Opinion Magazine
Number of visits: 9525671
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના અમૂલખ રતનની રક્ષાનું મૂલ

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|25 May 2013

આજે ગુજરાતના એક એવા પનોતા પુત્રની વાત કરવી છે જેની રક્ષાનું મૂલ્ય થઈ શકે તેમ નથી. ‘પનોતા પુત્ર’ શબ્દની સાથે વાચકના મનમાં કદાચ ભક્ત અને સમાજ સુધારક નરસિંહ મહેતાનું નામ ઝબકે. શક્ય છે કે કોઈને વિશ્વ વંદનીય મહાત્મા ગાંધીનું સ્મરણ થાય. સાહિત્યના રસિયાઓને મન સ્વ. કનૈયાલાલ મુનશી અને મનુભાઈ પંચોલી – ‘દર્શક’નું દર્શન થાય. રાજકારણની રમણામાં રચનારાને ભલે કદાચ સંત પ્રકૃતિના સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્ય મંત્રી સ્વ. ઉ. ન. ઢેબર જીભે ચડે. મારા મનમાં આજે એક વેપારી-ઉદ્યોગપતિની વાત રમે છે. જો કે ગુજરાતે નાનજી કાળિદાસ જેવા ઉત્તમ ઉમદા ઉદ્યોગપતિ આપ્યા છે, પરંતુ આધુનિક લાખોપતિ એમને થોડા જાણે?

મારો અંગુલી નિર્દેશ છે મુકેશ અંબાણી ભણી. ગયા માસના અખબાર ‘The Independent’માં મુકેશ અંબાણીને સરકાર દ્વારા વી.આઈ.પી. પોલિસ સુરક્ષા અપાઈ એવા સમાચાર વાંચવામાં આવ્યા. તરત મનમાં સવાલ ઊઠ્યો, કોઈ પણ વ્યક્તિને એવી સુરક્ષાની જરૂર ક્યારે અને શા માટે પડે? શું તેઓ આપણા દેશ અને સમાજ માટે અત્યંત મહત્ત્વના છે? બુદ્ધ, મહાવીર કે ગાંધી આવા વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કરતાં વધુ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. પણ તેમને દુશ્મનો નહોતા કેમ કે એમની પાસે મિલકત નહોતી અને તેથી તેમની સુરક્ષાનો સવાલ નહોતો. જયારે અંબાણીતો ૨૭ માળના મકાનના અને ૧.૩૦ બીલિયન પાઉન્ડના ધણી છે! આથી જ તો ૨૪ સશસ્ત્ર પોલિસ કોન્સ્ટેબલ ચોવીસ કલાક એમનું રક્ષણ કરવા રોકવામાં આવ્યા છે.

સાચું પૂછો તો મુકેશ અંબાણીને કોનો આટલો બધો ભય છે? શા માટે તેઓ આટલા ડરે છે? તેઓ શું ખોટું કામ કરે છે? આમ તો એ એક સફળ વેપારી-ઉદ્યોગપતિ છે. મહેનતની કમાણી છે, પુષ્કળ નફો કરે છે. કોઈ ગેરકાયદે કામ તો નથી કરતા. કહે છે કેટલાક અંતિમવાદીઓ તરફથી તેમને ધમકી મળી છે. કોણ છે એ અંતિમવાદીઓ? શા માટે મુકેશ અંબાણીને ધમકી આપી? સરકારે એ અંતિમવાદીઓની માગણી જાણીને તેનો નિવેડો લાવવાની જરૂર છે કે મુકેશ અંબાણીને પિંજરમાં પૂરી દેવા જરૂરી છે?  સરકાર પોતાના પગલાને વ્યાજબી ઠરાવવા કહે, ‘અંબાણી દેશની ધરોહર છે માટે તેનું રક્ષણ કરવું સરકારની ફરજ છે’, તો શું આપણા દેશના પ્રજાજન સરકારની ધરોહર નથી? બાળકોનાં સ્વાસ્થ્ય અને  સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી કોની? એ ફરજ શું અંબાણી નિભાવશે? લોકો સરકાર પાસે ધા નાખે છે, ‘અમને અન્યાય, બળાત્કાર, ખૂન વગેરે જેવા ગુનાઓથી બચાવો’, તો સરકાર કહે છે, ‘જાઓ ગણપતિની પૂજા કરો’. હા, ગણપતિએ જ કરવું રહ્યું. કેમ કે ગણપતિનો અર્થ છે; ગણ=લોક=સમૂહ, તેનો પતિ=નાયક એટલેકે વડા પ્રધાન. અંબાણીનું મૂલ્ય ૧૪ બીલિયન પાઉન્ડ ગણાય છે, તો શું દેશના નાગરિકોનું મૂલ્ય શૂન્ય ગણાય?

જો કે મુકેશ અંબાણીના નરેન્દ્ર મોદી સાથેના મીઠા સંબંધોને કારણે આ ધમકી મળ્યાનું કહેવાય છે. પ્રશ્ન એ છે કે એના બીજા પણ મળતિયા, સાગરિતો છે એને પણ આ આતંકવાદીઓ મારશે? અન્યાય અને અસમાનતાના પ્રતિક સમા વેપારી-ઉદ્યોગપતિઓનું માથું વાઢવાથી સમાજમાં ન્યાય અને સમાનતા આવશે કે બીજા એવા જ મૂડીપતિઓ ફૂટી નીકળશે? એના કરતાં મૂડી પરનો એકાધિકાર અને તેની આટલી સામાજિક તથા રાજકીય મહત્તા ઘટાડવી એ જ ઉત્તમ ઉપાય છે એમ એ ક્રોધે ભરાયેલ લોકોને સમજાવવાની જરૂર છે. એમ જાણ્યું છે કે દર મહિને ૧૧,૦૦૦ પાઉન્ડ સુરક્ષાના ખર્ચ પેટે અંબાણી આપશે, એનાથી રાજી થવા જેવું ખરું? જરા વિચારીએ તો સવાલ થાય કે એ પૈસા તેની પાસે ક્યાંથી આવશે? એ શું ખેતર ખેડવા કે મજૂરી કરવા જાય છે? એના નોકરિયાતોને નિયમિત પગાર, પેન્શન વગેરે નહીં અપાતું હોય કે નફાનો બહુ મોટો ભાગ તેના ગાદલા નીચે છુપાવ્યો હોય તો જ આટલી મોટી રકમ એ ફાળવી શકે.

મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિઓ કે સંગઠનો સાથે વાટાઘાટ કરીને તેમના પ્રશ્નોનું નિરસન કરી તેમાં મુકેશ અંબાણીનો શો ફાળો છે એ મુદ્દો ચર્ચીને આ વાતનો નિવેડો લાવવો એમાં જ સરકારનું ડહાપણ સાબિત થશે. મુકેશ અંબાણીને કેટલા બધા દુશ્મનો હશે કે ચોવીસ કલાક પોલિસ પહેરો ભરે? જો એટલી સંખ્યામાં ખરેખર દુશ્મનો હોય તો તેણે ગુનો કર્યો હોવો જોઇએ અને તો એનો ય ન્યાય થવો જોઈએ. એક વ્યક્તિ ગેરરીતિ આચરતો રહે, પ્રજા તેનાથી ઉશ્કેરાય એટલે સરકાર તેનું રક્ષણ કરે એ સાચો ઉપાય છે કે તે એક વ્યક્તિને સમાજના હિતમાં આચરણ કરવાની ફરજ પાડે એ ખરો રસ્તો છે? જો કે અત્યારની ગુજરાતની સરકાર પાસે આવા નૈતિક પગલાંની આશા રાખવી એ જાણે બ્રિટનના બેન્કર્સ પાસેથી નાના ઉદ્યોગ-ધંધાના માલિકોને યોગ્ય વ્યાજના દરે પૈસા ધીરવાની ફરજ પાડવા જેવું છે. 

ગુજરાતના સર્વમાન્ય અમૂલ્ય પુત્ર ગાંધીજીએ કહેલું, ‘હું જીસસના બધા આદેશોનું પાલન કરી શકું, સિવાય કે એક. જિસસે કહેલું ‘લવ ધાય એનીમી’ એ હું ન કરી શકું કેમકે મારે કોઈ દુશ્મન નથી.’

આજે જેની કિંમત નગદ નાણામાં મપાય છે એવા મુકેશ અંબાણી ભલે પોતાને મન અને એમની સાહસિકતાનો લાભ મેળવતી સરકારને મન અમૂલખ હોય પણ એનું ત્રાજવું સમગ્ર પ્રજાની સામે નમવું ન જોઇએ. ગુજરાતની મૂલ્ય વગરની પ્રજા વતી મુકેશ અંબાણીને અનુરોધ કરવા ચાહું છું કે ‘ખૂબ વેપાર કરો, મોટા ઉદ્યોગો સ્થાપો, પણ એટલી મૂડી શા સારુ એકઠી  કરો છો કે તમારી સાત પેઢીને ખાતાં ય ન ખૂટે? કેમ કે એમ કરવાથી તમારી આ પેઢીના ભાંડરુઓની ભૂખ ટળતી નથી. મહિનાના ૧૧,૦૦૦ પાઉન્ડ તમારી સુરક્ષા પાછળ આપીને સરકાર અને લોકો પર ઉપકાર કર્યાનો સંતોષ મેળવશો કદાચ તમે, તેના કરતાં એ જ મૂડી રોજગારીની તકો ઊભી કરવામાં રોકશો તો તમારી જાનનો ખતરો ઊભો કરનારા કહેવાતા આતંકવાદીઓ તમારા જ પ્રસંશકો બનશે. ભાઈ મારા, અમારી આ વિનતી સ્વીકારી જોશો તો તમારું અને ભારતની અમૂલ્ય પ્રજાનું ભલું થશે.’

e.mail : 71abuch@gmail.com

Loading

વર્તમાન પેઢીને બેરોજગારી ભરખી જશે?

સનત મહેતા|Opinion - Opinion|25 May 2013

દુનિયા એકવીસમી સદીમાં પ્રવેશી, ત્યારે સહુથી વધુ ઉજ્જવળ ભવિષ્યની આશા વિશ્વના યુવકોને  હતી, કારણ ૧૯મી સદીમાં ઠીક એવું આયુષ્ય ભોગવી લીધેલી પેઢીએ તો બીજું વિશ્વયુદ્ધ જોયુ હતું. એણે હિરોશીમાં ફેંકાયેલા અણુબોમ્બનો વિનાશ જોયેલો અને સાથોસાથ ચંદ્ર ઉપરનું ચંદ્રયાન  મારફત  પહોંચેલા માનવીને પણ જોઈ લીધેલો. ૨૦મી સદીની સંધ્યાએ જન્મેલા અને એકવીસમી સદીમાં ૧૫થી ૨૪ વરસમાં પહોંચેલા યુવકો તો સમૃદ્ધ અને રંગીન વિશ્વનાં અનેક સપનાં સેવી રહ્યા હતા. એમણે તો – કમ્પ્યુટર, આધુનિક સંદેશાવ્યવહાર, મોબાઇલ ફોન જેવી, ઇ-મેઈલ જેવી અને ઇન્ટરનેટયુકત દુનિયા જોઈ, એ તો સ્વર્ગમાં રાચવા માંડેલા. પણ એકવીસમી સદીનો પહેલો દસકો પૂરો કરી ૧૫થી ૨૪ વરસની ભરયુવાનીમાં પહોંચેલી યુવાપેઢીને ૨૦૧૨ અને અત્યારે કેવો અનુભવ થઈ રહ્યો  છે? અમેરિકા, જાપાન અને યુરોપિયન યુનિયનનાં રાષ્ટ્રોના આ યુવકોને સપને ય ખ્યાલ નહોતો કે ૨૦૧૨ના વરસમાં સંપૂર્ણ રોજગારીને બદલે હૃદય વિદારક બેરોજગારી આવી પડશે !



પણ હકીકત એ છે કે, આજની પળે ૧૫થી ૨૪ વરસની ઉંમરનાં ૩૦ કરોડ યુવક યુવતીઓ બેરોજગાર છે. ફ્રાન્સના ઊંચા એફિલટાવરની છાયામાં જીવતા પેરિસના પરામાં ૪૦ ટકા બેકારી છે. પેરિસથી માંડી છેક આફ્રિકાના કેપટાઉન સુધી આવી જ પરિસ્થિતિ છે, નવોદિત દક્ષિણ આફ્રિકામાં અંદાજે બેરોજગારીનું પ્રમાણ પંચાવન ટકા છે. વધેલી આ બેરોજગારીમાં સહુથી બૂરી હાલત દુનિયાના એ યુવકોની છે કે જે ન ભણે છે કે ન એની પાસે રોજગાર છે, ન એ કોઈ તાલીમ લે છે. અર્થશાસ્ત્રીઓએ હવે આવા યુવકોને નવું ઉપનામ ‘NEET’ આપ્યું છે, ન એમ્પ્લોયમેન્ટ; ન એજ્યુકેશન; ન ટ્રેનિંગ; એટલે કે ‘નીટ’ OECDના નામે ઓળખાતા સમૃદ્ધ ગણાતાં રાષ્ટ્રોમાં આવા ‘નીટ’ યુવકોની સંખ્યા ૨.૬૦ લાખ છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાનો અહેવાલ કહે છે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં છવીસ કરોડ યુવકો આર્થિક દ્રષ્ટિએ કામ વગરના છે.


અર્થશાસ્ત્રની ભાષામાં કહી શકાય કે એક અમેરિકા જેટલી વસ્તી બેરોજગાર છે. અમેરિકાની વસ્તી ૩૧ કરોડ છે, જ્યારે દુનિયામાં ૩૦ કરોડ યુવકો બેકાર છે. આવી પરિસ્થિતિ જન્માવવામાં બે બળોએ મુખ્ય ભાગ ભજવ્યો છે. એક તો પશ્ચિમ દેશોમાં વિકાસ લાંબા સમયથી ધીમો પડવાના કારણે કામ કરનારની માગમાં ઘટાડો થયો છે, બીજી તરફ ભારત અને ઇજિપ્ત જેવા દેશો જ્યાં વસ્તીનો મોટો વધારો થયો છે ત્યાં નવી રોજગારી વધતી અટકી ગઈ છે. ઊલટું જૂની રોજગારી પર તરેહ તરેહના કાપ આવી રહ્યા છે. વળી સમગ્ર વિશ્વમાં રોજગારીના કાનૂન એવા છે કે જેમા નવી ભરતી થયેલા યુવક કારીગરોને છૂટા કરવાનું આસાન છે તો બીજી તરફ લાંબી નોકરીવાળા કારીગરોને  છૂટા કરવા મુશ્કેલ છે.



વિશ્વભરના રાજનેતાઓ બોલે છે કે આ બેરોજગારીનો એકમાત્ર ઉપાય વિકાસને તેજીલો બનાવવાનો છે. પણ આ કરવાનું બોલવા જેવું સહેલું નથી. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું ઊંચું પ્રમાણ જોઈ, આ દેશોમાં ચૂંટણી ટાણે બેકારી ભથ્થાની માગણી વધી રહી છે. પણ બીજી બાજુ જર્મની જ્યાં વિશ્વમાં યુવકોની બેરોજગારીનું પ્રમાણ ઠીક એવું નીચું છે અને જેની આર્થિક હાલત યુરોપિય દેશોમાં ઘણી સારી છે ત્યાં આજે પણ બેકાર યુવકને રોજગારી ન આપી શકાય તો એને છેલ્લે મળતી રોજીનું અમુક પ્રમાણ બે વરસના લાંબાગાળાના સુધી રાહતરૂપે અપાય છે. ઉત્તર યુરોપિય દેશોમાં પણ બેકારીભથ્થું અને મફત તાલીમ જેવી સગવડો અપાય છે. પણ આ નીતિ ખુદ દક્ષિણ યુરોપના દેવામાં ડૂબેલા દેશોને આજે પોસાતી નથી. તો વિકાસશીલ દેશોને ક્યાંથી પોસાશે ?



બેરોજગારી બધાને કઠે છે પણ કેટલાંક રાષ્ટ્રોમાં, રોજગારી, ભણતર કે તાલીમ આ ત્રણેયથી એક યા બીજા કારણે વંચિત રહી ગયેલાની હાલત અત્યંત સ્ફોટક બની રહી છે. કારણ સમગ્ર વિશ્વના કુલ ૧૫-૨૪ વયના યુવકોનો ચોથો ભાગ આવી સ્થિતિમાં જીવી રહ્યો છે. ૨૦૧૨માં દક્ષિણ પૂર્વ એશિયામાં ૩૧ ટકા, પૂર્વ એશિયા અને પેસિફિકના દેશોમાં ૧૮.૪ ટકા; સબ સહારા આફિ્રકામાં ૨૧.૬ ટકા; મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ૪૦.૬ ટકા ; લેટિન અમેરિકામાં ૨૩.૨ ટકા અને યુરોપ અને એશિયામાં ૨૪.૪ ટકા રોજગારીની તલાશમાં છે અને જેની પાસે રોજગારી છે તેમાં પણ અનૌપચારિક અને કામચલાઉ રોજગારીવાળાની સંખ્યા સારી એવી છે. સમૃદ્ધ દેશોમાં ૩૩ ટકા લોકો કોન્ટ્રેકટ મજૂર છે.



રાષ્ટ્રનો વિકાસ ઝડપી બને, સમૃદ્ધિ વધે તેમ તેમ  સામાજિક વધારો થાય છે. પણ પછી મંદી આવે, વિકાસ ધીમો પડે, રાષ્ટ્રો દેવાદાર બને ત્યારે સામાજિક સલામતીની ચુકવણી ગળામાં ઘંટીનું પડ બની જાય છે. બહુ ઓછાને ખ્યાલ હશે યુરોપમાં ૨૦૧૧માં સામાજિક સલામતીની ચુકવણી ગૌરવની વાત મટી ૧૫,૩૦૦ કરોડ ડોલરનો બોજ લાગવા માંડી હતી. બેરોજગારી વધે છે ત્યારે એના વેતનના દર નીચા જાય છે અને આવા સમયે જે યુવકો રોજગારી મેળવતા થાય એનું વતન નીચું હોય છે. અને આ ધક્કો મોટો લાગે છે. સારા સમયની તુલનામાં આવા યુવકોને ૨૦ ટકા જેવું નુકસાન જીવનપર્યંત વેઠવું પડે છે.



આ બધા પ્રવાહો પરથી એવો આભાસ થાય છે કે, એકવીસમી સદીમાં સોનેરી સપના સાર્થક થવાનું બાજુમાં રહી એક આખી પેઢીને આ વ્યાપક બેરોજગારીની અવળી અસર થશે. આ વૈશ્વિક સંદર્ભમાં ભારત કે જ્યાં દર વરસે ૧૨૦ લાખ નવા લોકો રોજગારીને લાયક બને છે ત્યાં રોજગારી વધારવી એ કટોકટી સર્જી શકે તેવો પ્રશ્ન બની રહ્યો છે. રાજકીય નેતૃત્વના દિમાગને આની ગંભીરતા કે અગત્ય બહુ દેખાતા નથી. ૨૦૧૪માં આ  સવાલ મુખ્ય નહીં બને તો દેશની શાંતિ અને સ્થિરતા બંને જોખમાશે.

(લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે)

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, May 23, 2013

Loading

‘The IPL Pied Piper’

Keshav|Opinion - Cartoon|24 May 2013

courtesy :"The Hindu", 24 May 2013

Loading

...102030...4,0604,0614,0624,063...4,0704,0804,090...

Search by

Opinion

  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 
  • બિહારમાં ‘હાર’ એન.ડી.એ.ના ગળામાં …
  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved