસે છે. કહે છે : The way that I see astrology as a repository of thought and psychology. And a system we’ve created as a culture, as a way to make things mean things.’

વારુ, અા દિવસોમાં એક તારણ અાવ્યું છે કે પશ્ચિમી સંસ્કૃિતમાં – સમાજમાં ધર્મની ગહનતા, માન્યતા ઢીલી થતી જાય છે અને જ્યોતિષ વિદ્યા − occult રાશિ જ્ઞાન તરફ સમાજ ખેંચાયો છે. 2013નું મૅન બુકર પારિતોષિક ‘ધ લૂમિનરીઝ’ને એનાયત થયું એ એની એંધાણી તો નહીં હોય ?!! ‘A search for meaning and a desire to feel part of a story !!’

[‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD West Midlands B73 5PR U.K.]   

Loading

...102030...4,0674,0684,0694,070...4,0804,0904,100...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved