Opinion Magazine
Number of visits: 9697063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વરંગોની એક મેઘધનુષી કલ્પનાનો નવસંસાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 December 2013

નેલ્સન મંડેલા :-

'તમે અમને એક બેરિસ્ટર મોકલી આપ્યો હતો, પણ અમે તમને મોકલી આપ્યા તે મહાત્મા હતા …’



આવતી કાલે (08 ડિસેમ્બર 2013) 2014 માટેના કેવા સંકેતો પાંચ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાંથી વરતાશે એના અજંપે અધ્ધરજીવ આપણ સહુ – સવિશેષ અલબત્ત થાઉં થાઉં થનગન, રહું રહું રંજન અને આવું આવું અંજન સહુ – નજર સામેની નાની લડાઈઓ અને ટૂંકી ગણતરીઓમાં છેક ખોવાઈ ન જઈએ એવું એક નિમિત્ત શુક્રવારે (06 ડિસેમ્બર) વહેલી સવારે સંપડાવી આપ્યું : મદીબા (પિતામહ) મંડેલા હવે આપણી વચ્ચે નથી. દક્ષિણ આફ્રિકાની આ પિતૃપ્રતિના થોડાં વરસોથી નિવૃત્તવત્ હતી, અને તાજેતરના મહિ‌નાઓમાં તો ગમે ત્યારે શ્વાસનો હિ‌સાબ પૂરી કરી શકે તેમ હતી. પણ શું અત્યારે – અને આવનારાં લાંબાં વરસો લગી – એ હાજરાહજૂર હતા, છે અને રહેશે.



બિલકુલ, બિલકુલ, લિવિંગ પ્રેઝન્સ. મહાત્મા ગાંધી વિશે મદીબાનું એક ચોંટડૂક, બેલાશક ભરીબંદૂક વિધાન છે કે, તમે (હિંદે) અમારે ત્યાં એક બેરિસ્ટરને મોકલી આપ્યા હતા, પણ અમે (દક્ષિણ આફ્રિકાએ) તમને મોકલી આપ્યા તે 'મહાત્મા’ હતા આ ક્ષણ – ગાંધીઘડતરની લાંબી દાસ્તાંમાં જવાની અલબત્ત નથી. પણ વિશ્વઇતિહાસમાં ગાંધીઘટનાએ જે પરિવર્તનનાં પરિબળોને ચાલના અને દિશા આપી તેના એક આગવા, પોતીકી તરેહના નવોન્મેષરૂપ મંડેલાને સમજવાની, સરાવવાની, સંભારવાની છે.



ગાંધીનું ત્યાં હોવું, એના કંઈક કૌતુકરાગી સ્મરણ સિવાય દક્ષિણ આફ્રિકા વિશે કેટલું ઓછું જાણીએ છીએ આપણે બર્લિ‌નની દીવાલ તૂટી અને સોવિયેત સામ્રાજ્યનું વિઘટન થયું, એક અર્થમાં દુનિયા અમેરિકી વડપણ હેઠળ એક ધ્રુવી જેવી બની રહી તે વરસોમાં વિશ્વવિમર્શમાં કોઈ મોટું નવું પરિમાણ દાખલ થયું હોય તો એ પૂરાં સત્તાવીસ સત્તાવીસ વરસોના જેલવાસ પછી બહાર આવી લગારે કટુતા વગર પણ ઠંડી તાકાત સાથે અશ્વેત મંડેલાએ દક્ષિણ આફ્રિકાની રંગવિદ્વેષી શ્વેત સંસ્થાનશાહીના પુરજે પુરજા શાંતિમય રીતે ઉકેલવાનું કર્યું તે હતું. આ એક ચોક્કસ જ કપરું કામ હતું; કેમ કે મંડેલા અને એમનો પક્ષ લાંબી સશસ્ત્ર કારવાઈમાં પડેલા હતા.

આ કામ કપરું એ સારુ પણ હતું કે ગોરી લઘુમતી રાજ પરથી કબજો છોડવા કે ઘોર રંગભેદી, ધરાર અમાનવીય તોરતરીકા છાંડવા તૈયાર નહોતી. પણ જેમ મંડેલા તેમ સામી છાવણીમાં, એક શ્વેત પ્રતિભા -નામે દ કલાર્ક પાસે લાંબી ઇતિહાસ દૃષ્ટિ સાથે પાયાની સમજ અને નૈતિક સાહસ હતાં કે શાંતિ અને ન્યાયની નવી સૃષ્ટિ વગર આપણું ઠેકાણું પડવાનું નથી. ર્જીણમતિ ઝનૂનીઓને ખાળતા રહીને એમણે એક નવી સમજૂતીનો રાહ લીધો. રંગભેદી ઠોકશાહીને બદલે સર્વસમાવેશી પ્રતિનિધિક લોકશાહીનો એ રાહ હતો. જેમણે જુગ જુગથી વેઠયું હતું એ અશ્વેત જનો માટે અને યાવચ્ચંદ્ર દિવાકરૌ જેમણે સત્તાભોગવટો કીધો હતો તે શ્વેત જનો માટે અઘરો પણ ઇતિહાસદૃષ્ટિએ અનિવાર્ય એવો આ રાહ હતો.



આ પ્રક્રિયામાં, તમે જુઓ કે, બન્યું એવું કે મંડેલા (ગઈકાલ સુધી જેલમાં હતા તે મંડેલા) અને કલાર્ક (ગઈકાલ સુધી પ્રમુખના મહેલમાં હતા તે કલાર્ક) ઉપપ્રમુખ થયા, અને મંડેલા પ્રમુખ ૧૯૯૩માં બંનેને સંયુક્તપણે શાંતિ નોબેલ અપાયું એ સૂચક એટલી જ સાર્થક બીના છે. શાંતિનો અર્થ અન્યાય પરત્વે શરણાગતિ ન હોઈ શકે, અને ન્યાય હરહંમેશ રક્તરંજિત જ હોય એવું કોણે કહ્યું? શાંતિની વ્યાખ્યા મધર ટેરેસામાં સીમિત ન હોઈ શકે, માનવ હક્ક માટેની વાલેસાની લડાઈ પણ સક્રિય શાંતિમાં નિહિત છે.

જે એક મોટું કામ મંડેલા હસ્તક પાર પડયું તે ટુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશનનું હતું. જેમણે રંગભેદી ગુના કર્યા હતા તે શાસકવર્ગ અને જેમણે રંગભેદના વિરોધમાં અવિવેકી – અતિરેકી હિંસા કરી હતી તે અશ્વેત વર્ગ, બેઉને પક્ષે કબૂલાતપૂર્વકની સમજનું એ એક મોટું પગલું હતું. આપણે ત્યાં 'ગઈ ગુજરી ભૂલી જાવ’નું જે વલણ દેખા દે છે એમાં આ 'ટુથ એન્ડ રિકન્સિલિયેશન’ની ભૂમિકા ક્યાં ય નાખી નજરે જણાતી નથી. મંડેલાએ કહ્યું કે, ગોરાકાળા સૌ, અને પાછી કેટકેટલી આદિજાતિઓ, એ બધા મળીને આપણે એક મેઘધનુષી સંકલના ધરાવતું રાષ્ટ્ર છીએ.



અશ્વેત મૂળકૂળના હોઈ શકતા ઓબામા જો એક તબક્કે વિશ્વઘટના શા વરતાયા હોય તો મંડેલા તો એથી પણ મોટી વિશ્વઘટના છે, કેમ કે આઝાદીની એક નવી લડાઈ પછી એમને માટે 'બ્લેક ઈઝ બ્યુટીફૂલ’ એટલું પૂરતું નહોતું – સર્વ રંગોની એક મેઘધનુષી કલ્પનાનો એક નવસંસાર હતો અને છે. અમેરિકાને આપણે 'વિદેશીઓના દેશ’ તરીકે ઓળખીએ છીએ. દક્ષિણ આફ્રિકા (જેમ બીજા પણ આફ્રિકી દેશો) જુદા જુદા આદિજાતિ કબીલાઓથી બનેલા છે.

મલ્ટિ-રેશ્યલ, મલ્ટિ-કલ્ચરલ, મલ્ટિ-ટ્રાઈબલ આ સૌને સામંતી અને સાંસ્થાનિક પરિસ્થિતિમાંથી લોકશાહીમાં સંક્રાન્ત કરવું એ કેટલો મોટો પડકાર છે, કોઈ તો કહો. તાજેતરનાં સંશોધનો પ્રમાણે આદિમનુષ્ય આફ્રિકી ઉપજ હતો, અને ગોરાઘઉંવર્ણાપીળાભૂખરા સૌ એની પેદાશ હતા. સીસમને શરમાવતી રંગપ્રતિભાની પેદાશ આપણે સૌ, કાશ, આપણાં નાનાંમોટાં અભિમાન છાંડીએ અને ભરચૂંટણીચકરાવે કે ચૂંટણીટક્કરે અગર ચૂંટણીચક્કરે યાદ રાખી શકીએ કે મનુષ્યજાતિએ હજુ લાંબી મજલ કાપવાની છે …

મદીબા, હમ મરેંગે લડતે લડતે, નહીં લડાઈ મરનેવાલી !

(સદ્દભાગ્ય : "દિવ્ય ભાસ્કર", 07 ડિસેમ્બર 2013) 

Loading

જ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે ……….

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|6 December 2013

પ્રશ્ન : શું કરવું ?

ઉત્તર : ચીભડાં બીજી વાડમાં વાવવાં.

પ્રશ્ન : બધી વાડ ચોર માસિયાઈ બહેન હોય તો શું કરવું ?

ઉત્તર : દરેક ચીભડાંને વ્યક્તિગત અંગરક્ષક આપવો.

પ્રશ્ન : મોટા ભાગના અંગરક્ષકો વાડના માલિકોના સાગરીતો નીકળે તો શું કરવું ?

ઉત્તર : જરા થોભો, તમે કઈ વાડ અને કયાં ચીભડાંની ચિંતા કરો છો ?

પ્રશ્ન પૂછનાર દલા તરવાડી : અરે ભાઈ, ક્યાંથી શરૂ કરું ? મા-બાપ અને કુટુંબની બનેલ વાડ નંબર એક. એનાં ચીભડાં તે એમનાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો. શાળા-મહાશાળાઓનાં સંકુલો તે વાડ નંબર બે. તેમાં ભણનારાં ભૂલકાં, બાળકો અને યુવાનો તે એમાંનાં ચીભડાં. ચર્ચના પાદરીઓ, મસ્જિદના ઈમામ અને મંદિરના મહંતોની જમાત તે વાડ નંબર ત્રણ. જે તે ધર્મના શ્રદ્ધાળુઓ, અનુયાયીઓ અને ભક્તો થયાંને તેમનાં ચીભડાં ? પંચાયતના સભ્યો, સરપંચ, ધારાસભ્યો, લોકસભાના સભ્યો, મંત્રીઓ અને પ્રધાનમંત્રી એ બધા ભેળા મળીને રચે વાડ નંબર ચાર. એમને ચૂંટીને સત્તારૂઢ કરે તે આમ પ્રજા તે ચીભડાં જ કે બીજું કાંઈ ? સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ (જેને આધુનિક યુગમાં Non-Government Organisationsના રૂપાળા નામથી ઓળખવામાં આવે છે) એ વળી નવી વેજા છે, એટલે એ થઈ વાડ નંબર પાંચ. એના લાભાર્થી વંચિત અને પછાત પ્રજાને મળે ચીભડાંનું બિરુદ. ડોકટરો અને વૈદ્યનાં લશ્કરની વાડ તે આપણી વાડ નંબર છ. જેના વિના ચાલે નહીં અને જેની પાસે જવું પાલવે નહીં તેવી. તો દર્દીઓ ચીભડાં કહેવાય. પોલિસ અને ન્યાયતંત્રને ગાંઠે બાંધો તો વાડ નંબર સાત બને. ગુનાઓના ભોગ બનેલા અને ન્યાયતંત્રની અડફેટે આવેલા તમામ ત્રસ્ત લોકો ચીભડાંની કક્ષામાં મુકાય. બોલો, હજુ વધુ વાડના પ્રકાર અને ચીભડાંની જાત ગણાવું ? અહીં એક નોંધ લેવી ઘટે કે કોઈ વ્યક્તિ એક કરતાં વધુ વાડમાં સક્રિય હોઈ શકે અને કોઈ એક ચીભડું એક કરતાં વધુ વાડ દ્વારા ગળવામાં ય આવે એવું બને. 

જે મા-બાપ પાસે બાળક સહુથી વધુ સુરક્ષિત હોય, જ્યાં એને નિર્વ્યાજ પ્રેમ મળે, જ્યાં એનું યોગ્ય લાલન-પાલન થાય એ જ જન્મદાતા તેને જન્મતાની સાથે ત્યજી દે, તેની અવગણના કરે, પૂરતું પોષણ ન આપે, શોષણ કરે, અત્યાચાર કરે, મજૂરી કરાવે, કાઢી મૂકે અને અંતિમ કિસ્સાઓમાં જાન પણ લે એવું બને ત્યારે એ ચીભડું ક્યાં જાય ? એવી જ રીતે સ્ત્રીઓ અને વૃદ્ધોનું જે કુટુંબમાં સ-આદર ભરણ-પોષણ થવું જોઇએ, કાળજી ભરી સંભાળ લેવાવી જોઇએ એ જ ઘરના સભ્યો સ્ત્રીને તરછોડી દે, શારીરિક-માનસિક ત્રાસ આપે, વડીલોની અવગણના કરે એવું પણ બને છે. અધૂરામાં પૂરું એ ત્રસ્ત બાળક, સ્ત્રી કે વૃદ્ધ કુટુંબની વાડ ઠેકીને કોઈ સામાજિક સંસ્થાની વાડમાં પનાહ લે તો ત્યાં ય વળી બાલાશ્રમ કે વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓ પણ ભલું હોય તો ખાતર-પાણી પાઈને ચીભડાંની સંભાળ રાખે, નહીં તો એમને તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. 

વિદ્યા મંદિરમાં ઈશ્વરદત્ત બુદ્ધિ પ્રતિભારૂપી બંધ કળીઓ લઈને ભૂલકા આવે તેમને અક્ષર અને અંક જ્ઞાનની દાંડી પર ચડતાં શીખવી મહાશાળા સુધી પહોંચતાં સુધી પૂર્ણ વિકસિત સુગંધિત પુષ્પ બનાવે તેવા શિક્ષકો અને અધ્યાપકો હોવા જોઇએ, તેને બદલે શિક્ષણને વેપારી ત્રાજવે તોળીને પોતાના પગાર કે પરિણામના નફા-નુકસાનની ગણતરી કરનારા શિક્ષકો અને અધ્યાપકો ભાવિ પેઢીની તમામ સંભવિત શક્તિઓ ગળી જાય છે. સરકારી નિશાળો નધણિયાતી થવા લાગી એટલે ખાનગી શાળા-મહાશાળાઓનો રાફડો ફાટ્યો. તેમાં તો વળી બૌદ્ધિક અને વૈચારિકની સાથે આર્થિક પાસાનું પણ સુનામીનાં ધોરણે ધોવાણ ચાલે છે. શાળાના શિક્ષકો ભણાવે નહીં એટલે ‘ટ્યુશન’ નામની એક શૈક્ષણિક પેટા વાડમાં (કેવો મોટો ઉપહાસ છે આ શિક્ષણ શબ્દનો?) ચીભડાં ઊગવાં મુકાય છે જેમાંથી માત્ર ખાલી તુંબડાં જ બહાર પડે છે. 

ધર્મ અને અધ્યાત્મ એ માનવસર્જિત વિભાવના છે જેનો મૂળ હેતુ માનવ માત્રને સૃષ્ટિ અને સમષ્ટિનું સમ્યક જ્ઞાન આપવાનો અને એક રૂડી આચાર સંહિતા આપવાનો હતો અને છે. ધાર્મિક પુસ્તકો અને ધર્મગુરુઓ સારા શિક્ષકોની માફક લોકોને એ જ્ઞાન ઉપલબ્ધ કરાવી આપનારા અચ્છા રાહબર હોવા જોઇએ. તેની બદલે પોતાના ધર્મનો મર્મ સમજવા માગતા જિજ્ઞાસુઓ, દુનિયાનાં દુ:ખદર્દથી તપ્ત બનેલા શ્રદ્ધાળુઓ અને ધર્મની કેડીએ ચાલવા મથનારા અનુયાયીઓને ધાર્મિક પુસ્તકોમાંના લખાણનો અવળો અર્થ સમજાવીને તથા કહેવાતા સાધુ, સંતો, મહંતો અને પુરોહિતો અનેકાનેક રૂઢ રીત-રિવાજોમાં ફસાવીને પ્રજાને ગેર માર્ગે દોરી જવાનું દુષ્કૃત્ય કરતાં લજાતા નથી. ધર્મ આજે લોકને સુરક્ષિત રાખનારી વાડને બદલે વાડાબંધી કરનારી કાંટાળી હિંસક વાડ બની રહ્યો છે. પાદરી, ઈમામ કે મહંત તેમને શરણે આવેલાનું જાતીય શોષણ કરે કે ભોળવીને લૂંટ ચલાવે તો ધર્મ પ્રિય પ્રજા કઈ વાડમાં માથું ટેકવવા જાય?

સ્થાનિક, પ્રાન્તીય, રાજ્ય સ્તરની અને રાષ્ટ્રીય કક્ષાએ વહીવટીય માળખામાં સ્થાન ભોગવતા હોદ્દેદારોની ફરજ પ્રજાના અધિકારોનું રક્ષણ કરવાની રહે છે તેને બદલે પોતે અને પોતાના મળતીઅાઓને હાથે બેફામ રીતે માનવ અધિકારોનો ભંગ કરીને પણ મતદારોનું હિત જોખમમાં મુકવું એ સામાન્ય બાબત બની ગઈ છે. જુઓને, ગુજરાત હવે SEZ, SIR, PCPIR, અને DMIC જેવા પ્રભાવિત કરે એવાં ઔદ્યોગિક સંકુલોની ધરા તરીકે નવી ઓળખ પામી રહ્યું છે જેની બાકીના ભારત દેશને ઈર્ષ્યા આવે છે. આ પદ કેમ મળ્યું તે જાણીએ છીએ? એને માટે સરકારરૂપી વાડ તમામ ખેતીલાયક જમીન, જંગલો અને રહેણાક વિસ્તારની જમીનો ઓળવી જઈને દેશ-વિદેશના પાંચ અતિ ધનાઢ્ય ઉદ્યોગ સાહસિકોને ચરણે ધરી દીધી, ત્યારે આ શક્ય બન્યું છે. બ્રિટિશ સરકારે દુષ્કાળના સમયમાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં કર નાખ્યો તેના વિરોધમાં બારડોલીનો સત્યાગ્રહ થયો અને આજે એ જ ખેડુ સાવ નિર્માલ્ય બનીને પોતાની માતા સમાન ધરતીનું લીલામ જોયા કરે છે, એ પુરવાર કરે છે કે જ્યારે પારકો રાજા લુંટે, ત્યારે લડી-ઝઘડીને પોતાની સંપત્તિની રક્ષા કરી શકાય પણ પોતાના માઈ-બાપ સમાન સરકાર તમારો મૂળભૂત અધિકારરૂપી આજીવિકાનું સાધન ઝૂંટવી લે ત્યારે પગ પાંગળા બનીને જમીનમાં જડાઈ જાય. રાજાશાહી ઘણી વખોડાઈ, પણ યાદ છે એવા કિસ્સાઓ જ્યારે ગામના કુંભાર, ખેડુ કે વણકરની રોજી-રોટી પર કોઈ શાહુકાર કે વેપારીની બૂરી નજર પડે તો એ રાજા પાસે ધા નાખી શકતો અને તેને એવા ગીધડાઓ સામે પૂરતું રક્ષણ મળતું. હવે કોલસા અને ખનીજો મેળવવા, આધુનિકતાને નામે નવી વસાહતો ઊભી કરવા સરકાર પોતે જ નાના કારીગરો અને ઉત્પાદકોના સાધનોનું સામૂહિક લીલામ કરી મારે તો લોકશાહી હોવા છતાં લોકો કોની પાસે ધા નાખે? સરકાર સહુથી મોટી વાડ છે જે એની અંદર ઊગનારાં ચીભડાંનો સંસ્થાકીય ધોરણે સર્વનાશ કરવામાં આવે છે. જ્યારે રાજ્ય અનીતિમય રીતે માનવ અધિકારનું ભક્ષણ કરીને પ્રજાનું રક્ષણ કરવાનું ચૂકી જાય ત્યારે સામાન્ય લોકો કોની પાસે દોડે?

સરકાર જયારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ડોકટરી સારવાર, ઉદ્યોગ-વેપારની ફરજો બજાવવામાંથી હાથ ધોઈ બેસે, ત્યારે કેટલાક ઉદારહૃદયી આત્માઓ પરમાર્થી બનીને તેમની વહારે આવ્યા અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ એટલે કે Non-Government Organisationsના ધ્વજ નીચે સેવા કરવા લાગ્યા. એમના થકી ઘણાં સુકૃત્યો થયાં છે તેમાં શક નથી. તકલીફ એટલી જ છે કે સરકારી વૃદ્ધાશ્રમમાં ભૂખમરા કે અવગણનાનો ભોગ બનેલ વડીલો જયારે ખાનગી આશ્રય સ્થાનોમાં જાય ત્યાં પણ જો તેમની એવી જ હાલત થાય તો તેમને બીજે કશે જવાનો માર્ગ નથી હોતો, એ જાણતા હોવાથી ત્યાં પણ થોડે ઘણે અંશે ચીભડાં ગળવાનું બનતું હોય છે કેમ કે આખર સરકારી વૃદ્ધાશ્રમમાં રસોઈ કરનાર, નર્સિંગ કરનાર અને સંભાળ રાખનાર કર્મચારીગણ જ પૂરતા પગાર અને કામ કરવાની યોગ્ય સુવિધાના અભાવને કારણે છુટ્ટા થઈને ખાનગી ક્ષેત્રમાં આવતા હોય છે, પણ તેમની સ્વાર્થી વૃત્તિ અને ક્રૂરતાને પાછળ છોડી નથી આવતા.

વૈદકીય – ડોકટરી સારવાર એ એક ઉમદા વ્યવસાય ગણાતો જેમાં સેવાની ભાવનાવાળા લોકો જતા. શારીરિક પીડા ભોગવતા દર્દીને મન અને શરીરની પૂરી તપાસને અંતે એમના દર્દને શક્ય તેટલું નિર્મૂળ કરવાની એ કારકિર્દીમાં ઉત્તમ તક હોય છે. એટલે જ તો આધુનિક સમયમાં લોકો અંબામા કે શિરડીના સાઈબાબાને શરણે જવાને બદલે હૃદયરોગના નિષ્ણાત કે ડાયાબિટોલોજીસ્ટ પાસે જઈને પોતાના દુ:ખ દૂર કરવાની યાચના કરે છે. પણ એ દેવ સમાન ડોકટરો જયારે દર્દી કેટલો ભોગ ધરાવી શકે છે એ ખાતરી કર્યા પછી જ તેની નાડી તપાસે અને ‘ચણે તો ચકલું નહીં તો મોર’ એ સિદ્ધાંતે મોં માગ્યા દામ લઈ, દવા પધરાવી દેનારા વેપારીઓ બને, ત્યારે લાચાર દર્દી ક્યાં જાય? વળી, સરકારી દવાખાનાઓમાં સાધનોના અભાવે અને નિષ્ણાત ડોકટરો ન મળવાને કારણે, ઉત્તમ સારવાર મેળવવાની શોધમાં ખાનગી દવાખાનાઓના પગથિયાં ઘસનારા દરીઓ દેવાના દરિયામાં ડૂબી જાય એટલે રોગ જીવલેણ ન હોય પણ ડોક્ટરની ફીઝ એમનો જાન બચાવે, તો ય કુટુંબને પાયમાલ કરે તેવી હાલત છે. એવામાં સરકારી સેવા હૈયું બાળે તો ખાનગી વેપાર હાથ કાપે એવો ન્યાય થતો હોવાથી પ્રજા તદ્દન લાચાર બને. એ કઈ વાડીમાં ખાતર-પાણી લેવા જાય?

ભારત અને તેના જેવા બીજા અનેક દેશોમાં ભ્રષ્ટાચારી પોલિસ અને ન્યાયતંત્ર એ હરકોઈ પ્રજાજનનો મોટો માથાનો દુખાવો બની ગયો છે. દુનિયાનો સહુથી મોટો લોકશાહી દેશ હોવાનું ગૌરવ લેનારો આપણો દેશ તેના નાગરિકોના રક્ષણની બાબતમાં ઘણો પછાત છે. પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોના મૂળભૂત અધિકારો અને સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમ જ સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને કાયદાઓ ઘડે, તેનું પાલન થાય છે તે જોવાની ફરજ પોલિસ દળની રહે અને તેનો ભંગ કરનારને ન્યાય તોળી સજા કરવાનું ફરમાન ન્યાયતંત્ર કરે તેવી અપેક્ષા હોય. તેમાનું કયું કામ આ વાડ યોગ્ય રીતે કરે છે? ભારતના નાનામાં નાના બાળકને પૂછશો કે સૌથી વધુ ભ્રષ્ટતા ક્યાં આચરવામાં આવે છે? તો જવાબ હશે, ‘પોલિસ અને ન્યાયતંત્રમાં.’ લઘુમતી કોમની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની હોય તે ખરું ને? બહુમતી સમાજ સાથે તેમને મુઠ-ભેડ થાય તે પોલિસને ફરિયાદ કરે બરાબરને? હવે જો પોલિસ પોતે જ લઘુમતી કોમ માટે ભેદભાવભર્યું વલણ ધરાવતી હોય તો એ શાને લઘુમતી કોમના સભ્યોનું રક્ષણ કરે, ભલા? થાકીને એ પ્રજા ધારાસભ્ય, મંત્રી કે ન્યાયાલયમાં ધા નાખે, પણ એ બધા જાતિ, કોમ અને જ્ઞાતિવાદના વાડાઓથી ખદબદતા ચોર-માસિયાઈ હોય તો લોક કોની તરફ જુએ? જ્યાં મુખ્ય મંત્રી પોતે  ઊઠીને કોમી રમખાણો શાંત કરવાં પગલાં ભરવાની સૂચના ન આપે, એટલું જ નહીં પોલિસ કે અન્ય જૂથો બહુમતી જન સંખ્યાને ભડકાવે તો પણ મંત્રીશ્રી રોમના નીરોની માફક આંખ આડા કાન કરે અને ન્યાયતંત્ર ‘અપૂરતા પુરાવાને કારણે’ એ ગુનેગારો પર કામ ન ચલાવે તો છેવટ લઘુમતી કોમના સભ્યો કોની રક્ષા માગવા જાય?

લાગે છે કે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષોમાં ઉપર ગણાવી તે બધી વાડો બેઠા બેઠા પોતાનાં જ ચીભડાં ગળવાનું કામ કર્યે જતી હતી. વૈકલ્પિક સમાજ અને અર્થ વ્યવસ્થા, વહીવટી અને ન્યાયતંત્ર ઊભા નહીં કરીએ ત્યાં સુધી ચીભડાં એક વાડથી બીજી વાડ ઠેકતાં રહેશે અને વાડ એક નહીં તો બીજાં ચીભડાંને ગળતા રહેશે.

e.mail : 71abuch@gmail.com

Loading

દુષ્કર્મ : પાવર પોલિટિક્સનું વરવું રૂપ

દીપક સોલિયા|Opinion - Opinion|6 December 2013

સેક્સ પવિત્ર ચીજ છે. એના બે પાયા છે : વાસના અને આદર. વાસના બૂરી નથી. જેમ દરિયાના પાણી પર તરંગો જન્મે એમ માણસના મનમાં વાસનાઓ (ઇચ્છાઓ) પ્રગટે જ. કુદરતી ગોઠવણ એવી છે કે યુવાન નર ગમે ત્યારે બીજારોપણ માટે તૈયાર થઈ શકે. બીજી તરફ, કુદરતની એવી પણ ગોઠવણ છે કે નારી પોતાની સ્ફૂરણા અને સમજને આધારે અમુક જ નરને નિકટ આવવા દે છે. પાત્રપસંદગી એ સ્ત્રીમાત્રનો માદાસહજ મૂળભૂત અધિકાર છે.

કુદરતની રચના તો એવી જ છે કે પુરુષ ગમે તેટલો કદાવર હોય તો પણ સ્ત્રીની અનુમતિ વિના એ સમાગમ કરી શકતો નથી. પણ કુદરતને આપણે ઘોળીને પી ગયા છીએ. શસ્ત્ર કે સામાજિક દરજ્જા જેવી કૃત્રિમ સત્તાના જોરે પુરુષો દુષ્કર્મ ગુજારી શકે છે. આવું ફક્ત પછાત માનવજાતિમાં જ શક્ય છે, સુધરેલા પ્રાણીઓમાં નહીં.

મૂળ સમસ્યા છે પાવર પોલિટિક્સની.

સેક્સ જેવી સુંદર ચીજમાં પુરુષની કૃત્રિમ સત્તાનું, ખાસ તો સંપત્તિનું રાજકારણ ઘૂસી ગયું છે. સ્ત્રીને પુરુષ પોતાની સંપત્તિ ગણતો આવ્યો છે. સ્ત્રીના મગજમાં એવું ઘુસાડવામાં આવ્યું છે કે તારું કૌમાર્ય, તારું ચારિત્ર્ય એ જ તારી 'અંતિમ મૂડી’ છે, દુષ્કર્મથી તું 'સર્વસ્વ’ ગુમાવે છે, આબરૂ ગુમાવે છે …

બકવાસ, નિર્ભેળ બકવાસ. પીડિતા આબરૂ નથી ગુમાવતી. આબરૂ તો દુષ્કર્મીએ જ ગુમાવી ગણાય. પીડિતા જે ગુમાવે છે એ છે પાત્રપસંદગીનો પોતાનો મૂળભૂત અધિકાર. આ અધિકાર પરની તરાપનું બીજું નામ છે દુષ્કર્મ.

અહીં આવે છે સેક્સના પાયામાં રહેલું બીજું તત્ત્વ. એ છે આદર. જંગલના સિંહે ગમે તેટલી વાસના છતાં સિંહણની અનિચ્છાને આદર આપવો જ પડે છે. પણ આપણામાં ઊંધું છે. આપણામાં 'સ્ત્રી તો ના પાડયા કરે’ એવી વૃત્તિને જાણીબૂઝીને વકરાવવામાં આવે છે.

'શોલે’માં પેલો વીરુ 'કોઈ હસીના જબ રુઠ જાતી હૈ તો ઔર ભી હસીન હો જાતી હૈ’ એવું ગાતાં ગાતાં બસંતીના વિરોધ છતાં (તરુણ તેજપાલ પરના આરોપ મુજબ) નફ્ફટ થઈને બસંતીના માથે પડે છે, એને જકડે છે, એને ચૂમે છે. પછી શું થાય છે? બસંતી પોલિસ ફરિયાદ કરે છે? ના, બસંતી માની જાય છે. એ જોઈને આપણે રાજી થઈએ છીએ.

મીઠાં રિસામણાં-મનામણાંની પ્રણયલીલા જેટલી સુંદર ચીજ છે એટલી જ ગંદી ચીજ છે સ્ત્રીના ગંભીર ઇન્કારને અવગણવાની વૃત્તિ. પુરુષોની આ વૃત્તિ માત્ર કાયદા-કાનૂનથી કે નૈતિકતાના ઉપદેશથી દૂર નથી થવાની. એ માટે નર-માદાએ મળીને બચ્ચાને નાનપણથી કેળવવું પડે.

દીકરો ભવિષ્યમાં બળાત્કારી ન બને એ માટે પપ્પાઓએ સમજવું રહ્યું કે પત્નીઓ એ કંઈ કાર કે મકાન જેવી પ્રોપર્ટી નથી. પત્નીને વાતે વાતે હૈડ હૈડ કરનારા અને એના વિરોધનો વીટો-પાવર દ્વારા વીંટો વાળનારા પપ્પાઓ એમના દીકરાને અજાણતાં એવું શીખવે છે કે નારી તો ના પાડે, પણ પછી એ ઝૂકે જ.

બીજી તરફ, ખુદ પોતે જે નારી છે એવી મમ્મીઓ પણ બહેન પર દાદાગીરી કરનાર ભાઈને (વહાલા પુત્રરત્નને) સીધો કરવામાં ચૂકી જાય છે. બાળક બાળક છે. ટિપિકલ ભાષામાં કહીએ તો, કૂમળો છોડ. એ સીધો ઊગે એ જોવાની ઠીક ઠીક જવાબદારી માળીની (મા-બાપ)ની છે.

આ ઉપરાંત સમગ્ર સમાજની પણ ઘણી જવાબદારી છે. માધ્યમોમાં ચારે તરફ સ્ત્રી-દેહની ઉત્તેજક નુમાઈશ જોઈને પુરુષો વકરી રહ્યા છે અને સ્ત્રીઓ વધુ બોલ્ડ થઈ રહી છે. સ્ત્રીના અધખુલ્લા શરીરથી, રમતિયાળ દિલ્લગીથી કે ઢીલા ઇન્કારથી પુરુષો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. આ બધી બાબતોને એ 'ગળાના સમ’ જેવું આમંત્રણ સમજી બેસે છે. આવામાં અબળા નારીએ પણ પુરુષની લાચારી (વાતે વાતે પાણી-પાણી થઈ જવાની ર્હોમોનલ પ્રકૃતિ) સમજવી રહી.

સ્ત્રી અને સેક્સના મામલે સૌથી સફળ પુરુષો સૌથી વધુ કન્ફ્યુઝ થતા હોય છે. એમની ગાડી બહુ જોરમાં દોડતી હોય છે. સાઇકલમાં સાદી બ્રેક ચાલે, પણ વિમાનમાં હાઇડ્રોલિક-ન્યુમેિટક બ્રેક જોઇએ. થાય છે ઊંધું. સફળતાના માર્ગે પુરુષ જેમ જેમ ઝડપ પકડે છે એમ એમ એની બ્રેક નબળી પડતી જાય છે.

એમાં વળી કેટલીક સ્ત્રીઓ પુરુષની કામુકતાનો લાભ લઈને આગળ વધવા તત્પર હોય છે એ જોઈને પુરુષો વધુ ભૂરાંટા થાય છે. એક સ્ત્રી જ્યારે સત્તાધારી પુરુષની વાસનાનો લાભ લે છે ત્યારે બીજી ભળતી જ નિર્દોષ સ્ત્રી પર ખતરો વધે છે. પેલો પુરુષ એવું માનવા લાગે છે કે અગાઉની સ્ત્રીની જેમ પછીની સ્ત્રી પણ લાભ ખાટવા તત્પર હશે. પછી લોચા પડે છે. ટૂંકમાં, સેક્સના રાજકારણમાં સ્ત્રી પણ કુશળ ખેલાડી હોઈ શકે એનો ઇન્કાર થઈ શકે તેમ નથી.

એટલું વળી સારું છે કે જઘન્ય દુષ્કર્મ નિયમ નથી, અપવાદ છે. મોટા ભાગના પુરુષો પિતા-પુત્ર-ભાઈ-પતિ-મિત્ર-પ્રેમી તરીકે ઠીક ઠીક ભરોસાપાત્ર હોય છે. પણ સ્થિતિ સુધારાને બદલે બગાડા તરફ આગળ વધી રહી છે.

એશ-ટેસ-સફળતા-ઐયાશી તેજીમાં છે. નૈતિકતા, ચારિત્ર્ય, સંયમ, વિવેકના લેવાલ ઘટી રહ્યા છે. જાતીયતાને 'અલ્ટિમેટ જલસાની ચીજ’ તરીકે બહુ વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. કામના સ્થળે સહમતી-બળજબરી-લાચારીથી બંધાતા કામ-સંબંધો વધી રહ્યા છે. સ્ત્રીની બોલ્ડનેસ જેટલી વધી છે એટલી એને પચાવવાની પુરુષોની પાચનશક્તિ વધી નથી. 'સુધરેલા સમાજ’માં પુરુષોની સરખામણીમાં સ્ત્રીની વસતિ જોખમી હદે ઘટી છે. શ્રમનું પ્રમાણ ઘટવાથી અને સુખ-સગવડ વધવાથી પુરુષોની વાસનામાં અકુદરતી વધારો થઈ રહ્યો છે.

આવી અનેક વધઘટોના સરવાળે સેક્સ-ક્રાઈમ્સ વધી રહ્યા છે. આ સ્થિતિનો મુકાબલો એકલો પુરુષ કે એકલી સ્ત્રી કરી શકે તેમ નથી. સેક્સની પવિત્રતા જાળવી રાખવા માટે નર-નારીએ આમને-સામને નહીં, અડખે-પડખે ઊભાં રહેવું પડશે. સંસારના બે મૂળભૂત પક્ષ નર અને નારી સામસામે આવી જાય એ સ્થિતિ કોઈ રીતે ઇચ્છનીય નથી.

આમ પણ જગતમાં અમીર-ગરીબ, દલિત-સવર્ણ, હિ‌ન્દુ-મુસ્લિમ, પૂરબ-પ‌શ્ચિ‌મ … આવાં અનેક સંઘર્ષોથી આપણે હાંફી જ રહ્યા છીએ.

આ બધી બબાલો ઓછી છે કે એમાં સ્ત્રી-પુરુષ સંઘર્ષ ઉમેરીએ? ના, આ ભૂલ તો કરવા જેવી નથી જ.

સદ્દભાવ : https://www.facebook.com/dipak.soliya.1/posts/10152027341785138

Loading

...102030...4,0574,0584,0594,060...4,0704,0804,090...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved